અન્વેષણા/૧. ગુર્જર ઇતિહાસ અને સંસ્કૃતિ : કેટલાક વિચારો: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 12:10, 10 September 2023
ગુજરાત સંશોધક પરિષદના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગનું પ્રમુખપદ સ્વીકારવા માટે મને નિમંત્રણ આપવા સારુ ગુજરાત સંશોધન મંડળની કાર્યવાહક સમિતિનો સૌ પહેલાં આભાર માનવાનું મારું કર્તવ્ય સમજું છું. ગુજરાત સંશોધન મંડળના ત્રૈમાસિકનો હંમેશાં હું એક ઉત્સુક વાચક રહ્યો છું; આશરે પચીસ વર્ષ પહેલાં, સને ૧૯૪૨માં ‘ગુજરાતનાં સ્થળનામો’ વિષેનો મારો એક લેખ એ ત્રૈમાસિકમાં પ્રગટ થયા પછી તેમાં અવાર- નવાર ગુજરાતી-અગ્રેજી સ્વાધ્યાય-લેખો હું લખતો રહ્યો છું, અને જ્ઞાન અને વિજ્ઞાનનાં અનેક ક્ષેત્રોમાં મંડળે યોજેલાં સંશોધન કાર્યો પાછળનાં ખંત અને કર્તવ્યબુદ્ધિનો એક પ્રશંસક છું. આથી મંડળે મારા કામ પ્રત્યે દર્શાવેલા સદ્ભાવથી આનંદ અનુભવું છું.
પરંતુ એ સાથે મારી મૂંઝવણનો પણ આરંભ થાય છે. ઇતિહાસ અને સંસ્કૃતિનો વિષય જીવનવ્યાપી છે. પ્રચલિત વિદ્યાકીય પરિભાષાનો ઉપયોગ કરીને કહીએ તોપણ, નિદાન સર્વ માનવવિદ્યાઓનો સમાવેશ એમાં થઈ જાય. તો પછી, આ પ્રસંગે રજૂ કરવા જોઈતા વક્તવ્યમાં મારે વિષયપસંદગી શી રીતે કરવી? ગુજરાતના સંશોધકોની આ પરિષદ હોઈ ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિષે થોડીક વાતો કરવી પ્રસ્તુત થશે એમ સમજું છું. કોઈ સંશોધનાત્મક નિબંધ અહીં રજૂ નહિ કરું. પણ ઐતિહાસિક બળોની અસરો સંસ્કૃતિના વિકાસ ઉપર કેવી રીતે થાય છે એની ચર્ચા પ્રાચીન ગુર્જર દેશના ઇતિહાસમાંથી એકાદ ઉદાહરણ આપીને કરીશ તથા ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં કરવાં જોઈતાં અધ્યયન અને સંશોધનનાં થોડાંક કામો વિષેના મારા ખ્યાલો સંક્ષેપમાં રજૂ કરીશ. કોઈ પણ દેશ કે પ્રદેશનો ઇતિહાસ, એની સંસ્કૃતિ અને એનો ભાષાવિકાસ એ અનેક રીતે પરસ્પર અસર કરનારાં તત્ત્વો છે અને સાથોસાથ પરસ્પરાવલંબી છે. ગુજરાતનાં ઇતિહાસ, સંસ્કૃતિ અને ભાષા પરત્વે પણ આ વાત સાચી છે. ગુજરાત સમેત સર્વ ભારતીય આર્ય ભાષાઓનાં નજદીકનાં મૂળ આપણે અપભ્રંશમાં ખોળીએ છીએ. એક સમયે ‘અપભ્રંશ’ પદનો અર્થ ‘અપભ્રષ્ટ શબ્દો’ અથવા ‘અપભ્રષ્ટ વિકાર પામેલી ભાષા’ એવો થતો હતો; અને સંસ્કૃતથી ભિન્ન એવી લોકપ્રચલિત ભાષાઓ એ નામથી ઓળખાતી હતી. પણ એ તો ‘અપભ્રંશ’નો વ્યુત્પત્ત્યર્થ ગણાય. વિદ્વન્માન્ય સંસ્કૃત અને પ્રકૃષ્ટ સાહિત્યિક સ્વરૂપ પામેલી લોકભાષા પ્રાકૃતથી ભિન્ન એવી અપભ્રંશ નામની સામાન્ય લોકબોલી, આશરે હજાર-બારસો વર્ષ પહેલાં, દૂર દક્ષિણને બાદ કરતાં, બાકીના ભારતની સર્વસ્વીકૃત વ્યવહારભાષા અને ‘કાવ્યમીમાંસા’કાર રાજશેખરનો શબ્દપ્રયોગ કરીને કહીએ તો, ‘ સુભવ્ય’ સાહિત્યભાષા બની ચૂકી હતી એ આપણા સાહિત્યિક અને સાંસ્કૃતિક ઇતિહાસની એક શકવર્તી ઘટના છે. અપભ્રંશના મહાકવિઓ ચતુર્મુખ સ્વયંભૂ ત્રિભુવન સ્વયંભૂ અને પુષ્પદંતની રચનાઓ દક્ષિણે કર્ણાટકમાં થઈ છે, સિદ્ધ સંપ્રદાયના સરહપાદ અને કણ્હપાદે પોતાના અપભ્રંશ ‘દોહાકોશ’ અનુક્રમે આસામ અને પૂર્વ બંગાળમાં રચ્યા છે, અને બૌદ્ધ તંત્રનો ‘ડાકાર્ણવ’ નેપાલમાં રચાયો છે. અપભ્રંશના ઉપલબ્ધ સાહિત્યનો મોટો ભાગ ગુજરાત અને રાજસ્થાનનો છે. જૂના સમયમાં અપભ્રંશનું સૌથી પ્રમાણમ્રૂત વ્યાકરણ ગુજરાતના આચાર્ય હેમચન્દ્રે ‘સિદ્ધહૈમ શબ્દાનુશાસન’ના આઠમા અધ્યાયમાં આપ્યું છે. પ્રાન્તીય બોલીઓની ઠીક ઠીક અસર હોવા છતાં ભારતના જુદા જુદા પ્રદેશોમાં લખાયેલું જે અપભ્રંશ સાહિત્ય મળે છે તેની ભાષા એક છે. આ વિષયના ઘણા વિદ્વાનો માને છે કે અપભ્રંશનો પાયો ગુજરાત અને રાજસ્થાનની દેશ્ય ભાષામાં છે; એ પાયા ઉપર વિકાસ પામી, સાહિત્યિક ક્ષમતા પ્રાપ્ત કરી, આખાયે આર્ય ભારતમાં અને કેટલાક દાખલાઓમાં તેની યે બહાર શિષ્ટ સાહિત્યરચના માટે અપભ્રંશ પ્રયોજાઈ. એક પ્રદેશની ભાષા ભારતવ્યાપી કેવી રીતે બની હશે તે શાસ્ત્રીય પર્યેષણાનો પ્રશ્ન છે. વિદ્યા, ધર્મ અને સંસ્કારની સુબદ્ધ ભાષા તરીકે સંસ્કૃત સમસ્ત ભારતમાં સૈકાઓ સુધી વ્યાપી હતી, ભારત બહાર તેણે દિગ્વિજય કર્યો હતો અને આધુનિક સમયમાં પણ તે ગૂઢ જીવંત બળ છે. પરંતુ એનો તો એક અલગ ઇતિહાસ છે. અર્વાચીન કાળમાં દિલ્હી-મેરઠ આસપાસની ખડી બોલીનો સાહિત્યિક પ્રયોગ આરંભાયો અને હવે તે ભારતવ્યાપી સમવાયભાષા બની રહી છે એનું ઉદાહરણ આપણી સામે છે. વ્રજમંડળની વ્રજ ભાષાએ સમસ્ત ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજદરબારોમાં