રચનાવલી/૨૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 2: Line 2:


{{Heading|૨૩. જ્ઞાનચક્ર (રતનજી આર. શેઠના)  |}}
{{Heading|૨૩. જ્ઞાનચક્ર (રતનજી આર. શેઠના)  |}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/c/cb/Rachanavali_23.mp3
}}
<br>
૨૩. જ્ઞાનચક્ર (રતનજી આર. શેઠના) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
<br>
&#9724;
</center>
<hr>





Latest revision as of 14:44, 26 July 2024


૨૩. જ્ઞાનચક્ર (રતનજી આર. શેઠના)



૨૩. જ્ઞાનચક્ર (રતનજી આર. શેઠના) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ



આજે જગત વધારે ને વધારે અટપટું બનતું આવે છે. આપણે માહિતી યુગમાં પ્રવેશ્યા છીએ, થોકબંધ માહિતી ઠલવાય છે અને થોકબંધ માહિતી આપણે મેળવવાની રહે છે. દરેક વિષયમાં આપણે પાવરધા તો ક્યાંથી હોઈ શકીએ? પણ જે કોઈ વિષયનો ખપ પડે ત્યારે માહિતી આપણને હાથવગી તો હોવી જ જોઈએ ને?આ જગત મનુષ્યસૃષ્ટિથી અને પ્રાણીસૃષ્ટિ – જીવસૃષ્ટિથી માંડીને વનસ્પતિસૃષ્ટિ, ખનીજ તેમજ અનેક પદાર્થોથી ઉભરાય છે. એમાં કયા વિષયની માહિતીની આપણને ક્યારે જરૂર પડે તે કહેવાય નહીં. જગતમાં કેટકેટલા વિષયો છે. પણ આ બધા વિષયોની ઝટ માહિતી મેળવી લેવાય એવું કોઈ સાધન ખરું? હા, એ સાધન છે વિશ્વકોશ કે જ્ઞાનકોશ. અંગ્રેજીમાં એને ‘એન્સાઇક્લોપીડિયા’ કહેવાય છે. અંગ્રેજીમાં તો આ પ્રકારના જુદા જુદા વિશ્વકોશ છે. કોઈ વિશ્વકોશમાં એક જ વિષયને લગતી બધી વિગતો હોય તો કોઈ વિશ્વકોશમાં અનેક વિષયો વિશે બધી જ વીગતો હોય. ક્યારેક જુદા જુદા વિષયો પર પ્રકરણવાર પણ વિશ્વકોશ તૈયાર થાય છે. પણ મોટે ભાગે સર્વસામાન્ય વિશ્વકોશમાં સર્વ વિષયોનો સામો સંગ્રહ હોય છે એમાં કોઈ જ્ઞાનનો વિષય બાદ રહેતો નથી. આ બધી વિગતોની એમાં મૂળાક્ષર પ્રમાણે ગોઠવણી થયેલી હોય છે. અમેરિકા જેવા દેશોમાં તો નીચલા ધોરણોમાં જ આવા વિશ્વકોશને કેવી રીતે વાંચવા અને એમાંથી જોઈતી વિગતો કઈ રીતે મેળવવી એની ખાસ તાલીમ અપાય છે. ગુજરાતીમાં ૧૯મી સદીમાં અંગ્રેજો આવ્યા પછી જે જ્ઞાનપ્રસારનું કામ ચાલ્યું અને કેટલીક અવનવી શોધો યુરોપમાંથી અહીં આવતી ગઈ એની સાથે જ્ઞાનની જિજ્ઞાસા પણ વધતી ગઈ. વળી આપણા પોતાના જ પ્રદેશ વિશે, આપણી