નારીવાદ: પુનર્વિચાર/નારીવાદનું પુન: સ્પષ્ટીકરણ: એક અંગત નોંધ
નારીવાદ: પુન: સ્પષ્ટીકરણ – એક અંગત નોંધ
વિદ્યા બાલ
વિમેન્સ એક્ટિવિસ્ટ અને પત્રકાર, પૂણે
છેલ્લાં ૨૫-૩૦ વર્ષથી હું એક ઍક્ટિવિસ્ટ અને નારીવાદી રહી ચૂકી છું. મારી અંગત સમસ્યાઓ પર નજર નાંખવાને કારણે આ બધાની શરૂઆત થઈ હતી. હું મૂંઝાયેલી રહેતી, મારી જાત સાથે કજિયો અને સંઘર્ષ કર્યા કરતી. જોકે એ મારી આજુબાજુ વીંટળાયેલી હકીકતોની સાથે ગંઠાયેલી મારી જ અંગત સમજણ હતી. આજે જ્યારે હું નારીવાદના પુન: સ્પષ્ટીકરણ વિશે વિચારું છું, ત્યારે મારી નારીવાદી પ્રવૃત્તિની યાત્રા પર દૃષ્ટિપાત કરવાનું મારા માટે વધુ અર્થસભર બને છે. પ્રથમ તબક્કામાં મને ખબર જ નહોતી કે એક સંગઠિત તંત્ર તરીકે પિતૃસત્તાક વ્યવસ્થા સમગ્ર વિશ્વ પર ૫,૦૦૦થીય વધુ વર્ષોથી રાજ કરી રહી છે. તેથી જ જે સંઘર્ષ અને કજિયામાંથી હું પસાર થઈ રહી હતી એને મારી અંગત સમસ્યાઓ તરીકે જોવાતા હતા. એક સ્ત્રી તરીકેના રૂઢિવાદી અનુકૂલન અને ઉછેરનો બોજો માથા પરથી ઉતારી મૂકવાનું પણ સરળ તો નહોતું જ અને એટલે જ હું અને અન્ય ઘણી સ્ત્રીઓ જે ઘટનાઓમાંથી પસાર થઈ રહ્યાં હતાં એની સાથે સંકળાયેલું બધું જ જાણે માત્ર અમારા સ્ત્રીત્વને કારણે જ થતું હોય એમ જ જોવામાં આવતું ! અને આ સત્યને બદલી જ ન શકાય, એવો પેલા અનુકૂલનનો ચુકાદો હતો. દિવસો પસાર થતા ગયા. અમુક વાચન, અમુક ચર્ચા-વિચારણાઓ, પશ્ચિમમાંથી ધસી આવતાં નારીવાદનાં મોજાં – આ બધાએ મને વધુ વિચારતી કરી. મહારાષ્ટ્રના ઇતિહાસમાંના ઘણા વિચારકો અને ઍક્ટિવિસ્ટો – મહાત્મા ફુલે, મહર્ષિ કર્વે, ગોપાલ ગણેશ આગરકર, લોકહિતવાદી ડૉ. આંબેડકર અને અન્ય મહાનુભાવો – મારા જીવનમાં એક નવા પ્રભાતની જેમ આવ્યા. આ કારણોસર, મશહૂર સ્લોગન. વ્યક્તિગત એ જ રાજનૈતિક-ને સમજવામાં મને મદદ મળી. અમારી નારીવાદી કાર્યસૂચિમાં સૌથી પહેલો મુદ્દો સ્ત્રીઓ સામેની હિંસા પ્રત્યે જાગૃતિ વધારવાનો અને એની સામે પગલાં લેવાનો હતો. ૧૯૮૧માં અમારા લગભગ ૧૦ પુરુષો અને સ્ત્રીઓના જૂથે ‘નારી સમતા મંચ’ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં, હંમેશાં લોકો અમને ખાતરી કરાવવા માગતા હતા કે શહેરના મધ્યમવર્ગીય પરિવારોમાં કોઈ હિંસા થતી જ નથી, અને આ બધી હિંસાની સમસ્યાઓ તો ગામડાંના જીવનમાં જ હોય છે. ૧૯૮૨માં, પૂનામાં બે યુવાન પરિણીત છોકરીઓના થયેલ અકુદરતી મોતે આ મધ્યમવર્ગી આશાવાદી વિચારધારાને જબરી થપાટ મારી. એનાથી અમે એક પગલું આગળ વધીને કહી શક્યાં કે સ્ત્રીઓ સામેની હિંસા એક ધર્મનિરપેક્ષ અને સમતાવાદી ઘટના છે, જે સમાજના તમામ વિભાગો, જ્ઞાતિઓ, વર્ગો અને ધર્મોમાં ફેલાયેલી છે ! ત્યાર બાદ મારા માટે નારીવાદ વિશે એક વાત છતી થઈ કે હિંસા માત્ર શારીરિક જ નથી હોતી, એ તો માનસિક પણ હોય છે. પણ હકીકતમાં માનસિક હિંસા જોઈ શકાતી નથી અને એને સરળતાથી દેખાડી કે પુરવાર કરી શકાતી નથી. એ માત્ર અદૃશ્ય જ નથી હોતી, એના ઘા ખૂબ ઊંડા અને કેટલીક વાર કદી રૂઝાઈ ન શકે એવા હોય છે ! માટે જ સૌપ્રથમ તો સ્ત્રીઓએ જાતે જ બહાર આવવું પડશે અને કબૂલવું પડશે કે આ જોઈ ન શકાય એવાં શાબ્દિક જુલમ અને અપમાન પણ હિંસા જ છે અને એ સહન ન જ કરવાં જોઈએ. એ પણ મારવા-પીટવા અને સળગાવી મૂકવા જેવી જ અતિ ગંભીર હિંસા છે. સ્ત્રીઓ મરી જાય અથવા ગાંડી થઈ જાય એ પહેલાં તેઓએ આ હિંસા વિશે બોલવું જોઈએ અને બહાર આવવું જ જોઈએ ! આંખ ઉઘાડી નાંખે એવી બીજી વાત એ હતી કે શૈક્ષણિક અને જાગૃતિ વધારનારા સઘળા પ્રયાસો માત્ર સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને જ કરવામાં આવ્યા હતા. પુરુષો અને સ્ત્રીઓ – એ બંનેના હોદ્દા અને તકની સમાનતા વિશે પુરુષોને પણ શિક્ષણ આપવું જોઈએ એ વિશે સ્ત્રીઓ અને યુવાન છોકરીઓએ પૂછપરછ કરવાની શરૂઆત કરી હતી. આનાથી યુવાવર્ગ માટેના કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવા વિશે અમે વિચાર કરતાં થયાં અને એક અન્ય કાર્યક્ષેત્રનો ઉઘાડ થયો. ત્યાર પછી આગળનું પગલું હતું – માત્ર યુવકોને જ નહીં, પણ યુવાનીને ઉંબરે ઊભેલા કિશોરોને પણ સંબોધવાનું, કારણ કે જીવનના એ જ તબક્કામાં, છોકરાઓના માનસમાં પૌરુષ અને શૂરવીર પુરુષોના આદર્શ વિશેના ખ્યાલો ઘડાતા હોય છે. પુરુષોને સમજાવી શકાય એવી નિવેદન-રેખા ઘડવામાં અમને આ બધાને કારણે મદદ મળી. સ્ત્રીઓના પ્રશ્નો અને સમસ્યાઓ માત્ર એમની જ નિજી સમસ્યાઓ નથી, એ સામાજિક સમસ્યાઓ પણ છે અને પિતૃસત્તાક વ્યવસ્થામાં રહેલી અસમાનતા અને એક ચોક્કસ જાતિ (જેન્ડર) પ્રત્યે આંખ આડા કાન કરવાની વૃત્તિને ધરમૂળથી દૂર કરવા માટે પુરુષોએ આગળ આવવું જ જોઈએ. શરૂઆતમાં કોઈક વાર અમુક સ્ત્રીઓ પુરુષોને દુશ્મન તરીકે જ જોતી અને નારીવાદની ગણના પુરુષોની દુનિયા સામેની એક લડત તરીકે થતી. આ તબક્કાને ઘણી મહેનતપૂર્વક પાર કરવાનો હતો. આ સમગ્ર સફરમાં મુખ્યત્વે શારીરિક અને માનસિક – એ બંને પ્રકારની હિંસા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પણ આજે એમાં કેટલાંક અન્ય પરિમાણો પણ ઉમેરાયાં છે. સ્ત્રીઓ સામેની હિંસા વિશેની વિભાવના વિસ્તરી અને વિકસી છે. સ્ત્રીને શિક્ષણ અને નોકરીની