સ્વાધ્યાયલોક—૭/બલ્લુકાકા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|બલ્લુકાકા}} {{Poem2Open}} એમની અને મારી વચ્ચે મૈત્રી! માત્ર મધુર અ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 86: Line 86:


{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ઇતિહાસ દિગ્દર્શન
|next =  
|next = બલ્લુકાકા — સ્મરણો
}}
}}

Latest revision as of 20:56, 5 May 2022


બલ્લુકાકા

એમની અને મારી વચ્ચે મૈત્રી! માત્ર મધુર અકસ્માત જ હતો. એનું આશ્ચર્ય હજુ શમ્યું નથી. કદાચ નહિ શમે. મૈત્રી એ જો ઋણ હોય તો બલ્લુકાકાની જન્મશતાબ્દી નિમિત્તે એ ઋણનો સ્વીકાર કરવાનો ધર્મ બજાવી રહ્યો છું. જીવનમાં કોઈ ઋણ એવું હોય છે કે જેનો સંપૂર્ણપણે સ્વીકાર કરવાનું શક્ય નથી. કારણ કે એમ કરવાને મનુષ્યની વાણીમાં સંતોષકારક શબ્દો નથી. વળી જીવનમાં એવું પણ ગહનગભીર ઋણ હોવું શક્ય છે કે જેના અસ્તિત્વનો અણસાર સુધ્ધાં મનુષ્યને ન આવે. આવું ઋણ તો સદાયનું વણસ્વીકાર્યું જ રહે! શું મૈત્રીમાં, શું પ્રેમમાં, એનો અનુભવ, એનો અર્થ તો જે બે મનુષ્યોની વચ્ચે મૈત્રી કે પ્રેમ હોય એમની પાસે જ રહે છે. ત્રીજા મનુષ્યની પાસે તો માત્ર એ મૈત્રી કે એ પ્રેમના સમાચાર જ પહોંચે છે. એ અનુભવ, એ અર્થ તો ભાષાતીત છે. આ સૌ મર્યાદાઓની વચ્ચે બલ્લુકાકા સાથેના મૈત્રીના ઋણનો સ્વીકાર કરવાનો ધર્મ આજે અહીં બજાવી રહ્યો છું. ૧૯૪૪ લગીમાં શાળામાં હતો ત્યારે પાઠ્યપુસ્તકોમાં બલ્લુકાકાનાં જે કેટલાંક કાવ્યો હતાં તેનો અભ્યાસ કર્યો હતો. કવિતામાં રસ એથી સ્વયંપ્રેરણાથી અને ગુજરાતીના શિક્ષક કવિતારસિક હતા એથી એમના પ્રોત્સાહનથી ‘ભણકાર (૪૨)’ના કાવ્યો — સવિશેષ ‘આરોહણ’, ‘પ્રેમનો દિવસ’ અને ‘વિરહ’ — નો આસ્વાદ કર્યો હતો; પણ આ સમયમાં મારા મુગ્ધ ચિત્ત પર કાન્તના ‘પૂર્વાલાપ’ની જાદુઈ અસર હતી એથી બલ્લુકાકાની કે અન્ય કોઈ પણ કવિની કવિતા સાથે આત્મીયતા શક્ય ન હતી. (બાલાશંકરના ‘ક્લાન્ત કવિ’ની કંઈક અસર અનુભવી હતી એટલો અપવાદ). ૧૯૪૪–૪૫ના કૉલેજના પ્રથમ વર્ષમાં પાઠ્યપુસ્તક ‘કાવ્યમાધુર્ય’માં બલ્લુકાકાનાં જે કેટલાંક કાવ્યો હતાં તેનો અભ્યાસ કર્યો હતો. ૧૯૪૫–૪૬ના કૉલેજના દ્વિતીય વર્ષમાં તો ‘આપણી કવિતાસમૃદ્ધિ (’૩૯)’ પાઠ્યપુસ્તક હતું અને અધ્યાપક હતા પાઠકસાહેબ. પણ આ સમયમાં સુન્દરમ્‌-ઉમાશંકર-શ્રીધરાણી-પ્રહ્લાદની નવીન કવિતામાં વિશેષ રસ હતો. એટલો રસ બલ્લુકાકાની કે અન્ય કોઈ પણ કવિની કવિતામાં ન હતો. ૧૯૪૬–૪૮નાં બે વર્ષ એલ્ફિન્સ્ટન કૉલેજમાં બી.એ.માં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરવા મુંબઈમાં રહ્યો ત્યારે બલ્લુકાકા તો વર્ષોથી, ૧૯૩૭થી, મુંબઈમાં સ્થિર વસ્યા હતા, ૧૯૪૮ લગીમાં મુંબઈમાં રાજેન્દ્ર, મડિયા અને હરિશ્ચન્દ્ર સાથેની મૈત્રી ક્રમેક્રમે વિકસી હતી, જ્યારે બલ્લુકાકા સાથેની મૈત્રી તો ૧૯૪૯માં માત્ર મધુર અકસ્માત જ હતો. (મુંબઈમાં મારે ચાર સાહિત્યિક મિત્રો — રાજેન્દ્ર, મડિયા, હરિશ્ચન્દ્ર અને બલ્લુકાકા. એમાંથી છેલ્લા ત્રણ આજે નથી. સહેજ સૂનું લાગે છે.) આ મધુર અકસ્માતના નિમિત્ત મડિયા હતા. (આ અકસ્માત પછી મારા ચિત્ત પર કાન્તના ‘પૂર્વાલાપ’ની જેમ ‘ભણકાર’ની જાદુઈ અસર હતી). ૧૯૪૯ના ઉનાળાની લાંબી રજામાં માર્ચની ૭મીએ મુંબઈમાં મડિયાએ અચાનક મારાં કાવ્યોની નોટબૂક માગી. કહે કે બલ્લુકાકાને તમારાં કાવ્યો વાંચવાની ઇચ્છા છે, એમણે નોટબૂક મંગાવી છે. હજુ બલ્લુકાકાને મળવાનું થયું ન હતું. સાનંદઆશ્ચર્ય નહિ પણ મને સભયઆશ્ચર્ય થયું. મારી નોટબૂકમાં બલ્લુકાકાને લાયક કંઈ જ ન હતું. કાવ્યોની મર્યાદાઓ ઉલ્લેખી-ઉલ્લેખીને મેં બલ્લુકાકાને નોટબૂક ન આપવાના પક્ષે મડિયા સાથે દલીલો કરવાનો પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ ગયો. હિંમતલાલ અંજારિયા ‘કાવ્યમાધુર્ય’ના અનુસંધાનમાં ‘કાવ્યસૌરભ’ તૈયારી કરી રહ્યા હતા. એમાં એમને નવીન, નવીનતર કવિતાનો સમાસ કરવો હતો. એ અંગે એમણે બલ્લુકાકાની મદદ માગી હતી. પરિણામે બલ્લુકાકાએ મડિયા દ્વારા મારાં કાવ્યોની નોટબૂક મંગાવી હતી. બીજે દિવસે મડિયા બલ્લુકાકાને નોટબૂક આપવા જાય ત્યારે મારે પણ એમની સાથે જવું એમ એમણે મને સૂચવ્યું. સહેજ ધ્રૂજી જવાયું. શાળામાં હતો ત્યારથી, ૧૯૩૯થી, બલ્લુકાકાની કવિતા દ્વારા એમના હૃદયનો આછો અણસાર આવ્યો હતો. ૧૯૪૯ લગીમાં એમના વિવેચન દ્વારા એમની બુદ્ધિનો પાકો પરિચય પામ્યો હતો. એમના મૌલિક મિજાજ વિશે, એમના વિરલ વ્યક્તિત્વ વિશે તો માત્ર વાતો જ કાને આવી હતી. આ તો હવે એમને સાક્ષાત્ મળવાનું હતું. મારામાં એમને મળવાનું સાહસ ન હતું. મળીશું ત્યારે શું થશે? મોં જ નહિ ખૂલે? અવાક્ થઈ જવાશે! મારા મનમાં ત્યારે બલ્લુકાકાની વાત્સલ્યમૂર્તિ નહિ પણ બ. ક. ઠા.ની ભય અને ક્ષોભપ્રેરક કઠોરમૂર્તિ હતી. વળી ક્યાં એ ને ક્યાં હું? એક વયનું જ કેટલું અંતર હતું. એ એંશીના ને હું ત્રેવીસનો. ભય અને ક્ષોભને કારણે આ અનુભવ અસહ્ય થશે. મળવાનું અશક્ય હતું. પછી મૈત્રીની તો આશા જ કેવી! મેં મડિયાને ના કહી. પણ માને તો મડિયા નહિ. એમણે મને બલ્લુકાકાના વત્સલ સ્વભાવ વિશે, બલ્લુકાકા અને એમની વચ્ચે મૈત્રી વિશે અને અન્ય એવું-એવું ઉષ્મા અને ઉત્સાહપ્રેરક જે કંઈ સૂઝ્યું તે વિશે કહી કહીને મારી નાને હામાં પલટી નાખી અને બીજે દિવસે, માર્ચની ૮મીએ (આ તારીખ બલ્લુકાકાની ડાયરીમાંથી મેળવી છે. ડાયરીમાં આ તારીખના પાના પર એમની નોંધ છે : ‘નિરંજન ભગતની કવિતાઓની નકલો (નોટબૂકો) લઈને એ સાથે મડિયા મારી ગેરહાજરીમાં આવેલા. હું આવીને આખી નોટબૂક જોઈ ગયો…’ પણ પછી એમણે મડિયા પરના પત્ર — હવે પછી આ લેખમાં આગળ ઉતાર્યો છે તેમાં ૭–૩–૪૯ તારીખ નોંધી છે. ક્યાંક બલ્લુકાકાની સરતચૂક છે.) સવારે અગિયાર વાગ્યે નોટબૂક સાથે મડિયાએ અને મારે બલ્લુકાકાને મળવું એમ ઠર્યું. બીજે દિવસે સવારે અગિયાર વાગ્યે મડિયા અને હું નોટબૂક સાથે બલ્લુકાકાને ઘરે ગયા ત્યારે બલ્લુકાકા બહાર ગયા હતા. મડિયાએ એમના ટેબલ પર નોટબૂક અને સાથે ચિઠ્ઠી મૂકી અને અમે ચાલ્યા આવ્યા. બલ્લુકાકાને મળવાનું ન થયું. મને થયું બચી ગયો. માંડ એક મહિનો ગયો હશે ત્યાં એપ્રિલની ૫મીએ મડિયા કહે, ‘હવે બલ્લુકાકા નોટબૂક વાંચી રહ્યા હશે. ફરીથી મળવા જવું જોઈએ.’ હું બચી ન શક્યો, અને બીજે દિવસે એપ્રિલની ૬ઠ્ઠીએ સવારે અગિયાર વાગ્યે અમારે બલ્લુકાકાને મળવું એમ ઠર્યું. પુલીલૅમ્પ, મેગ્નિફાઇંગ ગ્લાસ, ચશ્માં, ચોપડી અને માથું-બલકે મસ્તિષ્ક-બધું એકાકાર થઈ ગયું હતું. બલ્લુકાકા ટેબલ પાસે ખુરશી પર બેઠા-બેઠા વાંચી રહ્યા હતા. ચોપાટી રોડ પરના ચોત્રીસ નંબરના મકાન — ઘેલાભાઈ મેન્શન — ના અંદરના પાછલા ભાગમાં એમના ખંડમાં પ્રવેશવાનાં બે બારણાં હતાં. એમની ડાબી બાજુના બારણા સામે મોં રાખીને એ બેઠા હતા. અમે એમની જમણી બાજુના બારણેથી પ્રવેશ્યા હતા. કોઈ આવ્યું છે એમ સમજાતાં એમણે મેગ્નિફાઇંગ ગ્લાસ અને ચોપડી ટેબલ પર એક બાજુ મૂકી દીધાં. આ તો મડિયા છે અને સાથે કોઈ અજાણ્યું છોકરડું છે એમ સમજાતાં એમણે મારી સામે જોઈને કહ્યું, ‘Madia will sit there. You will sit here.’ અને મડિયા માટે એમની સામેની સહેજ એમની જમણી બાજુ પરની બારણા પાસેની એક ખુરશી હાથથી સૂચવી અને મારે માટે એમની બરોબર સામેની બીજા બારણા પાસેની એક ખુરશી હાથથી સૂચવી. એમની અને મારી વચ્ચે લેખન-વાચન-મનન-ચિંતનની વિપુલ સાધન-સામગ્રીવાળું એક વિશાળકાય ટેબલ હતું. પછી મારી સામે જોઈને એમણે મડિયાને પૂછ્યું, ‘Who is he?’ મડિયા ઉત્તરમાં માત્ર મારું નામ બોલ્યા. તરત જ પુલીલૅમ્પ નમાવીને એનો પ્રકાશ મારા મોં પર ફેંકી, હતી એટલી ડોક લંબાવીને તીક્ષ્ણ વેધક આંખો મારા મોં પર સ્થિર કરીને તીવ્ર કઠોર અવાજે એમણે મને પૂછ્યું, ‘How many girls are you after?’ તરત જ મારાથી એમને સામું પુછાઈ ગયું, ‘How many do you wish me to be after?’ એમણે મને સામું પૂછ્યું, ‘How many have you married?’ મેં કહ્યું, ‘None.’ નોટબૂકમાં જે કાવ્યો હતાં એમાં પ્રણયકાવ્યોનું સારું એવું પ્રમાણ હતું. એને પરિણામે આ સંવાદ. આમ, મળ્યા એની પ્રથમ ક્ષણોમાં જ રેશમની દોરીથી બાંધ્યા જેવું થઈ ગયું. (એ ક્ષણોમાં જે શબ્દોમાં સંવાદ થયો તે શબ્દોમાં એટલો અનુભવ કે અર્થ નથી જેટલો જે રીતે અને જે અવાજમાં એ સંવાદ થયો તે રીત અને તે અવાજમાં હતો; અને તે રીત અને તે અવાજ શબ્દોમાં પ્રગટ કરવાં અશક્ય છે. માત્ર એટલું જ કહી શકાય કે કંઈક બની ગયું.) પછી એમણે એટલા જ કોમળ અવાજે કહ્યું, ‘Don’t be so serious. I’m just joking. But my advice to every young aspiring artist is not to marry. Madia, attention!’ મડિયા ત્યારે પત્નીથી અલગ થયા હતા. એકાદ મિનિટ પછી એમણે કહ્યું, ‘Mine is the voice of a brahmachari. Of course, mine was a restrained brahmacharya. I had my days of excess. એક વિવેકાનંદનો અવાજ આવો હતો. કોઈથી સહન થતો નથી. It is metallic.’ એકાદ મિનિટનું મૌન રહ્યું. અમારા ત્રણમાંથી કોઈ બોલ્યું નહિ. એટલે મેં બલ્લુકાકાને પૂછ્યું, ‘It seems you have read the note-book. How did you find the poems?’ ટેબલ પર ઍશટ્રેમાં એક સળગતી સિગાર હતી એની સામે જોઈને એમણે કહ્યું, ‘Look at this cigar. I smoke it. I puff it out. I enjoy it for a while and then throw it away. They are like that.’ મેં કહ્યું, ‘They are the scribblings of an inex-perienced lad of twenty-three.’ તરત જ એમણે ભારપૂર્વક કહ્યું, ‘Nonsense! At that age you can be a fa-ther of two children in this tropical country. Buddha’s growth was slow. He was born in the Himalayas. You call it inexperienced?’ આમ, અમારી વચ્ચે પંદરેક મિનિટ વાત ચાલી હશે. ત્યાં એમણે હળવેથી કહ્યું, ‘Now go away. I’m sleepy.’ ખંડને સામે છેડે જમણી બાજુ પર એમનો ખાટલો હતો ત્યાં સૂવા જવાને એ ઊઠ્યા અને મડિયા ને હું ચાલ્યા આવ્યા. ત્યાર પછી ૧૯૪૯–૫૦માં બે વર્ષોમાં ઉનાળાની અને શિયાળાની લાંબી રજાઓમાં મુંબઈ સતત રહ્યો ત્યારે કોઈ-કોઈ વાર મડિયાની સાથે બલ્લુકાકાને મળવાનું થયું હતું. નોટબૂક વાંચીને બલ્લુકાકાએ મડિયા દ્વારા પાછી મોકલી ત્યારે એમાં કોઈ-કોઈ કાવ્યમાં પાઠાન્તર આદિ સૂચનો કર્યાં હતાં. એમાંથી જે કંઈ ઠીક લાગ્યાં તેનો ૧૯૪૯ને અંતે ‘છંદોલય’માં સમાસ કર્યો. કેટલાંક કાવ્યોનાં ‘કાવ્યસૌરભ’ માટે હિંમતલાલ અંજારિયાને એમણે સૂચનો કર્યાં હતાં. એમાંથી જે કંઈ ઠીક લાગ્યાં તેનો એમણે ૧૯૪૯ના જૂનમાં ‘કાવ્યસૌરભ’માં સમાસ કર્યો. આ અંગેની એક નોંધ એક લાંબા કાવ્યના કટિંગ્સના પાછલા કોરા પાન પર બલ્લુકાકાએ લખી હતી : ભાઈ હિંમતલાલ અંજારિયાને જોવા કટિંગ્સ મોકલ્યાં. ગ્રીષ્મમધ્યાહ્નમાં (કુમાર, મે ૪૮) અકારણે (,, જાન્યુ. ૪૯) કાળની કેડીએ (,, એપ્રિલ ૪૮) સાંઝને ટાણે (,, ઑકટો. ૪૫) એક ફૂલને (,, જૂન ૪૭) આષાઢ આયો (,, જુલાઈ ૪૭) બ. અને એક નોંધ નોટબૂકના છેલ્લા કોરા પાના પર મડિયાને પત્ર રૂપે લખી હતી : પ્રિય ભાઈશ્રી મડિયા, “આવ હે મુક્તિદિન” ઉપરાંત એકે લાંબું ઉડ્ડયન નથી. કદાચ બીજી નોટબૂકમાં હશે. દશેક તારવીને ભાઈશ્રી હિંમતલાલને બતાવું છું. તેમાંથી એઓ બેત્રણ (બીજી પસંદગીઓમાં મેળ મળે એમ મુકાય એવાં) લેવા આગ્રહ કરું છું, પરંતુ, બેશક, સંગ્રહ હું નથી કરતો, એ કરે છે એટલે નિર્ણય તો એઓ જ કરશે. બ. ૭–૩–૪૯ ૧૯૫૧ના ઉનાળાની લાંબી રજામાં મુંબઈ ગયો તે જ દિવસે સવારે દસ વાગ્યે મડિયાને મળવા એમની ઑફિસે ગયો. ત્યારે એમની ઑફિસ ચર્ચગેટ પર એડેલ્ફીમાં હતી. મડિયા પાસેથી જાણ્યું કે બલ્લુકાકા નીચે લાઇબ્રેરીમાં વાંચી રહ્યા હતા અને અગિયાર-બાર વાગ્યે કાલાઘોડા પર વે સાઇડ ઈનમાં જમવા જવાનું હતું. તે સમયે બલ્લુકાકા નીચે લાઇબ્રેરીની બહારની લૉન પર એક ખુરશીમાં બેઠા-બેઠા વાંચતા હતા. ત્યાંથી મડિયા એમને બોલાવી લાવ્યા. એડેલ્ફીની બહાર આવ્યા પછી મડિયાએ બલ્લુકાકાને હું અમદાવાદથી આવી ગયો છું એવા સમાચાર આપ્યા. બસસ્ટોપ પર જતાં જતાં રસ્તામાં તરત જ એમણે મને પૂછ્યું, ‘So Umashankar doesn’t agree with you?’ મેં કહ્યું, ‘No’. તરત જ એમના લાક્ષણિક લ્હેકાથી એમણે કહ્યું, ‘હં.’ ૧૯૫૦માં ‘કિન્નરી’ ગીતસંગ્રહ પ્રગટ થયો હતો. ઉમાશંકરે ‘સંસ્કૃતિ’ના ૧૯૫૧ના ફેબ્રુઆરીના અંકમાં એનું મિતાક્ષરી અવલોકન કર્યું હતું. એમાં ‘કિન્નરી’ની મિતાક્ષરી પ્રસ્તાવના ‘ગીત — એક કાવ્યસ્વરૂપ’માં ગીત વિશે કેટલાંક વિધાનો હતાં એનો વિરોધ હતો. એ વિરોધના વિરોધમાં બલ્લુકાકાનો ‘હં’કાર હતો. પછી અમે ‘બી’ રૂટની બસમાં બેસીને કાલાઘોડા પર વે સાઇડ ઇનમાં ગયા ને ત્યાં બે-અઢી વાગ્યા લગી જમ્યા. જમીને બલ્લુકાકાને એમને ઘેર મૂકી આવ્યા. બીજે દિવસે અગિયાર વાગ્યે મડિયા અને હું બલ્લુકાકાને મળવા એમને ઘેર ગયા. અલકમલકની વાતોને અંતે એમણે મને પૂછ્યું, ‘What are you doing in Bombay?’ મેં કહ્યું, ‘Loafing’. એમણે મને કહ્યું, ‘You can as well loaf in my library. Madia or no Madia, You’ll come here everyday at four from to-morrow. I’ll be waiting for you. We’ll have our afternoon tea together. We’ll talk. For some time you’ll work on my library and set my books in order. Thereafter if we feel like we’ll go out. You’ll walk me at Chowpati, bring me back and then go home’. મેં એમને કહ્યું, ‘I say yes.’ અને બીજે દિવસે ચાર વાગ્યે અમે મળ્યા. ત્યાર પછી ૧૯૫૧ના ઉનાળાની અને શિયાળાની બન્ને લાંબી રજાઓમાં હું સતત મુંબઈ રહ્યો તે સૌ દિવસ બલ્લુકાકા અને હું રોજ સાંજના ચારથી સાત લગી મળ્યા. પહેલાં ચા અને પછી વાતો. વચમાં એમના ખંડની જમણી બાજુના ખંડમાં એમની લાઇબ્રેરી હતી એમાં પુસ્તકો વ્યવસ્થિત કરવાનું કામ અને ક્યારેક કોઈ વિરલ દિવસે ઇચ્છા હોય તો ચોપાટી પર ફરવાનું કામ. વાતોમાં મુખ્યત્વે ગુજરાતી અને અંગ્રેજી કવિતા અને વિવેચન, ક્યારેક યુરોપ-એશિયા-અમેરિકાની આધુનિક કવિતા અને વિવેચન તથા સંસ્કૃત-ગ્રીક-લૅટિન પ્રાચીન કવિતા અને વિવેચન. ઉપરાંત સમાજ, રાજ્ય, ઇતિહાસ, ધર્મ. એમાંથી કેટલીક વાતોનો ઉદાહરણ રૂપે ઉલ્લેખ કરું તે પૂર્વે બે રજાઓની વચ્ચે ૧૯૫૧ના જૂનથી ઑક્ટોબરનો સમય હું અમદાવાદ હતો ત્યારે બલ્લુકાકાએ જે બે પત્રો મને લખ્યા હતા તેનો ઉલ્લેખ કરી લઉં. ૧૯૪૯માં ‘છંદોલય’ અને ૧૯૫૦માં ‘કિન્નરી’ પ્રગટ થઈ ચૂક્યા હતા; પણ બલ્લુકાકાને રૂબરૂમાં ભેટ આપવાનું સાહસ કર્યું ન હતું. અલબત્ત, ૧૯૫૧ના મેની ૧૬મીએ એમણે મને એમની છબી ‘સ્નેહી ભાઈ નિરંજન ભગતને બ. મુંબાઈ ૧૬–૫–૫૧ આનો સમય ૧૯૩૪ પ્હેલાં સ્થળ વડોદરા’ એટલું એમના હસ્તાક્ષરમાં છબીની નીચે લખીને ભેટ આપી હતી. તે જ સાંજે એક સૉનેટ રચાયું હતું તે મેં એમને મેની ૧૮મીએ એક સરસ મોટા ડ્રોઇંગ પેપર પર ‘બલ્લુકાકાને (છબીની ભેટ-પ્રસંગે એક અંગત અર્પણ) મુંબઈ ૧૬–૫–૧૯૫૧’ શીર્ષક સાથે લખીને ભેટ આપ્યું હતું. ૧૯૫૧ના ઉનાળાની લાંબી રજામાં રોજેરોજ અમે મળ્યા. એ અનુભવે મારા ચિત્તમાં એમની જે મૂર્તિ સર્જી હતી એનું એક સૉનેટ ‘બલ્લુકાકા-બ્યાશીએ’ ઑગસ્ટની ૮મી લગીમાં અનિવાર્યપણે રચાયું હતું. એ નિમિત્તે ‘છંદોલય’માં ઊઘડતે પાને ‘બલ્લુકાકાને’ અને ‘કિન્નરી’માં ઊઘડતે પાને ‘બલ્લુકાકા-બ્યાશીએ’ ઉતારીને મેં એ બન્ને કાવ્યસંગ્રહો એકસાથે અમદાવાદથી ૧૯૫૧ના સપ્ટેમ્બરમાં એમને ભેટ મોકલ્યા હતા. એના ઉત્તરમાં એમણે મને ૧૯૫૧ના સપ્ટેમ્બરની ૧૬મીએ એક પત્ર લખ્યો હતો : સ્નેહી ભાઈશ્રી નિરંજન ત્હમારાં ૧૬–૫–૫૧ અને ૫–૮–૫૧ બેય સૉનેટ સાથે લેતાં મ્હને લાગે છે પ્હેલા સર્જનમાં ત્હમને મ્હારું આલેખન છેક આછું અછડતું અને એમ અતૃપ્તિકર લાગેલું અને એ અસંતોષ દૂર કરવા ધીરે ધીરે ત્હમે ચિત્રમાં વિવિધ અને વિશેષ લાક્ષણિકતા આલેખવા ઇચ્છી તા. ૫–૮–૫૧નું સૉનેટ સર્જાતાં તૃપ્ત થયા. પણ ૧૬–૫–૫૧ના સર્જનનો પ્રસંગ જ છોટો અને છેક પરિમિત અને તેનું જ આલેખન તે વખતે સ્ફુર્યું : એ છોટા પરિમિત અમુક જ પ્રસંગના આલેખન લેખે ૧૬–૫–૫૧ની કૃતિ પણ ઊતરતી (inadequate) ગણવી પડે એવી નથી. અને એથી વિશેષ માટે તો તે ક્ષણે પ્રયત્ન જ ન્હોતો. હું વારંવાર અનુભવું છું અને તેથી કહ્યા કરું છું કે સર્જનક્રિયા તરુની વૃદ્ધિ જેવી છે; વેલ, છોડ કે તરુને એક જ ડાળ નથી ફૂટતી સામસામી બે ડાળ કે થડની આસપાસ વર્તુલમાં ૩,૪,છ, કે ૮ ડાળ સાથે લાગી ફૂટે છે. મ્હારી કૃતિઓમાં આમ ત્હમને જોડકાં સંખ્યાબંધ જણાશે : બન્ને સાથે-સાથે ફુટેલ નહીં, બીજું પ્રથમથી વર્ષો મોડું ફુટે, તથાપિ એ ફુટે એટલે આપણે કહી શકિયે કે આ તો આગળ ફુટેલ અમુક કાવ્યનું જોડકું છે. મઝામાં હશો. શ્રી ઉમાશંકર મળે ત્યારે એમને પૂછશો મેં ૨૩ અક્ટોબર મ્હારી વરસગાંઠ પછીના એટલે સંસ્કૃતિના નવંબરના અંક માટે એમને સૉનેટ મોકલ્યું છે, “ભક્તનો સૉનેટને છેલ્લો પ્રશ્ન” જે “મ્હારાં સૉનેટ”ની નવી આવૃત્તિ પંદરેક દીમાં છાપવા આપીશ (આશરે ૧૩૫ સૉનેટનો સંગ્રહ) તેમાં મંગલાચરણ લેખે પ્હેલું મુકાશે પણ મોકલવા નક્કી કરેલું છતાં મોકલવું ભૂલી તો નથી ગયો ને (હજી એમની પ્હોંચ આવી નથી)? એમને ના જ મળ્યું હોય તો તુર્ત ફરી મોકલું. એ “છેલ્લો પ્રશ્ન” એક દૃષ્ટિએ “સૉનેટ પ્રશસ્તિ”નું જોડકું છે, એક દૃષ્ટિએ “પ્રિયા કવિતાને અંતિમ પ્રાર્થના” એનું જોડકું છે, જેમ આ છેલ્લું સૉનેટ બીજી દૃષ્ટિએ “સર્જક કવિ અને લોકપ્રિયતા’ એ સૉનેટનું જોડકું છે. ૧૬–૯–૫૧ બલવંત કલ્યાણરાય ઠાકોરના જયભારત 
શ્રી નિરંજન ભગત 
ગુજરાત વિદ્યા સભા, ભદ્ર 
