ભારતીય કાવ્યસિદ્ધાંત/(૨૧) અલંકારધ્વનિ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 15:38, 1 September 2024
(૨૧) અલંકારધ્વનિ : (પૃ.૧૪૯)
આનંદવર્ધન તો ‘ધ્વનિ’ને કાવ્યનો આત્મા માને છે અને અલંકારાદિ તો એ ધ્વનિની રમણીયતા પ્રગટ કરવા માટે આવે છે એમ કહે છે. જેનું અલંકરણ કરવામાં આવે તે અલંકાર્ય. એટલે ‘ધ્વનિ’ ખરેખર અલંકાર્ય છે. તો અહીં એને અલંકાર કેમ કહ્યો? એનો અર્થ તો એવો થાય કે ધ્વનિ કોઈ બીજા તત્ત્વના અલંકરણરૂપ છે અને એ બીજું તત્ત્વ જ કાવ્યનું મુખ્ય તત્ત્વ છે; એટલે કે ધ્વનિ કાવ્યનો આત્મા નથી. આનો ખુલાસો આનંદવર્ધન એ રીતે કરે છે કે અહીં ધ્વનિ અલંકાર્ય જ છે, પરંતુ જેમ શ્રમણ બની ગયેલા કોઈ બ્રાહ્મણને આપણે એના જૂના બ્રાહ્મણ રૂપે જ ઓળખવાનું ચાલુ રાખીએ તેમ (એટલે કે બ્રાહ્મણશ્રમણન્યાયે) અહીં જે ધ્વનિ છે તે અમુક પ્રકારના અલંકારના માળખામાં બેસી જાય છે, તેથી તેને આપણે ‘અલંકારધ્વનિ’ એવું નામ આપીએ છીએ. હકીકતે ધ્વનિ તરીકે તો એ અલંકાર્ય જ છે.