ચિત્રકૂટના ઘાટ પર/ચારુવાક્ ઉર્ફે ચાર્વાક: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 75: | Line 75: | ||
{{Right|[૨૪-૧૨-૧૯૯૫]}} | {{Right|[૨૪-૧૨-૧૯૯૫]}} | ||
{{HeaderNav | |||
|previous = [[ચિત્રકૂટના ઘાટ પર/પિરવી અને...|પિરવી અને...]] | |||
|next = [[ચિત્રકૂટના ઘાટ પર/સૂર્યપુત્ર કે સૂતપુત્ર?|સૂર્યપુત્ર કે સૂતપુત્ર?]] | |||
}} |
Revision as of 12:10, 9 September 2021
આ વખતે દિલ્હીમાં એક નાટક જોયું : ‘ચારુવાક્’. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના છાત્રોની એ પ્રભાવક પ્રસ્તુતિ જોઈ ડિસેમ્બરની એક સાંજ સ્મરણીય બની ગઈ.
ચારુવાક્ એટલે તો મધુર બોલનાર, પરંતુ આ ચારુવાક્ તો જેને આપણી દર્શન-પરંપરામાં ઈહ લોકવાદી દર્શનના પુરસ્કર્તા ચાર્વાક તરીકે ઓળખીએ છીએ તે છે. આપણા પરંપરાગત દર્શનમાં એ કદીય કોઈને ચારુવાક્ લાગ્યો નથી. ઊલટાનું એને હંમેશાં ભોગવાદી કે ભૌતિકવાદી કહી લગભગ એની નિંદા કરી છે. એ હંમેશાં કડવો લાગ્યો છે – પરંપરાવાદીઓને.
ચાર્વાકનું નામ આવે એટલે તરત એક-બે સૂત્રો તો સંસ્કૃત ન ભણેલા પણ બોલે : ‘ઋણં કૃત્વા ધૃતં પિબેત્.’ દેવું કરીને પણ ઘી તો પીવું, એટલે કે આ જીવન મળ્યું છે તો ભોગવી લેવું. એક વાર દેહ ભસ્મીભૂત થઈ જાય પછી ફરીથી આ લોકમાં આવવાના છીએ એ કોણે જાણ્યું છે? ચાર્વાકના નામે સૂત્ર છે જ : ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુતઃ?
ચાર્વાક ઈશ્વરમાં માનતો નથી. એનું દર્શન એક નાસ્તિકનું દર્શન છે. પરલોક કે પુનર્જન્મમાં પણ એનો વિશ્વાસ નથી. ઈશ્વરને કોણે જોયો છે? પરલોક છે એની ખાતરી શી? એનો દૃષ્ટિકોણ આજના રેશનાલિસ્ટના દૃષ્ટિકોણ જેવો છે : પ્રત્યક્ષ એ જ પ્રમાણ.
ચાર્વાક વિશેનું એ નાટક છે ચારુવાક્. મૂળ મરાઠી નાટક વિદ્યાધર પુંડલિકે લખ્યું છે. એનું હિન્દી રૂપાંતર અને નાટ્યનિર્દેશન નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના ડિરેક્ટર રામગોપાલ બજાજે કર્યું છે.
આ નાટક જોયા પછી મને લાગ્યું કે, મારાં યજમાન હિન્દીનાં પ્રસિદ્ધ કથાલેખિકા રાજી સેઠનો માટે ખાસ આભાર માનવો જોઈએ. એમણે જ પ્રસ્તાવ કરેલો કે સાંજે તમે મુક્ત હો તો નાટક જોવા જઈએ. એમના પતિ નિરંજન સેઠને પણ નાટકમાં રસ. દક્ષિણ દિલ્લીના સાકેતમાંના એમના નિવાસથી સાંજે અમે નીકળી પડ્યાં. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાની આજુબાજુ આખો પરિસર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે જાણીતો છે. એક બાજુ મંડી હાઉસ, ત્રિવેણી સભાગાર, શ્રી રામ આર્ટ સેન્ટર, તો બીજી બાજુ રવીન્દ્ર ભવન, કામાણી સભાગાર ને કંઈ કેટલીય સંસ્થાઓ, ચિત્રપ્રદર્શનો, સંગીતના જલસાઓ, નાટકોની રજૂઆતો, નૃત્યોની પ્રસ્તુતિઓ ચાલતી જ હોય – ડિસેમ્બરના એ દિવસોમાં તો ખાસ.
