ગુજરાતી એકાંકીસંપદા/અહલ્યા, હજી મોક્ષ પામી નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 322: Line 322:
<center>(પડદો પડે.)</center>
<center>(પડદો પડે.)</center>
{{Right|(કરવા શું બેઠી છે આ છોકરી?)}}
{{Right|(કરવા શું બેઠી છે આ છોકરી?)}}
<br>
{{HeaderNav2
|previous = કૅનવાસનો એક ખુણો
|next = કરવા શું બેઠી છે આ છોકરી?
}}

Latest revision as of 12:29, 8 June 2022

અહલ્યા, હજી મોક્ષ પામી નથી
હરીશ નાગ્રેચા


સ્થળઃ ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારનું ઘર.
સમયઃ રવિવારની સવાર, ને પછીના દસ દિવસ.
વાતાવરણઃ અનાયાસે જન્મેલા ઉદ્વેગભર્યું
પાત્રો

પિયાસી – ૨૬, મેધાવી, આધુનિક યુવતી, ટીવી પ્રૉડ્યૂસર
ઇન્દુ – ૫૦, પિયાસીની મા, પારંપરિક, પ્રિન્સિપાલ
માધવ – ૫૫, પિતા, નોકરિયાત
આકાશ – ૩૦, પિયાસીનો બૉય-ફ્રૅન્ડ
રવિ – ૩૧ વર્ષનો અપટુડેટ યુવાન, ગગનનો મિત્ર
અનુશ્રી – ૨૪, પિયાસીની સખી-સહાયક
જમના – ૪૦, ઘરકામમાં મદદનીશ
ફાલ્ગુનીઃ ૫૦, ઇન્દુની સહિયર

રંગમંચઃ ફ્લૅટ પ્રતીકાત્મક, ડાબે રસોડું, વચ્ચે ડ્રૉઇંગરૂમ, જમણે પિયાસીનો રૂમ. ત્રણ ક્ષેત્રનું વિભાજન પ્રકાશથી વધુ સ્પષ્ટ થાય, જે ભાગ ન વપરાય ત્યાંથી પ્રકાશ વિલાઈ જાય. ડાબે આગળ ડાઇનિંગ ટેબલ, પાછળ રસોડું. ડ્રૉઇંગરૂમમાં સોફા, બે પફ્ફી, વાઇડ-સ્ક્રીન ટીવી, ફોન. પિયાસીના રૂમમાં સેટી, ટ્રિપોય, બુક્સ, લટકતી કઠપૂતળી.

(પડદો ખૂલતાં નેપથ્યે પાશ્ચાત્ય સંગીત વાગતું હોય. એના લયમાં દેહ હિલોળતી પ્રસન્નચિત્ત પિયાસી ચાની ટ્રે લાવી ટેબલ પર મૂકે. ટ્રેમાં ટી-કોઝીવાળી કૅટલ હોય. પિયાસીએ લુંગી પર કફની પહેરી હોય. મમ્મા-પપ્પાને સાદ દેતી પિયાસી પાછી જાય. રસોડામાંથી ત્રણ-ચાર કથ્થઈ રંગની માટીની કુલડીઓ લાવી, ઊંચી કરી પ્રશંસામાં જોતી. નોંધાય એમ ફેરવી ફેરવીને ટેબલ પર મૂકે. પછી સાદ પાડે.)

પિયાસીઃ મૉમ! પૉપ! ચાલો, ચા પીવા, ઇટ્સ રેડી!

(કોઈ ઉત્તેજનામાં બે હથેળી ઘસતી પિયાસી ટેબલ ગોઠવતી આસપાસ ફરે. સંગીતના લયમાં લચકારા લે. ત્યાં અંબોડો વાળતાં ઇન્દુ ને કફનીનું બટન બંધ કરતો માધવ પ્રવેશે. પિયાસી નોંધે) ખરા ઊંઘણશી છો તમે, રવિવાર હોય તો શું થયું! (પિયાસી હવામાં પંજા ગોઠવી ઇન્દુનો ક્લૉઝઅપ લેવાનો ઍંગલ જોતી હોય તેમ નજીક જાય. ઇન્દુ સંખાતી અવગણે.)

ઇન્દુઃ આમ તો રોજ અમારે તને ઢંઢોળવી પડે છે.
માધવઃ પચ્ચાસ વખત. ઊઠ બેટા ઊઠ! (લાડમાં પિયાસી મા-બાપને ‘હગ’ કરે)
ઇન્દુઃ આજે તું વહેલી ઊઠી ગઈ એટલે શું અમારેય…
માધવઃ (આશ્ચર્યમાં કુલડી નોંધી) ઓહો…! એમ બોલ ને ત્યારે, આ કુલડીનું એક્સાઇટમેન્ટ છે!
પિયાસીઃ (કુલડી લઈ જાળવીને મૂકી, લાડમાં રિસાતાં) તમે નહીં ઊઠ્યા, એટલે મારે ચા બનાવવી પડી. (માધવ પિયાસીને લાડ કરે.)
ઇન્દુઃ તે એમાં શું દૂબળી પડી ગઈ તું?
પિયાસીઃ (માધવને બેસતાં રોકી) ત્યાં નહીં પાપા, અહીંયાં બેસો (બાજુની ખુરસી ચીંધે) ને મૉમ, તું ત્યાં બેસ, મારી સામે.
ઇન્દુઃ (બેસતાં) ઑર્ડર ન કર. તારા દૂરદર્શનનો આ કંઈ સ્ટુડિયો નથી, નથી અમે તારાં આર્ટિસ્ટો! ને જો, માધવ પંદર દિવસની ટૂર પછી પાછો આવ્યો છે તે શાંતિથી અમને બે વાત કરવા દેજે. પાપા-પાપાની વચ્ચે ડબડબ ન કરતી, સમજી!
માધવઃ (વાત ઉડાવતાં) પિયુ, ચા ચા કરતી’તી તે ચા આપને હવે!
ઇન્દુઃ કપાળ આપશે મારું, કપ-રકાબી ક્યાં લાવી છે! (ઇન્દુ ઊભી થાય)
પિયાસીઃ (રોકતાં) જરૂર નથી. (કુલડી ચીંધી) આજે કુલડીમાં ચા પીશું. ધરતીના ધાવણની સોડમ આવે એવી કોરી કુલડીમાં. આપણને નવો અનુભવ કરાવવા પાપા છેક કલકત્તાથી લાવ્યા છે. નહીં પાપા!
ઇન્દુઃ (છણકો કરતાં) ઠીકરાં લાવ્યા છે પાપા. ઢાકાની સાડીઓના બદલે.
માધવઃ ધિસ ઇઝ નોટ ફેર, ઇન્દુ!
પિયાસઃ છોડો ને પાપા, આમ તો મમ્મા ઍડ્વાન્સ એજ્યુકેશન શાળાની પ્રિન્સિપાલ છે, પણ એની અપેક્ષાઓ છે ટ્રેડિશનલ ઢાકાની સાડી! (પિયાસી ટી-કોઝી કાઢી, કુલડી ઉપાડે, ઇન્દુ ખૂંચવી લે)
ઇન્દુઃ જો બેટા, કુલડીઓ સરસ ઘાટીલી છે. આપણે એને ચીતરી, રોનકદાર બનાવી, ટેબલ પર ગોઠવીશું. સરસ દેખાશે. ઑરિયેન્ટલ ડેકો-પીસ એશ-ટ્રે, પેન-હોલ્ડર.

(પિયાસી બીજી કુલડી લે. ઇન્દુ માધવને) તમેય શું ભૂડીભૂખ કુલડીઓ લાવીને ધાંધિયા કરાવતા હશો, આવા!

પિયાસીઃ (ઇન્દુની હાથની કુલડી ચીંધી) એ રાખ તું તારા પાસે, તારા ભાગની કુલડી, ડેકો-પીસ બનાવજે, ઑરિયેન્ટલ. (માધવને) પાપા, ચાલો આપણે ચા પીએ કુલડીમાં, ટેસડાથી (સ્ટેશન પર ફરતા ફેરિયાની જેમ સાદ પાડી) ચાઈય… ગરમ ચાઈય… કુલડીની ચાઈય.
માધવઃ (ટ્રેનની બારીમાંથી જોતો હોય તેમ) એય ખોખી, એક દો ચાય! (પિયાસી કુલડીમાં ચા ભરી માધવને ધરે, ને ઇન્દુને પૂછે)
પિયાસીઃ તને જોઈએ છે કુલડીમાં કે પછી કાચનો કપ લઈ આવું સફેદ, ચાયના બોનનો ફૂલવાળો.
ઇન્દુઃ (કટાણું મોં કરી કુલડી ધરતાં) એવી છે ને જિદ્દી, બસ ધાર્યું જ કરીને જંપશે. (પિયાસી ચા આપે, પોતે લે, પછી પગ ઊંચા લઈ ખુરશીમાં ગોઠવાઈ. ધારથી કુલડી પકડી, લિજ્જતથી ચૂસકી લે.)
પિયાસીઃ (ઉત્તેજનામાં) વાહ! ફેન્ટાસ્ટિક!
માધવઃ ચા, કુલડી કે તારો પાપા!
પિયાસીઃ કુલડીનું કોરાપણું ચાના સ્પર્શે ફીણ જેવું પરપોટાય છે, એઝ ઇફ શેરિંગ અ સિક્રેટ! વિસ્પરિંગ! પાપા, કાલે ફરીથી પીશું ચા, આ જ મીઠડી કુલડીમાં.
ઇન્દુઃ (પ્રતિકારમાં) ના નથી પીવાની, વપરાયેલી કુલડી પછી શું કામની?
પિયાસીઃ (અણગમામાં) એટલે! તું ના પીતી. તું છો જ એવી.
માધવઃ (વાત ઉડાડતાં) પિયુ, થોડી ચા આપ વધુ, (પિયાસી આપે) તમે બે જીભાજોડી પછી કરજો. પહેલાં સોસાયટીમાં કંઈ નવા-જૂની થઈ હોય એની વાત કરો જેથી ચોતરે બેઠાં કુલડીમાં ચા ચસૂકતાં, ચોવટ કરતાં હોઈએ એવો મજો આવી જાય.
પિયાસીઃ તમેય શું પાપા, ડોસીની જેમ પંચાત કરો છો.
માધવઃ તું ન સાંભળતી. ચૂપ બેસ ને ચા ચૂસક…
પિયાસઃ (લિજ્જતથી ચૂસકી લેતાં) પાપા, કુલડીમાં ચા પીએ તો તમને લાગે, યૂ બિલૉંગ ટુ ધિસ અર્થ, ધિસ માટી… વાઉવ્!
માધવઃ ઇન્દુ, બોલ, છે કંઈ જાણવા જેવું?

(પિયાસી ચા પીતી પ્રેક્ષક તરફ અપ-સ્ટેજ આવી ઊભી રહે)

ઇન્દુઃ જયામાસીના મયૂરે પાછી નોકરી છોડી દીધી.
પિયાસીઃ (અકળાઈ) મમ્મા યાર, સ્ટૉપ ઇટ.
ઇન્દુઃ (અવગણતાં) શેર્સમાં ખોટ ખાધી છે કે શું? કિશોરભાઈ મોં સંતાડતા ફરે છે.
પિયાસીઃ (ઇન્દુ તરફ જતાં) મમ્મા, કિશોર અંકલ તને શું આડા આવે છે.
ઇન્દુઃ ચંપકલાલની ચાંપલી સીમા કોઈ મદ્રાસી જોડે ભાગી ગઈ.
પિયાસીઃ (નજીક જઈ) હું ભાગી જાઉં ને બીજા કાંખલીઓ કૂટશે તો તને ગમશે! બોલી, (ચાળો કરતાં) ભાગી ગઈ!
ઇન્દુઃ હું પાપા જોડે વાત કરું છું એમાં તું કેમ અકળાય છે? (ઇન્દુને આગળ બોલતી અટકાવવા પિયાસી એના મોં પર હાથ દાબે)
પિયાસીઃ (ટીવી એનાઉન્સરની જેમ) અબ મિલતે હૈં ‘બ્રેક’ કે બાદ.
માધવઃ બીજું કંઈ?
ઇન્દુઃ (પિયાસીના હાથ ખસેડી) ભોંયતળિયે મજેઠિયા રહે છે ને, એમની રિન્કુ પર બળાત્કાર થયો.
પિયાસીઃ (ઘૃણામાં) ઓહ શિટ!
ઇન્દુઃ એમની જ ઑફિસનો માણસ ઘરે ફાઇલ લેવા આવ્યો. (પિયાસી અકળાય) ઘરમાં કોઈ જ નહીં. તે તક જોઈને ત્રાટક્યો.

(પિયાસી ગુસ્સામાં સમસમતી આંખ બંધ કરી સડક ઊભી રહી જાય.)

માધવઃ પછી?
ઇન્દુઃ બિચારી, વપરાઈ ગઈ, હવે કોઈના શું કામની? (પિયાસી વિસ્ફોટતાં કુલડી ટેબલ પર પછાડતી તાડૂકે)
પિયાસીઃ મ…મ્મા!

(મા-દીકરી એકબીજાને રોષમાં તાકે, પિયાસી તિરસ્કારમાં છણકો કરે.) હૈયે હતું એ જ આવ્યુંને હોઠે તારા! (પિયાસી એકાએક ફરી, જતી રહે. ઇન્દુ-માધવ ઊભાં થઈ. ડઘાઈને જોઈ રહે.)

ઇન્દુઃ (બે ક્ષણના મૌન પછી) જોઈ, માધવ જોઈ ઇડિયટની તુમાખી! જ્યારથી દૂરદર્શન પર પ્રૉડ્યૂસર બની છે, છકી ગઈ છે. તમે જ ચડાવી છે મોઢે, (ચેતવતાં) તે રાતે પાણીએ રોશો.
માધવઃ (મૂંઝાતા) પણ, ઓચિંતાનું થયું શું એને?
ઇન્દુઃ (પાલવ ખંખેરતાં) એ તો તોબરાને ખબર! (કુલડીનાં ઠીકરાં વીણતાં) મૂઈ હિંગનું ઝાડ! વાત ન ગમે તે આવાં ત્રાગાં કરવાનાં? (માધવ પાસે જઈ) કેમ નભશે આનું કોઈ જોડે!
માધવઃ હૈયે હતું એ જ હોઠે આવ્યું, એવું એ શું બબડી?
ઇન્દુઃ મોં-ફાટ થઈ ગઈ છે. મા છું એટલે હું ગળી જાઉં, સાસુ આવા છણકા ગળશે?
માધવઃ પણ થયું શું?
ઇન્દુઃ કહું છું. ઝટ કરી દો એને એના ઘર ભેગી, વાત વણસે એ પહેલાં.
માધવઃ એને તું ઘરમાંથી કાઢવાની કેમ થઈ છે? શું થયું એ સમજવા તો દે!
ઇન્દુઃ બહુ વર્ષો ફરી આકાશ જોડે, હવે બેઉને પૂછી જ નાખવું પડશે, શું વિચાર છે?

(ઇન્દુ-માધવ મૂંગાં થઈ મતભેદમાં એકબીજાને તાકી રહે. પ્રકાશ વિલાઈ જાય.)

બ્લૅક આઉટ
દૃશ્ય બીજું

(ઇન્દુ-માધવ પરથી પ્રકાશ વિલાતાં સાથોસાથ પિયાસીના રૂમમાં પ્રકાશ વિસ્તરે. આંટા મારતી પિયાસી સેલ-ફોન પર વાત કરતી હોય)

પિયાસીઃ શું વિચાર છે, આકાશ, મળવું છે કે નહીં સાંજે? મારા ઘરે, છ વાગે. નોઅ. કાલે નહીં. આજે જ. છે કામ, તાત્કાલિક. છ. મોડું ન કરતો.

(ફોન બંધ કરી, ધૂંધવાતી પિયાસી આંટા મારતાં બબડે) (સ્વગત) મમ્મા એવું બોલી જ કેમ? રિન્કુ… કોઈના શું કામની હવે? એટલું શું એ કુલડી છે? (વિચારમાં) કાકી, માસી, ફોઈ, ભાભી, શું સ્ત્રી માત્રના મનમાં આવું જ હશે? (રહીને) કેમ ખબર પડે? (રહીને) પૂછવું જોઈએ. (તરત સેલ ફોન જોડે) હેલો, અલ્પામાસી, હું પિયુ, ઘરે છો? આવું! કામ છે, થૅંક યૂ માસી, (ફોન કટ કરી બીજો જોડે) કુસુમકાકી છે? ઓહ કાકા, કેમ છો? તમારું નહીં, કાકીનું કામ છે. પૂછવું છે. તમારી વિરુદ્ધ. કાકીનો જવાબ જોઈએ છે. ઘરે આવીને કહીશ. ઓકે. બાય! (ફોન મૂકે કે રિંગ વાગે) હાય! માધવી, તારો જ વિચાર કરતી’તી ટીવી સ્ટેશન પર વહેલી આવશે તું? વાત કરવી છે. અંગત. વિધાઉટ ફેઇલ. બાય. (ફોન બંધ કરે. તરત ચપટી વગાડી. ફોન જોડે) તારાભાભી, ઘરે છો? આવું, કાલે? કેમ! તમારી પરીક્ષા લેવા, પ્રશ્ન પૂછવા. આવીને. થૅંક યૂ ભાભી! (છેલ્લા શબ્દોથી પ્રકાશ વિલાવવા માંડે. પિયાસી ફોન લે-મૂક કરે. દરમિયાન નામો સંભળાય.) હાય શ્વેતા. જયા આન્ટી! હેલો, ઉમંગફોઈ! ફાલુબહેન, હું પિયાસી.

