ગુજરાતી નિબંધ-સંપદા/પ્રવીણ દરજી/ઓરડો: Difference between revisions
No edit summary |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|પ્રવીણ દરજી | ઓરડો}} | {{Heading|પ્રવીણ દરજી | ઓરડો}} | ||
https://wiki.ekatrafoundation.org/images/c/c4/SHREYA_ORDO.mp3 | <hr> | ||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/c/c4/SHREYA_ORDO.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • ઓરડો - પ્રવીણ દરજી • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} |
Latest revision as of 01:44, 12 August 2024
ઓરડો
◼
ગુજરાતી નિબંધસંપદા • ઓરડો - પ્રવીણ દરજી • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ
◼
જે પ્રકારની વાત કરવાનું મનમાં છે તે જોતાં ‘ખંડ’ શબ્દ કંઈક ભારે, વધુ પડતો શિષ્ટ ગણાઈ જવા સંભવ છે અને આમ પણ ‘ખંડ’ શબ્દને બરાબર રીતે ચરિતાર્થ કરી બતાવે એવો એનો અસબાબ પણ ક્યાં છે! હા, એને ‘ખંડ’ નહિ, આપણે ‘ઓરડો’ જ કહીશું. બાળપણમાં એને અમે ગામડામાં ‘ઓરડા’થી જ ઓળખતા… આજેય, આ ક્ષણે મારા માટે તો એ ‘ઓરડો’ જ છે, મારો ‘ઓરડો’! ખંડની અપેક્ષાનો ઠઠારો એમાં નથી એ હું જાણું છું, પણ મારા માટે તો એ ખુદ મોટો ઠઠારો–પટારો છે! અને એટલે તો મારે મન ‘વ્હાઇટ હાઉસ’ના કોઈ ઝાકમઝોળવાળા વિશાળ ખંડ કરતાંય એનું મહત્ત્વ અદકેરું રહ્યું છે. આ ‘ઓરડો’ મારી તો અનેક ખાટીમીઠી ક્ષણોનું તોરણ છે!
…તો આ એ ‘ઓરડો’. જુઓ, કેવો ટગરટગર તાકી રહ્યો છે એ મને! એ એમ સમજે છે કે એને છોડીને હું નગરવાસી થઈ ગયો છું, નગરના કોઈ આલીશાન બંગલાના ખંડોની માયામાં લપેટાઈ ગયો છું! એની ત્રાંસી નજરમાં અત્યારે એવો ઠપકો હું જોઈ શકું છું. પણ એને ક્યાં ખબર છે કે બાળપણથી માંડીને છેક આજ સુધી એ માત્ર મારો ‘ઓરડો’ જ નહીં, મારું આખું ‘મલ્લમહાભવન’ પણ બની રહ્યો છે. આ ‘ઓરડો’ એટલે અમારા આખા ઘરનું નાભિકેન્દ્ર. અહીં ગુસપુસ થાય, ગોષ્ઠિઓ જામે, ક્યારેક ચર્ચાઓ ચાક લે તો કલાકો પણ નીકળી જાય. ક્યારેક એ સચિવાલય બની જતો તો ક્યારેક એ અમારું ન્યાયાલય પણ!
