ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/ભુવનેશ્વર: Difference between revisions
(+created chapter) |
No edit summary |

Line 1: | Line 1: | ||
{{border|2=600px|padding=10px|style={{border-radius|0px}};padding-left: 1.0em;padding-right: 1.0em;|{{center|''' | {{border|2=600px|padding=10px|style={{border-radius|0px}};padding-left: 1.0em;padding-right: 1.0em;|{{center|'''૧૩'''
'''ધૂમકેતુ [ગૌરીશંકર જોશી] '''

{{color|DeepSkyBlue|'''ભુવનેશ્વર'''}}}}}} | ||
૧૩'''
'''ધૂમકેતુ [ગૌરીશંકર જોશી] '''

{{color|DeepSkyBlue|'''ભુવનેશ્વર'''}}}}}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Latest revision as of 06:26, 5 May 2023
૧૩
ધૂમકેતુ [ગૌરીશંકર જોશી]

ભુવનેશ્વર
ઓરિસ્સામાં બે સુંદર મંદિરો છે. એક કોનારક. બીજાું ભુવનેશ્વર. ભુવનેશ્વરની અપ્રતિમ સુંદરતા વિષે સ્વ. રાખાલદાસ બેનરજીના મોંએ દાર્જિલિંગમાં ઘણું સાંભળ્યું હતું. એટલે કલકત્તાથી ત્યાં જવાની તક પકડી લીધી.
પહેલાં થોડો સમય તો ઉતારાપાણીનો બંદોબસ્ત કરવામાં ગયો. એક ઠેકાણે ઉતારો કર્યો પણ ખરો. પરંતુ એટલામાં અમદાવાદથી સર ચીનુભાઈનું કુટુંબ આવ્યું છે એ સાંભળીને એ કુટુંબના ગોરનો એક નાનો છોકરો આવી પહોંચ્યો અને તે છોકરાના વૃદ્ધ વડીલે, અત્યંત ચીવટથી જાળવી રાખેલો, એક જાૂનો ચોપડો કાઢી, ‘સંવત ૧૯૩૯ના પુરવી પોસ વદ ૭ શનિવાર તા. ૩૦ ડિસંબર ૧૮૮૨’ એ દિવસ જગન્નાથજીની જાત્રા કરતાં આંહી આવેલા ગુજરાતના મિલઉદ્યોગના પિતા, શેઠ રણછોડલાલ છોટાલાલની સહી બતાવી પોતાની સચ્ચાઈ પૂરવાર કરી.
વંશપરંપરા આ પ્રમાણે યાત્રાર્થે આવતાં કુટુમ્બો અને તેમની સઘળા પ્રકારની સગવડતા જાળવતા પંડ્યાઓ – આ આખી સંસ્થા હોટેલવીશીને અંગે વિનાશ પામે એથી એકંદરે ફાયદો છે કે નુકશાન એ પ્રશ્ન પણ વિચારવા જેવો તો છે. શેઠ રણછોડલાલના પોતાના અક્ષર જોઈ, અને ચંદનત્રિપુંડથી અંકિત પંડ્યાના છોકરાનુંં ગૌર, શાંત વદન જોઈ, એ વખતે સૌને અરધીસદી પહેલાં શેઠ રણછોડલાલ સકુટુંબ જાત્રાએ આવ્યા હતા, એની યાદીની મીઠાશ મળી ગઈ. અને પછી તો સઘળે બંદોબસ્ત ઝપાટાબંધ થઈ ગયો.
ભુવનેશ્વરની આસપાસ તો અનેક મંદિરો છે, પણ તે સૌમાં લિંગરાજનું વધારે મોટું છે. *રાજારાણીનું, મુક્તેેશ્વર, અને બીજાં પણ અનેક નાનાં મોટાં મંદિરો છે. આ મંદિરો એક કાળનાં કે એક જ સમયનાં નથી. તેમ જ એક મંદિરને લગતા સર્વ વિભાગો એક સમયે પૂરા થયા હોય એમ પણ નથી. એટલે એમના ખંડ ખંડમાં કેટલેક અંશે જાુદી જાુદી શૈલી જોવામાં આવે છે.[1]
માળવા અને ગુજરાતની પેઠે ઓરિસ્સા એક રીતે એ મહાન પ્રદેશોના રાજમાર્ગ ઉપર છે. એટલે ઉત્તર અને દક્ષિણની શૈલીનો સુંદર સમન્વય ઘણી વખત એરિસ્સાનાં મંદિરોમાં મળી આવે છે.
