ભદ્રંભદ્ર
પણ જૂની કૃતિઓના મૂળ રૂપને સાચવીને એનું દસ્તાવેજી રક્ષણ કરવાની પણ એની નેમ છે.]
‘ભદ્રંભદ્ર’ નવલકથા રમણભાઈ નીલકંઠના સામયિક ‘જ્ઞાનસુધા’માં ટુકડેટુકડે છપાયેલી. એ પછી ઈ.૧૯૦૦માં એ પુસ્તકરૂપે પ્રગટ થઈ. લેખકની હયાતીમાં ઈ. ૧૯૨૩ સુધીમાં એની ૪ આવૃત્તિઓ પ્રસિદ્ધ થયેલી. ઈ.૧૯૨૮માં રમણભાઈનું અવસાન થયું એ પછી ઈ.૧૯૩૨માં એમનાં વિદૂષી પત્ની વિદ્યાબહેન નીલકંઠે ‘ભદ્રંભદ્ર’ની પાંચમી આવૃત્તિ કાળજીપૂર્વક, મૂળ પ્રમાણે પ્રગટ કરી હતી – કલાગુરુ રવિશંકર રાવળે ભદ્રંભદ્રનાં પાત્રો-પ્રસંગો લઈને કેટલાંક સુંદર રેખાંકનો કરેલાં એ રમણભાઈએ ત્રીજી આવૃત્તિથી સામેલ કરેલાં, એ ચિત્રો પણ વિદ્યાબહેને પાંચમી આવૃત્તિમાં જાળવેલાં.
યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં આ નવલકથા મુકાતી થઈ એ નિમિત્તે છેલ્લાં કેટલાંક વર્ષોમાં થયેલાં એનાં વ્યવસાયી બલકે ધંધાદારી પ્રકાશનોમાં નવલકથાનાં આગળનાં પાનાં – મુખપૃષ્ઠ(ખૂલતું પાનું), ‘પ્રસિદ્ધ કરનારની પ્રસ્તાવના’, ‘ગ્રંથકર્તાની પ્રસ્તાવના’, ‘અર્પણોદ્ગાર’ – કાઢી નાખીને એને પ્રકરણ-અનુક્રમથી જ શરૂ કરવામાં આવી છે! – આ નવલકથાનાં હાસ્ય-કટાક્ષ તો મુખપૃષ્ઠથી જ ચાલુ થઈ જતાં હોવાથી આમ આગલાં પાનાં કાઢી નાખવામાં તો બેદરકારીવાળો અપરાધ જ થયો કહેવાય. વળી, આ પ્રકાશનોમાં મૂળનાં રવિશંકર રાવળનાં રેખાંકનો પણ અદૃશ્ય કરી દેવાયાં છે! એક પ્રકાશનમાં તો, આવરણ પરના અણઘડ ચિત્રમાં ભદ્રંભદ્રના પગમાં ચાખડીઓને બદલે દોરીવાળા બૂટ દેખાય છે!
એટલે, એકત્રની આ શોધિત ઈ-આવૃત્તિમાં, વિદ્યાબહેને કરેલી પાંચમી આવૃત્તિમાંથી, આગળનાં પાનાં તથા રવિશંકર રાવળનાં રેખાંકનો સમાવી લીધાં છે ને એમ મૂળ નવલકથાનું વિશિષ્ટ કૃતિમૂલ્ય ને દસ્તાવેજી મહત્ત્વ જાળવી લીધું છે.
