કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/અંધારે આંખ મારી ખૂલી: Difference between revisions
Jump to navigation
Jump to search
૧૬. અંધારે આંખ મારી ખૂલી
(+1) |
(No difference)
|
Revision as of 15:28, 1 June 2024
ઓધવજી, અંધારે આંખ મારી ખૂલી!
વર્ષો વીત્યાં ને કાન ગોકુળમાં આવતાં
રાધાનું નામ ગયા ભૂલી.
જળ આ જમુનાનું, વન વૃંદાનું, મોરપીંછ યાદ;
એક મોરલી અટૂલી.
ક્યાંય જડતી ના નંદની મઢૂલી. ઓધવજીo
કોનું છે રાજ અને કોનો વનવાસ કાન,
કોની આ આણ ફાલીફૂલી!
ગોરસ ઢોળાઈ ગયાં, તાંદુલ વેરાઈ ગયા,
ગોવર્ધન-લીલા ગઈ ડૂલી!
સૂર ચૂકી ગઈ સઘળી અંગૂલી! ઓધવજીo
હણહણતા અશ્વ કાન હંકાર્યા મોરચે
માનીને પ્રીત મહામૂલી!
સંશયને શક્તિમાં પલટાવ્યો, કાલ-ગતિ
ગાંડીવના ટંકારે ઝૂલી!
પછી છેવટની હાર શેં કબૂલી? ઓધવજીo
૧૯૮૦
(વહેતાં વૃક્ષ પવનમાં, પૃ. ૨)