જે વખતે આ મંદિરો ઊભાં થયાં તે વખતે ગુપ્તસામ્રાજ્ય એ ભૂતકાલની વસ્તુ બની ગઈ હતી.
હ્યુએનસંગે એમનો ઉલ્લેખ કર્યો નથી, એટલે એના વખતમાં આ મંદિરો ન હતાં. નિષ્ણાતોના માનવા પ્રમાણે નવમી સદીના મધ્યભાગમાં આ મંદિરોમાંનાં કેટલાંક ‘લિંગરાજ’ વગેરે બંધાયલાં છે; તેનો બાંધનાર યયાતિ કેસરી નામે થઈ ગયો. બૌદ્ધ અસર ધીમે ધીમે અદૃશ્ય થતી હતી–અને હિંદુધર્મનું પુનરુત્થાન થતું હતું–તે સમયની આ કલા છે.
હિંદુસ્તાનમાં ધર્મ એ રાજકારણની સાથે જોડાયેલું એક અભેદ્ય તત્ત્વ રહ્યું છે. એટલે એના રાજપરિવર્તનની સાથે જ ધાર્મિક પુનરુદ્ધાર સંકલિત છે. ભુવનેશ્વરનાં ઘણાંખરાં મંદિરો અખંડિત અવસ્થામાં છે, એ એક આશ્ચર્યકારક ઘટના તરીકે ગણાવી શકાય. લિંગરાજ જેવું ભવ્ય મંદિર શી રીતે વિનાશમાંથી બચી ગયું હશે એ એક કોયડો છે. નવાં ધર્મમંદિરો ન બંધાય એ નિયમનું જ મુગલસમ્રાટ ઔરંગઝેબે, અક્ષરશઃ પાલન કરાવ્યું હોય–ને એ રીતે આ મંદિર હોવાથી રહી ગયું હોય. બાકી જદુનાથ સરકારના ઇતિહાસ પ્રમાણે ઓરિસ્સામાં નિમાયલા મીર-ઈ-અદલ અને કાઝી, જેમને હમેશના ચાર રૂપિયા મળતા, તેનું કામ ધાર્મિક ફરમાનોનું પાલન થાય છે કે નહિ એ જોવાનું પણ હતું.
ભુવનેશ્વરનું ‘લિંગરાજ’ મંદિર લગભગ ૧૨૭ ફૂટ ઊંચું છે. આ મંદિરને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય. વિમાન અને જગમોહન. એ ઉપરાંત બીજા બે ભાગ પણ હોય છે. નટમંદિર અને ભોગમંડપ. એટલે એક મંદિરના ચાર ભાગ પડે છે. ભોગમંડપ, નટમંદિર, જગમોહન, અને વિમાન. વિમાન-એ ભાગ છે કે જેમાં મુખ્ય દેવતાની પ્રતિષ્ઠા હોય છે. જગમોહન એ પ્રેક્ષકને ઊભા રહેવાનો—જેને આપણે પ્રેક્ષાગાર કહીએ–એવો ભાગ છે. એ ઉપરાંત ભોગમંડપ ને નટમંદિર તે ઉત્સવ માટે ને યાત્રીઓ માટે ઉપયોગમાં આવતા ભાગો છે.
પ્રજાના સમસ્ત જીવનને અને જીવનના દરેકે દરેક અંશને, ધર્મ પ્રતિ અભિમુખ રાખવાની સુરુચિમાંથી આ સૂચક નામો મળ્યાં લાગે છે. અને મદુરાનું મહાન મંદિર–જેમાં લોકો આરામ લે, ઉત્સવ કરે, નૃત્ય કરે, ને અનેક પ્રવૃત્તિઓ ચલાવે – એ જેમણે જોયું હશે, તેમને આ મંદિરોની પ્રજાજીવનનો ઉત્કર્ષ – અપકર્ષ સાધનારી શક્તિનો કાંઈક ખ્યાલ આવશે.