માનભર્યું સ્થાન મેળવ્યું હતું તથા એના મૂળ પ્રદેશની બહાર તે વ્યાપક સાહિત્યિક પ્રયોગ પામી હતી એ નજદીકના ભૂતકાળની ઘટના છે. તુલનાથી કલ્પી શકાય કે અપભ્રંશને વ્યાપક સ્થાન અને મહત્તા આપનારાં પરિબળો હોવાં જોઈએ. તો એ પરિબળો કયાં? ગુજરાતને નામ આપનાર ગુર્જરોની મૂલ પ્રાકૃત ભાષા આ અપભ્રંશની ઘટનામાં કારણભૂત છે, જ્યારે એનું ભારતવ્યાપી સ્થાન ગુર્જર સામ્રાજ્યને આભારી છે એમ માનવાનું મારું વલણ છે, અને તે આપની વિચારણા માટે હું રજૂ કરું છું, આ વલણને નિશ્ચિત અભ્રિપાયનું સ્વરૂપ આપવા માટે હજી કેટલાંક પ્રમાણો જોઈએ-અને સંભવ છે કે, આ મુદ્દાની અધ્યયનસામગ્રીનું સ્વરૂપ જોતાં એ પ્રમાણો મળે જ નહિ અથવા અલ્પસ્વલ્પ મળે – એટલે મારા વિચારો અહીં સૂચનરૂપે જ આગળ ધરું છું. સ્વરપ્રક્રિયામાં અપભ્રંશ ઘણુંખરું મહારાષ્ટ્રી પ્રાકૃતને-સંસ્કૃત પછી સાહિત્યિક પ્રયોજન માટે સર્વમાન્ય થયેલી પ્રકૃષ્ટ પ્રાકૃતને અનુસરે છે, પણ અપભ્રંશનું બાકીનું ઘડતર મહારાષ્ટ્રી કે શૌર- સેનીને અનુસરતું નહિ, પણ બીજી કોઈ અજાણી પ્રાકૃતમાંથી આવેલું લાગે છે. આ અજાણી પ્રાકૃત તે ગુર્જરોની ભાષા હોય. પશુપાલક ગુર્જરો સાથે આભીરોનો નિકટનો સંબંધ અથવા એકત્વ મનાય છે. આલંકારિક દંડીએ એના ‘કાવ્યાદર્શ’માં आमीरादिगिर: काव्येष्वपभ्रंश इति स्मृताः (‘આભીર વગેરેની બોલીઓ કાવ્યોમાં – કાવ્યરચનામાં અપભ્રંશ કહેવાય છે’ ) એવો ઉલ્લેખ કર્યો છે તે આ રીતે સૂચક છે. મધ્યકાલીન ભારતમાં રાજકીય દૃષ્ટિએ પ્રબળ અને સાંસ્કૃતિક દૃષ્ટિએ સમર્થ ગુર્જર સામ્રાજ્યો થયાં છે, પણ એનાં પાટનગરો બદલાતાં રહ્યાં છે તથા કેટલીક વાર તો સમસામયિક બે પાટનગરો વચ્ચે સતત વિગ્રહો ચાલતા રહ્યા છે. આથી ગુર્જર સંસ્કૃતિના સાતત્ય પ્રત્યે ઇતિહાસકારોનું પૂરતું ધ્યાન ગયું લાગતું નથી. એ સમયના ગુર્જર દેશની અને ગુર્જર સામ્રાજ્યોની વાત કરતાં ગુજરાતની વર્તમાન સીમાઓ ભૂલી જવી જોઈએ. શ્રીમાલ-ભિન્નમાલ અને કનોજ એ બે ગુર્જર સામ્રાજ્યનાં પ્રાચીનતર કેન્દ્રો હતાં-એક રાજરથાનમાં અને બીજું ઉત્તર પ્રદેશમાં. એ સમયમાં સમ્રાટો અને તેમના માંડલિકોના દરબારો તથા એ દરબારો સાથે જોડાયેલા કવિપંડિતો સાહિત્ય અને વિદ્યાના પ્રચારમાં મહત્ત્વના સાધનરૂપ હતા. બળવાન ગુર્જર-પ્રતિહાર સામ્રાજ્ય પણ રાજદરબારની બોલીના સાહિત્યિક પ્રયોગને ઉત્તેજન અને વેગ આપવામાં સક્રિય બન્યું હોય તો એમાં આશ્ચર્ય જેવું નથી. શ્રીમાલ પાસેના જાલોરમાં પ્રાકૃત મહાકથા ‘કુવલયમાલા’ (ઈ. સ. ૭૭૮ ) રચનાર ઉદ્યોતન સૂરિએ અપભ્રંશની આત્મીયતાપૂર્વક પ્રશંસા કરી છે અને અપભ્રંશ સાહિત્યિક ગદ્યનો પ્રાચીનતમ ઉપલબ્ધ નમૂનો આપ્યો છે. રાજાના કવિસમાજમાં અપભ્રંશના કવિઓનું માનાસ્પદસ્થાન, કનોજના ગુર્જર—પ્રતિહાર રાજા મહેન્દ્રપાલના ગુરુ રાજશેખરે (ઇ. સ. ૮૮૦- ૯૨૦) એની ‘કાવ્યમીમાંસા’માં નિર્દેશ્યું છે. મિથિલા અને બંગાળના કવિઓ પણ પોતાની સ્થાનિક બોલી છોડીને ‘ અવહટ્ઠ’(સં. अपभ्रष्ट)માં કાવ્યરચના કરતા એ વસ્તુનો ખુલાસો બીજી રીતે આપી શકાય એમ નથી. આ રીતે પ્રતિષ્ઠિત બનેલી કવિભાષા પછી આર્યભારતમાં સર્વત્ર પ્રસરી એ હકીકત, ઉપલબ્ધ અપભ્રંશ સાહિત્યકૃતિઓ દ્વારા, એવી તો પ્રત્યક્ષ છે કે એ માટે બીજા કોઈ પુરાવા આપવાની જરૂર નથી. શ્રીમાલ અને કનોજ પછી ગુજરોનાં વિખ્યાત પાટનગરો બે-પશ્ચિમ ભારતમાં ચૌલુક્ય અથવા સોલંકી વંશનું અણહિલવાડ પાટણ અને મધ્ય ભારતમાં પરમાર વંશનું ધારાનગર. ગુજરાતમાં મૂલરાજ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલ જેવા તથા માળવામાં મુંજ અને ભેાજ જેવા પ્રતાપી અને વિદ્યાપ્રેમી રાજવીઓ થઈ ગયા. બંનેય કેન્દ્રોની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ પરસ્પર વિરોધી હોવા છતાં બંનેયના સાંસ્કૃતિક, ધામિઁક અને સાહિત્યિક પ્રવાહો સમાન્તર જ નહિ, સર્વથા એક હતા; અને તે સમયનું બંનેનું લોકભાષાનું માધ્યમ પણ, બોલીગત ફેરફારોને બાદ કરતાં, એક હતું. કદાચ એ જ કારણથી, અપભ્રંશની સૌથી વધારે ઉપલબ્ધ રચનાઓ આ પ્રદેશની છે. જે લોકભાષા હોય તે જ કવિભાષા હોય એ લાભ સાહિત્યપ્રણેતા માટે જેવો તેવો નથી. ખાસ નોંધપાત્ર વસ્તુ એ છે કે અપભ્રંશમાં કાવ્યરચનાની પ્રણાલિ આ પ્રદેશમાં પ્રમાણમાં અર્વાચીન કાળ સુધી-સોળમા સત્તરમા સૈકા સુધી ચાલુ રહેલી છે. હમણાં કહ્યું તેમ, વ્યાપક સાહિત્યિક અપભ્રંશ કેટલીક વાર ‘અવહટ્ઠ’ કે ’અવિહટ્ઠ’ તરીકે ઓળખાતી. સરહપાદના ‘દોહાકોશ’ના ટીકાકાર અદ્વયવજ્રે (ઈ. સ. ૧૩૦૦ પહેલાં) એ કૃતિની ભાષાને ‘અવહટ્ઠ’ કહી છે અને ચૌદમા સૈકાનો મિથિલાનો રાજકવિ વિદ્યાપતિ પ્રશસ્તિકાવ્ય ‘કીર્તિલતા’ની ભાષાને ‘અવહટ્ઠા’ કહે છે. એ બતાવે છે કે પ્રસ્તુત સન્દર્ભમાં ‘અવહટ્ઠ’ નામ નિદાન ચૌદમા–પંદરમા સૈકા સુધી ઓછાવત્તા પ્રમાણમાં પ્રચલિત હતું. પણ પછીના સમયમાં, ‘અવહટ્ઠ’ નામ, ખાસ તો, વ્યાપક અપભ્રંશના એક વિશિષ્ટ દરબારી સ્વરૂપ માટે વપરાયું છે. ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓ માટે એનો સૌથી પરિચિત નમૂનો તે ઈડરના રાજકવિ શ્રીધર વ્યાસનો ‘રણમલ્લ છંદ’ (ઈ. સ. ૧૪૦૦ આસપાસ) છે. રાજ્યાશ્રિત પ્રશસ્તિકાવ્યોની ભાષા અવહટ્ઠ નામે ઓળખાય છે. સૌરાષ્ટ્રની ચારણી કવિભાષા અને રાજસ્થાનનાં વીરરસિક કાવ્યેાની ‘ડિંગલ’ કે ‘ડિંગળ’ એ વ્યાપક અપભ્રંશનાં તળપદાં રૂપો (Vernacularized forms) છે. ચાલુ ભાષાના શબ્દપ્રયોગો સાથે એમાં ઠીક છૂટછાટ લીધેલી જોવામાં આવે છે. કેટલાક અભ્યાસીઓ માને છે કે એ સદંતર કૃત્રિમ કવિભાષાઓ છે. પ્રશસ્તિપ્રધાન રચનાઓમાં ચોક્કસ ધાટીઓ અને પ્રણાલિકાઓને કારણે નિરૂપણના ચીલાચાલુપણા સાથે કોઈ ભાષાગત કૃત્રિમતાઓ પ્રવેશે એ શક્ય છે; પણ માનવામાં આવે છે તેમ, થોડાક દરબારી કવિઓ કે ચારણો કોઈ કૃત્રિમ ભાષા ઊભી કરી દે એ અસંભવિત છે. એના અધઃસ્તરમાં કોઈ બોલીનો પાયો તો હોવો જોઈએ, જેના ઉપર પ્રસ્તુત કવિભાષા ટકી શકે. એ બોલી કોની હશે? જે ગુર્જર પ્રજાની કથ્ય ભાષા વ્યાપક અપભ્રંશના આધારરૂપ હશે એની જ કોઈ ટોળી કે ટુકડીની એ બોલી હોવી ઘટે એવો મારો તર્ક છે. એ બાબતમાં વિશેષ માહિતીની અપેક્ષા રહે છે, અહીં તો મારું કથયિતવ્ય એટલું જ છે કે અવહટ્ઠ, ચારણી ભાષા કે ડિંગલ કેવળ કૃત્રિમ ભાષાઓ હોઈ શકે નહિ. ગુર્જર પ્રજા વાયવ્ય સરહદથી પંજાબમાં થઈ ભારતના અન્ય પ્રદેશોમાં પ્રસરી. એની કેટલીક ટોળીઓ રાજસ્થાનમાં સ્થિર થઈ અને ત્યાંથી આગળ વધી ગુજરાતમાં પ્રવેશી. બીજી કેટલીક ટોળીઓ પંજાબથી મત્સ્ય પ્રદેશ અને માળવામાં થઈ પૂર્વ દિશાએથી ગુજરાતમાં દાખલ થઈ. ‘ગુજરાત’ અર્થાત્ ગુર્જરોના યાયાવર સમૂહોના કાયમી વસવાટને કારણે આપણા પ્રદેશનું ‘ગુજરાત’ નામ સ્થિર થયું. ખાસ કરીને પંજાબ અને વાયવ્ય સરહદ તરફનાં ગામોનાં નામ સાથે ગુજરાતનાં સ્થળનામોનું ધ્યાન ખેંચતું સામ્ય છે. જેમ કે, અફઘાનિસ્તાનનુ કંદહાર ( સં. गान्धार) અને ગુજરાતનું ગંધાર, પંજાબનું સિયાલકોટ અને ગુજરાતનો સિયાલબેટ, પંજાબનું અંબાલા અને ગુજરાતમાં ચાણસ્મા પાસેનું અંબાડા તથા પાદરા પાસેનુ અંબાડા, કાશ્મીરનું શ્રીનગર અને પોરબંદર પાસેનું શ્રીનગર, રોહતક પાસેનું યૌધેયોનું પ્રાચીન પાટનગર બહુધાન્યક અને ગુજરાતમાં કામરેજ પાસેનું બહુધાન, પંજાબનાં ગુજરાંવાલા, ગુજરાત, જિલ્લા ગુજરસિંગ અને આપણાં ગુજરાત (પ્રાન્ત) અને ગોજારિયા(ગુજરિયા) વગેરે સામ્યો ખૂબ સૂચક છે. આ સ્થળનામોને ગુર્જરોના સ્થળાંતર સાથે સંબંધ હોવો જોઈએ, આપણા રાજપૂત, ખેડૂત અને કારીગર વર્ગમાં જેમની વસ્તી મોટા પ્રમાણમાં છે એ ગુર્જરોની મૂળ ભાષા કેવી હશે અને એમનું શબ્દભંડોળ ગુજરાત અને રાજસ્થાનની મારુ-ગુર્જર ભાષામાં કેટલે અંશે સ્વીકારાયું હશે એ ચાક્કસ કહી શકાય એમ નથી; પણ ખાસ કરીને પશુપાલન, ખેતી, શસ્ત્રાસ્ત્રો, કારીગરી અને પશુપક્ષિસૃષ્ટિને લગતા કેટલાયે શબ્દો (જેને આપણે ઘણુંખરું ‘દેશ્ય’ અર્થાત્ અજ્ઞાત મૂળના ગણી કાઢીએ છીએ) એમની પાસેથી આવ્યા હશે. ગુર્જરોની ભાષાના શબ્દોનું એક નાનું સરખું ભંડોળ પણ નિશ્ચિતપણે એકત્ર કરી શકાય એવા પુરાવા કદાચિત્ પ્રાપ્ત થાય તો ભાષા, ઇતિહાસ તેમ જ સંસ્કૃતિ ઉપર એથી નવો પ્રકાશ પડે એમાં સંશય નથી. ગુર્જર ઇતિહાસ અને સંસ્કૃતિના અધ્યયનમાં આપણે ગુજરાત અને રાજસ્થાન-નિદાન પશ્ચિમ રાજસ્થાન અને મેવાડને એકમ ગણવું જોઈએ તે સાથે આ પ્રદેશના માળવા સાથેના સંબંધને પણ ધ્યાનમાં રાખવો જોઈએ. એક ઉદાહરણથી આ સ્પષ્ટ કરું. પંદરમા સૈકામાં થયેલ મેવાડના કુંભારાણા અથવા કુંભકર્ણ એક પ્રતાપી અને વિદ્વાન રાજવી તરીકે પ્રસિદ્ધ છે. વિવિધ વિદ્યાશાખાના અનેક સંસ્કૃત ગ્રન્થોના તે કર્તા ગણાયો છે, પણ જયદેવના ‘ગીતગોવિન્દ’ ઉપરની ‘રસિકપ્રિયા’ નામની તેની ટીકા સાહિત્યરસિકોમાં સૌથી વધુ જાણીતી છે. કુંભારાણાએ પોતાના સમયની લોકભાષામાં કરેલા ‘ગીતગોવિન્દ’ના ગદ્યાત્મક અનુવાદની વિરલ હસ્તપ્રત રાજસ્થાન સરકાર-સંચાલિત, રાજસ્થાન પુરાતત્ત્વ મન્દિર, જોધપુરને હમણાં મળી છે અને એ સંસ્થાના અધ્યક્ષ આચાર્યશ્રી જિનવિજયજીએ ત્યાંની ગ્રન્થમાળા માટે એનું સંપાદન કરવા માટે મને સુચન કર્યું છે. એમાં