સ્વાધ્યાયલોક—૭/ઉમાશંકર અને આધુનિકતા: Difference between revisions
Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉમાશંકર અને આધુનિકતા}} {{Poem2Open}} ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળામ...") |
(No difference)
|
Revision as of 20:40, 5 May 2022
ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળામાં બીજું વ્યાખ્યાન આપવા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ મને આમંત્રણ આપ્યું એ માટે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો હું હૃદયથી આભાર માનું છું. એક મોટા ગજાના કવિની સ્મૃતિને વંદન કરવાના આ ઉપક્રમમાં સહભાગી થાઉં છું એને હું મારું સદ્ભાગ્ય સમજું છું. ઉમાશંકરનો જન્મ ૧૯૧૧માં, એમનું અવસાન ૧૯૮૮માં. ૭૭ વર્ષનું આયુષ્ય — બલકે દીર્ઘાયુષ્ય. આ ઉમાશંકરનું મોટું સદ્ભાગ્ય. ઉમાશંકરે એમનું પ્રથમ કાવ્ય રચ્યું ૧૯૨૮માં, અંતિમ કાવ્ય રચ્યું ૧૯૮૮માં. ૬૦ વર્ષનું કવિજીવન. આ ઉમાશંકરનું એથી યે મોટું સદ્ભાગ્ય. ઉમાશંકરે પદ્યમાં અને ગદ્યમાં અનેક સ્વરૂપોમાં સર્જન કર્યું. આ ઉમાશંકરની મોટી વિશેષતા. ઉમાશંકરે સતત વિકાસશીલ એવા સર્જક તરીકે ઉત્તરોત્તર વધુ ને વધુ સમૃદ્ધ સર્જન કર્યું. આ ઉમાશંકરની એથી યે વધુ મોટી વિશેષતા. ઉમાશંકરના આ સદ્ભાગ્ય અને એમની આ વિશેષતાને કારણે જ આજે અહીં ‘ઉમાશંકર અને આધુનિકતા’ જેવા વિષય પર વ્યાખ્યાન કરવાનું શક્ય થયું છે. હમણાં જ કહ્યું તેમ, ઉમાશંકરે પદ્યમાં અને ગદ્યમાં અનેક સ્વરૂપોમાં સર્જન કર્યું છે. પણ ઉમાશંકર મુખ્યત્વે કવિ છે. એમની સર્જકતા સવિશેષપણે પ્રગટ થાય છે કવિતામાં. ૧૯૭૭માં ‘મહેફિલ’ની મુલાકાતમાં અંતે ઉમાશંકરને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, ‘જો આજથી સો વરસ પછી ઉમાશંકર જોશીથી ભિન્ન એવી અન્ય કોઈ વ્યક્તિ તરીકે તમે ૨૦મી સદીના ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખી રહ્યા હો તો એમાં ઉમાશંકર જોશીનું કેવું સ્થાન તમે કલ્પશો?’ ત્યારે ઉમાશંકરે ઉત્તર આપ્યો હતો, ‘કવિ તરીકેનું. જાહેર જીવનમાં સંડોવાયા છતાં — બલકે કદાચ એ જ કારણે — જેણે કેટલાંક ઊર્મિકાવ્યો રચ્યાં હોય, અને જેણે કવિતા તથા નાટકમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હોય, જેણે કેટલુંક સારું ગદ્ય રચ્યું હોય અને સૌંદર્યસૂઝ તથા જીવન-સંદર્ભને કારણે જે કદાચ વંચાશે એવા કવિ તરીકેનું.’ એટલે આ વ્યાખ્યાનમાં ઉમાશંકરની કવિતા પર એકાગ્ર ધ્યાન ધરવાનું અનિવાર્ય થયું છે. ૧૯૩૧માં સાબરમતી જેલમાં ઉમાશંકરને એક પદ્યનાટક સૂઝ્યું હતું. એના સંદર્ભમાં ૧૯૪૯માં ‘કવિતાનો જન્મ’ વાર્તાલાપમાં એમણે નોંધ્યું હતું, ‘… કહેવાની જરૂર નથી કે એ નાટક એ વખતે હું લખી શકું એમ ન હતું. હજી પણ લખી શક્યો નથી. આથી મને એક મોટો ફાયદો એ થયો છે કે એ નાટક લખવાની — કવિ થવાની — તૈયારી કરતો હોઉં એવો ભાવ જ એ પછીનાં વરસોમાં સતત રહ્યો છે… એ કાવ્યકૃતિ સૂઝી એ પછીથી ભલે એ પોતે રચાઈ નથી, એમાંથી બીજી અનેક નાનીમોટી કૃતિઓ ઉદ્ભવી છે.’ એથી ૧૯૫૩માં સુરતમાં લેખકમિલનમાં આ વ્યાખ્યાતાએ ‘મારો પ્રિય વિદ્યમાન ગુજરાતી લેખક’ શીર્ષકથી એક વ્યાખ્યાનમાં પદ્યનાટકના સંદર્ભમાં ઉમાશંકરની એ બીજી અનેક નાનીમોટી કૃતિઓ — એટલે કે ‘વિશ્વશાંતિ’થી ‘પ્રાચીના’ લગીની ઉમાશંકરની કવિતા-નું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે અહીં આ વ્યાખ્યાનમાં આધુનિકતાના સંદર્ભમાં ઉમાશંકરની ત્યાર પછીની બીજી અનેક નાનીમોટી કૃતિઓ એટલે કે ‘આતિથ્ય’થી ‘સપ્તપદી’ લગીની ઉમાશંકરની કવિતાનું મૂલ્યાંકન કરવાનો ઉપક્રમ છે. એક અર્થમાં આ વ્યાખ્યાન ૧૯૫૩ના પૂર્વોકત વ્યાખ્યાનના અનુસંધાન જેવું છે. બન્નેમાં ભેદ એટલો જ કે ૧૯૫૩નું વ્યાખ્યાન ઉમાશંકરની ઉપસ્થિતિમાં કર્યું હતું. આ વ્યાખ્યાન દુર્ભાગ્યે ઉમાશંકરની અનુપસ્થિતિમાં કરવું રહ્યું. એ અર્થમાં આ વ્યાખ્યાન ઉમાશંકરને અંજલિ રૂપે છે. ઉમાશંકર ડુંગરોનું સંતાન છે. પિતાનું મૂળ ગામ લુસડિયા. લુસડિયા શામળાજી પાસેના ડુંગરોમાં. પિતાનું હુલામણું નામ પણ હતું ‘ડુંગરાવાળા’. ૧૯૦૦માં છપ્પનિયાના દુકાળમાં લૂંટફાટને પરિણામે પિતા ઉમાશંકરના જન્મ પૂર્વે એકાદ દાયકાથી બામણામાં વસ્યા હતા. બામણા પણ ડુંગરોમાં. ઉમાશંકરનો જે ઘરમાં જન્મ થયો તે ઘર પણ ખંભેરિયા ડુંગરની તળેટીમાં, ઊંચાણમાં. ઉમાશંકરનો શૈશવકાળ આ ડુંગરોમાં. ઉમાશંકર દસ વર્ષની વયે અભ્યાસ માટે ઈડર ગયા અને સોળ વર્ષની વય લગી ઈડરમાં વસ્યા. ઈડર પણ ડુંગરોમાં, ઉમાશંકરનો કિશોરકાળ આ ડુંગરોમાં. ૧૯૨૮ના ઑક્ટોબરમાં શરત્પૂર્ણિમાની શાંત એકાંત મધરાતે નખી સરોવર પર વસિષ્ઠાશ્રમના એક મકાનના કઠેડા પાસે ઉમાશંકરને એમનો કાવ્યદીક્ષામંત્ર પ્રાપ્ત થયો તે પણ આ ડુંગરોમાં — આ ડુંગરોમાંના એક ડુંગર આબુમાં. આ આશિષમંત્ર પ્રાપ્ત થયો એના એકાદ દિવસ પછી શરત્પૂર્ણિમાના દૃશ્યને છંદમાં પૂરવાના કોડ ડોકિયાં કર્યા કરતા હતા અને એની અન્ય તેર પંક્તિઓ મનમાં ઘાટ લેતી હતી એને પરિણામે ઉમાશંકરે એમના કુલ બારેક દિવસના આ આબુપ્રવાસ દરમિયાન એમનું પ્રથમ મહત્ત્વનું કાવ્ય ‘નખી સરોવર પર શરત્પૂર્ણિમાં’ રચ્યું તે પણ આ ડુંગરોમાં, આ ડુંગરો ઊતરતાં ઊતરતાં. આ ડુંગરોની વચમાં બામણાની આસપાસ પાંચ ગાઉ અને દૂરમાં દૂર શામળાજી લગી દસ-બાર ગાઉનો વિસ્તાર — આટલા વર્તુળમાં ઉમાશંકરનું આરંભનું દસ વર્ષનું જીવન વીત્યું હતું. આ વિસ્તારના ખંભેરિયા, જંબેલસા આદિ ડુંગરો, મેશ્વો, ઝાંઝરી આદિ નદીઓ અને નિર્ઝરો, કોતરો અને કંદરાઓ, જંગલો અને કુંજો, વૃક્ષો અને પંખીઓ — આ ઉમાશંકરની કવિતાનો પ્રકૃતિસંદર્ભ, સૌંદર્યવારસો. કુટુંબીજનોનું વહાલ, સગા-સ્વજનોનો સ્નેહ, ગ્રામપ્રજાની મમતા અને માનવતા, એની તળપદી બોલી, અભિવ્યક્તિની છટા અને ભાષાસ્વાદની શક્તિ; બામણાથી શામળાજી લગી સ્થળે-સ્થળે ઋતુઋતુના તેમ જ વિવિધ સામાજિક, ધાર્મિક વિધિઓના મેળાઓ અને ઉત્સવો, એનાં ગીતો, એ ગીતોના લય, લહેકા અને ઢાળ, એના ભાવ, મૂલ્યો અને આદર્શો — આ ઉમાશંકરની કવિતાનો સમાજસંદર્ભ, સંસ્કૃતિવારસો. આ હતી ઉમાશંકરના શૈશવની સુવર્ણભૂમિ. એની સુખદ મધુર સ્મૃતિઓએ જીવનભર ઉમાશંકરનો પીછો પકડ્યો હતો. જાણે એમણે બામણા છોડ્યું જ ન હોય! જાણે એ બામણાની બહાર ગયા જ ન હોય! એ જ્યાં-જ્યાં ગયા ત્યાં જાણે બામણા સાથે ને સાથે જ રહ્યું ન હોય! વળી જ્યારે જ્યારે તક મળી કે એ બામણા ગયા જ છે ને! ૧૯૮૧માં એમણે કહ્યું હતું, ‘હજી પણ એ ડુંગરોમાં જ ડગ ભરતો હોઉં એવું લાગ્યા કરે છે.’ આ ભૂમિમાં ઉમાશંકરનાં મૂળિયાં છે. એ મનુષ્ય તરીકેની એમની સાહસિકતા અને કવિ તરીકેની એમની સર્જકતાની ગંગોત્રી છે. ઉમાશંકરની સમગ્ર કવિતામાં અધઝાઝેરી કવિતા પ્રકૃતિકવિતા છે. એમની કવિતામાં પ્રકૃતિનો એટલો પ્રબળ પ્રભાવ છે. પ્રકૃતિ એમની કવિતાની એક મુખ્ય પ્રેરણા છે. અને આ ભૂમિ એ પ્રેરણાનું આદિમ પ્રભવસ્થાન છે. ઉમાશંકરે એમના કવિજીવનના આરંભથી તે અંત લગી, આયુષ્યના અંતલગી, ૧૯૨૮થી ૧૯૮૮ લગી, છ દાયકા લગી જીવનભર પ્રકૃતિકવિતાનું સર્જન કર્યું છે. એમનું અંતિમ કાવ્ય ‘સાસણ ગિરમાં સિંહમય રાત્રિ’ ૧૯૮૮ના ઑક્ટોબરની ૨૩મીએ રચ્યું તે પણ પ્રકૃતિકાવ્ય. તે પણ આબુના ડુંગરો અને ડુંગરવનો જેવા જ ગુજરાતના એક અન્ય પવિત્ર એવા ગિરનારના ડુંગરો અને ડુંગરવનો પર રચ્યું છે. ૧૯૩૧માં શામળાજીનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો એ ઉમાશંકરનો એ ગિરિપ્રદેશના મેળાઓનો છેલ્લો અનુભવ હતો. ૧૯૬૮માં એ અનુભવ વિશે એમણે કહ્યું હતું, ‘સમગ્ર શિક્ષણ-અધ્યયનમાંથી ગીતલેખન અંગે હું નહિ પામ્યો હોઉં એટલું એ એક રાત્રિના અને તે પણ એક મંડળીના અનુભવમાંથી પામ્યો છું એમ કહું તો એમાં કશી જ અતિશયોક્તિ નથી… મારા પૂરતી તો એને ગીતલેખનની યુનિવર્સિટી ગણું’. વળી ૧૯૭૩માં ડુંગરોમાં રખડવું અને મેળાઓમાં મહાલવું — શૈશવની એમની આ બે પ્રિય પ્રવૃત્તિઓ વિશે એમણે કહ્યું હતું. ‘ડુંગરોમાં રખડવાથી પ્રકૃતિને કંઈક વધુ આત્મીયતાથી જાણવા-માણવામાં મને મદદ મળી છે. વર્ષા ઋતુમાં ભાતીગળ મેળાઓમાં મહાલવાથી ગ્રામપ્રદેશની પ્રજાના મસ્ત મિજાજનો મને પરિચય થયો છે. મારી કવિતાની ભાવસમૃદ્ધિ માટે કાવ્યસંગ્રહો, સંચયો કે યુનિવર્સિટી-શિક્ષણથી યે વધુ હું એમનો ઋણી છું.’ ઉમાશકંરના ગીતલેખનમાં અને પ્રકૃતિકવિતાના સર્જનમાં, અલબત્ત, આ ડુંગરો, આ મેળાઓનું, આ પ્રવાસોનું, આ યુનિવર્સિટીનું અર્પણ છે, કદાચ સવિશેષ અર્પણ હશે. અને ઉમાશંકર એ અંગે આમ કૃતજ્ઞતાપૂર્વક ઋણસ્વીકાર ન કરે તો નવાઈ! પ્રત્યેક કવિને એનું બાળપણ વહાલું હોય છે. આધુનિકતાના આદિકવિ બૉદલેરે તો ‘le vert paradis des amours enfantines’ — ‘શૈશવના લાડકોડનું લીલું લીલું સ્વર્ગ’ રૂપે શૈશવનું સતત સ્મરણ કર્યું હતું. એમણે કવિતા વિશે ‘l’enfance retrouvee a volonte’ — ‘સ્વેચ્છાએ શૈશવની પુન:પ્રાપ્તિ’ અને પ્રતિભા વિશે ‘l’enfance nettement formulee’ — ‘શૈશવનું પરિષ્કૃત પુન:સર્જન’ એવું વિધાન કર્યું હતું. પ્રત્યેક કવિ એની કવિતામાં એનું બાળપણ વાગોળતો હોય છે. કવિને માટે એનું બાળપણ એ તો એની કવિતાનો જાદુઈ ખજાનો છે, એની કવિતાની અખૂટ ખાણ છે. ઉમાશંકરના ગીતલેખનમાં અને એમની પ્રકૃતિકવિતામાં આ લોકગીતોના અને લોકવૃત્ત કે લોકવિદ્યાનાં અંશો, લક્ષણો કે ગુણધર્મો આત્મસાત્ થયાં હોય તે ભલે. પણ ઉમાશંકરનાં ગીતો એ લોકગીતો નથી અને એમની પ્રકૃતિકવિતા એ લોકવૃત્ત કે લોકવિદ્યા નથી. એમાં બીજું ઘણું બધું, વિશિષ્ટ અને વૈયક્તિક એવું ઘણું બધું આત્મસાત્ થયું છે. એ નામે ઉમાશંકર એવા એક વિશિષ્ટ કવિનું ગીતલેખન છે, વૈયક્તિક કવિની પ્રકૃતિકવિતા છે, એ સાહિત્યિક સર્જન છે. એથી એમાં ઉમાશંકર નરસિંહથી ન્હાનાલાલ લગીનાં કવિઓનાં ગીતોમાંથી, પદ, ભજન, રાસ આદિમાંથી, અને નર્મદથી ન્હાનાલાલ લગીના કવિઓની પ્રકૃતિકવિતામાંથી, કાવ્યસંગ્રહો, સંચયો અને મુંબઈ યુનિવર્સિટીના શિક્ષણમાંથી પણ, વિશેષ નહિ તો એટલું જ પામ્યા છે, એમાં આ બધું પણ છે એથી સ્તો ઉમાશંકર ઉમાશંકર છે એમ કહીએ તો એમાં કશી જ અતિશયોક્તિ નથી. આબુના ડુંગરોએ ઉમાશંકરને એમની કાવ્યદીક્ષા જેવો આશિષમંત્ર ‘સૌંદર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે.’ આપ્યો તે ભલે. પણ પછી જો કોઈ — કવિ સુધ્ધાં — એમ માને કે માત્ર સૌંદર્યો પીએ એટલે પછી ઉરઝરણ આપમેળે ગાશે તો એમાં એની નરી મુગ્ધતા છે. ઉમાશંકર તો એમ ન જ માને. કવિએ માત્ર સૌંદર્યો જ પીવાનાં નથી. બીજું ઘણું બધું પીવાનું હોય છે અને પછી ઉરઝરણ આપમેળે ગાતું નથી. એમાં બીજું ઘણું બધું મેળવ્યું હોય છે. બીજું ઘણું બધું એના મેળમાં હોય છે, પછી ઉરઝરણ ગાતું હોય છે. આટલું જો ઉમાશંકર ન જાણે તો બીજું કોણ જાણે? આ કાવ્યદીક્ષાની ક્ષણ પછી સમગ્ર કવિજીવનના છ-છ દાયકા લગી સતત જેણે સૌંદર્યો જ માત્ર નહિ પણ હલાહલો પણ પીધાં છે એવા ઉમાશંકર ન જાણે તો બીજું કોણ જાણે? ઉમાશંકરની પ્રકૃતિકવિતાનાં મૂળિયાં આ ગિરિપ્રદેશમાં હોય તે ભલે. પણ માત્ર ઉમાશંકરની જ નહિ પણ ૧૮૫૦ પછી જગતભરના, વિશેષ તો ભારતના, તેમાંય સવિશેષ તો ગુજરાતના સૌ કવિઓની પ્રકૃતિકવિતાનાં પરોક્ષ મૂળિયાં તો ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપ — ઇંગ્લંડના રોમૅન્ટિસિઝમમાં — રંગદર્શિતાવાદમાં છે, સવિશેષ તો વર્ડ્ઝવર્થના રોમૅન્ટિસિઝમમાં છે. ૧૬મી સદીમાં યુરોપ-ઇંગ્લંડનું પુનરુત્થાન — renaissance રનેસાંસ-નું આંદોલન એ બૌદ્ધિક આંદોલન હતું. જ્યારે આ રોમૅન્ટિસિઝમનું આંદોલન એ હાર્દિક આંદોલન, હૃદયનું આંદોલન, સંવેદનાનું આંદોલન હતું. એ માત્ર સાહિત્યિક આંદોલન ન હતું. પુનરુત્થાનની જેમ જ એ સમગ્ર જીવનવ્યાપી આંદોલન હતું. એમાં એક અભૂતપૂર્વ જીવનદર્શન હતું, એક નૂતન જીવનશૈલી હતી. આર્થિક, રાજકીય, સામાજિક, નૈતિક, આધ્યાત્મિક, ધાર્મિક, સાંસ્કૃતિક આદિ પરિમાણોને કારણે એ સર્વતોમુખી આંદોલન હતું. એમાં મનુષ્યને, સમાજને, જીવનને, જગતને, પ્રકૃતિને, વિશ્વને જોવા-જાણવાની એક નવી દૃષ્ટિ હતી. આ સંદર્ભમાં એના અંતર્ગત અનિવાર્ય અંશ રૂપે પ્રકૃતિમાં ચૈતન્યનું, સજીવતાનું, સભાનતાનું નૈતિકતા-આધ્યાત્મિકતાનું, મનુષ્ય સાથેના એકત્વનું, માનવીય સંવેદનાનું આરોપણ કરવામાં આવ્યું હતું. સાહિત્યમાં, કવિતામાં, પ્રકૃતિકવિતામાં આ રોમૅન્ટિસિઝમ પ્રગટ થયું હતું. પ્રાચીન ભારતની સંસ્કૃત કવિતા, પ્રકૃતિકવિતા, વેદ-ઉપનિષદ, વાલ્મીકિ, કાલિદાસ આદિની પ્રકૃતિકવિતા સાથે એનું કંઈક સામ્ય છે. ૧૮મી સદીના અંતથી તે ૨૦મી સદીના આરંભ લગી, આધુનિકતાના આરંભ લગી જગતભરની પ્રકૃતિકવિતા એ રોમૅન્ટિસિઝમની આ પરંપરાની પ્રકૃતિકવિતા છે. ઉમાશંકરની પ્રકૃતિકવિતા પણ આ પરંપરાની પ્રકૃતિકવિતા છે. વર્ડ્ઝવર્થની કવિતામાં અને રુસોનાં આત્મકથનોમાં રોમૅન્ટિસિઝમના આ પ્રકૃતિદર્શનનો પ્રથમ પુરસ્કાર થયો છે. આ પ્રકૃતિદર્શન એટલે સર્વમાં — પ્રકૃતિ સુધ્ધાં-માં ઈશ્વર છે એવો સર્વેશ્વરવાદ — Pantheism. વર્ડ્ઝવર્થ અને રુસો આ પ્રકૃતિદર્શનના પયગંબર છે, પરમગુરુ છે. પ્રકૃતિમાં માતૃહૃદય છે, એમાં વાત્સલ્ય છે, સંજીવની છે. પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે પૂર્ણ તાદાત્મ્ય છે. આ હતું વર્ડ્ઝવર્થનું પ્રકૃતિદર્શન. સંસ્કૃતિ એટલે વિકૃતિ, પ્રકૃતિની વિકૃતિ, નિસર્ગનું નિરસન. નગર એટલે માનવસર્જિત કૃત્રિમતા, અનૈસર્ગિકતા. નગર અને નગરસંસ્કૃતિથી મનુષ્ય જેટલો નિર્લેપ અને નિરપેક્ષ, પ્રકૃતિથી મનુષ્ય જેટલો નિકટ અને નિર્ભર એટલો એ સ્વતંત્ર અને સ્વમાની, સદ્ગુણી અને સદાચારી, સરલ અને સાલસ, ઉદાર અને ઉદાત્ત, નિઃસ્વાર્થ અને નિર્દોષ. આ હતું રુસોનું મુક્ત મનુષ્યનું, નિષ્પાપ અને નીતિમત્ત મનુષ્યનું, નૈસર્ગિક મનુષ્યનું દર્શન. પરમોદાત્ત પ્રાકૃત મનુષ્ય — noble savage — નું દર્શન. પ્રકૃતિ એટલે સત્યમ્ શિવમ્ અને સુન્દરમ્નું સાકાર સ્વરૂપ, એની સાક્ષાત્ ત્રિમૂર્તિ. એથી જ રુસોનું આહ્વાન હતું, ‘પાછા નિસર્ગે!’ ‘Back to Nature!’ જોકે ૧૮૬૦–૭૦ની આસપાસ ડાર્વિને ‘Origin of Spe-cies’(૧૮૫૯) — ‘જીવોની ઉત્પત્તિ’માં અને ‘The Descent of Man’(૧૮૭૧) — ‘મનુષ્યનું અવતરણ’માં, ‘Struggle for Ex-istence’ — ‘અસ્તિત્વ માટેનો સંઘર્ષ’ અને ‘Survival of the Fittest’ — ‘ઉત્તમોનો ઉગારો’ — આદિ વૈજ્ઞાનિક વિચારમાં અને તે પૂર્વે ૧૮૫૦ની આસપાસ ટેનિસને ‘Nature, red in tooth and claw’ — ‘પ્રકૃતિ દંતે પંજે રક્તવર્ણી’ અને ‘Na-ture lends her evil dreams’ — ‘પ્રકૃતિ, ધરે છે, ધીરે છે એનાં દુરિત સ્વપ્નો’ આદિ કાવ્યપંક્તિઓમાં વર્ડ્ઝવર્થ — રુસોના પ્રકૃતિદર્શનથી તદ્દન વિભિન્ન અને વિરોધી એવું પ્રકૃતિદર્શનનું સૂચન કર્યું હતું. ઉમાશંકરના ‘વિશ્વશાંતિ’માં આરંભમાં ‘મંગલ શબ્દ’-પ્રથમ ભાગમાં ‘આ રક્તરંગી પશુપંખી — પ્રાણી/પુકારતાં સૌ નખદંતનાશ’ એ ટેનિસનની પૂર્વોક્ત કાવ્યપંક્તિના અનુવાદ જેવી કાવ્યપંક્તિઓમાં પણ એનો આછો અણસાર છે, પણ અણસાર જ. પણ પછી અંતે ‘વિશ્વશાંતિ’ — પાંચમા ભાગમાં ‘વિશાળે જગવિસ્તારે…’ આદિ ચૌદ પંક્તિઓમાં સમગ્ર પ્રકૃતિ નિર્દોષ છે, એક આધુનિક મનુષ્ય જ દૂષિત છે, ‘કપૂત’ છે એવું વર્ડ્ઝવર્થ-રુસોની રોમૅન્ટિસિઝમની પરંપરાનું પ્રકૃતિદર્શન જ પ્રગટ કર્યું છે. પણ આધુનિકતાના આદિકવિ બૉદલેરે તો ૧૮૬૩માં એમના પ્રસિદ્ધ કલાવિવેચનલેખ ‘Le Peintre de la vie moderne’ — ‘આધુનિક જીવનનો ચિતારો’ — માં રોમૅન્ટિસિઝમના આદર્શવાદી, ભાવનાવાદી પ્રકૃતિદર્શનનો પ્રબળ પ્રતિકાર કર્યો છે. પ્રકૃતિમાં કલ્પના અને સંવેદના, નૈતિકતા અને આધ્યાત્મિકતા આદિના આરોપણનો પ્રખર પ્રતિવાદ કર્યો છે. આ પલાયનવૃત્તિ, આ અતીતરાગવૃત્તિ, નિસર્ગના નંદનવનના આ મોહવ્યામોહ, આ સ્થૂલ હૃદયદૌર્બલ્ય materialist sentimentalism, આ પ્રાકૃત ઊર્મિલતા, આ પોચટ લાગણીવેડા પ્રત્યે તીવ્ર પ્રત્યાઘાત પ્રગટ કર્યો છે, રોષપૂર્વક, આક્રોશપૂર્વક, પુણ્યપ્રકોપ પ્રગટ કર્યો છે : ‘સૌંદર્ય અંગેની મોટા ભાગની ભૂલો ૧૮મી સદીના ખોટા નૈતિક ખ્યાલોને આભારી છે. ત્યારે જે કંઈ શિવ અને સુન્દર હોય એના આધાર, ઉદ્ભવ અને પ્રકાર તરીકે પ્રકૃતિનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આદિમ પાપ — Original Sin — ના અસ્વીકારનો આ સમયના સાર્વભૌમ અંધત્વ સાથે નાનોસૂનો સંબંધ ન હતો. તોપણ જો આપણે ઊડીને આંખે વળગે એવી સાફસાફ હકીકત પર, એકેએક યુગના અનુભવ પર, પોલીસ કૉર્ટના ગેઝેટ પર ધ્યાન આપવાનું કબૂલ કરીએ તો આપણને જોવા મળશે કે પ્રકૃતિ આપણને કશું, લગભગ કશું શિખવાડતી નથી. પ્રકૃતિ મનુષ્યને ઊંઘવાની, ખાવાપીવાની અને આસપાસનાં જોખમોથી બચવાને એની સમગ્ર શક્તિ કામે લગાડીને એને પોતાની સલામતી શોધવાની ફરજ પાડે છે. વળી પ્રકૃતિ જ મનુષ્યને એના પડોશીની હત્યા કરવાને, એની હિંસા કરવાને, એની માલમિલકતની તફડંચી કરવાને, એની રિબામણી કરવાને ઉત્તેજે છે, ઉશ્કેરે છે. કારણ કે આપણે જેવા આપણી પ્રાથમિક જરૂરિયાતો અને ઇચ્છાઓમાંથી પરવારીને પછી મોજશોખ અને જાહોજલાલીની પાછળ પડીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે પ્રકૃતિ આપણને ગુનાઓ આચરવાનું જ સલાહસૂચન કરે છે. એ જ આ પતનાતીત પ્રકૃતિ છે જે પિતૃહત્યા અને માનવહત્યા તથા આપણી સુરુચિ અને સુજનતા આપણને જેનું નામ પાડતાં રોકે છે એવી સહસ્ર અન્ય બીભત્સતાની જનેતા છે. બીજી બાજુ ફિલસૂફી (એટલે કે સાચી ફિલસૂફી) અને ધર્મ આપણને ગરીબ અને માંદા માણસોનું જતન કરવાની ફરજ પાડે છે. આપણા સ્વાર્થી આત્માના અવાજ જેવી પ્રકૃતિ તો આપણને એવા માણસોને માર મારવાનો જ આદેશ આપે છે. જે કંઈ નૈસર્ગિક છે, કુદરતી છે તેને, કેવળ નૈસર્ગિક મનુષ્યની કરણી અને કામનાઓને ધ્યાનથી જુઓ, તપાસો-ચકાસો તો એમાં તમને ભયંકર ન હોય એવું કશું જોવા-જાણવા મળશે નહિ. જે કંઈ શ્રીમત્ અને ઊર્જિત છે તે તો તર્ક અને બુદ્ધિની સરજત છે. માતાના ઉદરમાં હોય છે ત્યારથી જ મનુષ્યે જેની રુચિ કેળવી હોય છે એવા ગુનાઓ કુદરતી, નૈસર્ગિક, પ્રકૃતિજન્ય હોય છે. ઊલટાનું સદ્ગુણો કૃત્રિમ, અનૈસર્ગિક અને પ્રકૃતિથી પર હોય છે, રહસ્યમય હોય છે. એથી જ સ્તો યુગે-યુગે દેશે-દેશે દેવોએ અને પયગંબરોએ મનુષ્યને એનો ઉપદેશ આપવાને અવતરવું પડ્યું છે. અસદ્ સ્વજાત, સ્વયંભૂ છે, આપમેળે જન્મે છે. નૈસર્ગિક, પ્રકૃતિજન્ય, વિધિનિર્મિત છે. સદ્ હંમેશાં મનુષ્યની સર્જકશક્તિની સિદ્ધિ છે.’ આ પૂર્વે ૧૮૫૫માં ફર્નાં દેસ્નોયેરે પ્રકૃતિકાવ્યોના સંચય માટે બૉદલેર પાસે પ્રકૃતિકાવ્યોની માંગણી કરી હતી ત્યારે પ્રત્યુત્તરમાં બૉદલેરે દેસ્નોયેરને એક પત્રમાં લખ્યું હતું, ‘તમે તમારા નાનકડા સંચય માટે મારી પાસે કાવ્યો, પ્રકૃતિકાવ્યોની માંગણી કરો છો, નહિ? વનો, ઊંચાં ઓકવૃક્ષો, હરિયાળી, જીવજંતુ, સૂર્ય વિશેનાં કાવ્યો, બેશક! તમે બરોબર જાણો છો કે વનસ્પતિ અંગે લાગણીવેડાથી પીડાવા માટે હું અશક્ત છું. અને મારો આત્મા આ અદ્ભુત નવા ધર્મની વિરુદ્ધ વિદ્રોહ કરે છે. અને મને લાગે છે કે આ ધર્મ પ્રત્યેક આધ્યાત્મિક વ્યક્તિ માટે, કેમ એ તો હું જાણતો નથી પણ હંમેશાં આઘાતજનક નીવડશે. વનસ્પતિમાં દેવોનો આત્મા વસે છે એવું હું કદી માની શક્વાનો નથી. અને વસતો હોય તોપણ મને એમાં મુદ્દલે રસ નથી, મને એની કોઈ પરવા નથી. એમ હોય તોપણ એ પવિત્ર વનસ્પતિ કરતાં હું મારા પોતાના આત્માનું વધુ મૂલ્ય આંકું છું. વળી મને હંમેશાં એવું લાગ્યું છે કે આ અનંત પ્રફુલ્લન અને અસંખ્ય પુનર્જન્મ પામતી પ્રકૃતિમાં ક્રૂર, કઠોર અને કષ્ટદાયક એવું કશુંક વસે છે, નિર્લજ્જ અને ઉદ્ધત, નફ્ફટ અને બેશરમ એવું કશુંક વસે છે.’ વળી બૉદલેરની એ પ્રતીતિ હતી કે પ્રકૃતિમાં કલ્પનાશક્તિ નથી. પ્રકૃતિમાં કેવી એકસૂર એકવિધતા છે, પ્રકૃતિ કેવી નીરસ અને કંટાળાજનક છે, એને જોઈને કેવો નિર્વેદ થાય છે! વૃક્ષો બધાં જ હંમેશાં લીલાં જ હોય, મેદાનો બધે જ હંમેશાં લીલાં જ હોય. એથી મેદાનો લાલ હોય અને વૃક્ષો વાદળી હોય એવું વૈવિધ્ય ખાતર એમણે ઇચ્છ્યું હતું. બૉદલેરે માત્ર ઉદ્દીપક તરીકે જ પ્રકૃતિનો સ્વીકાર કર્યો હતો. પ્રકૃતિનું કશું પણ મૂલ્ય હોય તો માત્ર ઉદ્દીપક તરીકે. એમણે કહ્યું છે, ‘બાહ્ય પ્રકૃતિ તો ખેરવિખેર સાધનસામગ્રીનો ગંજાવર ખડકલો માત્ર છે. કલાકાર એને એકત્રિત કરે છે અને એમાં શિસ્ત અને વ્યવસ્થા સ્થાપે છે. પ્રકૃતિ તો ઉદ્દીપક — incitamentum માત્ર છે. કલાકારની પ્રચ્છન્ન સુષુપ્ત શક્તિઓને પ્રગટ કરવામાં માત્ર નિમિત્તરૂપ, સાધનરૂપ બને છે એટલું જ. સાચું પૂછો તો પ્રકૃતિ નથી રેખા કે નથી રંગ, રેખા અને રંગનું સર્જન તો કર્યું છે મનુષ્યે.’ આધુનિકતા એટલે નાગરિકતા — urbanisme અને નાગરિકતા એટલે ૧૭૫૦માં ઔદ્યોગિક ક્રાંતિ પછીના નગરની, આધુનિક નગરની સંસ્કૃતિ. ૧૮૫૦ પછી આધુનિકતાનું એકેએક આંદોલન આધુનિક નગરમાં જ થયું છે. એનું એકે આંદોલન કદી ક્યાંય ગ્રામપ્રદેશમાં થયું નથી. આધુનિકતા નગરસર્જિત અને નગરસીમિત છે, નગરપ્રેરિત અને નગરપાલિત છે, નગરનિર્મિત અને નગરનિર્ભર છે. આધુનિકતાની કવિતા એટલે આધુનિક નગરની કવિતા. એ ગ્રામપ્રદેશની કવિતા નથી, પ્રકૃતિકવિતા નથી. ઔદ્યોગિક ક્રાંતિ પૂર્વે પણ નગર તો હતું. પણ એ પ્રાચીન, મધ્યકાલીન પ્રાગ્-ઔદ્યોગિક-કાલીન નગર હતું. અને એ નગરની કવિતા પણ હતી. એ આધુનિક નગર ન હતું. એ નગર પ્રકૃતિને અધીન હતું, પ્રકૃતિ પર નિર્ભર હતું. એને પ્રકૃતિનો આધાર હતો. એની પર પ્રકૃતિનો પ્રભાવ હતો, પ્રકૃતિનું વર્ચસ્ હતું. એ નગર અને એ નગરકવિતા દસ હજાર વર્ષ પૂર્વેની કૃષિક્રાંતિની સરજત છે. એ નગરકવિતામાં અંતે કૃષિ સંસ્કૃતિ, સમાજ, જીવન અને મનુષ્ય છે. અથવા ગોપસંસ્કૃતિ, સમાજ, જીવન અને મનુષ્ય છે. એટલે એ નગરકવિતા — પ્રશિષ્ટ નગરકવિતા અને રોમૅન્ટિક નગરકવિતા અંતે ગોપકવિતા છે. આધુનિક નગર એ અઢીસો વર્ષ પૂર્વેની ઔદ્યોગિક ક્રાંતિની સરજત છે. આધુનિક નગરમાં અને નગરકવિતામાં ઔદ્યોગિક સંસ્કૃતિ, સમાજ, જીવન અને મનુષ્ય છે. આધુનિકતાની કવિતામાં નગરનો, નગરના નામનો ઉલ્લેખ હોય કે ન હોય પણ એમાં જે સંવેદન, સભાનતા, માનસ, મિજાજ, મનોવ્યાપાર અને શૈલીસ્વરૂપ આદિ પ્રગટ થાય છે એમાં માત્ર નાગરિકતા જ હોય છે. આમ, આ નગરકવિતાનો, આધુનિકતાની કવિતાનો વિરોધાર્થી શબ્દ છે ગોપકવિતા. તો હમણાં જ જોયું તેમ, આધુનિકતામાં જે પ્રકૃતિદર્શન છે તે રોમૅન્ટિસિઝમમાં જે પ્રકૃતિદર્શન છે તેથી તદ્દન વિભિન્ન, તદ્દન વિરુદ્ધનું પ્રકૃતિદર્શન છે અને આધુનિકતાની કવિતામાં નાગરિકતા છે. એથી ઉમાશંકરની પ્રકૃતિકવિતાનું અન્યથા ગમે તેટલું મૂલ્ય હોય તોપણ આ સંદર્ભમાં, આજના વિષયના સંદર્ભમાં, આધુનિકતાના સંદર્ભમાં એ અપ્રસ્તુત છે. ૧૯૧૬થી ૧૯૨૦ લગી ચાર વરસ ઉમાશંકરે બામણામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો. પણ ચોથા ધોરણમાં શિક્ષકની ગેરહાજરીને કારણે ૧૯૨૦થી ૧૯૨૭ લગી સાત વરસ ઈડરમાં છાત્રાલયમાં રહીને ઍન્ગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. અહીં પણ સ્કૂલમાં સાતમા ધોરણનો વર્ગ ન હતો એથી ૧૯૨૭માં અમદાવાદમાં વસ્યા અને છાત્રાલયમાં રહીને પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં મૅટ્રિકનો અભ્યાસ કર્યો. ૧૯૨૮માં મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી ૧૯૩૦ લગી ગુજરાત કૉલેજમાં ઇન્ટર લગીનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. ૧૯૩૦થી ૧૯૩૪ લગી ચાર વરસ અભ્યાસનો ત્યાગ કર્યો અને સ્વાતંત્ર્યસંગ્રામમાં સક્રિય પ્રતિબદ્ધ સત્યાગ્રહી તરીકે ૧૯૩૦માં વીરમગામ છાવણીમાં, ૧૯૩૦–૩૧માં કુલ અઢી મહિના સાબરમતી જેલમાં તથા યરવડાની તંબુજેલમાં અને ૧૯૩૨માં કુલ આઠ મહિના સાબરમતી જેલમાં તથા વિસાપુરની જેલમાં સત્યાગ્રહનું કાર્ય કર્યું. ૧૯૩૧માં કરાંચીમાં ક્રૉંગ્રેસના અધિવેશનમાં હાજર રહ્યા અને છએક મહિના ગૂજરાત વિદ્યાપીઠમાં ‘એકસ્ટ્રા-મ્યુરલ’ — બહારના એક વિદ્યાર્થી તરીકે અનૌપચારિક વસવાનું થયું. ૧૯૩૪માં મુંબઈમાં વસ્યા અને હૉસ્ટેલમાં રહીને ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. ૧૯૩૬માં અર્થશાસ્ત્ર અને ઇતિહાસના વિષયમાં બી.એ.ની પરીક્ષામાં અને ૧૯૩૮માં ગુજરાતી અને સંસ્કૃતના વિષયમાં એમ.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. ૧૯૩૮–૩૯માં શિક્ષણકાર્ય કર્યું. પછી ૧૯૩૯માં અમદાવાદમાં વસ્યા. આમ, ઉમાશંકર ૧૯૨૭થી ૧૯૩૪ લગી સાત વરસ અમદાવાદમાં અને ૧૯૩૪થી ૧૯૩૯ લગી પાંચ વરસ મુંબઈમાં વસ્યા હતા. આ ઘટના આ જ વિષયના સંદર્ભમાં, આધુનિકતાના સંદર્ભમાં અત્યંત સૂચક છે, એનું મોટું મહત્ત્વ છે. કારણ કે ઉમાશંકર બામણા અને ઈડરના ગ્રામપ્રદેશમાંથી અમદાવાદ જેવા ઔદ્યોગિક નગરમાં, આધુનિક નગરમાં અને મુંબઈ જેવા એથી યે વધુ મોટા ઔદ્યોગિક નગરમાં, આધુનિક મહાનગરમાં વસ્યા હતા. ઉમાશંકરે પોતાના જીવનમાં અમદાવાદ અને મુંબઈનું શું અર્પણ છે એ અંગે વારંવાર કૃતજ્ઞતાપૂર્વક આત્મકથન કર્યું છે, ‘સંસાર જેવી કોઈ શાળા નથી, એ વાત સાચી હોય તો સંસારનું પોત બરોબર ઉત્કટ રૂપે બતાવનાર અમદાવાદ દરેક વિકાસવાંછુને માટે મોટી શાળા જેવું છે. હું પોતે અમદાવાદમાંથી બહુ પામ્યો છું.’ (૧૯૪૯). ‘આ અમદાવાદ શહેર, એમાં હું તો એક નાનકડા વિદ્યાર્થી તરીકે આવેલો. અને અમદાવાદમાંથી જીવનની ત્રણ મોટી બક્ષિસો હું પામ્યો છું. ઉચ્ચ શિક્ષણ, રાષ્ટ્રપ્રેમ અને ગૃહસ્થાશ્રમ. એ ત્રણેની દીક્ષા મને અમદાવાદમાંથી મળેલી છે. અને એનાથી વધારે સારી ભૂતળ ઉપર ક્યાંય મળી શકત નહિ. જન્મોજન્મ હું આનાથી વધારે ઇચ્છા પણ મારા માટે ન રાખું… અનેક મોટી વિભૂતિઓ વિદ્યાપીઠમાં હતી… અમદાવાદમાં એ વખતે મોટી વ્યક્તિઓ બિરાજતી હતી. વિદ્યાપુરુષો બિરાજતા હતા, ‘વિદ્યાપુરુષ’ શબ્દ જેમને શોભે, એવા મનીષીઓ અહીં હતા… એવી વિદ્યાવિભૂતિઓ, સાંસ્કૃતિક વિભૂતિઓ આપણા અમદાવાદમાં હતી કે જેનો હિન્દુસ્તાનમાં જોટો ન જડે… ઘણું અમદાવાદમાંથી મળ્યું છે. ઉચ્ચ શિક્ષણ આનાથી વધારે સારું દુનિયાનો કયો ભાગ મને આપી શકવાનો હતો?… કવિ તરીકે અમદાવાદે મને ઘણું બધું આપેલું છે. ડગલે ને પગલે આપ્યું છે. હું પ્રશ્ન તો મને એ પૂછું છું કે હું તેને પૂરું ગ્રહણ કરી શક્યો છું કે કેમ. રાષ્ટ્રપ્રેમની દીક્ષા એ બીજી બક્ષિસ… ગૃહસ્થાશ્રમની દીક્ષા એ મારી અંગત વાત છે… આ ત્રણેમાં મારા ગુરુઓ હોઈ અમદાવાદને મેં હંમેશાં ગુરુસ્થાને મૂકેલ છે… અમદાવાદમાંથી હું એટલું બધું પામ્યો છું કે એ ઋણ ક્યારેય પણ ફેડી શકીશ કે કેમ એની મને ખબર નથી. અમદાવાદે સૌથી મોટી વસ્તુ કઈ આપી? અમદાવાદે મને કામ કરવાની તક આપી છે…’ (૧૯૬૮). ‘મહાનગર અમદાવાદ પાસેથી પાછળથી પણ ઘણું ઘણું મળ્યું છે. પણ સમાજ-ચેતના સાથે મારી યુવા-ચેતનાને જોડી દીધી એ એનો સૌથી મોટો ઉપકાર છે. એ આંદોલન કેવળ રાષ્ટ્રીય ન હતું. આધ્યાત્મિક પણ હતું. તેથી લાગતું કે વિશ્વના કેન્દ્રમાં જે શક્તિ-પુરવઠો છે તેની જોડે ભાવનાથી જાણે કે સંધાન થયું ન હોય! (૧૯૭૦). ‘જોકે હું ગુજરાતી સાહિત્યની દુનિયા અમદાવાદથી માંડ ૭૫ માઈલ જ દૂર હતો. છતાં હું એક છેક અળગા અને પછાત પ્રદેશમાં હતો. અમદાવાદ પહોંચવું એ મારે માટે એક મોટું નવપ્રસ્થાન હતું…’ (૧૯૭૩). ‘મુંબઈ જેવા વિશાળ અર્વાચીન મહાનગરમાં પગભર થવા હું મથી રહ્યો હતો — પહેલાં એક વિદ્યાર્થી તરીકે અને પછી ગૃહસ્થ તરીકે…’ (૧૯૬૮). ‘જ્યારે વધુ અભ્યાસ માટે હું અમદાવાદ આવ્યો અને પછી મુંબઈ ગયો, ત્યારે એ શહેરોએ મારા ચિત્ત પર એક જુદી જ જાતની ભૂરકી, કહો કે કોઈ સમસ્યારૂપ ભૂરકી નાંખી’ (૧૯૭૦). ‘હું નજર કરું છું પાછળ તો મને લાગે છે કે હું મુંબઈમાં રહ્યો એ વર્ષો મારે માટે ઘણા જ મહત્ત્વનાં છે. ત્રણ કારણો છે. એક તો હું સત્યાગ્રહમાં ચાર વર્ષ આપ્યા પછી નવેસરથી ભણવા માટે ગયો. મારા પિતાનું મૃત્યુ થયું. આખું કુટુંબ અમારું અસ્તવ્યસ્ત હતું. એટલે એક જીવનનો પુરુષાર્થ કરવાનો હતો. બીજું કે મુંબઈ એ લાખોની વસ્તીનું, એમાં તમે સમુદ્રમાં બિન્દુ જેવા, સિન્ધુમાં બિન્દુ જેવા. પણ બીજી બાજુ તમને એની હૂંફ પણ મળે. એ એક એવો અનુભવ હતો કે હું મારા યુવાન મિત્રો, વિદ્યાર્થીમિત્રોને પછીથી કહેતો કે ‘મુંબઈ તો મા છે!’ એનું વાત્સલ્ય હું બહુ પામ્યો છું. અને હું લગ્ન પછી મુંબઈમાં રહ્યો છું. એટલે મારો બધો જે પ્રયત્નકાળ છે એ મુંબઈમાં છે. અને મુંબઈ પ્રત્યે મારું કેટલું ઋણ છે એ હું કદી કહી નહિ શકું. જેટલું મારા ગામ પ્રત્યે મારું ઋણ છે.’ (૧૯૭૮). અર્વાચીન કવિતાના ઇતિહાસમાં ઉમાશંકરને ગાંધીયુગના કવિ તરીકે ઓળખાવવામાં આવે છે. તો ક્યારેક કવિતાના વિવેચનમાં એમને સાક્ષરયુગના અનુગામી વારસ કવિ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. આવાં-આવાં લેબલો એ સાહિત્યિક પત્રકારત્વની વ્યૂહરચના છે. કવિતાના ઇતિહાસ અને વિવેચનમાં આ વ્યૂહરચનાનું અનુકરણ કે અનુસરણ થાય છે. એ દુર્ભાગ્ય છે. હવે પછી જોઈશું તેમ, ઉમાશંકરનો કાવ્યપુરુષ એ યુગપુરુષ નથી. એ કાલાધીન નહિ, કાલાતીત કાવ્યપુરુષ છે. એટલે ઉમાશંકરની કવિતા આ કે તે યુગની, સાક્ષરયુગ કે ગાંધીયુગ કે આધુનિકતાના યુગની કવિતા નથી. પછી ભલે ૧૯૨૮થી ૧૯૮૮ના છ દાયકાના સમયમાં એનું સર્જન થયું હોય. એ આ યુગોમાંથી પ્રગટ થાય છે. એમાંથી પસાર થાય છે, એનાથી પ્રભાવિત પણ થાય છે પણ અંતે એ એમને અતિક્રમી જાય છે. કોઈ પણ કવિતાની જેમ ઉમાશંકરની કવિતાને સમયમાં જન્મવું રહ્યું. પણ એ સમયમાં એ જકડાતી-પકડાતી નથી. એ સમયના કૂંડાળાને સ્પર્શજ્યાની જેમ સ્પર્શીને, એને આંતરીને, ચાતરીને એની આગવી દિશામાં ઊફરી ચાલી જાય છે. ઉમાશંકર સતત ગતિશીલ કવિ છે. સતત વિકાસશીલ કવિ છે. એમનો એકલપંથ કવિતાપ્રવાસ છે. એ જેમને લેબલો ન લાગી શકે, ન લગાવી શકાય એવા સ્વતંત્ર કવિ છે. લેબલોથી પર એવા અપરતંત્ર કવિ છે, મુક્ત કવિ છે. ગ્રામપ્રદેશમાંથી એક સોળ વરસનો સામાન્ય સ્થિતિનો સંવેદનશીલ કલ્પનાશીલ કિશોર અમદાવાદ જેવા આધુનિક ઔદ્યોગિક નગરમાં સ્થિર થાય ત્યારે આરંભમાં એનો સંક્ષોભ અને સંઘર્ષ, એનો આઘાત-પ્રત્યાઘાત કલ્પી શકાય છે. ગ્રામપ્રદેશમાં પ્રકૃતિનું સૌંદર્ય અને માનવસંબંધોનું સૌહાર્દ હોય. એનું દર્શન અહીં દુર્લભ હોય. અહીં ગરદી અને ગંદકી હોય, ધુમાડો અને ધમાલ હોય, ઘસારો અને ઘોંઘાટ હોય. અહીં સત્તા અને સમૃદ્ધિનું પ્રદર્શન હોય, સ્વાર્થ અને સ્પર્ધાનું સામ્રાજ્ય હોય, મૂડીનું શાસન અને મજૂરીનું શોષણ હોય. ‘વિશ્વશાંતિ’માં ‘ધનિકો મૂડીને યંત્રે પીલે છે દીન માનવી’ જેવા સ્પષ્ટ સરલોદ્ગારમાં, ‘જઠરાગ્નિ’ અને ‘પાંચાલી’ જેવા પ્રબળ પુણ્યપ્રકોપમાં, ‘સંધ્યાકાશ’ જેવા સ્વસ્થ સંસ્કૃતિનિદર્શનમાં અને ‘સાબરનો ગોઠિયો’ અને ‘સાબરની દીકરી’ જેવા કરુણોર્મિકથનમાં એનો અણસારો છે. સદ્ભાગ્યે અમદાવાદમાં ત્યારે આટલું જ ન હતું. આ સૌની સાથોસાથ, આ સૌની વચ્ચોવચ ગાંધીજી પણ હતા. ઉમાશંકરે ૧૯૨૮માં એક રવિવારે બપોર પછી વિદ્યાપીઠના વાયવ્ય ખૂણાના ખંડમાં ગાંધીજીનું પ્રથમ દર્શન કર્યું. ગાંધીજી વ્યક્તિ ન હતા, વાતાવરણ હતા. માનવઇતિહાસમાં અભૂતપૂર્વ એવી એક પ્રચંડ ઘટનાનું નામ હતું ગાંધીજી. એમની પ્રતિભામાં, એમના વ્યક્તિત્વમાં ચુંબકત્વ હતું. ઉમાશંકર એક સંવેદનશીલ, કલ્પનાશીલ કિશોર કવિ, એમને એનું આકર્ષણ ન થાય તો જ આશ્ચર્ય! એ વાતાવરણમાં આ ઘટનાની જાદુઈ અસર હતી. ગાંધીજીના પ્રભાવથી પર હોવું ઉમાશંકરને માટે અશક્ય હતું, એમને માટે કોઈ વિકલ્પ જ ન હતો. કરમચંદ ગાંધીના પુત્ર મોહનદાસ માટેનું આ સંમોહન નથી પણ સત્ય, અહિંસા અને પ્રેમની, સ્વાતંત્ર્ય, સમત્વ અને બંધુત્વની સાક્ષાત્ મૂર્તિ માટેની મોહિની છે. ઉમાશંકરના ગાંધીજી માત્ર ઇતિહાસ નથી, એક પુરાકલ્પન પણ છે. એમાં મૂલ્યો, આદર્શો, ભાવનાઓ પ્રત્યેની ભક્તિ છે. ઉમાશંકરનો આ ભક્તિભાવ ‘વિશ્વશાંતિ’માં અને અન્ય અનેક કાવ્યો તથા ગદ્ય લખાણોમાં પ્રગટ થાય છે, ગાંધીપ્રશસ્તિ રૂપે. ‘વિશ્વશાંતિ’ અને ગાંધીપ્રશસ્તિ પરસ્પરના પર્યાયરૂપ છે. ૧૯૨૮માં ઉમાશંકરે રાષ્ટ્રીય પ્રસંગો, ઉત્સવો, સમારંભો સમયે વિદ્યાપીઠમાં અવારનવાર જવાનો આરંભ કર્યો. અને અલ્પ સમયમાં જ વિદ્યાપીઠ-પરિવાર સાથે સંબંધ થયો અને સૌનું હૃદય જીતી ગયા, સૌના પ્રિયપાત્ર થયા. ૧૯૩૦માં માર્ચની ૧૨મીએ ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચની આગલી સાંજે પ્રાર્થનામાં હાજર રહ્યા. પછી રાતભર સાબરમતી આશ્રમના દ્વાર પર જાગરણ કર્યું, સવારે પણ પ્રાર્થનામાં હાજર રહ્યા અને આશ્રમમાંથી ગાંધીજીની વિદાયની ક્ષણના સાક્ષી થયા. પાંચેક મહિના પછી સત્યાગ્રહનું આંદોલન જાહેર થયું. એમાં સૈનિક તરીકે નામ નોંધાવ્યું. જાણે કે નવો જ અવતાર થયો હોય એવો હતો આ અનુભવ. આ દ્વિજત્વનો. નવજન્મનો અનુભવ હતો. વીરમગામમાં સત્યાગ્રહ છાવણીમાં હાજર રહ્યા. અહીં વારતાઓ રચવાનો આરંભ કર્યો. પછી ચૌદ અઠવાડિયાં સાબરમતી અને યરવડા જેલમાં રહ્યા. એક અર્થમાં ગાંધીવાદ, માનવતાવાદ, સત્યાગ્રહ પ્રત્યે આ ઉમાશંકરની પ્રતિબદ્ધતા, અંશત: પ્રતિબદ્ધતા હતી એમ કહી શકાય. ત્યારે સૌ રાષ્ટ્રપ્રેમના વિરાટ તરંગ પર હતા. ભાવાવેશનો પાર ન હતો. અહીં ઉર્દૂ, મરાઠી અને બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો. આમ તો ૧૯૨૯માં સાબરમતીના તટ પર ‘પ્રાચીન સાહિત્ય’નું કેટલુંક ગદ્ય મોટા અવાજે વાંચીને સ્મૃતિગત કર્યું હતું. પણ હવે અહીં રવીન્દ્રસાહિત્યના આજીવન વાચન-મનન-ચિન્તનનો આરંભ કર્યો. સૌથી વિશેષ તો લેખકજીવનનો, સમગ્ર જીવનનો પાયાનો અનુભવ સાબરમતી જેલમાં થયો. એક મોટી બૅરેકમાં ઉત્તર દિશાના ખૂણે બારી પાસે રોજ સાંજે સો સહજેલવાસીઓની વચ્ચે, સૌની વચ્ચે એકલવાયા જેવા હતા. એથી રોજ રાતે આકાશદર્શન કરવાનું થયું. એક પ્રાત:કાળે માથા પર જાણે કોઈ અગોચર સ્પર્શ થયો અને એના વજનવેગ નીચે આખું અસ્તિત્વ જાણે પૃથ્વીની સપાટી સાથે સમરેખ થયું. પૂર્ણ આત્મવિલોપનનો — પ્રકાશભર્યા આત્મવિલોપનનો સઘન અનુભવ થયો. શૂન્યતાનો નહિ, સભરતાનો એ અનુભવ હતો. આ અનુભવના પ્રભાવ નીચે એક નાટક સૂઝ્યું. આ નાટક તો ત્યાર પછી ક્યારેય રચાયું નહિ. પણ માણસની કૃતિઓ કદાચ એક-નહિ — થયેલી કૃતિના પ્રકારાન્તરો જ ન હોય તેમ એમાંથી બીજી અનેક નાની-મોટી કૃતિઓ — બલકે કહો કે ઉમાશંકરની સમગ્ર કવિતા ઉદ્ભવી છે. ૧૯૩૧માં એપ્રિલમાં કરાંચીમાં કૉંગ્રેસના અધિવેશનમાં હાજર રહ્યા. ૧૯૩૧માં જુલાઈથી ડિસેમ્બર છએક મહિના વિદ્યાપીઠમાં બહારના એક વિદ્યાર્થી તરીકે ભોંયતળિયે મુખ્યદ્વાર પાસે દક્ષિણ દિશામાં બે નંબરના ખંડમાં અનૌપચારિક વસવાનું થયું. મનુષ્ય તરીકે અને કવિ તરીકે ઉમાશંકરનો આ એક અમૂલ્ય અનુભવ હતો. ‘૩૧માં ડોકિયું’ — વાસરીમાં આ અનુભવનું, અહીંની દિનપ્રતિદિનની ચર્યાનું વિગતે આલેખન કર્યું છે. ‘૩૧માં ડોકિયું’ શીર્ષક સૂચક છે. ‘૩૧માં એટલે કે સમયમાં, સમકાલીનતામાં ડોકિયું. પણ સૌથી વિશેષ તો અહીં આ સમયમાં સાબરમતી જેલમાં જે નાટક સૂઝ્યું હતું એ લખવાની તૈયારી કરતાં-કરતાં એક કાવ્ય સૂઝ્યું. અને પાંચેક દિવસમાં જ છ ખંડમાં પાંચસોક પંક્તિનું ખંડકાવ્ય ‘વિશ્વશાંતિ’ રચ્યું. આ ઉમાશંકરનું પ્રથમ પ્રસિદ્ધ કાવ્ય. ઉમાશંકરે આ કાવ્યમાં ગાંધીજીના મહાકાવ્ય જેવા જીવનની પરાકાષ્ઠારૂપ મહાકાર્ય દાંડીકૂચ અને એના પરિણામરૂપ ભવ્ય રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રચેતનાના વાતાવરણનું તથા ગાંધીજીની વૈશ્વિક વ્યક્તિતા અને સર્વતોમુખી પ્રતિભાનું વર્ણન અને કથન કર્યું છે. કાલાન્તરે પણ આ વિશ્વમાં શાશ્વત શાંતિ સ્થપાશે તો તે પ્રેમ અને અહિંસા દ્વારા જ સ્થપાશે, ન અન્યથા — કાવ્યના કેન્દ્રમાં કવિની આ શ્રદ્ધા છે. અને એમાં ગાંધીજી આ પ્રેમ અને અહિંસાના પ્રતીકરૂપ છે. વીસ વરસની વયના એક કવિછોકરડાના પ્રથમ કાવ્યમાં એના ઉદ્ગારોમાં ઊર્મિલતા હોય, વાગ્મિતાનો વાગ્વૈભવ હોય, અભિવ્યક્તિની અપક્વતા હોય, આકૃતિ, કલાકૃતિની એકતાનો અભાવ હોય, પુરોગામી કવિઓની કાવ્યશૈલીનું અનુસરણ-અનુકરણ હોય, એક જ શબ્દમાં મુગ્ધતા હોય તો એમાં કોઈ આશ્ચર્ય નથી. ૧૯૩૧માં વિશ્વશાંતિ અંગેની ચિંતા વ્યક્ત કરવામાં કદાચ કોઈને — ૧૯૫૩માં અને આજે પણ મારા જેવા કોઈને — મુગ્ધતા જણાઈ હોય તો ભલે, પણ તે આ અર્થમાં. છતાં આ તો કવિની પૌગંડકૃતિ (juvenilia) છે, નવા નિશાળિયાની કાવ્યકૃતિ છે એમ કહીને એની ઉપેક્ષા કે અવજ્ઞા કરી શકાય એમ નથી. કારણ કે કાવ્યયાત્રાના પ્રથમ પદાર્પણમાં જ કવિને આવું કાવ્યવસ્તુ, આવું દર્શન સૂઝે એ કોઈ પણ કવિનું નાનુંસૂનું સદ્ભાગ્ય નથી. એનું મોટું મૂલ્ય છે. પહેલો કૂદકો ને આંબવું તો એવરેસ્ટ — એવું આ સાહસ છે. વળી એમાં ઉમાશંકરના સમગ્ર જીવન અને કાર્યનું દિશાસૂચન છે, પુરોદર્શન છે. મનુષ્ય તરીકે ઉમાશંકરે અંતિમ શ્વાસ લગી ‘વિશ્વશાંતિ’માં જે આદર્શ છે એને અનુરૂપ જીવન જીવવાનો પ્રયત્ન કર્યો છે અને કવિ તરીકે ઉમાશંકરે ‘ગંગોત્રી’થી ‘સપ્તપદી’ લગી એમની લગભગ સમગ્ર કવિતામાં એક અર્થમાં જાણે કે ‘વિશ્વશાંતિ’માં જે કાવ્યવસ્તુ છે એનું અનેકવિધ રૂપાંતર જ કર્યું છે. ૧૯૩૨માં ઉમાશંકર આઠ મહિના સાબરમતી, માતર અને વીસાપુર જેલમાં રહ્યા. અહીં ‘ગંગોત્રી’નાં લગભગ એકતૃતીયાંશ કાવ્યોનું તથા પ્રથમ એકાંકી ઇશુ વિશેનું ‘ઈશુનું બલિદાન’ અથવા ‘શહીદનું સ્વપ્ન’ તથા ‘સાપના ભારા’નાં અન્ય પાંચ એકાંકીનું સર્જન કર્યું. ઉમાશંકરની કવિતામાં જ નહિ પણ ૧૯૩૦ પછી ગુજરાતમાં જે નવીન કવિઓએ કવિતા રચવાનો આરંભ કર્યો એમાંથી મોટા ભાગના કવિઓની કવિતામાં, ગુજરાતી ભાષાની કવિતામાં અપૂર્વ, અભૂતપૂર્વ એવું પરિવર્તન પ્રગટ થયું. ગુજરાતી સાહિત્યમાં જ નહિ, ગુજરાતના સમગ્ર જીવનમાં ત્યારે સર્વતોમુખી સર્જકતા અને સાર્વત્રિક સંવેદનાનો સર્વવ્યાપી વિદ્યુતસંચાર થયો હતો. ગુજરાતની પ્રજાનું અને ગુજરાતના કવિઓનું હૃદય જાણે હિલ્લોળે ચડ્યું હતું. સાગર છલક્યો હોય એવો એ હિલ્લોળ હતો. એના કેન્દ્રમાં હતા ગાંધીજી. ગાંધીજી એ કોઈ વ્યક્તિ ન હતી, એક ઘટના હતી. ગાંધીવાદ એ કોઈ વાદ ન હતો, એક વાતાવરણ હતું. એનું ક્રિયાશીલ અને ગતિશીલ, સઘન અને સાકાર સ્વરૂપ હતું. ગાંધીજીના મહાકાવ્ય સમા ભવ્યસુંદર જીવનના મહાકાર્ય જેવા સત્યાગ્રહમાં, સવિશેષ તો ૧૨ માર્ચ ૧૯૩૦ની એમની દાંડીકૂચમાં. આ સત્યાગ્રહમાં આ પરિવર્તનની પ્રેરણા હતી. સત્યાગ્રહ એ માત્ર રાજકીય અને સામાજિક અનુભવ ન હતો, એ નૈતિક અને આધ્યાત્મિક અનુભવ પણ હતો. સ્વાતંત્ર્ય, સમત્વ, બંધુત્વ આદિ મૂલ્યો; સત્ય, અહિંસા, પ્રેમ આદિ ભાવનાઓ; સેવા, સ્વાર્પણ, સમભાવ આદિ આદર્શોનો સરવાળો એટલે સત્યાગ્રહ. એથી આ સત્યાગ્રહમાં આ પરિવર્તનની પ્રેરણા હતી. હૃદયને એની અપીલ હતી. એમાં ઊર્મિનું પ્રાધાન્ય હતું. એથી ૧૯૩૦ની આસપાસ ગુજરાતી કવિતામાં ૧૯૩૦ પૂર્વેની ગુજરાતી કવિતામાં ક્યારેય થયો ન હતો એવો અને એટલો કવિચેતનાનો વિકાસ થયો, કવિસંવિદ્નો વિસ્તાર થયો. રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રચેતના અને રાષ્ટ્રભાવનાની સતેજતા અને સક્રિયતા; પરાધીનતા, દરિદ્રતા અને નિરક્ષરતાની સજાગતા અને સભાનતા, દલિતો, પીડિતો, પતિતો, શોષિતો અને શાસિતો પ્રત્યેની અનુકંપા; બહિષ્કૃતો, તિરસ્કૃતો, અસ્પૃશ્યો, ઉપેક્ષિતો અને પરાજિતો પ્રત્યેની કરુણા; પ્રજા પ્રત્યેનો પ્રેમ, સવિશેષ ગ્રામીણ પ્રજા પ્રત્યેનો આદર; લોકગમ્ય ભાષાનું ગૌરવ અને લોકભોગ્ય શૈલીસ્વરૂપનું મહત્ત્વ — આ હતી ૧૯૩૦ પછીના દાયકાની ગુજરાતી ભાષાની નવીન કવિતા. ટૂંકમાં, ગાંધીવાદ, માનવતાવાદ, ભાવનાવાદ અને આદર્શવાદ એ આ નવીન કવિતાનો વિશેષ છે. આ નવીન કવિતા ભવિષ્યોન્મુખ કવિતા હતી. ઉમાશંકર આ નવીન કવિતાના એક પ્રમુખ પ્રતિનિધિ, એક અગ્રણી કવિ. ૧૯૫૫માં ઉમાશંકરે કહ્યું હતું, ‘હું ’૩૦નું બાળક છું. ત્યારે એક મોટું મોજું આવેલું. તેના પર અમે ઊંચકાયા હતા. એમ લાગેલું કે આકાશપુષ્પો આંબી લઈશું. જે બધું કાંઈ જીવું છું તે ૧૯૩૦ની મુદ્રા સાથે જીવું છું.’ પછી ૧૯૭૮માં પણ કહ્યું હતું, ‘’૩૦ પછી ગાંધીજીના પ્રભાવથી ભાગ્યે જ કોઈ છટકી શકે. મારી આરંભની કવિતા પર ગાંધીજીનો પ્રબળ પ્રભાવ છે.’ પછી ૧૯૮૧માં વળી કહ્યું હતું, ‘મારા જમાનાના માણસો અને મારી જાતના માણસો ગાંધીવાદી પકડમાંથી છૂટી શકે જ નહિ, કારણ કે અમારું જીવન, એનો એકડો જ ત્યાં મંડાયો’, ૧૯૮૪માં પણ એમણે કહ્યું હતું, ‘મારી સંવિદ ઓગણીસ-વીસ વરસની ઉંમરથી આ (સતત ચલ એવી) ખીંટીએ પકડાઈ છે.’ ઉમાશંકર તો વળી સત્યાગ્રહમાં સક્રિય સ્વયંસેવક, સૈનિક. કુલ એકાદ વરસનો બેવારનો જેલનિવાસ પણ કર્યો હતો. એટલે એમનામાં ગાંધીવાદ પ્રત્યે લગભગ પ્રતિબદ્ધતા. આયુષ્યના અંત લગી એમના જીવનમાં અને એમની કવિતામાં આ પ્રતિબદ્ધતાનો વત્તોઓછો પ્રભાવ છે. ૧૯૩૦થી ૧૯૩૪ લગીમાં ‘ગંગોત્રી’માં અધઝાઝેરાં કાવ્યોમાં ‘જઠરાગ્નિ’, ‘સોનાથાળી’, ‘ઘાણીનું ગીત’, ‘હથોડાનું ગીત’, ‘બુલબુલ અને ભિખારણ’, ‘દળણાના દાણા’, ‘ધોબી’, ‘મોચી,’ તથા સ્વાતંત્ર્યપ્રેમ, રાષ્ટ્રપ્રેમ, માનવપ્રેમ અને વિશ્વપ્રેમનાં અન્ય અનેક કાવ્યોમાં અને ત્યારપછીના સૌ કાવ્યસંગ્રહોમાં પણ અન્ય અનેક કાવ્યોમાં આ ગાંધીવાદ, માનવતાવાદ, ભાવનાવાદ અને આદર્શવાદની કવિતા છે. ૧૯૩૪માં ઉમાશંકર અમદાવાદથી મુંબઈ — એક આધુનિક ઔદ્યોગિક નગરમાંથી વધુ આધુનિક ઔદ્યોગિક મહાનગર-માં ૧૯૩૯ લગી વસ્યા. વળી મુંબઈ એટલે ભારતની બૌદ્ધિક રાજધાની. મુંબઈમાં વસ્યા તે પૂર્વે ૧૯૩૦માં અમદાવાદમાં એક દિવસ એક સભામાં, લાહોર કૉંગ્રેસમાં સંપૂર્ણ સ્વાતંત્ર્યનો ઠરાવ પસાર થયો એની પૂર્વસંધ્યાએ, દેશવિદેશમાં પ્રવાસો અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય એવા કોઈ એક શ્રી બુખારીએ ‘ક્રાંતિ અમર રહો!’નો તારસ્વરે સૂત્રોચ્ચાર કર્યો એના એ સાક્ષી હતા. આમ, ૧૯૩૦માં ભારતમાં અને ગુજરાતમાં પણ માર્ક્સવાદનો પ્રવેશ થયો હતો. પછી ૧૯૩૦માં ઑગસ્ટથી નવેમ્બર ચારેક મહિના સામ્રાજ્યવાદી અંગ્રેજોની યરવડા જેલમાં લેખનસામગ્રી પર પ્રતિબંધ હતો એથી એમણે લેખન ન કર્યું. વાચન-મનન-ચિન્તન કર્યું. અર્થશાસ્ત્રનો આપમેળે અભ્યાસ કર્યો. શીર્ષક પરથી મૂડીવાદપક્ષી પુસ્તક હશે એવી ગેરસમજને કારણે જેલરે કાલ માર્ક્સના ‘Das Captial’ ને જેલમાં પ્રવેશ આપ્યો હતો. એનો અભ્યાસ કર્યો. શરૂશરૂમાં તો હૃદય પર એનો પ્રભાવ હતો. એમાં સમાનતા અને સામાજિક ન્યાય માટેનો તીવ્ર આગ્રહ હતો એથી એ અંગેનો પ્રબળ ભાવાવેશ પ્રગટ થયો. વળી ગાંધીજીના જીવન અને કાર્ય સાથે એનો સુમેળ હતો. ગાંધીજીમાં પ્રેમનો કીમિયો હતો, ત્યારે માર્ક્સમાં અનુ-ઔદ્યોગિક યુગમાં પરસ્પર વિરોધી હેતુઓ અને હિતો વચ્ચે સંઘર્ષ અને આધુનિક યુગમાં એક અનિવાર્યતા રૂપે સમાનતા અને સામાજિક ન્યાયનો આગ્રહ હતો એ સત્ય તો પછીથી ધીરે-ધીરે સ્પષ્ટ થવાનું હતું. પછી ૧૯૩૧માં જુલાઈથી ડિસેમ્બર છ મહિના વિદ્યાપીઠમાં વસ્યા ત્યારે તાજેતરમાં જ જેમણે રશિયાનો પ્રવાસ કર્યો હતો તે બૌદ્ધધર્મના જગપ્રસિદ્ધ વિદ્વાન બૌદ્ધિક ધર્માનંદ કોસંબીના રશિયન ક્રાંતિ વિશેનાં સહૃદય વ્યાખ્યાનો તથા ગાંધીવાદની મહત્તા અને મર્યાદા વિશેના વિવાદોમાં, એ વિષય વિશેના ગાંધીવાદી અભ્યાસી વિચારક નરહરિ પરીખનાં વ્યાખ્યાનો અને વિવાદોમાં, એ સમયમાં એક વાર નેહરુ વિદ્યાપીઠમાં અતિથિ હતા એથી એમની સાથેના વાર્તાલાપમાં એ સહભાગી હતા. ૧૯૩૨માં જાન્યુઆરીથી ઑગસ્ટ આઠેક મહિના વીસાપુર જેલમાં માર્ક્સવાદનો વધુ અભ્યાસ કર્યો. રવીન્દ્રનાથના રશિયાના પ્રવાસ અંગેના પત્રો અને નેહરુના રશિયા વિશેના નિબંધોનું વાચન કર્યું. જેલના એકાન્ત વાતાવરણમાં ભારત અને ગાંધીવાદથી કંઈક મુક્ત વાતાવરણમાં ભારત પારના પ્રદેશના માર્ક્સવાદનો વધુ પરિચય થયો. ગાંધીવાદ એટલે માનવતાવાદ, ભાવનાવાદ, આદર્શવાદ. એથી એ ભારત માટે અને વિશ્વ માટે ભવિષ્યલક્ષી હતો. એમાં સ્વાતંત્ર્ય અને બંધુત્વનાં મૂલ્યોનું વર્ચસ્ હતું. એની હૃદયને અપીલ હતી, એમાં ઊર્મિનું પ્રાધાન્ય હતું, હવે જેલમાં આ યુવાનોને માર્ક્સવાદનો વધુ પરિચય થયો. માર્ક્સવાદ એટલે સમાજવાદ, વાસ્તવવાદ, યથાર્થવાદ. એ ભારત માટે અને વિશ્વ માટે વર્તમાનલક્ષી હતો. એમાં સમત્વના મૂલ્યનું વર્ચસ્ હતું. એની બુદ્ધિને અપીલ હતી, એમાં વિચારનું પ્રાધાન્ય હતું. એથી ગાંધીવાદમાં વર્તમાન અને વર્તમાનની વિષમ અને વિકટ વાસ્તવિકતાની, સમત્વના મૂલ્યની ઉપેક્ષા અને અવજ્ઞા થાય છે એવી એમના હૃદયમાં આશંકા જન્મી હતી. ગાંધીવાદમાં એમની શ્રદ્ધા વિશે એમના મનમાં પ્રશ્નાર્થ પેદા થયો હતો. ગાંધીવાદ એક દર્શન હતું. માર્ક્સવાદ એક વિચારધારા હતી. એથી જેલમાં આ યુવાનોમાં અનેક વાર ગાંધીવાદ અને માર્ક્સવાદ વિશે બૌદ્ધિક વાદવિવાદ થયો હતો. ગાંધીવાદમાં શોષિતો-પીડિતો પ્રત્યે જે કરુણા હતી, દરિદ્રનારાયણ પ્રત્યે જે અનુકંપા હતી એણે હવે માર્ક્સવાદના વિચારોની અસરથી શોષકો-ધનિકો પ્રત્યેના કટાક્ષનું, મૂડીવાદ વિરુદ્ધના પુણ્યપ્રકોપનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેલમાં ઉમાશંકરે ‘જઠરાગ્નિ’ રચ્યું. ઉપરાંત ‘સોનાથાળી’, ‘ઘાણીનું ગીત’, ‘હથોડાનું ગીત’, ‘બુલબુલ અને ભિખારણ’, ‘કલાનો શહીદ’ આદિ કાવ્યકૃતિઓ રચી. જેલમાંથી મુક્ત થયા પછી ‘પાંચાલી’ રચ્યું, ઉપરાંત ‘દળણાના દાણા’, ‘ઉકરડો’, ‘ધોબી’, ‘મોચી’ આદિ કાવ્યકૃતિઓ રચી. ૧૯૩૩માં આ યુવાનો જેલમાંથી મુક્ત થયા ત્યારે હવે ગાંધીવાદ અને માર્ક્સવાદના મિશ્ર ભાવો અને ભાવનાઓ સાથે મુક્ત થયા. એમને માટે હવે ગાંધીવાદ અને માર્ક્સવાદ પ્રેરક અને પોષક પરિબળો હતાં, પરસ્પર પૂરક અને પ્રોત્સાહક પરિબળો હતાં, સમકક્ષ અને સમાંતર પરિબળો હતાં.