‘લિંગરાજ’ મંદિરના વિમાનની શિખર ઊંચાઈ ૧ર૭ ફૂટ લગભગ છે, જ્યારે જગમોહનની ૮૪ ફૂટ છે. આ મંદિરનું વર્ણન કરવું મુશ્કેલ છે. જેમ સત્ત્વશાળી માનવ પોતાની મહત્તા હરેક પ્રસંગે ને હરેક પરિસ્થિતિમાં બતાવે છે, તેમ આ મંદિરના તેમ જ પાસેના બીજા મંદિરોના કલાકારોએ–છતમાં, ખૂણામાં, સ્તમ્ભમાં, પાર્શ્વદેવતાની કોતરણીમાં, દ્વારપાળોની આકૃતિમાં, સઘળે–ઊંચા પ્રકારની રસિકતા અને એથી પણ ઊંચા પ્રકારનો ટાંકણા ઉપરનો સંયમ દર્શાવ્યો છે.
પાદથી માંડીને કળશદોરી સુધી–મંદિરનું રેખાદર્શન કરો તો એમાં ખૂણેખૂણો ને જગ્યાએ જગ્યા જાણે આભરણશૈલીથી [Decorative Art] ભરેલી ભરેલી લાગશે : અને છતાં એમાં ભરગચ્છી ભરેલા ભરતનું સૌન્દર્ય હશે અને ક્યાંય ભરચક્ક ભીડ નહિ લાગે. કલાકારોએ જેટલી વાસ્તવિકતાથી જીવનપ્રસંગોને ઉપાડ્યા છે, લગભગ તેટલી જ હિંદુ શિલ્પશાસ્ત્ર પ્રત્યેની વંશપરંપરાગત માનદૃષ્ટિથી, તેમને મૂક્યા છે. મગરને હેરાન કરતો વાંદરો ક્યાંંય મૂક્યો હશે : તો ક્યાંજ જાૂ શોધતાં વાંદરાં બેઠાં હશે. કોઈ જગ્યાએ એકાદ વાંદરાને, ઝાડ ઉપરની ડાળીએથી લટકીને પાણીમાં અટકચાળું કરી કરચલાના સપાટામાં આવેલો જોશો, તો ક્યાંક જુવાન અને જુવતીઓને પ્રેમચેષ્ટામાં તલ્લીન જોશો. પણ વિષય ગમે તે હોય, હિંદુ શૈલીનો આત્મા–આકાર અને રૂપ કરતાં અર્થને વધારે પ્રાધાન્ય આપવાનો–એની અવગણના થયેલી કોઈ જગ્યાએ દેખશો નહિ. વાંદરાને જોઈને તમને હસવું જ આવશે; ને જૂ ખોળતું વાંદરાનું બચ્ચું તમને ‘આહ!’ એમ બોલાવી જ દેશે. ગમે તે એક સ્તંભ લો. છેક નીચેથી માંડીને ટોચ સુધી–શિલ્પીએ એના દરેકે દરેક ભાગને વાચા આપી હશે. નીચે પૃથ્વીનાં દૃશ્યેા હશે : તો ઉપર ગાંધર્વો નૃત્ય કરતા હશે : ને છતમાં દેવોની સૃષ્ટિ મૂકી હશે. ઋષિ, મુનિ, સાધુ, રામાયણ, મહાભારત, પશુસૃષ્ટિ, માનવસૃષ્ટિ–શિલ્પકારને પ્રજાજીવનમાંથી જે જે વાત જડી તે સઘળી એણે આંહીં જડી લીધી છે.
અને કેટલીક જગ્યાએ, ખાસ કરીને, છતને ટેકાવનારી સ્તંભિકાઓ, સ્તંભમાં કોતરેલી નાગિનીઓ, પાર્શ્વદેવતાઓ, અને મંદિરના બહારના ભાગમાં છેક ત્રીજી કે ચોથી ભૂમિકાના ખૂણાઓ–ત્યાં જાણે કે શિલ્પીનો આત્મા ગગનાંગણમાં રમવા ચડતો હોય–તેમ એ કાવ્યસૃષ્ટિનો સર્જક બની જાય છે.