એનો દીદાર જોવા જેવો છે. બહુરૂપીની જેમ વારતહેવારે એના વેશ બદલાતા રહે છે. લગ્ને લગ્ને કુંવારા વરરાજા જેવો એને કહો તોપણ ચાલે! શરદ આવે, દિવાળી આવે એટલે જોઈ લો એનો વટ. બાની નજર સૌપ્રથમ એ ‘ઓરડા’ ઉપર જ જાય. પરસાળ અને રસોડા કરતાં એનું કદ લગભગ બમણાથીય વધુ એટલે તે રીતે તો એ મોભાદાર ગણાય જ, સાથે સાથે બાને પ્રિય એવી ઘણીબધી વસ્તુઓ પણ અહીં જ ગોઠવાય – મુકાય. એ રીતે બાને મન અને અમારે મન આર્ટ ગૅલેરી જેવાં એનાં માન-પાન! નવરાત્રિ પહેલાં તો એના નવીનીકરણની તૈયારીઓ જોરશોરથી આરંભાઈ જાય. બા વહેલી સવારે ઊઠે, કોઈ ઓળખીતાને આગળના દિવસે કહી રાખ્યું હોય એટલે એ ટોપલો લઈને ત્યાં પહોંચી જાય. અમે પથારીમાંથી ઊઠીએ ત્યારે તો વાડાના એક નિશ્ચિત ખૂણામાં ઘોડાની લાદનો ટોપલો આવી ગયો હોય! બાનો આ ક્રમ બે-પાંચ દિવસ ચાલે. અને પછી આ ‘ઓરડા’ને માટે ઘોડાની લાદ અને મુલાયમ લાલ માટીના મિશ્રણમાંથી ખાસ ગાર તૈયાર થતી. પરસાળ, રસોડા કે ઓસરી માટે ગાય-ભેંસના છાણની ગાર! જોયું, બાનો કેવો પક્ષપાત છે આ ઓરડા માટે! પછી બે-ત્રણ દિવસ પેલી ગારની માવજત થાય. પણ એ બધું વહેલી સવારે થતું. બપોરથી સાંજ સુધીનો બાનો સમય એ દિવસોમાં આ ‘ઓરડા’ પાછળ જતો. મેશરીની ધરામાંથી લાવેલા મરડિયા વડે એ ‘ઓરડા’માં ઘર કરી ગયેલા ઉંદરોનાં દરને બરાબર તાળાં વાગી જાય. જ્યાં દેવસેવા થતી અને પુસ્તકો મુકાતાં એ તાકાને ફરીથી આકાર અપાતો. જૂનું લીંપણ કાઢી નખાતું અને પછી સફેદ ચૂનાથી આ ‘ઓરડો’ ધોળાતો. કહો કે એને સફેદ પીઠી ચઢતી! એક નહીં. બે પોતાંથી! અંદર ચૂનામાં સરેશની સાથે અસલ ચકલી છાપ ગળી પણ ઉમેરાતી. બધું ધોળાઈ રહ્યા પછી દીવાલો તરફ નજર નાખી બા હરખાતી હરખાતી કહેતી ‘છે ને બધું બગલાની પાંખ જેવું!’ ધોળાઈ ગયાની રાત્રે અથવા તો બીજા દિવસની રાત્રે બાના વળી એ નવા કાર્યનો રાઉન્ડ શરૂ થતો. અને તે લીંપણનો. પેલી ઘોડાની લાદમાંથી તૈયાર થયેલી ખાસ ગાર બા કહે તે પ્રમાણે તગારામાં અમારે વાડામાંના ઢગમાંથી ભરી લાવવાની, તે દિવસે બાના હુકમથી પેટ્રોમૅક્ષ સળગાવાતી, અને પછી એક ઓરપો, બીજો ઓરપો એમ બા ઓકળીઓ લેતી જાય. મધરાત સુધીમાં તો લગભગ અડધો ઓરડો લીંપાઈ ગયો હોય. એકેએક ઓકળી એવી કલાત્મકતાથી આવ્યે જતી કે જાણે બાના હાથે એક પછી એક ઝાંઝર ન ગોઠવાતાં હોય! બા લગભગ હૃદય રેડીને એ કામ કરતી. એકેય ઓરપો આડોઅવળો જાય તો બા શાની! જાણે ઓળંબો કે ફૂટપટી મૂકીને એકેએક ઓરપો ન લીધો હોય! બે-ત્રણ દિવસમાં તો આખો ઓરડો લીંપાઈને તૈયાર થઈ જતો, લીંપણ સુકાયા પછી ઓરડા વચ્ચે ઊભા રહીને ચારે તરફ નજર કરીએ ત્યારે એકેએક ઓકળી બીજ-ત્રીજના ચંદ્રનો ભાસ કરાવતી હસી રહી હોય! બાની આવી ‘એક્સપર્ટશિપ’નો લાભ આડોશી-પાડોશીઓ જ નહિ – છેક બીજા ફળિયા સુધીના સંબંધીઓ પણ લેતા!
‘ઓરડા’ને લીંપવા-ધોળવાની ક્રિયા આમ તો સ્નાનવિધિરૂપ, પ્રારંભિક જ કહેવાય. અલંકારોથી વિભૂષિત તો હજી એને હવે થવાનું છે. બા પિત્તળનાં વાસણો ઉપર નરી ઓળઘોળ, ઘરનાં બધાં વાસણોની યાદી એને મોઢે! ઓરડાની ઊંચાઈનો, ઉપરના અઢી-ત્રણ ફૂટ જેટલો ભાગ છોડી દઈને બાએ ચારે બાજુ સાગી લાકડાની અભરાઈઓ ખાસ કરીને પોતાના હાથે મૂકી છે. અભરાઈઓના માપતાલનો નકશો એના મનમાં બરાબર સ્પષ્ટ. એટલું જ નહિ, કયો લોટો, કઈ રકાબી કે કયો પ્યાલો અથવા તો કઈ પવાલી ક્યાં છે તે એ ગમે ત્યાં બેઠે બેઠે આપણને બતાવે. ભૂલચૂકેય એકાદ વાસણની ક્યાંય જગા પડે, ઉંદરો એને પાડે કે આડું-અવળું કરી દે તો બાની નજર તરત એ ઉપર પડે. પછી તો વાસણને તે શોધે, એની મૂળ જગ્યાએ વળી પાછું એ ગોઠવાય તો જ એને ચેન પડે. સ્થાનભ્રષ્ટતા બાના રાજ્યમાં ક્યાંય ચાલે નહિ! એટલે જ દિવાળી ટાણે અભરાઈ ઉપરથી, વાસણ ઉતારવાથી માંડીને એને ઘસી-માંજીને ચકચકિત કરી પુન: અભરાઈ ઉપર ગોઠવવા સુધીનું કાર્ય એ જાતે જ કરે. દિવાળીના આઠેક દિવસ બાકી હોય એટલે ઓરડાની ચારે બાજુની અભરાઈઓ ઝગમગી ઊઠતી. એકેએક વાસણ એના કદ અને ઊંચાઈ પ્રમાણે ક્રમબદ્ધ રીતે ગોઠવાતું. ઓરડામાં પ્રવેશનાર આગંતુક પહેલી નજરે અંજાઈ જાય એવો એનો દબદબો! ઉઘાડી છાતીએ ગળામાં સુવર્ણહાર લટકાવીને બેઠેલો કોઈ રુઆબી રાજવી જ ઘડીભર જોઈ લો!
આ ‘ઓરડા’માં મૅજિકલ કોટ જેવું, લીલા રંગનું, લાકડાનું એક કબાટ છે. કેમ જાણે પણ હજી એના વિશેનું આકર્ષણ આજેય જેવું ને તેવું જ રહ્યું છે. ગાદલાંનું કબાટ ગણો તો એ, બાના દરદાગીના માટેની તિજોરી પણ એ, અને બાપુજીને વધારાના ઇમર્જન્સી ટાણે ઉપયોગી બને એવા, પૈસા રાખવાનું સ્થાન પણ એ. ઉપરના ખુલ્લા ભાગમાં ખાસ લગ્ન પ્રસંગે કે વાર-તહેવારે પહેરવાનાં કપડાંની પેટીઓ રહેતી. બાકીનો જે ભાગ વધતો એમાં ક્યારેક અમારા રોજના નાસ્તાનો ડબ્બો કે એવું કશુંક પડી રહેતું. કબાટને દિવસમાં ગમે તેટલી વાર ખોલવું હોય તો છૂટ પણ, નીચેનાં બે ખાનાં ઉપરનો અધિકાર તો બા-બાપુજીનો જ. ક્યારેક બા-બાપુજી એ ખાનાં ખોલીને બેઠાં હોય અને અમે ક્યાંકથી આવી પડીએ તો તરત સમજી જઈએ – આજે કુબેરભંડાર ખૂલ્યો છે. કશીક નવાજૂની છે! ઘર બંધ કરીને બહારગામ જવાનું બને ત્યારે આ ‘ઓરડો’ સ્ટ્રૉંગરૂમ બની જતો તે આ રહસ્યસભર કબાટને લઈને!
