આંગણે ટહુકે કોયલ/સોનલા ઈંઢોણી મારું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 03:31, 20 July 2024

૨૧. સોનલા ઈંઢોણી મારું

સોનલા ઈંઢોણી મારું રૂપલાનું બેડું જો,
સરોવર પાણી હું ગઈ’તી મને નંદને છૈયે છેડી જો.
સામેથી પ્રભુ હસતા આવ્યા, પગની ભરાવી આંટી જો,
હું ભીંજાઉ, મારી ગાગર ભીંજાય, ભીંજાય કેસર ચૂંદડ જો.
એક શેરીમાં ગાય ને ગોધો, તેને લાંબી પૂંછ જો,
વગર વાંકે ગોરીને મારે, તેની વાઢો મૂંછ જો.
એક શેરીમાં બૂચિયું કૂતરું, તેને ના’વી સાન જો,
વગર વાંકે ગોરીને મારે, તેના વાઢો કાન જો.
એક શેરીમાં ઉકરડો ને તેમાં ઝાઝી રાખ જો,
વગર વાંકે ગોરીને મારે, તેનું વાઢો નાક જો.

લોકગીતો દ્વારા લોકશિક્ષણ મળે છે. લોકગીતો વ્યવહારિક જીવનના પાઠ શીખવે છે. લોકગીતો પરંપરાના આયના છે. આપણે જયારે ન્હોતા ત્યારે સમાજમાં શું શું હતું એ લોકગીતો થકી જાણવા મળે છે. અમુક રિવાજો જે તે કાળમાં યોગ્ય હતા અથવા ન્હોતા, જરૂર પડ્યે એને આપણે બદલવા પડે. જેમકે પત્ની પર હાથ ઉપાડવો એ કોઈ કાળખંડમાં પુરૂષ માટે સામાન્ય હતું, લોકગીતોમાં એનું બયાન આવતું હોય છે એનો અર્થ એ નથી કે આજેય એમ જ કરવું. લોકગીત તો એ બાબતની પુષ્ટિ કરે છે કે જે તે વખતે આવું હતું, આપણને કોઈ પ્રથા હાલ અસંગત લગતી હોય એ ત્યજવી પડે.
‘સોનલા ઈંઢોણી મારું...’ રમૂજી પણ સહજબોધ આપતું લોકગીત છે. ખાસ તો તરુણીઓ અને યુવતીઓનાં વ્રતો વખતે ગામડાંમાં મનોરંજન અને જાગરણ માટે રાસડા લેવાતા એમાં આવાં લોકગીતો ગવાતાં જેથી કન્યાઓને દુન્યવી બાબતોનું જ્ઞાન મળે. લોકગીતની નાયિકા સરોવર પાણી ભરવા ગઈ ત્યારે કનૈયો એને જોઈ ગયો ને હસતા હસતા એણે આડો પગ રાખ્યો એટલે નાયિકા પડું પડું થઇ ગઈ, પાણી છલકાયું, પોતે ભીંજાઈ ગઈ.
અહીંથી લોકગીતની કથાવસ્તુ બદલાઈ ગઈ. લોકગીતનું મુખડું અને પહેલા અંતરામાં જે વાતની બાંધણી થઇ હતી એ ત્રીજા, ચોથા અને પાંચમાં અંતરામાં સાવ બદલાઈ ગઈ. પાણી ભરીને આવતી નાયિકાને કૃષ્ણએ સતાવી એવું શરૂઆતમાં કહ્યું પણ પછી તરત જ ગાય, ગોધો, કૂતરું, ઉકરડો વગેરે પ્રતીકો આપીને વિના વાંકે પત્નીને માર મારનાર પતિની મૂંછ, કાન અને નાક કાપવાની વાત આવી!
બસ, આ તો લોકગીતની બલિહારી છે. અહીં નાયિકાએ જેને ‘નંદનો છૈયો’ કહ્યો એ વાસ્તવમાં ભગવાન કૃષ્ણ નહિ પણ પોતાનો જ પિયુ હતો. નાયિકા એ પ્રથાનો ભારોભાર વિરોધ કરતાં કહે છે કે જે પુરૂષ પોતાની ગોરી પર હાથ ઉપાડે એને સજા થવી જોઈએ. એ વખતે ‘ડોમેસ્ટિક વાયોલન્સ’ અનુસંધાને કોઈ કાયદા ન હતા એટલે પુરૂષાઈના પ્રતીક સમી મૂંછો કાપી નાખવી, નાક-કાન કાપવા જેવી સજાની હિમાયત કરવામાં આવી છે. ટૂંકમાં મશ્કરી કરતાં કરતાં નારી સાથે કેમ વર્તવું એની માર્ગદર્શિકા આ લોકગીતમાં આપી દેવામાં આવી છે.