–રમણ સોની
૧. નામધારણ
સને ૧૮૮૬માં હું મારા મિત્ર દોલતશંકર સાથે મુંબાઇ ગયો હતો. આપણા દેશનો જૂનો ધર્મ ડુબાવનાર સુધારાવાળાની સામે દોલતશંકર ઠેરઠેર ભાષણ આપતા હતા. તેમની સાથે હું ઘણા દેશોમાં અને મુલકોમાં ફર્યો હતો. અમદાવાદથી નીકળી નરોડા, કોચરબ, સરખેજ, અસારવા, વટવા વગેરે વિવિધ ભૂમિઓમાં અમે મુસાફરી કરી હતી. તે સાલ તો અમે દક્ષિણમાં નવાપુરા સુધી જઈ પહોંચ્યા હતા. તે શહેરમાં અમે એક મહિનો રહ્યા તેટલામાં દોલતશંકરે સુધારા વિરુદ્ધ ૧૦૮ ભાષણો કર્યા હતાં. વળી એથી અગાડી વધી સાબરમતી નદી ઓળંગી અમે ઠેઠ ધોળકા સુધી જવાના હતા. એવામાં ખબર આવી કે મુંબાઇમાં માધવબાગમાં સુધારા વિરુદ્ધ એક મોટી ગંજાવર સભા મળનાર છે. ખબર આવતાં તરત દોલતશંકરે એમની હંમેશની ચંચળતા મુજબ એક ક્ષણમાં – અડધી ક્ષણમાં વિચાર ફેરવ્યો અને નિશ્ચય કર્યો કે ગમે તેટલાં વિઘ્ન આવે, ગમે તેટલાં કષ્ટ નડે, ગમે તેટલી વિપત્તિઓ પડે, પણ તે સર્વ સામે બાથ ભીડી, તે સર્વ વિરુદ્ધ વિગ્રહ કરી, તે સર્વ પર જય મેળવી મુંબાઇ જવું. મને પણ સાથે લેવાનું ઠર્યું.
અમે રાતોરાત ઊપડ્યા અને સવારે અમદાવાદ પહોંચ્યા. રવિવારે મુંબાઇમાં સભા મળવાની હતી તેથી વચમાં બે જ દિવસ રહ્યા હતા. એટલા થોડા વખતમાં આવી દૂરની મુસાફરીની તૈયારી કરવી એ અશક્ય હતું. પણ દોલતશંકરની દૃઢતા અને ઉત્સાહ કશાથી હઠે એવાં નહોતાં. એક આખો દહાડો અને એક આખી રાત અખંડ ઉજાગરો કરી એમણે સામાન બાંધ્યો. આગગાડીમાં મ્લેચ્છ ચાંડાલાદિના સ્પર્શથી દૂષિત થયેલાં પાટિયાં પર ખાવું અને પાણી પીવું એના જેવું ઘોર પાપ એકે નથી એમ દોલતશંકરે એકેએક ભાષણમાં કહ્યું હતું. તેથી ઉત્તમ દૃષ્ટાંત આપવા માટે એ સિદ્ધાંત અમલમાં આણવાનો આ વખતે એમણે ઠરાવ કર્યો. એમનો વિચાર તો એટલે સુધી થયો કે શ્વાસ પણ સ્ટેશન આવે ત્યારે નીચે ઊતરીને લેવો અને ગાડી ચાલતી હોય તે વેળા પ્રાણાયામ કરી બેસી રહેવું. પણ મેં સૂચવ્યું કે, ‘આ ભારત ભૂમિમાં યવનો આવ્યા ત્યારથી હવા તો એકેએક ઠેકાણે ભ્રષ્ટ થયેલી છે અને સ્ટેશન પર પણ ભ્રષ્ટ લોકો ફરતા હોય છે; વળી ગાડી દોડે એટલે હવા તો બદલાતી જાય અને બહારની હવા આવે, તેથી શ્વાસ લેવામાં હરકત નથી.’
આ ખુલાસો સાંભળી દોલતશંકર શંકાશીલ થઈ પ્રથમ તો મારી સામું સ્થિર દૃષ્ટિથી જોઇ રહ્યા. એમનું શરીર સ્તબ્ધ થયું. નાક ઊંચું થયું. રથચક્ર જેવી એમની ગોળ આંખો ચળક ચળક થવા લાગી. માટીના પોપડારૂપી એમના વિશાળ હ્રદયમાં કીડીરૂપી હજારો તર્ક ઊભરાઇ ગયા. અંતે સમાધિ પૂરી કરી શિવ મૌનભંગ કરતા હોય, રાત્રિ પૂરી થયે કૂકડા નિદ્રામાં અશાંતિ દાખલ કરતા હોય, પતરાળીઓ પીરસાઇ રહ્યે બ્રાહ્મણો ‘ભો’ ઉચ્ચાર કરી બુભુક્ષાનો પરાભવ આરંભતા હોય, તેવા શોભતા દોલતશંકર બોલ્યા, ‘અંબારામ ! તને ધન્ય છે. મારા સંગથી તને ખરેખરો લાભ થયો છે. તેં ખરેખરો શાત્રાર્થ કર્યો છે. આગગાડીમાં શ્વાસ લેવામાં હરકત નથી.’