Ahmedabad ભેટનકલમાં ઊઘડતે પાને ‘બલ્લુકાકા-બ્યાશીએ’ સૉનેટ પર પાઠાન્તરો સાથે એક નોંધ એમણે લખી હતી : બે નીતરે = ભીતર સરે કરે… ઝરે = અને અધિક નિર્મલા કિરણ શીલ કેરાં કિરે અને વિરલ તે છતાં = અમૂલ્ય કદિ તે છતાં This is far superior to the first tho the superiority is in the theme, the 16–5–51 sonnet is quite adequate to its slight and very limited theme. Letter to NB ૧૬–૯–૫૧ વળી ‘કિન્નરી’ની પ્રસ્તાવના ‘ગીત — એક કાવ્યસ્વરૂપ’ના પાના પર એક નોંધ એમણે લખી હતી : જુવો ભણકાર (૫૧) પ્હેલા નિવેદનને છેડે આ બાબતને અહીંના અવતરણ સાથે થોડી ચર્ચી છે. બ. ૧૯૫૧ના શિયાળાની લાંબી રજા આવી રહી હતી ત્યારે એમણે મને ૧૯૫૧ના ઑક્ટોબરની ૬ઠ્ઠીએ એક પોસ્ટકાર્ડ લખ્યું હતું : જરૂરી સ્નેહી ભાઈશ્રી નિરંજન આશરે અક્ટોબર ૧૦મીથી મહિનાની રજા ક્યાં ગાળવી તે નક્કી ના કર્યું હોય તો અહીં આવો. પુસ્તકાલયની રીતસર યાદી કરવાનું કામ હજી પડ્યું છે. ત્હમારા ગયા પછી કોઈએ કશું જ નથી કર્યું એટલે થોડી ચોપડીઓ ગોઠવવાની વધી પણ છે. વળતી ટપાલે જ નક્કી કરી જણાવી શકો તો સારું. ૬–૧૦–૫૧ બલવંત કલ્યાણરાય ઠાકોર 
 ૩૪ ચોપાટી રોડ, મુંબઈ–૭ શ્રી નિરંજન ભગત 
લક્કડિયા પૂલ પાસે 
ચંદન ભવન 
Ellis Br. PO 
અમદાવાદ ૬ બલ્લુકાકા સાથેની કેટકેટલી વાતો — એમાંથી એક પણ ડાયરી રૂપે નોંધી નથી. સૌ સ્મૃતિમાં નોંધી છે. આજે અઢાર વરસ પછી સ્મૃતિને આધારે અહીં નોંધું છું. વચમાં અનેક વાર અનેક મિત્રો સમક્ષ એમાંની કેટલી ય વાતો રજૂ કરવાનું થયું છે એથી સ્મૃતિમાં તાજી રહી શકી છે; છતાં સ્મૃતિની સૌ મર્યાદાઓ સ્વીકારીને જ અહીં એમાંથી કેટલીક ઉદાહરણ રૂપે નોંધું છું. આમ નોંધવી, અથવા તો ન નોંધવી; બે જ વિકલ્પો છે. ત્રીજો કોઈ વિકલ્પ નથી. સ્મૃતિદોષની શક્યતા અને એ બદલ ક્ષમાયાચના સાથે અહીં નોંધું છું. જીવનના અંતિમ વર્ષમાં બલ્લુકાકાના મિજાજનો, બલ્લુકાકાના વ્યક્તિત્વનો અણસાર એમાંથી આવશે તો આ ચેષ્ટા સહ્ય થશે, આ પ્રયત્ન સાર્થક થશે. બલ્લુકાકાની સૂચના હતી કે પુસ્તકો ગોઠવતાં પુસ્તકનાં પાનાંઓની વચ્ચેથી, બે પુસ્તકોની વચ્ચેથી, કબાટનાં ખાનાંઓમાંથી અથવા તો આજુબાજુમાંથી ક્યાંકથી કોઈ લેખની, પત્રની કે કાવ્યની હસ્તપ્રત — ખાસ તો ગીતાના અનુવાદની હસ્તપ્રતો — હાથ આવે તો મારે એમને બતાવવી અને પછી એમની સૂચના પ્રમાણે એક જગાએ એકઠી કરવી. એક વાર એમના ડાબા હાથ બાજુ ટેબલથી સહેજ દૂર કચરાપેટી પાસેથી એક હસ્તપ્રત હાથ આવી. કાવ્ય-સૉનેટ-હતું. શીર્ષક હતું ‘એક આગાહી’. નીચે કૌંસમાં જેને અંગે સૉનેટમાં આગાહી હતી તે ઇન્ડોનેશિયાના કોઈ તાજા બનાવનો ઉલ્લેખ હતો. મેં બલ્લુકાકાને કહ્યું, ‘આ કચરાપેટી પાસેથી એક હસ્તપ્રત હાથ આવી છે.’ એમણે પૂછ્યું, ‘એમાં શું છે?’ મેં કહ્યું, ‘સૉનેટ.’ એમણે પૂછ્યું, ‘શું મથાળું છે?’ મેં કહ્યું, ‘એક આગાહી.’ એમણે કહ્યું, ‘નાંખો કચરાપેટીમાં. એ તો ખોટી પડી.’ ખંડમાં પ્રવેશ્યો ને હજુ માંડ ખુરશી પર બેઠો ત્યાં તો બલ્લુકાકાએ રોષમાં કહ્યું, ‘Silly fool!’ હું સહેજ સ્તબ્ધ થયો. બોલ્યાચાલ્યા વિના શાંત બેસી રહ્યો. બલ્લુકાકા ક્યારના રોષથી સમસમી રહ્યા હશે એ એમના ઉદ્ગાર અને અવાજ પરથી સમજ્યો પણ રોષનું રહસ્ય ન સમજ્યો. આ રોષનું ભાજન કોણ હશે? એકબે મિનિટ પછી એમણે જ ટેબલ પરથી એક પુસ્તક હાથમાં લઈને કહ્યું, ‘This is a collection of essays by Belvelkar. He was my pupil at Poona. He gave me this book as a token of his love few years ago. But I shelved it there. (એમ કહીને એમની જમણી બાજુ ભીંત પાસેના કબાટનું છેક ઉપરનું ખાનું હાથથી બતાવ્યું.) This morning I took it down and I’ve been reading it since then and now I realize what I’ve missed. મેં ત્યારે આ પુસ્તક વાંચ્યું હોત તો મને કેટલો લાભ થયો હોત. એમાં કેવા સરસ વિચારો છે. એ વિચારોથી આટલાં વર્ષોમાં મારો કેટલો વિકાસ થયો હોત. But I shelved it and slept over it all these years like a silly fool. I was a silly fool!’ હું ગયો ત્યારે બલ્લુકાકા ઘરે ન હતા. ઓચિંતું કામ આવ્યું હતું તે બહાર ગયા હતા. પાંડુએ આવીને કહ્યું, ‘બાપાજી તમને બેસવાનું કહીને ગયા છે.’ હું રાહ જોતો બેઠો હતો. ટેબલ પર ‘ભણકાર (’૫૧)’ પડ્યું હતું. તે લઈને બલ્લુકાકા આવ્યા ત્યાં લગી વાંચ્યા કર્યું. બલ્લુકાકાએ આવીને કોટ તથા લાકડી એમના સ્થાને મૂકીને એમની ખુરશીમાં બેસતાં પૂછ્યું, ‘શું ચાલે છે?’ મેં કહ્યું, ‘ ‘ભણકાર (’૫૧)’નું વાચન.’ એમણે પૂછ્યું, ‘શું ગમ્યું?’ મેં કહ્યું, ‘આ કાવ્યોનો કવિ જ્યારે વિવેચક તરીકે કવિતાનું વિવેચન કરે છે ત્યારે તો કવિતામાં બુદ્ધિપ્રાધાન્યનો દાવો લડાવે છે, પણ અહીં ચન્દ્રમણિ, કાન્ત, રેવા વિશેનાં કાવ્યોમાં એ ગદ્ગદ કંઠે ગાવા લાગી જાય છે. તમે આવ્યા ત્યારે ‘શાંતિ’ કાવ્ય વાંચતો હતો. એમાં વર્ડ્ઝવર્થના ‘ટીન્ટર્ન એબી’ કાવ્યમાં છે તે પ્રકારનો આનંદ આવતો હતો. એટલા પ્રમાણમાં આવતો હતો કે કેમ એ કહી શકતો નથી.’ જાણે કંઈક ચિંતનમાં હોય એમ બલ્લુકાકાએ કેટલીક ક્ષણો લગી મૌન ધર્યું. ધર્મની વાત ચાલતી હતી. મેં કહ્યું, ‘All religions are partly mystical.’ બલ્લુકાકાએ રોષમાં ટેબલ પર મુક્કો મારીને કહ્યું, ‘But that doesn’t mean that mysticism is a religion.’ મુક્કાથી ટેબલ પરનાં પુસ્તકો, ફાઉન્ટન પેનો, પાઇપ્સ, ચશ્માં, ખડિયો, મેગ્નિફાઇંગ ગ્લાસ, ગુંદરની શીશી, કાતર વગેરે વિપુલ સાધનસામગ્રી ધ્રૂજી ઊઠી અને સહેજ અધ્ધર ઊછળી. વિનોબાની વાત ચાલતી હતી. મેં કહ્યું, ‘વિનોબાએ સત્ય વિશે ક્યાંક કહ્યું છે કે સત્યની વ્યાખ્યા ન હોય, કારણ કે બધી વ્યાખ્યાઓનો આધાર સત્ય પર છે.’ તરત જ બલ્લુકાકાએ કહ્યું, ‘આખું શરીર લૂછવા માટે હાથ, પણ હાથ લૂછવા માટે?’ ફલોરા ફાઉન્ટન પરથી પસાર થતો હતો ત્યાં બપોરના છાપામાં વાંચ્યું કે બર્નાર્ડ શૉનું મૃત્યુ થયું છે. ત્યાંથી બલ્લુકાકાને ઘેર ગયો. શૉના મૃત્યુના સમાચાર આપ્યા. બલ્લુકાકાએ કહ્યું, ‘સો વરસ ના જીવ્યા!’ નવા વરસને દિવસે બલ્લુકાકાને પ્રણામ કર્યા પછી મેં કહ્યું, ‘ગઈ કાલે એક દિવસ માટે અમદાવાદ હતો. આજે આવ્યો. ઉમાશંકરે તમને નવા વરસના પ્રણામ કહેવડાવ્યા છે.’ બલ્લુકાકાએ કહ્યું, ‘મને સીધું ના લખ્યું! શરમાયો!’ બલ્લુકાકાના શરીર પર માત્ર એક અરધી ચદ્દી હતી. એમણે કહ્યું, ‘સામેના ઘરમાં એક છોકરી રહે છે. એમ.એ.માં સંસ્કૃતનો અભ્યાસ કરે છે. હમણાં આવી હતી. કહેતી હતી, ‘બલ્લુકાકા, મારે ગીતા ભણવાની છે, તમે ન ભણાવો?’ મેં કહ્યું, ‘ભણાવું તો ખરો પણ હું રહ્યો અજ્ઞેયવાદી. હું ભણાવું તો તું નાપાસ થાય.’ આ તો મેં એને કહ્યું બાકી હું ભણાવું ને નાપાસ થાય? પણ જો હા કહું તો પછી એ રોજ અહીં આવે ને તો પછી મારાથી આમ માત્ર એક અરધી ચદ્દી પહેરીને બેસાય? I don’t want any check on my freedom in my own house.’ રૉયલ એશિયાટિક લાઇબ્રેરીમાંથી રિલ્કેનું રોદાં પરનું પુસ્તક વાંચવા લીધું હતું. તે સાથે લઈને રોજની જેમ બલ્લુકાકા પાસે ગયો. બલ્લુકાકાએ પૂછ્યું, ‘શું લાવ્યા છો?’ મેં કહ્યું, ‘રિલ્કેનું રોદાં પરનું પુસ્તક.’ તેમણે કહ્યું, ‘લાવો, જોઉં!’ લગભગ અરધો કલાક લગી પુસ્તક વાંચ્યા કર્યું. એમાં રોદાંનાં કેટલાંક પ્રસિદ્ધ શિલ્પોનું છબીકરણ છાપ્યું હતું, એ જોયા કર્યું. એમાંથી ‘ધ કિસ’ મને બતાવીને કહ્યું, ‘This is art. How tender it is! How delicate it is! How beautiful it is! અજંતામાં તો પથરા છે પથરા!’ પાછું થોડીક વાર પુસ્તક વાંચ્યા-જોયા કર્યું. એકાએક એમણે મને કહ્યું, ‘Look up!’ મેં ઊંચે જોયું એટલે એમણે મને કહ્યું, ‘Turn your head to your right!’ મેં જમણી બાજુ મોં ફેરવ્યું એટલે એમણે મને કહ્યું, ‘On the wall you’ll see my collection of pictures. In the first row, in the third picture, you’ll see Rodin at work in his studio. He is my physical and spiritual ide-al of an artist.’ ભીંત પર સ્ટુડિયોમાં કર્મરત રોદાંનું મોટું સુંદર ચિત્ર હતું. વડોદરા લેખકમિલનમાંથી મડિયા અને હું સાથે સીધા મુંબઈ ગયા. બલ્લુકાકાને મળ્યા. ત્યારે ‘સંસ્કૃતિ’માં ઉમાશંકરની વડોદરા લેખકમિલન પરની નોંધ અને ઉમાશંકરનું ડભોઈનું વ્યાખ્યાન બલ્લુકાકાએ વાંચ્યાં હતાં. અમે વડોદરા લેખકમિલનમાંથી આવી રહ્યા છીએ એની એમને જાણ હતી. અમે ખંડમાં પ્રવેશ્યા અને માંડ ખુરશી પર બેઠા ત્યાં તો બલ્લુકાકાએ રોષમાં કહ્યું, ‘So you talked and you laughed and you sang and you danced, you fools!’ મડિયા અને હું બન્ને સ્તબ્ધ! થોડીક વાર પછી ઉમાશંકરના ડભોઈના વ્યાખ્યાનનો ઉલ્લેખ કરીને બલ્લુકાકાએ કહ્યું, ‘ડભોઈની શેરીઓમાંથી ગીતની ચાવી શોધવા ગયા હતા! શેરીઓમાંથી તે ગીતની ચાવી જડે કે ધૂળ?’ સુરતથી કોઈએ સાહિત્યનું એક નવું ચોપાનિયું બલ્લુકાકા પર અભિપ્રાયાર્થે મોકલ્યું હતું. એમાં સાહિત્યની ચોવટ સિવાય કંઈ ન હતું. બલ્લુકાકાએ અભિપ્રાય લખ્યો તે મને વંચાવ્યો. એનો સાર કંઈક આવો હતો કે અભિપ્રાય માગ્યો છે એટલે આપ્યો છે. બાપને પૈસે ચોપાનિયું ચલાવવાનું હોય તો બાપના પૈસા આમ બગાડવાનો અધિકાર નથી. પોતાને પૈસે ચોપાનિયું ચલાવવાનું હોય તો પોતાના પૈસા આમ બગાડવાની જરૂર નથી. એ પૈસાનો સદુપયોગ કરી શકાય. અન્ય કોઈ પ્રવૃત્તિને અભાવે ચોપાનિયું ચલાવવાનું હોય તો અન્ય કોઈ પ્રવૃત્તિ ન સૂઝે ત્યાં લગી ગાંધી બાપુએ સૈકાઓ સુધી ચાલે એવી એક પ્રવૃત્તિ શોધી આપી છે તે કરી શકાય, એટલે કે રેંટિયો કાંતી શકાય. પાઠકસાહેબનું ‘પ્રાચીન ગુજરાતી છંદો’ પ્રગટ થયું હતું એની વાત ચાલતી હતી. બલ્લુકાકાએ પોતાનું પુસ્તક ‘પિંગળશિક્ષણ’ હસ્તપ્રતમાં છે અને થોડોક ભાગ લખવાનો બાકી છે તે લખાઈ જશે પછી ટૂંક સમયમાં પ્રગટ થવાનું છે એનો ઉલ્લેખ કરીને કહ્યું, ‘His is a text-book, mine will be a book.’ ન્હાનાલાલની વાત ચાલતી હતી. બલ્લુકાકાએ કહ્યું, ‘ ‘કવીશ્વર દલપતરામ’માં ન્હાનાલાલની શૈલી જાણે કે વાંસવરખ લાવ્યા હોઈએ, રાતોની રાતો ધેઇકૂટ ધેઇકૂટ કરીને તાબૂત તૈયાર કર્યું હોય, યા હુસેન યા હુસેન કરીને તાબૂત કાઢ્યું હોય અને છેવટે નદીમાં ડુબાડ્યું હોય એવી છે.’ એક લાંબુંલચક લખાણ હાથમાં લઈને બલ્લુકાકાએ કહ્યું, ‘લ્યો, આ વાંચો! ગઈ કાલે આખી રાત ઊંઘ નથી આવી. ન્હાનાલાલ વિશે વિચારો આવ્યા. એ બધા આમાં લખી નાંખ્યા છે. લ્યો, વાંચો!’ હું વાંચી ગયો પછી બલ્લુકાકાએ પૂછ્યું, ‘કેવું લાગ્યું?’ મેં કહ્યું, ‘સારું છે.’ પછી સહેજ વિચારમાં હોય એમ એમણે પૂછ્યું, ‘આ લખાણ કોને મોકલું? — ને મોકલું?’ ખાલી જગા છે ત્યાં એમણે એક ન્હાનાલાલભક્તનું નામ ઉચ્ચાર્યું હતું. એક પરબીડિયામાં લખાણ બીડ્યું. ઉપર પેલા ન્હાનાલાલભક્તનું નામ-સરનામું લખ્યું. પછી પરબીડિયું મને આપીને કહ્યું, ‘ઘરે જાઓ ત્યારે આ ટપાલપેટીમાં નાંખતા જજો!’ રાજેન્દ્રનું કાવ્ય ‘આયુષ્યના અવશેષે’ બલ્લુકાકાને વાંચવા આપ્યું. વાંચતા જાય ને ડોલતા જાય, ને હળવો હીંચકો ખાતા જાય. બલ્લુકાકાને આમ ડોલતા જોવા એ જીવનનો એક લ્હાવો હતો. વાંચી રહ્યા પછી બલ્લુકાકાએ કહ્યું, ‘રેશમના પટ પર કિનખાબથી લખીને સામી ભીંત પર લટકાવવા જેવું છે. ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ રાજેન્દ્રે આબાદ પકડ્યો છે.’ પછી કાવ્યનાં સૉનેટસ્વરૂપ, ચિત્રો, અલંકારો વગેરે વિશે ચર્ચા ચાલી હતી. મેં કહ્યું, ‘આપણા એક અગ્રણી કવિવિવેચકનો એવો અભિપ્રાય છે કે રાજેન્દ્રએ ‘આયુષ્યના અવશેષે’માં બલવન્તરાયના ‘જૂનું પિયેરઘર’નો તંતુ આગળ ચલાવ્યો છે.’ તરત જ બલ્લુકાકાએ કહ્યું, ‘Absurd! Mine is a psychological probability, while Rajendra has remained within the range of his experience. Nothing more could be said in such a short span.’ એના અનુસંધાનમાં એક વાર રાજેન્દ્રના ‘ગતિ-મુક્તિ’ એકાંકીની વાત ચાલતી હતી; અને એ નિમિત્તે નાટકની વાત ચાલતી હતી. બલ્લુકાકાએ કહ્યું, ‘ઉત્તમોત્તમ નાટક શૃંગાર અને કરુણના મિશ્રણમાંથી સર્જી શકાય.’ અને એમ કહીને પછી શેક્‌સ્પિયરનું ‘એન્ટની ઍન્ડ ક્લીઓપેટ્રા’ પોતાને કેટલું પ્રિય છે એ વિશે એમણે રસપૂર્વક કહ્યું. પછી રાજેન્દ્રની કવિતાની વાત ચાલતી હતી. ઓચિંતા બલ્લુકાકાએ પૂછ્યું, ‘આ રાજેન્દ્ર કોની ‘સ્કૂલ’ના કવિ? પેલા — ની ‘સ્કૂલ’ના કે — ની ‘સ્કૂલ’ના?’ મેં કહ્યું, ‘પોતાની ‘સ્કૂલ’ના.’ પહેલી ખાલી જગા છે ત્યાં એમણે જેમની કવિતામાં રહસ્યવાદ સવિશેષ હતો એવા કવિનું નામ ઉચ્ચાર્યું હતું ને બીજી ખાલી જગા છે ત્યાં એમણે જેમનાં ગીતોમાં કાવ્યત્વનો સો ટકા અભાવ અને હળવા સંગીતનો સારો એવો પ્રભાવ હતો એવી વ્યક્તિનું નામ ઉચ્ચાર્યું હતું. આમ, કવિતામાં વિષયની દૃષ્ટિએ રહસ્યવાદ અને સ્વરૂપની દૃષ્ટિએ સંગીત સદાય હાનિરૂપ છે તે એમની લાક્ષણિક માર્મિકતાથી સૂચવ્યું હતું. યુસીસની લાઇબ્રેરીમાંથી મડિયાને નામે ‘પોએટ્રી શિકાગો’ના કેટલાક પાછલા અંકો વાંચવા લીધા હતા તે સાથે લઈને રોજની જેમ બલ્લુકાકા પાસે ગયો. બલ્લુકાકાએ પૂછ્યું, ‘શું લાવ્યા છો?’ મેં કહ્યું, ‘પોએટ્રી શીકાગો’ના પાછલા અંકો.’ એમણે કહ્યું, ‘લાવો, જોઉં!’ અંકોના પાનાંઓમાં સહેજ નજર નાખીને પછી એમણે કહ્યું, ‘Is there any poetry in Ameri-ca?’ કવિતાની વાત ચાલતી હતી. મેં કહ્યું, ‘વિવેચકો કીટ્સના ‘લા બેલ દામ સાં મેસીં’ બૅલડનું એના ઓડ્સ જેટલું જ મૂલ્ય આંકે છે, અને હાઈનનાં ગીતોને કારણે એક વિવેચકે કહ્યું છે, ‘Goethe is man become God and Heine is God become man.’ જાણે કંઈક ચિંતનમાં હોય એમ બલ્લુકાકાએ કેટલીક ક્ષણો લગી મૌન ધર્યું. અર્વાચીન ગુજરાતી કવિતાની વાત ચાલતી હતી. બલ્લુકાકાએ પૂછ્યું, ‘What do you think of Narsinharao and Nanalal?’ મેં કહ્યું, ‘I don’t think of Narsinharao at all. But Thakore or no Thakore, Nanalal will live,’ તરત જ એમણે પૂછ્યું, ‘Why?’ મેં કહ્યું, ‘Because of the sheer beauty of his words.’ જાણે કંઈક ચિંતનમાં હોય એમ બલ્લુકાકાએ કેટલીક ક્ષણો લગી મૌન ધર્યું. મડિયાને કોણ જાણે શું યે સૂઝ્યું તે ઓચિંતા એમણે બલ્લુકાકાને કહ્યું, ‘નિરંજનનો ગીતસંગ્રહ છપાય છે. એમાંનાં થોડાંક ગીતો એ તમને સંભળાવશે.’ તરત જ બલ્લુકાકાએ મોટેથી બૂમ પાડી, ‘કલ્પુ… કલ્પુ… કલ્પુ!’ થોડીક વારમાં એમની નાનકડી પૌત્રી કલ્પના આવીને બલ્લુકાકા પાસે ઊભી રહી. એની ભણી જોઈને બલ્લુકાકાએ મડિયાને કહ્યું, ‘That is Niranjan’s audience.’ ખંડમાં પ્રવેશ્યો ત્યાં જ મને જોતાંવેંત બલ્લુકાકાએ કહ્યું, ‘આ તને જોઈને તું માણસ છે એમ કોઈ કહે?’ તરત જ મારાથી એમને સામું પુછાઈ ગયું, ‘તો તમને જોઈને?’ તરત જ એમણે મને કહ્યું, ‘Yes, as you’re a normally tall lean man, I’m a normally short fat man.’ વાતો ચાલતી હતી ત્યાં બલ્લુકાકાના એક જૂના મિત્ર વર્ષો પછી ઓચિંતા બલ્લુકાકાને મળવા આવી ચડ્યા. વર્ષો લગી પૃથ્વીપ્રદક્ષિણા કર્યા પછી તાજેતરમાં જ સ્વદેશ આવ્યા હતા. બલ્લુકાકા સાથે એમની અનેક નવીજૂની વાતો ચાલતી હતી. સારોય સમય હું હાજર હતો એટલે એમને મારે વિશે સહેજ કુતૂહલ થયું. એમણે બલ્લુકાકાને પૂછ્યું, ‘આ ભાઈ કોણ છે?’ બલ્લુકાકાએ કહ્યું, ‘નિરંજન.’ અને બન્ને મિત્રો પાછા વાતોએ વળ્યા. થોડીક વાર પછી હું બાજુના ખંડમાં રોજના મારા લાઇબ્રેરીના કામે ચાલ્યો ગયો. કલાકે બલ્લુકાકાના ખંડમાં પાછો આવ્યો ત્યારે બન્ને મિત્રોની વાતો હજુ ચાલતી હતી. હું ચૂપચાપ મારી બેઠકે બેસી ગયો. પાછો હું હાજર થયો એટલે મિત્રને મારે વિશે ઔર કુતૂહલ થયું. એમણે બલ્લુકાકાને પૂછ્યું, ‘આ ભાઈ શું કરે છે?’ બલ્લુકાકાએ કહ્યું, ‘બુદ્ધિશાળી માણસ શું કરે? કવિતા કરે… અને હોય એટલી બધી બુદ્ધિ વેડફી મારે.’ બલ્લુકાકાની સૂચના પ્રમાણે ગીતાના અનુવાદની હસ્તપ્રતો જેમ-જેમ હાથ આવતી હતી તેમ-તેમ એમને બતાવતો હતો અને પછી એમની સૂચના પ્રમાણે એક જગાએ એકઠી કરતો હતો. આમ હસ્તપ્રતોનો સંગ્રહ થતો જોઈને બલ્લુકાકાએ કહ્યું, ‘મારી આવતી વરસગાંઠને દિવસે મારો ગીતાનો અનુવાદ મારે પ્રગટ કરવો છે.’ પછી એમની વરસગાંઠ આવી પણ એમનો ગીતાનો અનુવાદ એમણે પ્રગટ નહોતો કર્યો. મેં સહેજ મજાકમાં એમની વરસગાંઠને દિવસે ઈશરવૂડ અને પ્રભવાનંદનો હક્સલીની પ્રસ્તાવના સાથેનો ગીતાનો અંગ્રેજી અનુવાદ એમને ભેટ આપ્યો. પહેલે પાને એક પંક્તિ પણ લખી : ‘ગીતા હો બલવંતબુદ્ધિધન જે ધારો ગિરાગુર્જરી!’ આ પંક્તિ અને પુસ્તક જોઈને એમણે મને કહ્યું, ‘સમજી ગયો. મેં મારો ગીતાનો અનુવાદ આજે પ્રગટ નથી કર્યો એ તમારે મને કહેવું છે.’ પછી બીજે દિવસે મળ્યો ત્યારે એમણે મને કહ્યું, ‘તમે મને ગઈ આખી રાતનો ઉજાગરો કરાવ્યો. બહુ વિચારો આવ્યા. હક્સલીની પ્રસ્તાવના વાંચી ગયો. I never thought Huxley had such a profound un-derstanding of Indian Philosophy.’ વાતો ચાલતી હતી ત્યાં મોડી સાંજે મડિયા આવી પહોંચ્યા. થોડીક વાર પછી મડિયાએ બલ્લુકાકાને કહ્યું, ‘ચાલો, આપણે જશું? હું સમજી ગયો કે સવારે બલ્લુકાકાએ અને મડિયાએ ક્યાંક જવાનો કાર્યક્રમ કર્યો છે. બલ્લુકાકાએ કહ્યું, ‘હા, ચાલો! પણ નિરંજન એમના ઘરે જવાના છે કે આપણી સાથે આવવાના છે?’ હું સહેજ મૂંઝાયો. મડિયા સમજી ગયા. તરત જ એમણે બલ્લુકાકાને કહ્યું, ‘હા, એ આપણી સાથે આવવાના છે.’ બલ્લુકાકા સહેજ મૂંઝાયા. એમણે મડિયાને પૂછ્યું, ‘તો પછી તમારી પાસે પૈસા છે ને? આપણને ત્રણને પહોંચે એટલા પૈસા મારી પાસે નથી.’ મડિયાએ બલ્લુકાકાને કહ્યું, ‘પણ એ ચીકન નહિ ખાય, ઓમલેટથી આગળ નહિ જાય.’ બલ્લુકાકાએ રાહત અનુભવીને કહ્યું, ‘તો ભલે! ચાલો જઈએ!’ અને અમે ત્રણે ચર્ચગેટ પર પૅરિશિયન ડેઇરીમાં ભોજન લેવા રવાના થયા. મેની ૧૬મીએ બલ્લુકાકાએ એમની છબી મને ભેટ આપી. મને એ પ્રસંગે એક સૉનેટ સૂઝ્યું તે એક સરસ મોટા ડ્રૉઇંગ પેપર પર લખીને મેની ૧૮મીએ મેં એમને ભેટ આપ્યું. આપીને તરત જ એમનું ધ્યાન સૉનેટ વાંચવામાં હતું ને હું બાજુના ખંડમાં રોજના મારા લાઇબ્રેરીના કામે ચાલ્યો ગયો. કામ પૂરું કરીને બલ્લુકાકાના ખંડમાં પાછો આવ્યો. બલ્લુકાકાએ કહ્યું, ‘તમારું સૉનેટ મેં યોગ્ય સ્થાને મૂકી દીધું છે.’ મેં એમણે પૂછ્યું, ‘ક્યાં? કચરાપેટીમાં?’ ટેબલ પર ‘ભણકાર (’૫૧)’ હતું તે બતાવીને એમણે કહ્યું, ‘પેલું પુસ્તક લ્યો!’ મેં ‘ભણકાર (’૫૧)’ લીધું. એમણે કહ્યું, ‘ખોલીને નિવેદન અને અનુક્રમની વચ્ચે જુઓ!’ મેં ‘ભણકાર (’૫૧)’ ખોલીને જોયું તો નિવેદન અને અનુક્રમની વચ્ચે એમણે સૉનેટ કાતરથી કાપીને ગુંદરથી ચોંટાડી દીધું હતું. પછી એમણે મને એમની ડાયરી ખોલીને એક પાનું બતાવીને કહ્યું, ‘આ વાંચો!’ ડાયરીમાં શુક્ર, ૧૮ મે ૧૯૫૧ના વાર-તારીખના પાના પર એમણે લખ્યું હતું, ‘સાંઝે નિરંજન છબિ મેં આપેલ તે ઉપર સૉનેટ લાવ્યો તે વાંચીને તુર્ત મેં ‘ભણકાર (૫૧)’ નમૂનાની નકલમાં નિવેદન અને સાંકળિયા વચ્ચે એની ઉચિત જગાએ ચોડી લીધી તેથી પણ એ રાજી થયો.’ વાંચીને મેં એમને કહ્યું, “બલ્લુકાકા, આ તમે શું કર્યું? તમે આ સૉનેટ વાંચ્યું ત્યારે અને વાંચીને ‘ભણકાર (’૫૧)’માં ચોડ્યું ત્યારે હું હાજર ન હતો. હું બાજુના ખંડમાં રોજના મારા લાઇબ્રેરીના કામે ચાલ્યો ગયો હતો, અને તમે તો લખો છો, ‘તેથી પણ એ રાજી થયો.’ તમારી ડાયરી તો હંમેશ વંચાશે અને જે આ નોંધ વાંચશે તે એમ માનશે કે કોઈ એક છોકરડો રોજ બલ્લુકાકાને મળતો હતો અને રાજી થતો હતો. હવે હું ઘેર જઈને મારી ડાયરીમાં આમ લખું? ‘બલ્લુકાકાએ છબી ભેટ આપી હતી તે પ્રસંગે સૉનેટ સૂઝ્યું હતું તે આજે મેં બલ્લુકાકાને ભેટ આપ્યું. એ વાંચીને એ રાજી થયા. તે વાંચતાંવેંત એમણે એ સૉનેટ કાતરથી કાપીને ‘ભણકાર (’૫૧)’માં નિવેદન અને અનુક્રમની વચ્ચે ગુંદરથી ચોડી દીધું.’ પણ મારી ડાયરી કોણ વાંચશે? આ તમે શું કર્યું?’ બલ્લુકાકા પ્રેમથી હસ્યા. બલ્લુકાકા બ્યાશીએ પણ એમની બુદ્ધિનું તેજ અને એમના હૃદયની ઉષ્મા સાચવી શક્યા હતા. એની પ્રતીતિ પળેપળે થતી હતી. અનેક ભાવિ યોજનાઓના વિચારોમાં એ સતત રત હતા. જોડણી અને લિપિની સુધારણાથી માંડીને કવિતાના સંચયો લગીના કાર્યક્રમો હાથ ધરવાની એમને ભારે હોંસ હતી. બી. સેહેની બિરાદરીની વાત વારંવાર થતી હતી. એને સધ્ધર અને સફળ કરવાનો એમનો પુરુષાર્થ હતો, અને એ દ્વારા સ્વરચિત ગ્રંથો અને અન્યના ગ્રંથો પ્રજાને સુલભ થાય એવી સારસ્વતધર્મ બજાવવાની એમની શુભેચ્છા હતી. એનો અણસાર એમણે ‘ભણકાર (’૫૧)’ના નિવેદનમાં આપ્યો છે. વળી ૧૮૪૮થી ૧૯૪૮ એટલે કે દલપત-નર્મદથી તે હજુ હસ્તપ્રતમાં હોય એવી સો વર્ષની સમગ્ર અર્વાચીન ગુજરાતી કવિતાનો (‘આપણી કવિતાસમૃદ્ધિ’ના અનુસંધાનમાં પણ એની ત્રીજી આવૃત્તિ રૂપે નહિ એવો) એક સંચય તૈયાર કરવાની પણ એમની તીવ્ર ઇચ્છા હતી. સમગ્ર અર્વાચીન ગુજરાતી કવિતાના કાલક્રમાનુસાર ત્રણ સ્તબકો પાડીને ત્રણ ભાગમાં આ સંચય પ્રગટ કરવાનું કલ્પ્યું હતું. પ્રત્યેક ભાગને આરંભે એનો સ્વતંત્ર પ્રવેશક અને અંતે એનું સ્વતંત્ર વિવરણ લખવાનું ધાર્યું હતું. આ સંચયની કાવ્યપસંદગી, પ્રવેશક, વિવરણ, મુદ્રણ વગેરેમાં આદિથી અંત લગી મને સાથે સંડોવવાનો પ્રપંચ એમણે રચ્યો હતો અને ‘આવા મોટા કામ માટે મારા જેવા નાનકડા માણસમાં કોઈ લાયકાત નથી.’ એવો મારો બચાવ ન સ્વીકારીને મને મૂંઝવ્યો હતો. હજુ લગી મેં ગદ્યમાં કશું જ સર્જન કે વિવેચન કર્યું ન હતું. તાલીમ રૂપે એમણે મારી પાસે એક પુસ્તકનું અવલોકન લખાવ્યું હતું. વળી એમનું પોતાનું ચાલુ લખાતું લખાણ પ્રગટ થાય તે પૂર્વે મને વંચાવીને એ વિશે મારી સાથે ચર્ચાઓ ચલાવી હતી. (ઉદાહરણ રૂપે ‘સંસ્કૃતિ’, જૂન ૧૯૫૧માં પ્રગટ થયેલું ‘ચર્ચાપત્ર : જડવાદ વિરુદ્ધ આધ્યાત્મિકતા’) ‘સંસ્કૃતિ’, મે ૧૯૫૧માં એમનો ‘સાગર અને શશી’ પરનો રેડિયોવાર્તાલાપ પ્રગટ થયો હતો ત્યારે વાતમાં ને વાતમાં મેં એમને કાન્તનાં પાંચ કાવ્યો વિશે મને પણ કંઈક સૂઝ્યું હતું તે સાર રૂપે કહ્યું. ધ્યાનથી હૃદયે ધર્યું અને પછી મને કહ્યું, ‘No-body has read these poems in this way, isn’t it?’ મેં કહ્યું, ‘I think so.’ એમણે કહ્યું, ‘Then why don’t you write all this down?’ મેં કહ્યું, ‘At the moment I’m not ready. But I’ll do it some day.’ ‘સંસ્કૃતિ’માં કે અન્ય સામયિકમાં મારું કાવ્ય પ્રગટ થયું હોય તે વાંચીને કે રેડિયો પર મેં કાવ્યવાચન કર્યું હોય તે સાંભળીને એમણે મને એમાં જે કંઈ સારું-નરસું હોય તે નરી સહૃદયતાથી કહ્યું હતું. ‘સંસ્કૃતિ’, નવેમ્બર ૧૯૫૧માં મારાં ચાર કાવ્યો પ્રગટ થતાં હતાં તે વાંચીને એમણે કહ્યું, ‘They’re quite adequate as lyrics, But they’re slight. Lyric has such a short span. It doesn’t have much scope.’ આશા-નિરાશા, જય-પરાજય, સુખ-દુઃખ એવા અનેક અનુભવોથી ભર્યું ભર્યું બ્યાશી વર્ષનું એમનું આયુષ્ય હતું. સ્મૃતિમાં કેટકેટલું સંઘર્યું હતું! રોજ-રોજ શૈશવ, યૌવન, વાર્ધક્યમાંથી કોઈ ને કોઈ કાળનું સ્મરણ થતું. રોજ-રોજ ભરૂચ, રાજકોટ, ભાવનગર, મુંબઈ, પૂના, વડોદરા, કરાંચી, અજમેરમાંથી કોઈ ને કોઈ સ્થળનું સ્મરણ થતું. રોજ રોજ દલપત, નર્મદ, ગોવર્ધનરામ, નરસિંહરાવ, મણિલાલ, બાલાશંકર, કાન્ત, રમણભાઈ, આનંદશંકર, ગાંધીજી, કલાપી, ન્હાનાલાલમાંથી કોઈ ને કોઈ અનુગામી કે સમકાલીન કે પુરોગામી સદ્ગતનું સ્મરણ થતું. ક્યાંય આત્મદયા નહિ, સર્વત્ર બૌદ્ધિક પ્રામાણિકતા. બૉદલેરે વિવેચનનો જે આદર્શ પ્રગટ કર્યો છે — Criticism should be passionate, prejudiced and personal’ — તે બલ્લુકાકામાં જેટલો અને જેવો મૂર્ત થયો જોયો છે એટલો અને એવો આજ લગી ક્યાંય જોયો નથી. કલાને નામે વિલાસિતા, ધર્મને