સ્વાધ્યાયલોક—૩/મૃત્યુ મારાથી દૂર નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|‘મૃત્યુ મારાથી દૂર નથી’: સાફો}} <poem> એ મહાપુરુષથી પણ અધિક છે...")
(No difference)

Revision as of 14:47, 28 April 2022


‘મૃત્યુ મારાથી દૂર નથી’: સાફો

એ મહાપુરુષથી પણ અધિક છે
એ મારી નજરમાં ઈશ્વર છે —
જે માણસને તેં તક આપી છે
તારી પાસે બેસવાની — જે

બહુ ધ્યાનથી સાંભળે છે
મધુર તારા કંઠના
મૃદુ અવાજને, મોહક

તારા હાસ્યને, જે મારા હૃદયને
જોરથી ધબકતું કરી મૂકે છે, હું તને
જો અચાનક મળી જાઉં ને

તો તો બોલી જ ન શકું, મારી જીભ
કચરાઈ ગઈ છે, મારી ચામડી નીચે
એક ઝીણી આગ પ્રસરી ગઈ છે, હું કાંઈ જોતી નથી,

હું સાંભળું છું માત્ર મારા જ કાનના
પડઘાતા અવાજો, હું પરસેવે રેબઝેબ છું,
મારું આખુંયે અંગ ધ્રૂજી રહ્યું છે.

હું પીળીપચ થઈ ગઈ છું
સૂકા ઘાસ જેવી. આવી ક્ષણોએ
મૃત્યુ મારાથી દૂર નથી.