સાથે લેવામાં માત્ર લૂગડાં અને પાથરણાં રહ્યાં. કોટ, પાટલૂન, બૂટ એવા વિલાયતી ઘાટ પર દોલતશંકરને અંતઃકરણથી તિરસ્કાર હતો. તેમનું એ જ કહેવું હતું કે આપણા બાપદાદાનો પહેરવેશ શા માટે છોડી દેવો? કોઇ ચિબાવલા કોઇ વખત તેમ પૂછતા કે આપણા બાપદાદાનો પોશાક તો મુસલમાનના પોશાક પ્રમાણે બદલાયેલો છે. તે આપણા બાપદાદાએ એમના બાપદાદાનો પોશાક કેમ બદલ્યો અને તેમના બાપદાદાએ વલ્કલ પહેરવાં અને ચર્મ ઓઢવાં કેમ મૂકી દીધાં? આવા લોકોને તે એ જ ઉત્તર દેતા કે, ‘વેદ વાંચો.’ તેથી આવે મહાભારત પ્રસંગે તો એક ધોતિયું પહેરીને, એક ધોતિયું ઓઢીને અને માથે પાઘડી મૂકીને જ મુંબાઇ જવું એવો દોલતશંકરે નિશ્ચય કર્યો. મુંબાઇમાં ટાઢ-તડકો નડશે તો તો હઠયોગનું ફળ પ્રાપ્ત થશે, એમ બે-ત્રણ વાર બોલી ગયા. એટલે મેં એ વાંધો કહાડ્યો જ નહિ.
શનિવારે બપોરની ગાડીમાં ઊપડવાનું હતું તેથી શુક્રવારે રાત્રે હું દોલતશંકરને ઘેર જઈ સૂઇ રહ્યો, કેમ કે સવારે ત્યાં જ ખાવાનું ઠીક પડે તેમ હતું. બીજે દિવસે રાત્રે ઉજાગરો કરવાનો તેથી હું વહેલો સૂઇ ગયો. હું એકાદ કલાક ઊંઘ્યો હઈશ એટલામાં ‘ઓ બાપ રે’ એવી બૂમ સાંભળી હું જાગી ઊઠ્યો. જોઉં છું તો દોલતશંકર પથારીમાં બેસી ગાભરા ગાભરા ચારે તરફ જોતા હતા. મેં ગભરાઇને પૂછ્યું, ‘શું છે ? શું થયું ?’
દોલતશંકર કહે, ‘અંબારામ, તેં જતા જોયા ?’
‘કોને?’
‘મહાદેવને, શંભુને, દીનાનાથને, પાર્વતીપતિને, શંકરને, શિવને, જટાધારીને.’
‘સ્વપ્નું આવ્યું હશે.’
‘કોણ જાણે, પણ મેં તો સાક્ષાત્ જોયા. આપણને સ્વપ્ન આવે પણ કંઇ દેવ સ્વપ્નમય થઈ ગયા ? ઓ શિવ ! ઓ શંભુ ! ઓ ભોળાનાથ ! દયા કરો, ક્ષમા કરો, ઓહો ! મેં આવો મોટો અપરાધ કર્યો ત્યાં લગી ભાન જ નહિ ! અંબારામ, તને પણ ન સૂઝ્યું ?’