બ્લૅક આઉટ
દૃશ્ય ત્રીજું

(ત્રણ દિવસ પછી પ્રકાશ વિસ્તરે. ડ્રૉઇંગરૂમમાં પેપર વાંચતી ઇન્દુ બેઠી હોય, ફોન વાગે. ઇન્દુ ઊઠે. લેવા જાય, બંધ થઈ જાય, બેસે ત્યાં ‘ડોરબૅલ’ વાગે, ઉપરાઉપરી, જેથી કટોકટી અનુભવાય. ઇન્દુ દરવાજે જાય, ત્યાં ફોન વાગે ઇન્દુ અવગણે, છણકો કરતી ફાલ્ગુની, એની બહેનપણી જોડે ઇન્દુ પાછી ફરે. ફોન લાગ્યા કરે)

ઇન્દુઃ (ફોન તરફ જતાં) શું થયું? આમ ધૂંઆપૂંઆ કેમ છે?
ફાલ્ગુનીઃ છોકરી થઈને આમ પુછાય? બેશરમ ક્યાંની…
ઇન્દુઃ કોણ બેશરમ?
ફાલ્ગુનીઃ (વાગતો ફોન ચીંધતાં) તારી નફ્ફટ પિયુડી, બીજું કોણ?
ઇન્દુઃ (ફોન લઈ) હેલ્લો! અલ્પા તું, બોલ!
અલ્પાઃ (O.S.) બોલવા જેવું રહ્યું છે શું? હદ થઈ ગઈ, છોકરીને આટલી છૂટ આપવી સારી નહીં (ફાલ્ગુની સમસમતી ઊઠ-બેસ કરે.)
ઇન્દુઃ કોની વાત કરે છે તું?
અલ્પાઃ (O.S.) પિયાસીની, નિર્લજ્જ પૂછવા આવી’તી. એને રવાડે ચડે તો મારીયે દીકરીઓનો દાટ વળી જાય.

(ફાલ્ગુનીને તાકતી ઇન્દુ શિયાવિયા થાય)

ઇન્દુઃ અલ્પા…
અલ્પાઃ (O.S.) ખબરદાર જો એ છપ્પરપગી પિયાસીને મારે ત્યાં મોકલી છે તો… ટાંટિયો ભાંગી નાખીશ…
ઇન્દુઃ બેના, આટલો ગુસ્સો! થયું શું? (ફાલ્ગુની-ઇન્દુ એકબીજાને તાકે)
અલ્પાઃ (O.S.) સત્યાનાશ. (ઇન્દુ એમ ફોન જોઈ રહે જાણે સામે છેડે ફોન પટકાયો હોય)

(આઘાતમાં ફોન મૂકી, ઇન્દુ મૂંઝાતી જેવી ફાલ્ગુની તરફ ફરે કે ફાલ્ગુની ધસી જઈ ઇન્દુ પર તૂટી પડે.)

ફાલ્ગુનીઃ ક્યાં છે? છે ક્યાં એ હરામખોર લેંવટી, બોલાવ એને, પૂછ, શું માંડ્યું છે એણે? (આમતેમ જોઈ) છોકરીની જાત થઈને આવું પુછાય, એય મોટેરાંને? આપણાં વર્ષોનાં બહેનપણાં તે ગળી ગઈ, ને થયું જઈને ઇન્દુડીને ચેતવું. એ જે પૂછે છે એ સવાલનો જવાબ હોતો હશે, ને હોય તોય શું? પિયાસીને સમજાવ, ઇજ્જતનો ફાલૂદો કરતી અટકાવ.
ઇન્દુઃ (ગભરાઈ) ફાલુ પણ…
ફાલ્ગુનીઃ ઉંમર-સંબંધની આમન્યા રાખવાની કે બસ બેફામ બોલવાનું! પચ્ચાસ વર્ષની મને પૂછતાં એ ફાટી કેમ ન પડી? (ઇન્દુને રોકતાં) તું તો શિક્ષક છો, ઘરની દીકરી પર કોઈ શિસ્ત-સંયમ, કડપ-કાબૂ નહીં?
ઇન્દુઃ (અકળાઈ) થયું શું, ફોડ તો પાડ!
ફાલ્ગુનીઃ કાલે ઘરે આવી’તી. હું તો રાજી થઈ – આવ, પિયુ બેટા બેસ. તો તોછડી કહે હું બેસવા નહીં, પૂછવા આવી છું. મને એમ કે શુંયે ડાહ્યું પૂછશે? તો કહે: ફાલુમાસી તમારા પર જો બળાત્કાર થાય તો વિરેનભાઈ, પછી તમારી જોડે કેમ – કેવું વર્તે? (ઘા ખાઈ ઇન્દુની ચીસ નીકળી જાય.)
ઇન્દુઃ ઓ… અ…!
ફાલ્ગુનીઃ મારી પણ આમ જ ચીસ નીકળી ગઈ’તી – ઇડિયટ, આવો પ્રશ્ન તમે સૂઝ્યો જ કેમ? મને ગુસ્સામાં સમસમતી જોઈ એ તરત ચાલી ગઈ. નહીંતર (દાંત પીસી) ઝટિયાં ઝાલીને ટોટો પીસી નાખત.
ઇન્દુઃ ફાલુ!
ફાલ્ગુનીઃ છોકરીનું કંઈક કર, નહીં તો નખ્ખોદ વાળશે.

(અંબોડો વાળતી, ધૂંઆપૂંઆ ફાલ્ગુની જતી રહે. વૉર્નિંગની જેમ સતત ફોન વાગે)

ઇન્દુઃ (ફોન તરફ ફરતાં) હેલો! (ઉપાડતાં) હેલો! મોટાં કાકી, જય શ્રીકૃષ્ણ.
કાકીઃ (O.S.) કૃષ્ણને પડ્યો રહેવા દે વૈકુંઠમાં ને તારી પિયાસીની લીલાને રોક.
ઇન્દુઃ મોટાં કાકી.
કાકીઃ (O.S.) કુટુંબમાં ઊહાપોહ થઈ ગયો છે. પરિવારની બધી સ્ત્રીઓ ધૂંધવાઈ રાવ ખાય છે મને – કાકી આ ગાંડીનું કંઈક કરો! મૂઈ, જઈને બધાંને પૂછે છે: તમારા પર બળાત્કાર થાય તો તમારો વર તમારા સાથે કમ વર્તે? આ તે કંઈ સવાલ છે? આનો શું હોય જવાબ? માધવને કહે છોકરી પાડે ચડી છે, ઝટ પીળા હાથ કરી નાખે, નહીં તો પરિવારની આબરૂના ધજાગરા ઊડશે. ને કહેજે એ વાંદરીને, મોટાંકાકીએ કહ્યું છે – જવાબ જોઈતો હોય તો લગ્ન પછી પૂછે સવાલ એના વરને.

(ઇન્દુ ધ્રૂજતી ફસડાઈ પડે. લટકતા રિસીવરમાંથી કાકીનો અવાજ ગુંજે – પૂછે એના વરને. પ્રકાશ વિલાઈ જાય)

બ્લૅક આઉટ.
દૃશ્ય ચોથું

(પિયાસીના રૂમમાં પ્રકાશ વિસ્તરે. આકાશ એકીટશે પિયાસીને જોતો હોય. એકાએક પિયાસી બોલી ઊઠે)

