ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/કૅપ ઑફ ગુડ હોપ: Difference between revisions
(+created chapter) |
No edit summary |

Line 1: | Line 1: | ||
{{border|2=600px|padding=10px|style={{border-radius|0px}};padding-left: 1.0em;padding-right: 1.0em;|{{center|'''૫૧'''
| {{border|2=600px|padding=10px|style={{border-radius|0px}};padding-left: 1.0em;padding-right: 1.0em;|{{center|'''૫૧'''

'''રાજીવ રાણે '''

{{color|DeepSkyBlue|'''કેપ ઑફ ગુડ હોપ'''}}}}}} | '''રાજીવ રાણે '''

{{color|DeepSkyBlue|'''કેપ ઑફ ગુડ હોપ'''}}}}}} | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/9/9c/MANALI_CAPE_OF_GOOD_HOPE.mp3 | |||

ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • કેપ ઑફ ગુડ હોપ - રાજીવ રાણે • ઑડિયો પઠન: મનાલી જોશી | |||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Latest revision as of 00:41, 1 June 2024
૫૧
રાજીવ રાણે

કેપ ઑફ ગુડ હોપ

ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • કેપ ઑફ ગુડ હોપ - રાજીવ રાણે • ઑડિયો પઠન: મનાલી જોશી

આજે કેપટાઉનની મશહૂર ‘પેનિનસ્યુલા ડ્રાઇવ’ની સેર કરવાનો કાર્યક્રમ હતો. કેપટાઉનનો દક્ષિણ વિસ્તાર તે આફ્રિકા ખંડનો શંકુ આકારનો છેડો અને વિશાળ દ્વીપકલ્પ (Peninsula) છે. આ દ્વીપકલ્પના ત્રણ બાજુના દરિયાકિનારે સુંદર રસ્તા બનાવ્યા છે અને સૌ રસ્તા કેપ ઑફ ગુડ હોપ સુધી જાય છે. ‘પેનિનસ્યુલ ડ્રાઇવ’ એ ત્યાંના પર્યટન વિભાગે બનાવેલી આશરે ૫૭ કિ.મીની દર્શનીય ડ્રાઇવ છે, જેમાં સુંદર અખાતો, માછીમારોનાં ગામડાં, નેશનલ રિઝર્વ પાર્ક એ પ્રમુખ આકર્ષણો છે. સામાન્ય સંજોગોમાં સવારથી સાંજ સુધી આઠેક કલાકમાં આ દર્શનીય રસ્તો નિરાંતે માણી શકાય છે. અમે સવારે આઠ વાગ્યે હોટેલથી નીકળ્યા. અમારી ગાઇડ સુઝને કહ્યું કે આપણે એક અન્ય દંપતીને પણ નજીકની હોટેલ પરથી સાથે લેવાનું છે. અમે મનોર હોટેલ તરફ ગયા. એક જૂના રજવાડી બંગલા જેવી દેખાતી હોટેલના દ્વાર પર અમારી ટેક્સી ઊભી રહી. હોટેલની પરસાળમાંથી પિયરસન દંપતી સ્ફૂર્તિથી અમારી તરફ આવતું દેખાયુ. પટ્ટાવાળું ટી શર્ટ અને લાઈટ ગ્રે હાફ પેન્ટમાં સજ્જ મિસ્ટર પિયરસનને ડાબા હાથે લકવાની અસર સ્પષ્ટ દેખાતી હતી. ચાલવામાં જરાક લચક પણ હતી, જે ધ્યાનથી જોઈએ તો જ ખબર પડે. બાળક જેવો ભોળો ચહેરો ને પ્રસન્ન હાવભાવ, ઉંમર આશરે સિત્તેર વર્ષ! મિસિસ પિયરસન એમનાથી દસેક વર્ષ નાનાં હશે. સૂકી ચામડી અને આંખ ફરતે જરા કરચલીઓ ને ચહેરા પર મેક-અપની ચળકતી ગુલાબી, ચપળ યુવતી જેવી અદા, સુઘડ વસ્ત્રપરિધાન ને એમાં રહેલી વ્યક્તિત્વની છટાની આરપાર જોઈએ, ત્યારે ધ્યાન જાય કે અરે, આમને તો એક હાથ જ નથી! પણ ઊઠવાબેસવાની રીત, હલન-ચલન એવું આત્મવિશ્વાસભર્યું કે સાથે ફરનારને આ ઊણપનો લેશમાત્ર ખ્યાલ પણ ન આવે. જીવનની ક્ષણેક્ષણને માણવાનો શોખ એવો કે બંને પોતપોતાના અલગ અલગ કૅમેરા અને બાઇનોક્યુલર ગળે ભેરવી નીકળી પડ્યાં હતાં. સુઝને અમારી ઓળખાણ કરાવી. ટૅક્સી પેનિનસ્યુલા ડ્રાઈવના વળાંકો પર દોડવા લાગી અને અમારી ઔપચારિક વાર્તા શરૂ થઈ : મિસ્ટર પિયરસન કહે, “મારાં પત્નીને તમારો દેશ જોવાની ખૂબ ઇચ્છા છે. મને પણ એક વાર મોકો મળ્યો હતો. જોકે એને જોયું તો ન કહી શકાય, પણ ઑસ્ટ્રેલિયા જતાં અમારું પ્લેન મુંબઈ ઍરપૉર્ટ પર થોડી વાર રોકાયેલું. આહાહા, શું ઝળહળાટ હતો રાત્રે મુંબઈ નગરીનો!’ અમને મનમાં થયું, સારું છે, આપે રાતનો ઝળહળાટ જ જોયો છે, દિવસે શહેરના ઉકરડા જોયા હોત તો? પેનિનસ્યુલા ડ્રાઇવ ખૂબસૂરત હતી. વળાંકો લેતી ટૅક્સી દરિયાને અડીને દોડ્યા કરતી હતી. ક્યાંક ઊંચાણ પરથી દરિયાનાં દર્શન થાય, તો ક્યારેક સાવ પાણીની નજીકથી પસાર થવાનું થાય. આજે ઍટલાન્ટિક મહાસાગર શાંત અને સૌમ્ય સ્વરૂપે હતો. ઊગતા સૂરજનાં કિરણો મોજાંને ધીમે ધીમે પંપાળી જગાડી રહ્યાં હતાં. સીગલ પક્ષીનાં ટોળેટોળાં મોજાં સાથે ગેલ કરી રહ્યાં હતાં! પ્રથમ રોકાણ ‘હાઉટ બે’ (Hout Bay) પર હતું. કેપટાઉન આસપાસના આવા ઘણા નાના-મોટા અખાતો (Bay)માંનો આ એક સુંદર અખાત છે. અખાતવિસ્તારની ખાસિયત એ હોય છે કે અહીં દરિયાનાં પાણી ઘણાં શાંત હોય છે; જેથી અહીં વહાણવટું કે મત્સ્યોદ્યોગ વિકસી શકે છે. હાઉટ બેમાં પણ એક જંગી મત્સ્યોદ્યોગનું કારખાનું હતું, જેનું નામ મેરીનર્સ વૉર્ફ (Mariners Wharf) હતું. દૂરથી જ આવતી અસહ્ય ગંધને કારણે અમને કારખાનામાં જોવા જવાની હિંમત ચાલી નહીં! સુઝન કેપટાઉનની જ વતની હતી. તેણે અમને સમજ આપી કે દરિયામાંથી ટ્રોલર બોટ (Trawler) વડે માછલાં પકડી ફૅક્ટરી પર લાવી, તેની જાતિ અને કદ પ્રમાણે વર્ગીકરણ થાય છે. તેને પછી લાકડાંના ખોખાંમાં બરફ વચ્ચે મૂકી દેશ-પરદેશ મોકલાય છે. કેટલીક માછલીઓને નજીકની કોઈ કેનિંગ ફૅક્ટરીમાં પણ લઈ જવાય છે. જ્યાં ખાસ યંત્રો વડે ટુકડા કરી, સાફ કરી, ટિનમાં પેક કરાય છે. પણ હાઉટ બે પરનું મુખ્ય આકર્ષણ તો સીલ આઇલેન્ડ (Seal Island) છે. અહીંથી થોડાક કિ.મી. પર દરિયામાં એક ડ્યુકર આઇલૅન્ડ નામક ખડકાળ ટાપુ છે, જ્યાં દક્ષિણ ધ્રુવપ્રદેશમાંથી અસંખ્ય સીલ માછલી આવી પડાવ નાંખે છે, એટલે તેનું બીજું નામ સીલ આઇલૅન્ડ પડ્યું છે. આ દુર્લભ પ્રાણીઓને જોવા નાની સ્ટીમરોમાં જવાનું હોય છે. સ્ટીમરોની રચના એવી કે વચ્ચે અંદરની બાજુ પર સુરક્ષિત બેઠકો અને બહારની બાજુ ડેક પર થોડી બેઠકો. તદુપરાંત બંને બાજુ પરની નાનકડી ગેલેરી, જેમાં કઠેડા પકડીને ઊભા રહી, અથડાતાં, ઊડતાં, મોજાંની શીકરોથી ભીંજાવાની મજા લઈ શકાય. અમે બહારની ગૅલેરી તરફ વળ્યાં અને મોજાંનો સ્પર્શ લેવા ગોઠવાયાં, પણ શું જોયું? મિસિસ પિયરસન પણ ગાવી અમારી વચ્ચે ઊભાં! હાલકડોલક સ્ટીમરમાં, પલકભરમાં કૅમેરા લઈ ‘ક્લિક’ કરી એક હાથે ફોટો પાડી લે. મનોમન તેમના આત્મવિશ્વાસને બિરદાવતાં વિચાર આવ્યો કે કમનસીબે ક્ષતિગ્રસ્ત શરીર ધરાવનાર વ્યક્તિને કદાચ દવાની જરૂર ઓછી હોય છે ને પ્રોત્સાહનની જરૂર વધુ. ક્યારેક એવું બનતું હોય છે કે વારંવાર ક્ષતિની યાદ દેવડાવીને તે વ્યક્તિમાં લધુતાગ્રંથિ ઊભી કરી તેનું મનોબળ આપણે જ ભાંગી નાખીએ છીએ. બાકી તો તે શું નથી કરી શકતી, તેના કરતાં વધુ અગત્યનું એ હોય છે કે તે શું કરી શકે છે! આજે પણ કોઈ મુગ્ધબાલિકાની જેમ દરિયાનાં મોજાંને માણતાં મિસિસ પિયરસનનો પ્રેરણાદાયક, પ્રસન્ન ચહેરો સ્મૃતિમાં કૅમેરાના ફ્લૅશની જેમ ચમકી ઊઠે છે. ટાપુ પાસે પહોંચ્યાં. સ્ટીમરનું એન્જિન બંધ થયું. અને નજર સમક્ષ સેંકડો સીલ માછલી ઊભરાવા લાગી. ટાપુ તો દેખાય જ નહીં... નાની સીલ, મોટી સીલ, અતિ મોટી સીલ, સૌ મધપૂડાની મધમાખીની જેમ ગણગણ કરતી હતી. કેટલીક મોટી સ્થૂળ સીલ સ્થિર નજરે બોટ તરફ જોયા કરતી હતી. યાત્રીઓની ચિચિયારી કે તેમના પ્રત્યે ફેંકાતા ખાદ્યપદાર્થોની... એ ગંભીર પ્રાણીઓને કંઈ જ પડી ન હતી. ત્યાં જ વળી અચાનક બે જુવાન સીલ બાખડી પડે