‘પણ શું થયું તે તો કહો ? તમે સ્વપ્નથી કેમ આટલા બધા ગભરાયા છો ? દોલતશંકર, તમે સ્વસ્થ -‘
‘શાન્તં પાપમ્ ! અંબારામ, તું મને હવે એ અપવિત્ર નામે ન બોલાવીશ. મને શંકરે સાક્ષાત્ કહ્યું કે, ‘ભક્ત ! તું તારા નામમાં ‘દોલત’ જેવા યાવની ભાષાના શબ્દને મારા દિવ્ય નામ સાથે જોડે છે ? એનું તને ભાન પણ નથી ! તું ધર્મિષ્ઠ છતાં આવું પાપાચરણ કરે છે ? મારા નામને આ લાંછન લાગ્યું છે ત્યારથી હું બળીબળીને અર્ધો થઈ ગયો છું. અંતે મને વિષ્ણુએ ઉપાય બતાવ્યો કે એ પાપીને-‘ હું ભયનો માર્યો બોલી ઊઠ્યો, ‘મહારાજ પાપ તો મારી ફોઈનું છે. તેણે મારું નામ પાડ્યું છે. તેને સજા કરજો. હું તો નિરપરાધી છું મહારાજ, પગે પડું છું.’ પગે પડતાં મેં શંકરને ત્રિશૂળ ફેરવતા દીઠા એટલે મારાથી ‘ઓ બાપ રે’ કરીને બૂમ પડાઇ ગઈ ને હું જાગી ઊઠ્યો. ગમે તેમ હોય પણ મારે હવે એ નામ બદલી નાખવું, પ્રાયશ્ચિત કરવું અને બીજું નામ ધારણ કરવું; એમ ન કરું તો મને બાળહત્યા ! ગૌહત્યા ! બ્રહ્મહત્યા ! ઓ શંકર ! ઓ શંકર ! શિવ ! શિવ ! શિવ !
આ ધાર્મિકતા જોઈને હું સાનન્દાશ્ચર્યથી ચકિત થઈ ગયો. મેં પણ એ નામ દઈ હજારો વાર શંકરનો અપરાધ કર્યો છે, એ વિચારથી હું ખિન્ન થઈ ગયો. મારા મિત્ર તો કહે કે, ‘આપણે કાલે સવારે કાશી જઈ ત્યાં પ્રાયશ્ચિત કરીએ’ પણ મેં સંભાર્યું કે ‘કાલે તો મુંબાઇ જવું છે. ત્યાં પણ આપણા વેદધર્મના લાભનું પ્રયોજન છે. તમે તો ત્યાં ફત્તેહના ડંકા વગાડવાને તલપી રહ્યા છો અને ગમે તેવાં વિઘ્ન જીતીને જઈશ એમ સંકલ્પ કર્યો છે.’
આ ગૂંચવાડામાં અંતે ગોરને બોલાવ્યા. ગોર કહે કે ‘પ્રાયશ્ચિત અહીં કરો તો ચાલે, પણ એક માસ સુધી નદીતીર્થે ક્રિયા કરવી પડશે અને હજાર ગોદાન આપવાં પડશે. આ પાપ ઘોરતર છે !’ મેં ગોરના હાથમાં પાંચ રૂપિયા મૂક્યા અને કહ્યું, ‘અમારે કાલે બપોરે ગયા વિના ચાલે તેમ નથી અને લાંબો વિધિ કરવા રહીએ તો ગાડી ચૂકીએ.’ ગોર પાંના ઊથલાવી બોલ્યા કે, ‘પોતાના કુટુંબના ગુરુને શંકરની પ્રતિમા સારુ સુવર્ણ આપો અને એક ગોદાન આપો તો હજાર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય. સવારે આઠ વાગે પ્રાયશ્ચિતવિધિ પૂરો થશે.’ ગોરને દક્ષિણા આપી વિદાય કીધા અને શંકરનું સ્મરણ કરતો હું ઊંઘી ગયો. મારા મિત્ર તો મોડા ઊંઘ્યા હશે, કેમ કે શંકરની જોડે તાંડવ નૃત્ય કરતાં મેં તેમને જોયા એવું અર્ધસ્વપ્ન અને અર્ધજાગ્રત અવસ્થાનું મને ભાન છે.
