સ્વાધ્યાયલોક—૧/પ્રતીક: Difference between revisions
Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રતીક}} {{Poem2Open}} પ્રતીક સંસ્કૃત શબ્દ છે. એ એકસાથે વિશેષણ અને...") |
Shnehrashmi (talk | contribs) (fix) |
||
Line 15: | Line 15: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ઊર્મિકાવ્ય | ||
|next = કલ્પન, પ્રતીક, પુરાકલ્પન | |next = કલ્પન, પ્રતીક, પુરાકલ્પન | ||
}} | }} |
Latest revision as of 15:12, 23 March 2022
પ્રતીક સંસ્કૃત શબ્દ છે. એ એકસાથે વિશેષણ અને નામ છે. પ્રતીક વિશેષણનો અર્થ થાય છે : ઊલટું, વિરુદ્ધ, પ્રતિકૂળ, વિપરીત. પ્રતીક નામનો અર્થ થાય છે : પ્રતીક (પું.) એટલે અવયવ, અંશ, અગ્રભાગ, મંત્રવાક્ય-પંક્તિશ્લોકનો પ્રથમ શબ્દ તથા પ્રતીક (ન.) એટલે મુખાકૃતિ પ્રતિમા, સ્મરણચિહ્ન. સાહિત્યના સંદર્ભમાં પ્રતીક શબ્દનાં આ સૌ અર્થો સૂચવાય છે, પણ એ પ્રતીક શબ્દનો અર્થ આ સૌ અર્થોથી કંઈક વિશેષ હોય છે.
પ્રતીક સંસ્કૃત શબ્દનો અંગ્રેજી પર્યાય છે symbol (સિમ્બોલ). symbolનો મૂળ ગ્રીક શક્ય છે symbolon (સિમ્બોલોન). Symbolon અથવા symbolનો અર્થ થાય છે : સાથે મૂકવું, જોડવું, સંબંધ બાંધવો, યોગ-સંયોગ કરવો. મૂળ ગ્રીક શબ્દ ગ્રીકસમાજમાં વ્યવહારનો શબ્દ હતો. એનો અર્થ થતો હતો : સિક્કાનું અડધિયું, સંજ્ઞા, સંકેત, ચિહ્ન ઇંગિત. સમાજના બે પ્રકારના વ્યવહારમાં એ યોજાતો હતો : યજમાન-મહેમાન વચ્ચેના વ્યવહારમાં અને સોદો કરનારાઓ વચ્ચેના વ્યવહારમાં. એક સિક્કાનાં બે અડધિયાં કરવામાં આવતાં, આ અડધિયું યજમાન પાસે રહેતું, બીજું મહેમાન પાસે રહેતું; એક એક સોદાગર પાસે રહેતું, બીજું બીજા સોદાગર પાસે. અને આ અડધિયાં સમાજના આ વ્યવહારના સંકેતરૂપ બની જતાં. એક અડધિયું હાજર કરવામાં આવે ત્યારે બીજા અડધિયાની ગેરહાજરીમાં પણ આખા સિક્કાનું સૂચન કરી જતું. Symbolon શબ્દનો આ અર્થ સાહિત્યના સંદર્ભમાં Symbol શબ્દના અર્થને સમજાવવામાં અત્યંત સહાયરૂપ છે.
સાહિત્યના સંદર્ભમાં Symbol શબ્દના બે અર્થ થાય છે : એક સાહિત્યિક પ્રક્રિયા તરીકેનો અને બીજો સાહિત્યિક મૂલ્ય તરીકેનો.
સાહિત્યનું ઉપાદાન ભાષા છે. ભાષાનું, ભાષાના એકેએક શબ્દનું પ્રયોજન છે : જોડવું, સાંધવું, સંબંધ. સાહિત્ય શબ્દનો અર્થ, સાહિત્યનું પ્રયોજન છે : સહિતત્ત્વ સાથે મૂકવું, જોડવું. સંબંધ. એથી ભાષા, ભાષાનો એકેએક શબ્દ પ્રતીક બની શકે છે, સાહિત્ય પોતે જ પ્રતીક બની શકે છે.