જે વખતે દિલ્હીની આપણી લોકસભા અને રાજસભામાં ટેલિકોમ કૌભાંડના પ્રશ્ને બધું કામકાજ ઠપ્પ થઈ ગયું હતું, એવાં રાજકીય મહાનાટકો ચાલતાં હતાં છતાં બીજી બાજુએ શાન્તિથી ચારુવાક્ જેવાં નાટકની પ્રસ્તુતિઓ પણ ચાલતી હતી, એ સાંસ્કૃતિક ચેતનાની જીવંતતાનો શુભસંકેત છે.
નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા ભગવાનદાસ રોડ ઉપરના બહાવલપુર હાઉસમાં સંસ્થાપિત છે. ‘ચારુવાક્’ નાટકના વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપવા તૈયાર થયેલું નાટક હતું, એટલે સ્કૂલના જ એક સ્ટુડિયોમાં એની ભજવણી હતી. સ્ટુડિયોમાં પ્રવેશ કરતાં પહેલાં બાજુના લાકડાની ફ્રેમોથી આરક્ષિત નાનકડા કંપાઉન્ડમાં તૈલ પ્રદીપોની શોભા ધ્યાન ખેંચતી હતી. આ પ્રકારે પ્રાચીન આબોહવાનું નાટક જોવા માટેની અમારી માનસિક્તા તૈયાર થતી જતી હતી. પ્રેક્ષકો પણ બધાં નાટ્યરસિયા લાગ્યાં. કોટપાટલૂનટાઈમાં સજ્જ થઈ સામાજિક પ્રતિષ્ઠાના એક ભાગરૂપે નાટક જોવા જતા પ્રેક્ષકો તો અહીં આવે જ ક્યાંથી? સ્ટુડિયોમાં ત્રણ બાજુ બેસવાની વ્યવસ્થા, એક બાજુથી પાત્રોનો પ્રવેશ અને વચ્ચે રંગમંચ. બેસવા માટે ખુરશીઓ વગેરે નહિ. સવાસો-દોઢસો જેટલા પ્રેક્ષકો સમાઈ શકે. પ્રેક્ષકો અને નટો જાણે સમાન ભૂમિકા પર. આપણે પણ નાટકના ભાગ બની જઈએ. મને આપણું અમદાવાદના વિજ્યુઅલ આર્ટ સેન્ટરનો ખુલ્લો રંગમંચ યાદ આવ્યો.
મને કુતૂહલ હતું. જેના જીવન વિશે ખાસ કશા ઉલ્લેખો મળતા નથી, જેના લોકાયતી દર્શન વિશે પણ થોડાંક સૂત્રો સિવાય કશું મળતું નથી એવા ચાર્વાકના જીવન વિશે નાટક કેવુંક કર્યું હશે? એના લેખક વિદ્યાધર પુંડલિકને ચાર્વાક વિશે લખવાનું કેમ મન થયું હશે? પછી જાયું કે, લેખકે આ નાટક ૧૯૭૫ની કટોકટીના દિવસોમાં લખેલું. ચાર્વાક પરંપરાવાદી આસ્તિક દર્શનોનો વિરોધી હતો – એના અવાજને કેવી રીતે દાબી દેવામાં આવ્યો તેની વાત કરવામાં સમકાલીન રાજનીતિની તાનાશાહીનો ખાસ તો અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, વાણીસ્વાતંત્ર્ય હરી લેવાનો, પ્રી-સેન્સરશીપ લાદવાનો સંદર્ભે સ્પષ્ટ થઈ જતો હતો.