સવારે આઠને બદલે સાડા સાતે વિધિ પૂરો થયો. ઉપવીત બદલી મારા મિત્રે પોતાનું નામ ભદ્રંભદ્ર પાડ્યું. લોકો અજાણપણે આગલે નામે બોલાવી દોષમાં ન પડે માટે કપાળ પર મોટા અક્ષરે ‘ભદ્રંભદ્ર’ નામ લોઢું તપાવી પાડવું એવો ભદ્રંભદ્રનો વિચાર થયો. પણ મેં શંકા કરી કે, ‘આ નામ શિવને પસંદ પડે પણ વખતે બીજા કોઈ દેવને નાપસંદ પડે તો પછી ઊલટી પીડા થાય. છાપેલું નામ નીકળે નહીં અને તેત્રીસ કરોડ દેવમાંથી કોઇના મિજાજ કેવા હોય અને કોઇના કેવા નહિ, માટે સર્વ દેવોની મરજી જણાઇ જાય ત્યાં સુધી કાંઇ કાયમનું પગલું ભરવું નહિ. દરેક દેવ ખાતર એક એક દિવસ વાટ જોવી એટલે આખર બધાની પસંદગી જણાય જાય.’ ભદ્રંભદ્રને આ વિચાર ગમ્યો. માત્ર એટલું કહ્યું કે, ‘એ ‘પસંદ’ શબ્દ યવનોની ભાષાનો છે માટે દેવોના સંબંધમાં તેને સ્થાને ‘પ્રસન્ન’ શબ્દ વાપરજો.’ ગોરે કહ્યું કે, ‘દેવોને કોઇ ગરજ નથી પડી કે એક એક દહાડો એક જણ વહેંચી લે. માટે બ્રહ્મભોજન કરાવો તો ભૂદેવો પ્રસન્ન થતાં સ્વર્ગના દેવોને આજ્ઞા કરે.’ આ માટે મુંબાઇથી પાછા આવી ગોઠવણ કરવાનું ભદ્રંભદ્રે વચન આપ્યું અને સંકલ્પ કર્યો કે ‘આ ગોર સમક્ષ, ગંગાજી સમક્ષ, સૂર્યદેવ સમક્ષ, વાયુદેવ સમક્ષ, અગ્નિદેવ સમક્ષ, વરુણદેવ સમક્ષ પ્રતિજ્ઞા લઉં છું કે હવેથી યાવની ભાષાનો એકે શબ્દ નહિ વાપરું.’ ગોરને રૂપિયો આપ્યો એટલે ‘शुभं भवतु’ કહીને ઘેર જવાની રજા આપી.
૨. પ્રયાણ
જમીને અમે સ્ટેશન પર ગયા. ઘરેથી નીકળતાં ભદ્રંભદ્રનો આનંદ અપાર હતો. કપાળે કંકુનો લેપ કરતાં મને કહે કે, ‘અંબારામ, આજનો દિવસ મહોટો છે. આપણે આપણા વેદધર્મનું રક્ષણ કરવા, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરીએ છીએ. રાવણનો પરાજય કરવા નીકળતા શ્રીરામની વૃત્તિ કેવી હશે ! કંસના વધનું કાર્ય આરંભતાં શ્રીકૃષ્ણનો ઉત્સાહ કેવો હશે ! કીચકને મર્દન કરવાની યુક્તિ રચતાં ભીમસેનનો ઉમંગ કેવો હશે !’
ચકિત થઈ મેં કહ્યું, ‘અકથ્ય, મહારાજ ! અકથ્ય.’
ભદ્રંભદ્ર બોલી ઊઠ્યા, ‘તો મારી વૃત્તિ પણ આજ અકથ્ય છે. મારો ઉત્સાહ પણ આજ અકથ્ય છે. મારો ઉમંગ પણ આજ અકથ્ય છે અને અંબારામ ! એમ ન સમજીશ કે આગગાડીમાં જાઉં છું તેથી જ મારી ગતિ આટલી ત્વરિત છે. મારો વેગ – મારો પોતાનો વેગ તને વિદિત છે ?’
મેં કહ્યું, ‘મહારાજ, તે દહાડે જમાલપુર દરવાજા બહાર એક શિયાળવાને વરુ ધારી આપણે પાછા ફર્યા હતા તે દહાડે તો તમે મારાથી બહુ અગાડી નીકળી ગયા હતા. તેવો વેગ કહો છો?
ભદ્રંભદ્રે ગંભીરતાથી કહ્યું, ‘કંઈક તેવો, પણ તેથી સરસ.’
