બોલે ઝીણા મોર/બારી ઊઘડી જાય છે: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 105: | Line 105: | ||
{{HeaderNav | {{HeaderNav | ||
|previous = [[બોલે ઝીણા મોર/ | |previous = [[બોલે ઝીણા મોર/બસ્તી મેં ચાર ચાઁદ સે ચેહરે થે ક્યા હુએ?|બસ્તી મેં ચાર ચાઁદ સે ચેહરે થે ક્યા હુએ?]] | ||
|next = [[બોલે ઝીણા મોર/ભાષાને વેશ્યા બનાવી દેવામાં આવી છે|ભાષાને વેશ્યા બનાવી દેવામાં આવી છે]] | |next = [[બોલે ઝીણા મોર/ભાષાને વેશ્યા બનાવી દેવામાં આવી છે|ભાષાને વેશ્યા બનાવી દેવામાં આવી છે]] | ||
}} | |||
{{HeaderNav | |||
|previous = [[ન તત્ર સૂર્યો ભાતિ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] | |||
|next = [[બોલે ઝીણા મોર/તૃષાગ્નિ અર્થાત્ મરૂભૂમિમાં|તૃષાગ્નિ અર્થાત્ મરૂભૂમિમાં]] | |||
}} | }} |
Revision as of 09:06, 17 September 2021
ભોળાભાઈ પટેલ
ડિસેમ્બરની સાંજ ઊતરી રહી છે. દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં લીમડાના ઝાડની પાછળ અસ્ત પામતા સૂરજનું પીળું તેજવલય પાંદડાંના અંતરાલમાં ઝળકી જાય છે. આકાશમાં ઘણાંબધાં કબૂતર આટ-આટલામાં આંટા મારતાં ઊડી રહ્યાં છે. એમની વચ્ચે રંગબેરંગી પતંગો ઊડે છે. શનિવારની સાંજ હોવાથી નિશાળેથી મુક્ત કિશોરોનો ઉલ્લાસ પતંગના દોરાના સહારે ઊંચે વિલસી રહ્યો છે. જાણે એ પતંગો રૂપે કોઈ એક પતંગના સેલા સાથે નજરનું અનુસરણ કરવા જતાં ભૂરા આકાશમાં દેખાયો પાંચમ-છઠ્ઠનો ચંદ્ર. સૂરજનું તેજ અસ્ત પામી જાય એની જાણે રાહ જોઈ રહ્યો છે. લીમડાની ડાળીઓ વચ્ચે તૂટી પડેલા કે ભરાઈ પડેલા પતંગ ડાળીઓના હલવા સાથે હલે છે. ડાળીઓ વચ્ચેથી ભૂરા આકાશના ખંડ દેખાય છે, તે જાણે આકાશનો ફાટેલો પતંગ! એવી કોઈ કવિએ કરેલ કલ્પના યાદ આવે છે. જરા દૂર ડ્રાઇવ-ઇન જતી સડક પરથી વાહનોના અને અગાશીમાં કિલકારીઓ ભરતા કિશોરોના, પોપટના એક ઝુંડના અવાજો ડિસેમ્બરની સાંજ રચી રહ્યા છે.
હું કવિ પ્રહૂલાદ પારેખની કવિતાઓ વાંચું છું. આજે એવું બન્યું કે એકાએક આ કવિ સાંભર્યા છે – ‘બારી બહાર’ના એ કવિ છે, એ નામનો જ એમનો કાવ્યસંગ્રહ છે. બરાબર અર્ધી શતાબ્દી વીતી ગઈ છે એને પ્રથમ પ્રકટ થવાને. ૧૯૪૦માં એ સંગ્રહ પ્રકટતાં ગાંધીવાદી ગુજરાતી કવિતાએ કરવટ બદલી અને સૌન્દર્યાભિમુખ બની. પણ આજે આ કવિને સંભારવાનું કારણ કહું. યુનિવર્સિટીમાં ઍકેડેમિક સ્ટાફ કૉલેજના આશ્રયે ગુજરાતી વિષયના અધ્યાપકોનો એક ઓપવર્ગ ચાલી રહ્યો છે. ઓપવર્ગના આવાહક ડૉ. ધીરુ પરીખે કહ્યું કે અધ્યાપકમિત્રો આગળ તમારે કેટલાક વાર્તાલાપો આપવાના છે. તેમાં એક તો વિષય હતો ગુજરાતી સાહિત્ય પર અન્ય સાહિત્યોનો પ્રભાવ. તેમાં રવીન્દ્રનાથના પ્રભાવની વાત આવી એટલે પ્રહ્લાદ પારેખની ‘આજ’ અને ‘બારી બહાર’ની કવિતાની ચર્ચા કરી. પ્રહ્લાદ પારેખ શાંતિનિકેતનના વિદ્યાર્થી. શાંતિનિકેતનની શાલવીથિમાં ફરતાં જ કદાચ તેમને તેમનું ‘આજ’ કાવ્ય સ્ફુરેલું હશે :
આજ અંધાર ખુશબોભર્યો લાગતો
આજ સૌરભ ભરી રાત સારી
આજ આ શાલની મંજરી ઝરીઝરી,
પમરતી પાથરી દે પથારી…
પછી તો પ્રહ્લાદ મનમાં ચઢી ગયા.