પિયાસીઃ શું જવાબ છે તારો? ચૂપ કેમ છે? બહેરો થઈ ગયો છે કે ડઘાઈ ગયો છે? જવાબ આપશે કે નહીં, મારા સવાલનો?
આકાશઃ મેં તને ક્યારે જવાબ નથી આપ્યો, બોલ?
પિયાસીઃ (ભાર દઈને) આકાશ, મેં તને પૂછ્યું હતું, જો મારા પર બળાત્કાર થાય (આકાશ અકળાય) તો તું મારી સાથે પછી કેમ વર્તે?
આકાશઃ (ટાળતાં) તને ગાંડાં કાઢતાં સરસ આવડે છે – અભિનંદન.
પિયાસીઃ (ચેતવતાં) જો આકાશ…
આકાશઃ (પ્રતિકારમાં ઊભા થઈ) શટ્ અપ યોષિ…
પિયાસીઃ શટ્ અપ ફૉર વૉટ! તને જવાબ ખબર નથી, કે આપતાં ડરે છે?
આકાશઃ ડૉન્ટ બી સિલી. ડરે છે, માય ફૂટ… (મોટેથી હસે)
પિયાસીઃ હસી કાઢવા જેવી આ વાત નથી.
આકાશઃ રબિશ, એકદમ રબિશ. ભૂલી જા.
પિયાસીઃ રબિશ વૉટ, હું, બળાત્કાર કે એના તરફ તારું વર્તન!
આકાશઃ જો, મને તારા જેવી ઇન્ટેલિજન્ટ છોકરી ગમે છે. પણ તારો પ્રૉબ્લેમ શું છે, ખબર છે? પૂછ-પૂછ કરીને તું માથું બહુ ખાય છે.
પિયાસીઃ (અપવાર્ય) ડર તો મનેય લાગે છે, પૂછું – તો – છું, પણ તને ખોઈ તો નહીં બેસું ને! (રહીને) પણ બીકમાં. મૂંગા. તને વળગી રહેવાનો અર્થેય શો છે? થઈને શું થશે? તું…
આકાશઃ (લાડ કરતાં) સ્વીટ હાર્ટ, ચાલ પિક્ચર જોવા જઈએ ઇન્ફ ઑફ જોક્સ.
પિયાસીઃ આઈ એમ નોટ એ જોક. આઈ એમ ડેડ સીરિયસ.
આકાશઃ (હાથ પકડી) હું પણ એ જ કહું છું, બી સીરિયસ, ચાલ પિક્ચરમાં.
પિયાસીઃ (હાથ છોડાવી) જો આજ પછી આપણું મળવાનું તારા જવાબ પર નિર્ભર કરશે. યૂ મે ગોઅ. (ડોરબૅલ વાગે. આકાશને માન્યામાં ન આવે. એ પિયાસીને જોઈ રહે. પિયાસી જતાં ઉમેરે) ને જવાબ હોય ત્યારે આવજે… પાછો… મળવા…
આકાશઃ (અકળાઈ, અનુસરતાં) લિસન યોષિ…

(પિયાસી અનુશ્રી જોડે પાછી ફરે. આકાશ-અનુશ્રી ‘હાય’ કરે. ત્રણે ડ્રૉઇંગરૂમમાં આવે. વાતાવરણમાં તાણ સુધી અનુશ્રી ક્ષોભ અનુભવે)

અનુશ્રીઃ ખોટે ટાઇમે આવી છું કે શું?
પિયાસીઃ તું ટાઇમસર આવી છે. આકાશ જાય છે. (આકાશ તરફ જોયા વગર) જવાબ હોય ત્યારે, આવજે.
આકાશઃ (છેડાઈ) તદ્દન ઇડિયોટિક છે તારો સવાલ. હાયપોથેટિકલ. આઈ… આઈ ડૉન્ટ લાઇક ઇટ.
પિયાસીઃ ડૉન્ટ લાઇક વૉટ – મિ ઓર ક્વેશ્ચન?
આકાશઃ (છણકામાં) ગો ટૂ હેલ વિથ યૉર ક્વેશ્ચન.

(આકાશ ધૂંઆપૂંઆ ચાલવા માંડે. અનુશ્રી રોકવા જાય પિયાસી અનુશ્રીને રોકે.)

પિયાસીઃ જવા દે એ શાહમૃગને.
અનુશ્રીઃ (સચિંત) પિયુ, રોક એને! (રહીને) પાછા લડ્યાં છો? કઈ વાત પર?
પિયાસીઃ કાલે રેકૉર્ડિંગ છે. ચાલ સ્ક્રિપ્ટ કાઢ. શોટ્સ-ડિવિઝન કરવાનું ઘણું કામ બાકી છે. (બંને સ્ક્રિપ્ટ કાઢે)
અનુશ્રીઃ પણ…
પિયાસીઃ (સ્ક્રિપ્ટ ખોલતાં) પણ પછી. (વાંચતાં) દૃશ્ય બાર, રાત, ઘર, સરિતા બેડરૂમમાં એકલી અંતર્મુખ. (ઊંચું જોઈ) અનુ! મને નહીં, સ્ક્રિપ્ટમાં જો (ફરી વાંચતાં) “શું કરું, વાતને અવગણી, રેતીમાં મોં નાખી આંધીને ભૂલી જાઉં! કે પછી ફિનિક્ષની જેમ રાખમાંથી પાંખ ફફડાવી ઊડી જાઉં આંધીની પાર.” (શોટના વિચારમાં ખોવાઈ જતાં) અનુ, સરિતાના આ વૉઇસ-ઓવર વખતે મને સરિતાને ક્લૉઝપ જોઈએ છે, ટાઇટ ક્લૉઝપ. એની પાંપણો પાછળ સળકતી વેદનાનો ક્લૉઝપ, જે વેદનાને સરિતા અનુભવે છે, પણ સ્વીકારતી નથી, હડસેલે છે, ઓળખતાં ડરે છે. ભૂલી જવા માગે છે. જાણે અનુભવ થયો જ નથી. સાત સેકંડનો ટાઇટ ક્લૉઝપ, જેથી એનું આંતરજગત ચહેરા પર ડોકાઈ આવે ને દર્શકોને સમભાવમાં એની વ્યથાના સત્યને સ્વીકાર્યા વિના કોઈ છૂટકો ન રહે. સરિતા માટે બૅક-ટૂ-ધ-વૉલ સિચ્યુએશન: ટૂ કૉન્ફ્રન્ટ. ટૂ ક્વેશ્ચન હરસેલ્ફ.
અનુશ્રીઃ (મૂંઝાતાં) સાત સેકન્ડ્સનો ક્લૉઝપ, ઇટ્સ ટૂ લૉંગ. દર્શકોનો રસ તૂટી નહીં જાય?
પિયાસીઃ ટેલ મી અનુ. આપણને સ્ત્રીઓને પોતાની જાતને ક્લૉઝપમાં જોવાની, હોલ્ડ કરવાની, બીક કેમ લાગે છે? વ્હાય! વ્હાય!

(અનુશ્રી પિયાસીને જોઈ રહે ત્યાં ‘વ્હાય’ શબ્દ પર ઝાડુ લઈ જમના પ્રવેશે.)

જમનાઃ હાય-હાય શું કરો છો બેન. શું થયું? (બંનેને મૂંગા જોઈ.) ઝાડુ મારું. કે પછી?
પિયાસીઃ (જાગતાં) પછી નહીં, ઝટ પતાવ, હમણાં જ.

(જમના ઝાડુ વાળે. બંને પગ ઊંચા લે. પિયાસી જમનાને તાકે. જમના નોંધે)

જમનાઃ મને શું જોઈ નથી, આમ તાકો છો તે!
પિયાસીઃ જમના, એક વાત પૂછું તને…
જમનાઃ (ઝાડુ મૂકી સામે બેસતાં) દહ પૂછો ને…
પિયાસીઃ તારા પર બળાત્કાર થાય તો…
અનુશ્રીઃ (ઘા ખાઈ) પિયુ!
જમનાઃ આવું ભૂંડુંભૂખ શું પૂછતાં હશો?
અનુશ્રીઃ વૉટ્સ, રૉંગ વિથ યૂ, પિયુ!
પિયાસીઃ (જમનાને) જો થાય તો, તારો વર…
જમનાઃ (તરત સહજતાથી) ખાંજરે નાખે મને મૂઓ, કાન તૂટેલા કપની જેમ, પછી શું સ્વાદ આવે મગનાને! (છળમાં જમના ઝાડુ ઉપાડે)
અનુશ્રીઃ ઝટ કર હવે, લવારો કરતી, અમારે કામ છે.

(પિયાસી જમનાના જવાબમાં ખોવાઈ જાય. ઝાડુ મારતી જમના રહીને પૂછે)

જમનાઃ મમ્મા જોડે હમણાં અબોલા છે? શું વાંકું પડ્યું છે બેન!
પિયાસીઃ જમના, અહીંયાં ઝાડુ બસ થઈ ગયું. જા મમ્માના બેડરૂમમાં, ત્યાં બહુ બધાં બાવાં-જાળાં બાઝ્યાં છે, તે જઈને ઝાટકી-ઝૂડી નાખ, જા.