ઉત્સાહની વાતો કરતા કરતા અમે સ્ટેશન પર જઈ પહોંચ્યા. અમારી બંનેની ટિકિટ કરાવવા ભદ્રંભદ્ર ગયા. હું જોડે ઊભો રહ્યો. બારીમાં ખભા સુધી ડોકું ઘાલી ભદ્રંભદ્રે કહ્યું, ‘શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.’
ટિકિટ માસ્તર પારસી હતો. તેણે કહ્યું, ‘સું બકેચ ? આય તો તીકીટ ઑફિસ છે.’
ભદ્રંભદ્રે ઉત્તર દીધો, ‘યવન ! તેથી હું અજ્ઞ નથી. મારે મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે, તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.’
ટિકિટ ઑફિસમાં એક હિંદુ હતો, તેણે કહ્યું, ‘સોરાબજી, એને ગ્રાંટરોડની બે ટિકિટ આપો.’
ટિકિટ આપતાં સોરાબજી બોલ્યા કે, ‘સાલો કંઈ મેદ થયેલોચ. હું તો સમજતો જ નહિ, કે એ સું બકેચ.’
ભદ્રંભદ્ર હવે કોપ શમાવી શક્યા નહિ. તેમણે મહોટે નાદે કહ્યું, ‘દુષ્ટ યવન ! તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે. મૂર્ખ –’
અગાડી બોલવાને બદલે ભદ્રંભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. ધબકારો થયો હતો અને બહાર આવી નાક પંપાળતા હતા તે પરથી મેં ધાર્યું કે પારસીએ મુક્કો માર્યો હશે, પણ મને તો એટલું જ કહ્યું કે, ‘દુષ્ટ યવનનો સ્પર્શ થયો છે. માટે મારે સ્નાન કરી લેવું પડશે.’
સ્નાન કરી રહ્યા પછી અમે આગગાડીમાં જઈ બેઠા. ગાડી ઊપડવાને પંદર મિનિટની વાર હતી, તેથી નીચે ઊતરી પાણી છંટાવી, ચોકો કરી તે ઉપર ઊભા રહી પાણી પીધું. ગાડી ઊપડવાની તૈયારી થઈ તેવામાં બે આદમી દોડતા દોડતા રઘવાયા થયેલા આવી બારણું ખેંચી બૂમ પાડવા લાગ્યા કે, ‘માસ્તર, આ તો બંધ છે, બારણું ઉઘાડો, બારણું ઉઘાડો.’ એક પોર્ટરે આવી બારણું ઉઘાડી બંનેને જોસથી અંદર ધકેલી દીધા. તે ભદ્રંભદ્ર પાસે બેસી ગયા. ભદ્રંભદ્રે સંકોચાઈને પૂછયું, ‘ક્યી નાત છો ?’ ‘બ્રાહ્મણ છીએ.’ એવો જવાબ મળ્યો એટલે ભદ્રંભદ્રે સંતોષથી પૂછયું, ‘ક્યાં જશો ?’ ‘મુંબાઈ’ કહ્યું, એટલે જિજ્ઞાસાથી પૂછયું, ‘નામ શું ?’ પેલા બેમાંના એકે કચવાઈને જવાબ દીધો, ‘મારું નામ રામશંકર અને આ મારા ભાઈનું નામ શિવશંકર, પણ અમારાં ઘરનાં નામ નખોદીઓ અને ઘોરખોદીઓ છે. છોકરાં ન જીવે તેથી મા-બાપે એવાં નામ પાડેલાં.’
એક ઉતારુ બોલ્યો કે, ‘વહેમ, ઈમ કંઈ સોકરાં જીવે સે ?’