હતા તો નાટ્યશાળાના ‘વિદ્યાર્થીઓ’, પણ ઉત્તમ અભિનય. શરૂઆતમાં દિગ્દર્શક શ્રી રામગોપાલ બજાજે આ મરાઠી નાટક કેમ પસંદ કર્યું તેની વાત કરી. નાનકડા ચોરસ રંગમંડપમાં જાણે એક ગ્રૂપમાં બેસી આપણે ચર્ચા કરતાં હોઈએ એવું લાગે. રંગમંડપમાં પરદા-માઈક વગેરે કશું નહિ. પ્રકાશઆયોજનની પૂરી વ્યવસ્થા.
નાટકની શરૂઆત ચાર્વાક(ચારુવાક્ને બદલે હવે આ લેખમાં બધે ચાર્વાક નામ રાખીશું.)ના ઘરથી થાય છે. ચાર્વાકની મા પૂજા કરી રહી છે, એટલામાં ચાર્વાક આવે છે. ચાર્વાકના પિતા તપ કરવા વરસોથી હિમાલય ચાલ્યા ગયા છે. ચાર્વાક પહેલાં તો મા સાથે વિનોદ કરે છે, પણ પછી માને પ્રશ્ન કરે છે : “પિતાજી તને છોડીને કેમ ગયા? તું કેટલાં વર્ષોથી તેમની રાહ જુએ છે?” મા કહે છે કે, “તારા પિતાજી જતાં જતાં કહેતા ગયા છે કે, સરસ્વતી, હું તને એક વાર તો મળવા આવીશ.”
ચાર્વાક માને કહે છે કે, તે પિતાની રાહ જોવાની છોડી દે. પિતા ૨૪ વર્ષથી હિમાલય ગયા છે. હવે તું ફરી લગ્ન કરી લે, સંસારનું સુખ પ્રાપ્ત કરી લે. માને પુત્રની આવી વાતથી આઘાત લાગે છે, પણ ચાર્વાક પોતાના ઈહલોકવાદી વિચારો પર દૃઢ છે. એટલામાં એના શિષ્યો એક વાદસભામાંથી હારી, માર ખાઈને આવે છે. ચાર્વાક કહે છે કે, બહુમતીના જોરથી આપણા વિચારોને કચડી નહિ નંખાય. આપણે આપણી જુદી વાદસભા સ્થાપિત કરીશું.
એક પછી એક પ્રસંગો નાટકમાં એવી રીતે આવે છે, તેમાં થતા સંવાદો દ્વારા ચાર્વાકના વિચારો પ્રગટ થતા જાય. કોઈ એને પ્રણામ કરે,
તો એ કહે છે કે, એક માણસ બીજા માણસનાં ચરણોમાં પ્રણામ કરે એ કેવું? (ચાર્વાકની આ માન્યતા કેટલી મોટી વાત છે!)
ચાર્વાકની પ્રેમિકા અદિતિ છે. તે કહે છે કે, ચાર્વાકનો મિત્ર ભાસ્કર ભટ્ટ હવે અવંતીનો ધર્માધ્યક્ષ થવાનો છે. ભાસ્કર આસ્તિક તત્ત્વજ્ઞાની છે, જ્યારે તેનો મિત્ર ચાર્વાક તો ઘોર નાસ્તિક છે. એને સહાધ્યાયી ભાસ્કર જેવું સ્થાન કદી મળે? એ પછી ચાર્વાકના તપ કરવા ગયેલા પિતા હવે મરણાસન અવસ્થામાં હિમાલયથી પાછા આવે છે. સરસ્વતી તો એ વૃદ્ધ પતિનાં ચરણોમાં આળોટી પડે છે, પણ ચાર્વાક તો પિતાને પ્રશ્નો જ કરે છે : “તમે શા માટે ઘર છોડીને ગયા? આટલાં વર્ષો પછી પાછા કેમ આવ્યા? મને તમારા તપ વિશે કોઈ માન નથી. હિમાલયમાં તમે શું પામ્યા? હિમાલય છે શું? માત્ર પથ્થરોનો ઢગલો. એટલે આ ઘર તમને ખેંચી લાવ્યું. ઘરની માયા તમને ખેંચી લાવી. એ સાચું છે. મારે સંસારનો મોહપાશ જોઈએ. હું મનુષ્ય છું.”
