ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પીતાંબર પટેલ/દત્તક પિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(added photo)
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પીતાંબર પટેલ}}
[[File:Pitambar Patel.png|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|દત્તક પિતા | પીતાંબર પટેલ}}
{{Heading|દત્તક પિતા | પીતાંબર પટેલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 134: Line 140:
મનોરમાની બાબતમાં તેમણે કહ્યું :
મનોરમાની બાબતમાં તેમણે કહ્યું :


‘તેની આ દશા થઈ તેમાં તેન શો દોષ? પુરુષો સ્ત્રીઓને ભોગ્ય વસ્તુ ગણે છે તેને લીધે જ સ્ત્રીની આ દશા થઈ છે. બધાએ ભેગા થઈને એક કુમારીની જિંદગી રોળી નાખી. પુરુષ જ્યાં સુધી સ્ત્રીની ઇજ્જત નહિ કરે. ત્યાં સુધી સંસાર કદીય સુખી નહિ થાય. મનોરમાની લાચાર દશાનો બધાએ લાભ લીધો… કોઈએ તેનો હાથ પકડ્યો નહિ. તેને બધાએ મોતના મોંમાં મૂકી દીધી. આ છે આપણું પૌરુષ!’
‘તેની આ દશા થઈ તેમાં તેનો શો દોષ? પુરુષો સ્ત્રીઓને ભોગ્ય વસ્તુ ગણે છે તેને લીધે જ સ્ત્રીની આ દશા થઈ છે. બધાએ ભેગા થઈને એક કુમારીની જિંદગી રોળી નાખી. પુરુષ જ્યાં સુધી સ્ત્રીની ઇજ્જત નહિ કરે. ત્યાં સુધી સંસાર કદીય સુખી નહિ થાય. મનોરમાની લાચાર દશાનો બધાએ લાભ લીધો… કોઈએ તેનો હાથ પકડ્યો નહિ. તેને બધાએ મોતના મોંમાં મૂકી દીધી. આ છે આપણું પૌરુષ!’


દાદાની ટીકાથી મેં નીચે જોયું, વર્ષોથી પુરુષજાતે સ્ત્રીઓની અવદશા કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. દાદા જેવા મહાનુભાવો પુરુષોનાં પાપ આ રીતે ધોઈ રહ્યા હતા. મેં અંતરથી તેમને વંદન કર્યાં.
દાદાની ટીકાથી મેં નીચે જોયું, વર્ષોથી પુરુષજાતે સ્ત્રીઓની અવદશા કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. દાદા જેવા મહાનુભાવો પુરુષોનાં પાપ આ રીતે ધોઈ રહ્યા હતા. મેં અંતરથી તેમને વંદન કર્યાં.
Line 152: Line 158:
અને એ દિવસથી મનોરમાની પેઠે અમેય દાદાને દત્તક પિતા માનીએ છીએ.
અને એ દિવસથી મનોરમાની પેઠે અમેય દાદાને દત્તક પિતા માનીએ છીએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અશોક હર્ષ/સુલોચના|સુલોચના]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હીરાલાલ ફોફલિયા/રાતે વાત|રાતે વાત]]
}}

Latest revision as of 16:46, 6 September 2023

પીતાંબર પટેલ
Pitambar Patel.png

દત્તક પિતા

પીતાંબર પટેલ

એ વખતે મારી પત્ની સુવિદ્યા પ્રસૂતિગૃહમાં હતી. હું સવારસાંજ રોજ તેની ખબર કાઢવા જતો. ત્યાં મારા જેવા બીજા અધીરિયા પતિઓ પણ આવતા હશે, પણ મારું ધ્યાન એક ડોસાએ ખેંચ્યું. તેમની ઉંમર સાઠ ઉપરની હશે, પણ તેમની તંદુરસ્તી એવી તો સુંદર હતી કે તેમની ઉંમર દેખાવા દેતી ન હતી. હું દવાખાનામાં પગ મૂકું એટલે બહાર બાંકડા પર એ બેઠેલા જ જણાય. અમને સવારે આઠ વાગ્યા પછી અંદર જવા દેતા; એથી હું રોજ આઠ વાગ્યા પહેલાં પહોંચી જતો, પણ મારા આશ્ચર્ય વચ્ચે હું એ ડોસાને મારા પહેલાં આવેલા જોતો. તે બહાર બાંકડા પર બેઠા બેઠા મરાઠી દૈનિક ‘લોકમાન્ય’ વાંચતા જ હોય. તેમના મોં પરની પ્રસન્નતા, નિર્મળતા તેમની સાથે પરિચય કરવા પ્રેરે એવી હતી.