તકોથી વંચિત રાખવી, આરોગ્યસેવાઓથી વંચિત રાખવી, ખોરાકથી વંચિત રાખવી – આ સઘળું હિંસા જ છે ! પણ ૧૯૦૧-૨૦૦૧ના વસ્તી-ગણતરીના હેવાલોમાં, પુરુષ-સ્ત્રીના પ્રમાણમાં એકધારી પરાવર્તિત થનારી સ્ત્રી-ભ્રૂણહત્યા તો હિંસાની હદ જ વટાવી જાય છે ! બેજિંગ પરિષદનું સ્લોગન હતું : “સ્ત્રી-હક્કો એ માનવ-હક્કો !” સ્ત્રીઓની ગણતરી મનુષ્યજીવો તરીકે થતી નથી, એટલે જ તેઓએ સતત માગણી કરીને એ વાત પર ભાર મૂકીને કહેવું પડે છે કે તેઓ પણ પુરુષો જેવા જ મનુષ્યજીવો છે. સ્ત્રીઓ પુરુષો કરતાં જુદી છે, પણ તેમની સમકક્ષ જ છે. વ્યાવસાયિક, બજારલક્ષી પુરુષો સ્ત્રીઓ સાથે માલ-સામાન અને જાતીય ઉપભોગનાં ઉપકરણો તરીકે વર્તે છે. તેઓ એક વાત સમજવાનું ચૂકી જાય છે કે આમ કરવાથી તેઓ માત્ર સ્ત્રીઓનું જ અમાનવીકરણ નથી કરતા, પણ તેમનું પોતાનું પણ અમાનવીકરણ કરે છે. આ લાંબી યાત્રામાંથી પસાર થયા બાદ તેમ જ વ્યાવસાયિક અને શિક્ષણોન્મુખી કાર્યના અનુભવોથી હું જરૂર કહીશ કે નારીવાદ એક જીવનશૈલી છે. એ પૌરુષસભર પુરુષો અને સ્ત્રીત્વસભર સ્ત્રીઓનાં લક્ષણોમાં જકડાયેલી સાંકળોમાંથી પુરુષો અને સ્ત્રીઓ બંનેને મુક્ત કરીને એવા માણસો સર્જવાનું ધ્યેય રાખે છે કે જે સૌ માટે સમાનતા, સ્વાતંત્ર્ય, શાંતિ, પ્રેમ અને મૈત્રીની કદર કરે. નારીવાદે પર્યાવરણ, વૈકલ્પિક વિકાસ, શાંતિ અને લઘુમતી માટેની ચળવળોના અન્ય સઘળા પ્રયાસો સાથે પણ હાથ મિલાવવાના છે. ગેર-રાજકીય અથવા બિન-રાજકીય રહીને નારીવાદીઓ રાજકારણથી દૂર જ રહ્યાં છે. નારીવાદનું પુન: સ્પષ્ટીકરણ કરીને, આ પરિસ્થિતિથી ખૂબ આગળ નીકળી શકાય એમ છે. નારીવાદ રાજકીય રીતે જાગ્રત રહીને જીવન જીવવાની એક પદ્ધતિ છે. આપણે જો પિતૃસત્તાક વ્યવસ્થાને બદલવી હોય તો આપણે રાજકારણથી દૂર ન જ રહી શકીએ. અહીં હું એક હકીકત પર ખાસ ધ્યાન દોરવા માગું છું કે આપણે કંઈ પિતૃસત્તાક સમાજને બદલીને માતૃસત્તાક સમાજ લાવવા માગતાં નથી. આપણે તો પુરુષ - સ્ત્રીના રાજકારણથી ક્યાંય આગળ વધીને, એક પરિવર્તનનું સ્વપ્ન જોઈ રહ્યાં છીએ. પરંપરાગત રીતે, મહાન દર્શાવાયેલ અને માથે ઠોકી બેસાડવામાં આવેલાં પુરુષ અને સ્ત્રીજાતિઓનાં સામાન્ય લક્ષણોથી દૂર જઈને, પુરુષો અને સ્ત્રીઓએ માણસની જેમ એકબીજાની નજીક આવવું જોઈએ. ખાસ કરીને ભારતીય સંદર્ભ ધ્યાનમાં રાખીને આપણે સાવચેત રહેવું જોઈએ કે અન્ય ઘણા દેશોની જેમ ભારતીય સ્ત્રીઓ સમરૂપ લક્ષણો ધરાવતી હોતી નથી. આપણે સ્ત્રીઓની આ અ-સમરૂપતા સાથે કામ લેવાનું છે અને એક સુસંબદ્ધ નારીવાદી ચળવળ ઊભી કરવાની છે, જેથી તે વધુ અર્થસભર બની રહે.