બરાબર એ કબાટને અડીને જ સ્ટૅન્ડિંગ કિચનના માપનું આડું, એક બીજું કબાટ છે. એ વળી જુદી રીતે જ અમારો અચંબો બની રહ્યું છે. અમારા માટે ઓરડાની માયા વધારી આપવામાં એ કબાટનો હિસ્સો પણ ઘણો રહ્યો છે. અમારું અક્ષયપાત્ર એ કબાટ હતું! શાળાએથી આવીએ, રમી-ભમીને આવીએ કે નવરા પડ્યા હોઈએ, ત્યારે અમારું ચિત્ત આ માયાવી કબાટ તરફ વળે. અમારું અક્ષયપાત્ર એ કબાટ હતું! કશી હઠ પકડી હોય ત્યારે રાજી કરવા બાને પણ એ અક્ષયપાત્ર જેવા કબાટ પાસે જ જવું પડતું! એ કબાટના એક તરફના ભાગમાં સાવ અલગ પડી જતાં બે ખાનાં છે. બંને ખાનાં આપણા કબજામાં! કાચની લખોટીઓથી માંડીને પેન-પેન્સિલના ટુકડા, પત્તાં, અભિનેતા-અભિનેત્રીઓના ને દેવ-દેવીઓના ફોટા બધું એ ‘સેફ’માં રહે! એ ‘સેફ’નો વળી એક ઇતિહાસ છે. પણ જવા દો એ વાત…
…અને અમારા આ અક્ષયપાત્રની પાછળ બે અને બાજુમાં એક એમ ત્રણ તાકાં છે. અક્ષયપાત્ર પાછળનાં બંને તાકાં ડેડસ્ટોક જેવાં છે. વૈભવ ગુમાવી દીધેલી રાજરાણી જેવી ખાલી શીશીઓ, અંગૂઠા પકડેલા છોકરાઓ જેવી વાંકી વળી ગયેલી ખીલીઓ, કૅન્સરના રોગી જેવાં ડબલાં – એ બધું ત્યાં ખીચોખીચ સાઇબીરિયાની જેલના કેદીઓની માફક, ભરેલું રહે. બાજુ ઉપરનું તાકું સાવ નોખું. એ અમારી જસલોક હૉસ્પિટલનો દેશી-વિલાયતી બધી ખપની દવાઓ ત્યાં રહે. મધરાતે પેટમાં ચૂંક ઊપડે કે તાવ ચઢે તો ગામડાગામમાં દાક્તરને ક્યાં ગોતવા જઈએ? બધાંની નજર પેલા તાકા તરફ જ જાય. સર્વધર્મ તજીને પછી એ તાકાનું જ શરણું લેવાનું રહે. સામેની દીવાલ પર બીજાં બે તાકાં ખરાં પણ એને તાકાં નહિ કહીએ – એ તો સાક્ષાત્ સરસ્વતીના ગોખ જ કહેવાય. અમારાં પેન-પાટી-પુસ્તકો બધું ત્યાં રહે, વ્યવસ્થિત રીતે રહે.