પોતાની પ્રજાના ઇતિહાસ અને એની સંસ્કૃતિ વિષે જાણવાની તાલાવેલી ઊભી થઈ. નવજાગ્રુતિના આ કાળમાં અંગ્રેજીમાં હોય છે તેવો આપણી જિજ્ઞાસાઓને સંતોષનાર કોઈ ગુજરાતી વિશ્વકોશ હયાત હતો નહીં. હિન્દીમાં, મરાઠીમાં, બંગાળીમાં વિશ્વકોશ તૈયાર થવા માંડેલા એ વખતે માણે એદલજી વાચ્છા અને અરદેશર ફરામજી સોલાન જેવા પારસી ગૃહસ્થોએ ‘સર્વ વિદ્યામાળા' નામે ૧૮૯૧માં એક વિશ્વકોશની રચના કરવા વિચાર્યું. એના ચાર ભાગ બહાર પાડવાની યોજનામાંથી માત્ર એક જ માગ બહાર પડી શક્યો. એટલે ‘સર્વવિદ્યામાળા’ એ આપણી ગુજરાતી ભાષાનો પહેલો પણ અધૂરો વિશ્વકોશ રહ્યો. ગુજરાતી ભાષામાં પહેલો પૂરો વિશ્વકોશ આપનાર તો છે રતનજી આર. શેઠના એમણે એનું નામ ‘જ્ઞાનચક્ર યાને ગુજરાતી એન્સાઇક્લોપીડિયા’ રાખ્યું. શેઠનાએ એકલે હાથે ‘જ્ઞાનચક્ર’ના નવ ભાગ ૧૮૯૯થી ૧૯૧૦ સુધીમાં આપ્યા. જાતે બધું શોધ્યું, જાતે બધું લખ્યું, જાતે બધું ગોઠવ્યું અને એમ એમના જાતપ્રયત્નથી એમણે અનેક અનેક વિષયો પર જ્ઞાનમાહિતી આપી. કહેવાય છે કે, આ ‘જ્ઞાનચક્ર' એટલો બધો લોકપ્રિય થયો કે એની બધી નકલો માત્ર દોઢ વર્ષમાં ખપી ગઈ હતી. ‘જ્ઞાનચક્રનો’ ઇતિહાસ એવો છે કે જ્ઞાનપ્રસારક મંડળીએ શેઠ અરદેશર સોરાબજી દસ્તૂર કામદીનની ઉદારતા અને એમના ઉત્સાહને નજરમાં રાખીને એક ઇનામી હરિફાઈ યોજી હતી અને એને અંગે એ વખતના જ્ઞાનપ્રસારક મંડળીના ઑનરરી સેક્રેટરી શ્રી નસરવાનજી હીરજીભાઈ પટેલે જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં જણાવેલી મુદતમાં પાંચ રેસાલા (હસ્તપ્રતો) મળે છે. એમાં મોટા કદના ત્રણ દફતરોમાં એક રેસાલો પણ મળે છે. મંડળી નિષ્ણાતોની એક સમિતિ નીમે છે અને આ સમિતિનો નિર્ણય આવ્યા પછી રેસાલા સાથે આવેલું ‘સત્ય સબૂરી અંતે જય’ એ તખલ્લુસવાળું પરબીડિયું ઉઘાડે છે. એમાં લખનાર તરીકે રતનજી ફરામજી શેઠનાનું નામ જાહેર થાય છે. મંડળી એ રેસાલાને ‘જ્ઞાનચક્ર’ના નામે છાપે છે. અલબત્ત, આ ‘જ્ઞાનચક્ર'માં જરથોસ્તી ધર્મ અને ઇતિહાસ તથા હુન્નરવાળા વિષયો પર વધુ ધ્યાન આપવાનું વલણ રહ્યું છે. વળી એ વખતે હયાત લોકોનાં જીવનચરિત્રો ‘જ્ઞાનચક્ર’ના રેસાલામાં હતા તે અંગે ‘જ્ઞાનચક્ર'ના ત્રીજા ભાગની પરામર્શ સમિતિએ આપેલો અભિપ્રાય પણ જોવા જેવો છે. સમિતિએ કહેલું કે હયાતી