અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/અવાજને ખોદી શકાતો નથી…

From Ekatra Wiki
Revision as of 20:22, 11 October 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અવાજને ખોદી શકાતો નથી…

લાભશંકર ઠાકર

અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.
હે વિપ્લવખોર મિત્રો!
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી.
તો
સફેદ હંસ જેવાં આપણાં સપનાંઓને
તરતાં મૂકવા માટે
ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષરભૂમિની કાંટાળી વાડને?
આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ
વૃક્ષોએ ઊડવા માંડ્યું છે એ ખરું,
પણ એ શું સાચું નથી
કે આંખો આપીને આપણને
છેતરવામાં આવ્યા છે?
વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી
ફરી કામે વળગતા
થાકી ગયેલા મિત્રો!
સાચે જ
અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન
(મારા નામને દરવાજે, બીજી આ. ૧૯૯૬, પૃ. ૫૩)




લાભશંકર ઠાકર • અવાજને ખોદી શકાતો નથી • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: ક્ષેમુ દિવેટિયા






આસ્વાદ: ‘અવાજને ખોદી શકાતો નથી’ તથા ‘કવિ લઘરાજીનું ચિંતન’ વિશે – ચંદ્રકાન્ત શેઠ

પ્રિય યોગેશભાઈ,

આપણા એક વરિષ્ઠ કવિ લાભશંકર ઠાકર વિશે ‘પરબ’ દ્વારા વિશેષાંક કરવાનો ઉપક્રમ વિચાર્યો તે માટે સંપાદક તરીકે તમને તેમ જ ‘પરબ’ જેનું મુખપત્ર છે તે સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદને અભિનંદન ઘટે છે.

લાભશંકરનાં બે કાવ્યો વિશે આસ્વાદલેખ લખવાનું તમે મને સોંપ્યું તેનો આનંદ જરૂર છે, પણ એ ખરેખરો પડકાર છે એમ મને લાગ્યું છે. લાભશંકરની ‘વહી જતી પાછળ રમ્યઘોષા’ની કાવ્યમાધુરીનો — લયમાધુરીનો મને નશો હતો અને આજેય છે. લાભશંકરે સતત મને એમની કવિતાના વર્તુળમાં રહું એવું કરેલું, તેથી પ્રસંગોપાત્ત, એમની કવિતા વિશે અત્રતત્ર બોલવા-લખવાનુંયે બન્યું. ‘રે’ મઠે જ્યારે કવિતાને સમજવાની બાબતનો વિરોધ કર્યો ત્યારે એ વિરોધનો વિરોધ કરવાનું મેં તેમ જ રઘુવીરભાઈએ પણ મુનાસિબ માનેલું એવું મને સ્મરણ છે. કાવ્યને ‘ફીલ’ કરવાની — સંવેદવાની વાત મહત્ત્વની હતી અને આજેય એ વાત મહત્ત્વની છે જ; પરંતુ કાવ્યને સંવેદીને સમજવામાં કોઈ તકલીફ ન આવવી જોઈએ. કાવ્યને સમજવા માટેની બુનિયાદ પણ કાવ્યના ભાવન-સંવેદન સાથે અનિવાર્યતયા સંકળાયેલી હોવાનું મને લાગ્યું છે.

આ પરિપ્રેક્ષ્યમાં પહેલાં તો હું વાત કરું છું લાભશંકરના ‘અવાજને ખોદી શકાતો નથી’ એ કાવ્યની. એ અછાંદસ કાવ્ય છે પરંતુ આપણા એક ઉત્તમ વાગ્ગેયકાર શ્રી ક્ષેમુભાઈએ તેમને સરસ રીતે સ્વરબદ્ધ કરીને ગેયસ્વરૂપે તરતું મૂકેલું. એ રીતે એ કાવ્ય ગેયતાની દૃષ્ટિએ પણ કર્ણરસાયણની ચીજ બની શકેલું. લાભશંકરના મુખેય એકાધિક વાર મેં એનું પઠન થતું સાંભળેલું. એક અદના ‘પ્રૅક્ટિસિંગ પોએટ’ તરીકે તેમની આ કાવ્યમાંની ચાલને પકડવા-સમજવાનો પ્રયાસ પણ અનેક વાર કરેલો; પરંતુ આજેય એમાં પૂરેપૂરો કામયાબ થઈ શક્યો છું કે કેમ એની મને શંકા છે. પ્રસ્તુત કાવ્યમાંથી જીવનતત્ત્વોનું રહસ્ય પામવા માટેનો ઉત્કટ અભિનિવેશ દાખવનારા આપણા પ્રિય કવિનો પદક્રમ જેટલો પામી શકાય એટલો પામવા મથીએ. મને તો એ મથામણ જ કોઈ કોયડો ઉકેલવાના પ્રયાસ જેવી લિજ્જતદાર લાગે છે! લા૰ઠા૰ની આ રચનામાંથી કેટલું અંકે થઈ શકે એવું છે એનો તાગ કાઢવાની આ એક કોશિશમાત્ર છે. દેવદૂતો જ્યાં પગલાં માંડતાં ડરે ત્યાં ધૃષ્ટતાપૂર્વક પ્રવેશ કરવાની આ ચેષ્ટા છે.

