નવલકથાપરિચયકોશ/નિદ્રાવિયોગ: Difference between revisions
No edit summary |
(added pic) |
||
Line 3: | Line 3: | ||
'''‘નિદ્રાવિયોગ’ : બાબુ સુથાર'''</big><br> | '''‘નિદ્રાવિયોગ’ : બાબુ સુથાર'''</big><br> | ||
{{gap|14em}}– જયેશ ભોગાયતા</big>'''</center> | {{gap|14em}}– જયેશ ભોગાયતા</big>'''</center> | ||
[[File:Nidraviyog.jpg|250px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નવલકથાનું નામ : નિદ્રાવિયોગ, નવલકથાકાર : બાબુ સુથાર | નવલકથાનું નામ : નિદ્રાવિયોગ, નવલકથાકાર : બાબુ સુથાર |
Revision as of 06:13, 25 December 2023
‘નિદ્રાવિયોગ’ : બાબુ સુથાર
નવલકથાનું નામ : નિદ્રાવિયોગ, નવલકથાકાર : બાબુ સુથાર નવલકથાનું પ્રથમ પ્રકાશન અને અન્ય માહિતી : ‘નિદ્રાવિયોગ’ નવલકથાનું પ્રથમ પ્રકાશન એતદ્ સામયિકના સળંગ અંક ૧૫૮; વર્ષ ૨૪, અંક : ૨, એપ્રિલ-જૂન ૨૦૦૩માં. સંપાદન રસિક શાહ અને જયંત પારેખ. પૃષ્ઠ સંખ્યા ૫૪. પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન, મુંબઈ. અર્પણ : ગુજરાતી ભાષાના લખાતા પણ ન બોલાતા કેટલાક સ્વરો અને વ્યંજનોને. સ્વગત (પ્રસ્તાવના) જયન્ત પારેખ. અવતરણો બૉદલેર, Alain Bosquot, Gilles Deleuze. તેમાં બૉદલેરનું અવતરણ સૂચક છે. Always be a poet, even in prose. ગદ્યલેખનમાં કવિ બનો. નવલકથાનું ગદ્ય બૉદલેરની વિભાવનાને અનુસરે છે. નવલકથાનું પુસ્તક સ્વરૂપે પ્રકાશન : પ્ર. આ. ૨૦૦૩, પ્રત ૨૫૦, પૃષ્ઠસંખ્યા ૫૪, મૂલ્ય રૂા. ૬૦. આવરણ : મેક્સ એર્ન્સ્ટ, પ્રકાશક : નવલકથાકાર પોતે. ફિલાડેલ્ફિયા પી.એ. ૧૯૪૩, યુ.એસ.એ, અર્પણ અને સ્વગત ઉપર મુજબ. નવલકથાકારનો પરિચય ‘કાચંડો અને દર્પણ’માં લખ્યો છે જેનું પુનરાવર્તન નથી કર્યું. નવલકથાનો પરિચય અને લેખનરીતિ : ‘નિદ્રાવિયોગ’ નવલકથાનું અવલોકન ‘નિદ્રાવિયોગ : મારી વાચના (સન્નિધિઓના વિસ્ફોટોની અનુભૂતિ’ શીર્ષકથી પ્રથમ પ્રકાશન ફાર્બસ ત્રૈમાસિકના અંક વર્ષ ૨૦૦૬માં કર્યું હતું. અને મારો વિવેચનગ્રંથ ‘અર્થવ્યક્તિ’ પ્ર. આ. ડિસેમ્બર, ૨૦૦૮માં તેનું પુનઃપ્રકાશન કર્યું હતું. સુરેશ હ. જોષીની ‘છિન્નપત્ર’ અને ‘મરણોત્તર’ નવલકથા સર્જનભાવના અને કથાનિરૂપણની દૃષ્ટિએ આંતરસંબંધ ધરાવે છે. તેમ બાબુ સુથારની ‘કાચંડો અને દર્પણ’ નવલકથા ‘નિદ્રાવિયોગ’ સાથે કથાસામગ્રી અને લેખનરીતિની દૃષ્ટિએ આંતરસંબંધ ધરાવે છે. ‘કાચંડો અને દર્પણ’નું પુરુષ પાત્ર પોતાની પક્ષાઘાતગ્રસ્ત શરીરની પીડાના કેન્દ્રથી જગતને અનુભવે છે તેમ ‘નિદ્રાવિયોગ’નું પુરુષ પાત્રના શરીરનાં અંગો એકબીજાંથી છૂટાં પડી ગયાં છે. નવલકથાનો આરંભ : ‘એણે પડખું બદલ્યું. ડાબેથી જમણે, જમણેથી ડાબે. એને એમ કે પડખું બદલવાથી કદાચ ઊંઘ આવી જશે. પણ ઊંઘ ન આવી. જરા પણ ન આવી. જરા એટલે જરા પણ નહિ. એટલે એ થોડી વાર પડી રહ્યો. ચત્તેપાટ. જાણે કે કોઈએ પલંગ પર લીટી દોરી ન હોય!’ (પૃ. ૧) નવલકથા સર્વજ્ઞકથન કેન્દ્રની પદ્ધતિએ રજૂ થઈ છે. નવલકથાનો કથક પુરુષપાત્રની તીવ્ર આત્મસંવિત્તિના કેન્દ્ર તેનું જગતદર્શન નિરૂપે છે. જગતની અટપટી અને ભાંગી પડેલી અવસ્થાનું પરાવાસ્તવિક ચિત્ર નવલકથાલેખનની અભિનય રચનાપ્રયુક્તિઓથી નિર્માણ પામ્યું છે. નવલકથાના પુરુષપાત્ર માટે ‘કથાનાયક‘ તેવી સંજ્ઞા નભી શકે તેવું તેમનું પરંપરાગત ચરિત્ર નથી, એની ઓળખ નથી, કાર્યો પણ નથી ને સિદ્ધિઓ પણ નથી. નવલકથાનો આરંભ મોડી રાતથી બીજા દિવસની સવાર સુધીના ભૌતિક સમયનું માનવસમયમાં રૂપાંતર કર્યું છે. પાત્રનાં ચૈતસિક સંચલનો, આંતરજગતની ક્રિયા-પ્રતિક્રિયાઓ અને આઘાતક પ્રલાપોની વર્તુળાકાર ગતિ નિદ્રાવિયોગની અનુભૂતિ છે. નવલકથામાં બે સ્થળ છે. ઘટનાનાં બે સ્થળ છે. એક પાત્રનું ઘર અને બીજું ઑફિસ જવા નીકળે છે ત્યારનો જાહેર રસ્તો. નવલકથાકારે પાત્રની નિદ્રાવિયોગની સ્થિતિનું નિરૂપણ કર્યું છે. પાત્ર તેના ઘરમાં પલંગમાં સૂવાનો પ્રયત્ન કરે છે, પણ નિદ્રા આવતી નથી, ત્યારે વારંવાર પલંગ પરથી ઊઠીને ડ્રેસિંગ ટેબલ, દર્પણ, સ્ટોરરૂમ, બાથરૂમ, બાથરૂમનું કમાડ પાસે આવનજાવન કરે છે. પલંગમાં નિદ્રાની રાહ જોતાં જોતાં ચત્તોપાટ કે ક્યારેક પડખું બદલવું એ સ્થિતિ છે. પલંગ પરથી ઊઠીને જે ઘરનાં જે જે સ્થાને એ જાય છે ત્યાં તેને પોતાના શરીરનાં અંગોની છિન્નભિન્ન દશાની જુગુપ્સાપૂર્ણ અનુભૂતિ થાય છે. આ નિદ્રાવિયોગ અને છિન્નભિન્નતાની અનુભૂતિના મૂળમાં પાત્રની સાંપ્રત જગત વિશેની તીવ્ર અભિજ્ઞતા છે. પાત્રને બધું જ તૂટીને ભાંગી પડ્યાનું ભાન સતાવે છે. સતામણીને કારણે નિદ્રા નથી. બેચેની છે, ક્રોધ છે, આક્રોશ છે, વ્યથા છે ક્યાંયથી પણ સાંત્વન લઈ શકાય તેવી માનવસર્જિત સૃષ્ટિ એટલે કે સંસ્કૃતિ અખંડ નથી. બધું જ તૂટીને ભંગાર બની ગયાના ભાનનો ઓથાર છે. જાગ્રત દશાનું દુઃસ્વપ્ન છે. માણસને જીવતા રહેવા માટેના આધારોમાં પહેલો આધાર તે માણસ પોતે, માણસની પોતાની