(જમના જાય. અનુશ્રી પિયાસીને તાકી રહે. પિયાસી સ્ક્રિપ્ટ જુએ – બેધ્યાન)

અનુશ્રીઃ (સચિંત) મમ્મા જોડેય લડી છો? એની જોડે શું વાંકું પડ્યું?
પિયાસીઃ મમ્મા જોડે વાંકું નથી પડ્યું. મને વાંકું પડ્યું છે, ઇન્દુ જોડે. એના વલણ જોડે!
અનુશ્રીઃ થયું શું?
પિયાસીઃ મને પણ એ જ થાય છે, મમ્માને થયું છે શું? એમ.એ., બી.એડ્. સ્કૂલની પ્રિન્સિપાલ, નારીવાદી સોશિયલ વર્કર, પણ મને તો એમાં મારી નાની ગંગા જ જીવતી લાગે છે. એ જ રીઢાં વિચાર-વલણ-વર્તન, જેને અનુભવ જોડે કોઈ લેવાદેવા નથી. સ્ત્રી હોવાની કોઈ અસ્મિતા નથી. ઠસ્સાદાર કપડાં, શુદ્ધ ઉચ્ચારણો, સારી રીતભાત, મુક્તિ નહીં, એનો ભ્રમ છે, દંભ.
અનુશ્રીઃ આટલો બધો ગુસ્સો પિયુ, સારો નહીં, એય મમ્મા સામે!
પિયાસીઃ મારી મમ્મા તો પછી, પહેલાં તો એ ઇન્દુ છે, મારો ગુસ્સો ઇન્દુ સામે છે, એ સ્ત્રી આજે પણ પૂતળાની જેમ પરંપરાના પથ્થરમાં અહલ્યાની જેમ જીવે છે. કોઈની સંવેદના એને સ્પર્શતી નથી. (રહીને) આ ગુસ્સો આજનો નથી. હું દસ વર્ષની હતી ત્યારનો છે, જ્યારે પહેલી વખત હું ટાઇમમાં બેઠી હતી.

(પ્રકાશ ઓસરી પિયાસી પર સ્પૉટમાં બદલાઈ જાય. ભૂતકાળ અનુભવતી પિયાસી બોલે) એ અજુગતા અનુભવથી હું નર્વસ હતી – આ શું થઈ ગયું મને! મમ્મા મંદિર જતી’તી, મનેય જવાની ઇચ્છા થઈ. હું અને ઇન્દુ દર્શન કરવા ગયાં. એણે મને બહાર ફૂટપાથ પર જ રોકી – “તું અહીં જ ઊભી રહે બહાર.” મેં કહ્યું, “હુંય આવું છું” તો ઇન્દુ વઢી, “આવામાં તારાથી ન અવાય.” મેં પૂછ્યું, “કોણે કહ્યું?” તો એણે મને તોડી પાડી, “ના કહ્યું ને તને!” એ દર્શન કરવા મંદિરમાં ગઈ. હું બહાર ધૂંઆપૂંઆ પીપળાના ઓટલે ઘાસનાં મૂળિયાં ઊખેડતી બેસી રહી. (ધીરેથી પ્રકાશ વિસ્તરે) અનુ, દરેક દુઃખમાં ધા નાખતાં આપણે ભગવાન પાસે જઈએ છીએ, તો આ પીડામાં કેમ નહીં! આ પીડાને મેં માંગી નહોતી, એણે જ મને આપી છે, કુદરતના નામે, તો મારામાં એવું તો શું અકુદરતી છે કે દર્શન મારા માટે વર્જ્ય હોય? મેં પૂછ્યું ઇન્દુને, તો કહે “મેં નહોતું પૂછ્યું મારી માને.” હું અકળાઈ, “શું કામ?” તો મારું મોઢું તોડી લીધું. “ચૂપ, દોઢડાહી ક્યાંની”

અનુશ્રીઃ આવા તો મા-દીકરી વચ્ચે ઊઠે પ્રશ્નો…
પિયાસીઃ (નિઃસહાય હાથ પછાડી) પ્રશ્નો! મને તો એ નથી સમજાતું લોકોને પ્રશ્નોની બીક કેમ લાગે છે, જવાબ આવડતો નથી એટલે કે જવાબ મનગમતો હોતો નથી એટલે! બસ ફાળમાં પ્રશ્નનો જ છેદ ઉરાડી દે છે.
અનુશ્રીઃ સારું કર્યું તું મંદિરમાં ગઈ નહીં, મમ્માનું માન્યું.
પિયાસીઃ નહોતું માન્યું. બીજે દિવસે એકલી, છાની, હું ગઈ મંદિરમાં.
અનુશ્રીઃ (આઘાતમાં) શું?
પિયાસીઃ તારીયે આંખો ફાટી ગઈ ને? તુંય ઇન્દુની જેમ…
અનુશ્રીઃ તેં દર્શન કર્યાં?
પિયાસીઃ કર્યાં, પણ મારા જવાથી નથી ભગવાન અભડાઈને નારાજ થયા, નથી એનાં દર્શનથી મારી પીડા ઓછી થઈ. સેનિટરી નૅપ્કિનના જમાનામાં કપડું વાપરતી ઇન્દુયે એવી ને એવી જ રહી છે.
અનુશ્રીઃ (સંકોચમાં) પિયુ…
પિયાસીઃ ગયે રવિવારે તો ઇન્દુએ હદ કરી નાખી, પપ્પાને વાત કરતાં કહે, રિન્કુ પર બળાત્કાર થયો. હવે એ કોઈના શું કામની રહી! અનુ, ઇન્દુ એમ બોલી જ કેમ? સ્ત્રી શું વપરાશની ચીજ છે, કામની જ હોવી જોઈએ, કુલડી જેવી? સ્ત્રીનું વજૂદ વપરાશ પૂરતું જ મર્યાદિત! આટલે હદ સુધીની ભર્ત્સના જાતની, સ્ત્રીની? સ્ત્રીથી!
અનુશ્રીઃ ઇન્દુબેન આવું બોલ્યા!
પિયાસીઃ ઇન્દુને હૈયે જે કિંમત હતી સ્ત્રીની એ જ એના હોઠે આવી. ઇન્દુ આવું સ્વીકારી જ કેમ શકે? મને આ સ્વીકારની સામે વાંકું પડ્યું છે. આ શબ્દો “પુરુષ”ના છે. સ્ત્રી, હિઝ-માસ્ટર્સ-વૉઇસ બની, એનાથી એટલી અંજાયેલી રહે કે પુરુષની જ ભાષા બોલે? એ કેવી કુંઠા! જડતા! શલ્યાપણું!
અનુશ્રીઃ તું આવી ફેમિનિસ્ટ ક્યારથી થઈ ગઈ?
પિયાસીઃ હું ફેમિનિસ્ટ નહીં, હ્યુમનિસ્ટ છું. ને માનું છું. સ્ત્રી પણ માનવી છે. ચીજ નથી, વપરાશની. સ્ત્રીનું પોતાની તરફ જો આવું વલણ હોય તો એનામાં અસ્મિતા ક્યાંથી જન્મે? (અનુશ્રી વિચારમાં પડી જોઈ રહે. પિયાસી પડકારતી બોલે) તેં અને અવિનાશે ભાગીને લગ્ન કર્યા. તારા માટે અવિ સૌ સામે લડ્યો, આજેય લડે છે, પ્રેમ કરે છે, તો એ તારા પ્રેમી-પતિને પૂછજે મારો સવાલ, પછી કહેજે મને, એ પુરુષ-પતિનો જવાબ શું છે?
અનુશ્રીઃ (વિશ્વાસથી) અવિ, મને વધુ ચાહશે, એનો જવાબ હું આપું છું તને.
પિયાસીઃ અવિ તારી ધારણા, ઇચ્છા, અપેક્ષા છે. એનો જવાબ મળે પછી કહેજે.
અનુશ્રીઃ (મનદુઃખમાં વસ્તુઓ સમેટતાં) તું તો હદ કરે છે પિયુ…
પિયાસીઃ તને ય પ્રશ્ન ગમ્યો નહીં ને! કોઈ સ્ત્રીને ગમ્યો નથી. ન કાકીને, ન માસીને, ન ફોઈને. પ્રશ્ન સાંભળી બધાં છળી મરે છે. આકાશ અકળાયો. તુંય ક્ષુબ્ધ થઈ ગઈ. ખબર નથી પડતી, મારો પ્રશ્ન ખોટો છે કે પ્રશ્નનો જવાબ કડવો છે. અનુશ્રી તને જવાબ ખબર છે, એટલે જ બીકમાં, કોઢ હોય એમ, પ્રશ્નથી ભાગતી ફરે છે.
અનુશ્રીઃ યૂ મીન.
પિયાસીઃ (જવા તૈયાર અનુને ચીંધી) જો, તુંયે ભાગી જ રહી છો ને… (પ્રકાશ પિયાસી પર સ્પૉટ થઈ પડે. એ પ્રેક્ષક તરફ આગળ આવે) અનુ, ભલે મને બધાં તિરસ્કૃત કરે. તક મળશે તો ચોકમાં ઊભાં રહી, આ શહેરની દરેક સ્ત્રીને પૂછીશ – જો તમારા પર બળાત્કાર થાય તો પછી તમારો વર તમારી જોડે કેમ વર્તશે એની કોઈ વખત કલ્પના કરી છે?

(પ્રકાશ વિસ્તરે. ક્ષોભમાં પર્સ-થેલો ઊંચકી અનુશ્રી બહાર જાય)

અનુશ્રીઃ યૂ હેવ ગોન નટ્સ પિયુ. તારો પ્રશ્ન તને મુબારક, ચાલ જાઉં. બાય.
પિયાસીઃ દરવાજા સુધી આવું છું ને! (બંને જાય. હતાશ, એકલી, મૂંઝાતી પિયાસી ડ્રૉઇંગરૂમમાં પાછી ફરે. સ્વગત) અનુ, પણ નારાજ થઈને ગઈ. એક પ્રશ્ન સામે આટલો બધો ઊહાપોહ! લોકોને થઈ શું ગયું છે, કે પછી સમથિંગ ઇઝ રૉંગ વિથ મી?

