ભારતીય કાવ્યસિદ્ધાંત/ગુણીભૂતવ્યંગ્યકાવ્યના પ્રભેદો: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 02:52, 1 September 2024
ગુણીભૂતવ્યંગ્યકાવ્યમાં વ્યંગ્યાર્થ વાચ્યાર્થ જેટલો ચમત્કાર કે મહત્ત્વનો હોતો નથી. ગુણીભૂતવ્યંગ્યકાવ્યમાં વ્યંગ્યાર્થની જે સ્થિતિ કે સ્વરૂપ હોય છે તે અનુસાર મમ્મટ એના આઠ મુખ્ય પ્રભેદો પાડે છે : ૧. અગૂઢવ્યંગ્ય : વ્યંગ્યાર્થ ગૂઢ હોય એમાં જ એની ચારુતા છે. અને ધ્વનિકાવ્યમાં એ ગૂઢ હોય છે. આથી વ્યગ્યાર્થ અગૂઢ હોય તે ગુણીભૂતવ્યંગ્યકાવ્યનો પ્રભેદ બને. ૨. અપરાંગવ્યંગ્ય : આ પ્રકારમાં વ્યંગ્યાર્થ તાત્પર્યાર્થનો અંગરૂપ બને છે, એને ઉપકારક બને છે. એ તાત્પર્યાર્થ વસ્તુ, અલંકાર કે રસરૂપ હોઈ શકે. ૩. વાચ્યસિદ્ધ્યંગ : આ પ્રકારમાં વ્યંગ્યાર્થ વાચ્યાર્થની સિદ્ધિમાં સાધનભૂત બને છે. ૪. અસ્ફુટવ્યંગ્ય : આ પ્રકારમાં વ્યંગ્યાર્થ અસ્ફુટ હોય અને સહૃદયોને પણ એનો બોધ મુશ્કેલીએ થાય. ૫. સંદિગ્ધપ્રાધાન્યવ્યંગ્ય : આ પ્રકારમાં વ્યંગ્યાર્થ પ્રધાન છે કે વાચ્યાર્થ તે અંગે સંદેહ ઊપજે. ૬. તુલ્યપ્રાધાન્યવ્યંગ્ય : આ પ્રકારમાં વાચ્ય અને વ્યંગ્ય બંનેનું સરખું પ્રાધાન્ય હોય. ૭. કાકવાક્ષિપ્તવ્યંગ્ય : કાકુ તો ધ્વનિકાવ્યમાં પણ વ્યંગ્યાર્થબોધનું નિમિત્ત બને છે. ત્યાં કાકુ પછી વિલંબે વ્યંગ્યાર્થનો બોધ થતો હોય છે. પણ ગુણીભૂતવ્યંગ્યના આ પ્રકારમાં કાકુની સાથે જ - એની દ્વારા જ - વ્યંગ્યાર્થનો બોધ થઈ જતો હોય છે. ૮. અસુંદરવ્યંગ્ય : આ પ્રકારમાં વ્યંગ્યાર્થ વાચ્યાર્થની તુલનાએ અસુંદર હોય. મમ્મટ કહે છે તેમ આના પણ ધ્વનિકાવ્યની પેઠે અનેક ભેદો પડી શકે.