યાત્રા/અહીં હું –: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અહીં હું –|}} <poem> અહીં હું વિરમું હવે સકલ પૃથ્વીને આવરી, વિરાટ્ ગરુડ શો, પ્રલંબ મુજ પંખ આ વિસ્તરું, વટાવી ક્ષિતિજો સુદૂર દિકપ્રાન્તને સ્પર્શતો, પ્રશાન્ત પરમા મુદાની કમનીય શાં...")
(No difference)

Revision as of 09:00, 22 November 2022

અહીં હું –

અહીં હું વિરમું હવે સકલ પૃથ્વીને આવરી,
વિરાટ્ ગરુડ શો, પ્રલંબ મુજ પંખ આ વિસ્તરું,
વટાવી ક્ષિતિજો સુદૂર દિકપ્રાન્તને સ્પર્શતો,
પ્રશાન્ત પરમા મુદાની કમનીય શાંતિ સ્રવું.

અને મુજ નખો તણી પકડમાં પડ્યાં પૃથ્વીનાં
બળો અજગરો સમાં સળવળી મથી સૌ હવે
થતાં શિથિલ શાંત, કોક વળ ખાઈ ઝાવું ભરે,
અરે, પણ બધી ય એની ગતિ ફ્લાન્ત થૈને ઢળે.

ધરા-તલથી ઊર્ધ્વદેહ, ગિરિ - અગ્ર ઉત્તુંગ શો,
હવે ગગન મેર ચંચુ મુજ હું વિકાસી રહું;
ખુટ્યા ભરખ ભૂમિના, ગગનના અમીકૂપની
દિશે નયન માંડી આતુર અગાધ ઝંખી રહું.

અહો ગગનશાયિ! આવ, મુજ પૃષ્ઠ આસીન થા,
મને વહન સોંપી તારું, જયસિદ્ધિમાં લીન થા.

માર્ચ, ૧૯૪૫