અને આસપાસનાં સૌને પરેશાન કરે! હજારોની સંખ્યામાં કેપ ફેર સીલ માછલી અહીં આ એક જ ટાપુ પર જોવા મળે છે. અહીં આસપાસ આવા ખડકાળ બીજા અનેક ટાપુ છે, પણ કોણ જાણે કેમ આ જ ટાપુ એ એમનું એકમાત્ર પ્રિય સ્થળ! બીજે ક્યાંય નહીં અને માત્ર અહીં જ કેમ આવતી હશે? કોને ખબર? કેમ ક્યાંની માયા લાગી જાય! કેમ કોઈક સ્થળે વારંવાર જવાનું મન થયા કરે! કોઈ વ્યક્તિને મળવાની કેમ વારંવાર ઇચ્છા થાય? આપણી પાસે પણ ક્યાં છે આ પ્રશ્નોના જવાબ? હાઉટ બે પરના દોઢેક કલાકના રોકાણ પછી અમે આગળ વધ્યાં. થોડે દૂર સુઝને ચેપમેન પોઇન્ટ પર ગાડી પાર્ક કરી. માથા પર ઝળુંબતી ચેપમેન ટેકરીની ટોચ અને છેક નીચે ખડકાળ કિનારા પર પછડાઈને સફેદ ફીણ ઉછાળતો તોફાની દરિયો. છસો મીટર ઊંચો આ રસ્તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇટાલિયન યુદ્ધબંદીઓએ બનાવ્યો છે એમ સુઝને કહ્યું. એ સાંભળી દરિયા પરથી ઊઠતી મુક્ત હવામાં અમે કાળકોટડીની ગૂંગળામણ અનુભવી. ધીમે ધીમે ‘કેપ ઑફ ગુડ હોપ’ નજીક આવી રહ્યું હોય તેના અણસાર વર્તાવા લાગ્યા. અમારી ઉત્સુકતા અને ઉત્કંઠાનો અંત નજીક આવી રહ્યો હતો. આ આખો વિસ્તાર કેપ ઑફ ગુડ હોપ નેચરલ રિઝર્વ તરીકે ઓળખાય છે અને સરકારે અહીં એક અભયારણ્ય ઘોષિત કર્યું છે. અહીં પર્યાવરણની જાળવણી નમૂનેદાર રીતે કરવામાં આવી છે. સરકારે અહીં થોડાં ઝિબ્રા અને હરણાં પ્રાયોગિક ઉછેર માટે મૂકેલાં છે. અગિયાર વાગ્યે અમે કેપ પોઇન્ટ પહોંચ્યાં. ઘણી બસો ઊભી હતી, ઘણી ભીડ હતી. ખાસ ઊંચાઈ ન ધરાવતી ટેકરી પર સ્થિત કેપ પોઇન્ટ પર એક ઐતિહાસિક સ્મારક છે. ખાનગી વાહનોને કેપ પોઇન્ટના સ્મારક સુધી પ્રવેશ ન હોવાથી સરકારી બસો મુસાફરોને કેપ પોઇન્ટ વિનામૂલ્યે લઈ જાય છે. આગળ એક ઢોળાવવાળી કેડી અને પગથિયાં ચડી કેપ ઑફ ગુડ હોપ પહોંચાય છે. કેપ પોઇન્ટ લઈ જતી નાની બસોની લાઇનમાં પૂર્વ એશિયાઈ મુસાફરોનું એક જૂથ હતું, જેમને ધક્કામુક્કી કરતાં અને ઊંચે સાદે બોલતાં જોઈ અન્ય ગોરા પ્રવાસીએ તિરસ્કારપૂર્વક મોટું બગાડ્યું. ગોરા લોકોને અન્ય લોકો પ્રત્યે જે નફરત રહે છે તે માત્ર ચામડીના રંગ કે જાતિના કારણે જ નથી, પરંતુ ગંદી આદતો અને અસભ્ય વર્તન પ્રત્યેનો સ્પષ્ટ અણગમો તેમની ભેદભાવભરી નીતિનું મૂળ હોઈ શકે એવું પ્રવાસમાં અમે ઘણી જગ્યાએ અનુભવ્યું. કેપ ઑફ ગુડ હોપ એટલે આફ્રિકાખંડનો દક્ષિણતમ છેડો. ખરેખર તો સૌથી દક્ષિણમાં કેપ અગલહાસ (Cape Agulhas) છે, પણ ઐતિહાસિક મહત્ત્વ તો કેપ ઑફ ગુડ હોપનું જ! અજ્ઞાત ભૂમિની શોધમાં મહિનાઓ સુધી દિરયો ખેડતા ખલાસીઓને જ્યારે આ કેપ ઑફ ગુડ હોપની ભૂમિરેખા દેખાતી હશે, ત્યારે થાકીને ડૂબતો જતો એમનો ઉત્સાહ ફરી એક વખત આશાના તણખલે સપાટી પર તરવરાટ કરવા લાગતો હશે.. વર્ષો પહેલાં કરેલી કન્યાકુમારીની સફર યાદ આવી; પણ અફસોસ કે કન્યાકુમારીની જેમ અહીં સમુદ્રને સ્પર્શી શકાતું નથી. અહીં અડધી કલાક બેઠાં....બારથેલોમ્યુ ડાયસ, ક્રિસ્ટોફર કોલંબસ, વાસ્કો-ડિ-ગામા.. સદીઓ પહેલાં અજાણી ભૂમિની શોધમાં દરિયો ખેડવા નીકળી પડેલા. આ ખલાસીઓની સફર જાણે ગઈ કાલની વાત હોય તેમ કેપ ઑફ ગુડ હોપને વીંટળાઈ વળી. તેમના સ્મરણે ઇતિહાસ અનાયસ જ ક્ષિતિજ સુધી ફેલાઈ ગયો. હિંદી મહાસાગર અને ઍટલાન્ટિક મહાસાગરના પાણીને એકમેકમાં ભળી જતાં અને ક્ષિતિજ ઓળંગી દક્ષિણ ધ્રુવ સુધી લંબાતાં અમે જોઈ રહ્યાં. ક્યારેક જઈશું ત્યાં સુધી પણ એવી અભિલાષાનો દીપ સમુદ્રમાં વહેતો મૂકી અમે પાછાં ફર્યા. કેપ પોઇન્ટનાં દર્શન પછી પેનિનસ્યુલા ડ્રાઇવનો બીજો તબક્કો શરૂ થયો. અહીંથી રસ્તો કેપના પૂર્વકિનારે નયનરમ્ય પાર્ટરીજ પોઇન્ટ (Partridge Point) તથા મીલર્સ પોઇન્ટ (Millers Point) થઈને સાઇમન્સ ટાઉન (Simons Town) તરફ જાય છે. સાઇમન્સ ટાઉન દક્ષિણ આફ્રિકી નૌકાદળનું અગત્યનું મથક છે. અહીં કોઈ લડાઈ વખતે અગત્યની ભૂમિકા ભજવનાર એક શ્વાનનું સ્મારક જોઈ સુખદ આશ્ચર્ય થયું. સાઇમન્સ ટાઉનથી આગળ દરિયાકિનારાની એક એવી નાનકડી પટ્ટી આવે છે, જ્યાં અસંખ્ય પેંગ્વિન પક્ષીઓ આવીને વસેલાં છે. અમે દબાતા પગલે, ચૂપચાપ તે તરફ ચાલવા લાગ્યા. સૌથી પહેલું અમે ઝાંખરાં વચ્ચે એકલું બેઠેલું પેંગ્વિન જોયું. અમને જોવા છતાં તે નિર્ભય રીતે બેસી રહ્યું, જાણે એને પૂરો વિશ્વાસ હોય કે આ લોકો મને હેરાન નહીં કરે! દરિયો આવતાં તો અસંખ્ય પેંગ્વિન દેખાયાં, જાણે પેંગ્વિનનો મેળાવડો ન હોય! પેંગ્વિન બેઠેલું હોય ત્યારે પક્ષી જેવું લાગે, પણ ઊભું હોય ત્યારે માણસની જેમ બે પગે ચાલે! એની ચામડીનો કાળો સફેદ રંગ જોઈ ખ્રિસ્તી સાધ્વીનો પહેરવેશ યાદ આવે. ક્યાંક બે પેંગ્વિન ઊભાં રહી વાતો કરતાં દેખાયાં. ઘણાં