વિભાવના/સુરેશ જોષીની કળાવિચારણા: Difference between revisions
(+૧) |
(+૧) |
||
Line 9: | Line 9: | ||
એટલે, સર્વ પ્રશ્નોનો પ્રશ્ન ઊભો થાય કે, તેમની વિવેચનામાં પ્રગટ થતી કળાદૃષ્ટિને કોઈ સુગ્રથિત, વ્યવસ્થિત અને ચુસ્ત તર્કનિષ્ઠ એવા સિદ્ધાંતમાં મૂકી શકાય ખરી? કદાચ નહિ. અને તે એ કારણે કે, તેમને પોતાને પણ કદાચ એવો ચુસ્ત તર્કકઠોર માર્ગ સ્વીકાર્ય નથી. તેમની સમગ્ર વિવેચનપ્રવૃત્તિનું અવલોકન કરતાં, પ્રથમ એવી છાપ પડે છે કે, કળાના પ્રશ્નોની તટસ્થ તપાસ કરવા કરતાં કે એવી તર્કચુસ્ત વ્યાખ્યાવિચારણા કરવા કરતાં આધુનિક કળામીમાંસાના નવા નવા વિચારોનો પુરસ્કાર કરવામાં જ તેમને વધુ રસ છે. આપણા પરંપરાગત સાહિત્યની સ્થગિતતા અને તેના વિવેચનનાં ધોરણોની સંદિગ્ધતા તેમને સતત કઠતી રહી છે. એટલે શુદ્ધ કળા અને સર્જકતા-વિષયક નવાં નવાં વિચારવલણોનો દૃઢતાપૂર્વક તેમણે સતત પુરસ્કાર કર્યો છે, અને એ રીતે, આપણા વિવેચનના પરંપરાગત ખ્યાલો સાથે નવા પ્રાણવાન વિચારો ટકરાવીને તેને ગતિશીલ બનાવવાની તેમની મહત્ત્વાકાંક્ષા રહી છે. આ દૃષ્ટિએ જ કદાચ નવી કળામીમાંસાના કેટલાક પાયાના ખ્યાલોનો ફરી ફરીને પુરસ્કાર કરવાનો તેમણે સંનિષ્ઠ પ્રયત્ન જારી રાખ્યો છે. તેમનાં વિવેચનાત્મક લખાણોમાં એથી કેટલુંક પુનરાવર્તન પણ જઈ શકાશે. પણ, વિશેષ મહત્ત્વનો મુદ્દો એ છે કે આ કારણે તેમની કળાચર્ચામાં તાત્ત્વિક સંગતિ કે એકવાક્યતા જોવાનું કેટલીક વાર મુશ્કેલ બની જાય છે. કદાચ કોઈ સ્થિર દાર્શનિક ભૂમિકા તેમણે સ્વીકારી નથી એ કારણે, કે શાસ્ત્રીય અભિગમથી વિચારવાનું તેમને ઇષ્ટ લાગ્યું નથી એ કારણે, તેમના ચિંતનમાં સ્થિર ભૂમિકા પકડવાનું શક્ય નથી. સંભવ છે કે, નિત્ઝે, કામુ કે સાર્ત્ર જેવા કોઈ એક સર્જકચિંતકની ભૂમિકામાં તેઓ બંધાઈ રહેવા ચાહતા નથી. પણ, તો પછી આ અંગે તેઓ પોતે જ આ૫ણને માર્ગદર્શક બની શકે એમ છે. ‘સંજ્ઞા’ સામયિક (જુઓ એપ્રિલ-જૂન ’૬૭નો અંક) તરફથી લેવાયેલા ઇન્ટરવ્યૂમાં તેમણે એમ સ્પષ્ટ કરેલું છે : “ફિલસૂફીનો હું વિદ્યાર્થી છું પણ એનો અર્થ એ નથી કે ફિલસૂફીના કોઈ સંપ્રદાયને હું માનું છું કે જેથી હું તત્પરતાથી કહી દઉં કે તમે મને existentialist ગણજો, પણ તે સાર્ત્ર કે કામુના પ્રકારનો નહિ, પણ મારસેલના પ્રકારનો–એવું નથી કહી શકાતું. ફિલસૂફીમાં માનું છું એનો અર્થ જ એ કે મારી જિજ્ઞાસા સતત જાગ્રત છે. પ્રશ્નોને આમથી તેમથી તપાસી જોવાનું સુધારવાનું મારું વલણ ચાલુ છે, એટલે કે, “I want to keep myself intellectually alert. I want to examine all the issues. And I am prepared to go back again.” | એટલે, સર્વ પ્રશ્નોનો પ્રશ્ન ઊભો થાય કે, તેમની વિવેચનામાં પ્રગટ થતી કળાદૃષ્ટિને કોઈ સુગ્રથિત, વ્યવસ્થિત અને ચુસ્ત તર્કનિષ્ઠ એવા સિદ્ધાંતમાં મૂકી શકાય ખરી? કદાચ નહિ. અને તે એ કારણે કે, તેમને પોતાને પણ કદાચ એવો ચુસ્ત તર્કકઠોર માર્ગ સ્વીકાર્ય નથી. તેમની સમગ્ર વિવેચનપ્રવૃત્તિનું અવલોકન કરતાં, પ્રથમ એવી છાપ પડે છે કે, કળાના પ્રશ્નોની તટસ્થ તપાસ કરવા કરતાં કે એવી તર્કચુસ્ત વ્યાખ્યાવિચારણા કરવા કરતાં આધુનિક કળામીમાંસાના નવા નવા વિચારોનો પુરસ્કાર કરવામાં જ તેમને વધુ રસ છે. આપણા પરંપરાગત સાહિત્યની સ્થગિતતા અને તેના વિવેચનનાં ધોરણોની સંદિગ્ધતા તેમને સતત કઠતી રહી છે. એટલે શુદ્ધ કળા અને સર્જકતા-વિષયક નવાં નવાં વિચારવલણોનો દૃઢતાપૂર્વક તેમણે સતત પુરસ્કાર કર્યો છે, અને એ રીતે, આપણા વિવેચનના પરંપરાગત ખ્યાલો સાથે નવા પ્રાણવાન વિચારો ટકરાવીને તેને ગતિશીલ બનાવવાની તેમની મહત્ત્વાકાંક્ષા રહી છે. આ દૃષ્ટિએ જ કદાચ નવી કળામીમાંસાના કેટલાક પાયાના ખ્યાલોનો ફરી ફરીને પુરસ્કાર કરવાનો તેમણે સંનિષ્ઠ પ્રયત્ન જારી રાખ્યો છે. તેમનાં વિવેચનાત્મક લખાણોમાં એથી કેટલુંક પુનરાવર્તન પણ જઈ શકાશે. પણ, વિશેષ મહત્ત્વનો મુદ્દો એ છે કે આ કારણે તેમની કળાચર્ચામાં તાત્ત્વિક સંગતિ કે એકવાક્યતા જોવાનું કેટલીક વાર મુશ્કેલ બની જાય છે. કદાચ કોઈ સ્થિર દાર્શનિક ભૂમિકા તેમણે સ્વીકારી નથી એ કારણે, કે શાસ્ત્રીય અભિગમથી વિચારવાનું તેમને ઇષ્ટ લાગ્યું નથી એ કારણે, તેમના ચિંતનમાં સ્થિર ભૂમિકા પકડવાનું શક્ય નથી. સંભવ છે કે, નિત્ઝે, કામુ કે સાર્ત્ર જેવા કોઈ એક સર્જકચિંતકની ભૂમિકામાં તેઓ બંધાઈ રહેવા ચાહતા નથી. પણ, તો પછી આ અંગે તેઓ પોતે જ આ૫ણને માર્ગદર્શક બની શકે એમ છે. ‘સંજ્ઞા’ સામયિક (જુઓ એપ્રિલ-જૂન ’૬૭નો અંક) તરફથી લેવાયેલા ઇન્ટરવ્યૂમાં તેમણે એમ સ્પષ્ટ કરેલું છે : “ફિલસૂફીનો હું વિદ્યાર્થી છું પણ એનો અર્થ એ નથી કે ફિલસૂફીના કોઈ સંપ્રદાયને હું માનું છું કે જેથી હું તત્પરતાથી કહી દઉં કે તમે મને existentialist ગણજો, પણ તે સાર્ત્ર કે કામુના પ્રકારનો નહિ, પણ મારસેલના પ્રકારનો–એવું નથી કહી શકાતું. ફિલસૂફીમાં માનું છું એનો અર્થ જ એ કે મારી જિજ્ઞાસા સતત જાગ્રત છે. પ્રશ્નોને આમથી તેમથી તપાસી જોવાનું સુધારવાનું મારું વલણ ચાલુ છે, એટલે કે, “I want to keep myself intellectually alert. I want to examine all the issues. And I am prepared to go back again.” | ||
આમ, સુરેશ જોષી પોતાને કોઈ એક દાર્શનિક સિદ્ધાંત કે તત્ત્વવાદમાં બંધાઈ જવા દેવાને ચાહતા નથી. જીવન કે કળા વિશે કોઈ એક પરંપરાપ્રાપ્ત દર્શન, બૌદ્ધિક વાદ કે પ્રતિષ્ઠિત સત્યોને અંતિમ માનીને ચાલવાનું તેમને ઇષ્ટ જણાતું નથી. વિશ્વવાસ્તવનું રહસ્ય બુદ્ધિપ્રણીત વિભાવનાઓનાં જડ ચોકઠાંઓમાં ઝીલી જ ન શકાય એમ કંઈક તેઓ માનતા જણાય છે. ઇંદ્રિયબોધથી ગોચર થતી વાસ્તવિકતા પણુ સાચી વાસ્તવિકતા નથી. તો, બૌદ્ધિક વાદોના તંત્રમાંયે મૂળભૂત વાસ્તવિકતા ઝીલી શકાતી નથી. નિશ્ચયબુદ્ધિના જ્ઞાનની ઉપલબ્ધિ જ માનવી માટે દુષ્કર છે. સુરેશ જોષીએ, વળી, એકથી વધુ સંદર્ભમાં એમ કહ્યું છે કે, વાસ્તાવિકતા સ્વયં સતત પ્રવહમાન ઘટનારૂપ છે. માનવસંવિત્તિ પણ એવી જ પરિવર્તનશીલ ચેતના છે. તો, એ સંયોગોમાં માનવીને શાશ્વત સત્ય કે એવું કોઈ તત્ત્વ પકડવાનું મુશ્કેલ બની જાય છે. તેમની આ વિષયની ચર્ચાવિચારણાનો મુખ્ય સૂર એ જણાય છે કે વાસ્તવિકતાની અંતર્ગત રહેલી અપાર સંકુલતાઓ, સંદિગ્ધતાઓ અને સર્વ અરાજકતાઓ – જે સ્વયં irrational સ્વરૂપ છે – તેને બુદ્ધિથી અવગત કરી શકાય નહિ. આ પ્રકારની ‘સંશયબુદ્ધિ’ જ, કદાચ, તેમને તેમના કળાવિષયક તેમ અસ્તિત્વવિષયક ચિંતનમાં, સ્થિર નિશ્ચયાત્મક ભૂમિકાથી દૂર રાખતી હશે. | આમ, સુરેશ જોષી પોતાને કોઈ એક દાર્શનિક સિદ્ધાંત કે તત્ત્વવાદમાં બંધાઈ જવા દેવાને ચાહતા નથી. જીવન કે કળા વિશે કોઈ એક પરંપરાપ્રાપ્ત દર્શન, બૌદ્ધિક વાદ કે પ્રતિષ્ઠિત સત્યોને અંતિમ માનીને ચાલવાનું તેમને ઇષ્ટ જણાતું નથી. વિશ્વવાસ્તવનું રહસ્ય બુદ્ધિપ્રણીત વિભાવનાઓનાં જડ ચોકઠાંઓમાં ઝીલી જ ન શકાય એમ કંઈક તેઓ માનતા જણાય છે. ઇંદ્રિયબોધથી ગોચર થતી વાસ્તવિકતા પણુ સાચી વાસ્તવિકતા નથી. તો, બૌદ્ધિક વાદોના તંત્રમાંયે મૂળભૂત વાસ્તવિકતા ઝીલી શકાતી નથી. નિશ્ચયબુદ્ધિના જ્ઞાનની ઉપલબ્ધિ જ માનવી માટે દુષ્કર છે. સુરેશ જોષીએ, વળી, એકથી વધુ સંદર્ભમાં એમ કહ્યું છે કે, વાસ્તાવિકતા સ્વયં સતત પ્રવહમાન ઘટનારૂપ છે. માનવસંવિત્તિ પણ એવી જ પરિવર્તનશીલ ચેતના છે. તો, એ સંયોગોમાં માનવીને શાશ્વત સત્ય કે એવું કોઈ તત્ત્વ પકડવાનું મુશ્કેલ બની જાય છે. તેમની આ વિષયની ચર્ચાવિચારણાનો મુખ્ય સૂર એ જણાય છે કે વાસ્તવિકતાની અંતર્ગત રહેલી અપાર સંકુલતાઓ, સંદિગ્ધતાઓ અને સર્વ અરાજકતાઓ – જે સ્વયં irrational સ્વરૂપ છે – તેને બુદ્ધિથી અવગત કરી શકાય નહિ. આ પ્રકારની ‘સંશયબુદ્ધિ’ જ, કદાચ, તેમને તેમના કળાવિષયક તેમ અસ્તિત્વવિષયક ચિંતનમાં, સ્થિર નિશ્ચયાત્મક ભૂમિકાથી દૂર રાખતી હશે. | ||