કવિ આ કાવ્યનો આરંભ કરે છે ‘અવાજને ખોદી શકાતો નથી’ — એ ઉક્તિથી અને એની સાથે જ સાંકળી દે છે મૌનને — ઊંચકી ન શકાય એવા ભારેખમ મૌનને. અહીં જે ‘અવાજ’ છે તે ‘કવિતાનો અવાજ’ છે. કવિતાનો એટલે સર્જકચેતના શબ્દચેતનામાં રૂપાંતરિત થતાં પ્રગટેલો અવાજ. આકાશના ઊંડાણનો તાગ લઈ શકો તો જ અવાજના તળિયાનો તાગ લઈ શકાય. સર્જકની તો સતત ખેવના રહેવાની ખોજની — અતાગનો તાગ મેળવવાની, પોતાના અસ્તિત્વના છેડા પામવાની; પણ એ બાબતમાં સર્જકનો પુરુષાર્થ પૂર્ણતાએ પહોંચશે જ એમ કહી શકાતું નથી. આત્મખનન ‘(સેલ્ફએક્સ્પ્લોરેશન’) ભલે ચાલે; સર્જકનું આત્મખનન ચાલવું પણ જોઈએ, પણ એમ કરતાં હાથમાં કોઈ આંબળું આવી જશે એવું મુગ્ધતાથી માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી. આ કવિને જીવનની વાસ્તવિકતાની પાકી ખબર છે. જીવતરમાં વેદનાનો વ્યાપ કેવો ને કેટલો હોય છે તેનોય અંદાજ એમને છે. તેઓ સાચા કવિ હોવાથી શબ્દની શક્તિ જો જાણે છે તો તેની મર્યાદા પણ જાણે છે. મૌનનો કેવો ભાર અને તેની ભીંસ હોય છે તેનો પણ એ આ સંવેદનશીલ કવિને અંદાજ છે. શબ્દને સહારે કવિ પોતે પોતાને કેટલા પામી શકે એ પ્રશ્ન પેચીદો છે જ. મૌન પણ કવિને ભારેખમ લાગતું હોય. એમાં મદદરૂપ થાય એવું નથી. સંભવત: તેથી તે મૌનનો મૂંઝારોયે કેમ વેઠવો — એ પણ પ્રશ્ન! કવિ આત્મબંધુઓને — પોતાના વિપ્લવખોર — બંડખોર મિત્રોને એ ઠસાવવા માગે છે કે આપણે આપણું ધાર્યું બધું કરી શકવાના નથી; આપણે આપણી વેદનાના રંગે રંગાયેલી ભૂખરી ચિંતાઓથી ચિરાવાનું રહ્યું છે તેમાંથી ઊગરી શકાય એવી આપણી નિયતિ પણ કદાચ નથી. કવિતા પણ આપણને આપણી પાયાની આવી ઘણીબધી ઉલઝનોમાંથી ઉગારી શકે — મુક્તિ અપાવી શકે એવું લાગતું નથી. એ રીતે કવિની સંપ્રજ્ઞતા જ એના માટે વેદનાકર બની રહે છે. આપણને — કવનકર્મીઓને કદાચ સફેદ હંસ જેવાં મીઠાંમોહક સ્વપ્નો જો આવે તો તે ગમે પણ એવાં સ્વપ્નોને પણ આપણે યથેચ્છ રીતે સેવી શકીએ, સિદ્ધ કરી શકીએ એવું કહી નહીં શકાય; કેમ કે, આપણે ઊષરભૂમિની કાંટાળી વાડથી ઘેરાયેલા છીએ.

