કુંવરબાઈનું મામેરું/કડવું ૧૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 88: Line 88:
ત્યારે વિસ્મે થયા સહુ નાગર રે, ભરી છાબ તે કરુણાસાગર રે;
ત્યારે વિસ્મે થયા સહુ નાગર રે, ભરી છાબ તે કરુણાસાગર રે;
મહેતાને  કહે  વનમાળી રે :    ‘કરો  પહેરામણી  સંભાળી રે.{{space}} ૨૭
મહેતાને  કહે  વનમાળી રે :    ‘કરો  પહેરામણી  સંભાળી રે.{{space}} ૨૭
  '''વલણ'''
:::   '''વલણ'''
સંભાળી કરો પહેરામણી,’  એમ  કહે  સુંદરશ્યામ રે :
સંભાળી કરો પહેરામણી,’  એમ  કહે  સુંદરશ્યામ રે :
‘વળી ઘટે તેવું સોંપજો, અમો વાણોતર સરખું કામ રે.’{{space}} ૨૮
‘વળી ઘટે તેવું સોંપજો, અમો વાણોતર સરખું કામ રે.’{{space}} ૨૮

Revision as of 08:08, 29 October 2021


કડવું ૧૩


[કથા-કુશળ કવિ પ્રેેમાનંદે કરેલું દૃશ્યપરિવર્તન જુઓ : વૈકુંઠનાથ હવે દામોદર શેઠ રૂપે – ‘કાને કુંડળ હીરે જડિયાં રે, નેત્ર પ્રલંબ, શ્રવણે અડિયાં રે;’ ત્યાં સુધી તો જાણે એ કૃષ્ણ જેવા લાગે છે પણ બીજી જ પંક્તિમાં ‘એક લેખણ કાને ખોસી રે, ધર્યું નામ દામોદર દોશી રે.’ એ રૂપપરિવર્તન કેવું આકર્ષક છે! અને લક્ષ્મીજી શેઠાણીરૂપે. જુઓ :‘માયા મહેતી રૂપે આવે રે...’
ચતુર નાગરાણી સંબંધ પૂછતાં જ છોભીલી પડી જાય છે – ‘...તમે નવ જાણિયાં રે, મહેતો બ્રાહ્મણ ને અમો વાણિયાં રે..’]


(રાગ મારુ)
ભક્ત નરસૈયાનું દુખ જાણી રે, ઊઠી ધાયા પુરુષ પુરાણી રે;
થયા શેઠ તે સારંગપાણિ રે, સાથે લક્ષ્મીજી શેઠાણી રે.          ૧

નંદ, સુનંદ, ગરુડ સાથે રે, વસ્રગાંઠડી તેહને માથે રે;
રથ ઉપર બેઠા શ્રી ગોપાળ રે, ધોરીને ઘમકે ઘૂઘરમાળ રે.           ૨

લોકે ઓળખ્યા નહિ જગદીશ રે, સાથે વાણોતર છે દસવીસ રે;
સર્વે જોઈ જોઈ વિસ્મે થાય રે, પ્રભુ આવ્યા મંડપ માંહ્ય રે.          ૩

છડીદારે વાટ મુકાવી રે, નાગરીનાત તે જોવાને આવી રે :
‘આ વહેવારિયો કોણ આવ્યો રે? સાથે ગાંઠડી શાની લાવ્યો રે?’          ૪

કો ન જાણે ત્રિભુવનભૂપ રે,વહાલે લીધું વણિકનું રૂપ રે;
રથ ઉપરથી ઊતરિયા રે, હરિ સભા માંહે સંચરિયા રે.          ૫

ખટ દર્શને ખોળ્યો ન લાધે રે, જેને ઉમિયાપતિ આરાધે રે;
ન જડે ધ્યાને, દાને બહુ યાગે રે, તે હરિ હીંડે અણવાણે પાગે રે.          ૬

જે ચૌદ લોકના મહારાજ રે, મહેતા માટે થયા બજાજ રે;
શોભે વાઘો કેસરી છાંટે રે, બાંધી પાઘડી અવળે આંટે રે.          ૭

કાને કુંડળ હીરે જડિયાં રે, નેત્ર પ્રલંબ, શ્રવણે અડિયાં રે;
એક લેખણ કાને ખોસી રે, ધર્યું નામ દામોદર દોશી રે.          ૮

ઝીણા જામા પટકા ભારે રે, હરિ હળવે હળવે પધારે રે;
ઝીણી પછેડી ઓઢી નાથે રે, બેઉ છેડા ઝાલ્યા છે હાથે રે.          ૯

વીંટી-વેલિયાં કર-આંગળિયે રે, સાદાં મોજાં પહેર્યાં શામળિયે રે;
ઘણા વાણોતર છે સાથે રે, કોણે ઝોળો ગ્રહ્યો છે હાથે રે.          ૧૦