હું તેમને વહેલા વહેલા આવેલા જોતો એથી મને મનમાં થતું :

‘આ ડોસા કોની ખબર કરવા આવતા હશે? આ ઉંમરે તેમને ઘેર ઘોડિયું તો નહિ બંધાયું હોય! ઘરમાં મારી પેઠે એકલા હશે તે રોજ ખબર કાઢવા આવતા હશે!’

સમજો કે આ ઉંમરે પણ એ પિતા બનતા હોય તોય મારે શું? અને તે કોને મળવા આવે છે, કોને નહિ એવા ઊંડા પાણીમાં ઊતરવાની મારે શી જરૂર? છતાં મન કેડો છોડતું ન હતું. વારંવાર મનમાં થયા કરતું કે આ ડોસા કોને મળવા આવે છે?

પાંચ દિવસ પછી સુવિદ્યાનો ખાટલો બીજી જગ્યાએ બદલ્યો ત્યારે થોડો ભેદ ખૂલ્યો. સુવિદ્યાની બાજુના ખાટલાવાળી બાઈને એ ડોસા મળવા આવતા હતા, પણ એને જોતાં તો ઊલટા મનના તરંગો વધી પડ્યા. એ બાઈની ઉંમર માંડ વીસેક વર્ષની હશે. તેની ભાષા પરથી લાગતું કે એ ઉત્તર હિંદુસ્તાનની છે અને આ ડોસા તો મહારાષ્ટ્રી છે. એ બંને વચ્ચે કયું સગપણ હશે! આ બાઈ ન તો તેમની દીકરી હોઈ શકે કે ન તો તેમની સગી હોઈ શકે; અને તેમની તેની સાથે વાતચીત કરવાની રીતભાત પણ કહી આપતી હતી કે એની સાથે એને દીકરી જેવો સંબંધ છે. આથી તો આ વૃદ્ધમાં મને રસ પડ્યો. એમના વ્યક્તિત્વમાંથી નીતરતી નિખાલસતા જો મેં ન જોઈ હોત તો હું એમને ભેદી માણસ જ ધારી બેસત. એમને આ બાઈ સાથે કંઈ આડો સંબંધ હોય એની કલ્પના કરવી એ પણ પાપ હતું.

માનવીનું મન કેવું વિચિત્ર છે! મારે અને એ ડોસાને કંઈ લેવાદેવા ન હતી, બોલવાચાલવાનો પણ સંબંધ ન હતો; છતાં મન એની એ વાતની ખણખોતર કર્યા કરતું હતું, ઑફિસમાં પણ એકાએક એ વાત યાદ આવી જાય. મેં સુવિદ્યાને પણ પૂછી જોયેલું. તે પણ એ બાબતમાં કંઈ પણ જાણતી ન હતી. પણ બે દિવસ પછી તેણે કહ્યું, કે એ તો એના પિતાજી છે. એ ડોસા એના પિતા છે! એમ કેવી રીતે બંધ બેસે? મરાઠી છોકરી હોત તો… તો તાળોય મળી જાત, પણ પંજાબી જેવી લાગતી બાઈના પિતા મરાઠી હોય એ વાત તો ગળામાં ઊતરતી ન હતી. સુવિદ્યા આમે સીધીસાદી સ્ત્રી છે. તે કદી મારી પેઠે ખોટી લપ્પનછપ્પનમાં પડતી નથી. તેમાંય મુંબઈમાં રહ્યા પછી તો ‘એમાં આપણે શું?’ કહી પડોશીની વાતમાંય કદી કૌતુક દેખાડતી નથી. એ આ બાઈને શાની પૂછે કે એ મરાઠી ડોસો તેનો પિતા કેવી રીતે બની ગયો?

મેં એને કહ્યું :

‘પણ તું એને પૂછી તો જો… એમાંથી જાણવા જેવું રહસ્ય નીકળશે.’

‘તમે તો એવા ને એવા રહ્યા. કોઈની વાતમાં આપણે શા માટે માથું મારવું?’