સાંજ આ કવિની સાથે ગાળવાનું નક્કી કરીને એમનો કાવ્યસંગ્રહ લઈને બેઠો છું. જાણે ‘વર્ષોની બંધ બારીને’ ઉઘાડું છું. મારા નથી, આ કવિના જ એ શબ્દો છે.
વર્ષોની બંધ બારીને
આજ જ્યારે ઉઘાડતો
‘આવ, આવ’ દિશાઓથી
સૂર એ કર્ણ આવતો.
પરંતુ હું અહીં સાભિપ્રાય વર્ષોની બંધ બારીને ઉઘાડવાની વાત કરું છું. એ બારી ઉઘાડતાં હું પોતે ચાર દાયકા પહેલાંના સમયમાં પહોંચી જાઉં છું. એક કિશોર ફળિયામાં એક બંધ રહેતા ઘરની મેડી સાફ કરી પોતાના વેકેશનનો ઘણો સમય ત્યાં એકાંતમાં ચોપડીઓ વાંચવામાં પસાર કરતો. એ ઘરની પાછલી મોટી બારી ખોલતાં જ ગામની ભાગોળ તરફ જતો રસ્તો પડતો. દૂર કેટલાંક ઘર અને પછી ગામની સીમ.
ગામની લાઇબ્રેરીમાંથી ‘ગ્રંથ અને ગ્રંથકાર’નાં કેટલાં બધાં વૉલ્યુમ લઈ આવેલો. કેટલાક ભાગોમાં તે વર્ષની શ્રેષ્ઠ કવિતાનો સંચય રહેતો. તેમાં નજરે પડી પ્રહ્લાદ પારેખની આ કવિતા – ‘બારી બહાર’ વાંચી ગયો. બધી કંઈ સમજાઈ નહિ પણ હોય, પણ ગમી ગઈ. વારંવાર વાંચું. મેડીનો દાદરો ચઢી પાછલી બારી ઉઘાડતાં બોલુંઃ
વર્ષોની બંધ બારીને
આજ જ્યારે ઉઘાડતો…
હજુ તો કાલે સાંજે ઉઘાડી હોય, પણ કવિની સાથે હું બોલું… પછી તો કવિતા વાંચતાં વાંચતાં હું પણ બારી બહાર જોતો જાઉં. એક બાજુ કવિતાની દુનિયા ખૂલે, બીજી બાજુ વાસ્તવની. પણ ત્યારે કવિતા અને વાસ્તવ વચ્ચે બહુ ભેદ નહોતો લાગતો. બધું કવિતામય લાગતું. એક ચહેરાની થોડી માયા થઈ ગયેલી, પણ જવા દો એ વાત. આપણે વાત ઉઘાડી બારીની નહિ, ‘બારી બહાર’ની કરતા હતા. હા, તો આજે અધ્યાપક મિત્રો આગળ પણ જ્યારે ‘બારી બહાર’ની વાત કરી ત્યારે થોડી ક્ષણો તો મારી લગોલગ પેલો કિશોર ઊભેલો! પછી તો સાચે જ હુંય બારી બહાર નીકળી ગયો. આખો દિવસ મધુર ભારણ અનુભવતો ડિસેમ્બરની સાંજને કવિ પ્રહ્લાદની એ કવિતાથી રસું છું.
ઉમાશંકર જોશીના એક નિબંધસંગ્રહનું નામ છે, ‘ઉઘાડી બારી.’ સમજતો કે ઉઘાડી બારીમાંથી જે બહારનું જગત જોઈએ છીએ તે. એક વખત કવિએ ચર્ચામાં કહેલું કે ઉઘાડી બારીમાંથી જેમ બહારનું જગત જોઈએ, તેમ બહારનું જગત ઉઘાડી બારી દ્વારા અંદર પ્રવેશે પણ. એકદમ અર્થ બદલાઈ ગયો ઉઘાડી બારીનો. આપણે માત્ર બહાર જોવાનું નથી, બહારને અંદર આવવા દેવાનું પણ છે.
