નારીસંપદા : ટૂંકી વાર્તા/આપણે કંઈક કરીશું: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 02:30, 6 June 2025

આપણે કાંઈક કરીશું

ડૉ. ગીતા રમેશ વેદ

મીરાં સાથે ડૉક્ટરના ક્લિનિકમાં આવેલી પદ્માના તો પગ તળેથી જમીન સરકવા માંડી. રિપોર્ટ જોઈ ઘરનાંને બોલાવવાનું સૂચન કરનાર ડૉક્ટરને પદ્માએ જે હોય તે સત્ય પોતાને જ કહેવાનો આગ્રહ રાખ્યો ત્યારે ડૉક્ટરે જણાવવું પડ્યું : “જુઓ પદ્મા બહેન, તમને પેટનું કેન્સર છે જે ઘણું જ આગળ વધી ગયું છે, ખૂબ ફેલાઈ ગયું છે. જો તમે કોઈપણ જાતની ટ્રીટમેન્ટ ન કરાવી તો તમારા જીવને જોખમ છે.” ક્લિનિકની અંદરનું વાતાવરણ એકદમ ગંભીર બની ગયું. “ડૉક્ટર, કેટલો સમય છે મારી પાસે?” અચાનક પદ્મા બહેને સવાલ પૂછ્યો. “ચોક્કસ કહી ન શકાય પણ કદાચ ત્રણ કે વધુમાં વધુ ચાર મહિના.” ડૉક્ટરને ફીના પૈસા ચૂકવી બંને ક્લિનિકની બહાર નીકળ્યાં. નજીક આવેલા બગીચામાં જઈ એક બેન્ચ પર બેઠાં. “શું વિચારે છે પદ્મા?” “મીરાં, તું મારા ઘરની સ્થિતિ જાણે છે. લોકડાઉન વખતે કાર્તિકની નોકરી છૂટી ગઈ તે હજી એનું સરખું ઠેકાણું પડતું નથી. છોકરાંઓની ઑનલાઇન સ્કૂલ શરૂ થઈ તો લતાએ તેની ચેન ગિરવે મૂકી બે મોબાઈલ ખરીદ્યા. હું જોતી જ હોઉં છું કે લતા પૈસે પૈસો બચાવવા કેવી મહેનત કરે છે ! આ બધાની વચ્ચે મારી કિમોથેરાપી કે રેડિયેશનની ટ્રીટમેન્ટ માટે પૈસા ક્યાંથી આવશે? અને એ ખર્ચીને પણ સારું થવાની કોઈ ખાતરી ક્યાં છે? માત્ર મોત લંબાય છે. ના, ના, હું આવી કોઈ જ ટ્રીટમેન્ટ કરાવવા નથી માંગતી. આગળ ભગવાનની જેવી મરજી.” આ વાતને ચારેક દિવસ થયા ને ઓચિંતો કાર્તિકે માને સવાલ પૂછ્યો, “જોઉં છું મા, આજકાલ તું એકદમ ચૂપચાપ રહેવા માંડી છે. કેમ કાંઈ બોલતી નથી, પહેલાંની જેમ ભજન ગણગણતી નથી ને સતત થાકેલી કેમ દેખાય છે? તારી તબિયત તો બરાબર છે ને?” “ના દીકરા, હું વિચારું છું કે આપણા ગામના ઘરે થોડો વખત રહી આવું. ખબર નહીં કેમ, પણ એ ઘર જાણે મને બોલાવી રહ્યું છે.” “છોકરાંઓને રજા પડશે ને ત્યારે જઈશું, મા.” “ના, હું એમ વિચારું છું કે હમણાં એકલી રહેવા ચાલી જાઉં, પછી તમને લોકોને ફાવે ત્યારે બધા આવજો. આ પહેલાં પણ હું ઘણીવાર એકલી ગઈ જ છું ને, તો શું વાંધો છે.” કાર્તિકે કમને માને હા પાડી પણ સાથે તાકીદ કરી કે પહોંચીને ફોન કરજે. પદ્મા બહેન ગયાને ચાર દિવસ વીતી ગયા પણ ફોન આવ્યો નહિ. કાર્તિક અને લતા ઊંચાંનીચાં થતાં પણ મનને મનાવતાં – હશે, થાકી ગઈ હશે એટલે બજારમાં ફોન કરવા નીકળી નહિ હોય ! પણ આખરે રહેવાયું નહિ એટલે પાંચમા દિવસે કાર્તિકે ગામમાં