‘પણ આ તો શંકા આવે એવો મામલો છે…’

‘એમાં આપણે શું? હું તો કોઈને કંઈ ન પૂછું.’ સુવિદ્યાએ મને ઠપકો આપી ચૂપ કરી દીધો.

એ પછી એ બાબતમાં મેં કંઈ ન પૂછ્યું. પણ એ ડોસાને હું ફાટી આંખે તાકી રહેતો. એ હિંદીમાં પેલી બાઈ સાથે વાત કરતા. ઘડીકમાં નાના બાળક સામે જોઈને હસે. ઘડીકમાં એ બાઈને હસાવે. પોતે તો નિરંતર બાળકની પેઠે હસતા જ હોય! આ પ્રમાણે પાએક કલાક હસીહસાવીને ચાલ્યા જાય. એ બાઈ પણ ડોસા સાથે હસે. ડોસા જાય ત્યારે તેમને હસીને વિદાય આપે. આ તો કેવાં પિતાપુત્રી! પુત્રીની સુવાવડ વખતે પિતા તેની ખબર પૂછવાગાછવા આવે તેવું મેં જોયું તો નથી, પણ સાંભળ્યુંય નથી. આ બાઈની મા નહિ હોય તે પિતા ખબર કાઢવા આવતા હશે? હું આ પ્રશ્નમાં જેમ જેમ ઊંડો ઊતરતો જતો હતો, તેમ તેમ ગૂંચવાતો જતો હતો.

અને વિશેષ કૌતુક તો એ બાઈને જોયા પછી થયું, એની તંદુરસ્તી સુવાવડમાંથી ઊઠ્યા પછીય એવી ને એવી હતી. તેના ગાલના ગુલાબની સુરખી એવી ને એવી તાજી રહી હતી. તેના મોં પર વિધાતાએ રૂપનું લીંપણ કર્યું હતું. એક વાર આંખ પડે તો ખસેડવાનું મન ન થાય તેવી તે રૂપાળી હતી. એ એટલી બધી સુંદર હતી કે એને વિશે હું સુવિદ્યાને કંઈ પૂછું તો તે મનમાં બીજું જ ધારી બેસે, એટલે મારે પરાણે ચૂપ રહેવું પડ્યું હતું.

પણ આખરે તેનો પરિચય થયો. ખુદ સુવિદ્યા એ રૂપાળી બાઈને ત્યાં મને લઈ ગઈ અને ત્યારે મને એક મહાનુભાવનો પરિચય થયો.

સુવિદ્યા ‘એમાં આપણે શું?’ કહેતી હતી ખરી, પણ આખરે તો તે સ્ત્રી હતી. તે કેવી રીતે તેનું કૌતુક શમાવી શકે? અને બંનેના ખાટલા બાજુબાજુમાં હોય પછી પરિચય ન થાય એ જ નવાઈ! પણ એ દવાખાનામાં હતી ત્યાં તેણે મને કંઈ કહેલું નહિ. સુવાવડમાંથી ઊઠ્યા પછી બેત્રણ મહિના પછી તેણે કહ્યું :

‘આ રવિવારે ક્યાં જવાનું છે?’

‘ક્યાંય નહિ. કેમ પૂછવું પડ્યું?’

‘મારે એક બેનપણીને ત્યાં જવું છે.’ અને મારી સામે જોઈને બોલી : ‘તમારે પણ સાથે આવવાનું છે.’

‘એવી તે વળી કઈ બેનપણી હતી?’

‘છે એક નવી…’

‘નવી?’

‘હા, હમણાં જ બેનપણી બનાવી છે.’ અને ટીખળ કરતી હોય તે રીતે તેણે કહ્યું : ‘તમે એને જોઈ પણ છે.’

‘મેં જોઈ છે!’ પેલી રૂપાળી બાઈની વાત હવે મનમાં દબાઈ ગઈ હતી; એટલે એ યાદ ન આવી. ‘શું નામ?’

‘મનોરમા.’

‘મનોરમા… એવી તો તારી કોઈ બેનપણી નથી!’

‘મેં કહ્યું નહિ કે નવી બેનપણી છે?’ અને હસીને મને ચીડવવા બોલી : ‘તમે તમારે રવિવારે મારી સાથે આવજો ને! રૂપાળી છોકરી દેખાડીશ.’

‘રૂપાળી છોકરી…’ આ શબ્દો કાને પડતાં જ હું બોલી ઊઠ્યો : ‘પેલી દવાખાનામાં હતી તે?’