અને પ્રહ્લાદમાં તો શરૂઆત જ થાય છે બારી ઉઘાડતાંની સાથે દિશાઓના નિમંત્રણથી ‘આવ, આવ.’
કવિને બહારનું જગત સાદ પાડે છે, ઘરમાંથી બહાર રસ્તા પર આવી જવા કહે છે. તે સાથે બહારનું જગત પણ ઉઘાડી બારી વાટે અંદર આવી જાય છે.
કોણ આવે છે પહેલું?
પહેલાં તો આવે છે પવન. એ પવન સાગરના તરંગોને ચૂમીને આવે છે, પવન વનવનમાં ઘૂમી પુષ્પોની સુગંધ લઈને આવે છે. પવન માળે માળે જઈ પંખીઓના ગીતના સૂર લઈને આવે છે, અને જે આંખથી દૂર છે એને હૈયાની નિકટ લઈ આવે છે.
બારી ઉઘાડતાંની સાથે પવન સાથે આકાશેથી પ્રભાત કિરણો અંદર આવી ગયાં! ઘરમાં ને કવિચેતનામાં.
એ કિરણો આવીને કવિને કહે છે કે અમે કેવી રીતે તો જલ ઉપર નાચ્યાં અને કેવી રીતે પુષ્પોને ઉઘાડ્યાં. કેવી રીતે પંખીના માળામાં છાનામાના પ્રવેશ્યાં અને કેવી રીતે ઘાસમાં છુપાઈને શબનમનાં – ઝાકળનાં મોતીઓ વીણ્યાં.
પહેલાં પ્રાસ્તાવિક અનુષ્ટુપ પછી મંદાક્રાન્તાની બે કડીઓમાં તો પવનની અને આકાશેથી ઊતરેલાં કિરણોની બધી લીલાની વાત કવિએ કહી દીધી. આ છંદનું પઠન આવતા પવનની ગતિના લયનો કેફ ચઢાવે છે. જેમ જેમ વાંચીએ તેમ તેમ કેફ ચઢતો જાય. એમાં ભળે કિરણોના ઉલ્લાસ ક્રીડાનો આનંદ.
કવિચેતનાને પવનો અને કિરણોના સ્પર્શથી જ પુષ્પો, પંખી અને પર્ણોના સંદેશ પહોંચી જાય છે. એમનો સંદેશ તો સમજાતો નથી, પણ અંતરમાં હર્ષના ધોધ છૂટે છે. ઘણી વાર કવિતાનું આવું હોય છે. કંઈ બધું સમજાય નહિ પણ ચેતના પુલકિત થઈ જાય.
પછી તો રસ્તા ઉપર પુષ્પો પાથરતી ડાળીઓ દ્વારા વૃક્ષો કવિને સાદ દેતાં લાગે છે. ‘આવ, આવ.’
બારી ઊઘડી છે, તો વહી જતું ઝરતું પણ કહેતું જાય છે કે પહેલાં હું વાદળી રૂપે હતું, પછી હું પહાડની ગુફામાં હતું અને પછી સાગરરાજના આવા શબ્દ સાંભળતા હુંય નીકળી પડ્યું છું. (રસિકોને ટાગોરનો ‘નિર્ઝરે સ્વપ્નભંગ’ યાદ આવશે.)
બારી ઊઘડી છે, તો પથ ઉપરની ધૂળ આવીને કવિને આલિંગે છે અને એ સાથે માર્ગની અનંત વાતો પણ લઈ આવે છે. કેવા કેવા પથિકો એ માર્ગેથી ગયા છે, કેવાં કેવાં અનુભવનાં ગીતો ગાતા ગયા છે!
બારી ઊઘડી છે, તો ખેતરે ઊભેલાં લાખ ડૂંડાં કવિને સાદ પાડે છે. કહે છે, અમારી સંગમાં આવી જાવ.
બારી ઊઘડી છે, તો ઉપર આકાશમાં જોયું – ગગનપટમાં એક વાદળી મહારાણીની જેમ મૃદુલ ડગલે માર્ગ કાપી રહી છે. એ ક્યારેક વીજળીની, ક્યારેક મેઘધનુષની, ક્યારેક વિજનવન, પર્વતો અને વનોની પોતાની યાત્રાની વાત કહેતી જાય છે,
બારી ઊઘડી છે, તો કવિ જુએ છે, નીચે એક બાળક ચાલ્યું જાય છે. એ તો પુષ્પ, પર્ણ, તૃણ સકલમાં હર્ષનું ગાણું સાંભળે છે. ‘એ યે ગાતું, કુસુમ’ — એ કુસુમ એટલે કે એ બાળ પણ ગાતું ગાતું જાય છે, જે સાંભળી તૃણો પણ રોમાંચિત થાય છે. શિશુની એ આંખોમાં, એનાં કોમળ ડગલાંમાં, એના નાના હાથમાં, એની ત્રુટિત વાણીમાં – એની સર્વ ક્રિયાઓમાં શું શું ભર્યું છે? બારી બંધ હતી ત્યારે જે ભાવનાઓને કદી ઉરમાં જાણી નહોતી, પિછાણી નહોતી, તે આજે હૃદયમાં અને નયનોમાં ભીનાશ લાવી દે છે.