અને છતાં, તેમની વિવેચનાનું બારીકાઈથી અવલોકન કરનારને એમ પણ પ્રતીત થશે, કે વાસ્તવ વિશે તેમણે પ્રસંગે પ્રસંગે જે વિચારવલણો રજૂ કર્યાં છે, અને પાશ્ચાત્ય સર્જકોચિંતકોના સાહિત્યમાંથી તેમણે એ વિશે જે જાતના ખ્યાલો પુરસ્કાર્યા છે, તેમાંથી તેમનો કંઈક ચોક્કસ રૂપનો અભિગમ પણ જોઈ શકાય. તેમની કળાતત્ત્વવિચારણાઓમાં પ્રત્યક્ષ કે પ્રચ્છન્ન રૂપમાં આવો કંઈક સુગ્રાહ્ય અભિગમ રહ્યો જ છે. તેમણે ફરી ફરીને એમ સ્પષ્ટ કર્યું છે કે, વિશ્વવાસ્તવને પામવામાં ચિત્તનાં કરણો ઊણાં ઊતરે છે, અને વાસ્તવના બોધમાં એ કરણો પોતે જ વ્યવધાન રચે છે. પરંપરાએ સિદ્ધ કરી આપેલાં સત્યો અને મૂલ્યો પણ વાસ્તવના બોધમાં સંકીર્ણતા આણે છે. એટલે અખંડના બોધ માટે અખંડ ચેતનાનો અપરોક્ષ અનુભવ (unmediated experience) થવો જોઈએ. સાચો સર્જક આ રીતે વાસ્તવના અપરોક્ષ બોધ માટે પ્રવૃત્ત થતો હોય છે. પરંપરાગત વિવેચનાએ કવિની લોકોત્તર પ્રતિભાનો સ્વીકાર કર્યો હતો. પ્રતિભાશાળી કવિ ક્રાન્તદર્શી હોય છે અને તેની એવી કોઈ અપ્રતિમ શક્તિને બળે વિશ્વનાં પરમ સત્યોની ઉપલબ્ધિ તે કરી શકે છે એમ મનાતું હતું. સુરેશ જોષીએ કવિપ્રતિમાનો જે ખ્યાલ રજૂ કર્યો તેમાં તેની પાસે તેમણે એવી કોઈ લોકોત્તર શક્તિની અપેક્ષા મૂકી નથી. બલ્કે, વિશ્વજીવનના પાયામાં રહેલી અસંગતિના તીવ્ર ભાનથી એમનો કવિ ‘વિશદ નિર્ભ્રાન્તિ’માં જીવતો હોય છે. તેનો પ્રયત્ન માત્ર યુગચેતનાને અખંડ રૂપે અવગત કરવાનો છે. પણ તેની અંતર્ગત રહેલી અરાજકતા અને શૂન્યતા તેના વ્યક્તિત્વને શોષી નાખવા સમર્થ હોય છે. એટલે એ કવિને માટે તો આસપાસની વિરાટ અરાજકતા વચ્ચે સ્વકીય મૂલ્યબોધની આગવી ભૂમિકા શોધવાની અનિવાર્યતા ઊભી થાય છે. આ મૂલ્યબોધની પ્રક્રિયામાં આત્મામાં અંદર ઊતરીને કરેલી ઓળખ એ ‘આત્મસંજ્ઞા’ની જ પ્રક્રિયા બની રહે છે. આજના કવિ માટે આવી પ્રક્રિયા સ્વયં કાવ્યનો સ્રોત બની રહે, એમ બને. | |||
વાસ્તવબોધની આ વૈચારિક ભૂમિકાને વળી એક આગવો ૫રિપ્રેક્ષ્ય મળ્યો છે. સુરેશ જોષી માને છે કે, વ્યક્તિની ચેતના સ્વયં શૂન્યરૂપ છે, વિશ્વના ઇતર પદાર્થોના સંનિકર્ષથી જ તે વાસ્તવિકતાને પામે છે, ચેતનાને ‘બાહ્ય’ પદાર્થોની સામગ્રી મળે ત્યારે જ તેને આત્મબોધ સંભવે છે. આમ, પદાર્થ જોડેના સંબંધવિશેષમાં જ સ્વની ઉપલબ્ધિ થતી હોવાથી ક્ષણેક્ષણે નવીન પરિસ્થિતિના સંદર્ભમાં મુકાવા તે પ્રવૃત્ત થાય છે. એ રીતે પોતાનો ચેતોવિસ્તાર તે સાધતો રહે છે. આ રીતે ક્ષણેક્ષણ જીવવાની પ્રક્રિયા દ્વારા જ તે આગવું રહસ્ય પ્રાપ્ત કરે છે. સર્જનની આરંભની ક્ષણે તો તે કેવળ શૂન્યરૂપ હોય છે. એટલે સર્જનપ્રક્રિયા દરમિયાન જ તે કૃતિમાં વિશિષ્ટ મૂળ સિદ્ધ કરી આપે છે. એ દૃષ્ટિએ સર્જકને માટે પૂર્વસિદ્ધ જીવનદર્શન કૃતિનું નિયામક તત્ત્વ બનતું નથી. સર્જનપ્રક્રિયા દ્વારા સ્વકીય એવું જીવનદર્શન તેને પામવાનું હોય છે. એટલે, પરંપરામાંથી તેને જે જે વિચારો, સત્યો કે મૂલ્યો પ્રાપ્ત થયાં હોય તે પણ, તેને માટે કાચી ઉપાદાનસામગ્રીથી વિશેષ નથી. પૂર્વકાલમાં સિદ્ધ થયેલા વિચારો કે સત્યો ખરેખર તો સ્થગિત થઈ ચૂક્યાં હોય છે. સર્જક એવા પૂર્વસિદ્ધ વિચારો કે સત્યોને સ્વીકારી લઈને ચાલવા જાય, તો તેની સર્જનપ્રવૃત્તિ જ નિરર્થક બની રહે. સર્જન કંઈ આવા વિચારો કે સત્યોનું નિદર્શન માત્ર નથી, એ તો નવીન મૂર્ત વાસ્તવિકતાનું નિર્માણ છે - જેને કોઈ વિચાર કે સત્ય રૂપે તારવી શકાય નહિ. કળાનું રહસ્ય તે કોઈ એવા સમીકરણમાં મૂકી શકાય એવું કે અન્ય ભાષાકીય સંદર્ભમાં મૂકી શકાય એવું રહસ્ય હોતું નથી. | વાસ્તવબોધની આ વૈચારિક ભૂમિકાને વળી એક આગવો ૫રિપ્રેક્ષ્ય મળ્યો છે. સુરેશ જોષી માને છે કે, વ્યક્તિની ચેતના સ્વયં શૂન્યરૂપ છે, વિશ્વના ઇતર પદાર્થોના સંનિકર્ષથી જ તે વાસ્તવિકતાને પામે છે, ચેતનાને ‘બાહ્ય’ પદાર્થોની સામગ્રી મળે ત્યારે જ તેને આત્મબોધ સંભવે છે. આમ, પદાર્થ જોડેના સંબંધવિશેષમાં જ સ્વની ઉપલબ્ધિ થતી હોવાથી ક્ષણેક્ષણે નવીન પરિસ્થિતિના સંદર્ભમાં મુકાવા તે પ્રવૃત્ત થાય છે. એ રીતે પોતાનો ચેતોવિસ્તાર તે સાધતો રહે છે. આ રીતે ક્ષણેક્ષણ જીવવાની પ્રક્રિયા દ્વારા જ તે આગવું રહસ્ય પ્રાપ્ત કરે છે. સર્જનની આરંભની ક્ષણે તો તે કેવળ શૂન્યરૂપ હોય છે. એટલે સર્જનપ્રક્રિયા દરમિયાન જ તે કૃતિમાં વિશિષ્ટ મૂળ સિદ્ધ કરી આપે છે. એ દૃષ્ટિએ સર્જકને માટે પૂર્વસિદ્ધ જીવનદર્શન કૃતિનું નિયામક તત્ત્વ બનતું નથી. સર્જનપ્રક્રિયા દ્વારા સ્વકીય એવું જીવનદર્શન તેને પામવાનું હોય છે. એટલે, પરંપરામાંથી તેને જે જે વિચારો, સત્યો કે મૂલ્યો પ્રાપ્ત થયાં હોય તે પણ, તેને માટે કાચી ઉપાદાનસામગ્રીથી વિશેષ નથી. પૂર્વકાલમાં સિદ્ધ થયેલા વિચારો કે સત્યો ખરેખર તો સ્થગિત થઈ ચૂક્યાં હોય છે. સર્જક એવા પૂર્વસિદ્ધ વિચારો કે સત્યોને સ્વીકારી લઈને ચાલવા જાય, તો તેની સર્જનપ્રવૃત્તિ જ નિરર્થક બની રહે. સર્જન કંઈ આવા વિચારો કે સત્યોનું નિદર્શન માત્ર નથી, એ તો નવીન મૂર્ત વાસ્તવિકતાનું નિર્માણ છે - જેને કોઈ વિચાર કે સત્ય રૂપે તારવી શકાય નહિ. કળાનું રહસ્ય તે કોઈ એવા સમીકરણમાં મૂકી શકાય એવું કે અન્ય ભાષાકીય સંદર્ભમાં મૂકી શકાય એવું રહસ્ય હોતું નથી. | ||
સુરેશ જોષીની કળાવિચારણામાં, આ રીતે, વ્યવહારની વાસ્તવિકતાનું કળામાં રૂપાંતર – સર્જનપ્રક્રિયા કે રચનાસંવિધાન – એ પાયાના ખ્યાલો રહ્યા છે. સર્જકે પરિચિત વ્યવહારજગતની કેવળ પ્રતિકૃતિ આપવાની નથી. તેના હૃદય-આવેગનો સહજ ઉદ્રેક તે પણ કળાપદાર્થ બનતો નથી. તેણે સભાનતાપૂર્વક હેતુપુરસ્સર રચનાપ્રક્રિયા દ્વારા એક નવી જ વાસ્તવિકતાનું નિર્માણ કરી આપવાનું છે. વ્યવહારની પરિચિત જડ વાસ્તવિકતાનું સ્થૂળ અનુકરણ નહિ, પણ aesthetic probabilityને અનુરૂપ, તેણે આગવું વિશ્વ નિર્મિત કરવાનું છે. લૌકિક ઘટના અને કળાકીય ઘટના વચ્ચે જે તાત્ત્વિક ભેદ સંભવે છે તે આ પ્રકારના સર્જનાત્મક વ્યાપારને કારણે જ સંભવે છે. સર્જકે આ રીતે કળાના વિશ્વનું આગવું ઋત અને આગવું તંત્ર રચી આપવાનું હોય છે. કળાની સૃષ્ટિ એક સ્વાયત્ત, આત્મનિર્ભર અને અખંડ સૃષ્ટિ સંભવે છે. તેના ઋતના પ્રસારમાં પરિચિત વ્યવહારનું સત્ય નહિ, પણ તેને અતિક્રમી રહેલું તેનું આગવું કળાકીય સત્ય રહ્યું હોય છે. એમાં પરિચિત વાસ્તવના સત્યની સામે છેડે રહેલા કપોલકલ્પિતના કે અસંગતિના અંશો પણ સમાવેશ પામે છે. વ્યવહારજગતમાં માનવી બાહ્ય વાસ્તવના પદાર્થો જોડે કોઈ ને કોઈ સંકીર્ણ પ્રયોજનોથી બંધાયેલો હોય છે, અને તેથી તેની દૃષ્ટિને મોટી મર્યાદા રચાઈ જતી હોય છે. પણ કળાના વિશ્વમાં સ્થાન પામેલા પદાર્થો એવી મર્યાદાઓથી મુક્ત થઈ જતા હોય છે. એટલે એ પદાર્થોનું અપૂર્વ રૂપ તેમાં છતું થતું હોય છે. સ્થળકાળની મર્યાદામાં બંધાયેલા લૌકિક વિશ્વથી કળાનું વિશ્વ તત્ત્વતઃ ભિન્ન હોય છે. | સુરેશ જોષીની કળાવિચારણામાં, આ રીતે, વ્યવહારની વાસ્તવિકતાનું કળામાં રૂપાંતર – સર્જનપ્રક્રિયા કે રચનાસંવિધાન – એ પાયાના ખ્યાલો રહ્યા છે. સર્જકે પરિચિત વ્યવહારજગતની કેવળ પ્રતિકૃતિ આપવાની નથી. તેના હૃદય-આવેગનો સહજ ઉદ્રેક તે પણ કળાપદાર્થ બનતો નથી. તેણે સભાનતાપૂર્વક હેતુપુરસ્સર રચનાપ્રક્રિયા દ્વારા એક નવી જ વાસ્તવિકતાનું નિર્માણ કરી આપવાનું છે. વ્યવહારની પરિચિત જડ વાસ્તવિકતાનું સ્થૂળ અનુકરણ નહિ, પણ aesthetic probabilityને અનુરૂપ, તેણે આગવું વિશ્વ નિર્મિત કરવાનું છે. લૌકિક ઘટના અને કળાકીય ઘટના વચ્ચે જે તાત્ત્વિક ભેદ સંભવે છે તે આ પ્રકારના સર્જનાત્મક વ્યાપારને કારણે જ સંભવે છે. સર્જકે આ રીતે કળાના વિશ્વનું આગવું ઋત અને આગવું તંત્ર રચી આપવાનું હોય છે. કળાની સૃષ્ટિ એક સ્વાયત્ત, આત્મનિર્ભર અને અખંડ સૃષ્ટિ સંભવે છે. તેના ઋતના પ્રસારમાં પરિચિત વ્યવહારનું સત્ય નહિ, પણ તેને અતિક્રમી રહેલું તેનું આગવું કળાકીય સત્ય રહ્યું હોય છે. એમાં પરિચિત વાસ્તવના સત્યની સામે છેડે રહેલા કપોલકલ્પિતના કે અસંગતિના અંશો પણ સમાવેશ પામે છે. વ્યવહારજગતમાં માનવી બાહ્ય વાસ્તવના પદાર્થો જોડે કોઈ ને કોઈ સંકીર્ણ પ્રયોજનોથી બંધાયેલો હોય છે, અને તેથી તેની દૃષ્ટિને મોટી મર્યાદા રચાઈ જતી હોય છે. પણ કળાના વિશ્વમાં સ્થાન પામેલા પદાર્થો એવી મર્યાદાઓથી મુક્ત થઈ જતા હોય છે. એટલે એ પદાર્થોનું અપૂર્વ રૂપ તેમાં છતું થતું હોય છે. સ્થળકાળની મર્યાદામાં બંધાયેલા લૌકિક વિશ્વથી કળાનું વિશ્વ તત્ત્વતઃ ભિન્ન હોય છે. |
Latest revision as of 15:30, 10 March 2025
સુરેશ જોષીનું સાહિત્યવિવેચન, તેમણે પુરસ્કારેલી નવીન કળાદૃષ્ટિ અને અદ્યતનતાના સંસ્કારોવાળી તેમની વિલક્ષણ અભિરુચિને કારણે, આપણા સ્વાતંત્ર્યોત્તર વિવેચનમાં અનોખો જ આવિષ્કાર બની રહે છે. એક જાગ્રત અને સંનિષ્ઠ વિવેચક તરીકે, આપણા સર્જાતા સાહિત્યની ગતિવિધિઓ ઓળખવાનો અને તેના પ્રભાવશાળી પ્રયોગોને પુરસ્કારવાનો, તેમણે સતત ધર્મ બજાવ્યો છે. તેમનો મૂળભૂત ઉદ્દેશ જ, મને લાગે છે કે, આપણી સ્થગિત થઈ જવા આવેલી સાહિત્યિક પરિસ્થિતિમાં નવસંચાર કરવાનો રહ્યો છે. એમ પણ જોઈ શકાશે કે, આપણી આજની સાહિત્યિક ભૂમિકાનું નિર્માણ કરવામાં તેમની વિવેચના ઠીક ઠીક પરિણામકારી નીવડી છે. અને છતાં, સુરેશ જોષી એક વિવેચક લેખે આપણે ત્યાં ઓછા ચર્ચાસ્પદ નથી રહ્યા. પણ એમ શા માટે? તેમનો કળાવિચાર પરંપરાગત કળાના ખ્યાલોથી ભિન્ન છે એટલા માટે? કે, આધુનિક યુગબોધ અને માનવ-અસ્તિત્વ વિશેના તેમના ખ્યાલો નિરાશાવાદી વલણ દાખવે છે એટલા માટે? કે, આપણા સાહિત્યની કઠોર આલોચના તેમણે કરી છે એ માટે? કે પછી, તેમના ચિંતન વિવેચનનાં મૂળ ગૃહીતો જ રૂઢ માનસને પડકારરૂપ છે એ માટે? આપણી વિવેચનાએ અલબત્ત આ વિશે જોઈએ એવો ઊહાપોહ કર્યો નથી.