‘હા… હા… એ જ, આ રવિવારે એને ઘેર જવાનું છે. ત્યાં ગયા પછી એની બધીયે વાત કહીશ. ત્યાં સુધી તમારે એ બાબતમાં પ્રશ્નો પૂછીને મારું માથું ખાવું નહિ.’

અને મારી નવાઈ વચ્ચે સુવિદ્યા મને દાદર લઈ ગઈ. બીજે માળે બ્લૉક હતો. તેના પર નામ લખ્યું હતું : વાસુદેવ નારાયણ જોષી. મેં ઘંટડી મારી અને પેલા ડોસા દેખાયા. તેમણે અમારો પ્રેમથી સત્કાર કર્યો. ઘરમાં પગ મૂકતાં જ એમ લાગે કે સંસ્કારી વાતાવરણમાં પ્રવેશ કરીએ છીએ. એમાં સાદાઈ હતી, મન હરી લે તેવી પ્રસન્નતા હતી. ઘરની ગોઠવણીમાં, તેના રાચરચીલામાં એવું કંઈક હતું, કે મન હળવું બની જાય અને શાંતિ અનુભવે. એ ડોસાના વ્યક્તિત્વમાં એવું કંઈક હતું કે થોડી જ વારમાં આપણને તેમના બનાવી દે. આપણને એ ઘર પણ પરાયું ન લાગે. આવું આભિજાત્ય પણ ભાગ્યે જ જોવા મળે છે.

વાતમાં ને વાતમાં મનોરમાની વાત નીકળી. ડોસાએ ટૂંકમાં મને તેની કથની કહી. મનોરમાએ ડોસાની વાત કરી. એ વાત હૈયામાં એવી તો કોતરાઈ ગઈ કે ભૂંસી ભૂંસાય તેમ નથી. એ વાત માંડીને તો ક્યાં કહેવા બેસું? પણ આ પિતાપુત્રીનું મિલન આ પ્રમાણે થયેલું :

વાસુદેવ જોષી તો નિવૃત્ત છે. સવારસાંજ વાંચવામાં વખત પસાર કરે છે. ખાસ કરીને તે ગીતા પરનાં જુદાં જુદાં ભાષ્યો વાંચે છે. અમે ગયા એ વખતે પણ તેમના ટેબલ પર સાતવલેકરનું ગીતા પરનું પુસ્તક પડ્યું હતું. ઘરમાં તેમની જ ઉંમરનાં તેમનાં વૃદ્ધ પત્ની છે. પણ તેમનું શરીર વધુ કૃશ દેખાય છે. તે હવે ઝાઝું હરીફરી શકતાં પણ નથી. ઘરમાં વૃદ્ધ દંપતી સિવાય કોઈ નથી. છતાં વાસુદેવદાદાના વ્યક્તિત્વથી ઘર ભર્યું ભર્યું લાગે છે. માણસના વ્યક્તિત્વની, તેના ચારિત્ર્યની અને આત્માના તેજની અસર વાતાવરણને કેવું ભરી દે છે, તેની પહેલવહેલી પ્રતીતિ આ ઘરમાં જ થઈ.

વાસુદેવદાદાનો પુત્ર ગોપાલકૃષ્ણ દિલ્હીમાં ભારત સરકારની મધ્યસ્થ કચેરીમાં સારા હોદ્દા પર છે. તેનો આગ્રહ પણ છે કે આ વૃદ્ધાવસ્થામાં માબાપ તેની સાથે રહે તો સારું, તો તે તેમની સેવાચાકરી પણ કરી શકે; પણ વાસુદેવદાદાને મુંબઈ છોડી દિલ્હી જવું ગમતું નથી. આખી જિંદગી મુંબઈમાં કાઢ્યા પછી ક્યાં નવા વાતાવરણમાં જવું? અગાઉ બેએક મહિના ડોસાડોસી દિલ્હીમાં રહેલાં પણ બન્નેને ગમેલું નહિ. તેમાંય ડોસીની તબિયત ત્યાં સારી રહેતી પણ ન હતી, ત્યારથી તે મુંબઈ થોડીને ક્યાંય ગયાં જ નથી.