રહેતા મગનકાકાને ફોન જોડ્યો ત્યારે ખબર પડી કે મા તો ગામમાં પહોંચી જ નથી. ચિંતાતુર કાર્તિક ગામે જઈ પહોંચ્યો પણ વ્યર્થ ! મા ગામમાં આવી હોય તો કોઈએ એને જોઈ હોય ને, ઘર ખૂલ્યું હોય ને ! શું કરવું, માને ક્યાં શોધવી? રઘવાયા બનેલા કાર્તિકે આસપાસ બધે જ તપાસ કરી, સગાંવહાલાંઓને પૂછી જોયું, પોલિસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી પણ ક્યાંય કોઈ સગડ ન મળ્યા. આખરે નાસીપાસ થઈને પાછો મુંબઈ ઘરભેગો થઈ ગયો. અહીં આવીને યાદ આવતાં મીરાં માસીને ઘરે ગયો પણ ત્યાં તો દરવાજે મોટુંમસ તાળું અને પાડોશીઓને એમના વિશે કશી ખબર નહિ. કશું જ સમજાતું ન હતું. આટલી સાલસ, નિખાલસ, મમતામયી મા ક્યાં ખોવાઈ ગઈ? ક્યાં શોધવી? ઉચાટમાં દિવસો પસાર થતા રહ્યા ને એક દિવસ ઓચિંતો એક ફોન આવ્યો : “કાર્તિકભાઈ, હું ગોરાઈમાં આવેલા ‘મારું ઘર’ વૃદ્ધાશ્રમમાંથી બોલું છું. તમારાં બા પદ્મા બહેન છેલ્લા ત્રણ મહિનાથી અમારા આશ્રમમાં રહે છે અને તેમની તબિયત સારી નથી એટલું જણાવવા આ ફોન કર્યો છે.” સ્તબ્ધ થઈ ગયો કાર્તિક ! “મારી મા અને વૃદ્ધાશ્રમ ! ત્યાં ક્યાં, ક્યારે પહોંચી? અહીં બોરીવલીથી ગોરાઈ કેટલું પાસે ને મેં ક્યાં ક્યાં તપાસ નથી કરી ! આવો તો વિચાર ક્યાંથી આવે?” આશ્રમના સંચાલકોએ આપેલા સમયાનુસાર કાર્તિક જઈ પહોંચ્યો ‘મારું ઘર’માં માને મળવા. એક ઓરડામાં મા સૂતી હતી. બહુ જ દૂબળી પાતળી થઈ ગઈ હતી. તેની આંખો ઊંડી ઊતરી ગઈ હતી. સાવ નંખાઈ ગઈ હતી. હાડકાંનો માળો જોઈ લ્યો ! કાર્તિક તો માના આવા દીદાર જોઈ હબક ખાઈ ગયો. ‘આ મારી મા !’ દોડીને તેના ખાટલા પાસે પહોંચી ગયો. “આ શું મા? મને કહ્યું ગામના ઘરે જાઉં છું ને તું અહીં આવી પહોંચી? શા માટે તારે ખોટું બોલવું પડ્યું મા? તને મારામાં શી ખોટ દેખાઈ કે તારે વૃદ્ધાશ્રમનાં પગથિયાં ચડવા પડ્યાં?” માને વળગીને કાર્તિક જોરજોરથી રડવા માંડ્યો. મા કાર્તિકને વહાલ કરતી રહી, પંપાળતી રહી. તેની આંખો પણ વરસી રહી હતી. “બેટા, તારી તકલીફો, તારી સ્થિતિ હું રોજ જોતી હતી. મારી માંદગીની વાત કહી હું એમાં વધારો કરવા નહોતી માંગતી. તારા પર બોજો બનવા નહોતી માંગતી. ગામના ઘરનું બહાનું કાઢી હું મીરાં સાથે અહીં રહેવા આવી ગઈ. હું જૂઠ્ઠું બોલી, તને મેં ત્રાસ આપ્યો, મને માફ કરી દે દીકરા મારા, હું તારી ગુનેગાર છું.” કહી પદ્મા બહેન રડવા માંડ્યાં. ત્યાં તો એમની સાથે એ જ ઓરડામાં રહેતાં મીરાં બહેને કાર્તિકને તેની માની તબિયતથી વાકેફ કર્યો. “સતત પેટ દુખતું હોવાની ફરિયાદ કરતી પદ્માને માંડ માંડ જબરદસ્તીથી ચેકિંગ માટે