એટલું તો સ્પષ્ટ છે કે, સુરેશ જોષીએ તેમની વિવેચનામાં શુદ્ધ કળા અને નિરપેક્ષ સર્જકતાનો એક અતિ ઉચ્ચ આદર્શ રજૂ કર્યો છે. એમાં પશ્ચિમની અર્વાચીન કળામીમાંસાના કેટલાક મહત્ત્વના ખ્યાલોનો તેમણે સ્વીકાર કરેલો છે. એ કારણે કળાવિષયક આપણી પરંપરાગત સમજણથી તેમની વિભાવના ઘણી રીતે જુદી પડી આવે છે. પણ, એથીયે વધુ મહત્ત્વની બાબત તો એ છે કે, તેમની કળાવિચારણામાં આધુનિક યુગસંદર્ભ અને વર્તમાન માનવીય પરિસ્થિતિ વિશેની તેમની ઉત્કટ અભિજ્ઞતાનું ગાઢ અનુસંધાન રહેલું છે. પશ્ચિમના સર્જનવિવેચનચિંતનમાંની અસ્તિત્વવિષયક કેટલીક નિરાશાવાદી કે સંશયગ્રસ્ત જીવનદૃષ્ટિનો તેમણે પુરસ્કાર કર્યો છે. આ પ્રકારનાં અદ્યતનલક્ષી વિચારવલણો તેમની રસરુચિના મર્મકોષમાં ઊતરી ગયાં છે, એમ પણ જોઈ શકાશે.
અને હકીકતમાં, સુરેશ જોષીની મનોસૃષ્ટિમાં આધુનિક પાશ્ચાત્ય વિચારધારાઓનો મોટો પ્રભાવ રહ્યો છે. તેમની બૌદ્ધિક સંવિત્તિમાં ફ્રિનોમિનોલોજી, અસ્તિત્વવાદ, અતિવાસ્તવવાદ, પ્રતીકવાદ જેવી પશ્ચિમની અનેક મહત્ત્વની વિચારધારાઓ એકત્ર થતી જોવા મળે છે. જોકે આ પ્રકારની વિભિન્ન વિચારધારાઓને તેમનાં લખાણોમાં અલગ કરીને ઓળખવાનું સરળ નથી, જરૂરી પણ નથી. પણ તેમના ચિંતનને વિશેષ મરોડ આપનાર સર્જકોચિંતકો કોણ છે, તેની તપાસ ન કરીએ તો પણ, તેમના સાહિત્યમાં તેઓ સ્વયં મુખરિત બની જતા દેખાશે. તેમની વિવેચનાનો નિકટતાથી પરિચય કરનારને તરત જ પ્રતીત થશે કે, અહીં નિત્ઝે, બોદલેર, કામુ, કાફકા, દોસ્તોએવ્સ્કી, રિલ્કે, વાલેરી, પ્રુસ્ત, જોય્યસ, સાર્ત્ર જેવા વિભિન્ન પ્રતિભાશાળી સર્જકોચિંતકોના મનોવિશ્વની કશીક બૌદ્ધિક સંવેદના અને તેનો પરિવેશ તેમના ચિંતનમાં ઊતરી આવ્યાં છે. આ સંદર્ભમાં અલબત્ત આપણે એમ નોંધવું જોઈશે કે, આ સર્વ પાશ્ચાત્ય સર્જકોચિંતકોની વિચારણામાં તેમનો દરેકનો સ્વકીય એવો અને પરસ્પરથી ઓછોવત્તો ભિન્ન એવો દાર્શનિક અભિગમ છે. એ ખરું કે, આધુનિક યુગની અભિજ્ઞતા, વર્તમાન માનવીય પરિસ્થિતિ કે માનવ-અસ્તિત્વ-વિષયક તેમનાં વિચારવલણોમાં ઠીક ઠીક પાયાનું સામ્ય પણ જોવા મળશે, પણ એ સાથે આપણે એ પણ લક્ષમાં રાખવાનું છે કે, વાસ્તવનું સ્વરૂપ, માનવીય વાસ્તવિકતા, માનવીના જ્ઞાનની શક્તિ અને જ્ઞાનપ્રાપ્તિનાં કરણો આદિ બિલકુલ પાયાની બાબતોમાં કેટલુંક વિચારવૈષમ્ય પણ તેમનામાં છે. સુરેશ જોષીની કળાવિચારણામાં એવી વિભિન્ન વિચારધારાઓનો ઓછોવત્તો પ્રભાવ રહ્યો છે, અને જુદે જુદે નિમિત્તે લખાયેલાં તેમનાં વિવેચનાત્મક લખાણોમાં એવી વિભિન્ન વિચારધારાઓની વિશિષ્ટ સંજ્ઞાઓ પણ વિનિયોગ પામેલી દેખાય છે. એમાં કળામીમાંસાની ‘આકાર’, ‘ટેક્નિક’, ‘રચનાસંવિધાન’, ‘રૂપાંતર’, ‘વસ્તુનું તિરોધાન’, ‘આસ્વાદ’, ‘ભાષાકર્મ’ જેવી સંજ્ઞાઓના સંકેત વિશે ઝાઝી મુશ્કેલી નથી એમ માની લઈએ, પરંતુ ‘શૂન્ય’, ‘અરાજકતા’, ‘વિચ્છિન્નતા’, ‘વિદ્રોહ’, ‘વિરતિ’, ‘નિર્ભ્રાન્તિ’, ‘હતાશા’, ‘વિષાદ’, ‘અસ્તિત્વ’, ‘પસંદગી’, ‘અબાધિત સ્વતંત્રતા’, ‘હદપારી’, ‘આત્મસંજ્ઞા’ જેવી વિલક્ષણ ચિંતનની પરિભાષા તેમની કળાવિચારણાના હાર્દ સુધી પહોંચવામાં કેટલોક અંતરાય પણ રચે છે : “નિર્ભ્રાન્તિની અવસ્થામાં આવી પડ્યા પછી શૂન્યથી શોષાઈને લુપ્ત ન થઈ જાય એટલા ખાતર એ ‘હું’નું નાનું શું ટપકું ઘૂંટીને એમાંથી ટકી રહેવાય એટલી વિશિષ્ટતા સર્જવા મથી રહે છે.” (‘કાવ્યચર્ચા’ : પૃ. ૧૭) “સમયને ઉશેટીને ફેંકી દેવામાં આવ્યો છે. રહ્યો છે માત્ર અવકાશનો અન્તહીન નિરર્થક પ્રસાર. એ પ્રસારમાં કશાંક નિશ્ચિત બિંદુઓ ચિહ્નિત કરીને ઓળખાઈ શકે એવું દૃશ્ય રચવાનો પણ અભિક્રમ દેખાતો નથી. આવા પરિપાર્શ્વમાં બધું જ વિલક્ષણ રીતે અમાનુષી લાગવા માંડે છે. માનવ્યનું આ રીતે વિધિપુરસ્સરનું થતું અપસરણ પણ આ પ્રવૃત્તિનું એક લક્ષણ બની રહે છે. આ આખા પ્રસારમાં એક પ્રકારની ગતિહીન દ્વન્દ્વહીન નિશ્ચેષ્ટતાનો અનુભવ થાય છે. જાણી કરીને માનવી ન થવા વિશેના ઉદ્રેકો પણ પ્રકટ થતા દેખાય છે.” (‘કાવ્યચર્ચા’ પૃ. ૩૭-૩૮) – આવી વિચારણાનો પૂરો તાગ મેળવવાનું ખરેખર મુશ્કેલ છે.
તેમની કળાવિચારણામાં, સંભવતઃ, પશ્ચિમની અદ્યતન વિચારણાઓની કેટલીક પરસ્પર ભિન્ન ભૂમિકાઓ એકત્ર થઈ છે. એમાં કેટલેક પ્રસંગે એકવાક્યતા રચાઈ હોય એમ લાગતું નથી. કદાચ, આ જાતની વિચારણાનાં મૂળભૂત ગૃહીતો પોતે વિવાદમુક્ત નથી. એટલે, એવી વિચારણાઓમાં ક્યાંક પરસ્પર ભિન્ન કે પરસ્પર વિરોધી લાગતી ભૂમિકાઓ છતી થઈ જતી દેખાય છે, જેનો પરિહાર કરવાની સુરેશ જોષીએ કદાચ આવશ્યકતા જોઈ નથી. ઉ. ત. સર્જક પોતાના સર્જનની પ્રક્રિયામાં – અને એ પ્રક્રિયા દ્વારા જ - ચેતોવિસ્તાર સાધે છે, અને આત્મસંજ્ઞા પામે છે, એવી એક વૈચારિક ભૂમિકા તેમણે પોતાનાં અનેક લખાણોમાં પુરસ્કારી. એ પછી, ‘વિવેચનનો અંત?’ લેખમાં તેમણે વળી એક એવો ખ્યાલ પુરસ્કાર્યો કે, ચિત્ર શિલ્પ જેવી કળાના નવ્ય પ્રેયોગોમાં, એ કોઈ માનવીની કૃતિ છે, એ હકીકત પર હવે ઝાઝો ભાર મુકાતો નથી! કળાકૃતિને એક વાર subjective reality રૂપે ગણાવ્યા પછી કળાનિર્માણમાં જોવા મળતાં impersonal કે dehumanizationનાં પાસાં પર પણ તેઓ ભાર મૂકે છે. આ બે દૃષ્ટિબિંદુ વચ્ચે દેખાતા વિરોધનો જો તેઓ પ્રતીતિકર એવો પરિહાર કરી આપે તો જ તેમની આગવી ભૂમિકા સમજવાનું સરળ બની રહે. એ જ રીતે, વાસ્તવની અંતર્ગત રહેલી અરાજકતા, સંદિગ્ધતા અને અન્-અર્થકતાનો તેમણે અનેક વાર ઉલ્લેખ કર્યો છે. અને એમ પણ સ્પષ્ટ કર્યું છે કે, સર્જક એ વાસ્તવની સામગ્રીમાંથી જ કળાનું રૂપ નિર્મિત કરી આપે છે, એ રૂપનિર્માણની પ્રક્રિયામાંથી જ આગવું મૂલ્ય કે સત્ય ઉદ્ભાસિત કરી આપે છે. આ પ્રકારની ભૂમિકા સ્વીકારતાં સર્જકના વ્યક્તિત્વમાં કોઈક વિધાયક ચેતનાના વ્યાપારની સહેજે અપેક્ષા રહે, પણ એ રૂપવિધાયક શક્તિ વિશે તેમણે ખાસ સ્પષ્ટતા કરી નથી. બલ્કે, વ્યક્તિની ચેતના સ્વયં ‘શૂન્યરૂપ’ છે અને ‘ઇતર’ પદાર્થોના સંપર્કમાં જ તેને વાસ્તવિકતા પ્રાપ્ત થાય છે એવી ભૂમિકાનું તેમણે સમર્થન કરેલું છે. વળી, સર્જક કળાસર્જન દ્વારા વિશ્વવાસ્તવની દુર્ગ્રાહ્ય સંકુલતા અને અરાજકતાને રૂપ આપી તેનો ‘અર્થ’ પ્રગટ કરવા ચાહે છે અને તેની વ્યંજના વિસ્તારવા ચાહે છે એવી ભૂમિકાના સ્વીકાર સાથે વળી એમ પણ સ્વીકાર્યું છે કે, વાસ્તવની ‘અન્-અર્થકર્તા’થી પરાઙ્મુખ થયેલો કવિ શબ્દને પણ પોલા કરી નાખી પોતાની રચનામાં ‘અન્-અર્થકતા’ સાધવા પ્રવૃત્ત થાય છે! આમ, તેમની વિવેચનામાં કેટલીક પરસ્પર ભિન્ન લાગતી વિચારણાઓ મૂંઝવનારી બની રહે છે. એમાં કળાસર્જન પરત્વે, તેમ વિશ્વવાસ્તવ અને માનવીય વાસ્તવ વિશે, કોઈ સ્પષ્ટ અને સ્થિર ભૂમિકા શોધવાનું મુશ્કેલ લાગ્યા કરે છે.
એટલે, સર્વ પ્રશ્નોનો પ્રશ્ન ઊભો થાય કે, તેમની વિવેચનામાં પ્રગટ થતી કળાદૃષ્ટિને કોઈ સુગ્રથિત, વ્યવસ્થિત અને ચુસ્ત તર્કનિષ્ઠ એવા સિદ્ધાંતમાં મૂકી શકાય ખરી? કદાચ નહિ. અને તે એ કારણે કે, તેમને પોતાને પણ કદાચ એવો ચુસ્ત તર્કકઠોર માર્ગ સ્વીકાર્ય નથી. તેમની સમગ્ર વિવેચનપ્રવૃત્તિનું અવલોકન કરતાં, પ્રથમ એવી છાપ પડે છે કે, કળાના પ્રશ્નોની તટસ્થ તપાસ કરવા કરતાં કે એવી તર્કચુસ્ત વ્યાખ્યાવિચારણા કરવા કરતાં આધુનિક કળામીમાંસાના નવા નવા વિચારોનો પુરસ્કાર કરવામાં જ તેમને વધુ રસ છે. આપણા પરંપરાગત સાહિત્યની સ્થગિતતા અને તેના વિવેચનનાં ધોરણોની સંદિગ્ધતા તેમને સતત કઠતી રહી છે. એટલે શુદ્ધ કળા અને સર્જકતા-વિષયક નવાં નવાં વિચારવલણોનો દૃઢતાપૂર્વક તેમણે સતત પુરસ્કાર કર્યો છે, અને એ રીતે, આપણા વિવેચનના પરંપરાગત ખ્યાલો સાથે નવા પ્રાણવાન વિચારો ટકરાવીને તેને ગતિશીલ બનાવવાની તેમની મહત્ત્વાકાંક્ષા રહી છે. આ દૃષ્ટિએ જ કદાચ નવી કળામીમાંસાના કેટલાક પાયાના ખ્યાલોનો ફરી ફરીને પુરસ્કાર કરવાનો તેમણે સંનિષ્ઠ પ્રયત્ન જારી રાખ્યો છે. તેમનાં વિવેચનાત્મક લખાણોમાં એથી કેટલુંક પુનરાવર્તન પણ જઈ શકાશે. પણ, વિશેષ મહત્ત્વનો મુદ્દો એ છે કે આ કારણે તેમની કળાચર્ચામાં તાત્ત્વિક સંગતિ કે એકવાક્યતા જોવાનું કેટલીક વાર મુશ્કેલ બની જાય છે. કદાચ કોઈ સ્થિર દાર્શનિક ભૂમિકા તેમણે સ્વીકારી નથી એ કારણે, કે શાસ્ત્રીય અભિગમથી વિચારવાનું તેમને ઇષ્ટ લાગ્યું નથી એ કારણે, તેમના ચિંતનમાં સ્થિર ભૂમિકા પકડવાનું શક્ય નથી. સંભવ છે કે, નિત્ઝે, કામુ કે સાર્ત્ર જેવા કોઈ એક સર્જકચિંતકની ભૂમિકામાં તેઓ બંધાઈ રહેવા ચાહતા નથી. પણ, તો પછી આ અંગે તેઓ પોતે જ આ૫ણને માર્ગદર્શક બની શકે એમ છે. ‘સંજ્ઞા’ સામયિક (જુઓ એપ્રિલ-જૂન ’૬૭નો અંક) તરફથી લેવાયેલા ઇન્ટરવ્યૂમાં તેમણે એમ સ્પષ્ટ કરેલું છે : “ફિલસૂફીનો હું વિદ્યાર્થી છું પણ એનો અર્થ એ નથી કે ફિલસૂફીના કોઈ સંપ્રદાયને હું માનું છું કે જેથી હું તત્પરતાથી કહી દઉં કે તમે મને existentialist ગણજો, પણ તે સાર્ત્ર કે કામુના પ્રકારનો નહિ, પણ મારસેલના પ્રકારનો–એવું નથી કહી શકાતું. ફિલસૂફીમાં માનું છું એનો અર્થ જ એ કે મારી જિજ્ઞાસા સતત જાગ્રત છે. પ્રશ્નોને આમથી તેમથી તપાસી જોવાનું સુધારવાનું મારું વલણ ચાલુ છે, એટલે કે, “I want to keep myself intellectually alert. I want to examine all the issues. And I am prepared to go back again.”
