નર્મદ-દર્શન/નર્મદ અને ભાટ કવિ માનસિંગજી
કવિના અંતેવાસી રાજારામ રામશંકર શાસ્ત્રીએ ‘સમયવીર કવિ નર્મદનાં સ્મરણો’માં કવિ અને પોતાના પિતા સાથેના સંવાદનું એક સંભારણું નીચે પ્રમાણે નોંધ્યું છે : ‘રામશંકર! તમારા કહેવાથી નભુલાલે જે મને પોતાની સ્નેહમૂર્ચ્છામય ગરબીઓ ગાઈ સંભળાવી ન હોત અને રાંદેરમાં ભાટ કવિ માનસિંગજી સાથે પ્રસંગ પડ્યો ન હોત તો ‘કવિ’ થવાનો મારો કોડ કદાપિ સફળ થાત નહિ! રે, તેનો જન્મ જ થાત નહીં. માનસિંગે બીજ રોપ્યું, ને રાંદેરની નોકરી છોડ્યા પછી સુરતમાં જદુરામે તેને બનતું જળસિંચન કર્યું, તો હું પણ મારા બાળકોડને કાંઈક લાડ લડાવી શક્યો.’ નભુલાલ તે કવિના મિત્ર નભુલાલ દ્યાનતરામ ત્રિવેદી – ‘નભૂવાણી’ના કર્તા. તેઓ નર્મદ કરતાં ત્રીશેક વર્ષ મોટા હતા અને દયારામશૈલીએ ગરબીઓ, પદો વગેરે લખતા હતા. તેમની રચનાઓથી નર્મદ પ્રભાવિત થયો હશે તે સ્પષ્ટ છે. તેમના સિવાય ઉપરના અવતરણમાં જેનો ઉલ્લેખ છે તે કવિ માનસિંગજીનું કોઈક પ્રકારનું ઋણ નર્મદની કવિ બનવાની ઘટના વિશે છે એનો પણ સ્વીકાર અહીં છે. આ ઋણ વિશે કવિ માનસિંગજીના પૌત્ર કરણસિંહ નારસિંહજી કવિએ કેટલીક વિગતો સાર્ધશતાબ્દી પ્રસંગે જાહેરમાં૧ મૂકી છે તે ચિંત્ય છે. કવિ માનસિંગ રતનસિંગ બ્રહ્મભટ્ટ રાંદેરના વતની અને નર્મદના સમકાલીન હતા. તેમણે ભૂજ(કચ્છ)ની ‘કવિ કૉલેજ’માં ‘કવિ તરીકેની તાલીમ’ લીધી હતી. અને તેઓ ‘રૂપદીપ’ પિંગળના નિષ્ણાત ગણાતા હતા. કવિ માનસિંગજી ધરમપુર રાજ્યમાં રાજકવિના પદે ગયા, ત્યારે તેમણે રાંદેર છોડ્યું. નર્મદે કવિતાશિક્ષણનો આરંભ આ કવિ પાસે કર્યો હતો એમ તેમના પૌત્ર, ‘કર્ણોપકર્ણ’ ચાલી આવેલી માહિતીને આધારે કહે છે. આ વાત તેમણે આ શબ્દોમાં નાંધી છે : ‘...નર્મદ જ્યારે સૂરત શહેરને ગજાવતો હતો ત્યારે પાસેના રાંદેર શહેરમાં એક વિદ્વાન અને સંસ્કારી કવિનો નિવાસ હતો.... નર્મદે શ્રી માનસિંગ કવિ પાસે ‘રૂપદીપ’ પિંગળનો અભ્યાસ છ માસ સુધી કરેલો અને તે માટે તે રોજ રાંદેર જતો. આર્થિક મદદ પણ મળી રહેતી....’ આ ઘટનાના સમર્થનમાં કરણસિંહ કવિએ રાજારામ શાસ્ત્રીનાં સ્મરણોમાંથી આરંભનું અવતરણ ટાંક્યું છે. માનસિંગ કવિનો સત્સંગ નર્મદને કવિ તરીકેનું સ્વપ્ન સેવવામાં પ્રેરણારૂપ બન્યો હશે એમ આ બંને અવતરણો સાથે વાંચવાથી સ્પષ્ટ થાય છે. પરંતુ નર્મદે માનસિંગ કવિ પાસે ‘રૂપદીપ’નો અભ્યાસ કર્યો, તે માટે જ તે રાંદેર જતો અને તેને તે માટે આર્થિક મદદ મળતી એવું કરણસિંહ કવિનું વિધાન યથાતથ સ્વીકારી શકાય એમ નથી, કારણ નર્મદે પોતે આપેલી હકીકતો સાથે તે સુસંગત નથી.
