ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/રત્નમણિરાવ ભીમરાવ જોટ: Difference between revisions
No edit summary |
m (Meghdhanu moved page ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/રત્નમણિરાવ ભીમરાવ ઝોટ to ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/રત્નમણિરાવ ભીમરાવ જોટ without leaving a redirect) |
(No difference)
| |
Latest revision as of 14:40, 17 September 2025
બી. એ.
એઓ જ્ઞાતે સાઠોદરા નાગર; મૂળ વતની અમદાવાદના પણ જન્મ એમના મોસાળ સ્વ. મોતીલાલભાઈને ત્યાં તા. ૧૯ મી ઑક્ટોબર ૧૮૯૫ (સં. ૧૯૫ર ના કાર્તિક સુદ ૧) ના રોજ ભૂજ (કચ્છ) માં થયો હતો. એમના પિતાનું નામ ભીમરાવ માધવલાલ છે; અને માતાનું નામ સૌ. શાન્તાગૌરી મોતીલાલ, જેઓ બહુ સંસ્કારી, ધાર્મિક વૃત્તિવાળા અને સુશિક્ષિત સ્ત્રી છે. મોસાળના સંસ્કાર રત્નમણિરાવમાં પૂરા ઉતર્યા છે. એમનું લગ્ન સન ૧૯૧૦ માં થયું હતું અને એમના પત્નીનું નામ સૌ. પુષ્પાવતી છે. પ્રાથમિક અને માધ્યમિક તેમ કોલેજીએટ શિક્ષણ અમદાવાદમાં લીધેલું. સન ૧૯૧૪માં મેટ્રીક થયલા અને સન ૧૯૧૯માં બી.એ. ની પરીક્ષા સંસ્કૃત સાહિત્ય અને ઈંગ્રેજીનો ઑનર્સ કોસ લઈને પાસ કરી હતી. અત્યારે પોતે વેપારી લાઈનમાં કાપડ સુતરના ધંધામાં પડેલા છે; અને ધંધાને અંગે મદ્રાસ તથા કલકત્તે ફરતું તેમનું રહેવું થાય છે. તેમ છતાં કૉલેજમાંથી પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃત સાહિત્ય માટે જે પ્રીતિ થયલી, તે સતત્ અભ્યાસ અને સંશોધન વડે, શોખના વિષય તરીકે કેળવીને તેમણે સારી રીતે ખીલવી છે. મુરબ્બીઓ તરફથી એમના અભ્યાસને ઉત્તેજન મળતાં, તેઓ ‘શાહે આલમ’, ‘ગુજરાતનું વહાણવટું’, ‘શાહીબાગ’ વગેરે ન્હાના નિબંધો લખવાને પ્રથમ પ્રેરાયા હતા અને તેમાં સારી કીર્તિ મળતાં, ‘ગુજરાતનું પાટનગર – અમદાવાદ’-નું પુસ્તક રચવાનું કાર્ય હાથ ધર્યું, જેમાં એમની ખ્યાતિ ખૂબ વધી છે અને ગુજરાત સાહિત્ય સભાએ તેના પ્રકાશનનું કાર્ય, રજત મહોત્સવ નિમિત્તે સ્વીકાર્યું, એ જેમ સભાને તેમ લેખક ઉભયને માનાસ્પદ છે. ગુજરાતી ઇતિહાસ અને સંસ્કૃતિના આપણે અહિં જે ગણ્યાંગાંઠ્યાં અભ્યાસીઓ છે, તેમાં એમણે પોતાની શક્તિ, બુદ્ધિ અને જ્ઞાનથી ઉંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે; અને આપણને એમના પાટનગરના પુસ્તકની પેઠે ગુજરાતના ઇતિહાસનું બીજું એક પ્રમાણભૂત પુસ્તક મળશે, એવી આશા રાખવી અસ્થાને નહિ થઈ પડે.
: : એમની કૃતિઓ : :
| ૧. | શાહ આલમ | સન ૧૯૨૭ |
| ૨. | શાહીબાગ | ”” |
| ૩. | ગુજરાતનું વહાણવટું | ”” |
| ૪. | ગુજરાતનું પાટનગર અમદાવાદ | ” ૧૯૨૯ |
| ૫. | અમદાવાદનું સ્થાપત્ય | ”” |