એના પિતા કહે છે કે, આ “તત્ ત્વમ્ અસિ” – “તે (બ્રહ્મ) તું (આત્મ) છે” નો સાક્ષાત્કાર મને થઈ ગયો છે, પણ ચાર્વાક એમની બ્રહ્મની વાત માનવા તૈયાર નથી. વૃદ્ધ પિતા પોતાની આસ્થા છોડવા તૈયાર નથી. પિતા મૃત્યુ પામે છે.
હવે પછીના દૃશ્યમાં પિતાના મૃત્યુ પછી શ્રાદ્ધ કરવાનો પ્રસંગ આવે છે. બધા લોકો એકઠા થયા છે. પિતાનું શ્રાદ્ધ કરવા એની મા ચાર્વાકને કહે છે, તો ચાર્વાક જવાબમાં કહે છે: “શ્રાદ્ધ કર્મમાં મારી કોઈ શ્રદ્ધા નથી. હું નહિ કરું પિતાનું શ્રાદ્ધ.”
મા પિતાનાં અસ્થિ ગંગામાં પધરાવવા જવાનું કહે છે, તો ચાર્વાક તેનો પણ ઈન્કાર કરે છે. કહે છે કે, મનુષ્ય જીવે છે ત્યાં સુધી જ બધું ખરું. મૃત્યુ પામ્યા પછી, ભસ્મીભૂત થઈ ગયા પછી મનુષ્યનું કોઈ અસ્તિત્વ રહેતું નથી.
ચાર્વાક્ની આ દલીલોથી એની વહાલી મા પણ એના પર નારાજ થઈ જાય છે. બ્રાહ્મણો તો નારાજ થઈ જાય એમાં નવાઈ નથી. પરિણામે ચાર્વાક ઘર છોડી જાય છે. તેની પ્રેમિકા અદિતિ તેની સાથે જાય છે.
આ બધાં દૃશ્યો અત્યંત પ્રભાવક રીતે રંગમંચ પર રજૂ થાય છે. વિચારોનું કળામાં રૂપાંતર એ રીતે અનુભવાય છે કે જે અન્યથા માત્ર કોરા સૈદ્ધાંતિક સંવાદો બની જાત તે મંચ પર જિવાતા જીવનરૂપ લાગે છે. ચાર્વાક્ની માનો અભિનય કરનાર નટી તો આપણી પંચમુખે પ્રશંસા માગી લે.
ચાર્વાકના આ વિચારોથી વૈદિક ધર્મી બ્રાહ્મણો જ નહિ, જૈનો અને બૌદ્ધો પણ નારાજ છે. એટલે એક ધર્મસભા બોલાવવામાં આવે છે. ચાર્વાકનો મિત્ર ભાસ્કર ધર્માધ્યક્ષ છે. ઊંચા આસને તે બિરાજેલો છે. (તે આસનસ્થ સ્થિતિમાં મંચ પર પ્રવેશ કરે છે. આસનને સરકાવી મંચ પર લાવવામાં આવે.)
ધર્મસભામાં વાદવિવાદ થાય છે. ચાર્વાક પ્રત્યક્ષને જ પ્રમાણ માનવા તૈયાર છે. દલીલો કરતાં તે કહે છે :
“પતંજલિની યોગવિદ્યા માત્ર કસરત છે. માણસનો દેહ પૃથ્વી, જલ, વાયુ અને આકાશ એ ચાર તત્ત્વોનો બનેલો છે. જેમ પાનમાં કાથો ચૂનો મળતાં લાલ રંગ આપમેળે પ્રકટે તેમ આ ચાર તત્ત્વો મળતાં ચૈતન્ય પ્રકટે છે. માણસ મૃત્યુ પામે એટલે ચૈતન્ય વિલીન થઈ જાય છે. એ પછી કશું રહેતું નથી.”
