અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુવીર ચૌધરી/ધરાધામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 203: Line 203:
{{Poem2Close}}
{{Poem2Close}}
</div></div>
</div></div>
{{HeaderNav2
|previous =દર્દ
|next =પંખી
}}

Latest revision as of 09:58, 23 October 2021


ધરાધામ

રઘુવીર ચૌધરી

ઊડી ઊડીને આવે પાછું મન મારું,
વિશ્રામ પામવા
વૃક્ષઘટાની છાયામાં માળા ફેરવતા
દાતાની બેઠકમાં.

કથા સાંભળું બૃહદ સરિત સાગરની,
આવે પશુપંખી ઘરઘરથી
આખી સીમ – પ્રેમની ભરતી,
વાણી વનવિહાર શી કરતી!
નદીઓ સરસ્વતીને મળતી
ગાતી ધરાધામ ભીંજવતી.

હજીયે સવાર-સાંજ પર્ણ બનેલાં
પંખીના મેળામાં ભળવા
આંખેપાંખે ફરકું
સરકું ગુણાઢ્ય પાસે, અડાબીડ જંગલમાં.

દાદાએ જે સુણ્યાં પુરાણો સરવા કાને
અવતારે એ અલક લોકને સબદસૂરમાં
મારી ભીતર જાગેરા પંખીના ધ્યાને
નીલ ગગનના દ્વાર ઊઘડે,
ધરાધામ અજવાળે.

મારું સુખ એ શ્રવણ હતું,
ખેતરના શેડે રાયણથડને અંગસંગ
જે વેલ ખીલેલી, ચાલે નભને રસ્તે,
કેવી ખિસકોલી!
હા, ખિસકોલીની પીઠ ઉપર,
લો કહો ટેરવાં કોનાં વને રમેલ?
ગર્વથી દોડતી એ બની ફુવારો
મૂળ થકી તે ફૂલ સુધી
આકાશ આંબતી પળમાં જેણે સ્વરસેતુ જગવેલ.

મોરને નચવે છે એ ઢેલ
વાડની ટોચે થોર છકેલ
ધાવતા વાછરડાની ઢેલ
બાળ વાનરના ડોળે ખેલ
ભલે હો
દાદાને ના પડતી કશી ખલેલ
પૂછતાં સમજાવે
પરબ્રહ્મ બિરાજે તેજમૂર્તિમાં
જ્ઞાની દેખે
વિલય નહીં, સહવાસ પ્રભુનો ઝંખે...
શ્રમિત અંગ પર ગોરજ રૂપી વસ્ત્ર ફરકતું
વેણુનાદમાં ધરાધામ સંચરતું
મઝિયારું આબાલવૃદ્ધ પ્રાણીનું
ખેતરના રંગોનું તોરણ બની પૂર્વમાં પંખી ઊડે
માતાઓ સેવેલાં સપનાં પાંખ પ્રસારે...

શાસ્ત્ર ઋષિનું સ્વર્ગ વર્ણવે
મને ગમે એ
કલ્પેલું પણ કાર્ય બને છે
તરણાં ટોચે તેજ રમે છે
બંધ નેત્રમાં
દૃશ્ય કોક અણદીઠ
ભવ્ય રમવા લાગે એ ક્ષણે
ચિત્ત સ્વર્ગીય હોય છે.
સૂર્ય ચંદ્ર તારા નવલખ પ્રત્યક્ષ થાય છે
ગ્રમંડિત બ્રહ્માંડ મધ્ય છે કથાકેન્દ્ર માનવ
થઈ સાવધ સબદ સાંભળે—
કલ્પેલું પરખાય, મુખોમુખ થાય
ધૂણાના અંગારામાં સ્વર્ગછબિ વરતાય.
નેત્ર આ નમે.
સ્વર્ગજે નિજનિજના એ ભલે સુરક્ષિત રહે.

મને છે ઇષ્ટ સદા હું જ ધરાધામ.
તળની માટીની માયા રગમાં રમે.
ગોઠડી ગોકુળની બહુ ગમે.
જે દિને બાળ કનૈયે માખણ મૂકી
ખાધી માટી
માતાએ મુખડું ખોલાવી
નિરખેલું ને પરખેલું બ્રહ્માંડ રમ્ય
એ પરથી સઘળા વનરાવન

મુજ ધરાધામ.
દારા મારા ઘરખેતરને પડતા મૂકી
ચાલેલા તીરથની વાટે.
શૃંગ બેરને ચિત્રકૂટને પંચવટીથી
આગળ વધતાં પહોંચેલા કો અગમ નિગમના ઘાટે.
જ્યોતિર્લિંગને શક્તિપીઠની કથા કહે વનવાસી-વાટે.

પ્રદક્ષિણા પૂરી કરતાં એ પાછા આવ્યાં.
કહે પુત્રને લે આ વિદ્યા અગમનિગમની.
પુત્ર ખેડતા હતા ધરાને સહજ ઉમંગે.
માટીની સોડમને સંગે.
આદર આપી નમી ધીરેથી કહે
વાવશું બીજી વપારે વિદ્યા સઘળી
ભલે પધાર્યા પાછાં મૂળના સરનામે.
લો બેસો છાંયે, શેઢે.
જેને તમે દીધેલું નામ
પરમનું ધરાધામ.



આસ્વાદ: ધરાધામ કાવ્ય વિશે – ઉદયન ઠક્કર

ચાલો સાથે સાથે વાંચીએ રઘુવીર ચૌધરીના ‘ધરાધામ’ કાવ્યને.

ઊડી ઊડીને આવે પાછું મન મારું વિશ્રામ પામવા વૃક્ષઘટાની છાયામાં માળા ફેરવતા દાદાની બેઠકમાં

વૃક્ષઘટાની છાયામાં માળા ફેરવતા દાદાના ચિત્રમાં સ્થિરતા છે કે ગતિ? ‘દાદા’ અને ‘વૃક્ષઘટા’ તો જાણે પર્યાયવાચી શબ્દો. ‘અમારા એ દાદા, વિપુલ વડના ઝુંડ સરખા’ (પૂજાલાલ)

ઊડી ઊડીને આવે પાછું; પંખી વડલાના પરણમાં ને મન વડવાના સ્મરણમાં.

કથા સાંભળું બૃહદ્ સરિત્સાગરની આવે પશુપંખી ઘરઘરથી આખી સીમ-પ્રેમની ભરતી વાણી વનવિહારશો કરતી! નદીઓ સરસ્વતીને મળતી ગાતી ધરાધામ ભીંજવતી

ગુણાઢ્યે સહસ્રો કથાઓનો પ્રાકૃત ગ્રંથ રચ્યો, નામે ‘બૃહદ્ સરિત્સાગર.’ રાજાથી અનાદર પામેલા તેણે આ વાર્તાઓ વગડાનાં પશુપંખીને સંભળાવી. દાદા પણ આ વાર્તાઓ સંભળાવતા. ગ્રંથનું નામ ‘સરિત્સાગર’ એટલે કવિ ‘નદી’, ‘સરસ્વતી’ અને ‘ભરતી’ શબ્દો તો પ્રયોજવાના. ‘ધરાધામ’ એટલે શું? પશુ, પંખી અને પુરુષનો પ્રયાગસંગમ.

હજીયે સવાર–સાંજે પર્ણ બનેલા પંખીના મેળામાં ભળવા આંખેપાંખે ફરકું સરકું ગુણાઢ્ય પાસે, અડાબીડ જંગલમાં…

એકાગ્રતાથી કથાશ્રવણ કરતું પંખી એટલે ‘પર્ણ બનેલું પંખી?’ કે ‘કર્ણ બનેલું પંખી?’ પંખીમેળામાં ભળી જવા કવિ પાંખ તો ક્યાંથી ફરકાવે, આંખ ફરકાવે છે.

દાદાએ જે સુણ્યાં પુરાણો સરવા કાને અવતારે એ અલખ લોકને સબદસૂરમાં

દાદા વિદ્વાન નહીં, પણ બહુશ્રુત ખરા. પુરાણો એમણે વાંચેલાં નહીં, સાંભળેલાં. અહીં એકાએક જૂની ગુજરાતીનો શબ્દ ‘સુણ્યાં’ કાં આવ્યો? દાદા જૂના તો શબ્દ પણ જૂનો. વળી ‘પુરાણો’ સાથે ‘સુણ્યાં’ના ‘ણ’કારનો રણકાર ભળે. ‘અલખ’ એટલે જાણી ન શકાય તેવું, અજ્ઞેય. દાદા લખી ન શકે, પણ અલખ લોકને વાંચી શકે, પુરાણોને શબ્દસૂરમાં અવતારી શકે. ભાગવત પુરાણ એટલે દશાવતારની કથા. માટે ‘અવતાર’ શબ્દનું બેવડું સાર્થક્ય. ‘સબદ’થી આપણા સાબદા કાનમાં કબીરનાં પદ સંભળાય.

મારું સુખ એ શ્રવણ હતું ખેતરના શેઢે રાયણથડને અંગસંગ જે વેલ ખીલેલી, ચાલે નભને રસ્તે, કેવી ખિસકોલી! હા, ખિસકોલીની પીઠ ઉપર, લો કહો, ટેરવાં કોનાં વને રમેલ? ગર્વથી દોડતી એ બની ફુવારો મૂળ થકી તે ફૂલ સુધી આકાશ આંબતો પળમાં જેણે સ્વરસેતુ જગવેલ. મોરને નચવે છે બે ઢેલ, વાડની ટોચે થોર છકેલ ધાવતા વાછરડાની ગેલ, બાળ વાનરના ડાળે ખેલ ભલે હો / દાદાને ના પડતી કશી ખલેલ.

ગોપકાવ્ય — પાસ્ટોરલ પોએમ — જેવો આ પરિચ્છેદ. ખેતર આંખ સામે લળૂંબતું ઝળૂંબતું લાગે. ‘થડ’ અર્ધસ્ફુટ રહેતે, ‘રાયણથડ’ પૂર્ણપ્રત્યક્ષ થાય છે. સૂર્યતેજને પીતી વેલ ઊર્ધ્વગામી હોય. ખિસકોલીએ લંકા સુધીનો સેતુ બાંધેલો કે નહીં એ તો રામ જાણે, પણ આકાશ સુધીનો સ્વરસેતુ તે રચે છે. હેમંત ધોરડાએ નામ પાડ્યા વિના આ કોનું ચિત્ર દોર્યું છે? — ‘દોડેદોડી અટકે અટકી / દોડી દોડી આવે/ આવે ચટાપટાળાં સ્મરણાં / હમણાં/ થડ પર થડથી ડાળે/ ડાળી પરથી પાછી પુષ્ટ સુંવાળી પુચ્છ ઉઠાવી/ હળુ હવામાં જાણે તરતાં…/ પટાચટાળી રમણા રમતાં રમતાં રમણે ચડતાં/ ચડતાં ઊંચે ઊંચે સ્મરણાં.’

‘જગવેલ, ઢેલ, છકેલ, ગેલ, ખેલ, ખલેલ’. સપ્રાસ લઘુપંક્તિઓ વડે ચૈતન્ય-સભર ચિત્ર રચાય છે? કે પછી પ્રાસથી દોરવાતા કવિનો આયાસ વરતાય છે?

શાસ્ત્ર ઋષિનું સ્વર્ગ વર્ણવે મને ગમે એ. કલ્પેલું પણ કાર્ય બને છે. તરણા ટોચે તેજ રમે છે. બંધ નેત્રમાં / દૃશ્ય કોક અણદીઠ ભવ્ય રમવા લાગે એ ક્ષણે ચિત્ત સ્વર્ગીય હોય છે… …સ્વર્ગ જે નિજ નિજનાં એ ભલે સુરક્ષિત રહે.

તો શું સ્વર્ગ હશે? ગાલિબે કહ્યું, ‘હમેં માલૂમ હૈ જન્નત કી હકીકત લેકિન, દિલ કો ખુશ રખને કો ગાલિબ યહ ખયાલ અચ્છા હૈ.’

કવિ જરા જુદી વાત કરે છે. કલ્પેલું પણ કાર્ય બને છે. પહેલાં વિમાનની કલ્પના થઈ, પછી વિમાન થયું. ‘ખુદા નામ છે તો ખુદા પણ હશે.’ સંસ્કૃત તર્કશાસ્ત્રી આને શબ્દપ્રમાણ કહે. વળી સ્વર્ગને કલ્પતી ચિત્તદશા સ્વયં સ્વર્ગીય નથી?