તો, સાહિત્યના સંદર્ભમાં પ્રતીક એટલે સંબંધ સ્થાપવાની, વક્તવ્યની, અભિવ્યક્તિની એક વિશિષ્ટ રીત. સાહિત્યમાં કોઈ પણ શબ્દ ત્રણ રૂપે યોજી શકાય છે : પદાર્થ, કલ્પન અને પ્રતીક રૂપે. શબ્દ દ્વારા આપણે જે કહેવું હોય છે એ જ માત્ર કહીએ છીએ ત્યારે શબ્દ એ પદાર્થ હોય છે. એમાં કોઈ સંબંધ અભિપ્રેત નથી; એમાં વાચ્યાર્થ હોય છે. શબ્દ દ્વારા આપણે જે કહીએ છીએ એથી કંઈક વિશેષ અથવા કંઈક ભિન્ન કહેવું હોય છે ત્યારે શબ્દ એ કલ્પન હોય છે. એમાં સંબંધ અભિપ્રેત છે. એમાં રૂપક આદિ અલંકાર હોય છે. ઉદાહરણ તરીકે, ‘મુખ ચન્દ્ર જેવું છે.’ એમાં મુખ વિષય છે અને ચન્દ્ર કલ્પન છે. એમાં મુખ અને ચન્દ્રનો સાદૃશ્યસંબંધ અભિપ્રેત છે, એમાં ઉપમા અલંકાર છે, આપણે જ્યારે ‘મુખચન્દ્ર’ એવો પ્રયોગ કરીએ છીએ ત્યારે પણ મુખ એ વિષય છે અને ચન્દ્ર કલ્પન છે. મુખ ચન્દ્ર જેવું છે એમ નહિ, મુખ ચન્દ્ર જ છે એમ ત્યાં મુખ અને ચન્દ્ર વચ્ચે આરોપસંબંધ છે; એમાં રૂપક અલંકાર છે. પણ આપણે જ્યારે માત્ર ‘ચન્દ્ર’ શબ્દ જ યોજીએ અને આપોઆપ મુખ સમજાય ત્યારે ચન્દ્ર એ પ્રતીક છે. એમાં મુખ અને ચન્દ્રનો સંબંધ અભિપ્રેત છે, પણ એ અધ્યવસાનસંબંધ છે. કલ્પનમાં ઉપમાન અને ઉપમેય બન્ને ઉપસ્થિત હોય છે. બન્ને મોટે ભાગે ભૌતિક પદાર્થો હોય છે. બન્ને ભિન્નભિન્ન પદાર્થો હોવા છતાં બન્નેમાં કંઈક સામ્ય હોય છે, પછી ભલે એ ઉપમામાં હોય છે તેમ કથિત હોય અથવા રૂપકમાં હોય છે તેમ સૂચિત હોય, જ્યારે પ્રતીકમાં ઉપમાન ઉપસ્થિત હોય છે અને ઉપમેય અનુપસ્થિત હોય છે. ઉપમાન ઉપસ્થિત હોય છે એથી એ ભૌતિક પદાર્થ હોય છે અને ઉપમેય અનુપસ્થિત હોય છે એથી એ મોટે ભાગે અભૌતિક ભાવ, વિચાર, અનુભવ કે અનુભૂતિ હોય છે. ઉપમેય અને ઉપમાન વચ્ચે કંઈક સામ્ય હોતું નથી, પણ બન્ને વચ્ચે કશોક સંબંધ (association) હોય છે. આમ પ્રતીકમાં એક વિશિષ્ટ રીતે સંબંધ આપવામાં આવે છે.
૧૯મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપમાં — સવિશેષ ફ્રાન્સમાં પ્રતીકવાદ અસ્તિત્વમાં આવ્યો. પૂર્વે પ્રતીકો તો હતાં, પ્રતીકવાદ ન હતો. આજે પણ પ્રતીકો તો છે, પણ પ્રતીકવાદ નથી. ૧૭મી-૧૮મી સદીના ભૌતિકતાવાદ અને નવશિષ્ટતાવાદ(નિઓ-ક્લાસિસિઝમ)નું દર્શન હતું કે વિશ્વ યાંત્રિક છે અને મનુષ્ય આગંતુક છે, એના પ્રતીકાર રૂપે રોમેન્ટિસિઝમ-ચૈતન્યવાદ-નું દર્શન હતું કે વિશ્વ અને મનુષ્ય અભિન્ન છે. ૧૯મી સદીના મધ્યભાગમાં રિઆલિઝમ — વાસ્તવવાદ, નેચરાલિઝમ — યથાર્થવાદ, પાર્નેસિઆનિઝમ- વર્ણનવાદ આદિ વાદો અસ્તિત્વમાં આવ્યા : વિશ્વ અને મનુષ્ય અભિન્ન છે, પણ બન્ને યાંત્રિક છે. ૧૯મી સદીના અંતભાગમાં એના પ્રતીકાર રૂપે પ્રતીકવાદ આવ્યો : વિશ્વ અને મનુષ્ય બન્ને ચેતન છે અને બન્ને એવાં અભિન્ન છે કે બે ભિન્નભિન્ન શબ્દોની પણ જરૂર નથી. આ પ્રતીકવાદને સ્વીડીશ તત્ત્વચિંતક સ્વીડનબોર્ગના તત્ત્વચિંતનની સહાય હતી : પિંડમાં એકત્વ છે, બ્રહ્માંડમાં એકત્વ છે, બાહ્યાંતર ઐક્ય છે. અમેરિકન કવિ પોના સહિત્યશાસ્ત્રની સહાય પણ હતી : સંગીત જે અસર કરે છે તે અસર સાહિત્ય પ્રગટ કરે એવું એનું શબ્દસંગીત હોવું જોઈએ. આ પ્રતીકવાદી કવિઓ માટે આ અેકત્વના સંબંધને આ રીતે પ્રગટ કરવામાં ઇન્દ્રિયવ્યત્યય અને પ્રતીક સિવાય અન્ય કોઈ સાધન પર્યાપ્ત ન હતું, કલ્પન પણ નહિ. એથી એમણે કવિતામાં અને અન્ય સહિત્યમાં એનો સભાનપણે અને એકાંગીપણે વિનિયોગ કર્યો બૉદલેરનું પ્રસિદ્ધ કાવ્ય ‘Correspondences’ (‘સંબંધો’ — બહુવચન અત્યંત સૂચક છે, પિંડ-બ્રહ્માંડનો અંતર્ગત અને પરસ્પર એકત્વનો સંબંધ) એ આ પ્રતીકવાદનું કાવ્યશાસ્ત્ર છે, ઘોષણાપત્ર છે.
(‘ગુજરાતીના અધ્યાપક સંઘ’ના ઉપક્રમે અમદાવાદમાં ‘વિદ્યાવિસ્તાર વ્યાખ્યાન શ્રેણી-૧’માં વ્યાખ્યાનનો સાર. ૨૮ જાન્યુઆરી ૧૯૭૯)