આ ઈ. પૂ. ૭મી સદીની લેસ્બસની ગ્રીક કવયિત્રી સાફોનું કાવ્ય છે. આ પ્રેમ — સજાતીય પ્રેમ –ના અંગત અને આત્મીય અનુભવનું કાવ્ય છે. આ અત્યંત નાટ્યાત્મક કાવ્ય છે. એમાં ત્રણ પાત્રો છે ઃ મધ્યવયની કાવ્યનાયિકા સાફો, એની યુવાનવયની શિષ્યા આનાક્તોરીઆ અને આનાક્તોરિઆનો યુવાનવયનો પ્રેમી. કાવ્યમાંનો પ્રસંગ કલ્પી શકાય છે ઃ આનાક્તોરીઆનું લગ્ન થવાનું છે અને એથી નિકટના સમયમાં જ સાફોની શિક્ષણસંસ્થામાંથી, સાફોના નગર મિતિલેનેમાંથી, સાફોના જીવનમાંથી આનાક્તોરીઆ હંમેશ માટે વિદાય થવાની છે. કાવ્યમાંની પરિસ્થિતિ સ્પષ્ટ છે ઃ કાવ્યનાયિકા શિષ્યાને અને એના પ્રેમીને સાથે જુએ છે અને કાવ્યનાયિકા પર એ દૃશ્યનો જે પ્રભાવ પડે છે, કાવ્યનાયિકાના દેહ-મન-હૃદય-આત્મામાં, એના સમગ્ર વ્યક્તિત્વમાં, એના સમસ્ત અસ્તિત્વમાં એ દર્શનથી જે પ્રતિભાવ જન્મે છે એને કાવ્યનાયિકા આ કાવ્યમાં સાદ્યંત સીધી, સાદી શૈલીમાં અને સ્પષ્ટ, સરલ ભાષામાં વ્યક્ત કરે છે. આ કાવ્યમાં સાત શ્લોક છે. એમાં સાડા ત્રણ શ્લોકના એક સરખા બે વિભાગ છે. પ્રત્યેક વિભાગને એની પરાકાષ્ઠા છે. ‘જે મારા હૃદયને જોરથી ધબકતું કરી મૂકે છે.’ એ પ્રથમ વિભાગની પરાકાષ્ઠા છે. ‘આવી ક્ષણોએ મૃત્યુ મારાથી દૂર નથી’ એ બીજા વિભાગની પરાકાષ્ઠા છે. પ્રથમ વિભાગમાં શિષ્યા અને એનો પ્રેમી કેન્દ્રસ્થાને છે. બીજા વિભાગમાં કાવ્યનાયિકા કેન્દ્રસ્થાને છે. પ્રથમ વિભાગમાં શિષ્યાનો એના પ્રેમી પર જે પ્રભાવ છે એનું વર્ણન છે. બીજા વિભાગમાં શિષ્યાનો કાવ્યનાયિકા પર હવે પ્રથમ વિભાગમાંના આ દૃશ્ય પછી, આ દર્શન પછી જે પ્રભાવ છે એનું વર્ણન છે. સાફોની શિક્ષણસંસ્થામાં શિષ્યાઓનું લગ્ન લગીનું શિક્ષણ, કહો કે લગ્ન માટેનું શિક્ષણ થતું હતું. એથી લગ્ન લગી જ શિષ્યાઓનું આ શિક્ષણસંસ્થામાં અસ્તિત્વ હતું. અને અંતે લગ્ન તો છે જ, એથી અંતે વિચ્છેદ અને વિરહ તો છે જ એનું સાફોને સ્પષ્ટ ભાન હતું. આમ, શિષ્યા સાથેનો પોતાનો સંબંધ નિયતકાલીન છે, અલ્પકાલીન છે અને પોતાનો પ્રેમ અલ્પજીવી છે, ક્ષણજીવી છે એનું સાફોને સંપૂર્ણ જ્ઞાન હતું. વળી આ શિષ્યાઓ સાફોથી વયમાં નાની હતી. એટલું જ નહિ પણ હૃદયથી અને બુદ્ધિથી, અનુભવથી અને કલ્પનાથી પણ સાફોની સમકક્ષ ન હતી. એથી શિષ્યા સાથેનો પોતાનો પ્રેમ અસમકક્ષ, અસમાન છે, અંતે એકપક્ષી છે એનું પણ એને સંપૂર્ણ જ્ઞાન હતું. અને વળી સાફો પૂર્ણતાવાદી હતી. આ મર્ત્યલોકમાં બધું જ — માનવસંબંધો અને પ્રેમ સુધ્ધાં — મર્ત્ય અને એથી અપૂર્ણ છે એનું પણ એને સંપૂર્ણ જ્ઞાન હતું. તો સાથેસાથે એથી સ્તો પ્રેમ ભલે મર્ત્ય અને અપૂર્ણ હોય, પ્રેમનો અનુભવ ભલે ક્ષણિક હોય પણ એ જીવનનો સર્વોત્તમ અનુભવ છે, સુન્દરતમ અને મધુરતમ અનુભવ છે. આ મર્ત્યલોકમાં, મિથ્યાલોકમાં ક્ષણ માટે, ક્ષણાર્ધ માટે પણ કશુંય જો સત્ય હોય તો તે પ્રેમ — એનું પણ એને સંપૂર્ણ જ્ઞાન હતું. એથી આ કાવ્યમાં અને સાફોના મૈત્રી અને પ્રેમનાં સૌ કાવ્યોમાં અનુભવની ઉત્કટતા, ભાવની તીવ્રતા અને રસની ઉગ્રતા છે. આ સજાતીય પ્રેમનું કાવ્ય છે. લેસ્બસમાં ત્યારે બે સ્ત્રીઓ વચ્ચે સજાતીય પ્રેમ પ્રચલિત હતો એ કારણે અને સવિશેષ તો સાફોનાં આવાં સજાતીય પ્રેમનાં કાવ્યોને કારણે આપણા યુગમાં બે સ્ત્રીઓ વચ્ચેના સજાતીય પ્રેમને માટે ‘લેસ્બીઆનિઝમ’ શબ્દપ્રયોગ પ્રચલિત છે. પણ પ્લાતોના યુગમાં સજાતીય પ્રેમનો જે અર્થ હતો અને આપણા બિનસાંપ્રદાયિક યુગમાં ‘લેસ્બીઆનિઝમ’નો જે અર્થ પ્રચલિત છે એ અર્થમાં સાફોના અને સાફોના યુગની સમકાલીન સ્ત્રીઓના જીવનમાં કે સાફોનાં કાવ્યોમાં સજાતીય પ્રેમ નથી. ત્યારે લેસ્બસમાં સૌંદર્ય અને સૌંદર્યપ્રેરિત પ્રેમની દેવી આફ્રોદેતિસનો સંપ્રદાય હતો. સાફો અને આ સ્ત્રીઓ એ સંપ્રદાયની સભ્ય હતી. એથી એમના સજાતીય પ્રેમમાં આફ્રોદેતિસની પ્રેરણા હતી, ધર્મનું પરિમાણ હતું; એ પ્રેમ ભક્તિરૂપ હતો. એમનો પ્રેમ અને સાફોના એ પ્રેમનાં કાવ્યો આફ્રોદિતેસને અંજલિરૂપ, અર્ધ્યરૂપ હતાં; પ્રાર્થનારૂપ, પૂજારૂપ હતાં. સાફોના નામને આફ્રોદિતેસના નામ સાથે સંબંધ છે; બન્ને નામ વચ્ચે સામ્ય છે. એથી સાફો સ્વયં આફ્રોદિતેસ છે અથવા આફ્રોદિતેસની સખી છે એવો સાફોના કોઈ કોઈ કાવ્યમાં વ્યંગાર્થ છે. તો હોમેરસ આદિ સૌ પુરોગામી કવિઓએ એમની કવિતામાં દેવીઓને માટે અને તે પણ મુખ્યત્વે આફ્રોદિતેસને માટે જે વિશેષણો યોજ્યાં હતાં એ જ વિશેષણો દ્વારા સાફોના સમકાલીન કવિમિત્ર આલ્કાયસે એમની એક પંક્તિમાં સાફોને અંજલિ અર્પી છે એથી એમાં પણ સાફો સ્વયં આફ્રોદિતેસ છે એવો વ્યંગાર્થ છે. પ્લાતોના પ્રસિદ્ધ યુગ્મમાં તો સાફો કલાદેવી છે એવો વાચ્યાર્થ જ છે. સાફોનાં કાવ્યોની પ્રેરણા સજાતીય પ્રેમમાં એટલે કે દેહમાં, સ્થૂલમાં, ભૌતિકમાં, પાર્થિવમાં છે. પણ આ સજાતીય પ્રેમની પ્રેરણા આફ્રોદેતિસમાં એટલે કે આત્મામાં, સૂક્ષ્મમાં, આધ્યાત્મિકમાં, ધાર્મિકમાં છે. એને દિવ્યતાનું પરિમાણ છે. એથી અંતે આ દિવ્ય પ્રેમનું કાવ્ય છે. એથી એમાં આપણા યુગના સજાતીય પ્રેમમાં અને પ્રેમના સાહિત્યમાં હોય છે એવો દેહ માટેનો, રુધિર-મજજા-અસ્થિ માટેનો આવેગ અને આવેશ નથી. દેહનાં નર્યાં નગ્ન વર્ણનો નથી, અશ્લીલતા, બીભત્સતા કે વિકૃતિઓ નથી. પણ અનુભવની ઉત્કટતા, ભાવની તીવ્રતા અને રસની ઉગ્રતા છે. આ કાવ્યનું મીરાંનાં પ્રસિદ્ધ પદ ‘જોગી મત જા, મત જા, મત જા !’ સાથે સામ્ય છે. એક માત્ર મીરાંનાં આ પદ સાથે જ એની તુલના શક્ય છે:

