અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/મુસીબતની દશા યાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

Line 47: Line 47:

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/7/7b/Raheshe_Mane_Aa_Maaree-Ninu_Mazumdar.mp3

`મરીઝ' • રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ • સ્વરનિયોજન: નીનુ મઝુમદાર  • સ્વર: મન્ના ડે

Latest revision as of 16:35, 26 January 2022

મુસીબતની દશા યાદ

મરીઝ

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.

પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યા યાદ.

એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ,
હો વિશ્વના વિસ્તારમાં એક સૂની જગા યાદ.

મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.

મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનનીય મજા યાદ.

માગી મેં બીજી યીજ, હતી એ જુદી વસ્તુ,
બાકી તો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.

આ દર્દ મહોબ્બતનું જે હરગિજ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.

એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.

કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.

જાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
થોડાક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.

ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,
મંજિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.

મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.

(આગમન, પૃ. ૧૨૦-૧૨૧)(આગમન, પૃ. ૧૨૦-૧૨૧)

`મરીઝ' • રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ • સ્વરનિયોજન: નીનુ મઝુમદાર • સ્વર: મન્ના ડે

આસ્વાદ: પ્રાણવાન અનુભૂતિની ક્ષણો – હરીન્દ્ર દવે

એક ઉર્દૂ મુશાયરામાં ‘જિગર’ મુરાદાબાદીએ એક ગઝલ રજૂ કરીઃ

ના ઉનકે સિતમયાદ, ન કુછ અપની વફા યાદ
અબ મુઝકો નહીં કુછ ભી મહોબ્બત કે સિવા યાદ.

(ન એમના જુલ્મનું સ્મરણ છે કે નથી સ્મરણ મારી નિષ્ઠાનું, હવે તો માત્ર પ્રેમનું જ સ્મરણ શેષ રહ્યું છે.)

એ વખતે આ ‘યાદ’ રદીફ (પ્રાસ) પર ગઝલ લખવાનો બે કે ત્રણ ગુજરાતી કવિઓએ સંકલ્પ કર્યો, એમાંથી શ્રેષ્ઠ નિપજ, આ ઉપરની ગઝલ છે. પ્રેરણાનું નિમિત્ત બનેલ ઉર્દૂ ગઝલને પણ કેટલાક તબક્કે અતિક્રમી ગઈ છે.

ગઝલ અનુભવના જગતનો પૂર્ણ નકશો નથી, તેનો પૂર્ણ ખ્યાલ આપી શકે એવો અંશ છે; માત્ર બે પંક્તિઓમાં ભાવને પૂર્ણપણે પ્રકટ કરવાની મર્યાદા જ સાચા કવિના હાથમાં શક્તિ બનીને કેવી રીતે ઊભી રહે એનું ઉદાહરણ આ ગઝલ મળે છે. પ્રત્યેક કડીમાં એટલી ભાવસમૃદ્ધિ છે કે એક જ કડીની વાત કરીએ તો પણ અહીં જગ્યા ખૂટી પડે.

‘યાદ’ કેવળ પ્રાસ તરીકે નહીં, નક્કર અનુભવરૂપે આપણા મનમાં વસે છેઃ હૃદય કેવું પ્રેમાળ છે, કે બધાને યાદ કરી લેવાનું મન થાય છે, અને દુઃખદર્દ કેવાં છે કે તમારું—પ્રિયજનનું પણ સ્મરણ કરવાની ફુરસત રહેતી નથી. ‘ગાલિબે’ જ કહ્યું છેઃ ‘ગમે ઈશ્ક ગર ન હોતા, ગમે રોઝગાર હોતા’ (પ્રણયનું દુઃખ ન હોત, તો સંસારનું દુઃખ હોત!)

આપણે અહીં બે જ શેર વિશે વાત કરીશું.

આપણે ક્યાં જવાનું છે, શા માટે જવાનું છે કઈ દિશામાં કે કયે રસ્તેનું, એ ખરેખર જાણીએ છીએ? શંકરાચાર્યે પણ આ સવાલ પૂછ્યો હતો પ્રત્યેક યુગમાં કવિને આ પ્રશ્ન ઊઠે છે, અને કવિ પાસે એનો ઉત્તર છેઃ ‘નિરુદ્દેશે સંસારે મુજ ભ્રમણ.’ અહીં આપણા કવિ એ જ વાત કહે છે—પણ પોતાની જ વિશિષ્ઠ અભિવ્યક્તિ દ્વારા. નિરુદ્દેશ ગતિમાં જ કવિનો આનંદ સમાઈ જાય છેઃ કશું યાદ નથી કે ક્યાં જવું છે—એનું દુઃખ પણ નથી. ક્યાંક પણ જઈએ તો છીએ! આ ગતિ તો રહી છે અને એની પણ એક મઝા છે.

એક બીજો શેર—

કરુણતાની પરિસીમા કોઈ બાંધી શકતું નથી પ્રત્યેક કવિ પોતાની રીતે વેદનાને વાચા આપે છે. આપણા કવિ પ્રાર્થના માટે મસ્જિદમાં જવાની સલાહ આપતા ધર્મોપદેશકને કહે છેઃ ‘આ ખંડેર થઈ ગયેલા ઘરમાં જ મને રહેવા દે અહીં મને ભગવાન વધારે યાદ આવશે.’ ઘરને જુએ છે—ઘરની પાયમાલી દરો—દીવારમાં અંકાઈ ગઈ છે. બેહાલ ઘરમાં રહેતાં રહેતાં ક્ષણે ક્ષણે પ્રભુની લીલા માનવીને સમજાય છે. પછી ભગવાનને યાદ કરવા માટે મંદિર કે મસ્જિદની આવશ્યકતા નથી. તબાહીભર્યું ઘર જ બસ છે, ત્યાં પ્રભુના સ્મરણ વિનાની કોઈ ક્ષણો પસાર થતી નથી.

ગુજરાતી ભાષામાં લખાયેલી થોડીક નખશીખ સુંદર ગઝલોમાંની એક ગઝલના પ્રત્યેક શેર પાસે થોભી શકીએ પણ એને આપણે મનથી જ માણીએ. (કવિ અને કવિતા)