ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/‘કૃષ્ણક્રીડા’: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘કૃષ્ણક્રીડા’'''</span> [૨.ઈ.૧૫૩૬/સં. ૧૫૯૨, આસો સુદ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કૃષ્ણ-૧ | ||
|next = | |next = કૃષ્ણકુળ | ||
}} | }} |
Latest revision as of 12:26, 3 August 2022
‘કૃષ્ણક્રીડા’ [૨.ઈ.૧૫૩૬/સં. ૧૫૯૨, આસો સુદ ૧૨, ગુરુવાર] : રાદેસુત કેશવદાસ કાયસ્થનું ૪૦ સર્ગ ને આશરે ૭૦૦૦ પંક્તિઓ ધરાવતું આ કાવ્ય અંબાલાલ બુ. જાનીએ ‘શ્રીકૃષ્ણલીલાકાવ્ય’ના નામે પ્રસિદ્ધ કર્યું હતું. એમાં કર્તાનું નામ ‘કેશવરામ’ અપાયું છે, પરંતુ કાવ્યમાં તો સર્વત્ર ‘કેશવદાસ’ની જ છાપ છે, અને પ્રત્યેક સર્ગને અંતે આ કાવ્યનો ‘શ્રીકૃષ્ણક્રીડા’ના નામે જ નિર્દેશ છે. આ કાવ્યમાંની ‘તિથિ સંવત નિધિ દસકા દોય’ - એ પંક્તિને આધારે એનો રચનાસમય એક મતે સં.૧૫૨૯ (ઈ.૧૪૭૩) અને બીજા મતે સં.૧૫૯૨ (ઈ.૧૫૩૬) મનાયો છે. બીજા મતને પંચાંગની ગણતરી તથા કૃતિનાં આંતરપ્રમાણોનું સમર્થન છે. મુખ્યત્વે ભાગવતના દશમસ્કંધના આધારે રચાયેલા આ કાવ્યમાં ભગવતના અન્ય સ્કંધો ઉપરાંત હરિવંશ, કૃષ્ણકર્ણામૃત, શ્રીધરની ભાગવત-ટીકા આદિ સંસ્કૃત ગ્રંથોનો; સૂરદાસ, પરમાનંદદાસ આદિની કૃષ્ણવિષયક વ્રજકવિતાનો તથા ભાલણનો ‘દશમસ્કંધ’, ભીમની ‘હરિલીલાષોડશકળા’ (૨.ઈ.૧૪૫૮) આદિ ગુજરાતી કવિઓનો તેમ જ કૃષ્ણવિષયક લૌકિક પરંપરાના સાહિત્યનો લાભ લેવાયો છે. પુષ્ટિસંપ્રદાયની ભક્તિધારાનો પ્રભાવ આ કવિ પર હોવાનું અનુમાન થયું છે. આ કાવ્યમાં કવિએ ભાગવતમાહાત્મ્યથી આરંભી દશમસ્કંધ અનુસાર કૃષ્ણના લગભગ સમગ્ર ચરિત્રને આવરી લઈ, એનું સંક્ષેપે પણ રસાત્મકતાએ મહિમાગાન કર્યું છે. કૃષ્ણની વસંતલીલા, ઉદ્ધવગોપીસંવાદ, રુક્મિણીહરણ, ઉષા દ્વારા અનિરુદ્ધહરણ, સુદામાચરિત વગેરે સર્ગો સ્વતંત્ર એકમ તરીકેય રસાવહ જણાય છે. વસંતલીલાના સર્ગને તો પોતાનું અલગ મંગલાચરણ પણ છે. કવિએ કૃષ્ણકથાનું પૌરાણિક વાતાવરણ જાળવ્યું છે છતાં લગ્નાદિ પ્રસંગોના નિરૂપણમાં તત્કાલીન સામાજિક રિવાજોનો પ્રભાવ પડ્યો હોવાનું જણાય છે. કવિએ ઉત્કટ ઊર્મિના