કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/આ અંધકાર શો મ્હેકે છે!: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 03:03, 17 July 2025

૨૯. આ અંધકાર શો મ્હેકે છે!

આ અંધકાર શો મ્હેકે છે!

શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે! ને, શોભાથી વિસ્મિત વિસ્મિત નભથી શું તારા ઝૂક્યા છે! ઘટા સઘન ઘનશ્યામ નિહાળી મયૂર મનના ગ્હેકે છે!

અહો, વહે શી હળવે હળવે સુરભિ મગન મન ભરી દઈ! દિગ્દિગન્તમાં, – બસ અનન્તમાં સરી જાય ઉર હરી લઈ! અંધકારના મસૃણ હૃદયથી નિગૂઢ બુલ્બુલ ચ્હેકે છે!

સ્વચ્છ, સુભગ મધરાત વિષે આ કાલતણું ઉર શાન્ત અહો! મધુર મૌનથી સભર શરદનું નીલમ આ એકાન્ત, અહો! પૃથિવીકેરું પારિજાત શું ફુલ્લ પ્રફુલ્લિત બ્હેકે છે!

(‘નાન્દી’, પૃ. ૮૦)