આમ, સુરેશ જોષી પોતાને કોઈ એક દાર્શનિક સિદ્ધાંત કે તત્ત્વવાદમાં બંધાઈ જવા દેવાને ચાહતા નથી. જીવન કે કળા વિશે કોઈ એક પરંપરાપ્રાપ્ત દર્શન, બૌદ્ધિક વાદ કે પ્રતિષ્ઠિત સત્યોને અંતિમ માનીને ચાલવાનું તેમને ઇષ્ટ જણાતું નથી. વિશ્વવાસ્તવનું રહસ્ય બુદ્ધિપ્રણીત વિભાવનાઓનાં જડ ચોકઠાંઓમાં ઝીલી જ ન શકાય એમ કંઈક તેઓ માનતા જણાય છે. ઇંદ્રિયબોધથી ગોચર થતી વાસ્તવિકતા પણુ સાચી વાસ્તવિકતા નથી. તો, બૌદ્ધિક વાદોના તંત્રમાંયે મૂળભૂત વાસ્તવિકતા ઝીલી શકાતી નથી. નિશ્ચયબુદ્ધિના જ્ઞાનની ઉપલબ્ધિ જ માનવી માટે દુષ્કર છે. સુરેશ જોષીએ, વળી, એકથી વધુ સંદર્ભમાં એમ કહ્યું છે કે, વાસ્તાવિકતા સ્વયં સતત પ્રવહમાન ઘટનારૂપ છે. માનવસંવિત્તિ પણ એવી જ પરિવર્તનશીલ ચેતના છે. તો, એ સંયોગોમાં માનવીને શાશ્વત સત્ય કે એવું કોઈ તત્ત્વ પકડવાનું મુશ્કેલ બની જાય છે. તેમની આ વિષયની ચર્ચાવિચારણાનો મુખ્ય સૂર એ જણાય છે કે વાસ્તવિકતાની અંતર્ગત રહેલી અપાર સંકુલતાઓ, સંદિગ્ધતાઓ અને સર્વ અરાજકતાઓ – જે સ્વયં irrational સ્વરૂપ છે – તેને બુદ્ધિથી અવગત કરી શકાય નહિ. આ પ્રકારની ‘સંશયબુદ્ધિ’ જ, કદાચ, તેમને તેમના કળાવિષયક તેમ અસ્તિત્વવિષયક ચિંતનમાં, સ્થિર નિશ્ચયાત્મક ભૂમિકાથી દૂર રાખતી હશે.
અને છતાં, તેમની વિવેચનાનું બારીકાઈથી અવલોકન કરનારને એમ પણ પ્રતીત થશે, કે વાસ્તવ વિશે તેમણે પ્રસંગે પ્રસંગે જે વિચારવલણો રજૂ કર્યાં છે, અને પાશ્ચાત્ય સર્જકોચિંતકોના સાહિત્યમાંથી તેમણે એ વિશે જે જાતના ખ્યાલો પુરસ્કાર્યા છે, તેમાંથી તેમનો કંઈક ચોક્કસ રૂપનો અભિગમ પણ જોઈ શકાય. તેમની કળાતત્ત્વવિચારણાઓમાં પ્રત્યક્ષ કે પ્રચ્છન્ન રૂપમાં આવો કંઈક સુગ્રાહ્ય અભિગમ રહ્યો જ છે. તેમણે ફરી ફરીને એમ સ્પષ્ટ કર્યું છે કે, વિશ્વવાસ્તવને પામવામાં ચિત્તનાં કરણો ઊણાં ઊતરે છે, અને વાસ્તવના બોધમાં એ કરણો પોતે જ વ્યવધાન રચે છે. પરંપરાએ સિદ્ધ કરી આપેલાં સત્યો અને મૂલ્યો પણ વાસ્તવના બોધમાં સંકીર્ણતા આણે છે. એટલે અખંડના બોધ માટે અખંડ ચેતનાનો અપરોક્ષ અનુભવ (unmediated experience) થવો જોઈએ. સાચો સર્જક આ રીતે વાસ્તવના અપરોક્ષ બોધ માટે પ્રવૃત્ત થતો હોય છે. પરંપરાગત વિવેચનાએ કવિની લોકોત્તર પ્રતિભાનો સ્વીકાર કર્યો હતો. પ્રતિભાશાળી કવિ ક્રાન્તદર્શી હોય છે અને તેની એવી કોઈ અપ્રતિમ શક્તિને બળે વિશ્વનાં પરમ સત્યોની ઉપલબ્ધિ તે કરી શકે છે એમ મનાતું હતું. સુરેશ જોષીએ કવિપ્રતિમાનો જે ખ્યાલ રજૂ કર્યો તેમાં તેની પાસે તેમણે એવી કોઈ લોકોત્તર શક્તિની અપેક્ષા મૂકી નથી. બલ્કે, વિશ્વજીવનના પાયામાં રહેલી અસંગતિના તીવ્ર ભાનથી એમનો કવિ ‘વિશદ નિર્ભ્રાન્તિ’માં જીવતો હોય છે. તેનો પ્રયત્ન માત્ર યુગચેતનાને અખંડ રૂપે અવગત કરવાનો છે. પણ તેની અંતર્ગત રહેલી અરાજકતા અને શૂન્યતા તેના વ્યક્તિત્વને શોષી નાખવા સમર્થ હોય છે. એટલે એ કવિને માટે તો આસપાસની વિરાટ અરાજકતા વચ્ચે સ્વકીય મૂલ્યબોધની આગવી ભૂમિકા શોધવાની અનિવાર્યતા ઊભી થાય છે. આ મૂલ્યબોધની પ્રક્રિયામાં આત્મામાં અંદર ઊતરીને કરેલી ઓળખ એ ‘આત્મસંજ્ઞા’ની જ પ્રક્રિયા બની રહે છે. આજના કવિ માટે આવી પ્રક્રિયા સ્વયં કાવ્યનો સ્રોત બની રહે, એમ બને.
વાસ્તવબોધની આ વૈચારિક ભૂમિકાને વળી એક આગવો ૫રિપ્રેક્ષ્ય મળ્યો છે. સુરેશ જોષી માને છે કે, વ્યક્તિની ચેતના સ્વયં શૂન્યરૂપ છે, વિશ્વના ઇતર પદાર્થોના સંનિકર્ષથી જ તે વાસ્તવિકતાને પામે છે, ચેતનાને ‘બાહ્ય’ પદાર્થોની સામગ્રી મળે ત્યારે જ તેને આત્મબોધ સંભવે છે. આમ, પદાર્થ જોડેના સંબંધવિશેષમાં જ સ્વની ઉપલબ્ધિ થતી હોવાથી ક્ષણેક્ષણે નવીન પરિસ્થિતિના સંદર્ભમાં મુકાવા તે પ્રવૃત્ત થાય છે. એ રીતે પોતાનો ચેતોવિસ્તાર તે સાધતો રહે છે. આ રીતે ક્ષણેક્ષણ જીવવાની પ્રક્રિયા દ્વારા જ તે આગવું રહસ્ય પ્રાપ્ત કરે છે. સર્જનની આરંભની ક્ષણે તો તે કેવળ શૂન્યરૂપ હોય છે. એટલે સર્જનપ્રક્રિયા દરમિયાન જ તે કૃતિમાં વિશિષ્ટ મૂળ સિદ્ધ કરી આપે છે. એ દૃષ્ટિએ સર્જકને માટે પૂર્વસિદ્ધ જીવનદર્શન કૃતિનું નિયામક તત્ત્વ બનતું નથી. સર્જનપ્રક્રિયા દ્વારા સ્વકીય એવું જીવનદર્શન તેને પામવાનું હોય છે. એટલે, પરંપરામાંથી તેને જે જે વિચારો, સત્યો કે મૂલ્યો પ્રાપ્ત થયાં હોય તે પણ, તેને માટે કાચી ઉપાદાનસામગ્રીથી વિશેષ નથી. પૂર્વકાલમાં સિદ્ધ થયેલા વિચારો કે સત્યો ખરેખર તો સ્થગિત થઈ ચૂક્યાં હોય છે. સર્જક એવા પૂર્વસિદ્ધ વિચારો કે સત્યોને સ્વીકારી લઈને ચાલવા જાય, તો તેની સર્જનપ્રવૃત્તિ જ નિરર્થક બની રહે. સર્જન કંઈ આવા વિચારો કે સત્યોનું નિદર્શન માત્ર નથી, એ તો નવીન મૂર્ત વાસ્તવિકતાનું નિર્માણ છે - જેને કોઈ વિચાર કે સત્ય રૂપે તારવી શકાય નહિ. કળાનું રહસ્ય તે કોઈ એવા સમીકરણમાં મૂકી શકાય એવું કે અન્ય ભાષાકીય સંદર્ભમાં મૂકી શકાય એવું રહસ્ય હોતું નથી.
સુરેશ જોષીની કળાવિચારણામાં, આ રીતે, વ્યવહારની વાસ્તવિકતાનું કળામાં રૂપાંતર – સર્જનપ્રક્રિયા કે રચનાસંવિધાન – એ પાયાના ખ્યાલો રહ્યા છે. સર્જકે પરિચિત વ્યવહારજગતની કેવળ પ્રતિકૃતિ આપવાની નથી. તેના હૃદય-આવેગનો સહજ ઉદ્રેક તે પણ કળાપદાર્થ બનતો નથી. તેણે સભાનતાપૂર્વક હેતુપુરસ્સર રચનાપ્રક્રિયા દ્વારા એક નવી જ વાસ્તવિકતાનું નિર્માણ કરી આપવાનું છે. વ્યવહારની પરિચિત જડ વાસ્તવિકતાનું સ્થૂળ અનુકરણ નહિ, પણ aesthetic probabilityને અનુરૂપ, તેણે આગવું વિશ્વ નિર્મિત કરવાનું છે. લૌકિક ઘટના અને કળાકીય ઘટના વચ્ચે જે તાત્ત્વિક ભેદ સંભવે છે તે આ પ્રકારના સર્જનાત્મક વ્યાપારને કારણે જ સંભવે છે. સર્જકે આ રીતે કળાના વિશ્વનું આગવું ઋત અને આગવું તંત્ર રચી આપવાનું હોય છે. કળાની સૃષ્ટિ એક સ્વાયત્ત, આત્મનિર્ભર અને અખંડ સૃષ્ટિ સંભવે છે. તેના ઋતના પ્રસારમાં પરિચિત વ્યવહારનું સત્ય નહિ, પણ તેને અતિક્રમી રહેલું તેનું આગવું કળાકીય સત્ય રહ્યું હોય છે. એમાં પરિચિત વાસ્તવના સત્યની સામે છેડે રહેલા કપોલકલ્પિતના કે અસંગતિના અંશો પણ સમાવેશ પામે છે. વ્યવહારજગતમાં માનવી બાહ્ય વાસ્તવના પદાર્થો જોડે કોઈ ને કોઈ સંકીર્ણ પ્રયોજનોથી બંધાયેલો હોય છે, અને તેથી તેની દૃષ્ટિને મોટી મર્યાદા રચાઈ જતી હોય છે. પણ કળાના વિશ્વમાં સ્થાન પામેલા પદાર્થો એવી મર્યાદાઓથી મુક્ત થઈ જતા હોય છે. એટલે એ પદાર્થોનું અપૂર્વ રૂપ તેમાં છતું થતું હોય છે. સ્થળકાળની મર્યાદામાં બંધાયેલા લૌકિક વિશ્વથી કળાનું વિશ્વ તત્ત્વતઃ ભિન્ન હોય છે.
ચેતોવિસ્તાર એ સર્જનનું મૌલિભૂત પ્રયોજન છે, એમ સુરેશ જોષીએ ફરી ફરીને સ્પષ્ટ કર્યું છે. સર્જક હોવાને કારણે જ, સભાનપણે પોતાનો આત્મવિસ્તાર ઝંખે છે. રચનાપ્રક્રિયા દ્વારા પોતાને પ્રાપ્ત થયેલી contentને, સર્વથા નવો જ સંસ્કાર અર્પી તેનો સંકેત વિસ્તારવા તે પ્રયાસ કરે છે. નવું સત્ય – નવું મૂલ્ય – ઉદ્ભાસિત થઈ ઊઠે તે માટે, સર્જનની ક્ષણોમાં પોતાની અખંડ ચેતનાને તે સક્રિય કરે છે. પોતાની ચેતનામાં તે નવી નવી સંભવિતતાઓ સ્વીકારે છે. એટલે કે, સર્જનની દરેક ક્ષણ તેને અનંતવિધ શક્યતાઓવાળી લાગે છે. એટલે તે સ્વના કેન્દ્રથી દૂર સામે છેડે જઈ ત્યાંથી નવા જ પરિપ્રેક્ષ્યમાં વાસ્તવને જેવા પ્રયત્ન કરે છે. આમ આધારબિંદુઓ બદલતા જઈને નવા નવા પરિપ્રેક્ષ્યમાં તે વાસ્તવિકતાનાં અપરિચિત રૂપો નિહાળે છે. એ માટે જડ ટેવોમાં બંધાઈ ગયેલી ઇંદ્રિયોના ગતાનુગતિક વ્યાપારોને અવરોધી, તેને અવળસવળ કરી દઈ તે દ્વારા નવા જ તાઝગીભર્યા પ્રતિભાવો ઝીલવા તે મથે છે. એ જ રીતે બૌદ્ધિક વાદો અને વિચારસરણીઓનાં જે નિશ્ચેષ્ટ પડો વાસ્તવિકતા પર બાઝી ગયાં છે, તેને ‘તિર્યક્ દૃષ્ટિએ’ ભેદીને તેનું ગતિશીલ રૂપ પામવા તે આતુર બને છે. તાત્પર્ય કે, વાસ્તવનું આગવું રૂપ અને આગવું સત્ય છતું થાય તે માટે તે જીવંત ક્રિયાશીલતાને આવકારે છે. કલાકૃતિનો અર્થ અપરિમેય વિસ્તરતો રહે એ માટે તે રચનાપ્રક્રિયાનું કાર્ય – સર્જનકર્મ – આદરે છે. સર્જક તરીકે એ તેની અબાધિત સ્વતંત્રતા છે.
સુરેશ જોષીના વિવેચનમાં સર્જકતા વિશે જે ખ્યાલ રજૂ થયા છે તેમાં કેટલાક વિશિષ્ટ મુદ્દાઓ જોવા મળે છે. એના સૂચિતાર્થો ઘણા મહત્ત્વના છે.