(રોષમાં પિયાસી અંતરમુખ થઈ જાય. ઇન્દુ-માધવ પ્રવેશી તાકી રહે. પિયાસીનું ધ્યાન જતાં એ ઊભી થઈ રૂમની બહાર જવા જાય. ઇન્દુ ફફડે.)

ઇન્દુઃ ઊભી રહે, બેસ. ક્યાં સુધી તોબરો ચડાવી ફરવાની છે?
પિયાસીઃ (જોયા વગર) પ્લીઝ મૉમ, પાછું શરૂ ન કરતી.
ઇન્દુઃ વાંકું શું પડ્યું છે, એ તો ફાટ, તે ખબર પડે! (પિયાસી ફરી, અપલક તાકી રહે. પછી પ્રતિકારમાં પોતાના રૂમમાં જતી રહે. ઇન્દુ સમસમે) માધવ, આ છોકરીનો દી ફરી ગયો છે કે શું? (મક્કમતાથી) આ વખતે તો નહીં જ ચલાવી લઉં. (પિયાસીને સંભળાવતી હોય તેમ મોટેથી) તારાં ત્રાગાંથી ડરી નહીં જાઉં. જીદે ચડી છે તે હુંય તારી મા છું.) (જવાબ આપવા ધૂંઆપૂંઆ. પિયાસી પાછી ફરી ડોકાય. સંઘર્ષનો સોપો પડે. પિયાસી કંપતી તાકી રહે. પછી રહીને અવિવેક ન થઈ જાય, એટલે બોલ્યા વગર જતી રહે. ઇન્દુ તાડૂકે) જા પડ ખાડમાં.
માધવઃ આકરી શું થાય છે આમ? મા–દીકરી સાત દિવસથી મોરચો માંડી બેઠાં છો સામસામે તે શેનો છે. મને પૂછવા તો દે!

(માધવ પિયાસીના રૂમમાં જાય. ઇન્દુ છળમાં અનુસરે. લાડ કરતો માધવ પિયાસીની બાજુમાં બેસે) બેટા, ગુસ્સો શેનો છે, મને તો કહે!

પિયાસીઃ (ક્ષણેક જોઈ રહી) કહીશ તો તમને નહીં ગમે.
ઇન્દુઃ (ધસી આવતાં) તેં ક્યારથી અમારા ગમાની ચિંતા કરવા માંડી? ભણી; હવે ગણ. મોટાનાં માન-મર્યાદા રાખતાં શીખ.
પિયાસીઃ મર્યાદા રાખવા જ, બોલતી નથી.
ઇન્દુઃ શું ગાંડાની જેમ પૂછે છે બધાંને? સ્ત્રી થઈને સ્ત્રીઓને આવું પૂછતાં શરમાતી નથી!
માધવઃ કેવું? મને તો કોઈ કહો! (ઇન્દુ-પિયાસી અકળાતાં માધવને અવગણે)
ઇન્દુઃ રહેવાતું ન હોય તો ઝટ પરણી જાવ – તું ને આકાશ. આવા ભવાડા તો અટકે?
માધવઃ (ઇન્દુનો છળ જોઈ) તું આ શું કરે છે! શાંતિ રાખ.

{{ps|ઇન્દુઃ| આપણું કેવું નાક કાપ્યું છે આણે, તે ખબર છે તને! (અચાનક ફોન વાગે. માધવ ઝડપથી ઉપાડે)

માધવઃ હેલો! આકાશ! તને જ યાદ કરતાં’તાં.
પિયાસીઃ પાપા, એને કહી દો હું ઘરમાં નથી. (માધવ–ઇન્દુ લેવાઈ જાય.)
માધવઃ એની જોડેય લડી છો શું?

(છળમાં ધસી જઈ પિયાસી માધવ પાસેથી ફોન આંચકી લે. ને શાંતિથી બોલે)

પિયાસીઃ આકાશ, તને મેં એક સાદો, નિખાલસ પ્રશ્ન પૂછ્યો હતો, જેનો જવાબ આપવો તેં ટાળ્યો, શું કામ, એ તું જાણ છે, ને હુંય. (રહીને) ધીરે બોલ. ઘાંટા પાડશે તેથી દબાઈ જઈશ. હું મારો પ્રશ્ન પાછો નહીં ખેંચી લઉં. હવે, તું મને ત્યારે જ ફોન કરજે જ્યારે તારા પાસે મને આપવા માટે જવાબ હોય. (પિયાસી ફોન પછાડે. બોલવા જતા માધવને રોકતાં) પ્લીઝ પાપા, તમે મને કશું જ ન પૂછતા.
માધવઃ (નરમાશમાં) બેટા, દિલ્હી જશે તો શું આમ સૌ સાથે ઊંચાં મન કરીને?
ઇન્દુઃ (સચિંત તાડૂકતાં) દિલ્હી, પિયુ દિલ્હી જાય છે!
માધવઃ પ્રમોશનના ઇન્ટરવ્યૂ માટે.
ઇન્દુઃ શું પ્રપંચ છે બાપ–દીકરીનો? તમે મને કોઈ કંઈ કહેતાં કેમ નથી! એટલી અબખે પડી ગઈ છું શું હું તમને!

(રોષમાં વચ્ચે આવતા ફ્લાવર પોટને ઝાપટ મારતી ઇન્દુ ચાલી જાય)

માધવઃ (રોકતાં) ઇન્દુ, સાંભળ! (માધવ અનુસરે)
પિયાસીઃ (ગળગળી થઈ) પ્લીઝ મમ્મા!
ઇન્દુઃ (બરાડતાં) મરી ગઈ તારી મમ્મા!

(એકલી, લાચાર પિયાસી ભાંગી પડે. પ્રકાશ સંકોચાઈ પિયાસી પર સ્પૉટ થઈ પડે. એ વસવસામાં ધીરે પ્રેક્ષક તરફ આગળ આવે)

પિયાસીઃ મેં અક્કલમઠીએ સવાલ પૂછ્યો જ શું કામ? રેપ થાશે, સ્ત્રી ઉવેખાશે, જીવન ચાલતું રહેશે. કાન-તૂટેલા કપની જેમ રિન્કુ ખાંજરે નંખાઈ ગઈ, તોય જીવે છે ને! અનાયાસે જન્મેલો મારો સવાલ આજે શૂર્પણખા જેવો, દાંતિયાં કરતો મને જ ડારે છે – જાણે સવાલ સૂઝવો ગુનો ન હોય! જવાબ આપવો પાપ ન હોય! સમજાતું નથી મેં શું કામ વાપરી મારી બુદ્ધિ? ડોબી બેસી રહી હોત તો શું ખોટું હતું? કંઈ ગમ ન પડે એવી ઘેટાં જેવી સ્ત્રી થઈ જીવી હોત તો આજે… (પિયાસી ભાંગી પડી બેસી જાય)
બ્લૅક આઉટ
દૃશ્ય પાંચમું

(બે વાર ડોરબૅલ લાગે. સાથે પ્રકાશ વિસ્તરે. પિયાસી પોતાના રૂમમાંથી દરવાજે જાય. અનુશ્રી જોડે પિયાસી પાછી ફરે. બંને પિયાસીના રૂમમાં જઈ બેસે. અનુશ્રીનો ચહેરો ઊતરેલો હોય)