मेदपाटभापया—મેવાડની ભાષામાં પોતે આ ગદ્યાનુવાદ કરે છે એમ કુંભારાણાએ કહ્યું છે. એ સમયના ગુજરાતી ગદ્યનો જે વિપુલ ગ્રન્થરાશિ આપણી પાસે છે એની સાથે તુલના કરતાં ‘ગીતગાવિન્દ’ના અનુવાદની આ ભાષામાં થોડાક સ્થાનિક ભેદો જ જણાય છે. આ પ્રદેશમાં ભાષાની પ્રવર્તમાન એકતાનું જ એમાં દર્શન થાય છે. ચિતોડના કિલ્લા ઉપર કુંભારાણાએ બાંધેલ કીર્તિસ્તંભ, જેને ઇતિહાસકાર અને કલાકોવિદ વિન્સેન્ટ સ્મિથે ‘ભારતીય સ્થાપત્યના સચિત્ર કોશ’ તરીકે ઓળખાવ્યો છે એનો સ્થપતિ મંડન (માંડણ) નામે મહાન સુત્રધાર હતો. મંડનના પિતા ખેતાજી પાટણના વતની હતા અને મેવાડ રાજ્યના નિમંત્રણથી ચિતોડમાં આવી વસ્યા હતા. ભારતીય કલાના વિશાળ ક્ષેત્રમાં ગુજરાત અને રાજસ્થાનનાં શિલ્પસ્થાપત્યની શૈલી વિશિષ્ટ એકતા ધરાવે છે; એક જ પરિપાટી તરીકે એનો અભ્યાસ આવશ્યક છે એ તજ્જ્ઞોને સુવિદિત છે. પરન્તુ એની વિગતવાર ચર્ચા એ એક જુદો વિષય છે. મધ્યકાળમાં મારુ-ગુર્જર પ્રદેશની ભાષાકીય અને સાહિત્યિક એકતા એક નિશ્ચિત હકીકત હોઈ તથા આ પ્રદેશમાં રચાયેલી સેંકડો સાહિત્યકૃતિઓની હસ્તપ્રતો એના સમર્થનમાં વિદ્યમાન હોઈ અભ્યાસીઓએ તો એનો સર્વત્ર સ્વીકાર કર્યો છે. ડૉ. ટેસિટરીએ જેને જૂની પશ્ચિમ રાજસ્થાની કહી છે તે જ આપણી જૂની ગુજરાતી છે. મારા જેવા અનેકોની દૃષ્ટિએ આ વાતનું ચર્વિતચર્વણ અનાવશ્યક છે. પણ ખાસ કરીને આપણી સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી બલવત્તર બનેલાં કેટલાંક ભાષાકીય વલણોને ધ્યાનમાં લેતાં,બીજા દૃષ્ટિબિન્દુથી એની વિચારણા મને જરૂરી લાગે છે. ગુજરાત અને રાજસ્થાનના જૂના સાહિત્યને ‘હિન્દી’ અથવા ‘જૂની હિન્દી’ તરીકે ઓળખાવવાની પ્રવૃત્તિ વિસ્તરતી જાય છે એમાં વિદ્યાકીય પ્રામાણિકતાના અંશ પણ નથી એમ નમ્રતાથી કહેવું જોઈએ. હિન્દીના નવા વિદ્યાર્થીઓ અને વાચકોમાં એ વલણ ગતાનુગતિકતાથી ફેલાતું જાય છે. વારંવાર કહેવામાં આવે છે તેમ, રાજસ્થાની એ હિન્દીની બોલી નથી; ગુજરાતી તો નથી જ. (જોકે હિન્દીના એક પ્રાધ્યાપકે લખેલા પુસ્તકમાં ગુજરાતી એ હિન્દીની બોલી હોવાનું સ્પષ્ટ કથન મેં જોયું હતું!) ઓગણીસમી સદી સુધી રાજસ્થાનનું સાહિત્ય ગુજરાતી જેટલું – અનેક રાજદરબારોના આશ્રયને કારણે કદાચ તે કરતાં યે વિશેષ-સમૃદ્ધ હતું; અર્વાચીન કાળમાં રાજસ્થાનીનું સાહિત્યિક ખેડાણ અટકી જવાને લીધે તથા શિક્ષણ અને જાહેર જીવનની ભાષા હિન્દી બનવાને કારણે રાજસ્થાની ભાષા કરમાઈ રહી છે અને અપર્યાપ્ત પોષણનું જે સ્વાભાવિક પરિણામ આવે તે ધીરે ધીરે આવી રહ્યું છે. ખડી બોલી ઉપર રચાયેલી હિન્દી –आ અંતવાળી છે, જ્યારે પ્રાચીન શૂરસેન પ્રદેશ(વ્રજમંડળ)ની વ્રજ, મારવાડી અને ગુજરાતી -ओઅંતવાળી છે, અને ભાષાના અભ્યાસમાં તો આ ભેદ મહુ મહત્ત્વનો છે. (ગુજરાતમાં જૂના સમયમાં રચાયેલું ‘હિન્દી’ સાહિત્ય મોટે ભાગે વ્રજ ભાષાનું છે). સંશોધન એટલે સત્યનું શોધન. સંશોધકોનું કર્તવ્ય છે કે તેમણે તથ્યોની તપાસ કરીને સત્યની પ્રતિષ્ઠા કરવી. હિન્દીના વિદ્વાનોને મારી વિનંતી છે કે ‘હિન્દી’ શબ્દનું ભૂતકાળમાં આરોપણ (Projection) ન કરો. બસો વર્ષ પૂર્વેના કોઈ ગ્રન્થમાં આ ભાષા માટે ‘હિન્દી’ શબ્દનો પ્રયોગ હોય તો તે જોવા અને જાણવા માટે હું ઉત્સુક છું. (જાયસી વગેરે મુસલમાની કવિઓની ભાષા માટે ‘હિન્દવી’ પ્રયોગની આ વાત નથી.) મારુ – ગુર્જર ફાગુઓ અને રાસાઓ તે હિન્દી, તુલસીદાસની અવધી તે હિન્દી, વિદ્યાપતિની પરંપરાના કવિઓની મૈથિલી તે હિન્દી, અને રીતિકાળના કવિઓની વ્રજ તે પણ હિન્દી? એને પરિણામે તો વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓ માટે ભ્રમ જ ઊભો થાય છે, સત્યનો અપલાપ થાય છે અને વિદ્યાને, હિન્દીને કે દેશને કોઈ લાભ થતો નથી. થાય પણ કેવી રીતે? ઉત્તર ભારતની એક યુનિવર્સિટીએ હિન્દીના ઐતિહાસિક વ્યાકરણની વિશાળ યોજના તૈયાર કરી છે; એના સંયોજકને મેં કહ્યું હતું કે આ યોજનાનો પ્રારંભ કરતાં પહેલાં તમારે હિન્દીનું લક્ષણ બાંધવું પડશે, કઈ હિન્દીનું વ્યાકરણ ઐતિહાસિક ક્રમે આપવાના છો એ સ્પષ્ટ કરવું પડશે, કેમકે આ પ્રશ્ન કેવળ સાહિત્યિક સમાલોચનાનો નથી. ડૉ, દયાનંદ શ્રીવાસ્તવે ‘સિન્ટેકસ ઑફ હિન્દી પ્રોઝ’ (‘હિન્દી ગદ્યનો અન્વય’) એ ગ્રન્થમાં છેલ્લાં સો વર્ષનો સમય લીધો છે એ ઉચિત છે. ગુજરાત, રાજસ્થાન, મિથિલા વગેરેની સમૃદ્ધ ભાષા અને સેંકડો વર્ષની સાહિત્યપરંપરા હતી એ સ્વીકારો અને તેનો અભ્યાસ કરો, આ પ્રશ્ન હિન્દીનું માહાત્મ્ય ગાવાનો નથી, હિન્દીનું તેમ જ હિન્દનું સાંસ્કૃતિક સામર્થ્ય વધારવાનો છે. સમસામયિક ઇતિહાસના આંચકા લાગવા છતાં હિન્દી જતે દિવસે ભારતની સમવાયભાષા બનશે એ નિશ્ચિત છે; વ્યવહારભાષા તો એ છે જ; પણ આ કામો તેની પાસે કાર્યક્ષમ રીતે કરાવવા માટે તેના સાહિત્યનો જન્મ સૈકાઓ પહેલાં કલ્પવો અથવા બીજાં ભાષાસાહિત્યોને એનાં આનુષંગિક કે ખંડિયાં માનવાં એ અયોગ્ય છે. એમ કરવું એ, ખરેખર તો, રાષ્ટ્રિય કુસેવા છે. આપણી સમવાયભાષા માટે, બીજી રાષ્ટ્રિય ભાષાઓની તુલનાએ, લધ્રુવયસ્ક હોવું એ કોઈ પણ રીતે નાનમરૂપ નથી. હકીકતમાં, આ વસ્તુસ્થિતિ એના સમન્વિત રાષ્ટ્રવ્યાપી વિકાસની ગંગોત્રી બની શકે.
***
ગુજરાતના બૃહદ્ ઇતિહાસની રચના વિષે જુદા જુદા પ્રસંગે વિચારણા થાય છે. એની એક યોજના પ્રો. કેશવલાલ કામદારે તૈયાર કરી હતી અને તે ગુજરાત સંશોધન મંડળના ત્રમાસિકના ડિસેમ્બર ૧૯૪૧ના અંકમાં છપાઈ છે. મંડળની અમદાવાદ શાખાના માનાર્હ નિયામક શ્રી. કેશવરામ કા. શાસ્ત્રીએ કેટલાક સમય પહેલાં એ યોજના તાજી કરી છે. આવી વિશાળ યોજના અનેક સંસ્થાઓ અને વિદ્વાનોના સહકારથી અમલમાં મૂકી શકાય તેમ જ એ માટે ગુજરાત રાજ્ય સરકારની પૂરી આર્થિક સહાય જોઈએ. પણ ઇતિહાસ સાધનોને આધારે લખાવાનો. આથી ઇતિહાસનાં નવાં અને અજ્ઞાત સાધનોની શોધ ચાલુ રહેવી જોઈએ. ધારો કે બૃહદ્ ઇતિહાસ રચાઈને પ્રગટ થઈ ગયો હોય તેપણ નવાં સાધનોની – હકીકતોની શોધ અને જ્ઞાત હકીકતોનું નવું અર્થદર્શન અને સંયોજન સતત ચાલુ રહેશે. પણ અત્યારે તો એ બૃહદ્ ઇતિહાસનાં સાધનોની શોધ, સંગ્રહ અને અર્થઘટન બધી રીતે આવશ્યક છે. આ દૃષ્ટિએ ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિના સંશોધન પરત્વે થવાં જોઈતાં કેટલાંક કામો નિર્દેશ કરીશ. ઇતિહાસનાં બીજાં સાધનો જે યુગો માટે મળતાં નથી, જ્યાં ભાષાશ્રયી પુરાતત્ત્વ (Linguistic Palaeontology) પણ ખાસ ઉપયોગી થતું નથી એ સમયના અભ્યાસ માટે આર્કિયોલોજીની સ્થળતપાસ અને ઉત્ખનનને પરિણામે મળેલા પ્રત્યક્ષ અવશેષો કામ આવે છે. સને ૧૯૫૫માં નડિયાદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૯મા અધિવેશનમાં પુરાતત્ત્વસંશોધન વિભાગના પ્રમુખસ્થાનેથી, ગુજરાતના ઇતિહાસને કેન્દ્રમાં રાખી, આ વિષે પૂરતી ચર્ચા મેં કરી હતી, તેની અહીં પુનરાવૃત્તિ નહિ કરું. એ ઉપરાંત થોડાંક સૂચનો કરીશ અને કેટલીક વિગતો નોંધીશ. ૧૯૬૨માં અમદાવાદમાં ગુજરાત સંશોધક પરિષદના ચોથા અધિવેશનના પુરાતત્ત્વસંશોધન વિભાગના અધ્યક્ષીય વ્યાખ્યાનમાં ડૉ. હસમુખ સાંકળિયાએ ચૌલુક્યય યુગ પરત્વે કહ્યું છે, “કમનસીબે સાહિત્યમાં દટાયેલી સંસ્કૃતિને અનુમોદન આપતી, આ કાળના જીવનને આલેખવાને પુરાતત્ત્વ-સામગ્રી બહુ ઓછી છે. મન્દિરોના, વાવોના અને તળાવોના અવશેષો સિવાય બીજા કોઈ સાધનો નથી. આ સમયનુ એક પણ શહેર શાસ્ત્રીય રીતે ખોદાયું નથી, એટલે આ સમયની નગરરચના, ઘરો, માટીનાં અને અન્ય વાસણો, બાળકોનાં રમકડાં કેવાં હતાં એ આપણે જાણતા નથી.” આ દૃષ્ટિએ, તત્કાલીન ગુજરાતના રાજકીય, વેપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર અણહિલવાડ પાટણના વ્યવસ્થિત ઉત્ખનન ઉપર હું ભાર મૂકું. આશ્ચર્યની વાત એ છે કે એ સ્થાને સહસ્રલિંગ સરોવરના ખોદકામ સિવાય પુરાતત્ત્વીય ઉત્ખનનનું કોઈ પણ કામ થયું નથી; અને સહસ્ત્રલિંગનું ખોદકામ પણ ભૂતપૂર્વ વડોદરા રાજ્યના સમયમાં થયું હતું. પાટણના ઉત્ખનનમાં સરળતા એ છે કે ચૌલુક્ય યુગનું પાટણ વસવાટની દૃષ્ટિએ ત્યજાયેલું સ્થાન છે; એનો થોડોક જ ભાગ નવા પાટણના વસવાટવાળા વિસ્તાર સાથે ભેળસેળ પામેલો છે. હાલના પાટણના કનસડા દરવાજાની બહાર પશ્ચિમે આશરે દોઢ માઈલ દૂર આવેલું અનાવાડા નામનું નાનું ગામ એ જ ઇતિહાસપ્રસિદ્ધ અણહિલવાડનો દરિદ્ર અવશેષ છે. અલાઉદ્દીન ખિલજીના સૈન્યે ઈ. સ. ૧૩૦૪માં પાટણનો કબજો લીધા પછી, માત્ર અગિયાર વર્ષે ઈસ. ૧૩૧૫(સં. ૧૩૭૧)માં રચાયેલ અંબદેવસૂરિકૃત ‘સમરારાસ’માં નવા પાટણનો સ્પષ્ટ નિર્દેશ છે (‘નવય પાટણિ નવઉ રંગુ અવતારિઉ’, ભાષા પ, કડી ૬), એ ઉપરથી અનુમાન થાય છે કે વિજેતાઓની છાવણીની આસપાસ નવું નગર વિકસવા માંડયું હતું. શ્રી. કનૈયાલાલ ભાઈશંકર દવેએ પ્રગટ કરેલા, ઈ. સ. ૧૪૦૭ (સં. ૧૪૬૩)ના એક સંસ્કૃત દસ્તાવેજમાંથી (ગુજરાત સંશોધન મંડળનુ ત્રૈમાસિક, એપ્રિલ ૧૯૪૯) જાણવા મળે છે કે અણહિલ્લપત્તનમાં અર્થાત્ જૂના પાટણમાં વસતા એક નાગારિકે नव्यपतनमध्ये मणीयारहट्टीसमीपे (નવા પાટણમાં હાલના મણિયારી પાડા પાસે) બાંધેલું પોતાનું મકાન ગિરો મૂકયું હતું. જૂના પાટણની અવનતિ અને નવા પાટણનો