પ્રસંગો પદ-ઢાળમાં, તો વર્ણનાત્મક કથાપ્રસંગો ચોપાઈના પદબંધમાં ઢાળ્યા છે. ૧૪મા સર્ગમાં રાધાકૃષ્ણ વચ્ચેના સંવાદમાં નાટ્યાત્મક રીતિનું નિરૂપણ ધ્યાન ખેંચે એવું છે. કવિની પાત્રો-પ્રસંગોને સંક્ષેપે પણ ચિત્રાત્મક રીતે રજૂ કરવાની શક્તિ પ્રશસ્ય છે. આ કાવ્યમાં પ્રયોજાયેલા રાગઢાળો, પદબંધો ને વૃત્તોનું વૈવિધ્ય કવિની સંગીત તેમ જ પિંગળની જાણકારી બતાવે છે. મુખ્યત્વે તો પૂર્વછાયા ને ચોપાઈબંધ અહીં પ્રયોજાયો છે. તદુપરાંત ભુજંગપ્રયાત, હનુમંત, નારાચ, સોરઠા તથા હિંદી શૈલીના કવિત-છપાયા તેમ જ ત્રોટક, અડિયલ, મડયલ જેવા વૃત્તોબંધોયે પ્રયોજાયા છે. ખાસ કરીને ૧૩મા સર્ગમાં રાસલીલાવર્ણનમાં શાર્દૂલવિક્રીડિતના લયનો તેમ જ ૧૪મા ને ૧૬મા સર્ગમાં ‘કારિકા’ કે ‘કડવા’માં આવતી ૧ પંક્તિના ઉત્તરાર્ધને ૪ કે ૮ પંક્તિઓના ત્રોટકબંધમાં આરંભે દોહરાવીને એ રીતે સિદ્ધ કરેલી યમકસાંકળીવાળી પદ્યરચના ધ્યાનાર્હ છે. કવિની ચારણી છંદો પર પણ પ્રભુતા છે. આ કવિની સંસ્કૃતજ્ઞતાની, કાવ્યમાં ‘સંમતિ કારણે’ સોનામાં હીરા જડ્યા હોય એ રીતે ઉતારેલા ૯૬ સંસ્કૃત શ્લોકો, એમાંના કેટલાકના પોતે કરેલા રોચક પદ્યાનુવાદો, પંડે રચેલા ૧૬ સંસ્કૃત શ્લોકો તથા ‘સંસ્કૃતતા ગુર્જરી’ તરીકે ઓળખાવાયેલી પ્રાસાદિક કાવ્યશૈલી પરથી પ્રતીતિ થાય છે. એમનું વ્રજભાષાપ્રભુત્વ સૂરદાસને અનુસરી રજૂ કરેલા કૃષ્ણરાધાના શ્લેષાત્મક ચાતુરીયુક્ત સંવાદમાં તેમ જ કેટલાંક મધુર ભાવવાહી પદોમાં વરતાઈ આવે છે. એમની કાવ્યશૈલી યથાપ્રસંગ માધુર્ય, ઓજસાદિ ગુણો દાખવે છે. તેમનું ભાષાસામર્થ્ય ભાવોચિત પ્રાસાનુપ્રાસયોજનામાં જોઈ શકાય છે. આ કાવ્યમાંથી ઊપસતી કવિની ભક્ત તેમ જ કલાકાર તરીકેની મુદ્રા ઊંચી કોટિની છે. ગોપીજનવલ્લભ કે દશાવતારની સ્તુતિમાં જ નહીં, પ્રત્યેક સર્ગમાં વળીવળીને ભગવન્મહિમા દાખવી મનુષ્યાવતાર સાર્થક કરવાનો બોધ આપતી સુંદર ઉક્તિઓમાંયે એમનું ભક્તહૃદય દેખાય છે. ભાગવતના દશમસ્કંધનું આવું સારોદ્ધારરૂપ ને સાથે રસાત્મક એવું કેશવદાસનું આ કાવ્ય ગુજરાતી દશમસ્કંધની કાવ્યપરંપરામાં એક મહત્ત્વનું પ્રદાન બનવા સાથે તેમને એક સુકવિ તરીકે પ્રતિષ્ઠિત કરે છે. [ચ.શે.]