જાત. એ પછીના આધારોમાં જ્ઞાન, ઈશ્વર, ભાષા, લેખન, કાવ્યશાસ્ત્ર, ધર્મ, સંતો, નેતાઓ, સાહિત્યિક પરંપરાઓ, સાહિત્યિક સંસ્થાઓ, માનવતા, પ્રેમ-બંધુત્વ વગેરે આધારો તૂટી પડ્યાનું ભાન છે. આ બધા માનવહસ્તીના આધારોનો કોણે ધ્વંસ કર્યો? ધ્વંસ કરનારાં નકારાત્મક પરિબળો છે સત્તા, ધર્મ, સાંપ્રદાયિક અને ધાર્મિક અપપ્રચારો, રાજકારણ, સાહિત્યશાસ્ત્રનાં જડ ગૃહીતો અને સાહિત્યિક સંસ્થાઓના સત્તાધીશો. આ બધાં પરિબળોએ પોતાની સત્તાની ભૂખ સંતોષવા માટે, આધિપત્ય જમાવવા માટે જે આતંક મચાવ્યો છે તે બધાંથી સંપ્રજ્ઞ પાત્રની પીડાનું, નિદ્રાવિયોગની દશાનું નિરૂપણ વિવિધ પ્રકારની રચનાપ્રયુક્તિઓ વડે કર્યું છે. કલ્પનો, કલ્પનશ્રેણીઓ, અલંકારો, સ્વગતોક્તિઓ, પરાવાસ્તવવાદી ચિત્રો, સાહિત્યકારોની કૃતિમાંથી પસંદ કરેલાં અવતરણોની સન્નિધિઓ વડે પાત્રની નિદ્રાવિયોગ પીડિત ક્ષુબ્ધ ચેતનાને મૂર્ત કરી છે. સન્નિધિઓના વિસ્ફોટોથી સર્જાતી ઘટના નિદ્રાવિયોગનું દુઃસ્વપ્ન છે. નવલકથાકારે પરંપરાગત નવલકથાની જે ભૂમિકાએ વિવેચના થાય છે એ જ પદ્ધતિએ પ્રયોગશીલ નવલકથાની વિવેચના કરવાના દુરાગ્રહનો અહીં વિરોધ દર્શાવ્યો છે. વારંવાર વિડંબના કરી છે. પાત્રની નિદ્રાવિયોગની પીડાનું નિરૂપણ ક્રમિક ગતિએ નથી કર્યું. નવલકથામાં બે વાક્યોને જોડનાર સંયોજકો જ નથી. ‘કદાચ’ સંયોજકનો હેતપૂર્વક વિનિયોગ કર્યો છે. લેખક પોતાની નવી ભાષા વડે લપટી પડી ગયેલી ભાષાકીય લઢણોને ભૂંસવા માટે તીવ્ર આવેશમાં છે. નિદ્રાવિયોગમાં રાત વિતાવી. સવાર પડી. ત્યારે એક બીજું પાત્ર પ્રવેશે છે, દૂધવાળાનું. દૂધવાળો પાત્રને બિલાડીથી ચેતવતો જતો રહે છે. સવાર પડ્યાના ભાન સાથે તે ફરી ઑફિસ જવાના હેતુથી પોતાના બધા જ અવયવોને પોતપોતાની જગ્યાએ મૂકી, બોલ્ટથી ફિટ કરીને પાછો દર્પણ સામે આવે છે. બધું જ બરાબર હતું. એ આડો પડ્યો પલંગમાં. આંખ મીંચી ને ઊંઘ આવી ગઈ. આ ક્ષણે નિદ્રાવિયોગથી શરૂ થયેલી પાત્રની દુઃસ્વપ્નરૂપ યાત્રાનો અંત આવે છે ઊંઘમાં એલાર્મ વાગતાં જાગી ગયો. ઑફિસ જવા નીકળે છે. રસ્તામાં તેને માણસો પ્રાણીઓ જેવા દેખાય છે. ભૂપેન ખખ્ખરનું ચિત્ર. મોર પીઠ પર જીન મૂકવું કે પછી કાઠું તેની ચર્ચા કરતા માણસો સાથે જોડાવાની ઇચ્છા છતાં મોડું થવાની બીકે ઑફિસના રસ્તે ચાલવા લાગ્યો. એ પળે અંત છે. નિદ્રાવિયોગની પીડાનું મૂર્તિકરણ માટે નવલકથાકારે પ્રયોજેલી પ્રયુક્તિઓનાં થોડાં ઉદાહરણો નોંધું છું.