‘કાવ્યનો આસ્વાદ’ લેખમાં કવિસંવેદનનું સ્વરૂપ અને તેની સર્જનપ્રક્રિયા વિશે તેમણે એક વિશિષ્ટ દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. એ સંદર્ભનું અવલોકન કરતાં જણાશે કે, પરંપરાગત પ્રેરણાનો સિદ્ધાંત તેમણે સ્વીકાર્યો નથી. કાવ્યનું સાચું રહસ્ય સર્જનપ્રક્રિયાને અંતે જ ઉપલબ્ધ થઈ શકે એવી ભૂમિકાનો સ્વીકાર કર્યો હોવાથી, અંતઃપ્રેરિત સત્યનો તેમને ઝાઝો મહિમા હોય એમ દેખાતું નથી. તેમણે આ સંદર્ભમાં એમ નોંધ્યું છે કે, કવિચિત્તને સર્જનમાં પ્રેરતું સંવેદન અનિવાર્યતયા રહસ્યપૂર્ણ, અસાધારણ ઉત્કટ અને ચમત્કૃતિજનક જ હોય એવું નથી. અત્યંત લૌકિક સ્તરનું સંવેદન પણ તેને પ્રેરક બળ બની શકે. પણ મહત્ત્વનો મુદ્દો એ છે કે, એ સંવેદન પોતે મૂળ રૂપમાં અભિવ્યક્ત થતું નથી. સર્જનમાં પ્રવૃત્ત થતો કવિ નિરપેક્ષ ભાવે અને તટસ્થતાપૂર્વક તેનું રૂપ ઓળખવા મથે છે. આ ક્ષણે abstractionની કોઈ પ્રક્રિયા તેના ચિત્તમાં આરંભાઈ ચૂકી હોય છે. સુરેશ જોષી આ પ્રક્રિયા વિશે ઝાઝી સ્પષ્ટતા કરતા નથી. પણ એમ કહે છે કે, સંવેદનનું abstraction થતાં જ તે સ્વયં એક aesthetic monad તરીકે તેના ચિત્તમાં ગતિશીલ થઈ જાય છે. એ ગતિશીલ થતાં જ ચિત્તમાં ‘સ્ફોટ’ થાય છે, જેથી તેમાંના ‘વિક્ષિપ્ત’ અને ‘નિરવયવી’ સ્થિતિમાં પડેલાં અનંતવિધ સંવેદનો સાથે તે આસ્ફાલિત થાય છે, અને એ સાથે જ, કશાક ‘ચુંબકીય બળથી’ સંકળાઈને તે નવું જ એકાત્મરૂપ ધારણ કરવા લાગે છે. આ સંયોજનની પ્રક્રિયામાં, સહજ જ, સાદશ્ય વિરોધ સંવાદ અને સંઘર્ષનાં તત્ત્વો એકરૂપ બને છે. અને એ રીતે એ સર્વનો યુગપદ્ સાક્ષાત્કાર શક્ય બને છે. પણ, આ રીતે આકાર લેતી નવી સંવિત્તિની સર્વ સંકુલતાઓ અને તેની અંતર્ગત રહેલા સર્વ સંદર્ભોની સૂક્ષ્માતિસૂક્ષ્મ અર્થછાયાઓને મૂર્તરૂપ આપવા કવિએ ભાષાનું બિલકુલ નવેસરથી પુનર્વિધાન કરવું પડે. સુરેશ જોષીની પ્રસ્તુત વિચારણાનું તાત્પર્ય આમ જ હોય તો તો, સર્જકતાનો આ ખ્યાલ કળાના અભિવ્યક્તિવાદના ખ્યાલથી એટલો વેગળો નથી એમ કહેવાનું પ્રાપ્ત થાય. અહીં, અલબત્ત, ભાષાના પુનર્વિધાનનો ખ્યાલ ભારપૂર્વક રજૂ થયો છે. પણ, અહીં વર્ણવાયેલી ભૂમિકામાં ‘ચુંબકીય બળ’નો ખ્યાલ જે રીતે સ્વીકારાયો છે તે જોતાં આંતરચેતનાની પ્રક્રિયામાં રહેલો રહસ્યપૂર્ણ અંશ પણ એમાં સ્વીકારાયો છે એમ જોઈ શકશે. પણ, અહીં, તેમનો aesthetic monadનો ખ્યાલ વિશેષ ધ્યાનપાત્ર છે. એ aesthetic monad ગતિશીલ શી રીતે થાય, તેનું abstract રૂપ કેવું હોય, તે જાતના પ્રશ્નો સ્પષ્ટતા માગે છે.
‘ગૃહપ્રવેશ’ની પ્રસ્તાવનામાં પોતાની નવલિકાલેખનની પ્રવૃત્તિ અંગે આત્મશોધન કરતાં તેમણે સર્જકતાનો વિચાર જરા જુદી રીતે મૂક્યો છે. અહીં તેઓ કળાને સ્વૈર લીલામય પ્રવૃત્તિ ગણાવે છે. સર્જન એટલે ‘સ્વૈર લીલા’ માત્ર – એક ‘અહૈતુક નિર્માણની પ્રવૃત્તિ’. કળાકારનું કાર્ય માત્ર ‘રૂપનિર્મિતિ’નું છે, એમ તેઓ કહે છે. પોતે નિહાળેલા છબીઓના પ્રદર્શનની એક કૃતિને અનુલક્ષીને તેઓ એમ નોંધે છે : “હતો તો ફોટોગ્રાફ જ પણ એણે વસ્તુની કેવળ પ્રતિકૃતિ નહોતી આપી. છબીઓની વસ્તુમાંથી સામાન્ય રીતે નહિ નીપજી આવતી એવી એક નવી વસ્તુનું એણે આ વિશિષ્ટ આયોજનને પ્રતાપે નિર્માણ કર્યું હતું ને આ નિર્માણનો કશો હેતુ નહોતો. એ કોઈ અન્ય પ્રયોજનનું સાધન નહોતું. એ સ્વયંપર્યાપ્ત નિર્માણ હતું.” પ્રસ્તુત છબીના દૃષ્ટાંતની ચર્ચાના પ્રકાશમાં તેમણે નવલિકા જેવા કથામૂલક સ્વરૂપમાં વસ્તુનું ‘તિરોધાન’ શી રીતે સિદ્ધ થાય છે, તેને લગતા વિચારો વિકસાવ્યા છે. અહીં તેઓ ભારપૂર્વક પ્રતિપાદિત કરે છે કે, કળાની સૃષ્ટિમાં પરિચિત વાસ્તવની ઘટનાઓ, પાત્રો અને તેની સંવેદનાઓનું રૂપ બદલાઈ જતું હોય છે. તેઓ અહીં એક એવો ખ્યાલ પણ પ્રતિષ્ઠિત કરવા ચાહે છે કે, સર્જક પોતાના વર્ણ્ય વિષયને જેટલો દૂર જોઈને વર્ણવે અને કથ્ય વસ્તુનું જેટલું ‘તિરોધાન’ સિદ્ધ કરે, તેટલી તેની કળાત્મક ક્ષમતા વિશેષ. અલંકાર - રચનામાં પણ પ્રસ્તુતનું અપ્રસ્તુત દ્વારા ’નિગરણ’ જ કરવાનું હોય છે. તેમને અહીં કદાચ એમ અભિપ્રેત છે કે સર્જકે મૂળ વસ્તુનાં objective correlative શોધીને કે રચનાસંવિધાનની અન્ય પ્રક્રિયાઓ દ્વારા તેનું સર્વથા નવું જ રૂપ નિર્મિત કરવું જોઈએ. કાવ્યને મુકાબલે નવલિકા નવલકથા જેવાં કથામૂલક રૂપોમાં વ્યવહાર જગતની સામગ્રીની પ્રચુરતા વિશેષ આવે, એટલે એમાં કળાત્મક રૂપાંતરનું કાર્ય પણ વધુ દુષ્કર સંભવે. જો આવી સામગ્રીનું પૂરું કળારસાયન સિદ્ધ થયું ન હોય તો તો વ્યવહારજગતની વાસ્તવિકતાનું વજન એમાં વરતાયા કરે. તેથી કળામાં વસ્તુનું ‘સાધારણીકરણ’ નહિ પણ ‘વિલીનીકરણ’ થવું જોઈએ એમ તેઓ કહે છે. બીજી રીતે કહીએ તો, સર્જકને પ્રાપ્ત થયેલી ‘વસ્તુ’ સર્જનપ્રક્રિયામાં રૂપાંતર પામ્યા વિના જ પ્રસ્તુત થતી હોય, તેનું વિષયવસ્તુ જે વ્યવહારની વાસ્તવિકતાના વજનવાળું હોય, તો તે રૂપ કંઈ સાચા રસાસ્વાદની સામગ્રી બનતી નથી. કળામાં તો વ્યવહારજગતની જડ વાસ્તવિકતા રચનાસંવિધાનને બળે સર્વથા અપૂર્વ રૂપ ધારણ કરીને આવવી જોઈએ. આ મુદ્દાને સ્પષ્ટ કરતાં તેઓ કહે છે કે, ‘ઉપમેયનું નિગરણ’, એટલે કે, વસ્તુજગતનું ‘derealization’ જ સર્જનવ્યાપારની અનિવાર્યતા છે. વ્યવહારની જે વાસ્તવિક્તાનો આ૫ણને પરિચય છે, તે તો માત્ર કાર્યકારણ, સાતત્ય, સંગતિ અને પ્રતીતિકરતાના સાવ સ્થૂળ ખ્યાલોમાં બંધાયેલી છે. કેવળ જડ બૌદ્ધિક વિભાવનાઓમાં તે સીમિત થઈ ગયેલી છે. સર્જકે એથી પર રહેલી દુર્ગાહ્ય વાસ્તવિક્તાનો સામનો કરવાનો છે, અને કળાકીય રૂપે તેની ઉપલબ્ધ કરી આપવાની છે. એ માટે વિભિન્ન પરિપ્રેક્ષ્યો તે બદલે કે રચનાસંવિધાનની અવનવી પદ્ધતિઓ પણ તે યોજે.
સુરેશ જોષીની વૈચારિક ભૂમિકાનો આવો કંઈક અર્થ જો પામી શકીએ તો, ‘ઘટનાના હ્રાસ’નો તેમનો ખ્યાલ સમજવાનું ઝાઝું મુશ્કેલ નથી. એ સંજ્ઞાથી તેઓ, અંતે તો, સર્જનવ્યાપારનું જ મહત્ત્વ કરે છે. વ્યવહારજગતમાં એવું બનતું હોય છે કે, આપઘાત, ખૂન, અવૈધ જાતીય સંબંધ, અત્યાચાર જેવી મોટા પરિમાણની વજનદાર ઘટનાઓ એની જોડે સંકળાયેલા કેટલાક સામાજિક સાંસ્કૃતિક અધ્યાસોને કારણે વ્યક્તિમાં માત્ર રૂઢ અને રેઢિયાળ પ્રતિભાવો જગાડતી હોય છે. એવી સ્થૂળ સનસનાટીભરી ઘટના બહુ બહુ તો વ્યક્તિના ચિત્તમાં આઘાત પમાડે, સંક્ષોભ જગાડે કે કાચી લાગણીનો ઉદ્રેક સાધી આપે. પણ એથી એ વ્યક્તિની સંવિત્તિમાં એનું સાચું રૂપ ભાગ્યે જ છતું થતું હોય. એવી ઘટનાઓની સ્થૂળ વાસ્તવિકતા જ અંધ પ્રતિભાવ જગાડવા સમર્થ હોય છે. એટલે સર્જકને એવી વાસ્તવિકતાનું સર્વથા નવું રૂપ નિર્મિત કરવાનું અનિવાર્ય બની રહે છે. છીછરી સપાટી પરની ઘટનાઓ અને તેના અંગભૂત અંકોડાઓને છિન્નવિચ્છિન્ન કરી, વિશેષ આયોજન દ્વારા, તેમાંથી નવો સંદર્ભ અને નવું રૂપતંત્ર તે એવી રીતે નિર્મિત કરે કે, જેથી તેની સ્થૂળ વાસ્તવિકતાનું વજન જ લુપ્ત થઈ જાય. કળાકૃતિ જો સ્વતંત્ર સ્વયંપર્યાપ્ત એવી સૃષ્ટિ છે, તો તેમાં પરિચિત વાસ્તવને જોવાનું છિદ્ર સુધ્ધાં ન રહેવું જોઈએ.
પ્રસ્તુત નવલિકાસ્વરૂપની ચર્ચામાં સુરેશ જોષીએ એમ પણ કહ્યું કે, “લાગણીઓને અહીં બીબાં પૂરતી વાપરી છે, આકાર ઢાળ્યા પછી એને વર્જ્ય ગણીને એનો પરિહાર કર્યો છે.” (‘ગૃહપ્રવેશ’ઃ પ્રસ્તાવના). તેમના આ કથનનું એવું અર્થઘટન કરી શકાય કે, મૂળ સ્રોતરૂપ લાગણીનું યથાતથ નિરૂપણ ન કરતાં, તેમણે તેને માટે objective correlative બની રહે એવો વિશિષ્ટ સંદર્ભ પ્રયોજ્યો છે, અને એ રીતે તેની સ્થૂળતા (physicality કે rawness) ગાળી કાઢવાનો પ્રયત્ન કર્યો છે. પરંપરાગત આપણી વિવેચનામાં કળા એટલે ભાવનું પ્રગટીકરણ કે ભાવની અભિવ્યક્તિ એવો ખ્યાલ પ્રચલિત બન્યો હતો, તેનાથી આ ભૂમિકા ભિન્ન છે. કળાકૃતિમાં રસની ચમત્કૃતિનો ખરો સ્રોત લાગણી નહિ પણ તેનું રૂપનિર્માણ માત્ર છે, તેનું રચનાસંવિધાન માત્ર છે એમ તેઓ અહીં પ્રતિપાદિત કરે છે.