પણ છએક મહિના પહેલાં વાસુદેવદાદાને દિલ્હી જવું પડેલું. ખાસ કારણ તો ન હતું, પણ દાદાનો પૌત્ર જરા બીમાર હતો. બીજું ઘણા વખતથી ક્યાંય નીકળ્યાય ન હતા એટલે બાળકોને જોવા, તેમની સાથે રમવા અને હવાફેર કરવા તે દિલ્હી ગયા હતા. ડોસીની તબિયત સારી રહેતી ન હતી, એટલે તે પૂનામાં તેમની બહેનને ત્યાં ગયાં હતાં. દિલ્હીથી પરત આવતાં દાદાને વિચિત્ર સંજોગમાં મનોરમાનો ભેટો થઈ ગયો.

તે દિલ્હીથી ગાડીમાં બેઠા હતા, ત્યાં સુધી તો તેમણે મનોરમાને જોયેલી પણ નહિ. પરંતુ બેએક કલાક પછી ટિકિટચેકર તડૂકવા માંડ્યો, એટલે દાદાનું એ તરફ ધ્યાન ગયું. ડબામાં બેઠેલાઓને તો તમાશો જોવા મળ્યો હોય તેમ ઊભા થઈને મનોરમાને જોઈ રહ્યા હતા. ટિકિટચેકર ભાષણ કરતો હોય તેમ બોલે જતો હતો.

‘બાપની ગાડી હશે? ટિકિટ વગર ગાડીમાં બેસતાં શરમ નથી આવતી? કપડાંનો ભભકો કરવા જોઈએ છે ને ટિકિટ લેવાતી નથી! આવાં પૅસેન્જરો જ કંપનીને દેવાળું કઢાવશે.’

મનોરમાની સ્થિતિ વિચિત્ર બની હતી. તે શું બોલે? અને લોકો તેની સામે ફાટી આંખે તાકી રહ્યા હતા એટલે તો મોં પણ ઊંચું કરી શકતી નહોતી.

‘ચાલો પૈસા કાઢો. એમ મફત મુસાફરી નહિ થાય.’ એટલે ટિકિટચેકરે ચોપડી કાઢી લખવા માંડ્યું.

‘મારી પાસે પૈસા નથી.’ મહામહેનતે મનોરમા બોલી.

‘પૈસા ન હોય તો ચાલો, ઊતરો નીચે.’

એકલીઅટૂલી અબળા ક્યાં જાય? વાસુદેવદાદાએ ડોકી ફેરવીને જોયું તો મનોરમા રડી રહી હતી. અસહાયતા અને મોં પરની કરુણતા જોઈ દાદા ઊભા થઈ ગયા. મનોરમાને રડતી જોઈ કેટલાક કહેવા લાગ્યા :

‘જાને દો, જાને દો… માસ્તર. નિરાશ્રિત હોગા.’

કોઈ કહેવા લાગ્યા :

‘બિચારી કહાં જાયેગી… અકેલી તો હૈ…’

‘હમ કુછ નહિ જાનતા, બીના ટિકિટ વો મુસાફરી નહિ કર સકતી… ચલો બાઈ, પૈસા નિકાલો, નહિ તો ખડી હો જાઓ.’

અને સૌના આશ્ચર્ય વચ્ચે વાસુદેવદાદાએ કહ્યું :

‘માસ્તર, યે રહા પૈસા… ઉનકો પરેશાન ક્યું કરતે હો?’

માસ્તરની, લોકોની અને મનોરમાની સૌની નજર દાદા ઉપર પડી.

‘કિધર જાના હૈ, બેટી?’ દાદાએ મનોરમાને પૂછ્યું.

મનોરમા શું કહે? એને ક્યાં જવું હતું તેની તેનેય ખબર ન હતી. તેના મોં પરની મૂંઝવણ પામી જઈ દાદાએ જ કહી દીધું :

‘અચ્છા, બમ્બઈકી ટિકિટકા ચાર્જ કરો.’

અને ઘડી પહેલાંનું ટીખળનું વાતાવરણ પલટાઈ ગયું. ટિકિટચેકર પૈસા લઈ ચાલ્યો ગયો. દાદાએ મનોરમાને પોતાની બાજુમાં બેસાડી. એને આશ્વાસન આપ્યું. વનવગડામાં મીઠી વીરડી મળી હોય તેમ મનોરમા દાદાના માયાળુ શબ્દો સાંભળી રડી પડી – જેમ દુઃખી પુત્રી પિતા આગળ રડે તેમ.