નામે અંધશ્રદ્ધા, ઇતિહાસને નામે અસત્ય, રાષ્ટ્રને નામે આત્મશ્લાઘા, રાજકારણને નામે સત્તાલાલસા અને સમાજમાં સ્ત્રીત્વનો હ્રાસ — એથી યે વિશેષ તો સ્ત્રીને સ્વહસ્તે સ્ત્રીત્વનો હ્રાસ — આ સૌની સામે એમનો પુણ્યપ્રકોપ. ક્યારેક બાળકના જેવી નિર્દોષતા, ક્યારેક સૈનિકના જેવી નિર્ભયતા, ક્યારેક સંતના જેવી સહાનુભૂતિ અને સદાય કવિની સચ્ચાઈ. આજે અઢાર વરસે સંભારું છું ત્યારે કેટકેટલી સ્થૂળ વસ્તુઓ અને સૂક્ષ્મ વાતો આંખ અને અંતર સામે એકસામટી આવે છે. ખાટલો, હીંચકો, ટેબલ, ખુરશીઓ, કબાટો, પુસ્તકો, ચિત્રો, હૅટ, લાકડી, ઓવરકોટ, ચા-નાસ્તો અને એમનો સેવક પાંડુ સાક્ષાત્ થાય છે. રોષમાં હોય ત્યારે એમનું કઠોર ‘હં’ અને ડાબા ખભાથી જમણી કેડ લગી વીંઝાતો એમનો જમણો હાથ, પ્રેમમાં હોય ત્યારે એમનો ઋજુકોમળ અવાજ — ટેઇપરેકોર્ડર અને મુવીકૅમેરા વિના એનો ખ્યાલ આપવો જ અશકય છે. એમની બે વાતોનું મારી સ્મૃતિમાં, મારા હૃદયમાં અદ્વિતીય સ્થાન છે. બલ્લુકાકા લાંબા ઊંડા મૌનમાં ચાલ્યા ગયા. એમાંથી પાછા આવીને એમણે ઋજુકોમળ અવાજે પૂછ્યું, ‘I don’t know what poetry is. Do you?’ મેં કહ્યું, ‘No, I don’t.’ એમણે કહ્યું, ‘After all these years I don’t know what it is. It’s a mystery.’ અને ફરી પાછા લાંબા ઊંડા મૌનમાં ચાલ્યા ગયા. ૧૯૫૧ના ઉનાળાની લાંબી રજાઓ પૂરી થતી હતી. અમદાવાદ આવવાના દિવસને આગલે દિવસે બલ્લુકાકાની વિદાય લીધી. મેં કહ્યું, ‘બલ્લુકાકા, પરમ દિવસે સવારે કૉલેજ ખૂલે છે. કાલે રાતે અમદાવાદ જાઉં છું. કાલે મુંબઈ છોડવાની તૈયારીમાં હોઉં અને આખા દિવસમાં એવું બને કે તમને ન મળી શકું તો મનમાં એનું દુઃખ રહી જાય. એટલે આજે જ ‘આવજો’ કરું છું.’ પળમાં આનો અર્થ એ પામી ગયા. લાંબા ઊંડા મૌનમાં ચાલ્યા ગયા. એમાંથી પાછા આવીને એમણે ઋજુકોમળ અવાજે પૂછ્યું, ‘તમને અહીં ક્યાંય કામ ન મળે?’ ગદ્ગદ અવાજમાં સહેજ કંપ હતો. પળમાં આનો અર્થ હું પામી ગયો. મેં કહ્યું, ‘બલ્લુકાકા, મને અહીં કામ તો મળે પણ પછી હું તમને આમ રોજ ન મળું, ન મળી શકું.’ એમણે કહ્યું, ‘Yes, that also is true. Alright! Then go! You’re a young man. You must be having many things to do. But if you remember an old man like me, then once in a while do drop a line.’ બલ્લુકાકા આયુષ્યભર એકલયાત્રી હતા. એકલા-અટૂલા મનુષ્ય હતા. એમની એકલતા અભેદ્ય હતી. એમાં કોઈને પ્રવેશ ન હતો. માત્ર એક જ મનુષ્યનો ત્યાં પ્રવેશ શક્ય હતો, ચન્દ્રમણિનો. વર્ષો પૂર્વે ૧૯૧૪ અને ૧૯૧૬ની વચમાં ચન્દ્રમણિના મૃત્યુ પછી જેમાં સહેજ પણ કલ્પનાતત્ત્વ ભળ્યું નથી એવી ‘વાસ્તવ ભૂમિકાને વળગી રહેતી’ અને ‘માણસ છે તો જંતુડું માત્ર તથાપિ તેનું જીવન એને કેટકેટલું અપર્યાપ્ત લાગે જ એવું છે’ એ જેનો ધ્વનિ છે એવી કૃતિ ‘વિરહ’ના ત્રીજા ખંડ ‘અર્ધોક્તિ’માં બલ્લુકાકાએ એમની એકલતાનું રહસ્ય પ્રગટ કર્યું છે : ‘મ્હને ફર્ઝન્દો કે કટમખટલાની ન ફિકરો, 
ત્હમે મ્હારે માથે કદિય પડવા એ નથી દીધી : 
ત્હમારી રે હું યે શિશુસમ જ આખો ભવ હતી, 
ઘટે છેલ્લે શ્વાસે શિશુસુકન એકે ન ગુરુને. 
પરન્તૂ ઓ મ્હારા કઠણકુમળા પ્રીતમ, ત્હમે 
ધરો છો જે છાતી બહિર જગતે ધીર નરની, 
ત્હમારી જે ખ્યાતી જડ અનુભવી શાણપણની, 
અરે એ તો જાણે કમઠપિઠની ઢાલ ઉપલી. 
ત્હમે કો’ને કો’દી ઉરભિતર ખુલ્લૂં નથિ કર્યૂં. 
દિઠૂં જાણ્યૂં એ એકલડિ તમ દાસી મુરખિએ; 
અરે એ તો માવો મૃદુલ રસભીનો અનુપમ, 
નહીં એ એકાકી જિવન જિરવે પ્રેમરહિત. 
અહા આશા મોટી હક પણ અનેરો મુજ વડો, 
સુખપ્રેમોદ્રેકે ભિંજવી ભિંજવી ઢાલ ઉપલી 
અને એ લાજાળૂં ભિતર કુળું ખોલી ખિલવિને, 
સખે, ત્હારું હૈયૂં દ્વિદલ કરવા એક સરખૂં! 
અરેરે, હૂં મૂર્ખી, સમઝિ નહિ વેળાસર બધૂં. 
અને જાણ્યૂં ત્યાં તો અવધ થઇ પૂરી જ સઘળી. 
હે જગજીવન તાત, અદકચરો આ ભવ કશો! 
ને આ બુદ્ધિ-પ્રભાત ધરથી કાં નહિ મોકલ્યૂં!’ ચન્દ્રમણિની આ એકોક્તિને બલ્લુકાકાએ ‘અર્ધોક્તિ’ કહી છે, બે અર્થમાં. એક અર્થ એ કે ચન્દ્રમણિની આ પૂર્ણ ઉક્તિ નથી, અર્ધ ઉક્તિ છે. એમનું જીવન પૂર્ણ ન થયું, અપૂર્ણ રહ્યું. ‘અદકચરો આ ભવ કશો!’ એમની આશા એ આશા જ રહી, એમનો હક એ ભોગવી શકે, એમનો પ્રેમ એ ચરિતાર્થ કરી શકે તે પૂર્વે જ ‘અવધ થઈ પૂરી જ સઘળી.’ માત્ર જોયું, જાણ્યું. એથી વિશેષ કંઈ જ ન બન્યું, ન થયું. એ અર્ધસાફલ્યના અર્થમાં અર્ધોક્તિ. બીજો અર્થ એ કે ચન્દ્રમણિની આ પૂર્ણ ઉક્તિ હોય તોપણ જે પાત્રને સંબોધીને આ ઉક્તિ ઉચ્ચારી છે તે પાત્રે તો પોતાને વિશે પોતાની એકલતા વિશે મૌન ધર્યું છે. એટલે પણ આ અર્ધોક્તિ. અને એમાં જ, આ મૌનમાં જ બલ્લુકાકાનો કવિ તરીકેનો સંયમ અને મનુષ્ય તરીકેનો વિવેક પ્રગટ થાય છે. બલ્લુકાકાને સ્વમુખે નહિ પણ ચન્દ્રમણિને મુખે બલ્લુકાકાની એકલતાની આ અભિવ્યક્તિ કેવી તો ઋજુ છે, સરલ છે, માર્મિક છે, ઔચિત્યપૂર્ણ છે. એમાં કેવી તો નમ્રતા છે. આ એકલતા એવી તો સંપૂર્ણ છે કે ‘હું એકલો છું’ એમ સ્વમુખે ઉક્તિ જ અશક્ય છે! માત્ર એક જ મનુષ્યે આ એકલતા જોઈ છે, એક જ મનુષ્યે જાણી છે. અન્ય સૌ મનુષ્યોને એ અદીઠ અને અજાણ છે : ‘ત્હમે કો’ને કો’દી ઉરભિતર ખુલ્લૂં નથિ કર્યૂં, 
દિઠૂં જાણ્યૂં એ એકલડિ તમ દાસી મુરખિએ; 
નહીં એ એકાકી જિવન જીરવે પ્રેમરહિત.’ આ હૃદય પ્રેમવિહીન એકાકી જીવન નહિ જીરવે એવી પૂર્ણ પ્રતીતિ હતી એથી આ એકલતામાં પ્રવેશીને પ્રેમ દ્વારા ‘હૈયું દ્વિદલ કરવા એક સરખું!’ એ આશા, અધિકાર માત્ર એક જ મનુષ્યને હતો, ચન્દ્રમણિને : ‘અહા આશા મોટી હક પણ અનેરો મુજ વડો,’ 
‘સખે, ત્હારું હૈયું દ્વિદલ કરવા એક સરખૂં!’ પણ એ ન બન્યું. એ ન થયું. મૃત્યુથી એ આશાની, એ અધિકારની ‘અવધ થઈ પૂરી જ સઘળી.’ આ એકલતા, આમ, એકલતા જ રહી. પ્રેમને, ચન્દ્રમણિને પણ એમાં પૂર્ણ પ્રવેશ ન હતો. એકલતાની કરુણતાની આ ચરમ સીમા છે.

૧૯૬૯


*