અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુંદરજી બેટાઈ/નીંદરા ડ્હોળાણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 69: Line 69:
{{Poem2Close}}
{{Poem2Close}}
</div></div>
</div></div>
{{HeaderNav2
|previous = જન્મની ફેરશિક્ષા
|next = પંખાળા ઘોડા
}}

Latest revision as of 10:29, 20 October 2021


નીંદરા ડ્હોળાણી

સુંદરજી બેટાઈ

પાછલી રાતુંની મારી નીંદરા ડ્હોળાણી, ને
આગલી રાતુંના ઉજાગરા ઓ જી રે!

ધરતી ધાવણધારા,
ધરતી ધાવણધારા ઊંડી રે શોષાણી, ને
આગઅંગાર ઊઠે આભમાં ઓ જી રે!

લ્હેકી લચુંબી મારી,
લ્હેકી લચુંબી મારી વાડીયું વેડાણી, ને
આંગણે ઝીંકાઈ રહ્યાં ઝાંખરાં ઓ જી રે!

કેસરે મ્હેકન્ત ક્યારી,
કેસરે મ્હેકન્ત ક્યારી ઉરની ઉજાડી, ને
આંખે અંધારાં ઘોર આંજિયાં ઓ જી રે!

પાછલી રાતુંની મારી નીંદરા ડ્હોળાણી, ને
આગલી રાતુંના ઉજાગરા ઓ જી રે!

(તુલસીદલ, ૧૯૮૯, પૃ. ૩)



આસ્વાદ: ઉત્કટ આરતની વાણી – હરીન્દ્ર દવે

ભજનવાણીમાં અનુભવાતી ઉત્કટ આરત અર્વાચીન કવિતામાં બહુ ઓછી ક્ષણોએ સાંભળવા મળી છે. આવી ક્ષણોનો અનુભવ કરાવતી કાવ્યપંક્તિઓમાં આ ગીતની પ્રથમ બે પંક્તિઓને સ્થાન મળી શકે એમ છે. લય, શબ્દવિન્યાસ કે મર્મ-સ્પર્શીતા, એ ત્રણે દૃષ્ટિએ આ બે પંક્તિો કોઈ જુદી જ અનુભૂતિનો પાસ આપી જાય છે.

કવિ મનની એક એવી પરિસ્થિતિનું ચિત્રણ કરે છે — જેમાં પાછલી રાતની નિદ્રા ડહોળાઈ ગઈ છે — અને આગલી રાતનો ઉજાગરો છે; વચ્ચે નિદ્રાની તો કોઈ ક્ષણો છે જ નહિ, હોય તો થોડી અભાનની ક્ષણો હોય!

આ ઉદ્ગાર ઉત્તાપમાંથી આવ્યો છે; અને પછીની કડીઓમાં આ ઉત્તાપ સર્જતી અવસ્થાઓ નિરૂપાઈ છેઃ આ ધરતીનું અમી જાણે શોષાઈ ગયું છે — અને આકાશમાંથી અંગારા ઝરે છેઃ ક્યાંય ઠરવા ઠેકાણું લાગતું નથી.

ફૂલેલી સમૃદ્ધ વાડીઓ વેડાઈ ગઈ છે — હવે આંગણા પર માત્ર ઝાંખરાં એકઠાં થયાં છે.

અહીં સુધી કવિતામાં કશું સ્પષ્ટ થયું નથી — પછીની પંક્તિમાં કવિ થોડું પ્રગટ કરી દે છેઃ અંતરની કેસરથી મહેકતી ક્યારી કોઈકે ઉજાડી નાખી છે — અને દૃષ્ટિ પર અંધારું આંજી દીધું છે…

ઘોર હતાશાની આ પરિસ્થિતિ છે — ક્યાંય ચેન નથી પડતું: રાતે નિદ્રા નથી આવતી, અને તંદ્રાવસ્થામાં જરા જીવ ઝોલે ચડે કે દુઃસ્વપ્નો આવીને નિદ્રાને ડહોળી નાખે છે… અને આવી ઉત્કટ ક્ષણે કવિની પાસેથી સહજ ઉદ્ગાર સરી પડે છેઃ

પાછલી રાતુંની મારી નીંદરા ડોળાણી
આગલી રાતુંના ઉજાગરા ઓ જી રે!

પરંતુ કવિતાનો અર્થ આથી પણ આગળ જાય છેઃ આ કદાચ સ્થૂલ પીડાનું કાવ્ય નથી; સૂક્ષ્મ સંવેદનાનો ઉદ્ગાર છે. ધરતીનું ધાવણ કે આભની અમીવર્ષા લહેકી લચુંબી વાડી કે કેસર મહેકન્તી ક્યારી — આ બધું જ સ્થૂલ જીવન સાથેના ઉતરડાતા સંબંધના પ્રતીક રૂપે આવે છે.

તમે વિરક્તિની ક્ષણે પહોંચવા માગો ત્યારે આસક્તિ સૌથી પ્રબળ અવાજે તમને મૂંઝવવા પ્રયત્ન કરે છે — એ તમને ચેન કે જંપ લેવા દેતી નથી — રાતોના ઉજાગરા કરાવે છે — અને ઉજાગરા પછી થાકેલી આંખો સહેજ મળે કે ન મળે ત્યાં નિંદરને ડહોળી નાખે છે.

આવી સંવેદનાની ક્ષણો પછી જ કદાચ બાલમુકુન્દના એક ભજનમાં જે ઉક્તિ આવે છે એ સાર્થ બની શકેઃ

ઉઘાડી આંખે વીરા! એવાં જી ઊંઘવાં કે —
કોઈ ના શકે રે સુરતા તોડી.

પરમ તત્ત્વ જોડેનો સંબંધ કોઈ તોડી ક્યારે શકે? જ્યારે નિદ્રાનું, અભાન ક્ષણનું અસ્તિત્વ હોય ત્યારે ને!

ઉઘાડી આંખે ઊંઘવાનો કસબ આવડે એ પહેલાં આ આગલી રાતના ઉજાગરા અને પાછલી રાતની ડહોળાયેલી નિંદરમાંથી પસાર થવું જ પડે છે. (કવિ અને કવિતા)