બહુવચન/સમ્યકત્વ શું છે?: Difference between revisions
No edit summary |
No edit summary |
||
Line 28: | Line 28: | ||
{{right|'''''(સન્ધિ : વર્ષ ૪ : સળંગ અંક ૧૪ : ૨૦૧૦)'''''}} | {{right|'''''(સન્ધિ : વર્ષ ૪ : સળંગ અંક ૧૪ : ૨૦૧૦)'''''}} | ||
<br> | <br> | ||
<center>[[File:Bahuvachan Photo 18.png|300px]]</center> | |||
{{center|ઇમેન્યુઅલ કાન્ટના હસ્તાક્ષર}} | |||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 14:08, 16 July 2023
૧. સમ્યકત્વ એટલે મનુષ્યએ જાતે વહોરી લીધેલી અપરિપક્વતામાંથી નિર્ગમન, મનુષ્યએ જાતે વહોરી લીધેલી અપરિપક્વતામાંથી બહાર નીકળવાની પ્રક્રિયાને સમ્યકત્વ કહે છે. કોઈ પરકીય દોરવણી વગર સ્વયં પોતાની સમજણનો વિનિયોગ કરવાની અક્ષમતાને અપરિપક્વતા કહે છે. આ અપરિપક્વતાનું કારણ સમજણનો અભાવ નહિ, પરંતુ પરકીય દોરવણી વગર સમજણને વિનિયોગ કરવાના દૃઢ-નિશ્ચય તેમ જ હિમ્મતનો અભાવ હોય તો એ જાતે વહોરી લીધેલી હોય છે. તેથી સમ્યકત્વનો મુદ્રાલેખ છે : Sapere aude! તમારી સમજણનો વિનિયોગ કરવાની હિમ્મત કેળવો. ૨. પ્રકૃતિએ જ જ્યારે લાંબા અરસાથી એમને પરકીય દોરવણીમાંથી મુક્તિ અપાવી દીધી હોવા છતાં લોકો આટલી વિપુલ સંખ્યામાં હરખભેર આજીવન અપરિપક્વ રહી જતા હોય તો એનાં કારણો છે અલસતા તેમ જ કાયરતા. એ કારણોને લીધે તો પરાયાઓને માટે લોકોના વાલીઓને ઠેકાણે ગોઠવાઈ જવાનું અત્યંત સરળ બની રહે છે. અપરિપક્વ હોવું કેટલું તો સગવડભર્યું! મારે સ્થાને, સમજણ પ્રાપ્ત કરવા એકાદ પુસ્તક જો હોય; મારા વતી વિવેકબુદ્ધિ ધરાવવા એકાદ આધ્યાત્મિક ગુરુ બેઠા હોય; મારા માટે પથ્ય આહારનો નિર્ણય લેવા એકાદ ડૉક્ટર હાજર હોય; મારે કશો જ પ્રયાસ કરવાનો રહે નહિ; હું જ્યાં સુધી નાણાં ખરચી શકતો હોઉં ત્યાં મારે વિચાર સરખો કરવાની પણ જરૂર ન રહે. પરકીય જનો સત્વરે મારી પાસેથી થકવી નાખનારાં કામ પોતે ઉપાડી લેશે. કરુણાથી પ્રેરાઈને દેખરેખનું કામ પોતાને માથે ઉપાડી લેનાર એ વાલીઓ એક વાતની ખાસ કાળજી લેશે કે માનવજાતિનો સૌથી મોટો ભાગ (સમસ્ત સ્ત્રીવર્ગ સમેત) પરિપક્વતા ભણી ડગલું માંડવાના પ્રયાસને દુષ્કર જ નહિ, સાથે સાથે ખતરનાક પણ લેખતા રહે. એમનાં પાળેલાં પ્રાણીઓને સૌપ્રથમ મોહવશ કરી લીધા પછી એ રાંકડા જીવોને ગળે પટ્ટો બાંધી, એમાં ભેરવેલી સાંકળથી કોઈના દોરવાયા વિના ડગલું માંડવાની કામ કરતાં રોક્યા પછી, કોઈની સહાય વગર ચાલવાનો પ્રયાસ કરવાથી કેટલો મોટો ભય એમની સામે દાંતિયાં કરતો ઊભો છે એ દેખાડવાનું છે. હવે એ ભય વાસ્તવમાં કંઈ એવો મોટો હોતો નથી, બે-ચાર ગડથોલિયાં ખાઈ લીધા પછી એઓ ચોક્કસ આપમેળે ચાલતા થઈ જવાના, પરંતુ આવું દૃષ્ટાંત