અને વાસુદેવદાદાએ મનોરમાને હિંમત આપી શાંત કરી. વાતમાં ને વાતમાં તેની દીન દશા જાણી લીધી.

મૂળ એ રાવલપિંડીની, પિતા તો મરી ચૂક્યા હતા પણ મોટાભાઈ અને મા હતાં. ઘરની સ્થિતિ સામાન્ય હતી. મોટાભાઈ નોકરી કરે એમાંથી ઘર ચાલતું. પણ દેશના ભાગલા પડ્યા. રમખાણો થયાં. તેમાં સૌને ભાગવું પડ્યું. મનોરમા તેના ભાઈ અને મા સાથે દિલ્હી આવી. લાખો માણસો દિલ્હીમાં આવ્યાં હતાં. કોઈને રહેવા ઘર ન હતું, ખાવાનું પણ ઠેકાણું ન હતું. જ્યાં જગ્યા જોઈ ત્યાં લોકો પડ્યાં રહેતાં હતાં. નિરાશ્રિતોના કૅમ્પમાં પણ જગ્યા ન હતી. કીડિયારાની પેઠે નિરાશ્રિતો ઊભરાયાં હતાં. દિલ્હીના રસ્તાઓ ઉપર ચાલવાની જગ્યા પણ ન હતી. સૌ લાચાર હતાં. અસહાય હતાં. આટલાં બધાંનું ઠેકાણું પાડવું સરકાર માટે પણ મહામુશ્કેલ હતું.

એ વખતે મનોરમા ગુલાબની છડી જેવી મનોહર હતી. જોતાં જ આંખમાં વસી જાય એવી હતી. તેના પર કેટલીય આંખો ચકળવકળ થતી હતી અને એક જણે તેની અસહાયતાનો લાભ પણ લીધો. બધાંને આશરો આપવાના બહાને તે તેના ઘેર લઈ ગયો. થોડા દિવસ બધાંને રાખી મનોરમાના ભાઈને અને તેની બાને નિરાશ્રિત કૅમ્પમાં મોકલી દીધાં. મનોરમા પણ જવા માગતી હતી. પણ તેણે કહ્યું :

‘મનોરમા ભલે અહીં રહેતી. હું તમારા માટે ઘરની તપાસ કરું છું, મળશે એટલે બધી વ્યવસ્થા થઈ જશે. મનોરમાને ત્યાં કૅમ્પમાં રાખવી ઠીક નહિ. ત્યાં કોણ કેવું હોય કેવું નહિ! એ બધા વચ્ચે આમ ઉંમરલાયક છોકરીને મૂકવી તે ઠીક નહિ. અહીં મારે ત્યાં મારાં છોકરાં સાથે રહેશે.’

જ્યાં આકાશપાતાળ એક થઈ જાય એવી દશા થઈ હોય, માથા પર દુઃખની ઝડીઓ વરસતી હોય, ત્યાં માને કે ભાઈને બીજું સૂઝેય શું? તેમને આ ભલા માણસના શબ્દોમાં વિશ્વાસ આવ્યો. ગૃહસ્થી છે. બૈરી-છોકરાંવાળો છે. હમદર્દી છે, પંજાબી – તેમની જાતવાળો છે. એ તેમના ભલા માટે તો મનોરમાનો ભાર ઉપાડે છે. તો ભલે બહેન સુખી થતી. કૅમ્પમાં હેરાન થાય તેના કરતાં અહીં રહે તે શું ખોટું છે!

અને મનોરમા મા અને ભાઈથી જુદી પડી. પેલાએ ભલાઈ દેખાડી તેની ચાલ શરૂ કરી. મનોરમાને ફસાવી. મનોરમાએ તેનું સર્વસ્વ ગુમાવ્યું. તેનું જીવતરથીય મોંઘું શિયળ પણ ગુમાવ્યું. તે ત્યાંથી ભાગી કૅમ્પમાં ગઈ. ત્યાંય પુરુષોએ તેનો ખોટો લાભ લીધો. તેનું રૂપ તેના દુશ્મનની ગરજ સારતું હતું. જેની નજરે પડતી તે તેનો ઘાટ ઘડવાનો પેંતરો રચતો. પુરુષજાતે આ રૂપાળી સ્ત્રીની દશા ખરાબ કરવામાં કંઈ બાકી ન રાખ્યું. તે તેની માને મળી ત્યારે તો તે બેજીવી હતી. મા કયા ઉમળકાથી દીકરીને આવકારે?