ત્યાં એ એવી એવી દર્પણકન્યાઓ મૂકે છે કે જે પોતાનો રૂપનો પાર પામવા યુગના યુગ થયાં પેલા સ્ફટિક નિર્મળ આરસામાં પોતાનું મોં જુએ છે; અને જાુએ છે કે જેમ જેમ વર્ષો જાય છે, તેમ તેમ એને વધારે ને વધારે મનોહર યૌવન આવતું જાય છે! એ વૃદ્ધ થતી નથી ને કોઈને વૃદ્ધ થવા દેતી નથી. શિલ્પી ક્યારેક આવી દર્પણકન્યાઓ દેખાડે છે, તો ક્યારેક જેના ત્રિભંગે વિશ્વને ડોલાવ્યાં છે એવી મનોહર નર્તિકાઓ મૂકે છે. એના ત્રિભંગમાંથી લાલિત્યનો પ્રવાહ જાણે વહી રહ્યો છે–પણ કોઈ દિવસ એ પ્રવાહ ઓછો થવાનો નથી કે ખંડિત થવાનો નથી. આ મંદિરોમાં ફરતાં એક જગ્યાએ તમને બે સુંદર આકૃતિઓ મળશે. એક જુવાન છે, બીજી જુવતી છે. જીવનસંગીતનો એક જ સૂર તેમને પાસે પાસે લાવી શક્યો છે–ને બન્ને સાથે ઊભાં છે. પણ એકબીજાના નિકટમાં છતાં, એકબીજાના સ્પર્શમાં નથી. કદાચ, એમ દર્શાવવા માટે, કે જીવનનું પ્રેમ-સંગીત સાંભળનારાં સાન્નિધ્ય અનુભવે છે હરક્ષણે; પણ એકબીજા તરફ ઢળતા છતાં, એક જ જીવન— બંસરીથી આકર્ષાયાં છતાં, એકબીજાની એટલી નિકટમાં આવી જતાં નથી કે જેથી, સંગીત અપૂર્ણ રહે, બંસરી બસૂરી બને, સ્વાનંદ ખંડિત થાય— ને શુદ્ધ પ્રેમોર્મિ ઉપર શરીરનો વિજય થાય. જાણે કે એ બન્ને પ્રેમની એવી અવસ્થામાં રહેવા માગે છે કે જેમાં બંધન કોઈ ને નહિ–ને સ્નેહનાં અતૂટ અંધન વિનાનાં બન્નેમાંથી એકે નહિ
જે મુખ્ય દેવતાનું મંદિર હોય છે, તે મંદિરના પ્રદક્ષિણા માર્ગમાં ઉત્તર, દક્ષિણ ને પશ્ચિમના ગેાખમાં પાર્શ્વદેવતાઓ તરીકે તે મુખ્ય દેવતાના નિકટવર્તીઓને મૂકવાની પ્રણાલિકા છે. લિંગરાજ મંદિરના ઉત્તર તરફના ગોખમાં એક અત્યંત સુંદર આરસની પાર્વતીની પ્રતિમા છે. સાધારણ રીતે હિંદુ શૈલીનો જેને પરિચય ન હોય કે એ શૈલીને જોેવાની દૃષ્ટિ વિકાસ ન પામી હોય, તો ઘણી પ્રતિમાઓ અર્થહીન લાગવાનો સંભવ છે. પણ જેને એ શૈલીનો પરિચય ન હેાય – એવા સામાન્યમાં સામાન્ય મનુષ્યને પણ આ પાર્વતીની પ્રતિમા* આકર્ષક લાગ્યા વિના નહિ રહે. દુનિયાની કેટલીક સુંદર આકૃતિઓ સાથે એને પણ મૂકી શકાય. લિંગરાજ મંદિરની એ પાર્વતીના જેવી જ બીજા એક મંદિર-રામેશ્વર મંદિરની–પાર્વતી ઉપરથી એ પાર્વતીનો કાંઈક ખ્યાલ આવશે. ચતુર્ભુજ પાર્વતીની લગભગ મનુષ્યાકૃતિ જેટલી ઊંચી આરસની એ પ્રતિમા જાણે કે, એક અપ્રગટ સ્મિત કરીને ઊભી રહી છે; અને એના આખા ઉઠાવમાં, નૃત્યની કોઈ ગતિને, શિલ્પીએ સ્થિર કરી દીધી હોય, એવી મનોરમ પ્રવાહિતા ભરી છે. તમને એમાં પથ્થરનું કે આરસનું જડત્વ ન લાગે; એટલું જ નહિ, પથ્થર ઘન છે એમ તમે માની ન શકો. મસ્તક ઉપર ઊડતી અપ્સરાઓ, સંગીતજ્ઞો, મૃદંગ બજવયાઓ, ડમરૂનાદ જગાડનારાઓ–સઘળી સંગીતસૃષ્ટિ–પાર્વતીના કેઈ નૃત્યની ગતિની સ્થિરતા જોઈ થંભી ગઈ છે–ને મૃદંગબજવૈયાનો હાથ પણ જાણે એ સૌન્દર્યદર્શને થંભી ગયો છે. એના હાથનાં આભૂષણો, પગનાં નુપૂર, કટિમેખલા, મૌક્તિક લટકતી સુંદર ઊરુદામ, સ્કંધ પરથી જાંઘ સુધી જાહ્નવીના વહેતા પ્રવાહ જેવી સ્કંધમાલા, કિરીટ, મુકુટ, કર્ણફૂલ–સઘળામાં શિલ્પીએ પોતાના નાજાુક ટાંકણા ઉપર એવો રસિક સંયમ દર્શાવ્યો છે કે કોઈ પણ યુગનો કારીગર એ જોઈને છક્ક થઈ જાય.[2]
કટિમેખલા ને ઊરુદામ–એ બે આભૂષણોમાં તો એણે છૂટે હાથે લંકાનાં મોતી પાથર્યાં છે. ને સેાનેરી રૂપેરી ઘંટડીઓ મૂકી છે. દરેક મોતીની ગણી શકાય, વીણી શકાય, એટલી મનોહર આકૃતિ છે. એ આભૂષણો કરવામાં એણે પોતાની આંગળીઓ અને ટાંકણાની વચ્ચે જે જીવન્ત સંયમસાધના બતાવી હશે એ કલ્પતાં એ અનામી શિલ્પીની શક્તિને મસ્તક નમી જાય છે. આજના કોઈ કારીગર આ કરી શકે કે નહીં એ શંકા છે – પણ જો કરી શકે તો આ પાર્વતીની પ્રતિમા કરતાં એને એક આખું વર્ષ વીતી જાય!
હિંદી શિલ્પનો આત્મા – ‘The urge of giving form to the unformed, as an expression of the quest of the formless’ નિરાકારની સાધના, આકાર દ્વારા કરવાની છે, એટલો જ આકારનો હેતુ છે –એ છે.
ઇજિપ્તના કલાવૈભવમાં એક પ્રકારની કાચનિર્મળ સ્વચ્છતા વસી રહી છે; ગ્રીસનો મુખ્ય સંદેશેા દોષરહિત સુંદર દેહનો છે; પણ હિંદની શિલ્પકલાનો મુખ્યધ્વનિ હમેશાં આધ્યાત્મિક રહ્યો છે.
પશ્ચિમી માનસને આકારરહિત ઘન પથ્થરમાંથી કાંઈક આકાર કરવા એ જ મુખ્ય ધ્યેય છે. એમાં પથ્થરને આકાર આપવાના છે. હિંદી શિલ્પીને મન પથ્થરમાં આકાર છે તે શેાધવાના છે. એટલે જેમ શોધકને વિરામ નહિ, તેમ આ શિલ્પીના ટાંકણાને આરામ નહિ. બીજા શબ્દોમાં કહીએ તો–કલા, જેમ સ્થળ અને સમયના ટૂંકા યોગ્ય વિભાગ પાડવામાં રહી છે, તેમ આ શિલ્પીએ પોતાના પથ્થર સાથે ઓછામાં ઓછું–અંતર રાખ્યું છે. જાણે કે શિલ્પીએ પથ્થરને ને ટાંકણાને જાુદાં પડવાં દીધાં નથી—એ પ્રવાહિત ગતિમાં કલા રહી છે. કાર્લાઈલના શબ્દોમાં કહીએ તો અત્યંત શ્રમ લેવામાં, અને તેથી શ્રમિત ન થવામાં, કલા રહી છે.