‘નવલિકાની રચના : એક દૃષ્ટિ’ નામે લેખમાં તેમની આ ભૂમિકા વધુ સ્પષ્ટ થઈ જાય છે. એમાં તેમણે ઑર્તેગાને અભિમત dehumanizationનો સિદ્ધાંત પુરસ્કાર્યો છે. તેમણે પોતાનો ખ્યાલ સ્પષ્ટ કરવાને અહીં એક મૂર્ત ઉદાહરણ રજૂ કર્યું છે. મુંબઈના કોટ વિસ્તારમાં ભરબપોરે સાત-આઠ વર્ષની ભિખારીની છોકરી નાચગાન કરી રહી છે. એ ખેલ જોવા લોકોની મોટી ભીડ જામી છે. સુરેશ જોષીએ, એ પ્રસંગને અનુલક્ષીને, ભિન્ન ભિન્ન વૃત્તિવાળા ત્રણ લેખકો એમાંથી કેવી ભિન્ન ભિન્ન કથાસૃષ્ટિ રચે, એ વિશે કલ્પના કરી છે. તેમની કલ્પનાનો એક લેખક એવો છે જે એ કમનસીબ છોકરીની અસહાય દશાનું અને એ નિમિત્તે સમાજની આર્થિક કંગાલિયતનું ઘેરું ચિત્ર આલેખે, અને તેમાં એવી પ્રભાવકતા આણે કે, વાચકને ગરીબો માટે હમદર્દીની લાગણી જાગે, અને કદાચ શ્રીમંતો માટે ઘૃણા પણ; આવી કોઈ સામાજિક સભાનતા જ તેની કથાસૃષ્ટિનું મુખ્ય પ્રેરક અને નિયામક બળ બની રહે એમ બને. વાચકના હૃદયની અમુક લાગણીઓ છંછેડવાનો ઉદ્દેશ અજ્ઞાતપણે કામ કરી રહ્યો હોય એમ પણ બને. એથી ભિન્ન, બીજો લેખક એ પ્રસંગની સામાજિક-આર્થિક બાજુને સાવ ગૌણ લેખી, માત્ર એ પ્રસંગે ઉપસ્થિત રહેલા કોઈ એક કે એકથી વધુ માનવીના મનોવ્યાપારોના આલેખનમાં જ રાચે. તેને માનવચિત્તની નરી વાસ્તવિકતા ઓળખવા પૂરતો જ રસ છે. તેની કથાસૃષ્ટિમાં એ રીતે માનવચિત્તની યથાર્થતાનું આલેખન એ જ એક મોટું પ્રેરક બળ છે. પણ, સુરેશ જોષી કહે છે કે, ત્રીજો એક લેખક એવો છે જે, “કોઈ ક્યુબિસ્ટ ચિત્રકારની અદાથી પરિસ્થિતિના વાંકાચૂકા ટુકડાને કૃત્રિમ સફાઈના કાનસથી ઘસ્યા વિના એકબીજાને કાપે” એ રીતે ગોઠવે, અને મૂળના માનવીય સંદર્ભનું abstraction કરીને, એક એવું સંવિધાન રચે, જેમાં ‘વિરોધના ખાંચાઓ’ અને પરિસ્થિતિની અંતર્ગત રહેલી ‘અરાજકતા’ને એક નવું જ પરિમાણ પ્રાપ્ત થાય. દેખીતી રીતે જ, સુરેશ જોષીને આ છેલ્લો અભિગમ ઇષ્ટ છે. એવા અભિગમથી જ લૌકિક ‘ઘટનાનો હ્રાસ’ થાય, અને એ રીતે જે નવો સંદર્ભ નિર્મિત થાય તે જ અપરિમેય વ્યંજનાને વિસ્તરવા અવકાશ રચી આપે એમ તેઓ માને છે.
કૃતિસર્જનની જેમ જ આસ્વાદની પ્રક્રિયાનો પ્રશ્ન પણ તેમની વિવેચનાના લગભગ કેન્દ્રમાં રહ્યો છે. આસ્વાદની જીવંત પ્રક્રિયા રૂપે જ કળાનો મર્મ અવગત કરી શકાય છે – એ હકીકતની તેમણે ફરી ફરીને પ્રતિષ્ઠા કરી છે. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે, રચનાનો આસ્વાદ તે પરિચિત સત્યો કે મૂલ્યોનો તાળો મેળવવાની પ્રવૃત્તિ નથી; તેના સર્જકની વૈયક્તિક જીવનની કોઈ ક્ષણની સ્મૃતિ તાજી કરી લેવાની પ્રવૃત્તિ પણ નથી; તેમ કૃતિનાં પ્રધાન-ગૌણ ઘડતરબળોની ઓળખ કરવાની પ્રવૃત્તિ પણ એ નથી. એ તો સમગ્ર કૃતિના રચનાસંવિધાનમાં નિષ્પન્ન થતા રહસ્યની વ્યંજનાને ઉપલબ્ધ કરવાની પ્રક્રિયા છે. કૃતિના બાહ્ય સંયોગો નહિ, (આ) કૃતિ સ્વયં રસનો સ્રોત છે. એમાં કોઈ નિશ્ચિત અર્થની અભિવ્યક્તિ હોતી નથી. એટલે એમાંથી ઉપલબ્ધ થતા અર્થબોધ પરત્વે એકવાક્યતા આણવાનું શક્ય નથી. જોકે આકાર દ્વારા તેની વ્યંજનાને કોઈક પરિસીમા પ્રાપ્ત થાય ખરી. પણ એનો ‘અર્થ’ કોઈ તારણ રૂપે મૂકી શકાય એવો સરળ હોતો નથી. કળાસૃષ્ટિની વિશેષતા એ છે કે, તે સમૃદ્ધ અર્થસંદિગ્ધતા (ambiguities)ને અવકાશ રચી આપે છે. અને તેને કોઈ તાર્કિક સત્ય કે વિધાન રૂપે મૂકી શકાય નહિ. સમગ્ર કૃતિ જ તેનો અર્થ છે. આ રીતે, સુરેશ જોષીએ આપણું લક્ષ્ય કૃતિની સમગ્રતા પર દોર્યું. તે સાથે, તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે, કળાકૃતિમાંથી કશુંક સત્ય કે મૂલ્ય તારવીને તેને આધારે કૃતિની ઉચ્ચાવચતા નક્કી કરી શકાય નહિ. જોકે, તેમની આ ભૂમિકા સર્વથા વિવાદમુક્ત નથી. સાહિત્યકૃતિમાં સહજ જ જે રસબોધ થતો આવે છે તેમાં ક્રમશઃ નિષ્પન્ન થતો આવતો ‘અર્થ’ જ્યારે અમુક પ્રકારની ભાત (pattern) રચે છે ત્યારે એ ભાતને અનુરૂપ પ્રભાવકતાની માત્રા વધઘટ થતી હોય એમ બને. અને એ રીતે કૃતિના સંવિધાનમાં અત્યંત ગહન સ્તરેય મૂલ્યબોધની ભૂમિકા મળી આવે. કળાવિવેચનનો, અલબત્ત, આ કૂટ પ્રશ્ન છે.
આકાર (form) વિશેની તેમની ચર્ચા દેખીતી રીતે જ તેમની સર્જકતાની વિચારણાનો વિસ્તાર માત્ર છે. સર્જન-પ્રક્રિયાના અનિવાર્ય પરિણામ રૂપે જે ચોક્કસ સંદર્ભ પ્રાપ્ત થાય, તે જ કળાનો આકાર. એટલે આકારની પ્રાપ્તિ એ જ સર્જકનું લક્ષ્ય અને એ જ કળાકૃતિનું જીવિત પણ. કળાકૃતિ લૌકિક પદાર્થ કરતાં જુદી પડે છે તે પણ આકારસિદ્ધિને કારણે જ. સુરેશ જોષી કહે છે કે, આસ્વાદની પ્રક્રિયામાં કૃતિની સર્વ સંકુલતાઓ અને સૂક્ષ્માતિસૂક્ષ્મ અર્થવ્યંજનાઓને પ્રાપ્ત કરવામાં આકાર જ સહાયભૂત બને છે. આમ તેઓ આકારનું અત્યંત મહત્ત્વ કરે છે. છતાં નોંધવું જોઈએ કે, તેમણે એ વિશે જુદે જુદે નિમિત્તે રજૂ કરેલી ચર્ચા પૂરતી સ્પષ્ટ નથી. એમ લાગે કે, ‘આકાર’ સંજ્ઞાની તેમની વ્યાખ્યાવિચારણાઓ સાહિત્યકલા કરતાં ચિત્રશિલ્પ આદિ કળાઓને વધુ અનુરૂપ છે. કેટલાક વિદ્વાનો કાવ્યને ‘કાનની કલા’ અને ચિત્રશિલ્પાદિને ‘આંખની કલા’ કહી, આકારનો સ્પષ્ટ ખ્યાલ ‘આંખની કલા’ને લક્ષીને સંભવે એવો મત પ્રગટ કરે છે. વળી ‘આકાર’ને કૃતિના સંભાર (content)ની સામે મૂકે છે. સુરેશ જોષીએ એવા ખ્યાલોનો ફરી ફરીને પ્રતિવાદ કરવાના પ્રયત્નો કર્યા છે. આકારની તેમની એક વ્યાખ્યા આ પ્રમાણે છે : “આકાર એટલે કૃતિનાં ઘટકોનો સંસ્થાનવિશેષ. એ કેવળ એક ઇન્દ્રિયનો વિષય નથી હોતો, પણ આપણી સમગ્ર સંવિત્તિનો વિષય હોય છે.”... “અગ્નિશિખા રૂપે જ જેમ ઘી દીવેટ વગેરે સામગ્રી અવશિષ્ટ રહે એ ઇષ્ટ સ્થિતિ છે, તેમ આકાર રૂપે જ કળાનાં ઉપાદાન અવશિષ્ટ રહે એ ઇષ્ટ સ્થિતિ છે.” (‘કાવ્યચર્ચા’ : પૃ. ૭૮-૭૯). અન્ય સંદર્ભમાં તેઓ એમ નોંધે છે : “કાવ્યમાં formથી contentનું પૂરેપૂરું નિગરણ થાય છે ને કવિએ રચેલું એ અપૂર્વરૂપ, કવિનું એ અનોખું સંવિધાન, કાવ્યનો સાચો અર્થ છે.” (‘કિંચિત્’ : પૃ. ૧૨) અને, બીજા સંદર્ભમાં, વળી સમગ્ર કૃતિના કેન્દ્રીય સ્થાને રહેલા actualizing principle તરીકે પણ તેમણે આકારની વ્યાખ્યા કરી છે. પણ actualizing principleનો સિદ્ધાંત બીજા દાર્શનિક પ્રશ્નો ઊભા કરે છે. એવા દાર્શનિક વિવાદને બાજુએ રાખીએ તો પણ, વિવેચનની દૃષ્ટિએ એક પાયાનો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, સાહિત્ય જેવી શબ્દાર્થની કળામાં એને શી રીતે પામીશું? બીજા એક સંદર્ભમાં વળી કૃતિની અંદર organic structure કે organic unity સંભવે છે એવો ખ્યાલ તેમણે પુરસ્કાર્યો છે. પણ એક સિદ્ધાંત લેખે વિશેષ વ્યાખ્યાવિચાર કરવાનું તેમને કદાચ અનુકૂળ પડ્યું નથી. આકારને લગતી તેમની ઘણીખરી ચર્ચામાં ‘ઘટકોની સમતુલા’, ‘ઘટકોની ભાત’ કે ‘અન્વયવિશેષ’નો નિર્દેશ થતો રહ્યો છે. પણ સાહિત્યની આકૃતિની સંકુલતાઓ અને અનંતવિધ રચનારીતિઓ પર તેથી ઝાઝો પ્રકાશ પડતો નથી. કોલરિજ આદિ પાશ્ચાત્ય ચિંતકોએ સર્જક કલ્પનાનો એક વિશેષ સિદ્ધાંત વિકસાવ્યો હતો. એ કલ્પનાવ્યાપાર સમગ્ર કૃતિનું પ્રેરક તત્ત્વ બની રહે, એટલું જ નહિ, સમગ્ર કૃતિનું તે ઋત પણ બની રહે અને તેમાં તે વ્યાસની જેમ વ્યાપક બની રહે છે એમ કહ્યું હતું. પણ, સુરેશ જોષી, સર્જકચિત્તમાં આવી કોઈ નિયામક કલ્પનાશક્તિનો સ્વીકાર કરતા જણાતા નથી. એટલે જ, કદાચ, આકારની વ્યાખ્યા કરતાં તેમાં તેઓ ઘટકોનો સંસ્થાનવિશેષ કે તેની વિશિષ્ટ ભાત (pattern)નો ખ્યાલ વધુ સ્પર્શે છે. જોકે ઘટકોની ‘અનેકતા’માં સ્થપાતી ‘એકતા’ની વાત તેઓ કરે છે ખરા, પણ એ ‘એકતા’નું સ્વરૂપ તેમણે ખાસ સ્પષ્ટ કર્યું નથી.