ભયપ્રેરક હોઈ સામાન્ય રીતે વધુ પ્રયાસ કરવાના વિચારે જ એઓ થથરી ઊઠે છે. ૩. આમ, પ્રત્યેક ભિન્ન વ્યક્તિ માટે આવી અપરિપક્વતામાંથી માર્ગ કાઢવો મુશ્કેલ હોય છે, કેમ કે એ એમના સ્વભાવનું એક અંગ બની ગઈ હોય છે. એવી અપરિપક્વતા એને ગમવી પણ શરૂ થઈ હોય છે અને તાત્પૂરતો એ પોતાની સમજણનો વિનિયોગ કરવા ખરે જ અસમર્થ બની બેસે છે, કેમ કે એને આવો કોઈ પ્રયાસ કરવા દેવામાં આવ્યો જ નથી. મતાગ્રહો, સમીકરણો અને એની નૈસર્ગિક ક્ષમતાઓના બૌદ્ધિક વિનિયોગ (કે પછી દુર્વિનિયોગ) માટે તૈયાર કરેલાં પેલાં ઉપકરણો – આ બધાં જ એની સદાકાળની અપરિપક્વતાને પોખનારાં બંધનો છે, બેડીઓ છે અને ધારો કે અમુક વ્યક્તિ એને ઉખાડીને ફેંકી પણ દે, તેમ છતાં એકાદ સાંકડી ખાઈને કુદાવી જવાની પણ અવઢવમાં રહેશે કેમ કે આવી હલચલથી એ ટેવાયેલો હોતો નથી. આમ, આંગળીનાં ટેરવે ગણાવી શકાય એટલા જ પોતાના મનને કેળવીને અપરિપક્વતામાંથી મુક્તિ મેળવવામાં સફળ નીવડે છે અને હિમ્મતભેર પોતાને માર્ગે આગળ ધપી રહેતા હોય છે. ૪. સ્વયં જનતા-સમગ્ર પોતાને સમ્યકત્વધારી બનાવે એવી સંભાવના અધિક રહેલી છે. નિસ્બત ધરાવતી જનતાને જો સ્વતંત્ર મૂકી દેવામાં આવે તો આવું બનવું ખરેખર અનિવાર્ય થઈ જાય. પોતાને વિશે વિચારતા રહેતા હોય એવા જૂજ કેટલાક જણ તો જડી જ આવે, આમ-સમુદાયના વાલીઓ રૂપે જેની નિમણૂક થઈ છે એવામાંથી સુધ્ધાં, એક વાર અપરિપક્વતાની ધૂંસરીને ફેંકી દીધા પછી, આવા વાલીઓ અંગત મૂલ્ય પરત્વેની બુદ્ધિમૂલક આદરની ભાવનાનું પ્રસારણ કરતા રહેશે તેમ જ પોતાના વિશે વિચારતા રહેવું એ તમામ મનુષ્યોના કર્તવ્ય વિશે જાગૃતિ આણતા રહેશે. આને લગતી એક નોંધપાત્ર વાત એ છે કે જે વાલીઓએ આ પૂર્વે આવી ધૂંસરીમાં જોતરી દીધી હતી એ જનતાને, પછીથી આવનારા અને સમ્યકત્વ સિદ્ધ કરવા અસમર્થ એવા લોકો, જો ઢંઢોળીને જગાડી મૂકે તો આખરે એ જનતા સ્વયં વાલીઓને એ ધૂંસરી હેઠળ જોતરાઈ રહેવાની ફરજ પણ પાડે, પરંતુ અભિનિવેશોની વંશવૃદ્ધિ કરતા રહેવું અત્યંત હાનિકારક નીવડતું હોય છે કેમ કે એ અભિનિવેશો આખરે તો એમના પર જ વેર વાળવાના છે જેમણે એમને પ્રથમ પ્રોત્સાહિત કર્યા (અથવા જેના પુરોગામીઓએ કર્યા હોય.) આમ, જનતા તો અત્યંત મંદ ગતિએ સમ્યકત્વ સિદ્ધ કરી શકે. એકાદ ક્રાંતિ કદાચ આપખુદ જુલમગારો અને લૂંટફાટ કે સત્તા કબ્જે કરવાના અત્યાચારોનો અંત આણી દે, પરંતુ વિચારવાના માર્ગમાં એ કદી ખરેખરો સુધારો કરી શકે નહિ. એને બદલે નવાગત અભિનિવેશો જૂનાઓની જેમ જ વિચારશૂન્ય મહાસમુદાયને નિયંત્રણમાં રાખવાની વાધરીની ગરજ સારશે. ૫. આ પ્રકારના સમ્યકત્વ માટે આવશ્યક હોય છે કેવળ સ્વાતંત્ર્ય અને જે સ્વાતંત્ર્યની જિકર થઈ રહી છે એ છે તમામ બાબતોમાં પોતાની જ બુદ્ધિનો જાહેર વિનિયોગ કરતી કરવા માટેનું સૌથી નિરુપદ્રવી સ્વાતંત્ર્ય, પરંતુ મારે કાને તો ચોમેરથી એક કકળાટ અથડાયા કરે છે : દલીલો નહિ કરો! સૈન્યનો અફસર કહેતો હોય છે : વિવાદ નહિ કરો, કવાયત કર્યે જાઓ! કરવેરા-અધિકારી : ચર્ચા નહિ, નાણાં ચૂકવતા રહો! તો પાદરીસાહેબ : દલીલબાજીથી કશું નહિ વળે, આસ્થાળુ બનો! (જગતઆખામાં કેવળ એક શાસક એમ કહેતો સંભળાય છે : તમને મનગમતી દલીલો મન ભરીને કરોને, પરંતુ આજ્ઞાનું પાલન તો કરવું જ પડે.) આ સઘળાનો અર્થ થાય છે. સર્વત્ર સ્વતંત્રતા પર નિયંત્રણ મુકાયાં છે, પરંતુ કયા પ્રકારનું નિયંત્રણ સમ્યકત્વને સિદ્ધ થતું રોકતું હોય છે અને કયો પ્રકાર એને અવરોધવાને બદલે વસ્તુતઃ એને પુરસ્કૃત કરતો હોય છે? મારો ઉત્તર છે : મનુષ્યની બુદ્ધિનો જાહેર વિનિયોગ સર્વદા સ્વતંત્ર જ હોવો જોઈએ, અને કેવળ એ જ મનુષ્યોની અંદર સમ્યકત્વ આણી શકે; બુદ્ધિનો અંગત પ્રકારનો વિનિયોગ સંકીર્ણપણે કુંઠિત થયેલો મોટે ભાગે તો હોય છે. જોકે સમ્યકત્વ સિદ્ધિની પ્રગતિ આડે અકારણ અવરોધરૂપ હોતું નથી. સ્વયં પોતાની બુદ્ધિનો જાહેર વિનિયોગ એવું કહેવા પાછળ મને એવું અભિપ્રેત છે કે એ એવો વિનિયોગ છે જેમાં કોઈ પણ વ્યક્તિ, એક વિદ્વાનરૂપે સમસ્ત વાંચનારી જનતાને સંબોધવામાં કરતો હોય. અને બુદ્ધિના અંગત વિનિયોગ દ્વારા એવું અભિપ્રેત છે જે કોઈ વ્યક્તિને વિશિષ્ટ નાગરિક પદવી અથવા ઓફિસનો કાર્યભાર જેને સોંપ્યો છે એમાં એનો વિનિયોગ કરતો હોય. ૬. હવે લોકસમસ્તના કેટલાક વ્યાપારોમાં આપણને અમુક યંત્રરચના ગોઠવવાની આવશ્યકતા વરતાય છે જેમાં લોકસમસ્તના કેટલાક સભ્યોએ નરી નિષ્ક્રિયતાથી વર્તવાનું રહે છે જેથી એક કૃત્રિમ સામાન્ય કરાર દ્વારા સરકાર જાહેર સાધ્યો પાર પાડવા કામ પર રોકી લે (અથવા કંઈ નહિ તો દૂષિત થતા રોકવા). આવા કિસ્સાઓમાં, અલબત્ત, દલીલ કરવાની અનુમતિ મળે નહિ, આજ્ઞાંકિત હોવું ફરજિયાત છે, પરંતુ અમુક આ કે તે વ્યક્તિ આવી યંત્રરચનાના એક ભાગરૂપે કાર્ય કરતી હોય અને પોતાને લોકસમસ્તના એક સભ્ય તરીકે પચરંગી સમાજના એક સભ્ય તરીકે પણ ખપાવતી હોય, ઉપરાંત વિદ્વાન તરીકે પોતાનાં લખાણો દ્વારા જાહેરમાં સંબોધન, વાસ્તવિક અર્થમાં, કરતી હોય તો એ જેને માટે એને કામ પર લેવામાં આવી હોય એ વ્યાપારોને હાનિ પહોંચાડ્યા વિના, નિષ્ક્રિય હોવાના અમુક સમય સુધી કદાચ દલીલો કરે પણ ખરી. ૭. એ જ રીતે, સૈન્યનો કોઈ અફસર, એ ફરજ પર હોય એ દરમિયાન એના ઉપરીઓ તરફથી અમુક આદેશ મળ્યો હોય એની યોગ્યતા અને ઉપયોગિતાના બારામાં એમની જોડે બાખડવું શરૂ કરે તો એ વસ્તુ અત્યંત હાનિકારક નીવડે એમાં શંકા નથી, એણે તો કેવળ મળેલા આદેશનો અમલ કરવાનો હોય, પરંતુ એક વિદ્વાન પણ હોવાના નાતે