ધર્મસભામાં ચાર્વાકના મતનો બધા વિરોધ કરે છે. ધર્મસભા આવા ‘ધર્મ’વિરોધી વિચારો માટે ચાર્વાકને દંડ કરવા તત્પર છે, પણ ચાર્વાક એ દંડ સ્વીકારવા ઈન્કાર કરે છે.
પછીના દૃશ્યમાં ચાર્વાક પોતાનાં સૂત્રો લખવા બેઠેલો દેખાય છે. એની પ્રેમિકા અદિતિ એની સાથે છે. ચાર્વાક વર્ણાશ્રમધર્મનું ખંડન કરતાં સૂત્રો લખી રહ્યો છે, ત્યાં અમાત્ય કીર્તિવર્મા આવીને તેને આવાં સૂત્રો ન લખવા સમજાવે છે. એ સામ-દામ-ભેદ-દંડનીતિ અપનાવે છે. (એ વખતે કટોકટીના સમકાલીન ઘટનાપ્રસંગો સામાજિકોના મનમાં સમાંતરપણે જાગે – એ રીતના સંવાદો છે.) પણ ચાર્વાક તેમનાં પ્રલોભનો સ્વીકારવા તૈયાર નથી. એટલે છેવટે એને બંદી બનાવીને લઈ જાય છે.
આ ઘટના પછી ચાર્વાકના ઘણા શિષ્યો પણ એને છોડી જાય છે. એક દૃશ્ય વચ્ચે આવે છે : પ્રેમિકા અદિતિ કહે છે કે તે ગર્ભવતી છે અને મા બનવાની છે. એ ચાર્વાક આગળ બે કંગન કાઢીને કહે છે કે આ કંગનો મને પહેરાવતા જાઓ – સૌભાગ્યવતીનો અલંકાર. એક છેલ્લી માગણી માત્ર. ચાર્વાક માટે આ બહુ નાજુકમાં નાજુક ક્ષણો હતી. બુદ્ધિ અને લાગણીના દ્વન્દ્વમાં લાગણી તરફ નમી જવાની કમજોરી આવી ક્ષણોમાં ઉપર આવી જાય.
આપણા દેશના એક પ્રસિદ્ધ પ્રખર બૌદ્ધિક એટલે કે રેશનાલિસ્ટ ચિંતક, ‘રૉયિસ્ટ’ કલકત્તાના શિવનારાયણ રાયને એક વાર વાતચીતમાં
એમ કહેતા સાંભળ્યા હતા કે, એમના ત્યાં પુત્રનો લગ્નપ્રસંગ આવ્યો ત્યારે, લગ્ન હિંદુધર્મ વિધિ પ્રમાણે કરવાં કે કેમ એવો પ્રશ્ન થયો. પોતે વિધિવિધાનમાં માને નહિ, પણ એમનાં પત્ની માને. આ કશમકશમાં લગ્ન વખતે પોતે હાજર નહિ રહી પત્નીની લાગણીને માન આપી વિધિ પ્રમાણે લગ્ન થવા દીધાં. મને લાગ્યું કે એમણે સમાધાનનો માર્ગ કાઢ્યો હતો. વિચાર અને વર્તનની આ દ્વૈધીવૃત્તિ – એમ્બીવેલેન્સ – ભલભલામાં જોવા મળે છે, ખાસ તો જ્યારે માતાપિતા કે પત્ની પુત્રાદિકની ‘લાગણી’ સાચવવાની વાત આવે ત્યારે. પણ ખબર ન પડે તેમ એ ઓઠું બની જતી હોય છે, વ્યક્તિના સ્વ-મત વિરોધી વિવશ વ્યવહારના બચાવની. પણ ચાર્વાક પ્રેમિકાની એ માગણીય સ્વીકારતો નથી. નહિ કે અદિતિ એને પ્રિય નથી, કે આવનાર સંતાન માટે એને કોઈ હર્ષ નથી – પણ લગ્ન વિશે બ્રાહ્મણપરંપરાની – સૌભાગ્યનાં ચિહ્નો ધારણ કરવાની પરંપરાગત રૂઢિઓ એને માન્ય નથી. એ એટલો સાચો બૌદ્ધિક છે કે પોતાની માન્યતાને ભોગે લાગણીમાં ખેંચાઈ જવા તૈયાર નથી.