રાજકીય અને બીજા કારણોએ વિકાસ એ સમસામયિક ઘટના હતી; અમુક વખતે જૂનાં અને નવાં અને નગરાની સમકક્ષ આબાદી પણ હશે. અહીં કહેવાનું મુખ્ય તાત્પર્ય એ છે કે પાટણ જેવા સમૃદ્ધ ઐતિહાસિક નગરનું ઉત્ખનન સાહિત્યિક માહિતી સાથે ભૌતિક અવશેષોના સંયોજન માટે વિપુલ સામગ્રી પૂરી પાડશે એમાં શંકા નથી. ગુજરાતનાં જૂનાં શહેરોની નગરરચના થોડાં વર્ષ પહેલાંનાં પાટણ, અમદાવાદ, સુરત વગેરેના જૂના વિસ્તારો જેવી હશે એમ આપણે માનીએ છીએ, પણ એનો પ્રત્યક્ષ ખ્યાલ જૂના પાટણના ઉત્ખનનથી જ આવશે. કાલિકા માતાના મન્દિરની પાછળ ચૌલુક્યયુગીન પાટણની રાજગઢીનો ટીંબો વસવાટ વિનાનો ખેતરાઉ વિસ્તાર છે, એનું ખોદકામ સમકાલીન ઐતિહાસિક કાવ્યોમાંથી જણાતી અનેક વિગતોની પૂર્તિ કરશે અને તેમના સમુચિત અર્થદર્શનમાં સહાય કરશે. આસપાસનાં ખેતરોમાં માઈલો સુધી મકાનોના પાયા છે. એમાં વચ્ચે વચ્ચે રાજમાર્ગોની નિશાનીઓ હજી સ્પષ્ટ છે. અનાવાડાની પશ્ચિમે બે માઈલ દૂર વડલી ગામે જૂના પાટણનો ઘીકાંટો હતો એવી અનુશ્રુતિ છે. બજારોના સંભવિત વિસ્તારોમાં ખોદકામ થાય અને એને પરિણામે તત્કાલીન સિક્કા ઓછાવત્તા પ્રમાણમાં પણ મળે તો ગુજરાત અને ભારતના મધ્યકાલીન ઇતિહાસમાં એ માટી શોધરૂપ ગણાય. એ સમયના ગુજરાતનો વેપારવણજ આબાદ હતો એ નિર્વિવાદ છે અને સિક્કા તથા નાણાવટના સાહિત્યિક ઉલ્લેખો પુષ્કળ છે છતાં (સિદ્ધરાજ જયસિંહના થોડાક અણઘડ સિક્કાના અપવાદ સિવાય) ચૌલુક્યયુગીન સિક્કાઓ જોવા જ મળ્યા નથી, એ સ્થિતિ ગુજરાતના જૂના પાટનગરના પસંદ કરેલા વિસ્તારમાં પ્રયોગાત્મક ઉત્ખનનથી દૂર થવા સંભવ છે. પાટણ વસાવનાર વનરાજ ચાવડાના પૂર્વજોની ઠકરાતના મુખ્ય સ્થાન પંચાસરની આસપાસ ઉત્ખનન પણ તત્કાલીન સિક્કાઓની પ્રાપ્તિ માટે તેમ જ બીજી અનેક રીતે ફલપ્રદ થાય એ શક્ય છે. ગુજરાતના સમગ્ર ઇતિહાસમાં પાટણનું મહત્ત્વ જોતાં ત્યાં રાજ્ય સરકાર દ્વારા એક પુરાતત્ત્વીય મ્યૂઝિયમની વહેલી તકે સ્થાપના આવશ્યક છે. ઉત્તર ગુજરાતના તીર્થધામ શામળાજી પાસે દેવની મોરી ગામની સીમમાં, ભોજરાજાની ટેકરી તરીકે ઓળખાતા ટીંબામાંથી ક્ષત્રપકાળનો આખો બૌદ્ધ સ્તૂપ નીકળ્યો અને તેમાંથી સ્વયં ભગવાન બુદ્ધના અવશેષવાળો, ઉત્કીર્ણ લેખયુક્ત સમુદ્ગક મળ્યો એથી ગુજરાતના ધાર્મિક ઇતિહાસ ઉપર નવો પ્રકાશ પડ્યો છે અને એ કાળે ગુજરાત, જૈન ધર્મની જેમ, બૌદ્ધ ધર્મનું પણ મોટુ કેન્દ્ર હતું એમ દર્શાવતા પ્રાચીન સાહિત્યિક પુરાવાઓને સબળ અનુમોદન મળ્યું છે. આ વિષયની વિગતવાર ચર્ચા ડૉ. ઉમાકાન્ત શાહે ‘ગુજરાતમાં બૌદ્ધધર્મ’ (‘સ્વાધ્યાય ‘, પુ. ૧, અંક ૩, મે ૧૯૬૪) એ નામના વિસ્તૃત લેખમાં કરી છે. દેવની મોરી ખાતે સને ૧૯૬૦થી ૧૯૬૩ સુધી થયેલાં ઉત્ખનનને વિગતવાર સચિત્ર અહેવાલ આપતું ડૉ. રમણલાલ નાગરજી મહેતા અને ડૉ. સૂર્યકાન્ત ચૌધરીનું હમણાં પ્રગટ થયેલું અંગ્રેજી પુસ્તક તજ્જ્ઞો તેમ જ સામાન્ય પુરાતત્ત્વરસિકો માટે એકસરખું ઉપયોગી છે. શામળાજીમાં ઉત્ખનન કરવા લાયક ખાલી જગાઓમાં નવાં મકાનો ઊભાં થાય છે, તેથી પસંદ કરેલાં સ્થળોએ વેળાસર કામ કરવામાં આવે તો ગુજરાતમાં ધર્મ, સંસ્કૃતિ અને કળાના ઇતિહાસની કેટલીક ખૂટતી કડીઓ મળી શકે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને આજુબાજીના ટીંબાઓ, સૂર્યપૂજાનું કેન્દ્ર સ્થાન (જે સાંસ્કૃતિક ઇતિહાસની દૃષ્ટિએ પંજાબમાંના સૂર્યપૂજાના કેન્દ્ર મૂલ સ્થાન—મૂલતાન સાથે જોડાયેલું છે), અને દક્ષિણ ગુજરાતમાં કામરેજ આદિ સ્થળો ઉત્ખનન યોગ્ય છે. મધ્ય ગુજરાતમાં વડોદરા પાસેનું કારવણ જે પાશુપત સંપ્રદાયના આદિપુરુષ ભગવાન લકુલીશનું જન્મસ્થાન ગણાય છે (પાશુપત સંપ્રદાયનો એકમાત્ર ઉપલબ્ધ મૂલગ્રંથ ભાસર્વજ્ઞકૃત ‘ગણકારિકા’ ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સિરીઝ, ગ્રન્થાંક ૧૫ તરીકે પ્રસિદ્ધ થયેલો છે)ત્યાં વિશેષ ઉત્ખનન ફળદાયક થશે એમ અત્યાર સુધી થયેલી કેટલીક તપાસનાં પરિણામો ઉપરથી જણાય છે. રાજપીપળાના ડુંગરાળ પ્રદેશમાં તેમ જ વાંસદા-ધરમપુર આસપાસ તથા ડાંગના પ્રદેશમાં સ્થળતપાસ અને ઉત્ખનન કરવા જેવાં છે. ત્યાંના પર્વતીય પ્રદેશોમાં, આ પહેલાં અજ્ઞાત રહેલી ગુફાઓ મળે એ સંભવ કાઢી નાખવા જેવો નથી. ઝગડિયા પાસે કડિયા ડુંગરમાંની કેટલીક ગુફાઓ વિષે શ્રી. અમૃત પંડ્યાએ થોડા સમય પહેલાં નોંધ લીધી હતી. શ્રી. જયેન્દ્ર નાણાવટીએ કરેલી વિશેષ તપાસ મુજબ, ત્યાં અંદાજે ત્રીજા-ચોથા સૈકાની સાત ગુફાઓ તથા સિંહની આકૃતિવાળો સ્તંભ, એક જૂનો લેખ અને મિનેન્ડરનો એક ઇન્ડોગ્રીક સિક્કો વગેરે ચીજો મળી છે એ આગળનું કામ હાથ ધરવા માટે પ્રોત્સાહક છે. ડાંગ જિલ્લાના મુખ્ય ગામ આહ્વાથી મળેલા એક અતિ પ્રાચીન શિલ્પખંડ વિષેનો લેખ ડૉ. ઉમાકાન્ત શાહે તૈયાર કર્યો છે. આવી સ્થળતપાસ ડીસા, વાવ, થરાદ અને કચ્છ સરહદ તરફના પ્રદેશમાં જરૂરી છે. શ્રી. જગત્પતિ જોશીએ સાંતલપુરથી માંડી ઉત્તર કચ્છમાં દૂર સુધી હડપ્પા સંસ્કૃતિના અવશેષરૂપ અનેક ટીંબા શોધી કાઢ્યા છે અને એ વિષેનો સચિત્ર અંગ્રેજી અભ્યાસલેખ ‘જર્નલ ઑફ ધી એરિયેન્ટલ ઈન્સ્ટટયૂટ’માં પ્રકાશન માટે મને સોંપ્યો છે. આ તપાસ ઉપરથી જણાય છે કે હડપ્પા સંસ્કૃતિનું સિન્ધ અને પંજાબમાંથી ગુજરાતમાં આગમન સાધારણ રીતે માનવામાં આવે છે તેમ, સમુદ્રમાર્ગે જ નહિ, જમીન માર્ગે પણ થયું હતું. ઉત્તર ગુજરાત અને સિન્ધ વચ્ચેનો, કચ્છ દ્વારા સૈકાઓ જૂનો ખુશ્કી વ્યવહાર જોતાં આમ હોવું સ્વાભાવિક છે. ગુજરાત ખાતે આર્કિયોલોજી અંગે સ્થળતપાસ તથા ઉત્ખનનનું કામ ગુજરાત રાજ્યનું આર્કિયોલોજી ખાતું, વડોદરા યુનિવર્સિટીનું આર્કિયોલોજી ખાતું અને ભારત સરકારના આર્કિયોલોજી ખાતાનું પશ્ચિમ વર્તુળ જેની કચેરી વડોદરામાં છે– એ ત્રણ તંત્રો અંદરોઅંદર કામ વહેંચી લઈ તેમ જ પરસ્પર સાથે જરૂરી સહકાર અને સંયોજનથી કરી શકે. ગુજરાત રાજ્યે આર્કિયોલોજીની જેમ મ્યૂઝિયમો માટે પણ જુદા ખાતાની રચના કરી છે. જાણવા પ્રમાણે, મ્યૂઝિયમોના વિકાસની એક યોજના રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે, પરંતુ અત્યારનાં ચાલુ મ્યૂઝિયમોમાં પણ એક મહત્ત્વનું કામ કરવા જેવું છે. ગુજરાતનાં બધાં મ્યૂઝિયમોમાં સંગૃહીત પ્રાચીન સિક્કાઓની સન્દર્ભસૂચિ, સચવાયેલાં રજિસ્ટરોને આધારે થવી જોઈએ અને તેમાં કયા રાજાના સિક્કા કયા કયા સ્થળેથી મળ્યા એની વિગતવાર નોંધ હોવી જોઈએ. જૂની હસ્તપ્રતોની પુષ્પિકાઓ ઉપરથી જેમ આપણા પ્રદેશની વિદ્યાકીય અને સામાજિક ભૂગોળ સ્પષ્ટ થાય છે તેમ સિક્કાઓની આ પ્રકારની સન્દર્ભસૂચિથી રાજકીય ભૂગોળના અનેક પ્રશ્નો ઉકેલવાની સરળતા થશે અને કેટલાક દાખલામાં આંતરરાષ્ટ્રિય અને આંતરપ્રાન્તીય સંપર્કો પણ સમજાશે. કેવળ અનુમાનથી વલભીના ગણાતા સિક્કા ખરેખર વલભીના છે કે એની પહેલાં કે પછી થયેલા બીજા કોઈ જ્ઞાત કે અજ્ઞાત રાજવંશના છે એ નક્કી કરવાનાં કોઈ પ્રમાણો આવા તારણમાંથી કદાચ મળે. ગુજરાત રાજ્યનાં મ્યૂઝિયમો વતી વડોદરા મ્યૂઝિયમના એક અધિકારી શ્રી. ભાસ્કરભાઈ માંકડ જેઓ આ વિષયના નિષ્ણાત છે તેમને આ કામ સોંપી શકાય અથવા બેત્રણ જાણકાર વિદ્વાનો વચ્ચે તે વહેંચી શકાય. મુસ્લિમ કાળની ફારસી-અરબી તવારીખોની વિપુલતા પરત્વે ગુજરાત નસીબદાર છે એ જાણીતી હકીકત છે. આ સર્વ તવારીખોમાં અલી મુહમ્મદખાનની ‘મિરાતે અહમદી’ તથા ખાસ કરીને એના ખાતિમા અથવા પૂર્તિરૂપ ગુજરાતનો સર્વસંગ્રહ શિરમોર છે. ‘મિરાતે અહમદી’ નો મૂળ ફારસી ગ્રન્થ ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સિરીઝમાં પ્રગટ થયો છે અને તેના જુદા જુદા અંશોનું મળીને સંપૂર્ણ ગુજરાતી ભાષાન્તર શ્રી. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી અને શ્રી. નિઝામખાન નૂરખાન પઠાણે કર્યું છે. સૈયદ નવાબઅલી અને ચાર્લ્સ સેડને કરેલું ખાતિમાનું અંગ્રેજી ભાષાન્તર ગાયકવાડ સિરીઝમાં ૧૯૨૮માં બહાર પડ્યું છે, જ્યારે બાકીનો ગ્રન્થ વડોદરા યુનિવર્સિટીના ફારસી વિભાગના નિવૃત્ત અધ્યક્ષ શ્રી. એમ. એફ. લોખંડવાલાએ અંગ્રેજીમાં અનુદિત કર્યો છે અને તે ગયે વર્ષે જ પ્રગટ થયો છે. શેખ સિકંદરકૃત ‘મિરાતે સિકંદરી’ અને રણછોડજી દીવાનકૃત ‘તવારીખે સોરઠ’ના ગુજરાતી અનુવાદો ઘણા સમય પહેલાં પ્રગટ થયા છે. ‘મુઝફ્ફરશાહી’નું પ્રકાશન કેટલાંક વર્ષ પહેલાં ગુજરાત વિદ્યાસભાએ કર્યું છે. હાજી અલ દબીર જેનું પૂરું નામ અબદુલ્લાહ મુહમ્મદ બિન ઉમર અલમક્કી છે તેણે લખેલ ‘ઝફરૂલ વાલેહ બ મુઝફ્ફર વ આલેહી’ (ઈ.સ. ૧૬૦૫ આસપાસ) જે ઈતિહાસવિદોમાં ‘અરેબિક હિસ્ટરી ઑફ ગુજરાત’ તરીકે ઓળખાય છે, તે ગુજરાત વિષેની અસાધારણ મહત્ત્વની અરબી તવારીખ છે. તેનો લેખક મક્કામાં જન્મ્યો હતો અને ભારતમાં આવી જુદા જુદા અમીરોની નોકરીમાં પાટણ, અમદાવાદ અને ખાનદેશમાં રહ્યો હતો. સમ્રાટ અકબરની સૂચનાથી વકફની રકમ તે મક્કા અને મદીના લઈ ગયો હતો. રાજકીય ઇતિહાસ ઉપરાંત, એના પુસ્તકમાંથી પાટણ અને અમદાવાદ જેવાં ગુજરાતનાં મુખ્ય શહેરોમાં ખાસ કરીને મુસ્લિમ પરંપરામાં શિક્ષણ અને વિદ્યાપ્રચારની પ્રવૃત્તિઓ વિષે ઘણું જાણવા મળે છે. સ્વાતંત્ર્ય પૂર્વેની ભારત સરકારની સહાયથી આ અરબી ગ્રન્થ ઇંગ્લેંડમાં સર