સુરેશ જોષીએ કાવ્યકલાના માધ્યમ લેખે ભાષાનો જે વિચાર કર્યો, તે પણ ખરેખર તો સર્જનપ્રક્રિયાને જ સીધેસીધો અનુલક્ષે છે અને એ સમજી શકાય એવી વાત છે. કેમ કે, સર્જનની પ્રક્રિયા કવિ માટે સૌ પ્રથમ અને અંતે તો ભાષાકર્મ ઠરે છે. તે જે વાસ્તવિક્તાનો તાગ મેળવવા ચાહે છે, તેમાં ભાષા જેટલું બીજું કોઈ સાધન તેને ઉપયોગી બનતું નથી. પણ મૂળભૂત મુશ્કેલી એ છે કે, ભાષાના અન્વયોથી જે પર છે એવા કૂટ, દુર્ભેદ્ય અને દુર્ગ્રાહ્ય વાસ્તવને તેણે એ ભાષાથી પામવા મથવાનું છે. ભાષા માનવવ્યવહારનું સૌથી સુલભ સાધન રહી છે, એ કારણે તે માનવબુદ્ધિના કઠોર શાસન હેઠળ રહી છે. વ્યવહારજગતના સીમિત પ્રયોજનથી તેનાં રૂપો, અન્વયો અને તેનું તંત્ર નિશ્ચિત થઈ ગયાં છે. એમાં પદેપદના સંબંધ કે અન્વયમાં કાળનું શાસન સ્થપાઈ ચૂકયું છે. એટલે સર્જનની ક્ષણે સર્જક જે રચનાપ્રક્રિયા આરંભે છે તેમાં ભાષાની જડ તર્કશાસિત વ્યવસ્થા અને તેના અન્વયોને તોડવા તે પ્રવૃત્ત થાય છે. એટલું જ નહિ, શબ્દની અંતઃક્ષમતા તાગવાનો તે મહાપ્રયત્ન આરંભે છે. પણ શબ્દ સ્વભાવથી જ બહિર્નિર્દેશક રહ્યો હોવાથી તેની વૃત્તિ બાહ્ય વાસ્તવિકતા તરફ સંકેત કરવાની હોય છે. એટલે કવિ જ્યારે સ્વાયત્ત અને સ્વયંપર્યાપ્ત કાવ્યવિશ્વનું નિર્માણ કરવા પ્રવૃત્ત થાય છે ત્યારે તેની શબ્દસૃષ્ટિમાં બાહ્ય વાસ્તવિકતાનો સંદર્ભ સહજ જ પરાવર્તિત થવા લાગે છે. વળી, વ્યવહારમાં વિચારવિનિમયના સાધન લેખે શબ્દ સતત પ્રયોજાતો રહ્યો હોવાથી તેને લૌકિક સંકેત દૃઢીભૂત બની ગયો હોય છે, અને તેને વ્યવહારજીવનની રજ ચોંટી ગઈ હોય છે; આથી કળાસભાન કવિ શબ્દને લૌકિક સંદર્ભમાંથી મુક્ત કરી તેને વિશેષ અર્થસંસ્કાર સિદ્ધ કરવા ચાહે છે. તે કંઈ નવો શબ્દ તો ઘડતો નથી, પણ પોતાની રચનાના સંદર્ભમાં પરિચિત શબ્દને એવા સામર્થ્યપૂર્વક પ્રયોજે છે કે, તેની વ્યંજના સર્વ દિશામાં વિસ્તર્યા કરે. શબ્દને કશાક અન્યના વાહન બનાવવાને બદલે તેને જ જાણે કે aesthetic monad તરીકે તે ગતિશીલ કરે છે. એ રીતે મૂર્ત ઘન કલ્પનોની નવી વાસ્તવિકતા તે રચે છે. જે વાસ્તવિકતા ભાષાના અન્વયોથી પર છે, તેને ઝીલવા તે ભાષાના રૂઢ તંત્રને તોડી તેને અવળસવળ કરવા ચાહે છે. તર્કગમ્ય સંગતિને તે ચાહીને દૂર કરે છે, અને સંદર્ભની અંદર રહીને તેની આગવી અસંગતિ ઊભી કરે છે. પદાર્થોનું જગત, જે ટેવથી બંધાયેલી ઇંદ્રિયોના રેઢિયાળ પ્રતિભાવોમાં સીમિત થઈ ગયું છે તેને desensualized formમાં પામવાનો તે પ્રયત્ન કરે છે. એ પ્રવૃત્તિના એક ભાગ લેખે જ તે ઇન્દ્રિયવ્યત્યયનો આશ્રય લે છે. મનના અવચેતન સ્તરની સંકુલ સંવેદનાને તેના સમગ્ર નિહારિકારૂપ પરિવેશ સાથે મૂર્ત કરવાને તે પ્રતીકોનો વિનિયોગ કરે છે. આધુનિક માનવીની સંવિત્તિના નિરૂપણ અર્થે તે પુરાણકલ્પનોનો વિન્યાસ પણ કરે છે. પુરાણકલ્પનોમાં પ્રજાસમસ્તની ભૂતકાલીન સંવેદના સંચિત થઈ હોય છે. પુરાણકલ્પનોના વિનિયોગથી ભિન્ન યુગના સંદર્ભો juxtapose કરી આપીને કશુંક વ્યંગનું તત્ત્વ તેમાં સિદ્ધ કરી લેવામાં આવતું હોય છે. સંવેદનને વિસ્તારવા માટે આધુનિક કવિ આ રીતે જે માર્ગો લે છે તે સર્વ ભાષાકીય સંદર્ભો પર પરિણામકારી અસર પાડે છે. કવિ પોતાનાં સંવેદનોને આકાર આપતાં, તેની વ્યંજના નિઃસીમ વિસ્તરી રહે અને તેને આગવી સમૃદ્ધ અર્થસંદિગ્ધતા (ambiguities) પ્રાપ્ત થાય એ માટે, વિવિધ ટેક્નીકોનો આશ્રય લે છે. ખરું જોતાં, ટેક્નીક એ સર્જનપ્રક્રિયાને ચોક્કસ mode આપનાર એક અંતર્ગત પરિબળ છે. ટેક્નીકની ઉપયોગિતા કે સાર્થકતા કૃતિથી બાહ્ય એવા કોઈ હેતુને અનુલક્ષીને નહિ, પણ સર્જનાત્મક ક્ષણની આંતરિક અનિવાર્યતામાંથી સંભવે છે. સુરેશ જોષીએ ભારપૂર્વક દર્શાવ્યું કે, રસના ઉત્કર્ષમાં કૃતિની ‘અર્થસમૃદ્ધિ’ જ કારણભૂત છે. એવી સંદિગ્ધતાજનિત અર્થસમૃદ્ધિ, અલબત્ત, નિષ્ફળ રચનાની ‘દુર્બોધતા’થી બિલકુલ ભિન્ન વસ્તુ છે. તેને કોઈ અમૂર્ત વિચાર રૂપે તારવી શકાય નહિ, તેમ શબ્દાન્તરે તેનું કથન પણ થઈ શકે નહિ. કવિ હકીકતમાં કશું જ ‘કહેવા’ માગતો હોતો નથી. તેનું કોઈ ‘વક્તવ્ય’ હોય તો તે તેની અર્થસમૃદ્ધ કૃતિ સ્વયં છે. બીજી રીતે કહીએ તો, કવિ હવે કશું communicate કરવાની વૃત્તિથી પ્રેરાતો નથી; માત્ર ભાવકને initiate કરવાનો ઉદ્દેશ તે રાખે છે. આપણી પરંપરાગત વિવેચનામાં અનેક વિદ્વાનોએ ટોલ્સ્ટોયને અભિમત communicationના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો હતો. એમાં એમ સ્વીકારી લેવામાં આવ્યું હતું કે, સાહિત્યકાર પોતાને ઇષ્ટ ભાવ, ભાવના કે અર્થનું અન્યમાં સંક્રમણ કરવા પ્રવૃત્ત થતો હોય છે. અને સહૃદય જ્યારે એ ભાવ, ભાવના કે અર્થબોધની પ્રાપ્તિ કરે છે ત્યારે જ, તેની કૃતિને કળાનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. એ સિદ્ધાંતમાં વળી એમ પણ સ્વીકારી લેવાયું હતું કે સાહિત્યકારને ઇષ્ટ ભાવ, ભાવના કે અર્થબોધનું નૈતિક દૃષ્ટિએ અલગ વિવેચન થઈ શકે. પણ તાર્કિક દૃષ્ટિએ આ આખી વૈચારિક ભૂમિકા સંગીન નથી. કવિ કે સર્જકને ઇષ્ટ ભાવ (કે ભાવના) ખરેખર શી વસ્તુ હતી, તેને કૃતિ રચાતા પૂર્વે ખ્યાલ મળી શકતો નથી, અને કૃતિમાં સર્જનકર્મના બળે તેનું તો રૂપાંતર થઈ ચૂક્યું હોય છે. સુરેશ જોષીએ એમની કળાવિચારણામાં, આથી, કૃતિ જ માત્ર ભાવકને initiate કરે એ ભૂમિકાનો સ્વીકાર કર્યો છે.
૫ણ, કળામાં અર્થબોધના પ્રશ્ન પરત્વે સુરેશ જોષીની ભૂમિકા કેટલેક પ્રસંગે મૂંઝવનારી નીવડી છે. ચિત્રશિલ્પાદિ કળાઓના અર્થબોધ વિશે જોકે તેમણે ઝાઝી ચર્ચાવિચારણા કરી નથી : સાહિત્યકલાના અર્થબોધનો પ્રશ્ન જ તેમના ચિંતનનો મુખ્ય વિષય રહ્યો છે. એ સંદર્ભમાં, કૃતિની સમૃદ્ધ અર્થસંદિગ્ધતાનું મૂલ્ય તેઓ કરે ત્યાં સુધીની તેમની ભૂમિકા ઠીક ઠીક સુગમ છે. પણ, એથી ભિન્ન ભૂમિકા સ્વીકારી, તેઓ જ્યારે એમ કહે કે, આજનો કવિ વિશ્વવાસ્તવની અરાજકતા, વંધ્યતા કે નિસ્સારતાથી વિરતિ પામી, તેનાથી વેગળો જઈ, ‘અન્-અર્થકતા’ની પ્રવૃત્તિમાં રાચે છે, ત્યારે ત્યાં કશીક મુશ્કેલી અનુભવાય છે. તેઓ એક સંદર્ભમાં આવી દલીલ કરે છે : “જે metaphysical dizzinessનો કવિને અનુભવ થાય છે તે સુસંબદ્ધ અન્વયના ચોકઠામાં બેસી શકતો નથી; તો શબ્દોને પદાર્થો જેવા જ શા માટે ન ગણવા? શબ્દોને એની સાથે સંકળાયેલા સંકેતોથી વેગળા કરીને માત્ર a rhythm and a feel in the mouth રૂપે જ કેમ નહિ અનુભવવા ?” (‘શ્રૃણ્વન્તુ’ : પૃ. પર). બીજા એક સદર્ભમાં આધુનિક કવિઓના વિદ્રોહી વલણની નોંધ કરતાં તેઓ એમ કહે છે : “નવા કવિઓ આગલી પેઢીના આ સંગીન અર્થને અન્-અર્થ સુધી ખેંચી લઈ જવાના ઉદ્યમમાં રાચે છે... કાવ્યને અકાવ્ય સુધી લઈ જઈને ત્યાંથી નવી માંડણી કરવાનું એમને પસંદ છે. શબ્દો દ્વારા ઘણું સિદ્ધ કરવાને બદલે શબ્દોને બને તેટલા પોલા કરી નાખવાનું એમનું વલણ છે, જેથી અર્થની શોધમાં જનારો અન્યનો પડઘો સાંભળીને જ પાછો આવે...” (‘કાવ્યચર્ચા’ : પૃ. ૩૭). તો, આ પ્રકારની વૈચારિક ભૂમિકા સ્વીકારી શકાય ખરી? કવિને of metaphysical dizzinessનો અનુભવ વ્યક્ત કરવાને ભાષાનું રૂઢ તંત્ર પૂરતું સમર્થ ન લાગે એ સમજી શકાય એવી વાત છે પણ તેથી કવિ શબ્દોના ‘સંકેતો’ વેગળા કરી દઈ તેને ‘અન્-અર્થ’ તરફ વાળે, એ વિચાર તો ચિંત્ય જ છે.
નવલિકા નવલકથા જેવાં આધુનિક ગદ્યસ્વરૂપોની ચર્ચાવિચારણામાં સુરેશ જોષીની આધુનિક યુગ વિશેની અભિજ્ઞતાનું વિશેષ અનુસંધાન જોવા મળે છે. એ બે સ્વરૂપોનો વિકાસ આધુનિક માનવીની સંવિત્તિના વિસ્તાર જોડે સંકળાયેલો છે. દેખીતી રીતે જ, એમાં વિશાળ માનવજીવનની સામગ્રી પ્રવેશે છે. એટલું જ નહિ, સમાજજીવનની પલટાતી પરિસ્થિતિઓનું પરાવર્તન પણ તેમાં છતું થતું દેખાય છે. આ કારણે કથામૂલક સાહિત્યની વિવેચના અને કળાત્મક ભૂમિકા કશીક દ્વિધાવૃત્તિમાં રહ્યાં છે. કાવ્યસ્વરૂપમાં કવિની અસાધારણ કલ્પનાના પ્રવર્તનને કારણે કાવ્યસૃષ્ટિની આગવી વાસ્તવિકતા, સહજ સિદ્ધ થતી હોય છે. એટલે સામાન્ય વાચક તેનો સ્વીકાર કરીને જ ચાલતો હોય છે. પણ નવલિકા નવલકથા જેવાં સાહિત્યસ્વરૂપમાં તે પરિચિત વાસ્તવિકતાની શોધ કરતો રહે છે. સુરેશ જોષીએ એમ પ્રતિપાદિત કર્યું કે, આ સ્વરૂપોમાં પણ વ્યવહારની સામગ્રીનું રૂપાંતર અપેક્ષિત છે. પણ, કમનસીબે, આપણા મોટા ભાગના લેખકો પરિચિત વાસ્તવિકતાનું અવલંબન છોડી દઈ, એમાં સર્વથા નવીન કળાત્મક વાસ્તવિકતા રચવા પ્રવૃત્ત થતા નથી, અને આપણો ઘણોખરો ભાવકવર્ગ પણ પરિચિત ઘટનાનાં સંસ્કારો, સત્યો કે મૂલ્યબોધનો તાળો મેળવવા જ આતુર રહેતો હેય છે. સુરેશ જોષીએ આ હકીકતની કઠોર આલોચના કરી અને એમ કહ્યું કે, કળાના ગૌરવની ઝંખના કરતી કથાસૃષ્ટિમાં સ્થળકાળનો આગવો પરિવેશ રચાતો હોય છે, અને એમાંથી જ તેની ઘટનાઓની સંભવિતતા કે પાત્રસંવિધાનની શક્યતાઓ સિદ્ધ થતી હોય છે. કૃતિનું આગવું વાતાવરણ જ એમાં aesthetic probabilityનું નિર્ણાયક તત્ત્વ બની રહેવું જેઈએ. સામાન્ય રીતે આપણા વ્યવહારજગતની વાસ્તવિકતા તો જડ ટેવમાં બંધાઈ ગયેલી ઇંદ્રિયોના રૂઢ પ્રતિભાવોમાં સીમિત થઈ ગઈ હોય છે. એટલે, કથાસર્જક ગતિશીલ રૂપોનું નિર્માણ કરવા નવીન પરિપ્રેક્ષ્યથી સક્રિય બને છે. મહાકાવ્યમાં ideal pastનું આલેખન થતું હોય છે, એટલે તેમાં લોકોત્તર શક્તિવાળાં પાત્રો અને તેની અદ્ભુત ચમત્કૃતિવાળી પ્રવૃત્તિઓને સ્થાન હોઈ શકે, પણ નવલિકા નવલકથામાં તો તેના સર્જકે ભૂતકાળની ઘટનાઓને પણ, વર્તમાનની ક્ષણે પ્રક્ષેપ કરીને જ, નવેસરથી તેને અનુભવવાની અને મૂલવવાની હોય છે. નવલિકા નવલકથામાં આ કારણે ટેક્નિકનું અસાધારણ મૂલ્ય છે. એવી સૃષ્ટિમાં વ્યવહારની ઘટનાઓથી બિલકુલ ભિન્ન રીતની સંગતિ કે પ્રતીતિકરતાનો ખ્યાલ કરવાનો રહે.
