સ્વાધ્યાયલોક—૭/આતિથ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|‘આતિથ્ય’}} {{Poem2Open}} ‘આતિથ્ય’નો સમય ૧૯૩૯થી ૧૯૪૬નો એટલે કે દુન...")
(No difference)

Revision as of 20:46, 5 May 2022


‘આતિથ્ય’

‘આતિથ્ય’નો સમય ૧૯૩૯થી ૧૯૪૬નો એટલે કે દુનિયાભરમાં યુદ્ધ અને દેશમાં ક્રાંતિ એ બે મહાન ઘટનાઓનો સમય છે. સાચે જ જગતનાં એ સુભાગ્યો છે કે ઉમાશંકર આમ ‘અગનવચમાં યે કવિપણાં’ છેડે છે અને આપણે એની ‘કદર કરવી તો કંઈ ઘટે’માં પાઠાન્તર કરીને કહીશું કે કદર કરવી તો બહુ ઘટે. ઉમાશંકરે તો આ કવિપણાંની કદર કરીને જ શ્રદ્ધાવચન ઉચ્ચાર્યું છે કે ‘પ્રણાશોની પારે તવ કવનનો નાદ રમશે.’ અને ‘મહા જનવિમર્દમાં ય કવિશબ્દ સંજીવની’. અને એટલે જ એમના ‘કવિ’ના એક અંગ ‘તે’એ બીજા અંગ ‘હું’ને રોકડું પરખાવ્યું છે : ‘…ન મને કદાપિ /તું ફર્જ પાડી શકશે, પણ, ધાક આપી /કૈં માંદલાં કવિપણાં કરવા…’ આપણા કવિને, યુરોપ-એશિયા-અમેરિકાના કેટલાક કવિઓને થયો તેવો વિશ્વયુદ્ધનો અંગત અનુભવ તો નથી પણ ‘વિશ્વશાંતિ’ના કવિમાં વિશ્વયુદ્ધ વિશે દૂરથી પણ ચિંતા અને ચિંતન ન પ્રગટે તો જ નવાઈ! અહીં કેટલાંક કાવ્યોમાં એ ચિંતા અને ચિંતન પ્રગટ થાય છે. ઉપરાંત ’૩૦ના સત્યાગ્રહના સક્રિય કવિ-સૈનિક કે સૈનિક-કવિમાં ’૪૨ની ક્રાંતિના અને ’૪૭ના સ્વાતંત્ર્યની આગલી સાંજના સમયે દેશની રાજકીય, સામાજિક અને આર્થિક સ્થિતિ વિશે હર્ષશોકનો મિશ્રભાવ પ્રગટે એ સહજ છે. અહીં કેટલાંક કાવ્યોમાં એ મિશ્રભાવ પ્રગટ થાય છે. પણ આ કવિપણાની વિશેષતા, જે ઉમાશંકરની કવિતાની અને સમગ્ર ગુજરાતી કવિતાની પણ વિશેષતા છે તે તો છે ‘શિશુબોલ’માં બાલમાનસ વિશેનાં, ‘નારી : કેટલાંક સ્વરૂપ’માં સ્ત્રીપુરુષસંબંધ વિશેનાં અને ‘ત્રિશૂલ’માં આત્મોપહાસ વિશેનાં કાવ્યો; ‘સરવડાં’માં પ્રકૃતિ વિશેનાં ગીતો તથા કળાઓ વિશેનાં સ્તોત્રો અને આ વિશેષતાની પરાકાષ્ઠા, અલબત્ત, ‘કવિ’માં કવિવ્યક્તિત્વ વિશેના સંવાદમાં છે. ‘શિશુબોલ’નાં કાવ્યોમાં બાલસુલભ કુતૂહલ અને બાલસહજ નિર્દોષતા અને એ દ્વારા જીવનની કરુણમધુર વિષમતા અને વિચિત્રતા વ્યક્ત થાય છે. ‘નારી : કેટલાંક સ્વરૂપ’નાં કાવ્યો (જેને ‘પ્રણય-સપ્તક’નાં કાવ્યો સાથે સરખાવવાં એ એક રસિક અનુભવ છે તે)માં નારીનાં કેટલાંક સ્વરૂપો દ્વારા જાણે કે સ્ત્રીપુરુષસંબંધનું એક આખું સંકુલ નાટક જ કવિની બુદ્ધિમત્તા અને વિવિધ સ્થળ, કાળ અને કાર્યની સંકલનાને કારણે ભજવાય છે. ‘ત્રિશૂલ’નાં કાવ્યોમાં મનુષ્યના સૂક્ષ્મ અહમ્ પર આત્મોપહાસ દ્વારા કટાક્ષ પ્રગટ થાય છે. ‘સરવડાં’નાં ગીતોમાં ગોપસંસ્કારો અને નગરમાનસનો સુભગ સમન્વય સિદ્ધ થાય છે. ‘નેપથ્યે નર્તિકાને’, ‘ચિત્રવિધાતાને’, ‘મુમતાઝ’ અને ‘શિલ્પલાલસા’ — કળાઓ વિશેનાં આ સ્તોત્રોમાં અને ‘કવિ’ના સંવાદમાં સૌંદર્યાનુભવની વ્યથા અને વક્રતા એ માત્ર આ સંગ્રહની કે ઉમાશંકરની કવિતામાં જ નહિ પણ સમગ્ર ગુજરાતી કવિતામાં વિરલ છે. આ સંગ્રહમાં બોલચાલની ભાષાના અનેકવિધ લય-લ્હેકા છે, આપણે બાળપણના રમતિયાળપણામાં અનુભવ્યાં છે એવાં શબ્દોની સાથેનાં લાડકોડ છે તો સાથોસાથ પ્રસન્નગંભીર એવી શિષ્ટ બાની પણ છે. પરિણામે ઉમાશંકરની કવિતા આ સંગ્રહમાં વધુ નાટ્યોચિત થતી આવે છે.

૧૯૬૯


*