અને પાર્વતીના આ દેહમાં જે સૌન્દર્ય, નૃત્યની જે મોહક સ્થિર ગતિ, પરિમલ ફેલાવતું જે દિવ્ય સ્મિત છે, ઊર્ધ્વ પ્રદેશનો જે આનંદ, અને સંસ્મરણમાં રમ્યા કરે એવી જે મોહકતા ભરી છે, એ જોઈને શિલ્પીને શ્રમ પડ્યો હશે કે નહિ એ શંકા થાય; શ્રમ, થાક સૂચવેઃ થાક, ઉતાવળ સૂચવે ઉતાવળ, આભૂષણની અવ્યવસ્થા સૂચવે, કાં કાંઈક અસુંદર ગતિ સૂચવે–જેમાંનું કાંઈ આંહીં નથી એટલે શ્રમ છે : અને શ્રમ માટેનો નિરવધિ પ્રેમ છે.
પાર્વતીની આ પ્રતિમા ઘડેલી ન હોય, પણ નૃત્યની કોઈ સ્થિર થયેલી ગતિને શિલ્પીએ ઝડપી લીધી હોય તેવી છે. અને એમાં પણ જે રહસ્યપૂર્ણ મોહક સ્મિત છે–એમ તો નહિ હોય કે હિમાદ્રિનું સોને મઢ્યું પ્રભાતી શિખર જોઈ, શંકર ભગવાને અંગુલિનિર્દેશ કરી પાર્વતીને એ બતાવ્યું હોય અને એ જોઈ મોહક સ્મિત સાથે સહજ અંગભંગ કરી પાર્વતી, નૃત્યગતિથી ઊભાં થયાં હોય – અને શિલ્પીએ પોતાના સ્વપ્નની એ ગતિને શાશ્વત રૂપ આપી દીધું હોય! ભુવનેશ્વર મંદિરના પડછાયા ચાંદનીરાતે બિન્દુસરમાં [બિન્દુસાગર–અને બીજાં અનેક સરોવરો આંહીં છે; બિન્દુસાગરની લંબાઈ ૧૩૦૦ ફીટ ને પહોળાઈ ૭૦૦ ફીટ છે. આ ઉપરથી એ તળાવોની વિશાળતાનો ખ્યાલ આવશે] પડે છે, ત્યારે એ મનોહર દેખાવ પણ જોવા જેવો થાય છે.
ભુવનેશ્વરનું આ ગગનગામી લિંગરાજનું મદિર–અને બીજા અનેક નાજાુક સુંદર મંદિરો–એમની કલાપ્રતિમાઓ, એમની શિલ્પસુંદરીઓ, જ્યારે ચાંદની રાતે, બિંદુસરમાં નહાવા ઊતરે છે, ત્યારે લાગે છે કે ભારતવર્ષનો ભૂતકાળ, આ પડછાયા દ્વારા ઘેરી ગંભીર શેકવીણા વગાડે છે, અને જાણે કહે છે કે, અમને ફરી સરજો–અમને ફરી સરજોઃ તમે અમને સરજો અને અમે તમને સરજીશું.
નોંધ
- ↑ * આ રાજારાણીનું મંદિર કહેવાય છે તે ખરી રીતે કોઈ રાણીના નામ પરથી નથી, પણ પીળચટો કઠણ પથ્થર – જેને રાજરાણીયા કહેવાય છે. તે ઉપરથી આ નામ છે, એમ શ્રી. મનમેાહન ઘોષ ગાંગુલી ધારે છે.
- ↑ * એ પ્રતિમાનો શ્રી. રાવળે ‘સ્કેચ’ કર્યો છે. અને આભરણ ભરિત અંગ ઉપાંગો દોરતાં એમને ઘણો વખત ગયો–એટલી વિવિધ શૃંગારસામગ્રી એમાં છે.
[પગદંડી, ૧૯૫૬]