મનોરમા માટે હવે મરવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. ‘હું તારી સાથે શાદી કરીશ’ એમ કહેનાર પણ હાથતાલી આપી ચાલ્યો ગયો હતો. જે આવતા તે મીઠી મીઠી વાતો કરતા. હવે મનોરમાને પોતાની જાત માટે તિરસ્કાર આવ્યો હતો. તેણે પુરુષજાત પર વિશ્વાસ મૂક્યો, એ ભોળપણ પર તિરસ્કાર છૂટ્યો હતો. આવી અપમાનજનક દશામાં જીવવું તેના કરતાં મરી જવું એ જ સારું છે, અને મનોરમાએ આપઘાત કરવાનું નક્કી કર્યું. તે કૅમ્પમાંથી ભાગી છૂટી. નીકળી હતી આપઘાત કરવા અને આવી પહોંચી સ્ટેશન પર. એ વખતે આ ગાડી ઊભી હતી. તે કશીય ગણતરી વગર ડબ્બામાં બેસી ગઈ. ક્યાં જવું છે તેનીય ખબર ન હતી. શું કરવું છે તેનીય ખબર ન હતી. તે ગાડીમાં કેવી રીતે બેસી ગઈ તેનીય ખબર ન હતી. તેની બુદ્ધિ ચાલતી ન હતી. હૃદયને મૂર્છા આવી ગઈ હતી. મરવા નીકળેલી મનોરમાને જ્યારે ટિકિટચેકરે પકડી, ત્યારે તેનેય થયું કે તે શા માટે ગાડીમાં બેઠી?

એ મનોરમા દાદાની હૂંફમાં મુંબઈ આવી.

દાદાએ કહ્યું :

‘કોણ જાણે કેમ પણ એને જોતાં જ મને મારી દીકરી સુશીલા યાદ આવી. તેને મરી ગયે ત્રણ વર્ષ થયાં. પહેલી સુવાવડમાં જ તે મરી ગયેલી. એ હોત તો આવડી જ હોત. મને થયું, પ્રભુએ સુશીલાને નવા રૂપે મોકલી છે. સુશીલાની માને પણ મનોરમા ગમી ગઈ અને અમે તેને દીકરી ગણીને રાખી.’

બેજીવી બાઈને, કશીય ઓળખાણપિછાન વગર દીકરી તરીકે રાખવી એ કેવી મોટી વાત હતી!

મનોરમા બાબાને ધવડાવવા બીજા ખંડમાં ગઈ એટલે દાદા બોલ્યા:

‘પ્રભુની માયા અકળ છે. મનોરમા મને મળી એમાં હું તો એનો જ હાથ જોઉં છું. અમે બંને વૃદ્ધ થયાં છીએ. દીકરો તેનું ઘર કરીને રહ્યો છે. અમને આ ઘર છોડીને બીજે ક્યાંય જવું ગમતું ન હતું. એવામાં જ પ્રભુએ મનોરમાને મોકલી આપી. અમે એના બાબાને રમાડીશું અને મજા કરીશું. દીકરી છે તે અમારી સેવાચાકરી તો કરશે.’ અને ડોસી તરફ હાથ કરીને દાદા બોલ્યા : ‘મારે તો ઠીક, પણ એને તો ઘડપણમાં શાંતિ રહેશે ને! હવે દીકરી મળી છે એટલે માને શું દુઃખ?’

દાદાની વાણીનો રણકો એવો મધુર હતો કે કાનમાં ગુંજ્યા કરે. એ વાણી માનવતાથી રસેલી હતી. તેમની જીવન જોવાની નવી સૃષ્ટિમાં પણ માણસાઈ આગળ તરી આવતી હતી. તેમણે નિરાશ્રિતોની, સ્ત્રીઓની કરુણ દશાની, અપહૃતાઓની વાત કરી. એ બધાંમાં તેમની સ્વસ્થ દૃષ્ટિનું દર્શન થતું હતું. માણસાઈની ઇજ્જત કરવી, માનવતાને પ્રગટ કરવી એ તેમની પ્રવૃત્તિનું લક્ષ્ય હતું. તેમની સાથેની વાતચીત પરથી લાગ્યું કે તેમણે માત્ર ધર્મનાં પુસ્તકો વાંચ્યાં ન હતાં, પણ એના વિચારોનું પરિશીલન કર્યું હતું. એ વિચારો પચાવ્યા હતા અને જીવનમાં પણ ઉતાર્યા હતા.