લશ્કરી સેવાઓમાં રહી ગયેલી ક્ષતિઓ પરત્વે પોતાનાં નિરીક્ષણો જનતા સમક્ષ, એના નિર્ણયો મેળવવા, રજૂ કરતો હોય તો વાજબી રીતે એના પર પ્રતિબંધ મૂકી શકાય નહિ; કોઈ નાગરિક, એના પર લાદવામાં આવેલા કરવેરા ચૂકવવાનો ઇનકાર કરી શકે નહિ; કરવેરા ચૂકવવાનું કહેણ મળે ત્યારે એવા વેરાઓની ધૃષ્ટ આલોચના કરવી એને ઉદ્દંડતા ગણીને સજાપાત્ર ઠેરવવી જોઈએ. આ પ્રકારનું વર્તન એક વ્યાપક બંડ ભણી દોરી જઈ શકે; તેમ છતાં એનો એ નાગરિક, એક વિદ્વાનના સ્વાંગમાં, આવા નાણાકીય પગલાની અયોગ્યતા અને અન્યાયીતા વિશે જાહેરમાં પોતાના વિચારોને વાચા આપે તો એ પોતાના નાગરિક દાયિત્વનું ઉલ્લંઘન કરતો નથી. ૮. એ જ મુજબ, એક પાદરી જે ચર્ચમાં પોતે સેવા આપી રહ્યો છે એના સિદ્ધાંતોને અનુરૂપ હોય એવો ઉપદેશ પોતાના શિષ્યો તેમ જ ખ્રિસ્તી સમુદાયને આપવાનો જ, કેમ કે એને એ કામ માટે જ લેવામાં આવ્યો હોય છે, પરંતુ એક બહુશ્રુતરૂપે ચર્ચના એ સિદ્ધાંતો કે ભૂલભરેલાં પાસાંઓની એણે કાળજીપૂર્વક કરેલી વિચારણા અને શુભ ઇરાદાપૂર્વકના વિચારો જનતા સુધી પહોંચાડવા, તેમ જ ધર્મગત અને ધર્મોપદેશને લગતા વ્યાપારોની વધુ સારી ગોઠવણી અંગેનાં સૂચનો પણ એમની સામે ધરી આપવા એ સંપૂર્ણપણે મુક્ત છે અને એ એનું દાયિત્વ પણ છે. એની વિવેકબુદ્ધિને ખટક્યા કરે એવું કશું એમાં હોતું નથી. એમાં અને પોતાનાં કર્તવ્યો અદા કરતાં એ જે શીખવતો હોય એ, ચર્ચના એક સક્રિય સેવકના રૂપમાં રજૂ કરતો હોય એવી મુનસફી પર રજૂ કરવાની સત્તા એને મળેલી હોતી નથી, પરંતુ અમુક નિયત કરેલી ઢબમાં અને અન્ય કોઈના નામે એનું વિવરણ કરી આપવા એને કામ પર લેવામાં આવ્યો હોય છે. ૯. ત્યાર પછી એ કહેશે : આપણું ચર્ચ અમુક બાબતો શીખવે છે અને એ માટે જે દલીલોનો વિનિયોગ કરે છે એ આ પ્રમાણે છે. એ પછી ચર્ચના ઉપદેશોમાંથી શક્ય એટલા વ્યાવહારિક રૂપમાં પોતાના સમુદાય માટે એ સારવી આપતો રહે છે, જેને સ્વયં પોતાની માન્યતા એણે આપેલી હોતી નથી. તેમ છતાં એનું વિવરણ કરવાનું તે હાથ પર લેતો હોય છે, કેમ કે કશુંક તથ્ય એમાં સચવાઈ રહેલું હોવાની શક્યતા વાસ્તવમાં કાઢી મુકાય એવી નથી. ગમે તેમ તો પણ, ધર્મના અર્કની વિરુદ્ધનું કશુંક એ સિદ્ધાંતોમાં હાજર હોવાનું વરતાતું નથી હોતું. જો એ પાદરી એમ વિચારવા લાગે કે એ પ્રકારનું કશુંક એમાં રહેલું પોતે શોધી શકે તેમ છે તો પછી એ પોતાનાં સત્તાવાર કર્તવ્યો શુભ વિવેકબુદ્ધિપૂર્વક પૂરાં કરી શકશે નહિ, અંતે એણે રાજીનામું ધરી દેવું પડે. ૧૦. આમ, શિક્ષક તરીકે નોકરી પર રખાયેલો કોઈ પોતાના સમુદાયની ઉપસ્થિતિમાં પોતાની બુદ્ધિનો જે રીતે ઉપયોગ કરતો હોય છે એ નિતાંત અંગત સ્વરૂપનો હોય છે, કેમ કે એક સમુદાય ગમે તેટલો પ્રચંડ હોવા છતાં, એકાદ કૌટુંબિક મેળાવડાથી વિશેષ કશું હોતો નથી અને હોઈ શકે પણ નહિ, કેમ કે બહાર રહેલા કોઈના આદેશથી એ પ્રમાણે કાર્ય કરી રહ્યો છે. એથી ઊલટું, એક બહુશ્રુતના રૂપમાં એ અસલી જનતા (એટલે કે જગતસમગ્રના લોકો)ને પોતાનાં લખાણો દ્વારા એ સંબોધી રહ્યો હોય ત્યારે પોતાની બુદ્ધિનો જાહેર વિનિયોગ કરવા, અને એક સ્વાયત્ત વ્યક્તિરૂપે વક્તવ્ય આપવા એ અનહદ સ્વાતંત્ર્ય ભોગવી રહ્યો છે, કેમ કે આધ્યાત્મિક મામલાઓમાં લોકોના વાલીઓએ જાતે અપરિપક્વ રહેવું જોઈએ એ એક પ્રકારની અસંગતિ (absurdity) છે જે અસંગતિને શાશ્વત બનાવી દેવાની હદે જઈ પહોંચે છે. ૧૧. હવે ધારો કે પાદરીઓનો પોતાનો એક સમાજ હોય, જેમ કે ખ્રિસ્તી ધર્મોપદેશકોનું ચર્ચામંડળ (Synod અથવા તો આદરણીય ગણાતું નિયામક મંડળ વલંદાઓ જેને Presbytery કહે છે) તો એને સિદ્ધાંતોના અપરિવર્તનશીલ સંપુટને પ્રતિબદ્ધ રહેવાનો સોગંદ પર અધિકાર મળે ખરો જેથી એને એના પ્રત્યેક સભ્ય પર સદાને માટેનું અચલ એવું વાલીપણું મળી રહે, અને તે પછી એમના દ્વારા લોકો પર? મારો ઉત્તર છે, એ વાત સમૂળગી અશક્ય છે. એથી તો મનુષ્યજાતિને માટે આગળના સમગ્ર સમ્યકત્વનો થતો રહેલો વિકાસ રૂંધાઈ જાય. એવા આશયથી કરવામાં આવેલું આ કરારનામું નિરપેક્ષપણે રદબાતલ રહે છે, ભલેને પછી એને કોઈ પરમ સત્તાએ, કોઈ શાહી રાજ્યતંત્રએ કે ઊંચા સ્તર પરની કોઈ શાન્તિ-સન્ધિએ બહાલી આપી હોય. એ યુગ એના પછી આવનારા યુગને એવી દશામાં મૂકી દે કે હવે પછી એને જ્ઞાનનું વિસ્તરણ કરવાની કે એમાં સુધારાઓ કરવાની, ખાસ મહત્ત્વની બાબતોમાં, અથવા તો સમ્યકત્વ સિદ્ધ કરી શકવાની શક્યતા જ રહે નહિ. આ પ્રકારના મૈત્રી-જોડાણ કોઈની પણ સાથે સોગંદ પર કરી શકે નહિ. આ તો માનવીની પ્રકૃતિની પ્રગતિમાં રહેલી છે. પછીથી આવનારી પેઢીઓને આ કરારોને અનધિકૃત અને ગુનાહિત લેખી રદ કરી દેવાનો પૂરેપૂરો અધિકાર છે. ૧૨. કોઈ વિશિષ્ટ પગલું ભરવાનું વિચાર્યું હોય, એને લોકો પર કાયદારૂપે સ્થાપવાની પુષ્ટિ મળે કે નહિ એ જો ચકાસવું હોય તો આપણે કેવળ એટલું પૂછવું રહે કે લોકો જાતે આવો કાયદો પોતાના પર થાપે ખરા? અમુક વ્યવસ્થા દાખલ કરવી હોય ત્યારે નિશ્ચિત રૂપના ટૂંકા ગાળા માટે કદાચ એવું કરવું શક્ય હોય એ પછી એનાથી બહેતર ઉકેલની રાહ જોતાં એને અધ્ધરતાલ રહેવું પડે. આનો અર્થ વળી એ પણ થાય કે પ્રત્યેક નાગરિકને, ખાસ તો પાદરીને, બહુશ્રુત હોવાના કારણે સાંપ્રત સંસ્થાઓમાંની અધૂરપો પર પોતાનાં લખાણો દ્વારા જાહેરમાં ટિપ્પણી કરવા માટે છુટ્ટો દોર આપવામાં આવશે. દરમિયાન, નવી સ્થાપેલી વ્યવસ્થા અસ્તિત્વમાં ચાલુ રહે, જ્યાં સુધી લોકોની આંતરિક સૂઝ આવી બાબતોની પ્રકૃતિ વિશે પ્રગતિ સાધી ન લે અને અમુક બિન્દુએ પોતાને