કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૬. ગ્રીષ્મમધ્યાહ્નમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૬. ગ્રીષ્મમધ્યાહ્નમાં| નિરંજન ભગત}} <poem> તપ્ત ધરણી હતી, ભાનુન...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 73: Line 73:
૧૯૪૭
૧૯૪૭
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૩૪-૩૬}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૩૪-૩૬)}}
 
 
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૫. આશ્લેષમાં|૫. આશ્લેષમાં]]
|next =[[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૭. મન|૭. મન]]
}}

Latest revision as of 10:39, 3 September 2021

૬. ગ્રીષ્મમધ્યાહ્નમાં

નિરંજન ભગત

તપ્ત ધરણી હતી,
ભાનુની દૃષ્ટિના ભર્ગથી ભાસ્વતી
સૃષ્ટિ સારીય તે ભસ્મવરણી હતી;
અગ્નિની આંખ અંગાર ઝરતી હતી
રુદ્ર અંબરતલે,
પંખીની પાંખ ઊડતાંય ડરતી હતી;
દૂર ને દૂર જૈ ઓટ સરતી હતી
શાંત સાગરજલે,
ફેણ ફુત્કારતી ક્યાંય ભરતી ન’તી,
દૂર કે પાસ રે ક્યાંય ના એક તરણી હતી,
તપ્ત, બસ તપ્ત ધરણી હતી.

શાંતિ? સર્વત્ર શું સ્તબ્ધ શાંતિ હતી?
સૃષ્ટિને અંગ પ્રત્યંગ ક્લાંતિ હતી?
વહ્નિની જ્વાળ શો શ્વાસ નિઃશ્વાસતી,
ઉગ્ર ઉરસ્પંદને ઉગ્ર ઉચ્છ્‌વાસતી;
મૂર્છનાગ્રસ્ત બસ તપ્ત ધરણી હતી;
ઝાંઝવાનીરની પ્યાસમાં બાવરી કોક હરણી હતી!
ક્યાંય શાંતિ ન’તી, ક્યાંય ક્લાંતિ ન’તી,
અહીં બધે શાંતિ ને ક્લાંતિની ફક્ત ભ્રાંતિ હતી!
ભૂખરી પૃથ્વી પે માહરો પંથ લંબાઈ સામે પડ્યો;
કાષ્ઠના ચક્ર પે રક્તરંગીન શું લોહટુકડો જડ્યો!
આજ વૈશાખના ધોમ બપ્પોરમાં,
આછી આછીય તે પવનની લ્હેર આ લૂ ઝર્યા પ્હોરમાં
માહરી સિક્ત પ્રસ્વેદતી કાય ના સ્હેજ લ્હોતી છતાં
શૂન્યમાં હુંય તે શૂન્ય થૈ પંથ કાપી રહ્યો,
ક્યાંય માથે ન’તો મેઘનો માંડવો, છાંય ન્હોતી છતાં
શૂન્યના નેત્રથી સ્થલ અને કાલના અંત માપી રહ્યો.

ત્યાં અચાનક કશી ભીંસતી ભીંત શી
અડગ ટટ્ટાર જે સૌ દિશાઓ ખડી,
છિદ્ર એમાં પડ્યું? જેથી કો ફૂંક શી, કો મૃદુ ગીત શી
પવનની લ્હેર કો પલકભર મંદ અતિમંદ આવી ચડી;
એક સેલારથી
નયનને દાખવી નાવ કો સઢફૂલી,
ઘડીક જે ક્ષિતિજ પર ગૈ ઝૂલી,
એક હેલારથી
દૂર જે ઓટમાં ઓસર્યા પાણીને
ઘડીક તો કાંઠડે લાવતી તાણીને;
ક્ષણિક મૃદુ સ્પર્શથી અંગને શું કશું કહી ગઈ?!
ક્યાંકથી આવીને ક્યાંક એ વહી ગઈ!
એ જ ક્ષણ તટઊગ્યા વૃક્ષની શાખથી
કે પછી ક્યાંકથી પંખી કો ધ્રૂજતી પાંખથી
સ્વપ્નમાં જેમ કો કલ્પના હોય ના બોલતી
એમ એ આભમાં આવી ઊડ્યું, અને ડોલતી
ડોકથી એક ટહુકો ભરી ગીતને વેરતું,
પાંખથી પિચ્છ એકાદને ખેરતું,
આવ્યું એવું જ તે ક્યાંય ચાલી ગયું;
આભ જેવું હતું તેવું ખાલી થયું!
પલકભર એય તે મુખર નિજ ગાનમાં
કંઈ કંઈ કહી ગયું માહરા કાનમાં!
એ જ ક્ષણ ક્યાંકથી રાગ મલ્હાર શી,
ગગનની ગહન કો ગેબના સાર શી,
રુદ્રને લોચને કો જટાજૂટથી વીખરી લટ સમી,
ભૂલભૂલે જ તે પથભૂલી વાદળી આભને પટ નમી;
કો વિષાદે ભર્યા હૃદયની ગાઢ છાયા સમી,
જીવને આમથી તેમ ઝુલાવતી કોઈ માયા સમી,
પલકભર મુજ ઉરે ગૈ ઢળી,
ને પછી દૂર જૈ દૂર ફેલાઈ ગૈ;
લાગ્યું કે ધરણીની મૂઢ મૂર્છા ટળી,
ગ્રીષ્મમધ્યાહ્નમાં શાંત શી સંધિકા રમ્ય રેલાઈ ગૈ!
શી અહો આ લીલા!
નીરની ધારથી શું તૂટી ર્‌હૈ શિલા?
આ બધું છળ અરે છાનુંછપનું હતું?
પલકભર શૂન્યનું ભ્રાંત સપનું હતું?
અધખૂલી નેણમાં સાંધ્યસૌંદર્ય રંગસરણી હતી?

જાગીને જોઉં તો એની એ તપ્ત હા, તપ્ત ધરણી હતી!

૧૯૪૭

(બૃહદ છંદોલય, પૃ. ૩૪-૩૬)