અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/મુંબઈનગરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 54: Line 54:
{{Poem2Close}}
{{Poem2Close}}
</div></div>
</div></div>
{{HeaderNav2
|previous = આષાઢ આયો
|next = ઝૂમાં - સિંહને જોઈને
}}

Latest revision as of 12:01, 21 October 2021

મુંબઈનગરી

નિરંજન ભગત

ચલ મન મુંબઈનગરી,
જોવા પુચ્છ વિનાની મગરી!

જ્યાં માનવ સૌ ચિત્રો જેવાં,
વગર પિછાને મિત્રો જેવાં;
નહીં પેટી, નહીં બિસ્ત્રો લેવાં,
આ તીરથની જાત્રા છે ના અઘરી!

સિમેન્ટ, કૉંક્રીટ, કાચ, શિલા,
તાર, બોલ્ટ, રિવેટ, સ્ક્રૂ, ખીલા;
ઇન્દ્રજાલની ભૂલવે લીલા
એવી આ શું હોય સ્વર્ગની સામગ્રી!

રસ્તે રસ્તે ઊગે ઘાસ
કે પરવાળાં બાંધે વાસ
તે પ્હેલાં જોવાની આશ
હોય તને તો કાળ રહ્યો છે કગરી!

(છંદોલય, પૃ. ૨૦૧)



આસ્વાદ: પુચ્છ વિનાના મગરનો તરફડાટ – હરીન્દ્ર દવે

મુંબઈનગરી, એ કૈં કેટલાયના કુતૂહલનું વિશ્રાન્તિસ્થાન છે. જેમણે મુંબઈ જોયું નથી, એ એને ઝંખે છે અને જે મુંબઈમાં વસે છે એ એને છોડી શકતા નથી.

કવિ અહીં મુંબઈનગરી જોવા મનને સાદ કરે છે, ત્યારે મુંબઈ માટે કેવી ઉપમા શોધી લાવે છે? પુચ્છ વિનાના મગર જેવી નગરી. પાઠ્યપુસ્તકોમાં અપાતો મુંબઈ શહેરનો નકશો જોઈએ તો આ ઉપમા સાર્થક લાગે. નકશાનું મુંબઈ પૂંછડી વિનાના મગર જેવું જ લાગે છે. પણ કવિને અહીં એથી એક વધારે અર્થ પણ અભિપ્રેત છે. મગરનું જોર, કહે છે કે એની પૂંછડીમાં જ હોય છે.

મુંબઈને પૂંછડી વિનાના મગર કહેવાની સાથે આ નગરીનો તરફડાટ અને વલોપાત આપણને અનુભવાય છે. આ શહેરમાં ક્યાંય જંપ નથી, ચેન નથી. જીવનને ક્યાંય વિરામ નથી. બીજે જિવાય છે તે કરતાં કંઈ કેટલાગણી ઝડપે મુંબઈમાં જિન્દગી જિવાતી હોય છે!

આ નગરને પૂંછડી વિનાના મગર સાથે સરખાવવાની સાથે એકજ પંક્તિમાં કવિ કેટલું બધું કહી દે છે!

આ નગરમાં માણસો ચિત્રો જેવાં છે, એવુ કહેવાની સાથે કવિને ચિત્રોનું વરણાગીપણું અભિપ્રેત હશે કે જડતા? કે પછી બંનેય? મુંબઈમાં જેટલી ઝડપથી ઓળખાણ થઈ જાય છે—અને જેટલી ઝડપે એ ઓળખાણ ભૂલી જવાય છે એ એની વિરલતા છે. પરાંની ગાડીમાં કલાકની સાથે સફર દરમ્યાન દેશ અને દુનિયાના બધા સવાલો ચર્ચતા હોય, છતાં એકમેકનું નામ ન જાણતા હોય તો નવાઈ નહીં.

મુંબઈમાં તો લોકો દોરી-લોટો લઈને ચાલી આવે છે. આ તીર્થયાત્રા માટે કોઈ ખાસ સામગ્રીની જરૂર નથી.

મુંબઈને કવિ પ્રથમ તીરથ કહે છે, પછી કહે છે, સ્વર્ગ! પણ આ નંદનવન, પારિજાત કે કલ્પતરુનું સ્વર્ગ નથી. આ સ્વર્ગની સામગ્રી છેઃ સિમેન્ટ, કોંક્રેટ, કાચ, તાર, બોલ્ટ, રિવેટ વગેરે.

કવિએ પહેલાં જ આ નગરને તરફડતું, જેની શક્તિ હરાઈ ગઈ છે એવા મગર જેવું કહ્યું છે. એટલે એ તરફડાટ ક્યારેક શમવાનોઃ ક્યારેક એ વેદના અને વલોપાત શાંત થવાનાઃ મૃત્યુના ગર્ભમાં વિલય પામવાના.

પછી તો રસ્તે રસ્તે ઘાસ ઊગશે.

અથવા એવું યે બને કે આ નગરી પર આસપાસનો સમુદ્ર પથરાઈ ગયો હોય અને પરવાળા ત્યાં પોતાના માળા બાંધતા હશે. આવું બને તો પહેલાં જો આ નગર જોઈ લેવાની તારા મનમાં આશા હોય તો જલદી કર. કાળ કરગરી રહ્યો છે, એમ કહીને કવિ કાળ હવે રાહ નહીં જુએ, એને સર્વનાશની ઉતાવળ આવી છે એમ જ કહેવા માગે છે.

મુંબઈ વિશેની આ નાનકડી કવિતા મુંબઈની વ્યથા અને વલોપાતને થોડા શબ્દોમાં જ ઉપસાવી આપે છે. આપણે ત્યાં રચાયેલી બહુ થોડી ઉત્તમ નગર-કવિતાઓમાં આ કવિનાં જ અન્ય કાવ્યોની સાથે ‘મુંબઈનગરી’નું પણ સ્થાન છે. (કવિ અને કવિતા)