સ્વાધ્યાયલોક—૧/ટૂંકી વાર્તા વિશે: Difference between revisions
Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ટૂંકી વાર્તા વિશે}} {{Poem2Open}} પ્રશ્ન : કવિતા એ તમારું પ્રિય સાહ...") |
(No difference)
|
Revision as of 18:42, 23 March 2022
પ્રશ્ન : કવિતા એ તમારું પ્રિય સાહિત્યસ્વરૂપ છે એ સાચું, પણ ઉપરાંત સાહિત્યનાં બીજાં ક્યાં સ્વરૂપો તમને પ્રિય? શા માટે? ઉત્તર : જેને કોઈ પણ એક સાહિત્યસ્વરૂપ સાચે જ પ્રિય હોય અેને કોઈ પણ સાહિત્યસ્વરૂપ અપ્રિય હોઈ શકે ખરું? જોકે મને નાટક અને કવિતા વાંચવાનું વારંવાર મન થાય એટલે એમની પ્રત્યેનો મારો પક્ષપાતી પ્રેમ છે. નાટક વાંચવાનું વારંવાર મન થાય છે સંવાદને કારણે અને કવિતા વાંચવાનું વારંવાર મન થાય છે લયને કારણે. ગદ્યમાં લય છે. એનું વિશિષ્ટ સૌંદર્ય છે. પણ પદ્યમાં જે લય છે એમાં સાતત્ય હોય છે. એથી એ વધુ સંતર્પક છે, અને સંવાદનો તો આનંદ જ કંઈ ઔર હોય છે. નાટકાન્તમ્ કવિત્વમ્! પ્રશ્ન : એકાંકી, ટૂંકી વાર્તા કે એવું બીજું કશું લખવાનું મન ક્યારેય નથી થયું? ઉત્તર : થયું છે. વારંવાર થયું છે. હજી પણ થયા કરે છે. એકાંકી, ટૂંકી વાર્તા ઉપરાંત નાટક, નવલકથા, નિબંધ લખવાનું મન પણ થયું છે, થાય છે. પણ ફાવશે? આવડશે? એવો પ્રશ્ન, એવી શંકા થાય છે અને મન પાછું પડે છે. મને કંઈક ફાવતું હોય, કંઈક આવડતું હોય તો તે કવિતા. કવિતામાં બે આંકડા પાડી શકું છું. પ્રશ્ન : ટૂંકી વાર્તાનું સ્વરૂપ લોકપ્રિય હોવાથી ટૂંકી વાર્તામાં સર્જક ક્યાંક લપસી પડે એવો ભય ખરો? ઉત્તર : ટૂંકી વાર્તા તો શું પણ કોઈ પણ કલા-સ્વરૂપમાં, સાહિત્ય- સ્વરૂપમાં લપસી પડવાનો સર્જકને સદાય ભય હોય છે, લોકપ્રિય ન હોય એવાં સ્વરૂપમાં પણ. ક્યારેક તો — બલકે હંમેશાં — કોઈ પણ કૃતિમાં પદેપદે લપસી પડવાની શક્યતા હોય છે છતાં સર્જક લપસી પડતો નથી એ વાત જ સર્જકની સિદ્ધિ હોય છે. અનેક ટૂંકી વાર્તાના સર્જકો અનેકવાર લપસી પડે છે અને પગે ફેક્ચર થાય છે અને રસ્તા પર ફરતા બંધ થાય છે. પ્રશ્ન : ટૂંકી વાર્તામાં તમને શુદ્ધ સાહિત્યની શક્યતા વરતાય છે? ઉત્તર : ‘શુદ્ધ સાહિત્ય’ એ ખ્યાલ પોતે જ અશુદ્ધ છે. વળી ટૂંકી વાર્તા જેવા સાહિત્યસ્વરૂપમાં તો એ જેટલી વધુ ‘અશુદ્ધ’ એટલી એ વધુ ‘શુદ્ધ સાહિત્ય.’ પ્રશ્ન : ટૂંકી વાર્તાના લેખકે સર્જકનો સ્વસ્થ સંયમ જાળવવો જોઈએ એવું તમને નથી લાગતું? ઉત્તર : લેખક માત્રએ — ટૂંકી વાર્તાના લેખક સુધ્ધાંએ — સર્જકનો સ્વસ્થ સંયમ જાળવવો જોઈએ. નહિતર ટૂંકી વાર્તા સિદ્ધ થાય જ નહિ. ધોળા પર કાળું ચીતરાય એટલું જ. પ્રશ્ન : આજે આપણે ત્યાં થતા ટૂંકી વાર્તાના પ્રયોગોમાં દુર્બોધતા અને એકવિધતા આવ્યાની ફરિયાદ છે. પશ્ચિમની પ્રયોગશીલતામાં પણ એવું બન્યું છે? ઉત્તર : દુર્બોધતા અને એકવિધતા વિશે ફરિયાદ થાય એની સામે મારી ફરિયાદ છે. ટૂંકી વાર્તામાંય — કે કોઈ પણ સાહિત્ય સ્વરૂપમાં — દુર્બોધતા કે એકવિધતા એ હંમેશાં અવગુણ નથી. ક્યારેક એમાં દુર્બોધતા કે એકવિધતા અનિવાર્ય પણ હોય છે. પશ્ચિમમાં તો આવું બન્યું જ છે, વારંવાર બન્યું છે. પ્રશ્ન : કવિતાનું જેટલું વિવેચન થાય છે એટલું ટૂંકી વાર્તાનું થતું નથી એવી એક ફરિયાદ છે. તમે એ સાચી માનો છો? પશ્ચિમમાં પણ એમ જ થયું છે? ઉત્તર : કવિતાનું જેટલું વિવેચન થાય છે એટલું ટૂંકી વાર્તાનું થતું નથી એ વાત સાચી છે. પણ એને વિશે ફરિયાદ કરવા જેવું નથી. અહીં પ્રશ્નમાં ‘જેટલું-તેટલું’ શબ્દો છે. અહીં પ્રશ્નમાં જથ્થાની, કદની વાત છે. ટૂંકી વાર્તા કરતાં કવિતાનો જથ્થો, એનું કદ વિશેષ છે એટલે ટૂંકી વાર્તાનું જેટલું વિવેચન થતું નથી એટલું કવિતાનું થાય છે. શું અહીં કે શું પશ્ચિમમાં. પ્રશ્ન : ટૂંકી વાર્તાના વિવેચનમાં પણ હવે નવો અભિગમ અપનાવવાની જરૂર નથી? ઉત્તર : કોઈ પણ કલાસ્વરૂપમાં નવો અભિગમ સિદ્ધ થાય એટલે પછી એને વિશેના વિવેચનમાં પણ નવો અભિગમ અનિવાર્યપણે સિદ્ધ થાય. વિવેચન ઉપ-જીવી, પરાવલંબી, પરાશ્રયી પ્રવૃત્તિ છે. ટૂંકી વાર્તાના સ્વરૂપમાં જો નવો અભિગમ સિદ્ધ થયો હોય તો એને વિશેના વિવેચનમાં નવો અભિગમ અપનાવવાની જરૂર ખરી — બલકે આપોઆપ એમ થવાનું. પણ હું તમને પ્રશ્ન પૂછું? ટૂંકી વાર્તામાં નવો અભિગમ સિદ્ધ થયો છે? પ્રશ્ન : ટૂંકી વાર્તામાં ઘટના અને આકારનો જે ગજગ્રાહ ચાલે છે તેમાં તમે કોને મહત્ત્વ આપો છો? શા માટે? ઉત્તર : સાચું પૂછો તો ટૂંકી વાર્તામાં — કે કોઈ પણ સાહિત્ય- સ્વરૂપમાં-ઘટના અને આકાર એમ બે નોખી નોખી વસ્તુઓ છે જ નહિ. કૃતિમાં તો બધું એકાકાર હોય છે. પણ પછી આપણા જેવા નવરા લોકો એને વિશે વાત કરે છે ત્યારે આવા આવા ભેદ પાડે છે. બરફી ખાઈએ છીએ ત્યારે એના રસરૂપ, એનો આકાર, એનું કદ, એનું ગળપણ બધું જ સાથે ખાઈએ છીએ પછી એને વિશે વાત કરીએ છીએ ત્યારે વાત અને વાતોડિયાની સગવડ ખાતર એના ભેદ પાડીએ છીએ. આ ગજગ્રાહમાં ગજે ગ્રાહને પકડ્યો છે? કે ગ્રાહે ગજને પકડ્યો છે? કોઈએ કોઈને પકડ્યો નથી. ગજ અને ગ્રાહ બન્ને એક જ છે. હું કોઈ એકને અન્યથી વિશેષ મહત્ત્વ આપતો નથી. પ્રશ્ન : તમારા પ્રિય વાર્તાલેખકો કયા? ઉત્તર : ચૅખોવ, જોઈસ, હેમિંગ્વે... યાદી લાંબી છે એટલે અહીં અટકાવું છું. ૧૯૬૦