ઘણા સેવક સેવામાં સજ રે, છે ઉદ્ધવના કરમાં ગજ રે;
પ્રભુ પૂંઠે કમળા રાણી રે, સભા મોહી જોઈ શેઠાણી રે.          ૧૧

ઊતર્યાં નાગરીઓનાં અભિમાન રે, જાણે ઊગ્યા શશિયર ભાણ રે;
ભલું ભાલ, ભ્રમર રૂડી રાજે રે, રત્નજડિત રાખડી છાજે રે.          ૧૨

વિશાળ લોચન, ચંચળ ચાલે રે, કે શું ખંજન પડિયાં ગાલે રે!
છે અધર બિંબ પરવાળી રે, ઉપર ઢળકે વેસરવાળી રે.          ૧૩

બાજુબંધ ગળુબંધ માળ રે, નવસર હાર ઝાકઝમાળ રે;
કટિ ઘમકે ક્ષુદ્રઘંટાલી રે, પહેરણ પચરંગી ફાલી રે.          ૧૪

ઝમકે ઝાંઝર ઉજ્જ્વળ પાગે રે, વીંછિયા-અણવટ છંદે વાગે રે;
પહેરી પચરંગી પટોળી રે, જુએ મર્મે નયણાં ઘોળી રે.          ૧૫

જડાવ ચૂડો કર ખળકાવે રે, માયા મહેતીરૂપે આવે રે;
મોહી સભા અંબાને નીરખી રે, દેવી દીસે વાણિયણ સરખી રે.          ૧૬

લલિતા વિશાખા બે ખવાસી રે, છે ભક્તિ મુક્તિ ચાર દાસી રે;
સંગે આવે દેવાધિદેવ રે, મહેતે ઓળખ્યા હરિ તતખેવ રે :          ૧૭

‘ભલે આવ્યા શેઠ શામળિયા રે,’ મહેતો માધવજી-શું મળિયા રે;
ભેટતાં બોલ્યા સુંદરશ્યામ રે : ‘મારું પ્રગટ ન લેશો નામ રે.          ૧૮

રખે વાત અમારી ચર્ચો રે, તમારે જે જોઈએ તે ખર્ચો રે;
કુંવરબાઈના પૂરો કોડ રે’, એમ કહી બેઠા રણછોડ રે.           ૧૯

પછે સભા સરવ સાંભળતાં રે, હરિ વચન બોલે છે વળતાં રેઃ
‘જાઓ, શેઠાણી! દુખ કાપો રે, કુંવરબાઈને હૃદિયાશું ચાંપો રે.’          ૨૦

એવું સાંભળી કમળા હીંડ્યાં રે, કુંવરબાઈને હૃદિયાશું ભીડ્યાં રેઃ
‘મારી મીઠી! ન ભરિયે આંસુ રે, તેડો ક્યાં છે તમારી સાસુ રે.’          ૨૧

મળી નાગરીઓ કરે વિચાર રે, જોઈ રૂપ મૂક્યો અહંકાર રે;
વેવાણ કમળાને એમ પૂછે રે : ‘મહેતા સાથે સગપણ શું છે રે?’          ૨૨

કોકિલા-સ્વર સુધારસ વાણી રે, તવ હસીને બોલ્યાં શેઠાણી રે :
વેવાણ! નથી તમો જાણિયાં રે? તમો બ્રાહ્મણ ને અમો વાણિયાં રે.          ૨૩

વેપાર દોશીનો, ઘેર કોઠી રે, અમને ઓથ નરસૈંયાની મોટી રે;
ધન મહેતાજીનું અમો લીજે રે, વેપાર કાપડનો કીજે રે.          ૨૪

અમો આવ્યાં મોસાળું કરવા રે, ઠાલી છાબ તે વસ્ત્રે ભરવા રે;
મહેતે જે જે વસ્ત્ર મંગાવ્યાં રે, અમો લખ્યા પ્રમાણે લાવ્યાં રે.’          ૨૫

એવું કહીને બેઠાં શેઠાણી રે, સરવ નાગરી સાંસે ભરાણી રે;
તેડ્યા શ્રીરંગ મહેતો વેવાઈ રે, ભાવે ભેટ્યા શ્રી જદુરાઈ રે.          ૨૬

ત્યારે વિસ્મે થયા સહુ નાગર રે, ભરી છાબ તે કરુણાસાગર રે;
મહેતાને કહે વનમાળી રે : ‘કરો પહેરામણી સંભાળી રે.          ૨૭
વલણ
સંભાળી કરો પહેરામણી,’ એમ કહે સુંદરશ્યામ રે :
‘વળી ઘટે તેવું સોંપજો, અમો વાણોતર સરખું કામ રે.’          ૨૮