આપણને વિસ્મયો ગમે. જે સ્થગિત છે તે જો ગતિ પકડીને વિસ્તરે તો તે પણ ગમે. આપણને કલ્પનાવિહારનો આનંદ માણવો પણ ગમે; પરંતુ ગમવાની બાબત એક છે ને નઠોર નકરી વાસ્તવિકતાઓનો અનુભવ અલગ છે. આપણને ખરેખર જે દેખાવું જોઈએ એ દેખાતું નથી, જે આપણી ઇચ્છાનુસાર અનુભવમાં આવવું જોઈએ એ આવતું નથી અને આપણને આપણી મર્યાદાનો કાંટાળો ને કડવો ખ્યાલ પીડ્યા કરે છે; આપણને આંખો આપીને છેતર્યા હોય, જીવન આપીને ફસાવ્યા હોય એવો ભાસ થયા કરે છે. કવિતાનું કર્મ વરદાનરૂપ છતાં વેદનાને કારણે સર્જકસ્વભાવને અભિશાપરૂપ પણ લાગે તો નવાઈ પામવા જેવું નથી. કવિતા કર્યા કરો, શબ્દોના થર એક પછી એક વીંધ્યા કરો, ચુપકીદીથી ભીતરમાં ઊંડે ઊતરો પણ ક્યાં પહોંચાશે ને ક્યારે પહોંચાશે તેની કોઈ બાંહેધરી નથી, ખાતરી નથી. વાગીશ્વરીના નેત્રસરોવરનું ખોબોક પાણી પીતાં ભલે થોડી પણ તાજગી ને સ્ફૂતિર્ જો સાંપડે તો કવિતા દ્વારા આત્મખનનનું જ કામ ચલાવવાનું છે; પણ ખબર નથી કવિતાનો સધિયારો, કવિતાનું આશ્વાસન કેટલું સર્જકચેતનાને ઉપકારક કે ફળદાયી નીવડશે. કવિની સર્જકચેતનાએ તો શબ્દથી મૌન સુધીના અંતરાલમાં સતત પોતાનું તળિયું પામવાના પ્રયત્નોમાં લાગી રહેવાનું છે; એવા પ્રયત્નોમાં સર્જકનું સાહસ અને તેનો આહ્લાદ છે તો પારાવાર વેદનાયે છે. ‘મુક્તિ સુધુ મરીચિકા’ની પ્રતીતિ જેમ જીવનના પ્રત્યક્ષ અનુભવમાં તેમ તેની સાથે અવિનાભાવિસંબંધે સંલગ્ન સર્જનમાં પણ થતી રહેવાની! અન્યથા का गति:?

લાભશંકર કાવ્યસર્જનની પ્રક્રિયાને કેવી રીતે લય, કલ્પન આદિના કીમિયાથી પ્રત્યક્ષ — મૂર્ત કરે છે તે જેમ ઉપરના કાવ્યમાં તેમ તેમના આ બીજા કાવ્ય ‘કવિ લઘરાજીનું ચિંતન’માંથી પણ પામી શકાય એમ છે. ૧૯૮૭માં લાભશંકરે ‘લઘરો’ નામનો કાવ્યસંગ્રહ આપ્યો. એમાં લઘરા વિશે વાત કરતાં લઘરામાં ‘મોડર્ન મિથિફિકેશન’ હોવાનો એમણે સંકેત કરેલો. દરેક વ્યક્તિમાં બારીક રીતે જોઈશું તો લઘરાનું કોઈ ને કોઈ ગુણલક્ષણ જરૂર જડશે. માણસપણા સાથે જ લઘરાપણાનો તાર વણાઈ ગયેલો જણાશે. લઘરો તો લાભશંકરની કવિતામાં કવિના ધર્મકર્મથી — કવિની હેસિયતથી પ્રવેશેલો છે! એ ચિંતન પણ કરી શકે એવો છે! એનામાં અસ્તવ્યસ્તતા ખરી તો અસલિયત પણ ખરી! લઘરાના અવતરણમાં સર્જક લાભશંકરનાં જિન્સ હોવાનું વરતી શકાય. લઘરો બદ્ધ છે ને મુક્ત પણ છે. એનું કર્તૃત્વ અનેક નિમિત્તો પર નિર્ભર અને દેખીતી રીતે સીધુંસાદું છતાં સંકુલ છે. એની પાસે ચરણ છે તો ચાલ છે ને ચાલ છે તો સાથે એનામાં ચારણની મતિ પણ પ્રાદુર્ભાવ પામેલી છે. એની પાસે પ્રશ્નાર્થો છે તો એની પૂંઠે વિસ્મયાર્થો પણ ઝળૂંબેલા છે. જીવનના ગહન કવણમાં ઊંડે ને ઊંડે ખૂંપતાં ખૂંપતાં વધુ ને વધુ કવનની વાગ્-લીલામાં સરતો એ પોતાને વિસ્તારે છે. એની વ્યક્તિચેતના વાઙ્મય અભિવ્યક્તિના સ્તરે સંચાર પામતાં કેવી કેવી વ્યાકરણાદિ સુધીની રૂપતરેહો ધારણ કરે છે તેનું એક ધ્યાનપાત્ર નિ-દર્શન છે આ કાવ્યરચના. જીવન અને જગતની રહસ્યમયતા, એબ્સડિર્ટી, આકસ્મિકતા, સંકુલતા — આવાં આવાં તત્ત્વોનું સંકુલ મિશ્રણ ચાકે ચડતાં એમાંથી ઊતર્યો જણાય છે આપણા લઘરાનો પિંડ. લઘરો ચારણ બન્યો હોય તો તે શું ‘ચરણ’–પદના જ કારણે? ચરણથી ચાલી શકાયું તેથી ચારણ થવાયું? લઘરાને મનમાં આવો પ્રશ્ન ઊગે છે. તરણ તાર્યા કરે — તરાય તેથી જ શું તરનાર ઉપરાંત તરાવનાર તારો થવાય / જીવન અને કવન વચ્ચે, સંજ્ઞેય અને સંજ્ઞા વચ્ચે, અટપટા અર્થ અને શબ્દ વચ્ચેના સંબંધોના તારતંતુઓ કેવા તો અટપટા હોય છે તેનો સંકેત આ કાવ્યમાંથી પામી શકાય છે.