પુરવાર કરી ન આપે, સામાન્ય સમ્મતિથી (એકમતિ ન સધાય તો) એક પ્રસ્તાવ રાજદરબારમાં રજૂ કરી શકાય. આને લીધે ખ્રિસ્તી સમુદાયોની સુરક્ષા માટેનો પ્રયાસ થશે જેમણે ઉચ્ચતર સૂઝ અંગેના સ્વકીય ખ્યાલોના આધાર પર, પોતાનાં ધર્મ-સ્થાનકોમાં પરિવર્તન આણવાની સમ્મતિ આપી હતી, પરંતુ જેઓ પૂર્વે હતી એ જ સ્થિતિ ચાલુ રાખવા ઇચ્છતા હતા એમને અવરોધવાનો પ્રયાસ કરશે નહિ, પરંતુ એક શાશ્વત સ્વરૂપનું ધર્મગત બંધારણ ઘડવા માટેની અનુમતિ તો કોઈ પણ કાળે કોઈ પણ સંજોગોમાં મળી શકે નહિ જેને કોઈ પણ વ્યક્તિ જાહેરમાં પડકારી પણ ન શકે. આ પ્રકારની ઘટના મનુષ્યની ઊર્ધ્વ ભણીની પ્રગતિના એક આખા તબક્કાનો લગભગ છેદ ઉડાડી મૂકે અને આવનારી પેઢીઓ માટે નિરર્થક તેમ જ ખતરનાક સુધ્ધાં નીવડી શકે. એકાદ મનુષ્ય પોતાનાં અંગત કારણોસર અને તે પણ વળી સીમિત સમય પૂરતો પોતાના સમ્યકત્વને સિદ્ધ થતો કદાચ મુલતવી રાખે, પરંતુ આ સમ્યકત્વનો પરિહાર કરવો, પોતાને કારણે કે પછીની પેઢીઓના કારણે, એનો અર્થ થાય મનુષ્ય જાતિને મળેલા પુનિત અધિકારોનો ભંગ કરવો અને એને પગના તળિયે કચડી નાખવા. ૧૩. કશું – જેને જનતા પોતાના પર લાદવા પણ તૈયાર ન હોય ત્યાં કોઈ રાજવી તો નાખી જ કેમ શકે? વિધાનો ઘડનારી એની સત્તાનો સઘળો મદાર એ લોકોના સામૂહિક સંકલ્પ પોતાના સંકલ્પ સાથે કેવોક સુમેળ સાધે છે એના પર રહેલો છે. સઘળા ખરેખરા કે કાલ્પનિક સુધારાઓ નાગરિક વ્યવસ્થા સાથે એ બાબત પર દેખરેખ રાખી શકે ત્યાં સુધી ઠીક છે. અન્યથા એણે પોતાની રૈયત પર છોડી દેવું જોઈએ કે એ પોતાના મોક્ષ માટે જે કંઈ આવશ્યક હોય એ કરે, પછી એને એ સાથે નિસ્બત હોય નહિ, પરંતુ એને એક વાત સાથે જરૂર નિસ્બત છે કે પ્રજાનો અમુક વર્ગ બને એટલી સારી રીતે પોતાના મોક્ષ અંગેની વ્યાખ્યા કરીને એને પ્રોત્સાહિત કરી રહ્યો હોય એમાં બીજા કેટલાક બળજબરીએ અવરોધો નાખતા હોય એઓને રોકી પાડવા. રૈયત પોતાનાં લખાણો દ્વારા એના ધર્મગત ખ્યાલો સુસ્પષ્ટ કરી રહી હોય એમાં ડખલનો પ્રયાસ કરી એ સઘળું સરકારી દેખરેખ હેઠળ મૂકવાનો આદેશ આપે તો એ વસ્તુ નામદાર રાજાસાહેબ માટે શોભાસ્પદ નથી. એ રાજા જો પોતાના ઉદાત્ત ખ્યાલોના બળ પર વર્તી રહ્યો હોય તેને લાગુ પડે છે અને એવા કિસ્સામાં પોતાની જાતને આવા ઠપકાને પાત્ર બનાવે છે : Caesar non est supra Grammatiocos અને એથી અનેકગણો ઠપકાપાત્ર તો ત્યારે ઠરે કે પોતાની હકૂમતની હદમાં વસી રહેલા જૂજ જુલમગારોના આધ્યાત્મિક અત્યાચારો પ્રજાની વિરુદ્ધમાં આચરી રહ્યા હોય એમને એ રાજા ટેકો પૂરતો હોય અને ઉચ્ચ કોટિની સત્તાને કલંક લગાડતો હોય. ૧૪. હમણાં એવું જો પૂછવામાં આવે કે વર્તમાન સમયમાં આપણે સમ્યકત્વ સિદ્ધ થઈ ચૂકેલા યુગમાં જીવીએ છીએ, તો