સ્નાન લેતાં, જળક્રીડામાં મશગૂલ હતાં, તો વળી કેટલાંક તેમનાં બચ્ચાંને લહેરો પર તરતાં શીખવતાં હતાં. બપોરનું જમવાનું ફિશ હૂક વિલેજ (Fish Hoek Village) પર હતું. ધ ફિશરમેન્સ કોવ (The Fishermen’s Cove) તરીકે જાણીતું આ રેસ્ટોરાં સી-ફૂડ માટે પ્રખ્યાત હતું. મારા જેવા સી-ફૂડના શોખીન માટે તો મજા જ મજા... ભારતીએ ફક્ત જોવાનું! એને તો પોટેટો ચિપ્સમાં પણ ફિશ દુર્ગંધ (?) કે સુગંધ આવે. મેં લોબ્સ્ટર વિય પેરીપેરી સોસનો ઑર્ડર આપ્યો. હજુ પણ સ્વાદ દાઢમાં છે. દક્ષિણ આફ્રિકા જાઓ તો ફિશ હૂક વિલેજ અવશ્ય જજો, પરંતુ જેમને સી-ફૂડમાં રસ ન હોય, તેઓ ઉપવાસ રાખી પુણ્યમાં વધારો કરી શકે! ભારતીને આજે વાતોથી જ પેટ ભરવાનું હતું. એટલે સી-ફૂડનો સ્વાદ માણી રહેલાં મિસિસ પિયરસનને એણે સવાલ કર્યો : “તમારા સમાજમાં સ્વૈરવિહારની પરાકાષ્ઠા સુધીની છૂટછાટ છે, પણ અનુભવી મા-બાપ તરીકે તમને હવે આ ઉંમરે, આ બધું કેટલે અંશે સ્વીકાર્ય લાગે છે? માનવીય સંબંધોની નજાકત જાળવવા માટે પણ થોડુંક બંધન, થોડીક શિસ્ત શું જરૂરી નથી?’ મિસિસ પિયરસને બહુ જ પ્રમાણિક જવાબ આપ્યો. ‘ખરું પૂછો તો અમે પણ આ બધું પસંદ કરતા નથી, પણ એ તો ઉંમર વધે તેમ તેમ સમજણ આવતી જાય, સમય જતાં સંબંધોની સચ્ચાઈની સાર્થકતા અને સ્વૈરવિહારની નિરર્થકતા સમજાઈ જતી હોય છે. બાળકોનો મુક્ત આચાર અમારે ત્યાં પણ વડીલો પસંદ કરતાં નથી. મનથી અમે પણ ખાસ્સાં રૂઢિચુસ્ત છીએ.’ જમીને અમે અહીંથી વસ્તીની દૃષ્ટિએ મોટું ગણાય તેવાં મ્યુસનબર્ગ (Muizenberg) ગામે ગયાં અને ત્યાંનાં બજારોમાં થોડું ફર્યા. બપોરે ચાર વાગ્યે અમે નેશનલ બોટાનિકલ ગાર્ડન્સ ઑફ કરસ્ટિનબોશ (National Botanic gardens of Kristenbosch) પહોંચ્યાં. ટેબલ માઉન્ટનના પૂર્વીય ઢોળાવોના ૫૬૦ હેક્ટરમાં ફેલાયેલો આ વિશાળ બગીચો દક્ષિણ આફ્રિકાનો સૌથી સુંદર અને સૌથી મોટો બગીચો છે, અહીં જોવાલાયક અને અભ્યાસલાયક ચાર હજારથી વધુ વનસ્પતિની જાતો છે. આમાંથી ત્રણેક હજાર જાતિઓ તો કેપ વિસ્તારની જ છે. સુંદર ફૂલોની ક્યારીઓ, જે બારે માસ મઘમઘતી હોય છે. લીલીછમ હરિયાળી અને માનવસર્જિત તળાવો તેને એક યાદગાર જગ્યા બનાવે છે. બાગમાં ફરતાં ફરતાં મિસિસ પિયરસને વધુ એક રસપ્રદ વાત કહી, ‘અમારો સૌથી યાદગાર પ્રવાસ તો અમેરિકાનો, અમે ચંદ્ર પર ગયેલા ઍપોલો મિશનની ટેક ઑફ વિધિ નાસા ખાતે નજરોનજર જોઈ છે.’ વર્ષો સોંસરવી એમની દૃષ્ટિ જાણે એપોલો યાનના લોન્ચિંગ પૅડ પર પહોંચી ગઈ. ‘વર્ષો પહેલાંની વાત છે. અમારા એક એસ્ટ્રોનોટ મિત્રને અમે અમારે ત્યાં જમવા નોતરેલા. જમતી વખતે બધાં અલક-મલકની વાતોમાં મશગૂલ હતાં. ત્યાં એમના માટે અમેરિકાથી ફોન આવ્યો, જેમાં સમાચાર હતા કે ઍપોલો મિશન માટે આજે જ એમની વરણી થઈ છે! અમે બધાં નાચી ઊઠ્યાં. તે દિવસનું ડીનર અમારા સૌ માટે યાદગાર બની ગયું. તે મિત્ર અમેરિકા પાછા ફર્યાં તેના થોડા દિવસો પછી અમને એક પત્ર મળ્યો, મારા જીવનના સૌથી સુખદ સમાચાર મને તમારે ત્યાં મળ્યા. તે પ્રસંગની સ્મૃતિમાં હું મારા ગેસ્ટ ઑફ ઓનર (Guest of Honor) તરીકે મારું ચંદ્રપ્રયાણ ટેક ઑફ જોવા તમને આમંત્રું છું. મિત્રની લાગણીથી અભિભૂત થઈને અમે બંને અમેરિકા ગયેલાં અને એ અદ્ભુત દૃશ્ય અમે નાસાની કાચની બારીમાંથી નજરે નિહાળ્યું.ટ નેશનલ બોટનિક ગાર્ડનમાં ટહેલતાં ટહેલતાં મન ભરાતું ન હતું. કુદરતના સમૃદ્ધ મહાલયમાં ફરતાં સાંજ પડી ગઈ અને અંધકારનો કંબલ ચોતરફ ફેલાવા લાગ્યો. ‘કાલે ફરી અહીં આવજો!’ સુઝને સમય તરફ ઇશારો કરતાં કહ્યું. પાછા ફરતાં રોહડઝ યુનિવર્સિટી ઑફ કેપટાઉનનું ભવ્ય કૅમ્પસ જોવાં મળ્યું. કેપ ટાઉન મેડિકલ જગતમાં ખૂબ જ જાણીતું નામ છે. અહીંના જ ડૉ. ક્રિશ્ચિયન બર્નાડે વિશ્વનું સર્વપ્રથમ માનવ હૃદય જ્યાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું તે ભવ્ય હૉસ્પિટલનું મકાન કોઈ મંદિર જેટલું જ સન્માનનીય લાગ્યું અને આદરથી મસ્તક ઝૂકી ગયું. દૂરથી ટેબલ માઉન્ટન દેખાતું હતું. આજે તો તેના પર કુદરતે એક સફેદ વાદળ ટેબલ ક્લોથની જેમ બિછાવી દીધેલું. આવું ક્વચિત્ જ જોવા મળે. મિસ્ટર અને મિસિસ પિયરસનને એમની હોટેલે ઉતારી અમે પાછાં ફર્યાં. એક જ દિવસ માટે અમારા જીવનમાં પ્રવેશેલ આ દંપતી અમારા મન પર કાયમી છાપ મૂકી ગયું, પણ અમારાથી એક ગંભીર ભૂલ થઈ ગઈ... વિદાય સમયે સરનામાની આપ-લે રહી ગઈ. હવે તો ન જાણે ક્યારે ફરી મુલાકાત થાય.. કદાચ ક્યારેય નહીં! અમે ઘણી વાર હજુય એમનો ફોટો જોઈને એમને યાદ કરીએ છીએ ને મનોમન ભાવપત્ર પાઠવીએ છીએ, હવા પર લખીને સરનામું : ‘પિયરસન દંપતીને નામ...’
[દક્ષિણ આફ્રિકાની પ્રદક્ષિણા, ૨૦૦૧]