પિયાસીઃ શું થયું? મોં ઊતરેલું કેમ છે?
અનુશ્રીઃ (ગુનાહિત ભાવે) પિયુ, આઈ એમ સૉરી.
પિયાસીઃ સૉરી, ફોર વૉટ?
અનુશ્રીઃ ગઈ કાલે રાતે ઘણાં ફાંફાં માર્યાં પણ હું અવિને તારો સવાલ પૂછવાની હિંમત કરી ન શકી.
પિયાસીઃ ઇટ્સ ઓકે.
અનુશ્રીઃ (લાચાર) તું તો જાણે છે, અવિ કેટલો પઝેસિવ છે – ટચી! મારી સામે કોઈ હસે તોય જીરવી નથી શક્તો. હી ઇવન રિઝન્ટ્સ યૂ!
પિયાસીઃ આઈ નોઅ ઇટ.
અનુશ્રીઃ તારો સવાલ ગમ્યો નહોતો મને. અશ્લીલ લાગ્યો હતો. પણ પિયુ તેં પૂછ્યો હતો તેથી થયું એમાં કંઈક તથ્ય તો હશે જ, એવી શ્રદ્ધામાં કાલે જમી, ટીવી જોઈ, મોડી રાતે બેડરૂમમાં જતાં પૂછવાનો વિચાર કરતી હતી ત્યાં તો આવેશમાં ઉમળકાભેર અવિએ બાથમાં ભરીને મને ચૂંથી નાખી. મને ધ્રાસકો પડ્યો: પૂછીશ પછી, અવિ શું આવા જ આવેશમાં, આમ જ મને પ્રેમ કરશે? (રહીને) જે અવિને હું ઓળખું છું. કદાચ એ, ક્યારેય! પિયુ, હું એને વળગી રહી. પૂછી ન શકી. અવિ મને ઉવેખશે તો, એ વિચારે કમકમી ગઈ. હું એના સ્પર્શની મહોતાજ હતી. આ ફાળમાં મને તારો સવાલ અને અવિનો જવાબ બંને સમજાઈ ગયા. પિયુ, આઈ એમ સૉરી. હું કદાચ રિજેક્શનનો સામનો કરવા તૈયાર નથી. બીક લાગે છે, બધું વેરાઈ વીખરાઈ જશે!
પિયાસીઃ અનુ, સવાલ અશ્લીલ નહોતો, જવાબની કલ્પના વરવી છે, જેને સ્વીકારવા, કોઈ તૈયાર નથી. સૌ શાહમૃગિયું સુખ ઝંખે છે. કોઈને ફિનિક્ષની જેમ…
અનુશ્રીઃ આઈ એમ સૉરી.
પિયાસીઃ ડૉન્ટ બી સૉરી ફોર મી. બી સૉરી ફોર યૉર હેલ્પલેસનેસ, ટૂ ફેસ ધ ટ્રૂથ…

(અનુશ્રી–પિયાસી વચ્ચે સોપો પડી જાય. અનુશ્રી વાત વાળવાનો પ્રયત્ન કરે.)

અનુશ્રીઃ પિયુ, મમ્મા દુઃખી છે, તું દુઃખી છે. પપ્પા–આકાશ સૌ અપસેટ છે. વાય? વાય ડોન્ચ યૂ ઍક્સેપ્ટ ધ ટ્રૂથ! અંદર અંદર ઊકળ્યા કરવાને બદલે મમ્મા સાથે એક વખત તું સીધી વાત કેમ નથી કરી લેતી? તારો રોષ શા માટે છે એનો કદાચ એને અંદાજ પણ નહીં હોય!
પિયાસીઃ મા છે, આટલી મનની વાત ન સમજે?
અનુશ્રીઃ મા તો પછી, પહેલાં એ સ્ત્રી છે, એનાં ઉછેર, સંજોગ, સંસ્કારની ઊપજ, વિક્ટિમ.
પિયાસીઃ ભણ્યાં-ગણ્યાંનો અર્થ શો જો ગ્રંથિઓથી છૂટી ન શકીએ? ખૂંટે બાંધી બકરીની જેમ મળેલા વિચારોની લંબાઈમાં ઘૂમ્યા કરવાનું, જન્મો સુધી, ચૂપ, પ્રશ્નોય નહીં પૂછવાના?
અનુશ્રીઃ મને તું પૂછે છે, એ તું માને કેમ નથી પૂછતી?
પિયાસીઃ કંઈ નહીં વળે, વિવાદ–વિરોધ–વિખવાદ વધ્યા સિવાય.
અનુશ્રીઃ એવું તું ધારે છે. મમ્માને એક તક તો આપ, તને સમજવાની!
પિયાસીઃ (ગળે ઊતરતાં) નથિંગ રૉંગ ઇન ઇટ. દિલ્હીથી આવીને જોઈશ.
અનુશ્રીઃ વાય, આવ્યા પછી? વાય નોટ ટુ-ડે, ટુ-નાઇટ, જેથી તું દિલ્હી જાય તો શાંત ચિત્તે! હળવા હૈયે!
પિયાસીઃ (અંતર્મુખ) કે પછી, કોને ખબર મોટી હૈયાહોળી સાથે.

(અનુશ્રી સધિયારતી પિયાસને ખભે હાથ મકે ને પ્રકાશ વિલાઈ જાય.)

બ્લૅક આઉટ
દૃશ્ય છઠ્ઠું

(પ્રકાશ વિસ્તરતાં માધવ માથું ખંજવાળતો બેઠો હોય. ઇન્દુ અકળાતી આંટા મારતી હોય. બંને પિયાસીની રાહ જોઈ રહ્યાં છે.)

ઇન્દુઃ અગિયાર થવા આવ્યા, છે પિયુના આવવાનાં કોઈ ઠેકાણાં?
માધવઃ હશે કો ટીવીનું રેકૉર્ડિંગ
ઇન્દુઃ ફોન કરતાં શું મોત પડે છે! (રહીને) એક તો મોડી આવશે, ને પાછી, આઈ એમ નોટ હંગ્રી, કહેતી તોબરો ચડાવીને પોતાના રૂમમાં જતી રહેશે. ત્રાસી ગઈ છું એના ત્રાગાથી તો!
માધવઃ એ કરશે જે કરવું હશે તે, નાની નથી હવે.
ઇન્દુઃ આમ જ તેં મોઢે ચડાવી છે. એવો તો મેં શું ગુનો કર્યો છે? (ગળાગળા થઈ) દીકરી ઘરમાં હરતી ફરતી હોય ને મા જોડે હરફે ય ન બોલે!
માધવઃ તું ક્યાં બોલે છે? (રહીને) ધીરજ રાખ, ઉફાણો ઓસરશે તે બોલશે.
ઇન્દુઃ કાલે મૉર્નિંગ ફ્લાઇટમાં તો દિલ્હી જાય છે, શું બોલશે, ધૂળ! (રહીને) કોને ખબર, આકાશેય ક્યાં સુધી સહન કરશે પિયુના ફેંફરા? (માધવ નજીક જઈ) બે વાર મળવા આવ્યો, ક્યાં મળી? આટલો અહમ્ છોકરી માટે સારો કહેવાય! આખરે એ પુરુષ છે, ફટકશે. પછી? કઈ માટીની બની છે, કોને ખબર!
માધવઃ (કંટાળી) રાહ જોતાં, બબડવું જરૂરી છે?
ઇન્દુઃ (અવગણી) ક્યારે પાછી ફરશે દિલ્હીથી એય ફાટતી નથી!
માધવઃ તારાથી એય ખુશ નથી દેખાતી. કંઈક તો થયું હશે તમારી બે સ્ત્રીઓ વચ્ચે. મારો તો તમને કાંકરો જ કાઢી નાખ્યો છે, તે કુટાવ સામસામે!

(માધવ જવા જાય ત્યાં ડોરબૅલ વાગે. માધવ અટકે)

ઇન્દુઃ ખોલ તો! આવી હશે તોબરો.
માધવઃ (જતાં ચેતવે) સવાલો પૂછી પાછો મોરચ ન માંડતી, અત્યારે!

(માધવ-પિયાસી પ્રવેશે. પિયાસીને નિશ્ચિંત જોઈ ઇન્દુને આશ્ચર્ય થાય. સમાધાન કરાવવાના પ્રયાસમાં માધવ પિયાસીને દબાણ કરી બેસાડે.)

માધવઃ કામ… કામ… કામ! બે મિનિટ બાપ જોડે બેસીને વાત તો કર!
ઇન્દુઃ બાપ જોડે. મા જોડે કેમ નહીં, એણે શું બગાડ્યું છે?
પિયાસીઃ (બેસતાં) હું વાત કરવા તો બેઠી છું, અત્યારે.

(ઇન્દુ-પિયાસીની વાત શરૂ થતાં સાયાસ બગાસું ખાઈ, માધવ પિયાસીને ટપલું મારે)

માધવઃ થાક્યો તારી રાહ જોઈને, જાઉં, હવે તમે કરો તમારી ગુફ્તગો.
ઇન્દુઃ (માધવનો હાથ પકડી) ક્યાં જાય છે તું? (વાતમાંથી વિખવાદ જાગે તો મધ્યસ્થીની જરૂર પડશેની દહેશતમાં ઇન્દુ માધવને બેસાડે) બેસ.
પિયાસીઃ પપ્પાને જવા દે. મારે એમની જોડે નહીં, તારી જોડે વાત કરવી છે. (પિયાસીના શબ્દો માધવને ખટકે. એ મૂંઝાય. ઇન્દુ અકળાય.)
ઇન્દુઃ એ ક્યાં કંઈ તને આડા આવે છે! બોલ, શં છે?

