ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/ભૂલા પડવાની મજા: Difference between revisions
(+created chapter) |
(No difference)
|
Revision as of 10:27, 7 May 2023
૪૭
કલ્પના દેસાઈ
□
ભૂલા પડવાની મજા!
કોને ખબર કેમ પણ અજાણ્યા શહેરમાં ભૂલા પડી જવાની જાણે કે, મને આદત પડતી જાય છે. બધાં સાથે નીકળ્યાં હોઈએ તો પણ હું જ કશેક અટવાઈ જાઉં ને બધાં મને શોધતાં થઈ જાય એવું તો હવે દર વખતે બનવા માંડ્યું છે. એટલે હવે મને ધમકી મળવા માંડી છે કે, ‘ભાઈ, તું અમારી સાથે રહેજે ને મોબાઇલ તારી પાસે છે ને તારા જ મોબાઇલમાં રિંગ વાગે છે એનું ધ્યાન રાખીને મહેરબાની કરીને મોબાઇલ ઊંચકજે. અમને શાંતિથી ફરવા દેજે.’ જ્યારે સિંગાપોરમાં દીકરા-વહુની સાથે રહેતી ત્યારે એ લોકો સતત મારું ધ્યાન રાખતાં પણ એકલી હોઉં ત્યારે એમનો મોબાઇલ મારા પર કૅમેરાની જેમ ગોઠવેલો રાખતાં. કલાકે-કલાકે સવાલ, ‘ક્યાં પહોંચી?’ ‘ક્યાં ફરે છે?’ ‘કઈ બસ પકડી?’ જેવા સવાલોના જવાબો તો મને પણ મોઢે થઈ ગયેલા. સિંગાપોરમાં, હું જો ખોવાઈ જાત તોપણ તરત મળી જાત એટલે મને ય ચિંતા નહોતી. જોકે, ખોવાવાના ચાન્સ નહિવત્ હતા છતાંય બનવાકાળ બનીને જ રહ્યું! હું ભૂલી પડી ગઈ! તે દિવસે શનિવાર હતો. સવારનો ચા-નાસ્તો પતાવી અમે છૂટાં પડ્યાં. એ બંને ફ્લૅટ પર ગયાં ને હું આંટો મારવા નીકળી પડી. કલાકેક પછી જૈમિનનો ફોન આવ્યો, ‘મમ્મી, ક્યાં છે?’ ‘મને કંઈ ખબર નથી પણ હું ક્યારની જે રસ્તે ચાલું છું ત્યાં એક પણ ટ્રાફિક સિગ્નલ કે નાનીમોટી ગલી મેં જોઈ નથી. ફક્ત ફૂલ સ્પીડમાં સામસામો ટ્રાફિક ચાલુ છે. થોડી થોડી વારે AYEનાં બોર્ડ આવે છે તેના પર કિ.મી. લખેલા હોય છે. બીજું કંઈ અહીં જોવા જેવું આવ્યું નથી. આ લોકો રસ્તાની બાજુમાં ફૂટપાથ બનાવવાની ભૂલી ગયા લાગે છે. ઘાસ-પાંદડાં ને માટીવાળી જગ્યા છે પણ ઝાડ છે એટલે તાપ નથી લાગતો. તમે મારી ફિકર નહીં કરતાં. પણ જૈમિનના અવાજમાં ગભરાટ જણાયો, ‘મમ્મી, તું ગભરાતી નહીં પણ તું હાઈવે પર પહોંચી ગઈ છે. તારી આજુબાજુ જો, કેવાં મકાનો છે? ઉપર કંઈ લખ્યું છે? કોઈ બ્રિજ છે? કેવો છે? બધું વિગતે જણાવ એટલે તને ગાઇડ કરું નહીં તો પછી ટૅક્સી કરીને તને લેવા આવું.’ મનમાં ને મનમાં હું તો હરખાઈ ઊઠી. ‘હું ખોવાઈ ગઈ? સિંગાપોરમાં? વાહ હવે ટીવી પર મારો ઇન્ટરવ્યૂ આવશે ને હું ઝીણામાં ઝીણી વાત વિગતે જણાવીશ,’ ‘એમ તો, નાનપણથી જ મને ખોવાઈ જવાની ટેવ. બૌ મજા આવે.’ વગેરે. પણ એ બધું મનમાં જ રહ્યું ને બીજો કલાક પૂરો થતાં પહેલાં હું તો ઘરે પહોંચી ગઈ. નિયત સમયે ને નિયત જગ્યાએ જવાનાં કોઈ કારણો નથી હોતાં પણ મોડા પહોંચવાનાં કે ખોવાઈ જવાનાં ઘણાં રોચક કારણો હોય છે. હું બેચાર ગલીઓમાં ફરીને કે દુકાનો-મકાનો જોતી જોતી સમયસર ઘરે પહોંચત તો મને શું ખાક મજા આવવાની હતી? ને નોકરી ટીચી ટીચીને એકસરખા વીક-એન્ડ માણતાં દીકરા-વહુને મને જોઈને ચિંતા થવાની હતી? કે ખુશી મળવાની હતી? રોજ ફરે છે ને ફરી આવી’, તે સિવાય એમને કંઈ નવાઈ લાગત? ખોવાઈ ગઈ તો લાંબી લાંબી રસાળ વાતોમાં અમને ત્રણેને કેટલી મજા આવી! હસી હસીને ફેફસાં મજબૂત કર્યાં ને મેં સાબિત કરી બતાવ્યું કે, માણસે ફોરેનમાં રહે કે પોતાના દેશમાં, જેવા છે તેવા જ રહેવું. ‘મમ્મી, તમે બધ્ધે એકલાં ફરી આવ્યાં ને છેલ્લે છેલ્લે હાઈવે પર કેવી રીતે પહોંચી ગયાં? બોર્ડ વાંચવાનું ચૂકી ગયેલાં?’ ‘બોર્ડ તો મેં વાંચેલું પણ એના ૫૨ ‘AYE’ વાંચ્યું તે કોઈને પૂછ્યું નહીં ને જાતે જાતે જ વિચારી લીધું કે, આ રસ્તો આગળ જઈને આપણા મકાનની પાછળના રસ્તાને મળી જશે. બસ, ચાલવાની ધૂન લાગેલી એટલે એકાદ કલાક ચલાઈ જશેના વિચારે ખુશ થતી થતી ચાલવા માંડી. અડધો કલાક સુધી તો કંઈ ભાન ના થયું કે, હું કોઈક ખોટા રસ્તે જઈ રહી છું. પણ જ્યારે બહુ વાર સુધી કોઈ માણસ કે જાનવર દેખાયું નહીં કે ન દેખાયા કોઈ ટ્રાફિક સિગ્નલ્સ ત્યારે લાગ્યું કે કંઈક ગરબડ છે. પાછી વળું તોપણ અડધો કલાક ચાલવું પડશે એના કરતાં આગળ જ ચાલું. કદાચ નજીકમાં કોઈ રસ્તો કે ટૅક્સી-બેક્સી મળી જાય. ને મેં ચાલ્યે રાખ્યું. દર અડધા કિલોમીટરે પાટિયું આવતું AYE-૩૧/૫, AYE ૪ Km, ત્યારે ભાન થયું હું તો રસ્તો માપવા નીકળી છું. કંટાળવાને કે ગભરાવાને બદલે મેં મારી ડાબી બાજુ આવેલા લાઇટના બે થાંભલાની વચ્ચે ડગલાં ગણવા માંડ્યા. તમે લોકો કોઈ વાર તે બાજુ જાઓ તો ગણી આવજો. પૂ...રા પાંસઠ છે!’ ‘પછી...?’ ‘બાજુમાંથી પસાર થતા ટ્રાફિકને જોતી રહી. હાથ લાંબો કરી લિફ્ટ માંગવાની હિંમત ન ચાલી. વચ્ચે વચ્ચે ઊભી રહેતી ને જોતી કોઈ ટૅક્સી ખાલી દેખાય તો. પણ ટૅક્સી તો ભરેલી ને પાછી સ્પીડમાં હોવાથી મારાથી ઘણી દૂર ત્રીજી રોમાં જતી રહેતી. તમારો ફોન ટ્રાય કર્યો. પણ, ‘તમે મારી સેવા કરવા માટે તૈયાર નથી – રજાને દિવસે તો ઠરવા દો’ એવો કોઈક મેસેજ સાંભળીને મેં ફોન મૂકી દીધો! એક-બે વાર તો ઊભી રહીને ડાબી બાજુએ આવેલાં મકાનોની વાડમાંથી નીકળાય એવા રસ્તા શોધી જોયા. પણ વાડ સુધી પહોંચવા માટે મારે એક ખાડો ને એક નાનો ટેકરો, ધૂળ-ઢેફાં ને કદાચ પાણીવાળો પણ હોઈ શકે – તેવો પસાર કરવો પડે તેમ હતો. મેં મારી ફિટનેસનો વિચાર કરીને એ વાડ તરફથી મોં ફેરવી લીધું. ઇન્ડિયામાં હોત તો ઓછામાં ઓછી પચાસ ગાડી ધીમી પડત ને લોકો મને નવાઈથી જોતાં જોતાં જાત, એમાંથી થોડાં કદાચ લિફ્ટની પણ ઓફર કરત પણ એવું કંઈ અહીં થોડું થાય? મેં તો પરિસ્થિતિનો સ્વીકાર કરીને મનમાં ને મનમાં અંતકડી રમવા માંડેલું. બીજું શું કરું?
</poem>‘ખૂબ ચાલ્યા બાદ રસ્તો કાં બદલવાનો? ક્યાંક ખાધી થાપ, આપોઆપ બોલે છે!’</poem> {right
[ચાલતાં ચાલતાં સિંગાપો૨, ૨૦૧૦]