અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘ચક્રવાકમિથુન' - કાન્ત: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:26, 9 December 2024

૪. ‘ચક્રવાકમિથુન’ / કાન્ત

વ્રજલાલ દવે

‘ચક્રવાકમિથુન’ પંખીઓનું કાવ્ય છે. પંખીઓ આપણા કરતાં જુદાં છે. પણ અહીં પંખીઓ છે તેમાં માણસને લગતી કંઈક વાત છે. આખા કાવ્યમાં પંખીઓની જ વાત છે. પણ એક સંવાદ આવે છે ત્યાં આપણને લાગે છે કે તેમાં માણસ અંગેની વાત છે. એક પંખી કહે છે કે આ વનપ્રદેશનો હું માલિક છું. આ કાવ્યને વિદ્યાર્થીઓ સુધી લઈ જવાનું હોય તો તેના કેટલા એકમો છે તે વિચારી લેવું જોઈએ. સૌપ્રથમ તો કાવ્યમાંની કથા કહી દેવી જોઈએ : બે ભોળા હૃદયવાળાં પંખીઓ જુદાં પડે, વિરહ ભોગવે, રાત્રિ માટે છૂટાં પડે, નદી તટે આવ્યાં ત્યારે ભયથી પીડાયેલાં બે પંખીઓનું ચિત્ર એ એક એકમ પંખીઓ એક રાત્રિ માટે કેમ છૂટાં ન પડી શક્યાં એ ગદ્ય ન લાગે તે રીતે કાન્તે લખ્યું છે. ‘પ્રણયની પણ તૃપ્તિ થતી નથી. એટલે કે સાયુજ્ય, સહચર્ય, અખંડતા. આ એક, હૃદયની ઉષ્મા ને તીવ્રતામાંથી આવેલું વચન છે. આ એક સ્થિતિ છે. પરિચય પછીની મનની આ ગતિમયતા છે. એ ગતિમયતામાં કવિએ આ બે પંખીઓને મૂક્યાં છે. પછી સંધ્યાના સમયનું ચિત્ર આપ્યું છે. શરૂઆતમાં દૂર દેખાતા પહાડ જે વિસ્તરેલા છે તે વૃક્ષની શાખાઓની જેમ વિસ્તરેલા છે, એમાં કંઈક અમંગલનું સૂચન છે. કાન્ત એવા કવિ છે કે જે નગદ કલ્પનાચિત્રોમાં માને છે. અહીં પંખીઓની જે ચેષ્ટાઓ છે - જે અનુભાવો છે - તે એટલી બધી સહજ છે કે સ્પર્શને કાવ્યમય બનાવવાની શક્તિ દર્શાવે છે. સ્થૂલ સ્પર્શની પ્રતીતિ થતી નથી. આ એક પ્રકારની રાગીયતા છે. બે પંખીઓ પછી મોહનિદ્રામાંથી જાગે છે, તેમાં કવિતાનો વળાંક છે. સાંજ નજીક આવી ગઈ છે તેનો ખ્યાલ પંખીઓને આવી ગયો છે. રસવિહીન વાદળી પણ એમને દેખાવા લાગી. પંખીઓને સૂર્યનાં કિરણો દેખાયાં ત્યાં બેઠાં. આ બધામાં રેસ્ટલેસનેસ-વ્યાકુળતા દેખાય છે. પંખીઓ ટળવળે છે. પ્રકૃતિનાં તત્ત્વો કવિએ અહીં મૂક્યાં છે. ‘ઉભય એક થયાં’ અને ‘એક થવા મથે’ એ બે વચ્ચે કેટલું બધું અંતર છે! પ્રકૃતિનાં જે જુદાં, જુદાં દૃશ્યો છે તે જબરદસ્ત ઉત્પ્રેક્ષાઓ છે. કાન્તમાં આ જે છે તે એ સમયના કવિઓમાં નથી. નથી તો કાન્ત જેવી પદાવલિ કે નથી તેના જેવાં શબ્દચિત્રો. પ્રકૃતિ તો એની એ છે પણ પરિસ્થિતિ જુદી છે. રાત આવવાની તેનું શબ્દચિત્ર કાન્તે દોર્યું તે ઉલ્લેખનીય છે. સ્નેહમાં સુખ છે, પણ તેમાં સુખ છે તેના કરતાં દુ:ખ વધુ છે. આ કાવ્યમાં પંખી બે છે. એકને કાન્તે પ્રણયવીર કહ્યું છે. અને પેલી પંખિણી કોમળ હૃદયવાળી છે, દેવને આર્દ્ર કહેનાર એ ભોળી છે. દૈવ આર્દ્ર હોઈ શકે ખરું? નરપંખી ધ્રુવમાં જવાની વાત કરે છે. પણ ત્યાં જેમ દિવસો લાંબા છે તેમ રાત્રિઓ પણ લાંબી છે. બે પંખીઓ વચ્ચેની વાતચીત ડાયલોગ બની જાય છે. આ ધૂળ જેવી દુનિયામાંથી છૂટીને કોઈ સભર દુનિયાની શોધ એ પ્રેમીની શોધ છે. અહીં આનંદ મળે છે, પણ ફુલફીલમેન્ટ-પરિતોષ ક્યાં છે? કાવ્યના અંતમાં બંને પંખીઓને તેજ જેવું કંઈક દેખાય છે. અવસાનની પહેલાં કોઈ બીજી જ દુનિયા દેખાય છે. ‘ક્યહિં અચેતન એક દીસે નહીં.’-માં રચનાનું સૌંદર્ય દેખાય છે. નિર્દોષ સ્વભાવવાળાં પંખીઓ અવર દુનિયામાં જાય તો પ્રકાશ પામી શકે. કરુણની વાત કરીએ છીએ ત્યારે સહમૃત્યુનો પ્રશ્ન છે. મનુષ્યનો પ્રેમ કોઈ ને કોઈ રીતે વિરહને વરેલો છે એવું સૂચન કાવ્યમાં છે. આ કાવ્યમાં કવિસહજ જીવનદૃષ્ટિ કરુણરસની કૃતિ રૂપે પ્રગટ થઈ છે. આપણી ભાષાને થોડો ઘણો ભાર આપે એવા કેટલાક તત્સમો કાન્તના આ કાવ્યમાં છે. એ રસિક પાંડિત્યના નિર્દેશો છે.

(‘અધીત : સાત’)’)