(પિયાસી દ્વિધામાં નીચું જોઈ જાય. અચકાય પછી એકાએક જે થવાનું હોય તે થાય એવી મક્કમતાથી ઊંચું જોઈ, ઊભી થઈ, દૂર જતાં બોલે)

પિયાસીઃ પા…પા… પ્લીઝ, ખોટું ન લગાડતા, પણ વિલ યૂ માઇન્ડ લીવિંગ મી ઍન્ડ ઇન્દુ અલોન! (‘ઇન્દુ’ સંબોધન મા–બાપ ચમકીને નોંધે. પછી માધવ ક્ષોભમાં ઊઠવા જાય. પિયાસીનું રૂક્ષ વર્તન નોંધી સલામતી માટે ઇન્દુ માધવનો હાથ છોડે નહીં. પકડી રાખે.)
ઇન્દુઃ બાપથી છાનું એવું તે શું તારે મને કહેવું છે?
માધવઃ (હાથ છોડાવતાં) હું જાઉં… તું કર વાત. (કજિયાનું મોં કાળુંનો છણકો કરે)
ઇન્દુઃ (માધવને) કહે એને, હવે વાયડાઈ છોડીને સીધા વાત કરે.

(પિયાસી પીઠ ફેરવી આગળ ચાલી જાય, તેથી એને મા-બાપની રકઝક ન દેખાય)

પિયાસીઃ (રહીને) પ…પ્પા… તમે ગયા, પ્લીઝ…!
ઇન્દુઃ હુકમ તો જો કરે છે બાપને! નહીં જાય. (માધવને) વાતમાં કંઈ નહીં હોય, ઉદ્ધતાઈ સિવાય… (હાથ ખેંચી) બેસી રહો.
પિયાસીઃ (પાછા ફરતાં) બેસો, મને વાંધો નથી. (માધવને) પણ બેઠા છો તો વાત પૂરી સાંભળજો, વચ્ચેથી ઊઠી, ભાગી ન જતા.
ઇન્દુઃ ફાટ ને હવે!

(માધવ બોલવા જાય. પિયાસી રોકે. હવે પછી એ ઇન્દુને જ સંબોધે)

પિયાસીઃ મમ્મા, આજે હું તને ‘ઇન્દુ’ કહું તો ચિડાશે નહીં ને! મારા મનની વાત હું તને મા તરીકે કહેવાની હિંમત ન કરી શકી એ વાત ઇન્દુને, સ્ત્રીને કહેવા માગું છું. (રહીને) તને યાદ છે, હું ચાર-પાંચ વર્ષની હતી ત્યારે હું કહેતી: ઈનુ, વારતા કહે ને! તું ધણી વખત એક વાર્તા કહેતી – અહલ્યાની.
ઇન્દુઃ (અકળાઈ) એનું શું છે અત્યારે?
પિયાસીઃ એ વાર્તા આજે તું ફરીથી કહે, કહે આજે અહલ્યાની અવદશા માટે જવાબદાર કોણ હતું? (માધવ–ઇન્દુ એકબીજાં સામે જોઈ રહે.) કહે ઇન્દુ, કોણ હતું જવાબદાર? (ભાર દઈ) સ્વાર્થી ઇન્દ્રની છેતરપિંડી? જેનો એ ભોગ બની હતી? (ક્ષણ રાહ જોઈ) કે પછી સહચર્યના વિશ્વાસને વિસારે પાડતું ગૌતમઋષિનું ભાગેડુ સ્વામિત્વ? (ઇન્દુને બોલતી અટકાવી) કે પછી દાસત્વમાં દોષ અનુભવી, દંડ રૂપે એનો શ્રાપ સ્વીકારતું આત્મપીડક અહલ્યાનું કુંઠિત મન? કોણ ઇન્દુ, કોણ? કહે, ને કર આજે વાર્તા પૂરી. (અંતર્મુખ થતાં) ત્યારે મન એ વાર્તા સાંભળવી ગમતી, પાણીનો છંટકાવ, ને અહલ્યા શલ્યા બની જતી, અદ્ભુત! પણ હું ઉદાસ થઈ જતી. (ઇન્દુ સમભાવમાં પિયાસીની નજીક જાય. પિયાસી મુખોમુખ થાય) ઇન્દુ, ગૌતમનો શ્રાપ સાચો પડ્યો, પણ શ્રાપની શક્તિ ગૌતમના શબ્દોમાં નહોતી, અહલ્યાએ કરેલા એ શબ્દોના સ્વીકારમાં હતી. (રહીને) ઇન્દુ, તું જ્યારે બોલી, રિન્કુ… હવે કોઈના શું કામની રહી, એમાં પરંપરાગત પુરુષના વપરાશ પૂરતા દાસત્વના સ્વીકારની ગંધથી હું વિદ્રોહી ઊઠી, નહીંતર તું આમ બોલે જ કેમ, સ્ત્રી થઈને? તારા આવા જડ વલણમાં મને શલ્યામાં સપડાયેલી અહલ્યા અનુભવાઈ. (ગળગળી થતાં) ઇન્દુ, કહે, આપણામાંનું જાતદ્રોહી દાસત્વ એવું તે કેવું સ્ત્રીના અચેતનમાં ઘર કરી ગયું છે કે સ્ત્રી પોતાને પુરુષની ભાષામાં મૂલવે? આવી કુંઠા અહલ્યામાંની શલ્યા નહીં તો બીજું શું? એ ક્યારે મોક્ષ પામશે? (માધવ બોલતો રોકી) તારા મોઢે રિન્કુની વાત સાંભળી મને થયું, મારા પર જો આવું વીતે તો ઇન્દુ તું એમ જ કહે ને પિયાસી…
માધવઃ (ઊભાં થતાં) બસ… બેટા… બસ!

(આઘાત ઉઘાડમાં ઇન્દુ જઈ પિયાસીને ભેટી પડી પસવારે. પિયાસી છૂટી પડે.)

પિયાસીઃ ઇન્દુ, આજે હવે તનેય પૂછું છું, તારા પર આવો પ્રસંગ પડે તો શું માધવને તું કાંઈ કામની ન રહે? (માધવ ડઘાઈ જાય. હત્બુધ.) માધવ પણ શું કુલડી જેવું વર્તે?

(એકાએક સોપો પડી જાય. શિયાવિયા, ધૂંઆપૂંઆ છણકો કરતો માધવ પ્રતિકારમાં બરાડતો રૂમની બહાર ભાગી જાય.)

માધવઃ ગાંડી… આ છોકરી સાવ ગાંડી થઈ ગઈ છે, ઇન્દુ! ડૂચો માર એના મોઢે!

(ઇન્દુ સ્તબ્ધ થઈ જાય. નિર્ભાવ પિયાસીને આશ્ચર્ય ન થાય.)

પિયાસીઃ (ઇન્દુને ગુસ્સામાં જોઈ) ગુસ્સો આવે છે ને. પણ તું જ કહે, તમારા ત્રીસ વર્ષના પ્રસન્ન દામ્પત્યને દેહ-સ્પર્શને ત્રાજવે મૂલવવાનું, તમારા સહચર્યમાં અનુભવેલાં સંવેદનોને ત્રાજવે નહીં? માધવ શું એક પ્રસંગને કારણે વર્ષોના પ્રસન્ન દાંપત્યને ભૂલી જાય? (ઇન્દુ નતમસ્તક બેસી રહે) ઇન્દુ, સવાલોનો સ્વીકાર એ સ્ત્રીનો રામ, સવાલનો પ્રામાણિક જવાબ એ રામ-સ્પર્શ, મારે તો મેળવવો જ રહ્યો. આ સ્ત્રી-દેહ લાંછન નથી કે નછૂટકે વેંઢારવો પડે. હું ફક્ત શરીર નથી. (આગળ આવે) આ શરીરમાં ધબકતી સંવેદનાઓની, સહચર્યની અનેક સંભાવનાઓ છે. એને ન હું ભૂલીશ, ન કોઈને ભૂલવા દઈશ. સવાલો પૂછીને!
ઇન્દુઃ (ગુનાહિત ભાવે) બસ, મારી અહલ્યા બસ… (બહાર જતાં) હજી કેટલું સંભળાવશે. તારી માને?

(ભાંગી પડી ઇન્દુ ઝડપથી બહાર ચાલી જાય. પિયાસી નોંધે. જુએ નહીં. ને ધીરે ધીરે ફૂટ-લાઇટ તરફ જતાં બોલે)

પિયાસીઃ ઇન્દુ, હું માને નથી સંભળાવતી. સ્ત્રીને ઢંઢોળી રહી છું. (રહીને) મારો આ સવાલ સાંભળી, પુરુષને ખોઈ નાખવાના ડરમાં જો દરેક સ્ત્રી અને જવાબ આપશે તો એ ઉઘાડો પડી જશે એ બીકમાં; જો દરેક પુરુષ આમ ભાગતાં ફરશે તો જવાબ કેમ મળશે? અહલ્યા મોક્ષ કેમ પામશે? (એકાએક પ્રેક્ષકને) હું તમને પૂછું છું. (પિયાસી સ્થિર થઈ જાય. એના પર સ્પૉટ પડે.)
(પડદો પડે.)

(કરવા શું બેઠી છે આ છોકરી?)