ઈ. ડેનિસન રૉસે પ્રગટ કર્યો છે, પણ અરબી નહિ સમજનાર ઇતિહાસ-રસિકોને તે એ ગ્રન્થ અને ગ્રન્થકાર વિષેની થોડીક વિગતોથી વધુ કંઈ માહિતી નથી. મને જણાવતાં આનંદ થાય છે કે શ્રી. લોખંડવાલાએ ‘ઝફરૂલ વાલેહ’નું અંગ્રેજી ભાષાંતર કર્યું છે અને ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સિરીઝમાં તે છાપવાની આયોજના થઈ છે. એવી જ અગત્યની મુદ્રિત અરબી તવારીખ શેખ અબુ બક્ર મુહિયુદ્દીન અબ્દુલ કાદિરકૃત ‘અન નુરુસ્સાફિર’ છે. મૂળ યમનના વતની એક વિદ્વાન કુટુંબમાં એ લેખક જન્મ્યો હતો. એના પિતા શેખ અલ ઐદરુસ, ઈ. સ. ૧૫૫૧માં ભારત આવી, પહેલાં ભરૂચ અને પછી અમદાવાદમાં વસ્યા હતા, અને આજે પણ રિલીફ રોડ ઉપર, કૃષ્ણ સિનેમા પાસે તેમની કબર જોવામાં આવે છે. અબ્દુલ કાદિરનો જન્મ અમદાવાદમાં ઈ. સ. ૧૫૭૦માં થયો હતો, અને ભારતીય તેમ જ પરદેશી અનેક ઉસ્તાદો પાસે તેણે વિવિધ શાસ્ત્રોનું શિક્ષણ લીધું હતું. ઈ. સ. ૧૪૯૫થી ૧૫૯૧ સુધીની ચાન્દ્રવર્ષીય શતાબ્દી દરમિયાન, અરબસ્તાન અને ભારતમાં થયેલા વિશિષ્ટ પુરુષો અને ઘટનાઓનો વૃત્તાન્ત તેની ઉપર્યુક્ત તવારીખમાં છે. એમાંથી ગુજરાત વિષે જે જાણવા લાયક માહિતી મળે છે એનું સંક્ષિપ્ત તારણ, મારી વિનંતીથી, ડૉ. ઝિયાઉદ્દીન દેસાઈએ હમણાં ‘જર્નલ એફ ધી ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ’ (માર્ચ-જૂન ૧૯૬૬)માં પ્રગટ થયેલા એક લેખમાં આપ્યું છે. ઇલિયટ અને ડૉસનની ‘હિસ્ટરી ઑફ ઇન્ડિયા એઝ ટોલ્ડ બાઈ હર ઓન હિસ્ટોરિયન્સ’એ ગ્રન્થમાળાની પદ્ધતિએ, ગુજરાતનો ઇતિહાસ તવારીખકારોના શબ્દોમાં આલેખવાની એક યોજના શ્રી. લોખંડવાલાએ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન સમક્ષ રજૂ કરી છે અને તેનો સ્વીકાર થશે એવી આશા રખાય છે. ગુજરાત અંગે જેમાં હકીકત હોય એવા તમામ પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ, ફારસી-અરબી-તુર્કી મૂળ ગ્રન્થો અથવા તેમની નકલો, ફોટોગ્રાફો કે માઇક્રોફિલ્મ જગતમાં સર્વ સ્થળેથી એકત્ર કરવાં જોઈએ અને એમાંથી પ્રસ્તુત માહિતીની સંકલના કરવી જોઈએ. સ્વ. બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાએ ગુજરાતની તવારીખોના સંપાદન અને પ્રકાશનનો વિચાર કર્યો હતો. ગુજરાત વિદ્યાસભાએ સ્વ. મૌલાના સૈયદ અબુ ઝફર નદવીની દોરવણી નીચે આવી સંકલનાનો આરંભ કર્યો હતો. ફારસી-અરબીના સુયોગ્ય જાણકારો હવે વિરલ થતા જાય છે એ જોતાં, ડૉ. છોટુભાઈ નાયક અને શ્રી, લોખંડવાલા જેવા તદ્વિદોની સલાહ અનુસાર, આ પ્રકારનું સંગ્રહ અને સંકલનાનું કાર્ય જલદી હાથ ધરાય એ ઇષ્ટ છે. આવાં સશોધનાત્મક કામો હાથ ધરવાની જવાબદારી જેમ વ્યક્તિગત વિદ્વાનો અને સંસ્થાઓની છે તેમ એવાં કાર્યોને ઉત્તેજન આપવાની તથા એ કાર્યો નિશ્ચિત ધ્યેય તરફ નિર્વિઘ્ને આગળ ધપી શકે એવી પરિસ્થિતિ નિર્માણ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. ગુજરાતનો બૃહદ્ ઇતિહાસ, ગુજરાતીનો બૃહત્ કોશ—ગુજરાતી ભાષાના સર્વાંગીણ વિકાસનાં અને ગુજરાતની સંસ્કૃતિના વિવિધલક્ષી અધ્યયનનાં કાર્યોને ગુજરાતીભાષી રાજ્યની સરકાર ઉત્તેજન અને પ્રેત્સાહન નહિ આપે તો બીજું કોણ આપશે ? થોડાક સમય પહેલાં ત્રિવેન્દ્રમની મુલાકાત વખતે મને જાણીને આનંદ થયો હતો કે કેરલમાં રાષ્ટ્રપતિનું શાસન સ્થપાયું ત્યાર પહેલાં, ત્યાંના શિક્ષણપ્રધાન મલયાલમ્ કોશના કાર્યાલયની મુલાકાતે લગભગ દર અઠવાડિયે જતા હતા. ગુજરાતના સદ્ગત મુખ્ય પ્રધાન શ્રી. બળવંતરાય મહેતા વિદ્વાનો અને સાહિત્યસંસ્થાઓ સાથે ગાઢ સંપર્ક રાખવાનો પ્રયત્ન કરતા એ આપનામાંના ઘણાને વિદિત છે. એમના દુ:ખદ અવસાનના બેએક માસ પહેલાં જ, વડોદરા પ્રાચ્યવિદ્યા મન્દિરની મુલાકાતે આવી, સંસ્થા જોવામાં નહિ પણ ગુજરાતમાં થવાં જોઈતાં વિદ્યાકીય કાર્યોની ચર્ચામાં તેમણે લાંબો સમય ગાળ્યો હતો એ પ્રસંગનું સ્મરણ મને હજી તાજું છે. ઉચ્ચ વિદ્યા અને સંશોધનનો વિકાસ એ ગુજરાતના સર્વદેશીય વિકાસનો આવશ્યક ભાગ છે. વિદ્વાનો અને અભ્યાસીઓની કાર્યશીલતા એમાં નિમિત્તરૂપ છે; એ કાર્યશીલતાને સરકાર તરફથી મળી શકે એવાં સહાય અને વેગ આપવામાં રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીની ગુજરાતપ્રીતિ સર્વદા સજાગ અને તત્પર રહે એવી આશા આપણે રાખીએ.
[‘સ્વાધ્યાય’, નવેમ્બર ૧૯૬૬]
- ↑ * વલ્લભ વિદ્યાનગર ખાતે ૨૩, ૨૪, ૨૫ ઑકટોબર ૧૯૬૬ના દિવસોમાં મળેલ ગુજરાત સંશોધક પરિષદના પાંચમા અધિવેશનના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના પ્રમુખપદેથી આપેલું વ્યાખ્યાન