અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/વાયરા (તારો છેડલો તે માથે)

From Ekatra Wiki
Revision as of 20:20, 6 July 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વાયરા (તારો છેડલો તે માથે)

નંદકુમાર પાઠક

તારો છેડલો તે માથે રાખ ને જરા
         આ તો ચૈતર વૈશાખના વાયરા,
                  તારી વેણીની મ્હૅક જાશે ઊડી હો
                           આ તો ચૈતર વૈશાખના વાયરા.
         અંગારા વેરતો તડકાનો તોર કૈં,
         અંગારા ઝીલતો આંખોનો તોર કૈં;

તારી આંખો અધૂકડી રાખ ને જરા
         આ તો ચૈતર વૈશાખના વાયરા,
                  તારી નજર્યુંનાં નીર જાશે ઊડી હો
                           આ તો ચૈતર વૈશાખના વાયરા.

ઊના એ વાયરાને પાલવમાં પૂર ના,
         ઊછળતા ઓરતા છે ઊના રે ઉરના;
                  તારા હૈયા પર હાથ અલી રાખ ને જરા
                           આ તો ચૈતર વૈશાખના વાયરા.

         તારા હૈયાનાં હીર જાશે ઊડી હો
         આ તો ચૈતર વૈશાખના વાયરા.

(લહેરાતાં રૂપ, પ્ર. આ. ૧૯૭૮, પૃ. ૧૩)



આસ્વાદ: પ્રેમપદારથના પાઠ – વિનોદ જોશી
કલ્પના કરી જુઓ કે માથે વેણી ગૂંથી, હૈયે ઉછાળા દેતાં સંવેદનોના હિલ્લોળ જેવી ઓઢણી ઓઢી ખરા બપોરે કોઈ મુગ્ધા ષોડશી પોતાના પિયુની પ્રતીક્ષા કરી રહી છે. બપોરે જ પ્રતીક્ષા કરવાનું કોઈ કારણ નથી પણ રાહ જોતાં જોતાં બપોર ચડી ગયા અને છતાં આવનારો હજી આવ્યો નહીં તેની વિમાસણ છે. ધીમે ધીમે દાહ વધતો જાય છે પણ માંડી મીટ ખસતી નથી. આવા વખતે પડખે આવીને છાનીમાની ઊભી રહી ગયેલી કોઈ સહિયર જાણે શિખામણ આપતી હોય તેમ આ કાવ્યની શરૂઆત થાય છે.

‘તારો છેડલો તે માથે રાખ ને જરા!

આ તો ચૈતર વૈશાખના વાયરા.’

કહેનાર જાણે છે કે માથે વેણી ગૂંથી છે અને વેણીને ઢાંકનાર ઓઢણીનો છેડો ખસી ગયો છે. આમ થવું તે બરાબર નથી એમ પણ લાગે છે. આ સ્થિતિ સામેનો વાંધો ખરેખર તો એટલા માટે છે કે ઓઢણી ‘ચૈતર વૈશાખના વાયરા'થી ખસી ગઈ છે. બસ, આખાયે કાવ્યનો મર્મ આ નાની શી વાતથી ખૂલે છે. એક તો એ કે માથેથી ઓઢણી ખસી જવાનું ભાન કાવ્યનાયિકાને રહ્યું નથી. એટલે કે એનું ધ્યાન ક્યાંક બીજે લાગેલું છે. બીજું, જે વાયરો વાય છે તે ચૈત્ર-વૈશાખનો છે તેવી પણ એને ખબર નથી. ચૈત્રનો વાસંતી ઉન્માદ માણી ચૂકેલી નાયિકાને હવે ગ્રીષ્મનો વૈશાખી દાહ ઘેરી વળ્યો છે. હજી એ મિલનના ઉન્માદથી મુક્ત થઈ નથી ત્યાં જ વિરહમાં જાણે બળવા લાગી છે. મિલન-વિરહની બેવડી ભાતના એનાં સંવેદનો એને એવી તો બ્હાવરી બનાવી મૂકે છે કે વેણીની મહેક ઊડી જવાની આશંકા પણ એને થતી નથી પણ એની સખી શાણી છે. ઠાવકી છે એ જાણે કહી રહી છે કે આવા વાયરાની બહુ પરવા ન કરાય. એ તો આવે ને જાય. આપણે ‘છેડલો' સંકોરીને રહીએ એટલે બસ. વાયરાની પાછળ ઘેલા ન થવાય. વેણીની મહેક ઊડી જાય તો પછી પોતાનું રહ્યું શું? કાવ્યમાં પ્રેમપદારથના પાઠ કેવા સૂક્ષ્મ સંકેતોથી આલેખી શકાય છે તે અહીં જોઈ શકાશે.