જોગી, મત જા, મત જા, મત જા !
પાઉં પરું મૈં તેરી,
પ્રેમભક્તિ કો પૈંડો ન્યારો
હમ કો ગલૈ લગા જા !
અગર ચંદન કી ચિતા રચાઉં
અપને હાથ જલા જા !
જલ બલ ભઈ ભસ્મ કી ઢેરી
અપને અંગ લગા જા !
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
જ્યોતમેં જ્યોત મિલા જા !

જગતકવિતામાં મીરાંનાં દિવ્ય પ્રેમનાં પદોનું જે સ્થાન છે તે જ સાફોનાં માનુષી પ્રેમનાં કાવ્યોનું સ્થાન છે. સાફોનાં જેટલાં કાવ્યો સુલભ છે, એમાં આ કાવ્યનો સવિશેષ મહિમા છે. એનાં ત્રણ કારણો છે ઃ ૧. સાફોનાં લગભગ બધાં જ કાવ્યો ખંડિત સ્વરૂપમાં અસ્તિત્વમાં છે. આફ્રોદિતેસને સંબોધનરૂપ એક કાવ્ય જ અપવાદરૂપે અખંડિત સ્વરૂપમાં અસ્તિત્વમાં છે. એ ઉપરાંત સાફોનું જો અન્ય કોઈ કાવ્ય અખંડિત સ્વરૂપમાં અસ્તિત્વમાં હોય તો તે સંભવ છે કે આ કાવ્ય હોય ! આ કાવ્યના આદિ, મધ્ય અને અંતને કારણે એનું અખંડિત સ્વરૂપ સિદ્ધ થાય છે. ૨. ઈ. ૧લી સદીમાં લોન્જાઈનસે એમના ઊર્જિતતા પરના ગ્રંથમાં ઊર્જિતતાના ઉદાહરણ રૂપે આ કાવ્યનો ઉલ્લેખ કર્યો છે. અને સમગ્ર કાવ્યનું અવતરણ આપ્યું છે. (એ કારણે પણ એનું અખંડિત સ્વરૂપ સિદ્ધ થાય છે.) બે કારણે કાવ્યની ઊર્જિતતા સિદ્ધ થાય છે ઃ ભાવની તીવ્રતા અને બે આત્યંતિક કક્ષાના પરસ્પર વિરોધી ભાવો વચ્ચે, દેહ અને આત્મા વચ્ચે, રાગ અને વૈરાગ્ય વચ્ચે, તાદાત્મ્ય અને તાટસ્થ્ય વચ્ચે, આત્મવિલોપન અને આત્મોપલબ્ધિ વચ્ચે સંવાદિતા. સાફોનો પ્રેમ એ યૌવનનો, સૌંદર્યનો, આનંદનો પર્યાય છે. પણ સાફોનો પ્રેમ અંતે વિરહનો, વેદનાનો પર્યાય છે. આ વિરોધભાવમાં જ સાફોના પ્રેમનું અને સાફોની પ્રેમની કવિતાનું અંતિમ રહસ્ય છે. પ્રેમમાં સફળતા નહિ પણ ક્ષણના, ક્ષણાર્ધના પ્રેમમાંથી કવિતામાં અમરતા એ સાફોના જીવનનું અંતિમ આશ્વાસન છે. ૩. ઈ. પૂ. ૧લી સદીમાં પ્રસિદ્ધ લૅટિન ઊર્મિકવિ કાતુલ્લુસે આ કાવ્યનું પ્રિયતમા કલાઉડિયાને સંબોધનરૂપ પોતાના એક ઉત્તમ કાવ્યમાં અનુકરણ કર્યું છે અને એ દ્વારા સાફોના કાવ્યમાં જ અધિક સંયમ અને સૌંદર્ય છે એટલું જ સિદ્ધ કર્યું છે.

૧૯૭૭


*