ગુજરાતી બાળવાર્તા સંપદા/દયાળુ સારંગીવાળો: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 14:12, 11 August 2024
રમણલાલ ના. શાહ
દયાળુ સારંગીવાળો
એક સિપાઈ હતો. બીચારો ઘરડોખખ થઈ ગયો હતો. તદ્દન ગરીબ હતો. વિલાયતમાં ભીખ માગીને પેટ ભરવાની મનાઈ છે, એટલે એ બીચારો પોતાની સારંગી લઈ કોઈ જાહેર બાગબગીચો હોય ત્યાં જતો, અને સારંગી વગાડતો. એની પાસે કૂતરો હતો. એ કૂતરાને એણે કેળવ્યો હતો. કૂતરો મોંમાં સાહેબશાહી ટોપી પકડી રાખતો અને સિપાઈ વાજું વગાડતો. ત્યાં આવતાજતા કોઈ દયાળુ લોકો પાઈપૈસો કૂતરાની ટોપીમાં ફેંકતા, અને એ રીતે સિપાઈનો ગુજારો ચાલતો. એક દિવસ એવું બન્યું કે એની સારંગીના સૂર સાંભળવા કોઈ ઊભું રહ્યું નહિ. બીચારાએ જાતજાતના આલાપ વગાડ્યા, પણ કોઈ સાંભળવા નવરું ન થયું. કૂતરાના મોંમાં ટોપી એમ ને એમ પડી રહી. ગરીબ બીચારો ઘરડો સિપાઈ ! નસીબને કદુવા દેતો બેસી રહ્યો. આખા દિવસનું કશું ખાધું ન હતું. કૂતરાનું ને પોતાની જાતનું પેટ ભરવા પાસે રાતી પાઈ પણ ન હતી. એ બીચારો ચિંતામાં ને ચિંતામાં બગીચામાં એક પથરો હતો તેની ઉપર માથે હાથ દઈને બેસી ગયો. કૂતરો પણ આજની પોતાના શેઠની મુસીબત સમજી ગયો. એ પણ પાસે જ બેસી ગયો. એટલામાં સારાં કપડાં પહેરેલો એક માણસ આવી પહોંચ્યો. ઘરડો સિપાઈ પેટગુજારો શી રીતે કરતો હતો તે સારંગી જોઈ સમજી જતાં એને વાર ન લાગી. એને દયા આવી. સિપાઈને કહ્યું : ‘બૂઢાકાકા, તમારી સારંગી જરા થોડી વાર માટે આપશો ? હમણાં પાછી આપી દઈશ.’ સિપાઈએ સારંગી આપી. પેલા માણસે સૂર મિલાવ્યા અને સારંગી વગાડવી શરૂ કરી. તેણે ડોસાને કહ્યું : ‘હું સારંગી વગાડું છું. જે પાઈ-પૈસો આવે તે તમે લઈ લેજો.’ એણે એક પછી એક સૂર છોડવા માંડ્યા. વાતાવરણમાં અજબ મીઠાશ પ્રસરી રહી. સારંગીમાંથી નીકળતા મીઠા મંજુલ સૂરે આજુબાજુના લોકોનું ધ્યાન ખેંચ્યું. એક પછી એક માણસો જમા થવા લાગ્યાં. થોડીવારમાં તો કીડિયારાની માફક લોક ઊભરાઈ ગયું. મદારીની મહુવરના નાદે નાગ ડોલે, તેમ લોકો સારંગીના મધુર સૂરોમાં રસતરબોળ બની ગયા. એકેએક માણસ ખૂબ રાજી થયો. ડોસાના કૂતરાની ટોપીમાં એક પછી એક નાનામોટા સિક્કા પડવા લાગ્યા. તાંબાનાણાંની સાથે રૂપાનાણું પણ અંદર પડવા મંડ્યું. થોડી વારમાં તો ટોપી ચિક્કાર ભરાઈ ગઈ અને પૈસાના ભારથી લચી પડવા લાગી. કૂતરાના મોંમાં ટોપી રહી શકી નહિ. એણે ટોપી નીચે મૂકી દીધી. લોકોએ તપાસ કરવા માંડી કે આવી સરસ રીતે સારંગી વગાડનાર આદમી કોણ છે ? તપાસ કરતાં જણાયું કે એ માણસ આખા યુરોપ ખંડમાં નામીચો થયેલા એક ઉસ્તાદ સારંગીવાળો હતો. ગરીબ બીચારા ઘરડા સિપાઈની દયાજનક દશા જોઈને એણે સારંગી વગાડી એને માટે પૈસા એકઠા કરી આપ્યા હતા. લોકો આ બાબત સમજ્યા એટલે તાળીઓ પાડી એ દયાળુ સારંગીવાળાને શાબાશી આપી. ઘરડા સિપાઈની ટોપીમાં હજુ વધુ ને વધુ નાણાં પડવાં લાગ્યાં. થોડી વાર રહીને સિપાઈને સારંગી પાછી સોંપી પેલો સારંગીવાળો ગુપચુપ પોતાને રસ્તે પડ્યો. આજે એકઠી થયેલી રકમમાંથી કેટલાયે દિવસો લગી સુખેથી રોટી ખવાશે એ વિચારે ઘરડા સિપાઈની આંકમાંથી આભારના આંસુ ચાલ્યાં. હાથ પસારીને આકાશ તરફ જોઈને બોલ્યો : ‘પરમ દયાળુ દેવ, મારા ઉપર ઉપકાર કરનાર દયાળુ ગૃહસ્થનું સદાય કલ્યાણ કરજે.’ ત્યાંથી જતા રહેલા સારંગીવાળાના મનમાં પણ આજે એક પ્રકારનો આનંદ ઊભરાતો હતો. એક દુઃખી જીવને એણે રોટલાભેળો કર્યો હતો. પોતાની જાતને માટે પોતાની આવડતથી ધન મેળવવા કરતાં એ આવડતથી ગરીબોનું દુઃખ દૂર કરવાનો સંતોષ એને હૈયે એવો ઊંડો વસ્યો કે એને લાગ્યું કે આજના જેવી ખુશાલી એને સારંગી વગાડવામાં કદી ઊપજી ન હતી.