તેને રૂઢ વૈદિક પરંપરામાં જરાય આસ્થા નથી. છેવટે ચાર્વાકને મૃત્યુદંડ આપવામાં આવે છે. તેનો એ સ્વીકાર કરે છે, પણ પોતાના વિચારો સાથે બાંધછોડ કરવા એ જરાય તૈયાર નથી. અહીં આપણને પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ગેલેલિયોની વાત યાદ આવે છે. પૃથ્વી ગોળ છે અને એ સૂર્યની આસપાસ ફરે છે – જેવી એની શોધથી ખ્રિસ્તી ધર્મધુરંધરો છંછેડાય છે અને એની આ બધી માન્યતાઓને ધર્મવિરોધી પ્રવૃત્તિ ગણી એને જેલમાં નાખવામાં આવે છે. હવે એની સામે બે જ વિકલ્પ હતા? પોતાની આ માન્યતાઓ છોડી દીધાનો જાહેરમાં સ્વીકાર, અથવા મૃત્યુદંડ.
ગેલેલિયોએ પહેલો વિકલ્પ સ્વીકાર્યો હતો, નહિ કે ગેલેલિયોએ મનથી પોતાની માન્યતાઓ છોડી દીધી હતી. એણે વ્યવહાર માર્ગ લીધો હતો. આધુનિક જર્મન નાટકકાર બર્તોલ્ત બ્રેખ્તે ગેલેલિયોના જીવન વિષે આ પ્રશ્નને કેન્દ્રમાં રાખીને જ નાટક રચ્યું છે ને!
અંતિમ દૃશ્ય : ચાર્વાકને મૃત્યુદંડ. એક ઊંચા આસન પર ચાર્વાકનો દેહ બન્ને બાજુ લટકતો રહે તેમ રહેલો છે. એને શૂળી પર ચઢાવ્યાનો એ સંકેત છે. ધર્મસભાના અધ્યક્ષ આવી એના પર વસ્ત્ર ઓઢાડે છે તે એના દેહાંતનો સંકેત છે. એની માતા આવી તેના પર એક ચાદર ઓઢાડે છે અને પછી શબવત્ર.
અઢી કલાકમાં આ લઘુ રંગમંચ પર ચાર્વાક પ્રત્યક્ષ થઈ ગયો હતો. ચાર્વાકના મતને આપણે માનીએ કે ન માનીએ, પણ એની બૌદ્ધિક-ભૌતિક વિચારધારાને નકારવાનો દૃઢ તર્ક પણ આપણી પાસે નથી અને એથી આગળ વધીને પ્રાણાન્તેય પોતાનાં વિચાર, વાણી અને વ્યવહારની અભિન્નતાને સાચવી રાખવાની ટેકને નમન કર્યા વિના રહી શકતા નથી. ચાર્વાક પણ આપણા એક ‘રેશનાલિસ્ટ’ ઋષિ છે. એક રીતે નાટક ભિન્ન-ભિન્ન દર્શનો અને વિચારધારાઓના સંઘર્ષની કહાણી છે, જેને સમકાલીન રાજકીય કટોકટીકાળની ઘટના નવી સાર્થકતા આપે છે.
ચાર્વાક તો એનો વાહક છે. પણ મેં અગાઉ કહ્યું તેમ વિચાર દ્વન્દ્વોની આ આખી વાત એક મર્મસ્પર્શી નાટ્યાત્મક અનુભૂતિમાં પરિણમે છે – એના નિર્દેશનની, એના સંગીતની, એની વેશભૂષાની અને એના અભિનયની કળા દ્વારા.
રંગમંચની બહાર આવ્યાં, પ્રાંગણમાં તૈલ પ્રદીપો હજીય ટમટમતા હતા, તે ચાર્વાકની અડીખમ ન ઓલવાયેલી વિચાર આસ્થાનો સંકેત કરતા હતા કે શું?
આપણને એવું માનવાનું મન થાય.[૨૪-૧૨-૧૯૯૫]