અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/અંજામ છે: Difference between revisions
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|ગળતું જામ છે| મરીઝ}} | {{Heading|ગળતું જામ છે| મરીઝ}} | ||
<poem> | <poem> | ||
મેં તજી તારી | મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, | ||
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. | કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. | ||
Latest revision as of 08:10, 15 August 2024
મરીઝ
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
છે સ્ખલન બેત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે?
એક વીતેલો પ્રસંગ પાછો ઊજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.
મારી આ મજબૂર મસ્તીનો નશો ઊતરી ગયો,
આપ પણ એવું કહો છો કે મને આરામ છે!
કોણ જાણે કેમ સાંભળતાં જ દિલ દુઃખતું હશે!
આમ હું માનું છું તારું નામ પ્યારું નામ છે.
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોંઘાં અમારાં દામ છે.
જિંદગીના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
(આગમન, પૃ. ૧૩૦)
`મરીઝ' • મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે • સ્વરનિયોજન: પુરુષોત્તમ ઉપાધ્યાય • સ્વર: બેગમ અખ્તર
આપણે રિસાયાં, લડ્યાંઝઘડ્યાં, છૂટાં પડ્યાં. તને જો મારી ન પડી હોય તો મને પણ શી પડી હોય તારી? તને જો મારી તમન્ના ન હોય, તું જો મારે માટે તલસાટ ન અનુભવતી હો, તો મારે શા માટે આતુરતા સેવવી જોઈએ તારે માટે?—એ વિચારથી મેં તારે માટેની તમન્ના—આતુરતા—છોડી દીધી.
ને એનાં આ બધાં પરિણામ–જીવનની શુષ્કતા, નીરસતા, અસહ્ય એકલતા ને અસહાયતા, આ રદ્દને આ વેદના–હું ભોગવી રહ્યો છું આજે. મને એમ લાગતું હતું કે તારા વિના મારું નભી જશે, આનંદથી ને આરામથી, પણ હવે લાગે છે કે નહિ નભે. તું એક જ છો મારો ઈલાજ. તો તું આવ. તારું કામ પડ્યું છે.
સાચી વાત છે. હું પણ કબૂલ કરું છું કે બેત્રણ વાર મારી ભૂલ થઈ છે. પણ કોણ જાણે કેમ, આ બેત્રણ ભૂલને લીધે આખી જિન્દગી મારી થઈ ગઈ છે બદનામ! આખી જિન્દગી ગાળી હોય સાચા સ્નેહપૂર્વક ને સાવધાનીથી, એ બધું વેડફાઈ જાય માત્ર બે કે ત્રણ ભૂલોથી ને ચોંટે કાયમની બદનામી!
મારી એક જ ઇચ્છા છે, મારા પરવરદિગાર? મારી વીતી ગયેલી જિન્દગી મને એક પળ માટે, માત્ર એક જ પળ માટે, તું પાછી આપ. એ પળમાં ફરીથી ઊજવવો છે એક વીતેલો પ્રસંગ, જે સમયે મેં માણ્યું હતું મારી માશૂકનું સાન્નિધ્ય અને અનુભવી હતી ખુમારી શાહોના શાહની! જીવનની એ પળ જો એક વાર પાછી મળે!
એ સમય વીતી ગયો. મારી એ ખુમારીનો–મસ્તીનો–નશોયે ગયો. ને હવે તો એ મસ્તીયે બની ગઈ છે મજબૂર. મારી એ મજબૂરીને લીધે હું બની ગયો છું ઠાવકો ને ડાહ્યોડમરો. મસ્તીનો નશો ચડ્યો હતો ત્યારે હું બની ગયો હતો બેફામ. નિરંકુશ ને ઉન્મત્ત. લોકોને ત્યારે એમ લાગતું હતું કે મને ઠીક નથી, હું માંદો છું. અને હવે જ્યારે નશો ઊતરી જતાં હું ઢીલો ને સુરત થઈને પડ્યો છું ત્યારે લોકોને લાગે છે કે મને આરામ થઈ ગયો! લોકોનું તો ઠીક. એમને ક્યારે સમજાયો છે ભેદ જીવન અને મૃત્યુ. હોશ અને બેહોશી, આરામ અને માંદગી વચ્ચેનો? એટલે હું જ્યારે પૂરેપૂરા આરામમાં હતો તે સમયને તેઓ મારી માંદગીનો અને માંદગીના સમયને આરામનો ગણે તેમાં નવાઈ નથી. પણ તમે પણ એમ માનો છો? મારી આ નિશ્ચેષ્ટતા અને રસશૂન્યતાને તમે પણ માનો છો તબિયત સારી થઈ ગયાની નિશાની, મારાં માશૂક?
મને તો એમ હતું કે દુનિયામાં મને પ્યારામાં પ્યારું ને જે સાંભળતાં ધરાઈએ નહિ તેવું કોઈ નામ હોય તો તે તમારું નામ છે, પ્રિયતમે? પણ એ નામ શા માટે થઈ પડતું હશે ઊંડા દર્દનું કારણ? કોઈ તમારું નામ લે છે ને હૃદય શા માટે અનુભવતું હશે કરોડ કરોડ કંટકોની વેદના? તમારું નામ સાંભળતાં વેંત મિલન મસ્તીની ને અધૂરાં અરમાનોની સ્મૃતિઓ જાગ્રત થઈને આ વિરહને શા માટે અસહ્ય બનાવી દેતી હશે?
અમે તો તમને વેચાઈ ગયાં, સાવ મફતના ભાવમાં, બદલામાં કશું પણ વિશેષ પામ્યા વિના. બાકી અમારી પ્રીતિ અને ભક્તિ કંઈ રસ્તામાં નથી પડ્યાં! કેટલાં એને ઝંખે છે? ને ટળવળે છે તેના વિના? અને છતાં એ મળતાં નથી કોઈને!
જિંદગીનો રસ પી લો ઝટ, પિવાય તેટલો. મનુષ્યના ભાગ્યમાં એક તો, જીવનને મસ્ત બનાવી દે તેવા આનન્દો જ છે જૂજ, ને તેમાં વળી આયુષ્ય ખૂટતું જાય છે અવિરત અને એકધારી ગતિથી. મનુષ્યનું સ્વલ્પાવધિ જીવનઃ તે પણ આદિથી અંત લગી દુઃખ, શોક, નિરાશાથી ભરેલું. તેમાં સાચા રસાનન્દની પળો હોય છે કેટલી વિરલ, કેટલી અપવાદરૂપ? એ મળે ત્યારે એને માળી જ લેવી જોઈએ, મુહૂર્ત જોવા બેઠા વિના.
કાવ્યની ઘણી પંક્તિઓ, ખાસ કરીને છેલ્લી બે, સુંદર છે. પણ કેટલાક શબ્દો અન્વર્થ નથી લાગતા.
(‘આપણો કવિતા-વૈભવ’)