ભોગવનાર આસામીઓની જિંદગીનાં વૃત્તાન્ત આપવાનું કામ હવે પછીના જમાનાના લેખકોને માટે રહેવા દેવામાં આવે તો ધોરણની રુએ તે વાસ્તવિક થઈ પડે અને આવા અભિપ્રાયને કારણે પછીથી બહુ જરૂરનાં એવાં જ જીવનચરિત્રો જ્ઞાનચક્રમાં દાખલ થયાં છે. ‘જ્ઞાનચક્ર’માં અંગ્રેજી એન્સાઇક્લોપીડિયામાં ન હોય તેવી હિન્દુસ્તાનને લગતી બાબતોનો સમાસ કરાયેલો છે. એમાં સંખ્યાબંધ વિષયો છે જીવનચરિત્રોની સાથે પ્રાચીન-અર્વાચીન આર્યોના દેવતાઓ, એમની ધર્મકથાઓ, મુસલમાન પ્રજા અને મુસ્લિમ ધર્મ, જરથોસ્ત ધર્મ વગેરેનો સમાવેશ છે. વળી, પ્રજા પ્રજાનાં સ્ત્રી-પુરુષોનાં રીતરિવાજો, ઝાડપાન, વનસ્પતિ, ખેતીવાડી, વિવિધ પંથો અને મતો, સંગીત, પિંગળ, રસાયણ, ગણિત, જ્યોતિષ પરની માહિતી છે. વૈદક, શરીરશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર, ઓજારો, ખનિજ, ધાતુ, ઇતિહાસ ભૂગોળ વગેરેના જ્ઞાનને પણ આવર્યું છે એમાં ભાષા, ગ્રંથો, વિદ્યા, હુન્નર, કલાકૌશલ, રમતો, તહેવારોનો પરિચય પણ મળી રહે છે. અહીં કોઈ પણ વિષય પર લંબાણથી લખવા કરતાં ઘણા બધા વિષયોને દાખલ કરવાનું ધ્યેય વધુ રહ્યું છે. ‘જ્ઞાનચક્ર’ ભાગ-૧માં શરૂઆતનાં પાનોમાં આર્થિક મદદ કરનાર અરદેશર સોરાબજી દસ્તુર કામદીનનો ફોટો અને એમનું જીવનચરિત્ર આપવામાં આવ્યાં છે. સાથે રતનજી શેઠનાનો દીબાચો (પ્રસ્તાવના) છે. માહિતી અને જ્ઞાનના બીજાં સાધનો જૂજ હોય, પુસ્તકોની સંખ્યા જ ઓછી હોય, શિક્ષણ અને કેળવણીનો પ્રસાર બહુ થોડો હોય એવા જમાનામાં એકલે હાથે ચોકસાઈ અને ખંતથી ખાંખત કરનાર કોઈ એક વ્યક્તિના આવા શરૂના પુરુષાર્થનું ગુજરાતી ભાષાને બહુ મોટું મૂલ્ય હોવું જોઈએ. ‘જ્ઞાનચક્ર’ પછી વિશ્વકોશ અંગેના ઘણા પ્રયત્નો થયા અને અધૂરા રહ્યા. થોડાક જુદા પ્રકારના નમૂનાઓ જરૂર મળ્યા, પણ સર્વસામાન્ય અદ્યતન વિશ્વકોશની જરૂર તો ઊભી જ હતી. આજે ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ' તરફથી ધીરુભાઈ ઠાકરના સંપાદન હેઠળ બહુ મોટો પ્રયત્ન વિશ્વકોશ રચવાનો થઈ રહ્યો છે અને એ ગુજરાતી વિશ્વકોશના દશ ખંડો બહાર પણ પડી ગયા છે. આ ‘ગુજરાતી વિશ્વકોશ’ને કુલ ૨૦ ખંડોમાં પ્રસિદ્ધ કરવાનો ટ્રસ્ટનો પ્રકલ્પ છે. પણ આ બધાના પાયામાં ‘જ્ઞાનચક્ર’નો એકલ હાથનો પ્રારંભનો પુરુષાર્થ ભૂલવા જેવો નથી.