તડકો જાણે અંગારા વેરી રહ્યો હોય તેવા મિજાજમાં છે. પણ તેની સામે કાવ્યનાયિકાનો તૉર પણ કંઈ કમ નથી. એ અંગારા ઝીલી શકે તેવા સામર્થ્યથી આંખો ખોલીને સામે ઊભી છે. અંગારા ઝીલવા પડે તોપણ શું? પ્રેમ એ ખુમારીનું બીજું નામ છે, પણ ઠાવકી સહિયર સલાહ આપે છેઃ તારી આંખો અધૂકડી રાખને જરા! આમ ડોળા ફાડી ફાડીને એકધારું જોયા શું કરે છે? એમ કંઈ આવનારો નહીં આવી જાય! એ તો વળી ઉમેરીને એમ પણ કહે છેઃ

‘તારી નજર્યુંના નીર જાશે ઊડી હો!

આ તો ચૈતર વૈશાખના વાયરા.’

આંખો વિરહના દાહથી સજળ બની ગઈ છે, એ કોરીભટ્ટ થઈ જશે. કમ સે કમ આંખોમાં રહેલી ભીનાશને સાચવી લેવાય તો પણ ઘણું એવી એને ચિંતા છે. પણ આ તો વાસંતી ઘેનમાં શમણાં જોઈ ચૂકેલી નાયિકા. મુગ્ધ અને મિજાજી, વાયરાને પોતાની પાસેથી સરકી જતો સાંખી ન લે એવી. એણે તો પાલવ પ્રસરાવી તેને પોતાની પકડમાં લીધેલ. જેને કોઈ આકાર નથી, ઘાટઘૂટ નથી, જેનું કોઈ સરનામું નથી એવાની સાથે કામ પાડવાના મામલે ઉતાવળી બની ગયેલી નાયિકાની વહારે ફરી પાછી પેલી સમજણી સખી દોડી આવે છે. પાલવમાં પુરાતો વાયરો ઊનો છે એટલું જ નહીં નાયિકા સ્વયં ઉષ્માથી મંડિત એવી અભિલાષાઓને પોતાના ધબકારમાં સેવી રહી છે. આ બેવડો દાહ જીરવવો અસહ્ય થઈ પડે તેવો છે. ઊછળતા ઓરતા સાથે તાલ મિલાવતી શ્વાસોની આવનજાવનનો શરીરી સંકેત કવિએ બહુ સુંદર રીતે અહીં કર્યો છે. પેલી સહિયર આ અણજાણ મુગ્ધાને આ દાહ કેવો ભારેલો હોય છે તેની જાણે ખબર આપવા ઇચ્છતી હોય તેમ કહે છેઃ ‘તારા હૈયા પર હાથ અલી રાખ ને જરા!' હૈયું કેવું તો ધબકી રહ્યું છે તેનાથી સાવ અજાણ એવી પ્રતીક્ષારત નાયિકાને સભાન કરતી સહિયર હવે જાણે બીક બતાવતી હોય તેમ સીધું જ સૂચવી દે છે કે હૈયામાં જે કંઈ સાચવ્યું છે તે સાચવવા જેવું લાગે તો તેને ઊડી જવા ન દેવાય, તેની આડે હાથ ધરી દેવો જોઈએ. કાવ્યનાયિકા જાણે કહે છે કે પોતે જનારને રોકી શકતી નથી. પણ એ જનાર ક્યારેક આવનાર બની જાય તેવી ઊંડે ઊંડે પણ એને અભિલાષા છે. એટલે તો એ આ બળબળતા ગ્રીષ્મની બહારનો ઉત્તાપ પણ સહે છે અને અંદરની આગનો પણ સામનો કરે છે. વસંત અને ગ્રીષ્મના સંધિસ્થાને વહેતા વાયરાના સ્વભાવનો મનુષ્યસંગત સંદર્ભ લઈ કવિએ અહીં પ્રકૃતિ અને મનુષ્યપ્રકૃતિ બેઉનો સમન્વય કર્યો છે. ક્યાંયે બોલકો કે વાચાળ બની ન જાય તે રીતે. પૂરેપૂરો કાવ્યાત્મક. એટલે તો તેના આસ્વાદમાં ગ્રીષ્મની બપોરે આપણે પણ રસતરબોળ થઈ જઈને ચૈતર-વૈશાખના વાયરાનો અનુભવ કરવા લાગીએ છીએ.