- – કલ્પન :
- ‘પાંસળીઓમાં પવનનાં હાડકાં સડી રહ્યાં છે.’
- ‘માંસમજ્જામાં નખનાં ઝાડ ઊગ્યાં.’
- – માણસ અને શરીરની છિન્નભિન્નતા વર્ણવતાં સ્ફોટક વાક્યો :
- ‘માણસને ઝેર ચડ્યું છે ધર્મનું, સંસ્કૃતિનું, રાષ્ટ્રનું, કદાચ ભાષાનું.’
- ‘બધાએ ચામડી નીચે છુપાવી રાખ્યા છે તલવારના પડછાયા.’
- ‘લોહીમાં સંવનન પછીની પળ ઝીણાં ઝીણાં પાંદડાં બનીને ફૂટી.’
- – ઈશ્વર, જગત વિશેનાં વિઘટનશીલ વાક્યો :
- ‘અનંતની જીભ નીચે કરોળિયાઓએ જાળાં કર્યાં છે.’
- ‘ધર્મ એટલે માણસની હયાતીમાં પડેલી લીખો.’
- – ગુજરાતી વિવેચનની ઠેકડી ઉડાવતાં વિધાનો :
- ‘ગુજરાતી નવલકથાની હિરોઈનને Sensation ન થાય.’
- ‘એને Couse એક ગલીમાં અને effect બીજી ગલીમાં ભીખ માગતાં દેખાયાં.’
- – કલ્પન :
ભાવકચેતનાને તેના સ્થિર કેન્દ્રથી ઉખેડીને અર્થઘટનના બૃહદ્ અવકાશમાં વિહરવાની સ્વતંત્રતા આપે છે સર્જક ચેતના. નવલકથાકારને રસ છે રચવામાં. નવલકથાસર્જનનું નિયામક બળ છે રચીને વ્યક્ત થવાની પ્રક્રિયા. ‘નિદ્રાવિયોગ’ નવલકથા વિશે જયન્ત પારેખ, લાભશંકર ઠાકાર, હર્ષવદન ત્રિવેદી જેવા વિવેચકોએ લેખો કર્યા છે. તેમાંથી લાભશંકર ઠાકરના લેખમાંથી અવતરણ નોંધું છું : ‘અહીં Form છે જ; અને તે કડડભૂસ થયાનું Form છે. જે નેચરલ નિદ્રા છે તેને (આપણા) પ્રાચીનોએ ભૂતધાત્રી કહી છે. જીવોનું ધારણપોષણ કરનારી જેમ મા. ધાવ (ધાત્રી). આ નિદ્રાવિયોગમાં ઉત્કટ સંવેદનો છે. નિદ્રા માત્ર મનમાં મનુષ્યને ધારણ કરતી પોતાની સમગ્ર સંસ્કૃતિ રૂપે પણ સાદ્યંત અનુભવાય છે. દા.ત. ભાષા એ સાંસ્કૃતિક ઘટના છે. એમ બધું જ. આ બધી જ પોષક સા-ર્થ-ક-તા કડડભૂસ થતી અનુભવાય છે. ‘નિદ્રાવિયોગ’ના પાત્રની ચેતનામાં... મનુષ્યચેતનાનાં તમામે તમામ ઘટકો અહીં વિચ્છિન્ન ઊછળે છે. પછડાય છે, ખખડે છે.’ (એતદ્, અંક ઑક્ટો.-ડિસે. ૨૦૦૩, સળંગ અંક ૧૬૦)
પ્રો. ડૉ. જયેશ ભોગાયતા
નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ
ગુજરાતી વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા.
કવિ, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક. ‘તથાપિ’ ત્રૈમાસિકના સંપાદક.
મો. ૯૮૨૪૦૫૩૨૭૨ Email: tathapi૨૦૦૫@yahoo.com
વડોદરા