આ પૂર્વભૂમિકા સાથે મુંબઈમાં ઉમાશંકરે ૧૯૩૪થી ૧૯૩૬ બે વર્ષ બી.એ.ની પરીક્ષા માટે અર્થશાસ્ત્ર અને ઇતિહાસનો ઔપચારિક અભ્યાસ કર્યો. એથી ગાંધીવાદ અને માર્ક્સવાદને ઐતિહાસિક અને સૈદ્ધાંતિક પરિપ્રેક્ષ્યનું એક વધુ નવું પરિમાણ પ્રાપ્ત થયું. એથી ગાંધીવાદ અને માર્ક્સવાદનો સંસ્પર્શ અને સંસ્કાર વધુ સધ્ધર અને સમૃદ્ધ થયો. ૧૯૩૫માં મુંબઈમાં ઉમાશંકરે ‘આત્માના ખંડેર’ રચ્યું. ૧૯૩૨માં જેલમાં ગાંધીવાદને માર્ક્સવાદથી બળ મળ્યું હતું. હવે ૧૯૩૪ થી ૧૯૩૯માં મુંબઈમાં માર્ક્સવાદને પ્રગતિવાદથી બળ મળ્યું. માર્ક્સવાદની પરાકાષ્ઠા રૂપે સાહિત્યમાં પ્રગતિવાદનું આંદોલન થયું. ઉમાશંકર એમાં એક અગ્રણી હતા. ૧૯૩૫માં મુંબઈમાં એક દૈનિકની ઑફિસમાં એક માર્ક્સવાદી નેતાની ઉપસ્થિતિમાં એની પ્રથમ સભા યોજવામાં આવી હતી. ૧૯૩૫માં ગોર્કીના અવસાન સમયે ઉમાશંકર તથા અન્ય પ્રગતિવાદીઓએ મુંબઈમાં એક સરઘસનું આયોજન કર્યું હતું. સરઘસને અંતે શોકસભામાં સરોજિની નાયડુએ સંબોધન કર્યું હતું. એ માટે સરોજિની નાયડુને રૂબરૂમાં આમંત્રણ ઉમાશંકરે પોતે આપ્યું હતું. પછી ‘સાહિત્ય અને પ્રગતિ’ના બે સંચયોનું પ્રકાશન કર્યું હતું. એમાં પણ ઉમાશંકર એક અગ્રણી સંપાદક હતા. આમ, ગાંધીવાદની પ્રવૃત્તિઓની જેમ માર્ક્સવાદ-પ્રગતિવાદની પ્રવૃત્તિઓમાં પણ ઉમાશંકર સક્રિય હતા. ગાંધીવાદની જેમ માર્ક્સવાદમાં પણ એમની લગભગ પ્રતિબદ્ધતા હતી. ૧૯૩૯માં ઉમાશંકર મુંબઈથી આયુષ્યના અંત લગી અમદાવાદમાં વસ્યા.
રશિયન ક્રાંતિ પછીના દાયકામાં જગતભરમાં માર્ક્સવાદની જાદુઈ ભૂરકી હતી. જગતભરના ગતિશીલ, પ્રગતિશીલ યુવાનોને, સંવેદનશીલ, કલ્પનાશીલ મનુષ્યોને એનું અદ્ભુત આકર્ષણ હતું. સમગ્ર મનુષ્યજાતિને એક ન્યાયી સમાજ સર્જવાનું, એક નવું જગત રચવાનું સ્વપ્ન હતું. જગતભરમાં એક અપૂર્વ ઉત્સાહ હતો. એક અસાધારણ ઉત્તેજના હતી. માર્ક્સવાદ એ આંતરરાષ્ટ્રીય આંદોલન હતું. ૧૯૩૦માં ભારતમાં અને ગુજરાતમાં એનો પ્રવેશ થયો હતો. અનેક સમકાલીનોની જેમ ઉમાશંકર પર પણ એનો પ્રભાવ હોય એ અનિવાર્ય હતું, એમને માટે કોઈ વિકલ્પ ન હતો. પણ તે પૂર્વે ૧૯૨૦થી ભારતમાં ગાંધીવાદનું વર્ચસ્ અને વાતાવરણ હતું. એથી એ સૌ પર ગાંધીવાદનો પ્રભાવ તો હતો જ. ૧૯૩૦થી હવે ગાંધીવાદ અને માર્ક્સવાદનું સહઅસ્તિત્વ હતું. અને બન્નેમાં સત્ય હતું. બન્નેનું એક જ ધ્યેય, એક જ લક્ષ્ય હતું, સમૂળી ક્રાંતિ; સમાજનું; જગતનું આમૂલ પરિવર્તન. બન્નેમાં કોઈ તાત્ત્વિક વિરોધાભાસ ન હતો. બન્ને પરસ્પરને પ્રેરક અને પોષક હતા, પૂરક અને પ્રોત્સાહક હતા. એથી બન્ને એકસાથે સ્વીકાર્ય હતા. એથી ૧૯૩૦થી હવે બન્નેનો સમકાલિક અને સમાંતર પ્રભાવ હતો. બન્નેમાં બહુધા સામ્ય હતું, અલ્પાંશે અસામ્ય હતું. બન્નેમાં સમાજાભિમુખતાનું સામ્ય હતું. સાધ્યનું સામ્ય હતું, સાધનનું અસામ્ય હતું. ગાંધીવાદમાં માનવતાવાદ, ભાવનાવાદ, આદર્શવાદનું પ્રાધાન્ય હતું. માર્ક્સવાદમાં સમાજવાદ, વાસ્તવવાદ, પ્રગતિવાદનું પ્રધાન્ય હતું. ગાંધીવાદમાં સ્વાતંત્ર્ય અને બંધુત્વનું વર્ચસ્ હતું. માકર્સવાદમાં સમત્વ અને સામાજિક ન્યાયનું વર્ચસ્ હતું. ગાંધીવાદમાં સમન્વય હતો, માર્ક્સવાદમાં વર્ગવિગ્રહ હતો. એને કારણે ગાંધીવાદમાં પ્રેમ, અહિંસા, સત્યાગ્રહ સાધન હતાં. માર્ક્સવાદમાં પ્રતિકાર, હિંસા, સંઘર્ષ સાધન હતાં. ગાંધીવાદ એક દર્શન છે. એથી એની હૃદયને અપીલ છે. એમાં ઊર્મિનું પ્રાધાન્ય છે. માર્ક્સવાદ એક વિચારધારા છે. એથી એની બુદ્ધિને અપીલ છે. એમાં તર્કનું પ્રાધાન્ય છે. ગાંધીવાદમાં ભવિષ્યલક્ષિતા છે. માર્ક્સવાદમાં વર્તમાનલક્ષિતા છે. ભારતમાં સ્વાતંત્ર્ય, રાજકીય સ્વાતંત્ર્ય ન હતું. એથી ગાંધીવાદમાં સ્વાતંત્ર્ય અને બંધુતા હશે તો સમત્વ તો આપોઆપ સિદ્ધ થશે એવી શ્રદ્ધા હતી. એને કારણે પણ ગાંધીવાદમાં પ્રેમ, અહિંસા, સત્યાગ્રહ સાધન હતાં. રશિયામાં સ્વાતંત્ર્ય, રાજકીય સ્વાતંત્ર્ય તો હતું જ. એથી માર્ક્સવાદમાં સમત્વ નહિ હોય તો સ્વાતંત્ર્ય અને બંધુત્વ આપોઆપ સિદ્ધ થશે એ વિશે શંકા હતી. એને કારણે પણ માર્ક્સવાદમાં પ્રતિકાર, હિંસા, સંઘર્ષ સાધન હતાં. ૧૯૩૦માં ભારતમાં માર્ક્સવાદના પ્રવેશ પછી એની પડછે અનેક યુવાનો માટે ગાંધીવાદ અપર્યાપ્ત હતો, એનાથી એમને સંતોષ ન હતો. યુવાનો હતા એટલે અધીર હતા, એમનામાં અજંપો હતો. એ શંકાશીલ અને સંશયગ્રસ્ત હતા. એથી એમને માર્ક્સવાદ પ્રત્યે અદ્ભુત આકર્ષણ હતું. આમ, ૧૯૩૩માં એક અર્થમાં ગાંધીવાદને માર્ક્સવાદનું બળ પ્રાપ્ત થયું. ૧૯૩૩માં તો માર્ક્સવાદનું આત્યંતિક સ્વરૂપ પ્રગટ થર્યું. હજુ બે વરસ પછી ૧૯૩૫માં સાહિત્યમાં એનું પ્રગતિવાદ એવું નામાભિધાન થવાનું હતું. આમ, ૧૯૩૫માં માર્ક્સવાદને પ્રગતિવાદનું બળ પ્રાપ્ત થયું. ૧૯૪૦ લગીમાં તો પ્રગતિવાદનું પણ આત્યંતિક સ્વરૂપ પ્રગટ થયું. અને એનું પ્રચારવાદમાં અધ:પતન થયું. ૧૯૪૦માં પ્રગતિવાદનો અસ્ત થયો હોય તો એમાં શું આશ્ચર્ય? ગાંધીવાદ અને માનવતાવાદની પૂંઠે પૂંઠે માર્ક્સવાદ અને સમાજવાદ તથા માર્ક્સવાદ અને સમાજવાદની પૂંઠે પૂંઠે પ્રગતિવાદ ચાલ્યો આવ્યો. ભારતની અન્ય ભાષાઓની તુલનામાં ગુજરાતી ભાષામાં પ્રગતિવાદનો ઉદય પણ વહેલો થયો, ૧૯૩૫માં, અને એનો અસ્ત પણ વહેલો થયો, ૧૯૪૦માં. હવે પછી કંઈક વિગતે જોઈશું તેમ, ૧૯૪૦ લગીમાં તો માર્ક્સવાદ અને પ્રગતિવાદનું જે ધ્યેય હતું, જે લક્ષ્ય હતું, માનવસંસ્કૃતિમાં અને માનવસમાજોમાં સમત્વ અને સામાજિક ન્યાયનું, મૂલ્યની સ્થાપના કરવાનું — તે લગભગ સિદ્ધ થયું હતું. વળી ૧૯૩૯માં યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધનો આરંભ થયો એથી હવે જગતભરની કવિતામાં પરિવર્તન થયું. જગતકવિતામાં હવે વિશ્વયુદ્ધ, ફાસિઝમ, નાઝિઝમ આદિ ધ્યાનકેન્દ્ર હતું અને પછીના દાયકાઓમાં યુદ્ધોત્તર પરિસ્થિતિ અને પ્રશ્નો, અણુયુગ અને શીતયુદ્ધનાં સંકટો અને સમસ્યાઓ આદિ ધ્યાનકેન્દ્ર થવાનું હતું. આ જ સમયે ગુજરાતી કવિતામાં કદાચને ગાંધીવાદ અને માર્ક્સવાદ, માનવતાવાદ અને સમાજવાદ, ભાવનાવાદ અને વાસ્તવવાદ, આદર્શવાદ અને પ્રગતિવાદમાં જે ઊર્મિલતા અને પક્ષિલતા, લાગણીવેડા અને પ્રચારવેડા પણ પ્રગટ થયાં એના પ્રતિકાર રૂપે સૌંદર્યવાદ પ્રગટ થયો. ૧૯૪૦થી ૧૯૪૫ લગી અર્ધદાયકામાં ગુજરાતી કવિતામાં હવે સમાજાભિમુખતાને સ્થાને સૌંદર્યાભિમુખતા, પ્રચારલક્ષિતાને સ્થાને રસૈકલક્ષિતા, કલાલક્ષિતા હતી. પરિણામે ૧૯૩૦–૪૦ના દાયકામાં જગતભરની કવિતામાં માર્ક્સવાદ અને પ્રગતિવાદનું જે વર્ચસ્ હતું તે પછીના દાયકાઓમાં ન જ હોય અને ન હતું. ટૂંકમાં, ૧૯૩૦થી ૧૯૪૦ના દાયકામાં અનેક સમકાલીનોની જેમ ઉમાશંકરની કવિતામાં ગાંધીવાદ અને માર્ક્સવાદનો એકસાથે પ્રભાવ હતો. ૧૯૫૩માં ઉમાશંકરે કહ્યું હતું, ‘મારું બંધારણ કાંઈક એવું છે કે શાંતિ માટે ક્વેકરોની સાથે પ્રાર્થનામાં બેસી શકું અને સામ્યવાદી નેતાગીરીવાળા પૅકિંગમાં શાંતિપરિષદ ભરાય તેમાં પણ ભળી શકું.’ પણ અહીં તરત જ ઉમેરવું જોઈએ કે એમાં ગાંધીવાદનો વધુ પ્રબળ પ્રભાવ હતો. ૧૯૬૮માં ઉમાશંકરે કહ્યું હતું, ‘અમે ગાંધીજીની પ્રેરણા નીચે જેલમાં ગયા હતા… પણ જેલ છોડી ત્યારે અમે ૧૯૩૦ના ગાળાના યુવકો સમાજવાદના વિચારો લઈને બહાર આવ્યા. તેમ છતાં અમારી ઉપર મુખ્ય પ્રભાવ તો ગાંધીજીનો જ રહેવા પામ્યો.’ ઇંગ્લૅન્ડ-યુરોપના કવિઓની માર્ક્સવાદી કવિતાનો પરિચય થાય, અભ્યાસ થાય, અરે, એના અસ્તિત્વનો અણસારો થાય તે પૂર્વે આ કવિતાનો આરંભ થયો હતો એ ઘટના અત્યંત સૂચક છે. ૧૯૩૪થી ૧૯૩૯ લગીમાં ‘નિશીથ’માં ‘પાંચાલી’, ‘બૅંક પાસેનું ઝાડ’, ‘અન્નબ્રહ્મ’, ‘સાબરનો ગોઠિયો’, ‘વાંસળી વેચનારો’, ‘ગુંદર વીણનારો,’ ‘આત્માના ખંડેર’માં તથા ૧૯૪૪માં ‘પ્રાચીના’ના પરલક્ષી સંવાદકાવ્ય ‘કર્ણ-કૃષ્ણ’માં અને ત્યાર પછીના સૌ કાવ્યસંગ્રહોમાં અન્ય કેટલાંક કાવ્યોમાં આ માર્ક્સવાદ, સમાજવાદ, વાસ્તવવાદ, પ્રગતિવાદની કવિતા છે. અહીં નોંધ રૂપે ગાંધીવાદ અને માર્ક્સવાદની આ કવિતાની મર્યાદા અને મહત્તા વિશે ઉલ્લેખ કરવો જોઈએ. સ્વયં ઉમાશંકરે એ વિશે અવારનવાર ઉલ્લેખ કર્યો પણ છે, ‘વાસ્તવિકતામાં પ્રેરક અને પોષક બળ તરીકે ગાંધીવાદ અને સમાજવાદને ગણાવતી વખતે વાસ્તવિકતાને અવરોધક બળો પણ એ જ છે તેમ સાથે નોંધવાની જરૂર રહે છે,.. ગાંધીવાદે ગામડાં માટે પ્રેમ કેળવ્યો… ગામડું સાહિત્યસૃષ્ટિમાં બહુ મહત્ત્વ પામ્યું. અને ગામડાનું બધું જ સારું, શહેરનું જેટલું તે તમામ ખરાબ, એવી વૃત્તિની ગુલામી સાહિત્યમાં સેવાવા લાગી. વાસ્તવદર્શિતાની એ રીતે વિડંબના જ થઈ… સમાજવાદને લીધે પણ એક બાજુથી વાસ્તવદર્શિતા પોષાઈ તેમ બીજી તરફથી તેને સોસવું પણ ઘણું પડ્યું. ગમે તે વિષય, તેના કઢંગાપણાથી, તેના બેહૂદાપણાથી, તેની જુગુપ્સાપ્રેરકતાથી કાવ્યવિષય બનવાને પાત્ર ગણાવા લાગ્યો. આ વૃત્તિનો અતિરેક થતાં વાસ્તવદર્શિતા ઉપહાસરૂપ બની’ (૧૯૪૦). ‘પણ એ વલણ (ગાંધીવાદ, સમાજવાદ, પ્રગતિવાદ) ઝીલવા માટેનું યોગ્ય વાહન કોની પાસે હતું? ઝારશાહી નીચેના રશિયા અંગે ‘Who can be happy in Russia?’ એ શીર્ષકથી નેક્રેશોવે લાંબી કાવ્યકૃતિ આપી હતી. એ જાતની કૃતિ આપણે ત્યાં કોઈ આપી શકે એમ હતું?’ (૧૯૫૦). ‘દલિત, શોષિત… વગેરેની ફૅશન થઈ પડી હતી. પ્રવાહી પદ્યને નામે પણ પદ્યમાં નિબંધો રચાતા હોય એવું જોવા મળતું હતું’ (૧૯૫૩). ‘વાતાવરણમાં વાસ્તવવાદ — ક્યારેક અતિવાસ્તવવાદ, પ્રગતિવાદ — ક્યારેક નર્યો પ્રચારવાદ પ્રિય થઈ પડ્યા’ (૧૯૫૫). ‘એ (સમાજાભિમુખતા) વલણનાં દુષ્પરિણામ પણ આવ્યા છે. પહેલાં તારા, ચંદ્ર આદિ દ્વારા કવિતા સિદ્ધ થઈ જશે જ એમ મનાતું તેમ હવે મજૂર, ભિખારી, શોષિત… આદિથી થઈ જશે એવું મનાવા લાગ્યું. મને અત્યારે બીજો પણ એક વહેમ આવે છે… ૧૯૩૦ પછી ઘણી વાર તે કાવ્ય સુધી તો પહોંચે છે, પણ હજી મુખ્યત્વે તે છે રોમૅન્ટિક-આસમાની વલણ. એ એક નોંધપાત્ર વિરોધાભાસ છે કે વાસ્તવિકતાને કવિતામાં ઉતારવા કવિઓ પ્રેરાયા પણ એમનું વલણ મુખ્યત્વે રંગદર્શી-રોમૅન્ટિક જ રહ્યું. વાસ્તવ કાવ્યત્વને પામે, તેને બદલે વાસ્તવનો વાવટો ઉડાડવા જેવું વિશેષ જોવા મળતું… કાવ્યના અવયવે-અવયવમાંથી ભાવપ્રતીકો, શબ્દો, લય, બધામાંથી — આ એક વાસ્તવિક રચના છે એવો રણકો જવલ્લે જ ઊઠવા પામતો. રચના રોમૅન્ટિક, વિશેષે તો, બની જતી. પ્રગતિવાદ અકાળે શમ્યો એમાં શું આશ્ચર્ય?’ (૧૯૫૬). ‘દસકાના મધ્યમાં આવેલા પ્રગતિવાદે સમાજાભિમુખતાના વલણને પ્રતિષ્ઠા આપી. થોડોક સમય એવો આવી ગયો જ્યારે પ્રવાહી પદ્યમાં થતી નિબંધ જેવી રચનાઓ સારી ગણાવા લાગી અને વિચારપ્રધાન કૃતિઓમાં ખપવા લાગી.’ (૧૯૬૨). ‘૧૯૩૦ પછીના દસકામાં સામાજિક ન્યાય માટેની મિશનવૃત્તિ છે. પણ એની પાછળ ઊર્મિધબકાર અચૂક વરતાય છે. તેમ છતાં આ સમયની પણ કેટલીક કૃતિઓ પ્રચારાત્મક બનવામાંથી બચી નથી.’ (૧૯૬૩). ‘આજના યુવાન બૌદ્ધિકોને આ બધાથી ગુજરાતી સાહિત્યની ભારે કુસેવા થયા જેવું લાગે તો કાંઈક અંશે કદાચ એ સાચા પણ હોય. ’(૧૯૭૩). ગાંધીવાદ કે માર્ક્સવાદ કે કોઈપણ વાદ જો કવિએ આત્મસાત્ એટલે કે કાવ્યસાત્ કર્યો હોય, હૃદયગત એટલે કાવ્યગત કર્યો હોય, જો એ એની સર્જકતાનું અનિવાર્ય અંગ હોય, એની કવિસંવિદનો અંતર્ગત અંશ હોય તો જ કવિ એમાંથી કવિતા સિદ્ધ કરી શકે છે. કવિતામાં વાદ હોય, પણ કલ્પન, છંદ, લય, ભાષા આદિની સજ્જતા અને સર્જકતા ન હોય તો શુષ્કતા અને નીરસતા જ પ્રગટ થાય. કૃતક-કવિતા, કુકવિતા, અકવિતા જ સિદ્ધ થાય. કવિતામાં વાદનો આવેશ કે અભિનિવેશ હોય, અતિરેક કે અતિચાર હોય, કવિતામાં માત્ર વાદવિવાદ, માત્ર પક્ષાપક્ષી હોય તો ઊર્મિલતા, મનોરુગ્ણતા, લાગણીવેડા અને પ્રચારવેડા જ પ્રગટ થાય. જેમ પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર તેમ પક્ષાપક્ષી ત્યાં નહિ કાવ્યેશ્વર. ઉમાશંકરની ગાંધીવાદ અને માર્ક્સવાદની કવિતામાં પણ મર્યાદા નથી જ એમ તો કેમ કહેવાય? અન્ય સમકાલીન કવિઓની કવિતામાં હોય એની તુલનામાં પ્રમાણમાં અલ્પાતિઅલ્પ છે અને ક્યાંક-ક્યાંક ક્વચિત્ ક્વચિત્ છે પણ એમાં મર્યાદા છે. ઉમાશંકરે જ આ કવિતા વિશે, વિશેષ તો ગાંધીવાદ અને માર્ક્સવાદની કવિતા વિશે ‘ગંગોત્રી’ અને ‘નિશીથ’ની પ્રસ્તાવનાઓમાં કેટલાંક સર્વસામાન્ય વિધાનો કર્યાં છે. આ વિધાનોમાં એમની નમ્રતા અને તટસ્થતા છે. એથી એમાં એમણે પોતાનાં કાવ્યો અપવાદરૂપ છે એવું તો સૂચન ન જ કર્યું હોય — બલકે નથી જ કર્યું. એવું એમણે આ વિધાનોમાં સ્પષ્ટ કર્યું છે. ૧૯૩૪માં ‘ગંગોત્રી’ની પ્રસ્તાવનામાં એવું વિધાન છે, ‘એમાં એમ પણ બની આવવા સંભવ છે કે અદ્યતન ભાવનાઓ નિરૂપતાં કાવ્યોમાંથી કોઈ લખનારને પોતાને ભલે મોતીના લલચાવતા રૂપરંગથી લાધ્યાં હોય, પણ વસ્તુત: બુદ્બુદ જ હોય… શબ્દસ્થ કવિતા જનતાના નીચલા થરો સુધી પહોંચતાં હજી ડરતી, અચકાતી હોય એવું જણાય છે, અથવા કહો કે આ સંગ્રહમાં તો એવું છે જ. અને એ એવું હોય તો તે લખનારના સહૃદય પ્રયત્નો છતાં અને તેની અશક્તિને કારણે જ છે.’ ૧૯૩૯માં ‘નિશીથ’ની પ્રસ્તાવનામાં એમનું વિધાન છે, ‘નવી કવિતા સર્વાંગ સંપૂર્ણ છે એમ કહેવાનો આશય નથી. વાસ્તવિકતા શોધવા જતાં કોઈ વાર તુચ્છતા જ એને હાથ લાગે છે. પણ એ પ્રયાસ પાછળની વિશાળ-હૃદયતા તિરસ્કારપાત્ર ગણાવી ન જોઈએ.’ ‘વિશ્વશાંતિ’માં કલા-આકૃતિની, કલાકૃતિની પક્વતા નથી. એ અર્થમાં એમાં મુગ્ધતા છે. કાવ્યવસ્તુમાં, વિશ્વશાંતિ અંગેની ચિંતા વ્યક્ત કરવામાં તો પક્વતા જ છે. પણ એમાં કદાચ કોઈને મારા જેવાને ૧૯૫૩માં અને આજે પણ મુગ્ધતા જણાઈ હોય તો તે મુગ્ધતા એટલે અભિવ્યક્તિની અપક્વતા. એ અર્થમાં ‘વિશ્વશાંતિ’માં મુગ્ધતા છે. એમાં કલા-આકૃતિમાં, કલાકૃતિમાં જે એકતા અનિવાર્ય એનો અભાવ છે. ‘વિશ્વશાંતિ’ એ ઉમાશંકરની આરંભની કૃતિ છે, પ્રથમ કૃતિ છે. એટલે એમાં આ મુગ્ધતા, એકતાનો અભાવ હોય. ઉમાશંકરે જ પછીથી ૧૯૫૯માં ‘મારે ‘વિશ્વશાંતિ’ ફરી લખવાનું હોય તો?’માં ‘વિશ્વશાંતિ’ના છ ભાગને સાંધનારું સૂત્ર હોય તો તે એક આદર્શ પ્રત્યેની અભીપ્સા. ‘વિશ્વશાંતિ’માં ભાવનામયતાની Unity-એકતા છે.’ એવું આ આદર્શ પ્રત્યેની અભીપ્સાના સૂત્ર, આ ભાવનામયતાની એકતા એટલે કે કાવ્યવસ્તુની પક્વતા વિશે વાજબી વિધાન કર્યું છે. પણ એમાં સાથે-સાથે એમણે એકરાર કર્યો છે, ‘પણ આરંભની કૃતિ હોય એટલે કદાચ કચાશવાળી હોય. આ જાતનો સંભવ અસ્થાને નથી… ત્રીજા ભાગના અંતના ઉદ્ગાર પછી ચોથો ભાગ ‘કંકાલ તાંડવ’ આવે છે. તે આખી કૃતિ સાથે બરોબર મેળમાં છે કે કેમ એ પ્રશ્ન છે.’ ‘નિશીથ’માં બલવન્તરાયને કાલગ્રસ્તતા જણાઈ હતી. એમાં પણ અચાનક આગંતુક જેવો અંતિમ છઠ્ઠો ખંડ પૂર્વેના પાંચ ખંડો સાથે બરોબર મેળમાં છે કે કેમ એ પ્રશ્ન છે; એ અર્થમાં એકતાનો અભાવ છે. ‘વિરાટ પ્રણય’ એક અર્થમાં, વચલા પાંચ ખંડો(બીજાથી છઠ્ઠા ખંડ)ને કારણે, પદ્યમાં નિબંધ જ છે. ‘અન્નબ્રહ્મ’માં એના અંતિમ ખંડ ૬માં તો નરી પક્ષાપક્ષીને કારણે પ્રચારવાદ જ છે. આમ, સદ્ભાગ્યે ઉમાશંકરની આ કવિતામાં અનેક કાવ્યમૌક્તિકોમાં ક્વચિત્ જ ક્યાંક-ક્યાંક કોઈ-કોઈ જ બુદ્બુદ છે. વાસ્તવિકતાને નામે તુચ્છતા તો ભાગ્યે જ હોય તો હોય, અન્યથા તો સ્તુત્ય વિશાળ-હૃદયતા જ છે. વળી એમનામાં લોકભોગ્ય ભાષા અને લોકગમ્ય શૈલીસ્વરૂપનું, જનતા કેરી જબાન અને કોશિયાકવિતાનું પ્રલોભન તથા સહૃદય પ્રયત્નો છતાં એ સિદ્ધ કરવાની અશક્તિ અંગે ક્ષમાયાચના પણ છે. સદ્ભાગ્યે એમની આ કવિતામાં લગભગ સર્વત્ર કાવ્યોચિત ભાષા અને કાવ્યાનુરૂપ શૈલીસ્વરૂપ જ છે. ૧૯૫૩માં ઉમાશંકરે કહ્યું હતું, ‘સુધારકો અને ઉધ્ધારકોને હું તો કાંઈક વહેમની નજરથી જોઉં છું. (મને ડર છે કે મારા પોતામાં પણ સુધારક તત્ત્વ ભરાયેલું છે. પ્રભુ મને બચાવે).’ ઉમાશંકરને પ્રભુએ બચાવ્યા છે કે નહિ એ તો પ્રભુ જાણે. આપણે તો એટલું જાણીએ છીએ કે ઉમાશંકરે ૧૯૨૫ અને ૧૯૩૨માં ‘સરસ્વતીચન્દ્ર’, ૧૯૨૭–’૨૮માં કાલિદાસ અને ભવભૂતિ, ૧૯૨૮–’૨૯માં ‘કાવ્યમાધુર્ય’ (એમાં સવિશેષ તો ન્હાનાલાલ અને બલવન્તરાય), ૧૯૩૧માં રવીન્દ્રનાથ અને વ્યાસ — આટલું વાચન કર્યું હતું. એટલે કે પ્રાચીન ભારતના સર્વશ્રેષ્ઠ સર્જકોની જીવનદૃષ્ટિ, અર્વાચીન ભારતના સર્વશ્રેષ્ઠ સર્જકની સૌંદર્યસૃષ્ટિ, વિશેષ તો અર્વાચીન ગુજરાતના સર્વશ્રેષ્ઠ સર્જકોની રસ અને રુચિની રિદ્ધિ, પ્રશિષ્ટ અને પ્રવાહી પદ્યમાં ઊર્મિપ્રધાન અને વિચારપ્રધાન કાવ્યસર્જનોની સિદ્ધિ તથા કલા અને કલ્પનાની સમૃધ્ધિ- ઉમાશંકરની કવિતા વિશેની સૂઝસમજમાં આ સૌનું મહામૂલું અર્પણ હતું. આ સૌએ ઉમાશંકરને બચાવ્યા છે. ઉમાશંકરની કવિતામાં નૈતિક-આધ્યાત્મિક મૂલ્યો ગાંધીવાદ અને માર્ક્સવાદમાંથી પ્રાપ્ત થયાં છે પણ સૌંદર્યમૂલ્યો આ સર્જકોના સર્જનમાંથી પ્રાપ્ત થયાં છે. જોકે અંતે તો સ્વતંત્ર સર્જકતાએ, સ્વકીય કવિપ્રતિભાએ જ ઉમાશંકરને બચાવ્યા છે. ઉમાશંકર એમની પેઢીના મોટા ગજાના અગ્રણી કવિ છે. એથી ઉમાશંકરનાં ગાંધીવાદ અને માર્ક્સવાદ અંગેનાં સોમાંથી નવ્વાણું કાવ્યોમાં બુલંદ ભાવનાનો પરિવેશ છે, ઉત્કટ ઊર્મિધબકાર છે. ૧૯૫૬માં ઉમાશંકરે કહ્યું હતું, ‘માનવતાવાદ અને પ્રગતિવાદ એ આ પચ્ચીશીના કવિઓનાં પોતાનાં મંથનોની પેદાશ ગણાય.’ ઉમાશંકર ગ્રીવા પર ગાંધીવાદની તકલી-રેંટિયાના સૂતરની કંઠી બાંધીને લલાટે માર્ક્સવાદનું હથોડા-દાતરડાના લોહનું ટીલુંટપકું છાપીને કે શિર પર કોઈ પણ વાદની ધોળી કે લાલ ટોપી પહેરીને ફર્યા નથી. કવિને કંઠ હોય, કંઠી ન હોય. કવિ કંઠ વેચીને જ કંઠી વહોરી શકે. ઉમાશંકર હાથમાં મંજીરા અને કરતાલ સાથે ‘ગાંધીજી, ગાંધીજી’ની ધૂન મચાવનાર ભજનમંડળીમાં ભક્ત ન હતા કે ડાબેરી પક્ષનું પ્રમાણપત્ર ધરાવનાર ટોળીના સભ્ય ન હતા. એથી સ્તો ઉમાશંકર ગાંધીવાદ અને માર્ક્સવાદની મહત્તાથી જ નહિ પણ મર્યાદાથી, ખૂબીઓથી જ નહિ, પણ ખામીઓથી, બન્નેના ગુણદોષોથી સભાન અને સજાગ છે. ‘સાપના ભારા’નાં એકાંકીઓ — વિશેષ તો અંતનાં ત્રણ એકાંકીઓ તથા ‘લૂલા-આંધળાની નવી વાત’ આ સત્યના સાક્ષી છે. ૧૯૭૩માં ઉમાશંકરે કહ્યું હતું, ‘હું ગાંધીવાદી હતો? અથવા છું? હું માર્ક્સવાદી હતો? અથવા છું? હું માનું છું કે હું ગાંધીવાદી છું એવું કહેવાયું નથી અને હું માર્ક્સવાદી છું એવું કહેવાશે પણ નહિ. ભલું થજો ભગવાનનું કે ગાંધીજી પણ ગાંધીવાદી ન હતા, અને માર્ક્સ પણ માર્ક્સવાદી ન હતા.’ વળી એમણે ગાંધીજી વિશે તો કહ્યું હતું, ‘મને ખબર નથી કેમ પણ હું એમનાથી દૂર રહ્યો હતો. પછીથી શાંત એકાંત ક્ષણોમાં જ્યારે મને એમનું મેં કેટલું ગહન આકર્ષણ અનુભવ્યું છે એ પ્રત્યક્ષ થયું ત્યારે એમની વધુ નિકટ ન જવામાં મારી અતડાઈ અને અકડાઈને માટે ક્યારેક મારી જાતને ઠપકો પણ આપ્યો છે. પણ હું એમની વધુ નિકટ ન ગયો એ એકંદરે ઠીક જ થયું છે એવું મને લાગે છે. સ્વભાવથી (કદાચ કવિસ્વભાવથી) જ હું non-conformist — અમાન્યતાનો માણસ છું. ગમે તેટલી સબળ-સમર્થ વિભૂતિ હોય પણ એ મને શોષી જાય, ચૂસી જાય એવું થવા માટેની પરવાનગી હું કદી મારી જાતને આપી શક્યો નથી.’ ૧૯૩૯માં દ્વિતીય વિશ્વયુદ્ધનો આરંભ થયો. ત્યાં લગીમાં રશિયામાં સમત્વ સિદ્ધ થયું હતું. હવે રશિયામાં હિટલરના આક્રમણને કારણે સ્વાતંત્ર્ય પર, યુદ્ધના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત થયું. ૧૯૪૫માં યુદ્ધમાં રશિયાનો વિજય થયો અને યુદ્ધવિરામ થયો. પછી રશિયામાં સ્વાતંત્ર્ય ભયમાં ન હતું. હવે રશિયામાં યુદ્ધોત્તર પ્રશ્નો — અણુશસ્ત્રો અને શીતયુદ્ધ — પર ધ્યાન કેન્દ્રિત થયું. વિશ્વયુદ્ધ પછી તરત જ ૧૯૪૭માં ભારતમાં સ્વાતંત્ર્ય સિદ્ધ થયું હતું. હવે ભારતમાં સ્વાતંત્ર્યોત્તર પ્રશ્નો — સમત્વ અને બંધુત્વ — પર ધ્યાન કેન્દ્રિત થયું. આમ, એક અર્થમાં ગાંધીવાદ ચરિતાર્થ થયો હતો, માર્ક્સવાદ સાર્થક થયો હતો. એથી હવે એમના સ્થૂલ સ્વરૂપનું, તકલી-રેંટિયાનું અને હથોડા-દાતરડાનું પ્રદર્શન ન થયું. એક અર્થમાં એમનું સ્થૂલ સ્વરૂપ પ્રસ્તુત, સુસંગત ન રહ્યું. કવિતામાં એમના આ સ્થૂલ સ્વરૂપનો પૂર્વવત્ પ્રબળ પ્રભાવ ન રહ્યો. પણ અન્ય અર્થમાં એમના સૂક્ષ્મ સ્વરૂપનું દર્શન થયું. એમનું સૂક્ષ્મ સ્વરૂપ વધુ પ્રસ્તુત, વધુ સુસંગત થયું. એમના સૂક્ષ્મ સ્વરૂપનો વધુ પ્રબળ પ્રભાવ થયો. જ્યાં લગી જગતમાં હિંસા અને અન્યાય છે ત્યાં લગી અહિંસા અને સામાજિક ન્યાય માટે અવકાશ છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મનુષ્યજાતિનો મહાપ્રશ્ન છે વિશ્વશાંતિ, અને વિશ્વશાંતિ અહિંસા વિના અશક્ય છે. આ સત્ય જગતભરમાં હવે વધુ ને વધુ સ્પષ્ટ અને સ્વીકૃત થતું જાય છે. આ સત્ય એ ગાંધીવાદનું અર્પણ છે. ગાંધીવાદ માટે હવે જ વધુ અવકાશ છે. ૧૯૮૧માં ઉમાશંકરે કહ્યું હતું, ‘મહિના પહેલા (એટલે ઑગસ્ટમાં) દુનિયાના નોબેલ પારિતોષિકવિજેતા કવિઓ, સમાજવિજ્ઞાનીઓ અને વૈજ્ઞાનિકોએ માનવજાતિ આત્મહત્યાના માર્ગેથી પાછી વળે અને જરૂર પડે ત્યાં આત્મસ્થાપના અને આત્મગૌરવ માટે ગાંધીજીએ દાખવેલો સત્યાગ્રહનો માર્ગ અપનાવે એવો અનુરોધ કર્યો છે’ પછી ૧૯૮૪માં એમણે કહ્યું હતું, ‘ગાંધી જેમ-જેમ આજની યંત્રૌદ્યોગિક સંસ્કૃતિ આગળ વધે છે તેમ-તેમ વધુ ને વધુ સંગત (રેલેવન્ટ) બનતા જાય છે… ગાંધીની વાત એ તાતી જરૂરિયાત બનતી જાય છે. ગાંધીયુગ તો હજી હવે આવશે.’ માર્ક્સવાદનું, એનાં ઐતિહાસિક અને રાજકીય પરિમાણોનું જે થવાનું હોય તે થાય — આજે જ શું થાય છે એ હવે આપણે જોઈએ છીએ — પણ એનું જે હાર્દ — સામાજિક ન્યાય એ એક શાશ્વત મૂલ્ય છે. આ શાશ્વત મૂલ્ય એ માર્ક્સવાદનું અર્પણ છે. માર્ક્સવાદ માટે હવે જ વધુ અવકાશ છે. ૧૯૭૩માં ઉમાશંકરે કહ્યું હતું, ‘ભલું થજો ભગવાનનું… માર્ક્સવાદી ન હતા. છતાં, કદાચને એટલે જ… માર્ક્સ સમાજમાં સદાય સુસંગત રહેશે. એના ઐતિહાસિક અને રાજકીય ઘટાટોપ ઉતરડી લ્યો, પછી માર્ક્સવાદમાં સામાજિક ન્યાયની જે કેન્દ્રવર્તી અભીપ્સા છે તે માનવસંસ્કૃતિના એક અવિચ્છેદ્ય અંગ તરીકે હંમેશને માટે ટકશે.’ ભવિષ્યમાં કોઈ પણ સમાજમાં, કોઈ પણ સંસ્કૃતિમાં હિંસા અને અન્યાયને સ્થાન નહિ હોય એવું સંવેદન હવે પછીના યુગોમાં જગતભરના કવિઓ માટે અનિવાર્ય હશે. ભવિષ્યનો કવિ અહિંસા અને સામાજિક ન્યાયનું, સમત્વ અને બંધુત્વનું કદી વિસ્મરણ નહિ કરી શકે. એના ચિત્તમાં આ સત્ય, આ શાશ્વત મૂલ્ય સદાયનું અંકિત હશે. સૈકાઓ સુધી, યુગો સુધી અહિંસા અને સામાજિક ન્યાય — આ સત્ય, આ શાશ્વત મૂલ્યો માનવસંસ્કૃતિમાં કેન્દ્રસ્થાને હશે. આજે પણ જગતભરના — ભારતના અને ગુજરાતના — કવિઓની કવિતામાં આ સત્ય, આ મૂલ્યો પ્રસ્તુત છે, સુસંગત છે અને ભવિષ્યમાં પણ હશે. ગાંધીવાદ અને માર્ક્સવાદની આ નાનીસૂની સિદ્ધિ નથી. હવે પછી કંઈક વિગતે જોઈશું તેમ, ૧૯૪૦ પછી ઉમાશંકરની કવિતામાં નવો વળાંક આવ્યો હતો. એમાં ગાંધીવાદ અને માર્ક્સવાદના, સમાજાભિમુખતાના સ્થૂળ સ્વરૂપનો પૂર્વવત્ પ્રબળ પ્રભાવ નથી. પણ ૧૯૪૦ પછી એમની કવિતામાં આયુષ્યના અંત લગી ગાંધીવાદ અને માર્ક્સવાદનું, સમાજાભિમુખતાનું સૂક્ષ્મ સ્વરૂપ સક્રિય છે. આગળ કંઈક વિગતે જોયું તેમ, ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં વડર્ઝવર્થ અને રુસોમાં રોમૅન્ટિસિઝમનું પ્રકૃતિ, મનુષ્ય અને એમના સંબંધ વિશેનું નવું દર્શન, નવું સંવેદન પ્રગટ થયું. પછી એનો આરંભ તો ૧૮મી સદીના મધ્યભાગમાં ૧૭૫૦માં, ૧૭મી–૧૮મી સદીના neo-classicism — નવ પ્રશિષ્ટતાવાદમાં પ્રકૃતિ, મનુષ્ય અને એમના સંબંધ વિશેનું તથા મનુષ્ય અને મનુષ્ય વચ્ચેના સંબંધ વિશેનું જે દર્શન હતું — પ્રકૃતિ જડ છે, ચેતનહીન છે અને મનુષ્ય એમાં આગંતુક છે, મનુષ્ય અને મનુષ્ય વચ્ચે ઉચ્ચાવચતા ક્રમ છે, વર્ગભેદ છે એવું દેકાર્ત અને ન્યૂટનની ફિલસૂફી તથા વિજ્ઞાનના વિચારોના સંદર્ભમાં જે તાર્કિક-બૌદ્ધિક દર્શન હતું એના પ્રતિકાર રૂપે થયો હતો અને પછીથી ૧૭૬૦માં ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો એના પ્રતિકાર રૂપે એ ક્રમે ક્રમે ઉત્તરોત્તર વધુ ને વધુ ઉગ્ર અને ઉત્કટ થતું ગયું. ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં વર્ડ્ઝવર્થ અને રુસોમાં એની પરાકાષ્ઠા હતી. હવે એનું વૈશ્વિક આંદોલનનું સ્વરૂપ પ્રગટ થયું. પછી સમગ્ર ૧૯મી સદીમાં જગતભરમાં એનો પ્રચાર અને પ્રસાર થયો. હવે જગતભરમાં રોમૅન્ટિસિઝમની પરંપરા હતી. રોમૅન્ટિસિઝમમાં પ્રકૃતિ, ગ્રામપ્રદેશ, ગ્રામપ્રજા-સવિશેષ તો અકિંચનો, દરિદ્ર-દલિત-પીડિત-શોષિત મનુષ્યો — પ્રકૃતિ અને મનુષ્યનો એકત્વનો સંબંધ, મનુષ્ય અને મનુષ્યનો સમત્વનો, બંધુત્વનો સંબંધ, વ્યક્તિ, વ્યક્તિનું સ્વાતંત્ર્ય, સ્વમાન, ગૌરવ; વૈયક્તિકતા, સમષ્ટિનું સ્વાતંત્ર્ય આદિ નૈતિક-આધ્યાત્મિક મૂલ્યો કેન્દ્રસ્થાને હતાં. ૧૭૮૯માં ફ્રેન્ચ ક્રાંતિ એનું રાજકીય, આર્થિક અને સામાજિક સ્વરૂપ હતું, એથી જ એમાં મંત્રત્રયી હતી: સ્વાતંત્ર્ય, સમત્વ, બંધુત્વ. આમ, ફ્રેન્ચ ક્રાંતિ એ રોમૅન્ટિસિઝમની સરજત છે, એનું અવિચ્છેદ્ય અંગ છે, એનો અંતર્ગત અંશ છે. પછી ૧૯મી સદીમાં અંગ્રેજ ઉત્ક્રાંતિ, ૧૯૧૮–૨૦માં રશિયન ક્રાંતિ, ૧૯૨૦–૩૦માં ભારતની અહિંસક ક્રાંતિ એટલે કે ગાંધીજીનો સત્યાગ્રહ — આ જગતઇતિહાસની મહાન ક્રાંતિઓમાં એનું અનુસંધાન છે. આ સૌ ક્રાંતિઓ એક અર્થમાં ફ્રેન્ચ ક્રાંતિની સરજત છે. અંતે એ સૌ ક્રાંતિઓ રોમૅન્ટિસિઝમની સરજત છે, એનું અવિચ્છેદ્ય અંગ છે, એનો અંતર્ગત અંશ છે. રોમૅન્ટિસિઝમ અને ફ્રેન્ચ ક્રાંતિ પછી જ, એમના અનુસંધાન રૂપે — બલકે એમના પરિણામ રૂપે ગાંધીવાદ અને માર્ક્સવાદ અસ્તિત્વમાં આવ્યો હતો. ફ્રેન્ચ ક્રાંતિ જ અસ્તિત્વમાં ન હોત તો? તો ગાંધીવાદ-માર્ક્સવાદનું અસ્તિત્વ હોત? ગાંધીવાદ-માર્ક્સવાદ પૂર્વે પણ સ્વાતંત્ર્ય, સમત્વ અને બંધુત્વની કવિતા, રોમૅન્ટિસિઝમની કવિતા, છેક વર્ડ્ઝવર્થના સમયથી અસ્તિત્વમાં હતી. ગાંધીવાદ-માર્ક્સવાદ ન હોત તોપણ આ રોમૅન્ટિસિઝમની કવિતા અસ્તિત્વમાં હોત! અલબત્ત, એનું ગાંધીવાદ-માર્ક્સવાદની કવિતા એવું નામાભિધાન ન થયું હોત. એથી સ્તો ગાંધીવાદમાર્ક્સવાદની કવિતા વિશે ઉમાશંકરે કહ્યું છે, ‘માનવતાવાદ અને પ્રગતિવાદ એ આ પચ્ચીશીના કવિઓનાં પોતાનાં મંથનોની પેદાશ ગણાય.’ હોત — ન હોતની આ તર્કલીલાને બસ આટલેથી ઇત્યલમ્! અને અહીં એ નકરી નક્કર હડહડતી હકીકતનો સત્વર સ્વીકાર કરીએ કે ૧૯૩૦–’૪૦ના દાયકામાં ગુજરાતમાં જે સમાજાભિમુખતાની કવિતા હતી તે સભાનતાપૂર્વક, અભિજ્ઞતાપૂર્વક ગાંધીવાદ અને માર્ક્સવાદની કવિતા હતી. પણ સાથે-સાથે એ પણ સ્વીકારવું રહ્યું કે અંતે તો એ રોમૅન્ટિસિઝમની કવિતા હતી. રોમૅન્ટિસિઝમની પરંપરાની કવિતા હતી. સ્વયં ઉમાશંકરે જ એ કવિતા અંતે તો રોમૅન્ટિક વલણ જ છે, આસમાની વલણ જ છે એનો સ્વીકાર કર્યો છે. ૧૯૭૩માં એમણે કહ્યું હતું, ‘અમારામાં સમાજવાદી વાસ્તવિકતા હોવા છતાં — બલકે એથી જ — અમે કંઈ ઓછા રોમૅન્ટિક ન હતા.! ઉમાશંકર ‘ક્યાં છે કવિતા? માં ‘આ હું જે અન-રોમૅન્ટિક’ એમ આત્મપરિચય કરે-કરાવે તે ભલે પણ અંતે તો ઉમાશંકર — એમનામાં પ્રશિષ્ટતાનો વિપુલ અને વિવિધ પરિવેશ છે છતાં — રોમૅન્ટિક કવિ જ છે. ૧૮૫૩–’૭૦માં પૅરિસની પુન:રચના પછી અને ૧૮૫૭માં બૉદલેરના કાવ્યસંગ્રહ ‘Les Fleurs du Mal’ના પ્રકાશન પછી જગતભરમાં આધુનિકતા અને આધુનિકતાની કવિતા અસ્તિત્વમાં છે. હવે પછી કંઈક વિગતે જોઈશું તેમ, આધુનિકતામાં નાગરિક, વૈયક્તિક મનુષ્યનું જે દર્શન છે તે રોમૅન્ટિસિઝમમાં જે પ્રાકૃતિક, સામાજિક, મનુષ્યનું દર્શન છે તેથી તદ્દન વિભિન્ન, તદ્દન વિરુદ્ધનું દર્શન છે. એથી ઉમાશંકરની ૧૯૩૦–’૪૦ના દાયકામાં એના સ્થૂલ સ્વરૂપમાં અને ૧૯૪૦–’૮૮ના પાંચ દાયકામાં એના સૂક્ષ્મ સ્વરૂપમાં ગાંધીવાદ અને માર્ક્સવાદની, સમાજાભિમુખતાની કવિતાનું અન્યથા ગમે તેટલું મૂલ્ય હોય તોપણ આ સંદર્ભમાં, આજના વિષયના સંદર્ભમાં, આધુનિકતાના સંદર્ભમાં, એ કવિતા, એમની અધઝાઝેરી પ્રકૃતિકવિતાની જેમ, અપ્રસ્તુત છે. ૧૯૪૦–’૪૫માં ગુજરાતી કવિતામાં ગાંધીવાદ અને માર્ક્સવાદને સ્થાને સૌંદર્યવાદ હતો, સમાજાભિમુખતા નહિ પણ સૌંદર્યાભિમુખતા કેન્દ્રમાં હતી. માનવતાવાદ, ભાવનાવાદ, આદર્શવાદ કે સમાજવાદ, વાસ્તવવાદ, પ્રગતિવાદનું નહિ પણ સૌંદર્યલક્ષિતા, રસલક્ષિતા — બલકે રસૈકલક્ષિતાનું વર્ચસ્ હતું. હરિશ્ચન્દ્ર, પ્રહ્લાદ અને રાજેન્દ્રની કવિતાનો, ‘સ્વપ્નપ્રયાણ’ ‘બારી બહાર’ અને ‘ધ્વનિ’ની કવિતાનો આ સમય હતો. દેશમાં અને દુનિયામાં અનેક મહાન ઘટનાઓ — દ્વિતીય વિશ્વયુદ્ધ, અણુબૉંબ, હીરોશીમા, ‘હિન્દ છોડો’ આંદોલન, ભારતના ભાગલા, હુલ્લડો, હિજરતો, દુષ્કાળ, મોંઘવારી, કાળાબજાર વગેરે ભીષણ રાજકીય અને આર્થિક ઘટનાઓનો આ સમય હતો. આ સમયમાં ગુજરાતી કવિતામાં સમાજાભિમુખતાનો વિકાસ અને વિસ્તાર થવો જોઈએ. પણ એવું ન થયું. નહિ કે પૂર્વોક્ત કવિઓ સમાજથી વિમુખ કે વિરક્ત હતા. આરંભમાં પ્રહ્લાદ અને રાજેન્દ્ર સત્યાગ્રહમાં સક્રિય હતા. હરિશ્ચન્દ્ર તો સમગ્ર યુરોપ — સવિશેષ સૌથી વધુ પીડિત અને પતિત એવા પૉલૅન્ડના સામાજિક, રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક-આધ્યાત્મિક પ્રશ્નો પ્રત્યે સભાન અને સંવેદનશીલ હતા. છતાં એમની કવિતામાં પૂર્વોક્ત સમકાલીન સમાજસંદર્ભનો પ્રવેશ થયો જ નહિ. કારણ કે ૧૯૪૦ લગીમાં સમાજાભિમુખતાની કવિતામાં હવે વિશ્વયુદ્ધને કારણે પ્રગતિવાદ આમેય અપ્રસ્તુત તો હતો જ — અને પછીથી યુદ્ધોત્તર સમયમાં તો કંઈક અપ્રિય થવાનો હતો. એમાં વળી ૧૯૪૦ લગીમાં જોતજોતામાં પ્રગતિવાદને નામે નર્યો પ્રચારવાદ હતો અને વિચારપ્રાધાન્યને નામે નિર્બંધ પદ્યનિબંધોમાં દલપત-નર્મદયુગીન નરી નીરસતા હતી. એથી આ કવિતામાં એની પ્રત્યે પ્રબળ પ્રતિકાર હતો, એનો પ્રખર પ્રત્યાઘાત હતો. એની પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા હતી, એની અવજ્ઞા અને અવહેલના હતી. એનો અનાદર અને અસ્વીકાર હતો. ૧૯૭૩માં ઉમાશંકરે આ ૧૯૩૦–’૪૦ની કવિતા વિશે કહ્યું હતું, ‘આજે જો યુવાન બૌદ્ધિકોને આ બધાથી ગુજરાતી સાહિત્યની ભારે કુસેવા થયા જેવું લાગ્યું હોય તો કાંઈક અંશે કદાચ તેઓ સાચા પણ હોય!’ આજે જ નહિ, ૧૯૪૦ની આસપાસ જ આ યુવાન કવિઓને પણ એવું જ લાગ્યું હશે. વળી ૧૯૭૩માં એમણે એમ પણ કહ્યું હતું, ‘પ્રો. ઠાકોર-આગ્રહિત વિચારપ્રાધાન્ય પ્રત્યે અમારો પક્ષપાત અને પ્રગતિવાદ પ્રત્યે અમારી કાર્યપ્રતિબદ્ધતા હોવા છતાં અમારામાંથી કેટલાકે રસકસ વિનાના રેઢિયાળ નિબંધો જ નિપજાવ્યા. યુવાન લેખકોએ એની પ્રત્યે તીવ્ર પ્રત્યાઘાત પ્રગટ કર્યો… પ્રહ્લાદ પારેખનો ‘બારી બહાર’ કાવ્યસંગ્રહ સમકાલીન પ્રશ્નોને ચાતરીને ચાલ્યો. આમ લોલક સામે છેડે હડસેલાયું અને અમને પ્રગતિશીલોને જાણે કે કવિતાપ્રવાહની બહાર ધકેલી દીધા.’ ૧૯૪૦–’૪૫ના આ સમયમાં ઉમાશંકર આ કવિઓની જેમ સૌંદર્યવાદના સામે છેડે, અન્ય અંતિમ બિન્દુએ, સૌંદર્યાભિમુખતાની અન્ય આત્યંતિક કક્ષાએ ન ગયા. ન જવું એમને માટે સ્વાભાવિક હતું — બલકે અનિવાર્ય હતું. એમનાં મૂળિયાં ૧૯૩૦માં હતાં. જીવનભર એ ૧૯૩૦ની મુદ્રા સાથે જીવ્યા છે. ૧૯૫૫માં એમણે જ કહ્યું છે ને! ‘હું ૧૯૩૦નું બાળક છું. હું જે કાંઈ બધું જીવું છું. તે એ ૧૯૩૦ની મુદ્રા સાથે જીવું છું.’ એ મુદ્રા એમના જીવનમાં અને એમની કવિતામાં, એમના સમગ્ર અસ્તિત્વમાં સદાયની દૃઢ-અંકિત છે. એ મધ્યબિંદુએથી બે અંતિમ બિંદુ, બે આત્યંતિક કક્ષાની વચમાંથી ઊફરા ચાલ્યા ગયા. આ સમયમાં ૧૯૪૪માં ‘પ્રાચીના’માં ‘૧૯મા દિવસનું પ્રભાત’ અને ‘ગાંધારી’માં તથા ‘આતિથ્ય’માં ‘બીજું વિશ્વયુદ્ધ’, ‘સંધ્યાકાશે’, ‘વિજય’, ‘વહે છે ધારાઓ’, ‘૨૨મા દિવસનું સવાર’, ‘અલ્વિદા’, ‘કવિધર્મ’, ‘કવિ’, ‘આવ્યો છું મંદિરો જોવા’, ‘ડુંગરે ગાવલડી ભાંભરે’, ‘૨૦૦ વર્ષ પછી’, ‘અતીત’, ‘સાબરની દીકરી’માં દ્વિતીય વિશ્વયુદ્ધ તથા ભારતની અન્ય સમકાલીન સામાજિક, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક-આધ્યાત્મિક ઘટનાઓની કવિતા છે. ૧૯૪૦–’૪૫ના આ સમયમાં ઉમાશંકરે આ કાવ્યો રચ્યાં તેમાં ૧૯૩૦–’૪૦ના સમયની સમાજાભિમુખતાનું સાતત્ય છે, એટલું જ નહિ આ સમાજાભિમુખતા વધુ સૂક્ષ્મ, વધુ તીવ્ર-તીક્ષ્ણ સ્વરૂપે પ્રગટ થાય છે. ૧૯૪૬–’૫૬ ગુજરાતી કવિતામાં સમાજાભિમુખતાનો, સમાજના સંદર્ભનો પુન: પ્રવેશ થયો પણ તે હવે ૧૯૩૦–’૪૦ની સમાજાભિમુખતા ન હતી. એમાં ગાંધીવાદ કે માર્ક્સવાદ કે કોઈ વાદ ન હતો, એમાં કોઈ સભાનતા કે પ્રતિબદ્ધતા ન હતી, કોઈ આવેશ કે અભિનિવેશ, અતિરેક કે અતિચાર ન હતો. એમાં એમ થવું શક્ય પણ ન હતું, કારણ કે વચમાં ૧૯૪૦–’૪૫માં સૌંદર્યવાદ, સૌંદર્યાભિમુખતા પછી એનો પ્રવેશ થયો હતો. એમાં હતી નરી માનવતા, મનુષ્યની કરુણતા પ્રત્યેની કરુણા, સમાજસંદર્ભ વિના ફ્રાંસમાં ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં પાર્નેસિઆનિઝમ, સિમ્બોલિઝમ, ઇસ્થેટિસિઝમ, કલા-ખાતર-કલા વગેરેની જેમ ગુજરાતમાં ૧૯૪૦–’૪૫નો સૌંદર્યવાદ પણ કંઈક વરવો અને વિચિત્ર, અપૂર્ણ અને અપર્યાપ્ત થાય તે પૂર્વે જ સદ્ભાગ્યે સવેળા આ પ્રવેશ થયો હતો. કવિતામાં સૌંદર્યલક્ષિતા, રસલક્ષિતા, રસૈકતા હોય એની સાથે-સાથે, બલકે એને ખાતર જ, સમાજ-સંદર્ભ હોય, કંઈ નહિ તો ઓછામાં ઓછું એક પરિમાણ રૂપે હોય એ પણ અનિવાર્ય છે. ‘પ્રવાલદ્વીપ’, ‘પ્રતીક’ અને ‘નમેલી સાંજ’ની કવિતાનો આ સમય હતો. આ કવિતામાં સમાજસંદર્ભ નર્યા પ્રચારવાદ કે નર્યા નિબંધ રૂપે પ્રગટ થતો નથી પણ કલ્પન કે પ્રતીક રૂપે પ્રગટ થાય છે. એમાં લય, છંદ, શબ્દ, ભાષાનું પ્રભુત્વ છે. એથી એ અભિજ્ઞતાપૂર્વક, કલાભિજ્ઞતાપૂર્વક સઘન, રસઘન કવિતાદ્રવ્ય રૂપે પ્રગટ થાય છે. એમાં વાસ્તવ ખાતર વાસ્તવ તો નથી જ, પણ એમાં કાવ્યકૃતિનું, કલાકૃતિનું વાસ્તવ છે. એથી એમાં કાવ્ય એક વાસ્તવિક કૃતિ છે એવી પ્રતીતિ થાય છે. આ સમયમાં ‘વસંતવર્ષા’માં ‘ઘૂમે ઘેરૈયા’, ‘ગોકુળિયું અમારું’, ‘ઊડી, જવું દૂર’, ‘આંખો ધરાતી ન’, ‘હીરોશીમા’, ‘૧૫ ઑગસ્ટ ૧૯૪૭’, ‘જરીક આત્મશ્રદ્ધા તું દે’, ‘જીર્ણ જગત’, ‘જનશક્તિ હું’, ‘આ દુનિયાની મહાપ્રજાઓ’, ‘દે વરદાન એટલું’, ‘અનાવૃષ્ટિ ઓળા’, ‘સર્જન’, ‘સુદર્શન’ આદિ કાવ્યોમાં સમાજાભિમુખતા છે. ૧૯૪૬–૧૯૫૬ના આ સમયમાં ઉમાશંકરે આ કાવ્યો રચ્યાં એમાં ૧૯૪૦–’૪૫ના સમયની સમાજાભિમુખતાનું સાતત્ય છે. એટલું જ નહિ, આ સમાજાભિમુખતા વધુ વિશાળ, વધુ વેધક, વક્રોક્ત પરિપ્રેક્ષ્યમાં પ્રગટ થાય છે. ૧૯૮૧માં ‘આતિથ્ય’ની ‘કાંઈક જુદું’ એવા સૂચક શીર્ષક સાથેની પ્રસ્તાવનામાં આરંભમાં જ ઉમાશંકરે કહ્યું છે, ‘આતિથ્ય’ — એ સંગ્રહ મારા કાવ્યસંગ્રહોમાં કાંઈક જુદો જ પડી આવે છે. — ‘ધારાવસ્ત્ર’ના પ્રસ્તાવનારૂપ પ્રાસંગિકમાં પણ એમણે એનું પુનરુચ્ચારણ કર્યું હતું, ‘આતિથ્ય’માં એક વળાંક હતો.’ તે પૂર્વે પણ ૧૯૪૬માં ‘આતિથ્ય’નું પ્રકાશન થયું ત્યારે જ એમાં ધ્યાનમંત્ર હતો ‘કવિશબ્દ સંજીવની’. હવે બાહ્યજગતમાં જ નહિ, આંતરજગતમાં, આંતરજગતના પ્રતિરૂપ સમા કવિશબ્દમાં પણ ધ્યાન હતું, સવિશેષ ધ્યાન હતું. અને આ કવિશબ્દ જ કાવ્યસમાજની અને માનવસમાજની સંજીવની છે એવી શ્રદ્ધા હતી. અને એમણે કાવ્યરૂપ નિવેદનમાં અંતે કહ્યું હતું, ‘અણગાયું જે કંઈ તેની આશાએ, હે કવિમન/ પૃથ્વીતીર્થે ચંચૂ ભરી કરો ઊંચે ઉડ્ડયન’. ‘આતિથ્ય’થી ઉમાશંકરની કવિતાએ ‘વિશ્વશાંતિ’થી ‘પ્રાચીના’ લગી પૃથ્વીતીર્થે ચંચૂ ભરી અણગાયું જે કંઈ તેની આશાએ સાચ્ચે જ ઊંચે ઉડ્ડયન કર્યું છે. વળી ૧૯૪૫માં ‘વસંતવર્ષા’નું પ્રકાશન થયું ત્યારે પણ એમાં ધ્યાનમંત્ર હતો ‘અમૃત લઈ આવ્યો અવનિનું’ હવે ઊંચે ઉડ્ડયનમાં સાથે અવનિનું અમૃત હતું. અને એમણે કાવ્યરૂપ નિવેદનમાં આરંભે કહ્યું હતું, ‘મેં મુખ ભવિષ્ય ભણી કર્યું/અનુભવ્યું સ્વર્ગીય હૃદય-પરોડિયું, /ને ભૂત પ્રતિ મટકુ ભર્યું, /જાગી ઊઠ્યાં સ્વપ્નાં પડ્યાં જે સુપ્ત વાળી સોડિયું.’ ‘વસંતવર્ષા’થી ઉમાશંકરની કવિતાએ ‘વિશ્વશાંતિ’થી ‘આતિથ્ય’ લગી મટકું ભર્યું છે અને પછી ભવિષ્ય ભણી મુખ કર્યું છે અને જેમાં સોડિયું’ વાળી સુપ્ત પડ્યાં સ્વપ્નાં જાગી ઊઠ્યાં હોય એવું હૃદય-પરોડિયું અનુભવ્યું છે. આમ, ૧૯૪૬–’૫૬માં ‘આતિથ્ય’ અને ‘વસંતવર્ષા’ના સમયમાં ઉમાશંકરની કવિતામાં એક નવો વળાંક આવ્યો છે. ૧૯૩૫માં જ જાણે કે ઉમાશંકરને ‘આત્માના ખંડેર’માં, એમાં જે એક જાતના સંશયવાદ, નિરાશાવાદ, શૂન્યવાદ, પરાજયવાદ, નિ:સારતાવાદ, અસ્તિત્વવાદ તથા એકલતા, અલગતા, અસહાયતા, અસંગતતા આદિના સંકેતો છે અને અંતે નિર્ભ્રાન્ત નરવા મને ‘યથાર્થ’ જ સુપથ્ય એકનો સ્વીકાર કરવામાં જે એક જાતની આધ્યાત્મિક અનુભૂતિ છે એમાં આ નવા વળાંકનો આછો અણસારો તો અચૂક આવી ચૂક્યો હતો. ૧૯૩૯માં દ્વિતીય વિશ્વયુદ્ધનો આરંભ થયો. એની સાથે જ પ્રગતિવાદનો અસ્ત થયો. ૧૯૪૫માં યુદ્ધવિરામ થયો પછી યુદ્ધોત્તર સમયમાં સ્તાલિનવાદમાં માર્ક્સવાદ, સામ્યવાદનું વિકૃત અને વિભીષણ, અધમ અને અશ્લીલ, ક્રૂર-નિષ્ઠુર સ્વરૂપ પ્રગટ થયું. ૧૯૪૨માં ‘હિન્દ છોડો’ આંદોલન થયું. એમાં ઉમાશંકર ૧૯૩૦–’૩૨માં સત્યાગ્રહમાં સક્રિય હતા તેમ સક્રિય ન હતા. ૧૯૪૭માં ભારતનું સ્વાતંત્ર્ય સિદ્ધ થયું. પણ એ સ્વાતંત્ર્યના સ્વપ્નદ્રષ્ટા અને સ્રષ્ટા એવા રાષ્ટ્રપિતાએ તે દિવસે ઉપવાસ કર્યો. અને ૧૯૪૮ના જાન્યુઆરીની ૨૬મીએ દિલ્હીમાં પ્રાર્થનાપ્રવચનમાં એમણે કહ્યું, ‘કિન્તુ અબ આઝાદી હમારે હાથમેં આ ગઈ હૈ ઔર હમને ઇસકા સ્વાદ ચખા હૈ તો હમેં લગતા હૈ કિ આઝાદી કા હમારા સપના એક ભ્રમ હી થા જો કિ અબ ગલત સાબિત હુઆ હૈ. કમ-સે-કમ મુઝે તો ઐસા લગા હૈ.’ ક્ષણભર તો જાણે શાંતિ, સત્ય, અહિંસા, પ્રેમ આદિ શબ્દો પોલા અને પોકળ પુરવાર થયા. જાણે માર્ક્સવાદ અને ગાંધીવાદ તથા સ્વાતંત્ર્ય, સમત્વ, બંધુત્વ ભ્રષ્ટ અને ભ્રામક ભાસતા થયા, જાણે માનવતાવાદ, ભાવનાવાદ, આદર્શવાદ અને સમાજવાદ, વાસ્તવવાદ, પ્રગતિવાદ બોદા અને બેસ્વાદ બની ગયા. એથી હવે ૧૯૩૦–’૪૦ના સમયના કવિઓ માટે સમાજાભિમુખતાની કવિતા આંધળી ગલી જેવી, અનુલ્લંઘનીય ભીંત જેવી, કારાગાર જેવી હતી. શ્રીધરાણીએ અમેરિકામાં નિર્વાસન કર્યું. સુંદરમે પોંડિચેરીમાં પલાયન કર્યું. એક ઉમાશંકર જ નવા વળાંકે વળી ગયા. આમ, ઉમાશંકરની કવિતામાં આ નવો વળાંક આકસ્મિક અને આશ્ચર્યજનક ન હતો, આવશ્યક અને અનિવાર્ય હતો. ૧૯૩૯માં ઉમાશંકર મુંબઈથી અમદાવાદમાં વસ્યા તે ૧૯૮૮ લગી, આયુષ્યના અંત લગી વસ્યા. ૧૯૩૯થી ૧૯૪૬ શિક્ષણકાર્ય કર્યું. ૧૯૪૬માં શિક્ષણકાર્યમાંથી સ્વેચ્છાએ નિવૃત્ત થયા. પણ સ્વનિયુક્ત પ્રવાસી કવિતાશિક્ષક તરીકે ગુજરાત નામની વિશાળ લોકશાળામાં કવિતાનું શિક્ષણકાર્ય કર્યું. ૧૯૪૭માં ‘સંસ્કૃતિ’ માસિકનો આરંભ કર્યો. અને ૧૯૮૪ લગી ૩૮ વર્ષ લગી એનું સંપાદન કર્યું. એ માટે પહેલું પાનું અને ‘સમયરંગ’નું નિયમિત લખાણ કર્યું. એ નિમિત્તે દેશ અને દુનિયાના અનેક નાનામોટા પ્રશ્નો અંગે ચિંતા અને ચિંતન કરવાનું થયું. ૧૯૫૪થી ૧૯૭૦ સુધી યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય કર્યું. ૧૯૫૪થી ૧૯૮૬ વચ્ચેના ૩૩ વર્ષના સમયમાં કુલ ૩૨ પદસ્થાનેથી — ૧૯૬૬–’૭૨માં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, ૧૯૬૭માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ, ૧૯૭૦–’૭૬માં રાજ્યસભાના નિયુક્ત સભ્ય, ૧૯૭૭–’૮૫માં પી.ઈ.એન.ના પ્રમુખ ૧૯૭૮–’૮૩માં સાહિત્ય અકાદમીના પ્રમુખ, ૧૯૭૯–’૮૨માં ‘વિશ્વભારતી’ના માનદ્ આચાર્ય-કુલપતિ તરીકે તથા અનેક સત્રો, સભાઓ, સમિતિઓ, સંમેલનો, પરિષદો, અધિવેશનોમાં અતિથિ, ઉદ્ઘાટક, સભ્ય કે પ્રમુખ તરીકે સમગ્ર ભારતમાં વિવિધ સ્થળે સાહિત્ય, કલા, સંસ્કાર અને શિક્ષણનાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કર્યું. ૧૯૭૦થી ૧૯૮૮ લગી, આયુષ્યના અંત લગી ૧૯ વર્ષના સમયમાં અનેક પ્રવૃત્તિઓ અંગે વારંવાર દિલ્હીમાં વસવાનું થયું. ૧૯૪૪થી ૧૯૭૬ વચ્ચેના ૩૩ વર્ષના સમયમાં કોઈ ને કોઈ કાર્ય નિમિત્તે અનેક વાર નાના નાના પ્રવાસો ઉપરાંત ચાર વાર દેશમાં વિવિધ દિશામાં લાંબો પ્રવાસ કર્યો. ૧૯૫૨થી ૧૯૮૬ વચ્ચેના ૩૪ વર્ષના સમયમાં સાહિત્ય, સંસ્કાર અને શિક્ષણના કાર્ય અંગે તેર વાર એશિયા, યુરોપ અને અમેરિકામાં વિવિધ દેશોમાં પ્રવાસ કર્યો. આ હતો ૧૯૪૬થી ૧૯૮૮ લગી, આયુષ્યના અંત લગી ૪૨ વર્ષ ઉમાશંકરનો જાહેર બાબતો(Public Affairs)નો, બાહ્ય જગત અને બાહ્ય જીવનનો અઢળક અનુભવ. આ હતો એમનો માનવ હોવાનો અપરંપાર આશ્ચર્યલોક, એમનો વિશાળ કાવ્યલોક, આ અનુભવમાં એમની ૧૯૫૬થી ૧૯૮૧ લગીની ઉત્તરાર્ધની કવિતાની પ્રેરણા છે, પૂર્વભૂમિકા છે. એમાં એનો વ્યાપક સમાજસંદર્ભ છે, વૈશ્વિક પરિપ્રેક્ષ્ય છે. ૧૯૮૪માં ઉમાશંકરે કહ્યું હતું, ‘જરૂર છે તે તો એક જાતની નિરંતર સંપ્રજ્ઞતા(awareness)ની અને એમાંથી કવિસંવિદ નીપજે તેની.’ એમની આ નિરંતર સંપ્રજ્ઞતા અને કવિસંવિદમાં આ અનુભવનું મહામૂલું અર્પણ છે. ઉમાશંકર જેમ-જેમ બાહ્યજગત અને બાહ્યજીવનમાં ઉત્તરોત્તર વધુ ને વધુ ઓતપ્રોત થયા, બહિર્મુખ થયા તેમ-તેમ એ આંતરજગત અને આંતરજીવનમાં ઉત્તરોત્તર વધુ ને વધુ એકાકાર થયા, અંતર્મુખ થયા. ૧૯૬૮માં ઉમાશંકરે કહ્યું હતું, ‘એટલું ખસૂસ કહી શકું કવિ તરીકે વિકસવું હોય એણે ઉત્તરોત્તર વધુ ને વધુ બહોળા સમાજસંદર્ભમાં ઓતપ્રોત થતા રહેવાનું હોય છે’. અગાઉ વ્યાખ્યાનના આરંભમાં એમનું એક અવતરણ છે એમાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં તમારું કેવું સ્થાન તમે કલ્પો છો? એવા એક પ્રશ્નના ઉત્તરમાં ૧૯૭૩માં એમણે કહ્યું હતું, ‘કવિ તરીકેનું, જાહેર જીવનમાં સંડોવાયા છતાં — બલકે કદાચ એ જ કારણે — જેણે કેટલાંક ઊર્મિકાવ્યો રચ્યાં હોય… એવા કવિ તરીકેનું.’ વળી ૧૯૮૧માં એમણે કહ્યું હતું, ‘મારા અંગત દાખલામાં રચના અંગે બે લાક્ષણિકતાઓ નોંધવા જેવી છે… માનસિક પરસેવો પડાવે એવું કાંઈ ને કાંઈ કામ સમાંતર ચાલતું હોય. બીજું, કંઈ ને કંઈ સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ જાણે કે કાવ્યરચનાની પૂર્વશરત નહિ તોપણ ભૂમિકા જેવું રહ્યું છે. આ બન્ને વસ્તુઓ સર્જનકાર્યની વિરોધી જેવી લેખાતી હોય છે, મને એવી લાગી નથી — કહો કે મારે માટે એ બાબતમાં પસંદગીને અવકાશ જ નથી. આ અનુભવને કારણે હવે એમનામાં એકાદ રાષ્ટ્ર કે એકાદ પ્રજા, એકાદ-બે આંદોલન કે એકાદ-બે વાદ પ્રત્યે નહિ પણ સમગ્ર વિશ્વ પ્રત્યે, સમસ્ત મનુષ્યજાતિ પ્રત્યે પ્રતિબદ્ધતા હતી. એથી એ એક મુક્ત મનુષ્ય, એક વિરલ વ્યક્તિ બની શક્યા. એમની જ પેલી પ્રસિદ્ધ પંક્તિમાં પાઠાન્તર સાથે એમના વતી આપણે કહી શકીએ, ‘વ્યક્તિ થવાને બનું વિશ્વમાનવી’. ૧૯૬૮માં આજના યુગના કવિ વિશે એમણે કહ્યું હતું, ‘એટલું તો નક્કી કે વૈશ્વિક ચિંતામાં સહભાગી બનવું એ વગર એને ચાલવાનું નહિ… જેમ-જેમ એ સાચો વિશ્વમાનવી બનશે તેમ-તેમ એ સાચો ભારતીય નીવડશે’, આપણે એમાં ઉમેરીએ, તેમ-તેમ એ સાચો મનુષ્ય નીવડશે, સાચી વ્યક્તિ નીવડશે. ઉમાશંકરને આ અનુભવો દ્વારા જગતને જાણવાનું થયું એટલું જ નહિ, જાતને પણ જાણવાનું થયું, જગતને પામવાનું થયું એટલું જ નહિ, પોતાને પણ પામવાનું થયું. ૧૯૭૩માં ઉમાશંકરે કહ્યું હતું, ‘જાહેર બાબતો સાથે કામ પાડતાં પાડતાં અનેક માણસોના આશયો જાણવા મળે છે. અને વધુ અગત્યનું તો એ છે કે પોતાના આશયો જાણવા મળે છે.’ વળી ૧૯૮૮માં એમણે કહ્યું હતું, ‘આપણે કળણમાં ખૂંપ્યા છીએ. મને વારંવાર ડર થાય છે કે અસ્તિત્વના કેન્દ્ર પર ઘા થયો છે. આપણે સતત ભયમાં જીવી રહ્યા છીએ. એક લેખક તરીકે હું મારી જાત સાથે લડી રહ્યો છું. ચારેકોર અંધાધૂંધીની વચ્ચે હું મને પૂછી રહ્યો છું. ‘કો અહમ્?’ — હું કોણ છું? હું ક્યાં જઈ રહ્યો છું?’ ‘ધારાવસ્ત્ર’માં ૧૯૮૧નું એક કાવ્ય છે, ‘તાળું’. એમાં પ્રથમ પંક્તિ છે, ‘હું મને મળવા આવ્યો છું.’ આ અનુભવોનો જાણે અર્ક ન હોય, આ સાહસોનું સારસર્વસ્વ સારસ્ય ન હોય, આ પુરુષાર્થોની પરાકાષ્ઠા ન હોય એવું કાવ્ય તો છે ‘માઈલોના માઈલો મારી અંદર’ — એમાં ઉમાશંકરે સમગ્ર વિશ્વને સ્વમાં સમાવ્યું છે. આ કાવ્ય વિશે સ્વયં ઉમાશંકરને વિસ્મય થયું છે, ‘કોણ જાણે શી રીતે લખાઈ ગયું.’ સાચ્ચે જ રહસ્યમય છે આ કાવ્ય! ૧૯૪૬ પછી આ અનુભવો દ્વારા ઉમાશંકરે સતત આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણ કર્યું છે, સતત આત્મવિવેચન અને આત્મવિશ્લેષણ કર્યું છે. અને એ દ્વારા આત્મપરિચય — કહો કે આત્મસાક્ષાત્કાર કર્યો છે. એમણે એમના એકાન્તમાં, એમના અંતરતમમાં, એમના અતલાંત અંતરાત્મામાં ડોકિયું કર્યું છે. ૧૯૪૬ પછી એમણે અનેક પ્રસંગે અનેક નિમિત્તે પ્રવચનો, પ્રશ્નોત્તરીઓ, વાર્તાલાપો, વિવેચનલેખોમાં તથા અનેક કાવ્યોમાં આત્મકથનો કર્યાં છે. એનો ખાસ્સો એક સંચયગ્રંથ થાય. ઉમાશંકરે જેમ એક સમયના બાહ્યજગતમાં અને બાહ્યજીવનમાં ડોકિયું કર્યું એને ‘’૩૧માં ડોકિયું’ નામ આપ્યું તેમ એને નામ આપી શકાય, ‘ઉમાશંકરમાં ડોકિયું.’ ૧૯૮૧માં ઉમાશંકરે ‘ધારાવસ્ત્ર’ની પ્રસ્તાવનારૂપ ‘પ્રાસંગિક’માં કહ્યું હતું, ‘ ‘આતિથ્ય’માં એક વળાંક હતો, બીજો ‘અભિજ્ઞા’થી શરૂ થયો, તે ‘ધારાવસ્ત્ર’માં ચાલુ છે.’ પછી ૧૯૮૪માં એમણે જાણે એના અનુસંધાનમાં કહ્યું હતું, ‘સર્જનયાત્રામાં સહજપણે નવા-નવા આરંભો થયે જ ગયા છે. ‘ધારાવસ્ત્ર’ પછી કંઈક નવતર ન થઈ બેસે તો જ નવાઈ, ઉત્સાહ હજી શિખાઉનો છે.’ આમ, ૧૯૪૬–૧૯૫૬માં ઉમાશંકરની કવિતામાં એક વળાંક આવ્યો છે. ૧૯૫૬માં બીજો વળાંક આવ્યો છે. (ઉમાશંકરે પૂર્વોક્ત કથનમાં ‘બીજો ‘અભિજ્ઞા’થી શરૂ થયો’ એમ કહ્યું તે ૧૯૬૭માં ‘અભિજ્ઞા’ કાવ્યસંગ્રહ પ્રગટ થયો એમાં ‘છિન્નભિન્ન છું’ કાવ્યનો પ્રથમ સ્થાને સમાસ થયો હતો એ કારણે.) પણ ‘છિન્નભિન્ન છું’ કાવ્યનું પ્રકાશન — મૌખિક પ્રકાશન ૧૯૫૬માં થયું હતું. પછીથી ૧૯૮૧માં ‘અભિજ્ઞા’માંથી એ કાઢીને ‘સપ્તપદી’માં પ્રથમ સ્થાને દાખલ કર્યું હતું, એનું ઉમાશંકરના અંતિમ કાવ્યસંગ્રહ ‘ધારાવસ્ત્ર’ લગી સાતત્ય છે. પૂર્વોક્ત કથનમાં સૂચન છે તેમ ‘ધારાવસ્ત્ર’ પછી એક વધુ નવો વળાંક, ત્રીજો વળાંક આવે તે પૂર્વે, ઉત્સાહ હજી શિખાઉનો હતો છતાં ઉમાશંકરે જીવનમાંથી જ વળાંક લેવાનું કર્યું. એ ત્રીજો વળાંક કેવો હોત એ વિશે તો હવે આપણે કલ્પના જ કરવાની! ‘સપ્તપદી’ના અંતિમ કાવ્ય, અને ઉમાશંકરનાં સૌ પ્રસિદ્ધ કાવ્યોમાં પણ અંતિમ કાવ્ય ‘પંખીલોક’ પરથી સ્તો! એ ત્રીજો વળાંક કેવો હોત એનું પણ જોકે ૧૯૬૮માં એમણે સૂચન કર્યું છે, ‘અને આજની માનવીય પરિસ્થિતિ કદાચ આ જ વસ્તુ સર્જક કલાકાર પાસે માગે છે. કલાકાર જો કલા સિદ્ધ કરવામાં સફળ નીવડે તો એકકેન્દ્રી જીવનની આશાનો એ દ્વારા સધિયારો મળી રહે છે. સમકાલીન સમાજનું યંત્રવૈજ્ઞાનિક સંઘટન થઈ રહ્યું છે. અને તેના પરિણામે પ્રેમની નીકો ઝડપભેર સુકાઈ જઈ રહી છે. શહેરોની ભરી ભીડ વચ્ચે માણસ એકલવાયો બની રહ્યો છે, અને એને આંતરએકલાપણું, એકાન્ત, શાંતિનું કેન્દ્ર લાધતું જ નથી, જ્યાંથી એ મનુષ્ય તરીકે પ્રવૃત્ત થઈ શકે, કવિતા પરસ્પરાવલંબનના સંબંધોનું આખુંય જાળ પ્રદર્શિત કરે અને અંતર્દૃષ્ટિ અને સહજસ્ફૂર્ત જ્ઞાન દ્વારા માનવ અને માનવેતર વચ્ચેના, શરીર અને શરીરેતર વચ્ચેના, જીવનમાં રહેલી અનિવાર્ય ક્રૂરતા અને પ્રેમ વચ્ચેના સમૃદ્ધ સમન્વયને આલોકિત કરે એ આજે જેટલું જરૂરી છે. તેટલું કદાચ ક્યારેય ન હતું. ખરે જ કવિતા નરકથી શોધનઅગ્નિ (પર્ગેટોરિયો) દ્વારા, સ્વર્ગનો પથ નિર્દેશી શકે.’ ૧૯૫૬માં ‘છિન્નભિન્ન છું’થી ઉમાશંકરની ઉત્તરાર્ધની કવિતામાં જે બીજો વળાંક આવ્યો એનો આગોતરો અણસાર ઉમાશંકરે આ કાવ્ય રચ્યું તેની પૂર્વસંધ્યાએ જ એમને આવી ચૂક્યો હતો. ૧૯૫૫માં જ એમણે કહ્યું હતું, ‘આજનો જમાનો બહુ સરસ છે… મારે તમને કહેવું છે કે આજનો જમાનો ૧૯૩૦ને ભુલાવે તેવો છે. એક વળાંક આવી રહ્યો છે.’ આ એમણે કોને કહ્યું હતું? અન્યને નહિ, એમને પોતાને જ કહ્યું હતું. પછી આ જમાનામાં શું શું હશે? શું-શું થશે? — એ પ્રશ્નોનો ઉત્તર પણ એમણે ત્યારે જ આપ્યો હતો, ‘આવા જમાનામાં… મૂલ્યોનો વ્યામોહ થશે. અસત્ય સત્યનો અંચળો ઓઢીને આવશે. હિંસા અહિંસામાં ખપવા મથશે. તરકટ ભલાઈના લેબાસમાં ફરશે.’ એથી જ ૧૯૮૧માં એમણે કહ્યું હતું, ‘૧૯૫૬માં કશુંક નવતર વ્યક્ત થવા મથતું હતું.’ ૧૯૫૬ પછી ‘છિન્નભિન્ન છું’માં અને ત્યાર પછીની ‘મહાપ્રસ્થાન’, ‘અભિજ્ઞા’, ‘સપ્તપદી’ અને ‘ધારાવસ્ત્ર’ની કવિતામાં, આ બીજા સ્તબકની કવિતામાં, ઉમાશંકરની ઉત્તરાર્ધની કવિતામાં જે પરિવર્તન થયું છે એનું કારણ પણ ૧૯૫૬માં જ એક સમકાલીન કવિની, શ્રીધરાણીની ઉત્તરાર્ધની કવિતાના વિવેચન નિમિત્તે કહ્યું હતું, ‘વિષય, છંદ, લય, ભાષા, ભાવ, પ્રતીક બધું જ બદલાયું છે. કવિ બદલાયો છે માટે જ નહિ, વચગાળામાં જગત બદલાયું છે માટે.’ ‘છિન્નભિન્ન છું’માં અને આ બીજા વળાંકનાં અનેક કાવ્યોમાં સમાજ નહિ, વ્યક્તિ કેન્દ્રમાં છે. સામાજિક મનુષ્ય નહિ, વ્યક્તિગત મનુષ્ય કેન્દ્રમાં છે. પ્રકૃતિ અને ગ્રામપ્રદેશ નહિ, સંસ્કૃતિ, નગરસંસ્કૃતિ, આધુનિક નગરસંસ્કૃતિ અને આધુનિક નગર કેન્દ્રમાં છે. પ્રાકૃતિક-નૈસર્ગિક મનુષ્ય નહિ, આધુનિક નગરનો નાગરિક મનુષ્ય કેન્દ્રમાં છે. એમાં પ્રકૃતિ અને સમાજથી વ્યક્તિની, આધુનિક મનુષ્યની વિચ્છિન્નતા અને એથી એની અશાંતિ, એકલતા, અલગતા, અસંગતતા, એક જ શબ્દમાં એની વિકેન્દ્રિતતા તથા એકકેન્દ્રિતતા માટેની એની મૂંઝવણો અને મથામણો પ્રગટ થાય છે. એમાં બાહ્યજગત કે બાહ્યજીવન નહિ, આંતરજગત અને આંતરજીવન; બહિર્મુખતા નહિ, આંતર્મુખતા પ્રગટ થાય છે. આ કાવ્યોમાં સામાજિક વાસ્તવ નથી, આંતરિક વાસ્તવ — inner reality છે. સાચ્ચે જ આ કવિતા ઉમાશંકરની આધ્યાત્મિક કવિતા — metaphysical poetry છે. આ કવિતાની અભિવ્યક્તિમાં પરંપરાગત કાવ્યભાષા નથી, પ્રણાલીગત કાવ્યબાની કે પ્રશિષ્ટ પદાવલિ નથી. બોલચાલની, વાતચીતની, સામાન્ય જીવનની રોજબરોજની સીધી, સાદી, સરળ ભાષા છે, એ ભાષાના લય, લહેકા અને કાકુ છે. મુક્ત લય છે. તાઝબતાઝ નૈબનૈ કલ્પનો અને પ્રતીકો છે. પરંપરાગત શ્લોકબંધો કે પ્રણાલીગત કાવ્યસ્વરૂપો નથી, પરિચ્છેદો અને પંક્તિખંડો છે. આમ, ૧૯૫૬ પછીની ઉમાશંકરની ઉત્તરાર્ધની કવિતામાં વસ્તુવિષય અને શૈલીસ્વરૂપ બન્નેમાં નવો વળાંક છે. ૧૯૭૩માં ઉમાશંકરે ‘છિન્નભિન્ન છું’ વિશે કહ્યું હતું, ‘હું એટલું જ કહી શકું કે એને આધુનિક મનુષ્યની કપરી મનોદશા, કઠોર અવસ્થા સાથે ગાઢ નિસ્બત છે.’ ઉમાશંકરની પૂર્વાર્ધની કવિતામાં, ‘વિશ્વશાંતિ’થી ‘પ્રાચીના’ લગીની કવિતામાં મુખ્યત્વે બાહ્ય સંઘર્ષ છે. ઉત્તરાર્ધની કવિતામાં, ‘આતિથ્ય’થી ‘ધારાવસ્ત્ર’ લગીની કવિતામાં મુખ્યત્વે આંતરસંઘર્ષ છે. બન્ને વચ્ચે વસ્તુવિષય અને શૈલીસ્વરૂપનો ભેદ તો છે જ પણ મુખ્યત્વે આ ભેદ છે. ‘પ્રાચીના’નાં ત્રણ સંવાદકાવ્યોમાં અને ‘મહાપ્રસ્થાન’ના સંવાદકાવ્યોમાં — એ સંવાદકાવ્યો છે એ કારણે — આ ભેદ વધુ સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. ‘પ્રાચીના’માં જે સંવાદકાવ્યોમાં સંઘર્ષ છે તે બે પાત્રો, બે વ્યક્તિઓ, બે મૂલ્યો, બે વિચારો, બે ઊર્મિઓ વચ્ચે સંઘર્ષ છે. ‘મહાપ્રસ્થાન’માં જે સંવાદકાવ્યોમાં સંઘર્ષ છે તે એક જ પાત્રમાં, એક જ વ્યક્તિમાં — એના વ્યક્તિત્વમાં વિરોધાભાસને કારણે — આત્મસંઘર્ષ છે. પણ ‘ગંગોત્રી’ અને ‘નિશીથ’નાં અલ્પસંખ્ય કાવ્યોમાં ઉમાશંકરની ઉત્તરાર્ધની કવિતાની અપેક્ષા છે. ‘બળતાં પાણી’માં યુવાવસ્થાની કરુણતા, પરિસ્થિતિની વિષમતા અને વિચિત્રતા, વિધિની વક્રતા, નિયતિનું નિશ્ચિત નિર્માણ; ‘એક બાળકીને સ્મશાન લઈ જતાં’માં શૈશવની કરુણતા, વિધિની વક્રતા; ‘લોકલમાં’માં યંત્રવૈજ્ઞાનિક યુગના મહાનગરનું ઘટનાસ્થળ (locale), વાર્ધક્યની કરુણતા, વિધિની વક્રતા; તથા ‘આત્માનાં ખંડેર’માં મહાનગરનું સ્થળ, યુવાવસ્થાની કરુણતા, શીર્ષકમાં જ જેનું સૂચન છે તે કાવ્યનાયકની આંતરિક છિન્નભિન્નતા, સંશયવાદ, નિરાશાવાદ, શૂન્યવાદ, પરાજયવાદ, નિ:સારતાવાદ, અસ્તિત્વવાદના સંકેતો, યથાર્થના અંતિમ સ્વીકારમાં આધ્યાત્મિક અનુભૂતિ — આ સૌમાં ઉમાશંકરની ઉત્તરાર્ધની કવિતાનો અણસાર છે. ‘વિશ્વશાંતિ’, ‘આત્માનાં ખંડેર’ અને ‘સપ્તપદી’ એ ઉમાશંકરની મહાન કાવ્યત્રયી છે. આ કાવ્યત્રયીમાં, આ ત્રણ કાવ્યોમાં અસામ્ય હોવા છતાં સૂક્ષ્મ એકવાક્યતા તો છે જ, પણ એમાં ઉમાશંકરની પૂર્વાર્ધની કવિતામાં અને ઉત્તરાર્ધની કવિતામાં અસામ્ય હોવા છતાં એ બન્નેની વચ્ચે પણ સૂક્ષ્મ એકવાક્યતા છે તે સ્પષ્ટ થાય છે. ‘વિશ્વશાંતિ’માં કાલાન્તરે પણ વિશ્વશાંતિ અને પ્રેમની પ્રતિષ્ઠા થશે એ જ મનુષ્યજાતિનું ભાગ્યનિર્માણ છે એવું પૃથ્વી પર સ્વર્ગનું સ્વપ્ન છે. ઉમાશંકરની સમગ્ર કવિતાનો આ ‘સા’ છે. એમની સર્જકતા વારંવાર આ ‘સમ’ પર આવે છે. એમાં શાંતિ અને પ્રેમ એટલે કે સ્વર્ગ એ જ મનુષ્યજાતિનું વિરામસ્થાન છે એવી પ્રચ્છન્ન કવિશ્રદ્ધા છે. ‘આત્માનાં ખંડેર’માં નરકલોકની યાત્રા છે. પણ એમાં અંતે યથાર્થના સ્વીકારમાં શોધન-અગ્નિ પ્રતિ, શોધનલોક પ્રતિ ગતિ છે. ‘સપ્તપદી’માં શોધનલોકની યાત્રા છે. એમાં અંતે ‘વિશ્વશાંતિ’માં જેનું સ્વપ્ન છે તે સ્વર્ગ પ્રતિ ગતિ છે. આ કાવ્યત્રયી તો એક સ્વતંત્ર વ્યાખ્યાનનો વિષય છે. એટલે અહીં આ મિતાક્ષરી નોંધથી જ સંતોષ માન્યો છે. ‘છિન્નભિન્ન છું’માં અને ઉમાશંકરની ઉત્તરાર્ધની કવિતામાં, મુક્ત લય એ ઉમાશંકરની સર્જક-કવિ તરીકેની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. લય એ કવિતાનો આત્મા છે. ૧૯૮૧માં ઉમાશંકરે કહ્યું હતું, ‘કાવ્યમાં તેમની (વિશ્વનાં સકલ માધુર્ય, કરુણા, ઉલ્લાસની) ઉપસ્થિતિ અંગે સીધાં કવિવચનોનો ન કરું તેટલો વિશ્વાસ હું લયનો કરું. લય જૂઠું બોલે નહિ. લય એ કવિની શિરાઓમાં વહેતા લોહીની વસ્તુ છે. તેથી તો હું વારંવાર માગું છું કે કવિતા લયથી વાંચવાની છે.’ ‘વિશ્વશાંતિ’થી ‘પ્રાચીના’ લગી ઉમાશંકરની પૂર્વાર્ધની કવિતામાં મુખ્યત્વે ઉપજાતિ, અનુષ્ટુપ, શિખરિણી, મંદાક્રાન્તા, પૃથ્વી, શાર્દૂલ, સ્રગ્ધરા આદિ અક્ષરમેળ છંદોનો ઉપયોગ છે. આ સૌ છંદોમાં પ્રવાહિતા અને નમનીયતા છે. ઉમાશંકરની સમગ્ર કવિતામાં ગીતોમાં માત્રામેળ છંદો અને એમનાં મિશ્રણોનો ઉપયોગ છે. પણ એ ઉપયોગ અહીં મુક્ત પદ્ય, મુક્ત લય અને પદ્યમુક્તિના સંદર્ભમાં અપ્રસ્તુત છે. કોઈ-કોઈ કાવ્યમાં પરંપરિત માત્રામેળ છંદનો ઉપયોગ છે, પણ ‘પ્રાચીના’નાં સાત સંવાદકાવ્યોમાં માત્ર એક જ સંવાદકાવ્યમાં પ્રાસરહિતત્વ છે. ૧૯૪૬–૧૯૫૬માં ઉમાશંકરની ઉત્તરાર્ધની કવિતામાં આરંભમાં ‘આતિથ્ય’ અને ‘વસંતવર્ષા’માં મુખ્યત્વે અક્ષરમેળ છંદો — ક્વચિત્ અભ્યસ્ત છંદો — નો ઉપયોગ છે. આ સૌ છંદોમાં વધુ પ્રમાણમાં પ્રવાહિતા અને નમનીયતા છે. એમાં પણ ક્વચિત્ કોઈ-કોઈ કાવ્યમાં પરંપરિત માત્રામેળ છંદોનો ઉપયોગ છે. આ જ સમયમાં ૧૯૪૬–૧૯૫૬માં ‘છંદોલય’, ‘પ્રવાલદ્વીપ’, ‘પ્રતીક’ અને ‘નમેલી સાંજ’ની કવિતામાં પરંપરિત માત્રામેળ છંદોનો વધુ પ્રમાણમાં ઉપયોગ છે. ત્યાર પછી જ મુક્ત લય સિદ્ધ થાય છે એ અત્યંત સૂચક ઘટના છે. ‘મહાપ્રસ્થાન’માં સાત સંવાદકાવ્યોમાં પાંચ સંવાદકાવ્યોમાં વનવેલી છંદનો ઉપયોગ છે અને એ પાંચ સંવાદકાવ્યોમાં પ્રાસરહિતત્વ છે. પણ ૧૯૫૬માં ‘છિન્નભિન્ન છું’માં અને તે પછીનાં અનેક કાવ્યોમાં તથા ‘સપ્તપદી’નાં અન્ય સૌ કાવ્યોમાં મુક્ત લયનો ઉપયોગ છે. એમાં ગુજરાતી પિંગળના ચતુર્વિધ છંદો — અક્ષરમેળ, માત્રામેળ, સંખ્યામેળ અને લયમેળ છંદો-ના ખંડો તથા ગદ્યના ખંડોનું મિશ્રણ છે. ગદ્યમાં પણ લય હોય છે. એથી એમાં કુલ પંચવિધ પ્રકારના લયોનું મિશ્રણ છે. આ જ સમયમાં લાભશંકર અને સિતાંશુની કવિતામાં મુક્ત લય અને એના અનુસંધાનમાં ગદ્યકાવ્ય પણ છે એ પણ સૂચક ઘટના છે. ૧૯૫૬માં ‘છિન્નભિન્ન છું’માં ઉમાશંકરે પ્રથમ વાર મુક્ત લય સિદ્ધ કર્યો છે. આમેય ‘છિન્નભિન્ન છું’ કાવ્ય વસ્તુવિષયના સંદર્ભમાં ગુજરાતી કવિતાના ઇતિહાસમાં એક સીમાચિહ્ન છે. પણ આ સંદર્ભમાં પણ એ સીમાચિહ્ન છે. મુક્ત લય એ ગુજરાતના અનુકાલીન અનુગામી કવિઓને ઉમાશંકરની અમૂલ્ય ભેટ છે. મુક્ત લયમાં લયવૈવિધ્ય અને વૈચિત્ર્ય છે. એથી એમાં બોલચાલની, વાતચીતની, સામાન્ય જીવનની રોજબરોજની ભાષાના લય સાથે સામ્ય છે. એમાં પરંપરાગત અક્ષરમેળ છંદો અને પ્રણાલીગત માત્રામેળ છંદોથી વિશેષ પ્રવાહિતા અને નમનીયતા છે. એ મુક્ત લય વિવિધ વિચારો અને વિવિધ ઊર્મિઓની અભિવ્યક્તિ માટે અનુકૂળ અને અનુરૂપ છે. મુક્ત લયમાં એક અર્થમાં પરસ્પર વિરોધી લયોનું મિશ્રણ છે, એથી એમાં લયનો સંઘર્ષ છે. એથી એ આધુનિક મનુષ્યના આંતરિક સંઘર્ષની અભિવ્યક્તિ માટે અનુકૂળ અને અનુરૂપ છે. મુક્ત લય શબ્દપ્રયોગ વિશે વિદગ્ધોની વિચારણા માટે એક પાદટીપ રૂપે અહીં નોંધવું જોઈએ કે ગદ્યમાં પણ લય હોય છે. પદ્યમાં જે લય હોય છે એ લયની જેમ એ નિયમિત, નિયંત્રિત કે નિશ્ચિત નથી. એથી એ લય પણ મુક્ત છે. આમ, મુક્ત લય = ગદ્ય એવો અર્થ થાય. પણ આ મુક્ત લય એ ગદ્ય નથી. તો પછી મુક્ત લય શબ્દપ્રયોગ અપદ્યાગદ્ય અને અછાંદસ શબ્દપ્રયોગો જેવો અપર્યાપ્ત અને અસંતોષકારક — બલકે દુષ્ટ અને દુર્ભાગી શબ્દપ્રયોગ નથી? તો પછી એને મુક્ત લય નહિ પણ મિશ્ર લય એવું નામ ન આપી શકાય? ઉમાશંકર અને ઉમાશંકરની કવિતા વિશે કંઈક વિગતે આટલું વક્તવ્ય કર્યું પછી હવે વ્યાખ્યાનના આ સ્તબકે આધુનિકતા અને આધુનિકતાની કવિતા વિશે અને એની સાથે ઉમાશંકર અને ઉમાશંકરની કવિતાના સંબંધ વિશે કંઈક સંક્ષેપમાં વક્તવ્ય કરવાનો અહીં ઉપક્રમ છે. આધુનિકતાનો જન્મ ૧૮૫૩–૧૮૭૦માં પૅરિસમાં થયો, પૅરિસની પુન:રચનાને કારણે. પછી એના અનુસંધાનમાં આધુનિકતાની કવિતાનો જન્મ ૧૮૫૭માં પૅરિસમાં થયો, બૉદલેરના કાવ્યસંગ્રહ ‘Les Fleurs du Mal’ (દૂરિતનાં પુષ્પો)ના પ્રકાશનને કારણે. બૉદલેર આધુનિકતાની કવિતાના આદિકવિ છે. ૧૯૧૪–૧૯૧૮ના પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વેના સમયમાં ૧૯૧૦ની આસપાસ તથા વિશ્વયુદ્ધના સમયમાં અને યુદ્ધોતર સમયમાં યુરોપમાં જે વાતાવરણ — મૂલ્યો, માન્યતાઓ, શ્રદ્ધાઓ, ભાવનાઓ, આદર્શોના હ્રાસ-ઉપહાસનું જે વાતાવરણ હતું એને કારણે આ સમયમાં યુરોપમાં આધુનિકતાની કવિતાની પરાકાષ્ઠા હતી. એથી આધુનિકતાની કવિતા એ વિદ્રોહની કવિતા છે, પ્રતિકારની કવિતા છે. એમાં રાજકીય, સામાજિક, આર્થિક, નૈતિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અનેક