બારણા તરફ આગળ વધીએ એટલે દીવાલ ઉપર ટીંગાવેલું, લાકડાનું એક ખુલ્લું તાકું આવે. અમારું, અમારા ઘર સમસ્તનું એ દેવાલય. સવાર પડે એટલે પહેલી નજર ત્યાં મૂકેલી દેવ-દેવીઓની તસવીરો પર પડે. બાપુજી અને બા ભાવવિભોર બનીને ઊભાં ઊભાં જ ત્યાં નિત્ય પૂજાપાઠ કરે. અમે મુગ્ધ બનીને એ બધું દેખ્યા કરીએ. કેવું પુનિત દૃશ્ય રચાતું ત્યારે! કોઈકની સાથે શાળામાં લઢી-ઝઘડીને આવીએ કે કોઈકે મંત્રેલા ચોખા ખવડાવવાની ધમકી આપી હોય અથવા પરીક્ષાઓ પાસે આવતી હોય તો અમે અમારા આ દેવાલય પાસે જઈને ઊભા રહીએ. તસવીરોને નમન કરીએ, આશકા-પ્રસાદી લઈએ અને હળવા થઈને પાછા અમારા રમવાના ધમધોકાર ‘ઉદ્યોગ’માં પરોવાઈ જઈએ. શ્રદ્ધાના ઘણા પાઠ આ દેવાલય, આ ઓરડો અનાયાસે અમને શીખવી જતાં. પેલાં બંને કબાટની પાસેના બે ખૂણામાં અનાજ ભરવાની બે તોતિંગ કોઠીઓ રહેતી. ઘણી વાર રાત્રે આંખ ખૂલી જાય તો એ કોઠી ઉપર ભૂત બેઠું હશે એવો ડર લાગ્યા કરે. ધીમે રહીને, બિલ્લીની ચૂપકીદીએ, ઓઢેલો ચોરસો મુખ ઉપરથી ખસેડતા જઈએ ને ભૂતને બદલે એકલી કોઠી દેખાય એટલે તરત દૃષ્ટિ પેલા દેવાલય તરફ વળે. ત્યાં સુધીમાં તો મનમાં બે-ચાર વાર ગાયત્રી મંત્રનું રટણ પણ થઈ ચૂક્યું હોય! આ દેવાલયની નીચે, ખૂણામાં પિતાજીનો માનીતો હૂકો પડી રહે છે. ચલમમાં તમાકુ-દેવતા મૂકવાથી માંડીને હૂકામાં તાજું પાણી ભરવાનું, નેહને ધોઈને સ્વચ્છ કરી, હૂકો તૈયાર કરવાનું – એ સર્વ કાર્ય ક્યારેક અમારે કરવાનું રહેતું. બપોરે બહાર પરસાળમાં જમ્યા પછી બાપુજી વામકુક્ષી કરતા હોય ત્યારે અમે મોકો મળે, નેહને મોંમાં મૂકવાની તક ઝડપી લેતા, ધુમાડા કરતાં એમાંથી નીકળતો ગડગડ ગડગડ અવાજ અમારા માટે મોટું આકર્ષણ બની રહેતો. રાત્રે મિત્રોને મળીએ ત્યારે આ અને આવાં બીજાં ‘પરાક્રમો’ની ધાડ મારી હોય, એ અદાથી ચર્ચા કરતા!
‘ઓરડો’ આમ ચારે બાજુના આવા રંગબેરંગી સાજન-માજનથી શોભતો પણ એ બધાંની વચ્ચે ઝૂલતો હીંચકો તો એની શોભામાં ચાર ચાંદ લગાવી દેતો. એની હીંચ સાથે કવિતાઓ ગોખી છે, સંસ્કૃતનાં રૂપો મોઢે કર્યાં છે, અંગ્રેજીના સ્પેલિંગ કડકડાટ કર્યા છે! એ હીંચકો અમારી મીની શાળા હતો. આમ તો બાપુજી ઘર બહારની દોસ્તીના જ હિમાયતી. ઓરડા સુધી પહોંચવાનો અધિકાર બહુ ઓછા આગંતુકોને મળતો. પણ હીંચકા ઉપર આવીને અમે કોઈકને, ક્યારેક બેઠેલા જોઈએ તો તરત સમજી જઈએ – આ કોઈક વિશિષ્ટ અતિથિ છે, યા તો બાપુજીના ખાસ અંતરંગના મિત્ર છે, બાકી દીવાનેખાસના આ હીંચકા ઉપર બીજું કોણ બેસે?! બપોરે જમ્યા પછી આ હીંચકા ઉપર છીંકણીની ડબ્બી સાથે અચૂક બેસે. ઝળહળતા ઓરડાની ચારે બાજુ એની નજર ફૂદાની માફ ફર્યા કરે, એના મોં ઉપર ત્યારે એકીસાથે પ્રસન્નતા અને ગર્વની લાગણી ડોકાતી. બા એ ‘ઓરડા’ની કર્તા ખરી ને! પિતાજી હૂકો લઈને ક્યારેક હીંચકે બેસે ખરા, પણ એ ક્યારેક જ.