એનો જવાબ છે નહિ, પરંતુ આપણે સમ્યકત્વ સિદ્ધ થઈ શકે એવા યુગમાં તો જરૂરથી જીવીએ છીએ, વસ્તુસ્થિતિ જેમ છે એ મુજબ, લોકો પોતાની સમજણનો વિશ્વાસપૂર્વક અને સુમેળ કરી શકે એવી સ્થિતિમાં હોય (અથવા કદી એમને એવી સ્થિતિમાં મૂકી શકાય એ માટે આપણે હજી લાંબી મજલ કાપવાની રહે છે. જેમાં લોકો ધર્મગત બાબતોમાં બીજા કોઈની દોરવણી વિના સ્વયં પોતાની જ સમજણનો વિશ્વાસપૂર્વક અને સુપેરે વિનિયોગ કરતા હોય, પરંતુ આપણી પાસે એવા સ્પષ્ટ નિર્દેશો મોજૂદ છે કે એને માટે માર્ગ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે જેથી એ દિશામાં મુક્તપણે કાર્ય કરે અને માનવીએ જાતે વહોરી લીધેલી અપરિપક્વતાથી બહાર નીકળવાની આડે આવતા અવરોધો ક્રમે ક્રમે અલ્પ થતા જઈ રહ્યા છે. આ બારામાં આપણો યુગ એ સમ્યકત્વ પ્રાપ્તિ માટેનો યુગ છે, ફ્રેડરિકની શતાબ્દીનો. ૧૫. એક રાજકુંવર એમ કહેવામાં કશી હીણપત અનુભવતો ન હોય કે ધર્મગત મામલાઓમાં પોતાની પ્રજાને કોઈ નુસખા સૂચવવાને બદલે એમને સંપૂર્ણ સ્વતંત્રતા આપવી એને પોતાનું કર્તવ્ય માને છે, આમ એ રાજકુંવર વળી સહિષ્ણુ જેવો શેખીભર્યો ખિતાબ સ્વીકારવાનો પણ ઇનકાર કરતો હોય, એ સ્વયં સમ્યકત્વ સિદ્ધ છે. વર્તમાન અને ભાવિ પ્રજાની પ્રશંસાને પાત્ર છે : એવા માનવીરૂપે, જેણે મનુષ્યજાતિને અપરિપક્વતામાંથી સૌપ્રથમ મુક્ત કરી વિવેકબુદ્ધિને લગતી તમામ વાતોમાં લોકો સ્વયં પોતાની બુદ્ધિનો વિનિયોગ કરે એ માટે એમને સ્વતંત્ર રાખ્યા. એના શાસન હેઠળ, ધર્મોપદેશક મહાનુભાવો પોતાની સત્તાવાર ફરજો અદા કરવા વ્યસ્ત હોવા છતાં વિદ્વાન હોવાની હેસિયતથી, મુક્તપણે અને જાહેરમાં પોતાનાં ચુકાદા તેમ જ મંતવ્યો જગતના ન્યાય અર્થે રજૂ કરે, પછી ભલેને એ બધા રૂઢિવાદી સિદ્ધાંતોથી આમતેમ ઊફરા જતા હોય. જેઓને ભાગે સત્તાવાર ફરજો બજાવવાની નથી એમને આ અધિક પ્રમાણમાં લાગુ પડે છે. સ્વાતંત્ર્યની આવી ભાવના પરદેશોમાં પણ પ્રસરવી શરૂ થઈ છે, જોકે ત્યાં પણ એને બાહ્ય અવરોધો સાથે સંઘર્ષમાં ઊતરવું પડે છે. આવા અવરોધો ત્યાંના પ્રશાસન-તંત્રે પોતાનાં કાર્યો વિશે ગેરસમજણથી જનતા પર લાદી દીધા હોય છે. હવે તો એ શાસનો પણ એક જ્વલંત ઉદાહરણના સાક્ષી બની રહ્યા છે – જાહેર એકરાગતા અને જનતાના ઐક્યને ઊની આંચ પણ પહોંચાડ્યા વિના સ્વાતંત્ર્યનું અસ્તિત્વ જળવાઈ રહેતું હોય. બર્બરતામાંથી બહાર નીકળી જવા મનુષ્યો આપમેળે જ ક્રમે ક્રમે ઉદ્યમ કરતા રહેશે – જ્યાં સુધી ઇરાદાપૂર્વકનાં કૃત્રિમ પગલાં અપનાવીને એમને બંધનમાં જકડી રાખવામાં ન આવે ત્યાં સુધી. ૧૬. ધર્મગત બાબતોનું સમ્યકત્વના સંપાતકેન્દ્રરૂપે મેં આલેખન કર્યું છે, એટલે કે, જાતે વહોરેલી અપરિપક્વતામાંથી મનુષ્યનું નિર્ગમન. આમ કરવાનું સૌપ્રથમ કારણ એ કે કળાઓ અને વિજ્ઞાનોની વાત આવે ત્યારે આપણા શાસકોને પોતાની પ્રજાઓના વાલીઓની ભૂમિકા ધારણ કરવામાં રસ હોતો નથી, અને બીજું, આ બધા જે પ્રકારો છે તેમાં ધર્મગત અપરિપક્વતા સૌથી ખતરનાક અને નિકૃષ્ટ પ્રકાર છે, પરંતુ કોઈ શાસનના વડાનો માનસિક ઝુકાવ કળાઓ અને વિજ્ઞાનોના સ્વાતંત્ર્ય તરફ અધિક ઢળતો હોય ત્યારે એ એથી પણ આગળ લંબાતો હોય છે, કેમ કે એને જાણ છે કે એ જો પ્રજાને એમની પોતાની બુદ્ધિનો વિનિયોગ કરવાની છૂટ આપશે તો એથી એની વિધાનવ્યવસ્થા સામે કોઈ જોખમ ઊભું નહિ થાય માટે કાયદાઓ ઘડવાના બીજા સારા માર્ગો એની પ્રજાના વિચારો કેવા છે એ તેમની પાસે મૂકશે. પછી ભલે એમાં સાંપ્રત વિધાનવ્યવસ્થાની ભારોભાર આલોચના કરી હોય. આપણી સમક્ષ તો આ અંગેનું એક જ્વલંત દૃષ્ટાંત પણ પડેલું છે, જેમાં આપણે અત્યારે જેને અંજલિ આપી રહ્યા છીએ એ રાજવીને આંબી જાય એવો અન્ય કોઈ હજુ સુધી પાક્યો નથી. ૧૭. એવો એક શાસક હોય જે સ્વયં સમ્યકત્વને વરી ચૂક્યો છે અને કોઈ જ પ્રકારના વળગાડનો એને ભય નથી, તેમ છતાં પ્રજાની સુરક્ષાની ખાતરી કરાવતું એક અત્યંત શિસ્તબદ્ધ તેમ જ ખાસ્સું મોટું સૈન્ય એના હાથ પર હોય, એવો શાસક કદાચ એવું કહે ખરો જે કહેવાની ભલભલા ગણતંત્ર પણ હામ ભીડે નહિ : તમારા મનને ગમતી દલીલો તમને જેના અંગે કરવી હોય એ મન ભરીને કર્યા કરોને, પરંતુ આજ્ઞાનું પાલન કરવું પડશે! આમાં માનવ વ્યાપારોની એક અવનવી અને અણધારી ભાત આપણી સમક્ષ પ્રકટ થાય છે (જેવી કે, આપણે જો એમને વિશાળતમ અર્થમાં વિચારી હોય તો આપણને સદા જોવા મળશે કે લગભગ પ્રત્યેક વસ્તુ વિરોધમૂલક હોય છે). એકાદ ઊંચી કોટિની નાગરિક સ્વતંત્રતા આપણી બૌદ્ધિક સ્વતંત્રતા કરતાં અધિક લાભદાયી હોવાનું જણાશે ખરું, છતાં એ પણ અનુલ્લંઘનીય અવરોધો એની આડે ખડા કરતી હોય છે. એથી ઊલટું, કંઈક અંશે ઓછી માત્રાનું નાગરિક સ્વાતંત્ર્ય બૌદ્ધિક સ્વાતંત્ર્યને એની પૂરેપૂરી હદ સુધી વિકસવા માટેનો અવકાશ પૂરો પાડે છે. આમ એક વાર પ્રકૃતિએ જેના પર સૌથી અધિક કાળજી ન્યોચ્છાવર કરી છે એ જંતુ, મનુષ્યના મુક્તપણે વિચારવાના વલણ અને અભિવૃત્તિ આ સખ્ત એવા કોચલાની ભીતર જ વિકસેલાં હોય છે, લોકોનાં મનોવલણ પર એ ક્રમિકરૂપે પ્રતિક્રિયા પાડતું રહે છે, જેઓ દિવસે દિવસે મુક્તપણે કાર્ય કરવા માટે વધુ ને વધુ સમર્થ થતા રહે છે : આખર જતાં, એ પ્રશાસનોના સિદ્ધાંતો પર પણ પ્રભાવ પાડવા લાગે છે, જેથી એઓને પણ જણાવા લાગે છે કે એક મશીનથી પણ અધિક છે એવા મનુષ્ય સાથે કામ પાડતાં એની ગરિમાને શોભા આપે એવું વર્તન કરવામાં આવે તો એનાથી સ્વયં એમને જ લાભ થાય એમ છે.
(સન્ધિ : વર્ષ ૪ : સળંગ અંક ૧૪ : ૨૦૧૦)
ઇમેન્યુઅલ કાન્ટના હસ્તાક્ષર