તૈયાર કરી, કેન્સરનો રિપોર્ટ આવ્યો ત્યારે કોઈપણ જાતની ટ્રીટમેન્ટ કરાવવાની તેની ઇચ્છા ન હતી અને ડૉક્ટરે ત્રણ ચાર મહિનાનો સમય કહ્યો હતો એટલે પોતાનો દીકરો અમેરિકામાં રહેતો હોવાને કારણે ઘરે પોતે એકલાં જ રહેતાં હોવાથી સખીને છેલ્લે સુધી સાથ આપવા બંને જણ અહીં રહેવા આવી ગયાં. પોતાના ઘરે પદ્માને રાખી શકાત પણ વાત કેટલો વખત છૂપી રહેત? કોઈ આડોશી-પાડોશી, સગાંવહાલાં, કામવાળા એમ સતત કોઈની ને કોઈની અવરજવર રહેત અને વાત વધુ ચગત એટલે આવો નિર્ણય લેવો પડ્યો. પદ્માએ દીકરાના સોગંદ આપેલા એટલે કોઈને આ વાત જણાવી નહોતી. પણ હવે એની તબિયત વધુ ને વધુ લથડી રહી છે. ખોરાક ગળે નથી ઉતારી શકાતો ને એને કારણે કાંઈ ખાઈ નથી શકતી અને વજન એકદમ ઓછું થઈ ગયું છે. તેની આવી સ્થિતિ મારાથી જોઈ શકાઈ નહિ અને મેં તને બોલાવવા માટે એને માંડ માંડ રાજી કરી. મને માફ કર દીકરા. તારી માને આવો રસ્તો મેં જ સુઝાડ્યો હતો.” બોલતાં બોલતાં મીરાંનો અવાજ એકદમ ગળગળો થઈ ગયો. “ખાલી રસ્તો જ નથી સુઝાડ્યો, ડૉક્ટર પાસે જઈ ચેકિંગથી માંડી આજ સુધીનો બધો ખરચો પણ મીરાંએ જ આપ્યો છે. કાર્તિક, એનું ઋણ કેવી રીતે ચૂકવીશ હું?” આભારના ભારથી જાણે નમી જતાં હોય એમ પદ્મા બહેન બોલ્યાં. “મા, તું આટલું બધું સહેતી રહી અને મારામાં ખોવાયેલા મને એની ખબર પણ ન પડી. તને ક્યાં ક્યાં નથી શોધી, મને એક વાર કહેવું હતું.” કાર્તિક ગળગળો થઈ ગયો. “અને મીરાં માસી, તમને શું કહું, કેવી રીતે કહું, કાંઈ જ સમજાતું નથી. તમે ખરા અર્થમાં મમ્મીના સાચ્ચા મિત્ર છો. તમે મમ્મીને વૃદ્ધાશ્રમનો રસ્તો માત્ર નથી સુઝાડ્યો, પણ સખીને સાથ આપવા અહીં રહેવા પણ આવી ગયાં. શાંતિથી સગવડભર્યા ઘરમાં રહેતાં હતાં તે છોડીને, અગવડો વેઠીને પણ અહીં જ રહ્યાં છો. સલામ છે તમને ! મારી મા શું, હું પણ તમારું ઋણ કેવી રીતે ચૂકવીશ, ખબર નથી. પણ અત્યારે એ બધી વાતો જવા દો, તમે બંને જણ ઊઠો, ચાલો મારી સાથે. આપણે અહીંથી ઘરે જઈએ. મા, ભલે તારી કેન્સરની બીમારી રહી, ડૉક્ટરના કહેવા પ્રમાણે ભલે તારી પાસે સમય ઓછો રહ્યો હોય પણ આમ દિવસો ગણી ગણીને થોડું જીવાય? ભગવાન જે ધારતો હોય છે તે જ થતું હોય છે એવું જિંદગીભર મને શિખવાડનારી, મને હિંમત આપનારી મા, આવી રીતે નાહિંમત કેમ થઈ જાય? જો, ભગવાનની દયાથી મને નોકરી પણ મળી ગઈ છે અને આપણે સહુ સાથે જ, હા, મીરાં માસી, તમે પણ અમારી સાથે જ ઘરે ચાલો. તમારો દીકરો જ્યારે અમેરિકાથી પાછો આવે ત્યારે તમે ભલે તમારા ઘરે રહેવા જજો પણ અત્યારે તો અમારી સાથે જ. મા, ચાલ, ઊભી થા, આપણે કાંઈક કરીશું.”