- ૧. નર્મદ પિંગળ શીખવા નહિ, નોકરી માટે રાંદેર જતો હતો.
- ૨. રાંદેરમાં નોકરી દરમ્યાનની તેની દિનચર્યામાં પિંગળના અભ્યાસનો ઉલ્લેખ નથી.
- ૩. તેણે રાંદેરની નોકરી ૧–૫–૧૮પ૨થી માર્ચ ૧૮૫૩ સુધી નવ માસ કરી હતી.
- ૪. તેને નોકરી હતી જ, તેથી તેને આર્થિક મદદની જરૂર ન હતી.
- ૫. આ સમય દરમ્યાન તેણે કવિતા લેખનનો વિશેષ ઉત્સાહ બતાવ્યો નથી.
- ૬. રાજારામ શાસ્ત્રીના અવતરણમાં જેનો ઉલ્લેખ છે તે જદુરામનો નિર્દેશ ‘મારી હકીકત’માં પણ છે. કવિ માનસિંગનો ઉલ્લેખ ‘મારી હકીકત’માં કોઈ સ્થળે નથી. આ મહત્ત્વના ‘ગુરુ’નો ઉલ્લેખ તે ચૂકી જાય એમ તો ન જ બને. જદુરામના ચોપાઈ-દોહરા તે સાંભળતો પણ બેદરકારીથી, પરંતુ તેના સંસ્કાર તેના અજ્ઞાત ચિત્ત પર પડ્યા હશે. માનસિંગ કવિનો પ્રભાવ આટલો દૃઢ નહિ હોય એ સ્પષ્ટ છે. ઋણ સ્વીકારવામાં તો નર્મદ ક્યારેય કૃપણ ન હતો.
- ૭. નર્મદ રાંદેર જવાઆવવાની ખટપટથી કંટાળેલો હતો તેથી તેણે સુરતમાં નોકરી લેવા ધારી હતી. જો આમ અનાયાસ છંદશિક્ષણની સગવડ, તે પણ વિશેષ આર્થિક સહાય સાથેની, મળી હોત તો તે કોઈ પણ અગવડ વેઠવા તૈયાર હતો જ. પિંગળ શીખવા તો તેણે ઠેઠ ભૂજની શાળામાં પણ શિક્ષકની નોકરી માટે ઉમેદવારી કરી હતી. વસ્તુતઃ આ સત્સંગ કવિના લેખન માટે પ્રેરણારૂપ બન્યો હશે, તેથી વિશેષ ફલદાયી બન્યો નહિ હોય. નર્મદ એટલો ઉદારચિત્ત કે તે બાબત તેણે વાતવાતમાં આટલો ઋણસ્વીકાર કર્યો.
- ૮. સર્વમાન્ય ગણાવાયેલા ‘રૂપપિંગળ’નું જ્ઞાન જો નર્મદને માનસિંગજી પાસેથી મળી ચૂક્યું હોત તો ‘પિંગળક્ષેત્રની જાતરા’ કરાવવા મનમોહનદાસની કાકલૂદી તેને કરવી ન પડત. ‘કોઈ પણ ઠેકાણેથી પિંગળનું પુસ્તક અપાવ’–એવી જદુરામને કરવી પડેલી આજીજી પણ તેણે ન કરી હોત. અથવા જદુરામની ગોઠવણથી પેલા ગોરધન કડિયાને ત્યાં બેસીને ‘છંદ રત્નાવલી’ની નકલ કરવાની તરખડમાં પણ તેને પડવું ન પડત.
- ૯. પિંગળનું જ્ઞાન આટલું વ્યવસ્થિત આ સમયે જો નર્મદનું થઈ ગયું હોત તો તેણે ૧૮૫૨–૫૩થી કવિતાનું મેદાન ગજાવવા માંડ્યું હોત. વસ્તુતઃ તેણે પદ્યરચનાનો આરંભ સપ્ટેમ્બર ૧૮૫૫માં અને તેય ધીરા ભગતનાં પદોના અનુકરણમાં. તેની આરંભની રચનાઓ ‘પિંગળના કાયદા’ પ્રમાણે નહિ, સામળના દોહરા-ચોપાઈના ઢાળમાં અને દલપતરામ તથા મનમોહનદાસની છપાયેલી ચોપડીઓમાંની કવિતા જોઈ જોઈને કરવામાં આવી હતી.
આમ પિંગળનું જ્ઞાન નર્મદને માનસિંગ કવિ પાસે મળ્યું એ તારણ તો નિરાધાર જ છે. માનસિંગજીનો સંસર્ગ કવિ-યશેચ્છાને દૃઢાવવામાં ઉપકારક બન્યો હોવા વિશે શંકા નથી.
રાજકોટ : ૨–૨–૮૪