જે દિને બાળ કનૈયે માખણ મૂકી ખાધી માટી / માતાએ મુખડું ખોલાવી નીરખેલું ને પરખેલું બ્રહ્માંડ રમ્ય એ પળથી સઘળાં વનરાવન મુજ ધરાધામ

માટી ખાતા મોહનના મુખમાં માતાએ બ્રહ્માંડ દીઠું ત્યારે શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધમાં ચમત્કાર થયેલો, પરંતુ એ પ્રસંગનું પુનરાવર્તન કરો તો શું ફરી પાછો ચમત્કાર થશે?

રઘુવીર ચૌધરીનું દર્શન ધૂંધળું નથી, સ્પષ્ટ છે. ‘મને છે ઇષ્ટ સદા મુજ ધરાધામ’.

દાર્શનિક કાવ્યનું ગૌરવ અદકેરું હોય. જોકે આ દર્શન મૌલિક હોવાનો દાવો કવિ કરતા નથી. ‘મુઝે સુનાઓ તુમ ન સ્વર્ગ કી સુકુમાર કહાનિયાં / મેરી ધરતી સૌ સૌ સ્વર્ગોં સે જ્યાદા સુકુમાર હૈ / કોઈ નહીં પરાયા અપના ઘર સારા સંસાર હૈ.’ (દિનકર) કે પછી ‘વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું’. (દયારામ.)

‘ધરાધામ મને ઇષ્ટ છે,’ એટલું કહીને કવિ રોકાઈ જતે તો કેવળ વિધાન થતે. પરંતુ તેમણે મુક્તપદ્ય, (વિચારપ્રધાન કાવ્યના નિર્વાહણ માટે કટાવને પળોટ્યો છે), પ્રાસ, પદાવલિ, કથોપકથન, પુરાકલ્પનાદિ પ્રયુક્તિઓથી કાવ્યનિર્માણ કર્યું છે.

દાદા મારા ઘરખેતરને પડતાં મૂકી ચાલેલા તીરથની વાટે. શૃંગબેર ને ચિત્રકૂટ ને પંચવટીથી આગળ વધતાં પહોંચેલા કો અગમનિગમના ઘાટે. જ્યોતિર્લિંગ ને શક્તિપીઠની કથા કહે વનવાસી-વાટે પ્રદક્ષિણા પૂરી કરતા એ પાછા આવ્યા. કહે પુુત્રને લે આ વિદ્યા અગમનિગમની પુત્ર ખેડતા હતા ધરાને સહજ ઉમંગે. માટીની સોડમને સંગે. આદર આપી નમી ધીરેથી કહે : વાવશું બીજી વરાપે વિદ્યા સઘળી ભલે પધાર્યા પાછા મૂળના સરનામે. લો બેસો છાંયે, શેઢે. જેને તમે દીધેલું નામ પરમનું ધરાધામ.

કવિને ‘ગનાન’ નથી સમજાતું, ‘ગાન’ સમજાય છે. અગાઉ પ્રકટપણે કહેવાયેલી વાત હવે પ્રચ્છન્નપણે, દાદા અને પિતાના પ્રસંગથી, આલેખાય છે. શૃંગબેર, ચિત્રકૂટ, પંચવટી, જ્યોતિર્લિંગ, શક્તિપીઠ, અગમનિગમના ઘાટ — આવા ઉલ્લેખોમાં ઉપહાસ ન હોય, તો પરમાદર પણ નથી. દાદા ‘ઘરખેતરને પડતાં મૂકી’ ચાલતાં થયેલા, એનો ઠપકો પણ સુકર્ણ ભાવકને સંભળાય, ભલે તે ‘આદર આપી નમી ધીરેથી’ અપાયો હોય.

જેમ કનૈયો કેવળ રમતરમતમાં જશોદાને કેવળજ્ઞાન આપે, જેમ ગુરુ મછંદરને ગોરખ સાવધાન કરે, તેમ અહીં ધરાને સહજ ઉમંગે ખેડતો પુત્ર, ઘાટઘાટનાં પાણી પી આવેલા પોતાના પિતાને શેઢાની શીતળ છાંયડી ચીંધીને પરમના ધરાધામનું દર્શન કરાવે છે. (‘હસ્તધૂનન’)