લઘરાનું પોતાનું જીવન અને કવન નરસિંહ મહેતાની વહેલ જેવું અખળડખળ છે. જેમ- તેમ કરીને ગાડું ગબડતું હોય એમ એ ચાલે છે. નથી જરાયે જંપ; નથી સહેજ શાંતિ. પોતાના જીવતરની ચક્રવત્ ચાલના સતત ચૂંચવાટનું આક્રમણ છે. ગતિ છે પણ ઇષ્ટ દિશા નથી. વાણી છે પણ તેય છે અદોદળી. એમાં પોતાનું કશુંયે સરખી રીતે ઢાળી શકાય — વ્યક્ત થઈ શકે એવું નથી. પોતાનું કશુંયે વજન વહીને આગળ વધાય એવું નથી. જીવનમાં ભાસતી નિરર્થકતાની ભીંસ છે. જે કંઈ ભરાવો પોતાનામાં, પોતાની વાણીમાં થતો હોય તેને ઉલેચીને કેમ નિવારવો એ પાયાનો પ્રશ્ન છે. લઘરો જે કંઈ વ્યર્થ-નિરર્થક છે તેના ભારથી મુક્ત થવા ઇચ્છે છે પણ એ કંઈ સહેલું નથી. એક તબક્કે રુચિપૂર્વક જે કાવ્ય-કળાનું સર્જન કરવામાં રસ લીધો તેય હવે નીરસ — કંટાળાજનક કે નકામું લાગે છે અને તેથી જ લઘરો ‘ખખડતી ખેંચે કવિતા કોણ?’ એવો ઉદ્ગાર વેદનાપૂર્વક કાઢે છે. જે એક સમયે થયું તે થયું. તેનો ભાર લઈ સાંપ્રતમાં આગળ વધવું લઘરાને — કવિને હવે ત્રાસદાયક લાગે છે. કવિને કંઈક નવું જોઈએ; અર્થપૂર્ણ જોઈએ, રોમાંચક જોઈએ. એ માટે તો નવી ગિલ્લી લઈ નવો દાવ લેવાનો થાય! કવિ પોતે જ પોતાનામાંના લઘરાને પૂછે છે કોઈ આરણકારણ ન હોવા છતાં, એનું ભારણ ન હોવા છતાં; ખખડાટ કરે એવી જીર્ણશીર્ણ કવિતાને નરસિંહ મહેતાની વહેલની જેમ ખેંચવાનું કામ કોણ કરે છે ને શા માટે કરે છે?

જેમ જીવનમાં તેમ કાવ્યાદિ કળાનાં ક્ષેત્રોમાં પણ ખખડધજ વહેલને ખેંચવાનું અર્થહીન વૈતરું કરનારા બદ્ધ ચેતનાવાળા લઘરાઓ મળવાના. સાધ્ય તો સધાય ત્યારે ખરું, પણ સર્જકની સાધક ચેતનાને ભીંસનારો સાધનોનો ખખડાટ તેમ જ રૂઢિગ્રસ્ત સાધનાનો દાબદબાવ ત્રાસદાયક થવાનો. આ કાવ્ય એ દિશામાં વિચારવા આપણને મજબૂર કરે એવી વ્યંજકતાવાળું લાગે છે. સંભવ છે, તમને કે અન્ય મિત્રોને તે અન્યથા પણ લાગે!

ફરીથી જણાવું કે આ કાવ્યના એકાધિક પઠને મારા ચિત્તમાં પ્રતિભાવ રૂપે જે તરંગો ઊઠ્યાં તેની અહીં રજૂઆત છે. એથી જુદું કે અલગ ભાવનપ્રક્રિયાના ફળ-સ્વરૂપે પ્રગટ થયું હોય તો તે પણ જાણવા-સમજવાની ઉત્કટ તત્પરતા મારી છે જ.

મને આ બે કાવ્યોને મિષે ધિંગી સર્જકતા ધરાવતા કવિ લાભશંકરના સાન્નિધ્યમાં રહેવાની ઉમદા તક મળી તે બદલ તમારો આભાર માની વિરમું.

તમારો સ્નેહાધીન ચંદ્રકાન્ત શેઠ (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)