બારી ઊઘડી છે, તો કવિને દેખાય છે એક યુવતી. એનાં અંગોમાં સાગરની ભરતી છે, નયનોમાં મર્યાદાની રેખા સમી લજ્જા છે, ધરતી પણ એના સ્પર્શથી પુલકિત છે. એ જાય છે કવિનાં નેત્રોને ધન્ય કરીને.
સૌન્દર્યનાં મૂર્તિમંત દર્શન પછી વૈરાગ્યની વાણી સંભળાય છે, એક સાધુ ‘અહાલ્લેક’નો સાદ પાડતો બારણે બારણે સંતોનો સંદેશ આપતો દેખાય છે. નમનીય મંદાક્રાન્તામાં પેલી યુવતીની છટા પછી સાધુના અનુષ્ટુપનો અહાલ્લેક જચી જાય છે. કવિની સમદર્શી આંખે યુવતી પણ દેખાય છે, અને આ સાધુ પણ.
બારી બહાર, માર્ગ પર કેટકેટલા લોકો જાય છે, કોઈ ધનના પ્રેમી, કોઈ જ્ઞાનના પિપાસુ, કોઈ થાકેલા, કોઈ દીનદરિદ્ર, તો કોઈને મોઢે સ્મિતે વિલસતું રહે છે – તો કોઈની આંખમાંથી આંસુ પડી રહ્યાં હોય છે. હર્ષ-વિષાદ સાથે છે. કવિ કહે છે :
સર્વને બારીએ ઊભો
નેનથી નીરખી રહું.
એક એ સર્વનો સાદ
‘આવ’નો ઉર સાંભળું.
સૌ કવિને નિમંત્રે છે, ‘આવ, આવ, અમારી સાથે બહાર ચાલ્યો આવ.’
–અને આમ સવારથી સાંજ પડી ગઈ. સૂરજનાં કિરણો નભમાં અસ્ત થવા લાગ્યાં. પંખીઓ માળામાં પાછાં આવવા લાગ્યાં. સૌ ઘરોમાં દીવડીઓ પ્રગટી. જગતની શાંતિની ક્ષણો શરૂ થઈ. રાત આવે છે આકાશના થાળમાં સુધાની તારક પ્યાલીઓ ભરીને, સુધાની એ પ્લાલી પંખીને, વનોને, નિર્ઝરને અને અંતે માનવીને પણ પાઈ સઘળું ભુલાવે છે.
કવિ કહે છે : મંદાક્રાન્તાની પંક્તિઓ તોડીને લખું છું :
મેં એ પીધી રજની કરથી,
લઈને એક પ્યાલી,
અંગાંગે એ મદ ચઢી જતો,
આંખડી બંધ થાતી,
તોએ સૌનો ઉર મહીં સૂણું,
‘આવ’નો એક સાદ.
ના બારી, ના ઘરમહીં રહું,
જાઉં એ સર્વ સાથ.
સૌનો ‘આવ’ સાદ સાંભળી કવિ બારીએ નથી રહેતા, ઘરે નથી રહેતા – સૌની સાથે નીકળી પડ્યા – વિશાળ પ્રકૃતિજગતમાં જોડાઈ ગયા, સૌની સાથે અંતરથી એકાત્મતા અનુભવી રહ્યા. વ્યક્તિસત્તાને વિશ્વસત્તા સાથે એકરૂપ કરી દીધી. ટાગોરના શબ્દોમાં સીમાનું અસીમ સાથેનું મિલન.
ડિસેમ્બરની સાંજ અસ્તમિત થઈ ગઈ છે. પતંગો અને પંખીઓ સ્વસ્થાને લપાઈ ગયાં છે. મેં હજી રજનીકરથી – રાત્રિના હાથથી તારકપ્યાલીનું અમૃત પીધું નથી, પણ પ્રહ્લાદની આ કવિતા મારી ચેતનામાં ચઢી જાય છે. બારી ઊઘડી ગઈ છે અને હું જાણે ક્યાંયનો ક્યાંય નીકળી પડું છું, જાણે ક્યાંય ખોવાઈ જાઉં છું.