દિવાળીએ જ નહિ, અન્ય કોઈ વારતહેવારે પણ આ ‘ઓરડા’ની રોનક બદલાતી. પેલાં કબાટ, તાકાં કે ડબલાં-ડબલીની સાફસૂફી થતી, અને રંગરોગાન થતાં, અરે પેલાં બધાં જ વાસણો પણ ફરીથી ઘસાતાં-મંજાતાં. માત્ર બાના મનમાં એ વિશેનો વિચાર આવવો જોઈએ. સત્યનારાયણની કથા આ ‘ઓરડા’માં જ થાય. લગ્નપ્રસંગે ગણપતિ પણ આ ‘ઓરડા’માં જ કાઢવાના. ખાસ મહેમાનો આવ્યા હોય ત્યારે પણ હરખપદુડો આ ‘ઓરડો’ જ લાગે. સૌના ધામા ત્યાં રહે! શિયાળાની રાત્રિઓએ સગડીની આજુબાજુ આખો પરિવાર ઝૂમખું થઈને આ ‘ઓરડા’માં બેસી રહેતો. બા-બાપુજીએ જિંદગીનાં ઘણાંબધાં આયોજનો અહીં બેસીને કર્યાં છે. તો ઘણીબધી ગૂંચોને પણ અહીં જ ઉકેલી છે. એમનું કાફે હાઉસ, પીસ સેન્ટર કે મંદિર બધું આ ‘ઓરડો’ હતું. ઘરમાં કોઈ સાજુંમાંદું થયું હોય તોપણ પોતાની હૂંફાળી સોડમાં આ ‘ઓરડો’ જ લપાવી દેતો. ‘ઓરડો’ આમ અમારું અમારા પરિવારનું ભર્યું ભર્યું આકાશ હતો.
બે પ્રસંગોએ આ ‘ઓરડા’ને મેં હૃદયને દળી નાખે એવી રીતે ખામોશ જોયો છે, અને તે નાની બહેન અને દાદીમાના મૃત્યુ ટાણે… બંનેના શબને રાતભર આ ઓરડાએ છાતીએ લગાવી રાખ્યાં હતાં. છેલ્લા શ્વાસે ઠરડાઈ ગયેલી આંખો, રમતાં રમતાં ડાબા હાથની હથેળીમાં સખ્ત રીતે ભીડી દીધેલી બંગડી અને કૂણાં કૂણાં ઘાસ જેવો ચહેરો – બહેનનું એ અંતિમ રૂપ હજી સ્મૃતિમાં વલવલ્યા કરે છે. દાદીમાએ તો મૃત્યુની આગલી રાત્રિએ જ ભાન ગુમાવી દીધેલું. માત્ર ધમણની માફક જોરથી શ્વાસ ચાલ્યા કરતો હતો. જે ક્ષણે એ શ્વાસ અટક્યો એ ક્ષણે અમે, ‘ઓરડો’ સૌ ડુમાઈ ગયાં હતાં. દાદીમાને ઈશ્વરે જીવન તો પાનખર જેવું આપ્યું હતું પણ દાદીમા હૈયાથી તો વસંત જેવું જીવી ગયાં. વ્હાલપની મૂર્તિ જેવો એનો ભોળો ચહેરો તીવ્રપણે સ્મરણમાં જડાયેલો છે.
અત્યારે તો ‘ઓરડો’ મારી અનેક ક્ષણોનો સરવાળો બનતો જઈને એક આકાર રચે છે. હું એના એકેએક ખૂણા તરફ વળું છું, પેલા કબાટ, તાકાં, અભરાઈ ઉપરનાં વાસણો, દેવાલય, હીંચકો, દાદીમા, નાની બહેન અને હું એકાકાર બની જઈએ છીએ…’
નગરના આલીશાન બંગલાના ખંડમાંથી, ક્યારેક પાછા ન વળવાની ઇચ્છા સાથે હમણાં તો હું ભાગી છૂટ્યો છું, દૂર… દૂર… (‘લીલાં પર્ણ’)