નારીવાદ: પુનર્વિચાર/અનુવાદકની અનુભૂતિ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 14:33, 12 July 2025

અનુવાદકની અનુભૂતિ

સૌપ્રથમ, મારામાં પૂર્ણ વિશ્વાસ મૂકવા બદલ ડૉ. રંજના હરીશનો આભાર. અમારી વર્ષોજૂની મૈત્રી – જ્યારે મળીએ ત્યારે અલકમલકની વાતો થાય, ખાસ તો અમારી બંનેની પ્રવૃત્તિઓ વિશેની. ઘણા સમયથી, રોજબરોજના કામ તરીકે, ખાનગી તેમ જ સરકારી સંસ્થાઓ માટે સોશિયલ / લીગલ / મેડિકલ ઇન્ટરપ્રીટર અને ટ્રાન્સલેટર તરીકે હું કામ કરું છું, અમારા કામમાં મોટા ભાગે સાંપ્રત મુદ્દા આવરી લેવાતા હોય છે. ગયા વરસે, કૅનેડામાં અમારા ઘરે વાતો કરતાં-કરતાં રંજનાબહેને સૂચવ્યું કે ‘રિ-ડિફાઈનિંગ ફેમિનિઝમ્સ’નો અનુવાદ થવો જોઈએ. આ પુસ્તકમાં કેટલાક વિવાદાસ્પદ વિચારોને વિદ્વત્તાપૂર્વક વિવિધ દૃષ્ટિકોણો મુજબ રજૂ કરવામાં આવ્યા છે. અનુવાદક તરીકે, દરેક વિચાર સાથે હું સહમત થઉં, એ જરૂરી નથી તે છતાં પણ આ પડકાર ઝીલી લીધો. અનુવાદ કરતી વખતે કેટલાક અકલ્પ્ય મુદ્દા ઊભા થયા. અમુક વિષયો, અમુક વિચારો, અમુક શબ્દોનું સ્પષ્ટીકરણ કરવા સામે ખરેખરા પડકારો ઊભા થયા. ગુજરાતી ભાષાએ ઉદારતાપૂર્વક કેટલાય અંગ્રેજી શબ્દોને સ્વીકારી લીધા છે, જેમ કે, ફેમિનિઝમ. જો અનુવાદ કરતી વખતે ફેમિનિઝમ શબ્દને અંગ્રેજીમાં જ રાખીએ તો પુસ્તકના નામથી જ શરૂઆત થાય અને પછી અનુવાદ તરીકે એ શબ્દ ખૂંચે. વારંવાર ચર્ચાવિચારણા કર્યા બાદ, જેન્ડર / જાતિ, સેક્સ / લિંગ કે લૈંગિક જાતિ વગેરે શબ્દોને જે-તે પ્રકરણોની અર્થચ્છાયાઓની જરૂરિયાત મુજબ વાપર્યા. અમુક જગ્યાએ તો ભદ્રંભદ્રીય ન લાગે એટલા માટે જ અંગ્રેજી શબ્દો વાપર્યા... અલબત્ત, હજી આ ક્ષણે પણ અમુક શબ્દોના યોગ્ય ઉપયોગ બાબતે અવઢવ છે જ ! લગભગ દસ-બાર પ્રકરણોના અનુવાદની મૅટર સાથે ગૂર્જરના શ્રી મનુભાઈ શાહને મળ્યાં. એ ટૂંકી મુલાકાતમાં એમની કર્તવ્યનિષ્ઠા, દૃઢનિશ્ચયતા અને સાલસતા સ્પર્શી ગઈ. અમુક વિવાદાસ્પદ બાબતો વિશે પણ ખૂલીને વાત થઈ અને એમણે આ પુસ્તક છાપવાની તૈયારી બતાવી એ માટે શ્રી મનુભાઈનો હૃદયપૂર્વક આભાર. જન્મ અને ઉછેર થકી માતૃભાષાનું અમીસીંચન કરીને મારા વ્યક્તિત્વને સંપૂર્ણપણે ખીલવનારાં મમ્મી-ડૅડી - પ્રવીણા અને બાલકૃષ્ણ દવેનો શબ્દોમાં આભાર માની શકું એટલી મારી ક્ષમતા નથી, પણ આ જીવનની પળેપળ માટે તમારી બંનેની ઋણી છું. સૃષ્ટિના પ્રેરકબળ શક્તિપૂંજનો સાક્ષાત્કાર તમારા થકી જ થયો છે. આ પુસ્તકનો અનુવાદ કરવાના પ્રસ્તાવથી પ્રકાશન સુધી અને જીવનની હરએક ક્ષણે મારો હાથ પકડીને મારી સાથોસાથ રહીને, પ્રેમપૂર્વક હિંમત આપનાર જીવનસાથી શૈલેશનો આભાર માનીશ તો એને નહીં ગમે, પણ નહીં માનું તો મને નહીં ગમે. વિવાદાસ્પદ મુદ્દાનો સમાવેશ કરવાનો હોય કે પછી ધીરજપૂર્વક વારંવાર બધાં જ પ્રકરણો તપાસીને પ્રવાહિતા જાળવવાનાં સૂચનો કરવાનાં હોય – એ બધાં જ કામ શૈલેશે હોંશપૂર્વક કર્યાં છે. અત્યાર સુધી મેં જે કંઈ લખ્યું છે એ નીતા દવેના નામે; પણ હવે મને લાગે છે કે this is the right time to re-define myself as નીતા શૈલેશ. આ નવી, પુન: સ્પષ્ટીકરણ કરેલી મારી ઓળખ સાથે આ અનુવાદ આપના હાથમાં મૂકતાં વિશિષ્ટ લાગણી અનુભવું છું. આભાર.

3124 Shadetree Drive<brMississauga, Ontario
email: tonee-tas@hotmail.com
LSN 6P3

– નીતા શૈલેશ