મનોરમાની બાબતમાં તેમણે કહ્યું :

‘તેની આ દશા થઈ તેમાં તેનો શો દોષ? પુરુષો સ્ત્રીઓને ભોગ્ય વસ્તુ ગણે છે તેને લીધે જ સ્ત્રીની આ દશા થઈ છે. બધાએ ભેગા થઈને એક કુમારીની જિંદગી રોળી નાખી. પુરુષ જ્યાં સુધી સ્ત્રીની ઇજ્જત નહિ કરે. ત્યાં સુધી સંસાર કદીય સુખી નહિ થાય. મનોરમાની લાચાર દશાનો બધાએ લાભ લીધો… કોઈએ તેનો હાથ પકડ્યો નહિ. તેને બધાએ મોતના મોંમાં મૂકી દીધી. આ છે આપણું પૌરુષ!’

દાદાની ટીકાથી મેં નીચે જોયું, વર્ષોથી પુરુષજાતે સ્ત્રીઓની અવદશા કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. દાદા જેવા મહાનુભાવો પુરુષોનાં પાપ આ રીતે ધોઈ રહ્યા હતા. મેં અંતરથી તેમને વંદન કર્યાં.

હું મનમાં દાદાની પ્રશંસા કરી રહ્યો હતો ત્યાં મનોરમા ચા અને નાસ્તો લઈને આવી. તેનું પોતાનું ઘર હોય એવી આસાનીથી તેણે બધું કામ ઉપાડી લીધું હતું. સુવિદ્યા તેને મળવા રસોડામાં ગઈ હતી તે ય બહાર આવી. મારા બાબાને દાદાએ ખોળામાં લીધો અને લાડ કરવા લાગ્યા. એ વખતે દાદા મને બાળક જેવા નિર્દોષ લાગ્યા. મને થયું મનોરમાનો બાબો દાદાને જરૂર બાળક બનાવી દેશે.

અમે નાસ્તો કરી ચા પીવા લાગ્યાં. દાદા બધાંને હસાવતા હતા. અમે પહેલી જ વાર આ ઘરમાં પગ મૂકતાં હતાં, છતાં કેટલીય જૂની ઓળખાણ હોય તે રીતે દાદા વાતો કરતા હતા. અમે પણ વાતોમાં ચડ્યાં હતાં. મનોરમા જીવતરનું ઝેર ભૂલી જઈને હસતી હતી. જાણે તેણે નવો અવતાર પ્રાપ્ત કર્યો હતો. તેણે હસતાં હસતાં અમને કહ્યું :

‘સામાન્ય રીતે લોકો પુત્રને દત્તક લે છે. પણ મેં તો દાદાને દત્તક પિતા બનાવ્યા છે. આમે હું નાની હતી ને મારા પિતા ગુજરી ગયા હતા. એ પિતા મને મારા કટોકટીના સમયે મળી આવ્યા અને મને નવી જિંદગી આપી!’

‘એમ કહે કે આ બાબાએ આપણને બધાંને નવી જિંદગી આપી.’ કહી દાદા મનોરમાના બાબાને વહાલથી બચીઓ કરવા લાગ્યા અને પોતાની પ્રશંસા ટાળવા તેમણે વાતોનું વહેણ બદલી નાખ્યું.

એ વાસુદેવદાદાને નમન કરી અમે છૂટાં પડ્યાં. મનોરમા અને સુવિદ્યા બહેનપણીઓ બની ગયાં છે એટલે દાદાને અવારનવાર મળું છું. દરેક વખતે મને પાસાદાર હીરાની પેઠે તેમની ઝળહળતી માનવતાનું એકાદ નવું પાસું જોવા મળે છે. એમને જોઉં છું ને મનમાં થાય છે :

‘આવા મહાનુભાવોની માનવતા જ દુનિયાને ટકાવી રાખે છે. સંસારમાં અસત્ય છે, અનીતિ છે તો આવી માનવતા પણ છે. માનવજાત જીવતી રહેશે તો તે આવા ભદ્ર પુરુષોના પ્રેમને લીધે જ.’

અને એ દિવસથી મનોરમાની પેઠે અમેય દાદાને દત્તક પિતા માનીએ છીએ.