સ્તરે, એકેએક સ્તરે — સાહિત્યિક સ્તરે પણ વિદ્રોહ છે, પ્રતિકાર છે. મૂલ્યો, શ્રદ્ધાઓ, માન્યતાઓ, સિદ્ધાંતો, વાદો, વિચારધારાઓનો વિરોધ છે. એમાં માર્ક્સવાદ, ગાંધીવાદ, નાઝીવાદ, ફાસીવાદ પ્રત્યે પ્રતિકૂળ પ્રત્યાઘાત છે; માનવતાવાદ, ભાવનાવાદ, આદર્શવાદ પ્રત્યે પ્રતિકૂળ પ્રતિભાવ છે; મૂડીવાદ, શાહીવાદ, લોકશાહીવાદ, સામ્યવાદ, સમાજવાદ પ્રત્યે પ્રતિક્રિયા છે; સમૂહમાનવ, સમૂહમાનસ, સમૂહમાધ્યમ, સમૂહસમાજ, સમૂહસંસ્કૃતિ, સમૂહમાત્રનો તિરસ્કાર છે; રાજકીય નેતાઓ, સમાજસેવકો, ધાર્મિક ગુરુઓનો બહિષ્કાર છે; પ્રકૃતિ, ગોપસંસ્કૃતિ, ગ્રામપ્રદેશ, પ્રાચીન-અર્વાચીન ધાર્મિક વિધિઓ, પ્રાચીન પુરાકલ્પનોનો વિરોધ છે. પ્રશિષ્ટતાવાદ, રંગદર્શિતાવાદ, પ્રતીકવાદ, પાર્નેસવાદ, નૈસર્ગિકતાવાદ, સૌંદર્યવાદ, કલા-ખાતર-કલાવાદ આદિનો પ્રતિકાર છે. આમ, આધુનિકતાની કવિતા એ વૈશ્વિક વિદ્રોહની કવિતા છે. ૧૯૩૯–૧૯૪૫ના દ્વિતીય વિશ્વયુદ્ધના સમયમાં અને યુદ્ધોત્તર સમયમાં, ૧૯૪૭માં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પૂર્વેના સમયમાં અને પછીના સમયમાં ભારતમાં પણ એવું જ વાતાવરણ હતું. એ કારણે ૧૯૪૬ની આસપાસ ભારતમાં અને ગુજરાતમાં પણ આધુનિકતાની કવિતાનો જન્મ થયો અને ૧૯૫૬ની આસપાસ એની પરાકાષ્ઠા હતી. આધુનિકતા એટલે નાગરિકતા, આધુનિક નાગરિકતા — urbanisme. આધુનિકતા એ આધુનિક નગરની સરજત છે અને આધુનિક નગર એ ઔદ્યોગિક ક્રાંતિની સરજત છે. બસોએક વરસથી ઔદ્યોગિક ક્રાંતિ અને પછી પચાસેક વરસથી યંત્રવૈજ્ઞાનિક ક્રાંતિને કારણે આજે જગતભરમાં આધુનિક નગરો છે. અને એમાં એક આધુનિક નવી સંસ્કૃતિ, નવો સમાજ, નવો મનુષ્ય, નવું માનસ અસ્તિત્વમાં છે. આધુનિકતાની કવિતાના કેન્દ્રમાં ગ્રામપ્રદેશ નહિ, નગર, આધુનિક નગર; નાગરિકતા, આધુનિક નાગરિકતા છે; પ્રકૃતિ નહિ, માનવપ્રકૃતિ છે, પ્રાકૃતિક નૈસર્ગિક મનુષ્ય નહિ, નાગરિક મનુષ્ય છે; સામાજિક મનુષ્ય નહિ, વૈયક્તિક મનુષ્ય છે; સમાજ નહિ, વ્યક્તિ છે. આધુનિકતાની કવિતામાં નગરના નામનો ઉલ્લેખ હોય કે ન હોય પણ એમાં જે સંવેદન છે, સભાનતા, માનસ, મિજાજ, મનોદશા આદિ વસ્તુવિષય તથા એને અનુકૂળ અને અનુરૂપ શૈલીસ્વરૂપ છે એમાં તો માત્ર નાગરિકતા જ હોય છે. કેવુંક છે આ સંવેદન? આધુનિક નગર, આધુનિક નગરસંસ્કૃતિ એક અરાજકતા — chaos છે. એમાં કશું સ્થિર નથી. નિત્ય નથી, એમાં ક્ષણેક્ષણ પરિવર્તન છે; બધું ખંડખંડ, છિન્નભિન્ન, શીર્ણવિશીર્ણ છે; બધું ખેરવિખેર, વેરણછેરણ છે; બધું વર્ણસંકર, ચિત્રવિચિત્ર, માયાવી છે. આધુનિક નગર fourmillante cite’ — કીડિયારું નગર, unreal city, — માયાવી નગર છે. એમાં સંબંધ કોની સાથે હોય? ક્યાંથી હોય? એથી એમાં મનુષ્ય માત્ર — કવિ સુધ્ધાં — એક passerby, un passant, un flaneur, છે. ક્ષણમાં અહીં, ક્ષણમાં તહીં એવો રખડુ છે. એમાં મનુષ્યને સમૂહમાં એકાન્ત અને એકાન્તમાં સમૂહનો અનુભવ થાય છે. એથી મનુષ્યને એકલતા, અલગતા, અસંગતતાનો અનુભવ થાય છે. એ સર્વથી, પ્રકૃતિથી, સમાજથી, અરે, પોતાની જાત સુધ્ધાંથી, પોતાના વ્યક્તિત્વના કેન્દ્ર સુધ્ધાંથી છૂટોવિખૂટો, ભિન્નવિચ્છિન્ન થયો છે. એથી એ છિન્નભિન્ન થયો છે. મનુષ્યને જેમ-જેમ નગર પ્રત્યે વધુ ને વધુ આત્મીયતાનો, નિકટતાનો અનુભવ થાય છે તેમ-તેમ એને વધુ ને વધુ એકાકિતાનો, નિરાસક્તતાનો અનુભવ થાય છે. એથી જ રંગદર્શિતાની કવિતામાં જેમ આત્મલક્ષિતા હતી તેમ આધુનિકતાની કવિતામાં આંતરમુખતા છે. આધુનિક નગરમાં આ ક્ષણેક્ષણના બાહ્ય પરિવર્તનને કારણે આંતરચેતનાનું પરિવર્તન અશક્ય છે. એથી મનુષ્યને નિર્વાસન, નિબદ્ધતા, નિ:સહાયતા, નિરાધારતા, નિ:સત્ત્વતા, નિર્વીર્યતા, નીરસતા, નિર્વેદનો અનુભવ થાય છે. આધુનિકતાની કવિતામાં મનુષ્ય એ દ્વિદલ, દ્વિરૂપ મનુષ્ય — homo duplex છે. એથી એનું વિકૃત અને વિરૂપ વ્યક્તિત્વ, વિભાજિત અને વિરોધાભાસી વ્યક્તિત્વ છે. એનામાં સંઘર્ષ અને સંદિગ્ધતા છે. એનામાં દ્વૈત અને દ્વિધા છે. Modernism plu-ralizes, surrealizes. આ છે આધુનિક મનુષ્યનું, આધુનિકતાની કવિતાનું, એના વસ્તુવિષયનું સંવેદન, વાસ્તવ અને સત્ય.
આધુનિક મનુષ્યનું, આધુનિકતાની કવિતાનું, એના વસ્તુવિષયનું આ સંવેદન, વાસ્તવ અને સત્ય અનેક પ્રયોગો દ્વારા પ્રગટ થાય છે. એમાં મુખ્ય પ્રયોગો છે :
૧. પદ્યરૂઢિનો પરિહાર (anti-poetical). ૨. ગદ્યરૂઢિનો પરિહાર (anti-prose). ૩. મહોરું (mask) અને નાટ્યોચિત મુખવટો (dramatis persona) તથા પ્રતિનાયક (anti-hero). ૪. હાસ્ય, અટ્ટહાસ્ય, ઉપહાસ અને કરુણ હાસ્ય (l’hamour noir, black humour). આ સૌ પ્રયોગોમાં સર્વ પ્રકારની રૂઢિ, પ્રણાલી અને પરંપરાનો પરિહાર કરવાનો અને જે કંઈ તાર્કિક છે, બૌદ્ધિક છે, પ્રશિષ્ટ છે, પૂર્વનિશ્ચિત, પૂર્વનિર્ણિત અને પૂર્વયોજિત છે, નિયમિત અને નિયંત્રિત છે, વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ છે એનો પરિહાર કરવાનો પ્રપંચ છે. પ્રથમ બે પ્રયોગોમાં ભાષાનું નવીનીકરણ, શુદ્ધિકરણ અને પુનર્સર્જન કરવાનો હેતુ છે. ૧. પદ્યરૂઢિનો, કાવ્યરૂઢિનો પરિહાર (anti-poetical) એટલે કાવ્યમયતાનો, કાવ્યત્વનો પરિહાર નહિ; an-ti-poetical એટલે anti-poetic નહિ અથવા pro-prose નહિ. પદ્યરૂઢિનો પરિહાર એટલે રૂઢ પદાવલિ અને શબ્દાવલિ (poetic diction)નો, પ્રણાલીગત છંદ-શ્લોક — સ્વરૂપો (metrical and stanzaic forms) તથા પરંપરાગત પદ્યસ્વરૂપો (poetic forms)નો પરિહાર, વિરામચિહ્નો અને મુદ્રણઆકારોનો પરિહાર. એને સ્થાને મુક્ત પદ્ય, પદ્યમુક્તિ અને ગદ્યકાવ્યનો ઉપયોગ થાય છે. આધુનિકતાની કવિતામાં બોલચાલની, વાતચીતની, રોજબરોજના સામાન્ય જીવનની ભાષાનો ઉપયોગ થાય છે. એમાં જેવું જોયું તેવું, જેવું લાગ્યું તેવું પ્રગટ કરવાનો અને સરલતા, સહજતા, સ્વાભાવિકતા અને સ્વયંસ્ફૂર્તતા સિદ્ધ કરવાનો હેતુ છે. ૨. ગદ્યરૂઢિનો પરિહાર (anti-prose) એટલે ગદ્યનો પરિહાર નહિ. આધુનિકતાની કવિતામાં ગદ્યનો, ગદ્યકાવ્યનો ઉપયોગ થાય છે. પણ એમાં કાવ્યત્વ, કવિતા સિદ્ધ કરવાનો હેતુ છે. એથી એમાં રૂઢ ગદ્યમાં જે તત્ત્વો, લક્ષણો, ગુણધર્મો છે તેનો; તર્ક, બુદ્ધિ અને કાર્યકારણ સંબંધનો પરિહાર છે, એથી એમાં વર્ણન, કથન, વાદવિવાદ, દાખલાદલીલો, ખુલાસાઓ, પ્રતિપાદનો, ભાવવાચક વિધાનો, સૂત્રોચ્ચારો, મંત્રોચ્ચારો, ઉદ્બોધનો, ઉદ્ઘોષણાઓ, પ્રશિષ્ટ વિચારો, રંગદર્શી ઊર્મિઓ, વાગ્મિતા, વાક્છટા, ભાષણો અને નિબંધોનો પરિહાર છે. એમાં કલ્પનો, પ્રતીકો, રૂપકો, સંદર્ભો, અવતરણોનો ઉપયોગ થાય છે. એથી મનોભૂમિમાં, ચેતોભૂમિમાં, ઉપજાગ્રત મનમાં, અજાગ્રત મનમાં, સ્મૃતિમાં, સ્વપ્નમાં, દુ:સ્વપ્નમાં, તરંગલીલા — (fan-tasy)માં, અંત:સ્ફુરણામાં જે કંઈ અદૃશ્ય, અવ્યક્ત, અજ્ઞાત, અપરિચિત, અસાધારણ, અદ્ભુત, અંતર્ગૂઢ, આંતરિક, અગોચર છે તે પ્રગટ થાય છે. એમાં વિષમ વાક્યરચના અને વિકટ અન્વય હોય છે. એથી દુર્બોધતા પ્રગટ થાય છે. એમાં સ્વયંભૂ લેખન હોય છે. એથી સ્વપ્ન અને રહસ્ય પ્રગટ થાય છે. એમાં સંગીતમાં હોય છે એવી અસ્પષ્ટતા અને સંદિગ્ધતા હોય છે. એથી ક્ષોભ અને ધ્વનિ પ્રગટ થાય છે. એમાં વર્ણનશૈલી કે કથનશૈલી નથી, સિનેમેટોગ્રાફની કે કેલિડોસ્કોપની શૈલી છે. આ બે પ્રયોગો દ્વારા અંતે ભાષાનું નવીનીકરણ, શુદ્ધિકરણ, પુનર્ગ્રથન અને પુનર્સર્જન થાય છે. ૩. મહોરું (mask) અને નાટ્યોચિત મુખવટો (dramatis persona) તથા પ્રતિનાયક (anti-hero). એમાં નાટ્યોચિત એકોક્તિ સિદ્ધ થાય છે. એ દ્વારા પરોક્ષપણે કરુણતા પ્રગટ થાય છે. આધુનિક મનુષ્ય એ પ્રશિષ્ટતાવાદ અને રંગદર્શિતાવાદનો ધીરોદાત્ત નાયક કે પૂર્ણમાનવ કે અતિમાનવ નથી, એ પ્રતિનાયક કે અ-નાયક કે લઘુમાનવ, અલ્પમાનવ છે, આધુનિક યુગમાં ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય, આર્થિક આદિ મૂલ્યોના હ્રાસને કારણે. આ પ્રયોગ દ્વારા આ આધુનિક મનુષ્યનું પાત્ર સિદ્ધ થાય છે. ૪. હાસ્ય, અટ્ટહાસ્ય, ઉપહાસ, કરુણ હાસ્ય (l’humour noir, black humour). એમાં ચિત્તની ચેતના પ્રગટ થાય છે. ભયાનકતા, ભીષણતા, ક્રૂરતા, કઠોરતા, કટુતા, આઘાત અને આશ્ચર્ય સિદ્ધ થાય છે. એ દ્વારા પરોક્ષપણે ભય, ચિંતા, વેદના અને કરુણતા પ્રગટ થાય છે. આધુનિકતાની કવિતામાં સર્જનની વિષમતા અને વિકટતા હોય છે. એથી આધુનિકતાના કવિનું સર્જન વિપુલ નહિ, અલ્પ હોય છે. ક્યારેક તો એનું મૌન જ હોય છે. આધુનિકતાની કવિતામાં શ્રદ્ધા અને મૂલ્યોનો અભાવ તથા અરાજકતા હોય છે. એથી એમાં નિરાશા હોય છે. અને વળી પદ્યમાં વિજ્ઞાન-યંત્રવિજ્ઞાનનો આશાવાદ પ્રગટ કરવાનું સુકર અને સરલ નથી. આધુનિકતાની કવિતા એ અંગત એકાન્તિક કળા છે. એમાં અપ્રગતિશીલતા છે. આધુનિકતાની કવિતામાં ઉપાદાન સામગ્રીનો, નિર્દેશો — (referents)નો, વસ્તુ(content)નો અભાવ છે. એથી એમાં સ્વરૂપ, આકાર (form) એ જ વસ્તુ છે. અને વસ્તુનો અભાવ એટલે વાસ્તવનો અભાવ. આમ, આધુનિકતાનો કવિ, વાસ્તવનો શોધક અને સાધક એવો કવિ અંતે વાસ્તવની સન્મુખ નહિ પણ પોતાના અહમ્ની, સ્વની, પોતાની જ સન્મુખ વિરમે છે. અંતે આધુનિકતાની કવિતા પોતાની સન્મુખ જ વિરમે છે. આ છે આધુનિકતાના કવિનો અને આધુનિકતાની કવિતાનો અંતિમ વિરોધાભાસ! આધુનિકતા અને આધુનિકતાની કવિતાના આ સંદર્ભમાં ઉમાશંકરની સમગ્ર કવિતા વિશે કેટલાંક વિધાનો સાથે હવે આ વ્યાખ્યાનનું સમાપન કરવાનો અહીં ઉપક્રમ છે. ૧૯૪૬માં જે સમય-પરિબળ અને સમય-પ્રભાવને કારણે ગુજરાતી કવિતામાં આધુનિકતાનો આરંભ થયો, રોમૅન્ટિસિઝમથી વિચ્છેદ થયો એ જ સમય-પરિબળ અને સમય-પ્રભાવને કારણે ઉમાશંકરની કવિતામાં નવો વળાંક આવ્યો હતો. પણ એમની કવિતામાં રોમૅન્ટિસિઝમથી વિચ્છેદ ન થયો. એમ થવું શક્ય ન હતું. એ સતત ’૩૦ની મુદ્રા સાથે જીવ્યા હતા. ઉમાશંકરની પૂર્વાર્ધની કવિતાનું એમની ઉત્તરાર્ધની કવિતામાં, આધુનિકતાની કવિતા સાથે ક્યાંક-ક્યાંક સામ્ય હોય એવું, નવા પરિમાણ સાથેનું, નવા સંદર્ભ સાથેનું અનુસંધાન થયું. એનું આધુનિકતાની કવિતામાં પરાવર્તન ન થયું. એમાં અતૂટ ગતિશીલતા અને અખૂટ વિકાસશીલતા અવશ્ય છે. પણ એમાં વિરુદ્ધ દિશામાં, વિમુખ દિશામાં ગતિ કે વિકાસ નથી. એમાં ‘ઘૂમ જાઓ’ — U-Turnની દિશામાં ગતિ કે વિકાસ નથી. એકની એક દિશામાં ગતિ અને વિકાસ છે. ઉમાશંકરની સમગ્ર કવિતામાં ચક્રાકાર ગતિ છે. ક્ષિતિજરેખ ચક્રાકાર ગતિ નહિ, શિરોરેખ, ઊર્ધ્વરેખ ચક્રાકાર ગતિ (spiralling) છે. આધુનિકતાની કવિતાનો જે બિંદુએ આરંભ થાય છે એ બિંદુએ ‘સપ્તપદી’ અને ‘ધારાવસ્ત્ર’ની કવિતાનો અંત થાય છે. ઉમાશંકરની ઉત્તરાર્ધની કવિતામાં વસ્તુવિષય અને શૈલીસ્વરૂપમાં જે નવું પરિમાણ છે, નવો સંદર્ભ છે, એનું, હમણાં જ કહ્યું તેમ, આધુનિકતાની કવિતા સાથે ક્યાંક-ક્યાંક સામ્ય છે, એથી ‘ધારાવસ્ત્ર’ પછી ઉમાશંકરની કવિતામાં, એમણે કહ્યું છે તેમ, એક નવો, ત્રીજો વળાંક આવી શક્યો હોત. એ નવો વળાંક આધુનિકતાની કવિતા હોત? આ પ્રશ્ન તો હવે સદાયને માટે અનુત્તર છે. ૧૯૪૬–૧૯૫૬માં ‘આતિથ્ય’ અને એના અનુસંધાનમાં ‘વસંતવર્ષા’માં ઉમાશંકરની કવિતામાં નવો વળાંક હતો. આ નવા વળાંકનો સમય એ ‘પ્રવાલદ્વીપ’, ‘પ્રતીક’ અને ‘નમેલી સાંજ’ની કવિતાનો સમય હતો. ૧૯૫૬માં ‘છિન્નભિન્ન છું’માં ઉમાશંકરની કવિતામાં વળી બીજો નવો વળાંક આવ્યો હતો. અને એ ‘મહાપ્રસ્થાન’, ‘અભિજ્ઞા’, ‘સપ્તપદી’ અને ‘ધારાવસ્ત્ર’ સુધી ચાલુ રહ્યો હતો. આ બીજા નવા વળાંકનો સમય લાભશંકર અને સિતાંશુની કવિતાનો સમય છે. છતાં ઉમાશંકરની આ ઉત્તરાર્ધની કવિતા આધુનિકતાની કવિતાને માત્ર એક બિન્દુએ સ્પર્શે છે. ઉમાશંકરની ઉત્તરાર્ધની કવિતા અને આધુનિકતાની કવિતા બે સમાંતર સીધી રેખાઓ નથી. આધુનિકતાની કવિતા વર્તુલ હોય તો ઉમાશંકરની ઉત્તરાર્ધની કવિતા એને જ્યા (tangent)ની જેમ એક બિંદુએ સ્પર્શે છે, આધુનિકતાની કવિતા અને ઉમાશંકરની ઉત્તરાર્ધની કવિતા બે અસમાંતર સીધી રેખાઓ હોય તો એ પરસ્પરને એક બિંદુએ છેદે છે. પણ પછી ઉમાશંકરની ઉત્તરાર્ધની કવિતા એની આગવી દિશામાં ગતિ કરે છે. આધુનિકતાનો એક અર્થ રોમૅન્ટિસિઝમનું અનુસંધાન, અનુ-રોમૅન્ટિસિઝમ એવો પણ કરવામાં આવે છે. રોમૅન્ટિસિઝમના કેન્દ્રમાં પ્રકૃતિ અને સમાજ ઉપરાંત વ્યક્તિ, વ્યક્તિતા, વૈયક્તિતા પણ હતી એ કારણે. આધુનિકતા એટલે માત્ર રોમૅન્ટિસિઝમના આ અંતર્ગત અંશમાં એક નવું પરિમાણ, નવો સંદર્ભ, નવું સ્વરૂપ. તો આ અર્થમાં ઉમાશંકરની ઉત્તરાર્ધની કવિતા આધુનિકતાની કવિતા છે. પણ ૧૯૩૦–’૪૦માં ઉમાશંકરની પૂર્વાર્ધની કવિતા, આગળ કહ્યું તેમ, રોમૅન્ટિસિઝમની કવિતા છે. એમાં રોમૅન્ટિક વલણ છે. પણ ઉમાશંકરની ઉત્તરાર્ધની કવિતામાં એવું રોમૅન્ટિક વલણ નથી, એમાં વાસ્તવિક વલણ પ્રતિ ગતિ છે. એનું આધુનિકતાની કવિતા સાથે ક્યાંક-ક્યાંક સામ્ય છે. છતાં, ઉમાશંકર સતત ’૩૦ની મુદ્રા સાથે જીવ્યા હતા એથી એમાં ભાવનામયતા, આદર્શમયતા આદિ પણ છે. એને કારણે અંતે તો એમાં રોમૅન્ટિક વલણ જ છે, એ રોમૅન્ટિસિઝમની કવિતા જ છે. એથી જ આજના વ્યાખ્યાનનો વિષય ‘ઉમાશંકરમાં આધુનિકતા’ નથી. પણ ‘ઉમાશંકર અને આધુનિકતા’ છે. ઉમાશંકરને ‘ગાંધીવાદી કવિ’ એવું લેબલ લગાડવામાં આવ્યું છે. પણ ઉમાશંકરની કવિતા ગાંધીવાદી કે માર્ક્સવાદી કે આ-કે-તે-વાદી કવિતા નથી. ઉમાશંકરની ઉત્તરાર્ધની કવિતાને કારણે ઉમાશંકરની સમગ્ર કવિતા આ-કે-તે-વાદી કવિતા નથી. એથી કંઈક વિશેષ છે. એથી આ વ્યાખ્યાનમાં ઉમાશંકરને ‘રોમૅન્ટિક કવિ’ કે ‘આધુનિક કવિ’ એવું એક નવું લેબલ લગાડવાની ચેષ્ટા નથી; કુચેષ્ટા, દુશ્ચેષ્ટા, દુષ્ટ ચેષ્ટા નથી. આ વ્યાખ્યાનમાં આધુનિકતાના સંદર્ભમાં ઉમાશંકરની કવિતાને, સવિશેષ ઉત્તરાર્ધની કવિતાને સમજવાનો સહૃદય પ્રયત્ન માત્ર છે. ઉમાશંકર અને આધુનિકતા વચ્ચે સંબંધ છે? હોય તો ક્યાં, કેવો ને કેટલો સંબંધ છે? ઉમાશંકર અને આધુનિકતામાં પરસ્પર પ્રભાવ છે? કે એકપક્ષી પ્રભાવ છે? હોય તો કોનો, ક્યાં, કેવો અને કેટલો પ્રભાવ છે? આ પ્રશ્નો પૂછવાના પ્રયત્ન રૂપે, આ પ્રશ્નોની પૂર્વભૂમિકા રૂપે આ વ્યાખ્યાન છે. આ પ્રશ્નો વાજબી અને વાસ્તવિક હોય તો એના ઉત્તર આપવાનું દાયિત્વ ભવિષ્યનું છે, આ સ્મારક વ્યાખ્યાનમાળામાં અનુગામી વ્યાખ્યાતાઓનું છે અથવા અન્યત્ર અન્ય વિવેચકોનું છે. અંતમાં ઉમાશંકરને અને એમની કવિતાને વંદન સાથે વિરમું છું.
(ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના ઉપક્રમે ‘ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળા’માં વ્યાખ્યાન. ૨૨ ડિસેમ્બર ૧૯૯૦.)