આ સ્વરૂપોના સંદર્ભમાં પાત્રનિર્માણ વિશે તેમણે જે ચર્ચાવિચારણાઓ કરી તેમાં પણ તેમનો વિશેષ દૃષ્ટિકોણ પ્રગટ થાય છે. આધુનિક યુગબોધ માટેનો તેમનો આગ્રહ અને અપેક્ષા અહીં વિશેષ તીવ્રતાથી વરતાય છે. આજના કથાસર્જકે આધુનિક માનવીની નિયતિ અને વર્તમાન માનવીય પરિસ્થિતિનો ઉત્કટ પ્રતિભાવ પાડવો જેઈએ એવી અપેક્ષા તેમણે ફરી ફરીને વ્યક્ત કરી છે. આજના યુગની તેજ રફતાર અને અત્યંત વેગે બનતી જતી ઘટનાઓ વચ્ચે સાહિત્યકાર આત્મસંકોચનો અનુભવ કરી રહે એમ બને. પરંપરાગત મૂલ્યો અને સત્યોનો અંધ સ્વીકાર તેને હવે બચાવી શકે એમ રહ્યું નથી. આજે સતત વરતાતી જતી યુગની અરાજકતા વચ્ચે સર્જકે સ્વકીય મૂલ્યબોધની ભૂમિકા નિપજાવી લેવી ઘટે. એ માટે તેણે ‘આત્મસંજ્ઞા’ સિદ્ધ કરવાની રહે. આ હકીકત જેમ સર્જક માટે સાચી છે તેમ, તેનાં પાત્રો માટેય સાચી છે. આવી કથાસૃષ્ટિનાં પાત્રો ઉદાત્ત ભાવના કે વિચારનું વહન કરનારાં નર્યાં ‘પાત્રો’ ન હોય; એ ‘પાત્રો’એ પરિસ્થિતિની વચ્ચે સતત જીવંત પ્રતિભાવો ઝીલીને પોતીકી ‘આત્મસંજ્ઞા’ પ્રાપ્ત કરવાની રહે છે. આપણા રૂઢ કથાસાહિત્યમાં, ઘણું ખરું પાત્રોનાં અમુક સ્થિર અને ટકાઉ લક્ષણોને કે પાત્રોની કેટલીક ચોક્કસ ખાસિયતોને અવલંબીને તેનું “પાત્રપણું” સિદ્ધ કરવામાં આવતું. એવાં પાત્રો જે રીતે વર્તે કે વિચારે તેને તેનાં સ્વભાવગત લક્ષણો જોડે સીધેસીધો સંબંધ જોઈ શકાતો. અલબત્ત, કથાના વિભિન્ન પ્રસંગો કે પરિસ્થિતિઓ વચ્ચે પાત્રના વ્યક્તિત્વના કેટલાક રંગો ઘૂંટાયા કરે કે કેટલાક ઊપટી પણ જાય, પણ તેનું કાઠું જે રીતે બંધાઈ ચૂક્યું હોય તેમાં કોઈ મૂળભૂત પરિવર્તનને અવકાશ ન હોય. સુરેશ જોષીએ પાત્રસંવિધાનનો જે ખ્યાલ રજૂ કર્યો તેમાં માનવસ્વભાવનાં આવાં નિશ્ચિત લક્ષણોનો ઝાઝો મહિમા થયો નથી. કૃતિને આરંભે સર્જક બિલકુલ ‘શૂન્ય’માંથી નિર્માણ શરૂ કરે છે. પાત્રની સામે પડેલી પરિસ્થિતિની અનંતવિધ શક્યતાઓને તે તાગવા મથે છે. પાત્રને (અને તે દ્વારા સર્જકને) નવી નવી પરિસ્થિતિ જીવતા જઈને આગવું વ્યક્તિત્વ સિદ્ધ કરવાનું રહે છે. કશાંય ઉછીનાં મૂલ્યો કે સત્યો તેને તારી શકે નહિ, તેથી તે ‘કાર્ય’ દ્વારા સ્વકીય મૂલ્ય કે સત્યની શોધમાં પ્રવૃત્ત થાય છે. હવે કથાની અંદર જ પાત્રને ‘કાર્યશીલ’ બનવાનું છે. અર્થાત્ કથાસૃષ્ટિની ઘટનાઓથી નિરપેક્ષ રીતે પાત્રની કોઈ સત્તા કે સત્ય સંભવી શકે નહિ. વળી, આ પાત્રો આત્મસભાન બની વાસ્તવનો અખિલાઈમાં સામનો કરવા મથે છે, એટલે તેના અનુભવના વ્યાપમાં આવતાં સત્-અસત્, શ્લીલ-અશ્લીલ સર્વ તત્ત્વોનો તે ઉત્કટતાથી પ્રતિભાવ પાડે છે. કથાના રચનાતંત્રમાં આથી હવે રૂઢ નીતિમૂલક માળખું પણ અપેક્ષિત નથી. સર્જકને સર્જક લેખે પ્રાપ્ત થયેલી ‘સ્વતંત્રતા’ જ તેની પરમ નીતિ બની રહે છે. આજનો સર્જક હવે સ્વની ભૂમિકાએથી સામે છેડે જઈ જે કંઈ evil, immoral કે dark mystery છે તેને તાગવા ચાહે છે. પોતાનાં પાત્રોને તે પોતાના કેળવેલા ખ્યાલોનું વાહન બનાવવા ઇચ્છતો નથી. દરેક પાત્રની સંવિત્તિનો તાગ મેળવવા તે સ્વકીય ભૂમિકાનો ‘હ્રાસ’ થવા દે છે. કથાસૃષ્ટિનું પાત્ર, કૃતિને આરંભે, કશુંય પૂર્વસિદ્ધ સત્ત્વ લઈને પ્રવેશે તો તેથી તેની સર્જક લેખેની સ્વતંત્રતાને અવરોધ નડે છે. આ રીતે પાત્રસંવિધાન વિશે તેમણે જે જે ખ્યાલો પુરસ્કાર્યા તે પણ તેમની સર્જકતાની મૂળ વિભાવના જોડે સુસંગત રહે છે. પણ આ પ્રકારની તેમની ભૂમિકાને અમુક મર્યાદાઓ છે. એની ચર્ચા માટે અહીં ઝાઝો અવકાશ નથી. એટલે, એ સંદર્ભમાં એમ નોંધવાનું રહે કે, પાત્રસંવિધાન વિશેના આ ખ્યાલ પાછળ તેમનાં અમુક વિશિષ્ટ વિચારવલણો રહેલાં છે. એટલે કે, પાત્રસંવિધાન પરત્વેની તેમની આ સર્વે ચર્ચા અમુક વિશિષ્ટ દૃષ્ટિકોણથી પ્રેરાયેલી છે. અને તેથી તે સીમિત રૂપની છે. અહીં નોંધવું જોઈએ કે, આપણા અગ્રણી નવલકથાકારોની કથાસૃષ્ટિની સમીક્ષા કરતી વેળા, તેમણે આ જાતના ખ્યાલોને લાગુ પાડવાનો પ્રયત્ન કર્યો, ત્યાં તેમને આપણા નવલકથાકારોની મર્યાદાઓ વિશે જ વધુ કહેવું પડ્યું. અલબત્ત, સર્જકતાનો જે ખ્યાલ તેમણે પુરસ્કાર્યો તેની જોડે એ વિસંગત વાત નથી. એમાં તેમના ઉચ્ચાગ્રહો વધુ તીવ્રતાથી છતા થયા. ટોેલ્સ્ટૉય-પ્રણાલીની રચનાશૈલી કરતાં દોસ્તોએવ્સ્કી કાફકા પ્રુસ્તની આદિની ટેક્નિક માટે તેમને ઘણો મોટો પક્ષપાત રહ્યો છે. એટલે આપણી નવલકથા પાસેથી તેમની આવી અપેક્ષાઓ સંતોષાય, એ શક્ય નહોતું. પણ, સુરેશ જોષી કંઈ અલ્પસિદ્ધિથી રીઝે નહિ, એય એટલું જ સાચું!
કાળ વિશેની બે ભિન્ન mode of consciousness તેમની કળાચર્ચાને નવું પરિમાણ અર્પે છે. એક, સર્જકચિત્તનાં સંવેદનોમાં એકરસ થયેલો કાળ, જેને આત્મલક્ષી વાસ્તવિકતા છે; બીજી, આધુનિક યુગની ચેતનાનો બોધ, જેમાં વર્તમાન કાળની ગતિવિધિઓ પ્રગટ થાય છે. આ પૈકી, આત્મલક્ષી કાળ તે વ્યક્તિની સંવેદનાઓ, સ્મૃતિઓ અને અધ્યાસો જોડે અન્વિત થઈને સંકળાયેલો હોય છે, અને એમાં એની સ્થિતિગતિનો આગવો લય બંધાયો હોય છે. ઘડિયાળના ચંદા પર નોંધાતો કાળ વૈજ્ઞાનિકોના ખપમાં આવે અને એ સીધી રેખાએ ગતિ કરતો હોવાથી તેને ગણિતની કારિકાઓમાં પણ બાંધી શકાય એવી સમજને આધારે જ, લૌકિક ઘટનાઓમાં આનુપૂર્વી, કાર્યકારણ, સાતત્ય કે પરિવર્તનના ખ્યાલો બાંધી શકાય. પણ વ્યક્તિની સંવિત્તિમાં સુષુપ્ત રહેલા કાળને એવો કોઈ અન્વય હોતો નથી. આવા કાળની વાસ્તવિકતા આલેખવાને સર્જકે વિવિધ ટેક્નિકોનો વિન્યાસ કરવાનો રહે. એક રીતે એ કળાના ક્ષેત્રનો પ્રશ્ન છે. પણ આધુનિક યુગચેતનાનો પ્રશ્ન વળી એથી અનેક ઘણો અટપટો અને કૂટ છે. તેમની આ વિશેની ચર્ચામાં અસ્તિત્વવાદ, શૂન્યવાદ કે એવા બીજા ‘વાદો’ની પ્રેરણા રહેલી દેખાય છે. તેમની કળાચર્ચામાં આ વિશે તેમની વિશિષ્ટ રૂપની મનોવૃત્તિ પણ દેખાય છે. પાશ્ચાત્ય દેશોના સર્જકોએ આધુનિક યુગનો જે રીતે પ્રતિભાવ ઝીલ્યો તેમાં તેમને વિશેષ સમાધાન મળ્યું જણાય છે. પણ આધુનિક સર્જકોના વિવિધ વિલક્ષણ ઉન્મેષોને તેઓ જે રીતે પુરસ્કારવા ચાહે છે તેમાં તેમની વૈચારિક ભૂમિકા હંમેશાં સ્પષ્ટ બની શકી નથી. ખાસ કરીને એ સર્જકોની વિદ્રોહવૃત્તિનો સ્વીકાર કે પુરસ્કાર કરતી તેમની ચર્ચા ઝાઝી પ્રતીતિકર બની શકી નથી. આધુનિક સર્જક વાસ્તવિકતાની અરાજકતાથી પીડાઈને પોતાની સર્જનપ્રવૃત્તિની વિડંબના કરે છે, ‘અન્-અર્થકતા’ને માર્ગે વળે છે કે નાગર સમાજને આઘાત આપવા જ અશ્લીલ અને જુગૂપ્સાપ્રેરક વસ્તુને ચાહીને કળામાં સ્થાન આપવા ચાહે છે એ હકીકતનું તેમનું સમર્થન કે પુરસ્કરણ ઇષ્ટ લાગતું નથી. તેમની વિવેચનામાં આ પ્રકારની વિદ્રોહવૃત્તિનો સ્વીકાર-પુરસ્કાર ચર્ચાસ્પદ અંશ છે.
આ રીતે સુરેશ જોષીની સમગ્ર વિવેચનપ્રવૃત્તિમાં માનવઅસ્તિત્વ વિશેનાં તેમનાં અમુક ચોક્કસ વિચારવલણો સંકળાયેલાં રહ્યાં છે. આધુનિક માનવની નિયતિ અને અસ્તિત્વવિષયક ચિંતનમનનથી સિદ્ધ થયેલી નિરાશાવાદી બૌદ્ધિક સંવેદના જાણે કે તેમનો સ્થાયીભાવ બની રહી છે. અને તેમની સાહિત્યરુચિમાં ઘૂંટાઈને તે એકરસ બની ગઈ છે. કળાવિષયક તેમની વ્યાખ્યાવિચારણામાં તેમની આ વિલક્ષણ રુચિનું સતત પ્રતિબિંબ ઝિલાતું રહ્યું છે. એટલે તેમની કળાવિચારણાને તેમનાં અન્ય વિચારવલણોથી અલગ તારવીને અવલોકી શકાય નહિ. છતાં સરલીકરણનો દોષ વહોરીને એમ કહી શકાય કે, કળાનું સ્વરૂપ, કવિકર્મ, આકૃતિ કે આસ્વાદના ખ્યાલોને લાગેવળગે છે ત્યાં સુધી તેમની ચર્ચામાંથી ખાસ કશું અસ્વીકાર્ય નથી. બલ્કે, સર્જકતા, કવિકર્મ અને આકૃતિના સિદ્ધાંતનો દૃઢાગ્રહપૂર્વક પુરસ્કાર કરી તેમણે આપણી વિવેચનદષ્ટિ વધુ સ્પષ્ટ કરી આપી. આધુનિક પાશ્ચાત્ય કળામીમાંસાના અનેક પાયાના ખ્યાલો સ્પષ્ટ કરવાનો તેમણે પ્રયત્ન કર્યો, તે સાથે આપણી પરંપરાગત દ્રષ્ટિવાળી કાવ્યચર્ચાનું કઠોર અવલોકન પણ તેમણે કર્યું. આપણી રૂઢ કાવ્ય-વિવેચનામાં કાવ્યેતર તત્ત્વોનું મોટું આક્રમણ થયું હતું તે તેમણે દૂર કરવાનો પ્રયત્ન કર્યો. કળાકૃતિની આસપાસના બાહ્ય સંયોગોનો જે રીતે મહિમા થતો હતો તે દૂર કરી કળાકૃતિને કેન્દ્રમાં આણી તેમણે તેનું ગૌરવ કર્યું. કળાની પ્રવૃત્તિને એક સ્વાયત્ત પ્રવૃત્તિ તરીકે પ્રતિષ્ઠિત કરી કળાની અદ્વિતીયતાનો પણ પુરસ્કાર કર્યો. જોકે કળાની અદ્વિતીયતા કે સ્વાયત્તતાનો સ્વીકાર કર્યા પછી કળામીમાંસા સામે બીજા નવા કૂટ પ્રશ્નો તો ઊભા થાય છે જ. પણ સુરેશ જોષીએ કળામીમાંસાના નવા ખ્યાલો પુરસ્કાર્યા તેથી આપણી પરંપરાગત વિવેચનાને એક ચોક્કસ નવું પરિમાણ પ્રાપ્ત થયું. એ રીતે તેમની કળાવિચારણાનું મહત્ત્વ જરાયે ઓછું નથી જ. પરંતુ તેમની વિચારણાની તાત્ત્વિક ભૂમિકા વિવાદમુક્ત નથી. કળાની તત્ત્વવિચારણા કરતાં તેમણે કોઈ સ્થિર દાર્શનિક પીઠિકા સ્વીકારવાનું ઉચિત ગણ્યું નહિ. તેથી જ કદાચ માનવ-અસ્તિત્વ, જ્ઞાનોપલબ્ધિની પ્રક્રિયા અને જ્ઞાનનાં કરણો, વિશ્વવાસ્તવનું સ્વરૂપ જેવા પાયાના પ્રશ્નોની બાબતમાં તેમની વિચારણા કંઈક ધૂંધળી બની જતી દેખાય છે. તેમણે અસ્તિત્વને લક્ષીને ‘શૂન્યતા’, ‘નિર્ભ્રાન્તિ’ આદિ જે વિશિષ્ટ પરિભાષાઓ યોજી છે તેના સંકેતોની પૂરતી વ્યાખ્યા કરવામાં આવે તો પણ તે વિવાદમુક્ત બની જશે એમ કહી શકાય નહિ. તેમની વિવેચનામાં આ જાતના ખ્યાલો તેમની રુચિમાં ઘૂંટાઈ ગયા હોવાથી તેમના વિવેચનાત્મક પ્રતિભાવમાં તે નિર્ણયાત્મક તત્ત્વ બની રહ્યા છે. તેમની રુચિ વિશેષતઃ અદ્યતન તત્ત્વોવાળી કૃતિ પર ઢળે છે તે પણ સ્પષ્ટ છે. એટલે આપણા સાહિત્યની તેમજ આપણા વિવેચનની વિવેચના કરતાં તેમને ઝાઝો સંતોષ થતો નથી. અદ્યતન સાહિત્યકળા પરત્વે આપણા પ્રૌઢ વિદ્વાનોની ઉપેક્ષા તેમનામાં સાત્ત્વિક રોષ જગાડી દે છે. તેમનું વિવેચનકર્મ ખરેખર તેમની સજીવ પ્રતિભાનો ઉત્કટ આવિર્ભાવ બની રહે છે. તેમનામાં રહેલો સર્જક તેમના વિવેચનવ્યાપારમાં પ્રસંગે પ્રસંગે પોતાનો પ્રક્ષેપ કરતો રહે છે. આથી તેમની ચર્ચામાં કેટલીક વાર રંગદર્શી વલણો પણ અછતાં રહેતાં નથી. પણ તેમની વિવેચક તરીકેની પ્રતિભા એથી તો વધુ સમગ્ર અને અખિલાઈમાં પ્રગટ થાય છે એમ કહેવું જોઈએ. તેમની ચર્ચામાંના અનેક પરસ્પર ભિન્ન અને પરસ્પર વિરોધી લાગતા અંશોને તેમની વિલક્ષણ પ્રતિભાના ઉન્મેષ રૂપે જોઈ શકાય. કદાચ સુરેશ જોષી કહેશે કે, કળાનું ‘સત્ય’ શોધનારની આ જ તો ગતિ હોય છે! ‘સત્ય’ માત્ર એક એવું અનિર્વચનીય તત્ત્વ છે કે તેમાં વિરોધોક્તિઓ સહજ પ્રવેશી જવાની જ!