ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી વિવેચનનું વિવેચન: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુજરાતી વિવેચનનું વિવેચન'''</span>: અર્વાચીન ગુજ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ગુજરાતી વિવેચન | |||
|next = ગુજરાતી વ્યાકરણ | |||
}} |
Latest revision as of 10:27, 25 November 2021
ગુજરાતી વિવેચનનું વિવેચન: અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભકાળમાં ગુજરાતીમાં વિવેચનનું વિવેચન કરવાની કોઈ વિશેષ વૃત્તિ જન્મી નહોતી. નવલરામે, પ્રસંગોપાત્ત, દલપતરામ અને નર્મદની ભિન્ન કાવ્યભાવનાઓનો ટૂંકો તુલનાત્મક પરિચય આપ્યો એ પ્રસંગમાં કે ગોવર્ધનરામે નવલરામના જીવનચરિત્રમાં ગ્રન્થસમીક્ષક તરીકે તેમની પ્રવૃત્તિનું પરીક્ષણ કર્યું એ પ્રસંગમાં કંઈક સહજ જ પુનર્વિવેચનની દિશામાં પહેલી પ્રવૃત્તિ જોઈ શકાય. સાક્ષરયુગમાં ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા, આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર, ખબરદાર, ન્હાનાલાલ આદિ અગ્રણી સાહિત્યકારોએ આગવી દૃષ્ટિએ આપણા વિવેચનમાં સંગીન અર્પણ કર્યું. પણ પોતાના સમય સુધીના અર્વાચીન વિવેચનની વ્યવસ્થિત અને વિસ્તૃત પુનર્સમીક્ષા અર્થે હજીય વાતાવરણ તૈયાર થયું નથી. એટલું જ કે વ્યક્તિગત રીતે કોઈ સાહિત્યકારની લેખનપ્રવૃત્તિના ભાગ રૂપે કે અર્વાચીન સાહિત્યના પ્રવાહોની સાથોસાથ નવાં વિવેચનવલણોની ચર્ચામાં કાવ્યસિદ્ધાંતની ભૂમિકા સ્પર્શાતી રહી છે. આનંદશંકર, બળવંતરાય આદિ વિદ્વાનોએ જાહેર વ્યાખ્યાનો રૂપે, પ્રસંગસમીક્ષાઓ રૂપે કે પ્રવાહદર્શનો રૂપે પ્રતિષ્ઠિત વિવેચકો વિશે સમીક્ષાત્મક અવલોકનો રજૂ કર્યાં છે. પણ તેમનાં મૂળ ગૃહીતોની કઠોર ફેરતપાસ કરવાનું કોઈ બળવાન વલણ સાક્ષરપેઢીમાં જોવા મળતું નથી. ગાંધીયુગમાં નવી રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક વિચારધારાઓ અને નવા સર્જનાત્મક સાહિત્યના પ્રવાહો વચ્ચે સાહિત્યવિવેચનની ગતિવિધિઓ બદલાય છે. રામનારાયણ પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિજયરાય વૈદ્ય, વિશ્વનાથ ભટ્ટ, ડોલરાય માંકડ, રામપ્રસાદ બક્ષી, ઉમાશંકર, ‘સુન્દરમ્’ આદિ આપણા અગ્રણી વિદ્વાનો વિવેચનપ્રવૃત્તિની પ્રતિષ્ઠા કરે છે. વિવેચનનાં સ્વરૂપ અને પ્રયોજન પરત્વે તેમ વિવેચકની ભૂમિકા અંગે વિસ્તૃત વિચારણા અને સમીક્ષા આ સાથે હાથ ધરાય છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ‘અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય’માં તેમજ ‘અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુકરાગ’ લેખમાં ગુજરાતીની પુરોગામી વિવેચનવિચારણાની અભ્યાસપૂર્ણ અને મર્મગ્રાહી તપાસ કરી છે. હીરાબહેન પાઠકે પોતાના શોધનિબંધ રૂપે ‘આપણું વિવેચનસાહિત્ય’માં ગાંધીયુગ પૂર્વેના વિવેચકોની સિદ્ધાન્તચર્ચાની વ્યવસ્થિત સમીક્ષા હાથ ધરી છે. દરેક વિવેચકનાં મુખ્યગૌણ ત્રૂટકત્રૂટક સર્વ વિવેચનાત્મક લખાણોને લક્ષમાં લઈ તેમણે એ દરેકની શક્ય તેટલી સર્વગ્રાહી ભૂમિકા રચી આપવાનો નોંધપાત્ર પ્રયત્ન કર્યો છે. સ્વાતંત્ર્યોત્તર સમયમાં સુરેશ જોષીએ આધુનિકતાવાદનો પુરસ્કાર કર્યો અને પોતાના કળાસિદ્ધાન્તની સ્થાપના કરતાં આપણા પરંપરાગત સાહિત્યવિવેચન સામે મૂળભૂત વાંધાઓ રજૂ કર્યા. ‘આપણું કાવ્યવિવેચન (૧૯૪૫-૬૫)’ શીર્ષકના લેખમાં આપણી પરંપરાગત કાવ્યચર્ચાનાં પાયાનાં ગૃહીતોની કડક ફેરતપાસ કરી. ઉપરાંત બળવંતરાય, આનંદશંકર, વિષ્ણુપ્રસાદ, ઉમાશંકરની કાવ્યચર્ચાની સમીક્ષાના લેખોમાં એ રીતની વિસ્તૃત ફેરતપાસ કરી છે. પરંપરાગત વિવેચનમાં એક બાજુ લોકોત્તર કવિપ્રતિભાનું તો, બીજી બાજુ ભાવકની રસાનુભૂતિની ક્ષણની આનંદસમાધિનું અતિ ગૌરવ થતું રહ્યું, પણ કવિ અને ભાવકને જોડી આપતી કૃતિ અને તેનું વિશિષ્ટ રૂપ અવગણાતું રહ્યું, એમ દર્શાવી સુરેશ જોષીએ કવિતાના પ્રાણતત્ત્વ સમી રૂપરચના, કવિકર્મ, ભાષાની સર્જનાત્મકતા, પ્રતીક આદિ બાબતોનું મહત્ત્વ દર્શાવ્યું. શિરીષ પંચાલે ‘કાવ્યવિવેચનની સમસ્યાઓ’ શીર્ષક ધરાવતા પોતાના શોધનિબંધમાં ગુજરાતી કાવ્યવિવેચનના આધારરૂપ ચાર પાયાના સંપ્રત્યયો, રૂપરચના, ભાષા, અલંકાર/ પ્રતીક, અને દર્શનને લક્ષમાં રાખી તેની પુનર્તપાસ કરી છે. ભારતીબહેન દલાલે એ જ રીતે ‘કથા સાહિત્યનું વિવેચન’ શીર્ષક ધરાવતા શોધનિબંધમાં આપણા નવલકથાવિવેચનનાં મૂળ ગૃહીતોની સમીક્ષા કરી છે. ચન્દ્રકાંત ટોપીવાળાએ ‘અપરિચિત अ અપરિચિત ब’માં આધુનિક ભાષાશાસ્ત્રીય અભિગમથી કવિતાની જે ચર્ચાવિચારણા કરી તેમાં પરંપરાગત કાવ્યવિચારની પ્રત્યક્ષ કે પરોક્ષ ફેરતપાસ છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો અભ્યાસલેખ ‘૧૯૪૫ પહેલાંના ગુજરાતી સાહિત્યવિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયો’ જયંત કોઠારીનો ગ્રન્થ ‘વિવેચનનું વિવેચન’, રમણ સોનીનો ગ્રન્થ ‘વિવેચનસંદર્ભ’, પ્રમોદકુમાર પટેલના ગ્રન્થો ‘ગુજરાતીમાં વિવેચનત્તત્ત્વવિચાર’ અને ‘ગુજરાતીમાં કાવ્યત્ત્વવિચારણા-૧’, સુમન શાહના મહાનિબંધ ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’માં સુરેશ જોષીના વિવેચનવિચારનું પ્રકરણ ‘વિવેચન: રૂપનિર્મિતિની પરિશોધ’ આદિ લખાણો આ વિશેની ઉલ્લેખનીય પ્રાપ્તિઓ છે. પ્ર.પ.