બીજો ઉતારુ બોલી ઊઠ્યો, ‘અમારા ગામના શંભુ પુરાણીનો ભાણેજ વલભો મુંબાઈ જઈ અંગ્રેજી ભણી આવ્યો છે. તે તો કહે છે કે એ તો સુધારાવાળાએ અંગ્રેજ લોકોની દેખાદેખી શાસ્ત્ર જોયા વિના વહેમ વહેમ કરી કહાડ્યું છે. શાસ્ત્રમાં તો લખ્યું છે કે આપણા શરીરમાં નાસકમાં કઠોડાં મળે છે તેના જેવા-કોઠા છે. તેમાં વચ્ચે કમરખ જેવી દાબડી છે. તેમાં પ્રાણવાયુ ભરેલો છે. આવાં હલકાં નામ બોલીએ ત્યારે કમરખ આસપાસ કોઠામાંથી પિત્ત નીકળે, એટલે તેના જોરથી પેલા કમરખમાંથી પ્રાણવાયુની ધાર છૂટે, તે જીભને વળગી બહાર ઝરે તેની જોડે પેલું પિત્ત છૂટતું જાય, તેનું જોર નરમ પડે એટલે આયુષ્ય વધે. તેથી એ કાંઈ વહેમ નથી. ખરી વાત છે. ઘણાએ અજમાવી જોયેલું છે.’
૩. આગગાડીના અનુભવ
વક્તૃત્ત્વોત્તેજન-શાસ્ત્રાર્થ
આ વાતો ચાલતી હતી એટલામાં ગાડી ઊપડી. ઊપડી કે તરત ભદ્રંભદ્ર તથા હું ઊભા થઈ ‘માધવબાગ કી જે !’ પોકારવા લાગ્યા. અમે તો ધાર્યું હતું કે ગાડીમાંના બધા લોકો અમારી સાથે ઊભા થઈ ‘જે’ પોકારવા લાગશે અને બીજી ગાડીઓમાં તથા સ્ટેશન પર પણ માધવબાગની જે બધે ગાજી રહેશે અને એ જયનાદથી જ શત્રુદળ ધ્રૂજી જશે, પણ તેમ ન થતાં બધા નવાઈ પામી અમારી સામું જોવા લાગ્યા. અમે બેસી ગયા એટલે પેલા વહેમ કહી ટીકા કરનારે મને પૂછયું કે, ‘માધવબાગની જાત્રાએ જાઓ સો? એ તીરથ ક્યાં આવ્યું ?’
આવું શરમ ભરેલું અજ્ઞાન જોઈ સ્તબ્ધ થઈ મેં ભદ્રંભદ્ર ભણી જોયું.
ભદ્રંભદ્ર આશ્ચર્ય પામી બોલ્યા, ‘કેવી મૂર્ખતા ! માધવબાગની વાત જાણતા નથી ? જે સભાના સમાચાર દશ દિશામાં પ્રસરી રહ્યા છે, પૃથ્વીના ચતુરન્તમાં વ્યાપી રહ્યા છે, દિગન્તમાં રેલી રહ્યા છે; જે સભાના સમાચારના આઘાતથી મેરુ પર્વતની અચલતા સ્ખલિત થઈ છે, દિગ્ગજ લથડી પડ્યા છે, દધિસમુદ્ર શાકદ્વિપને ઉલ્લંધી દુગ્ધસમુદ્ર સાથે એકાકાર થઈ ગયો છે; જે સભાના સમાચારથી સુધારાવાળા, યવનાદિ શત્રુગણ ભયત્રસ્ત થઈ પલાયન કરતાં પડી જઈ શેષનાગના શીર્ષને ધબકારાથી વ્યથા કરે છે, આશ્રયસ્થાન શોધતાં અરણ્યવાસી તપસ્વીઓની શાંતિ ભગ્ન કરે છે, આર્તસ્વરથી દેવોની નિંદ્રા હરી લે છે; જે સભાના દર્શન સારુ આવતાં કરોડો જનોના ટોળાંઓ માર્ગમાંના વ્યાઘ્ર-વરુને ભય પમાડી પોતે ઉજ્જડ કરી મૂકેલાં ગૃહોને નિવાસી કર્યાં છે, જે સભાનાં દર્શન સારુ આવતા દેવોનાં વિમાનોમાંથી સૂર્ય આચ્છાદિત થતાં બ્રહ્માંડમાં અંધકાર વ્યાપી રહ્યો છે, જે સભાનાં દર્શન સારુ સમુદ્ર ઘડીઘડી ઊંચો થઈ નિરાશ થઈ પાછો પડે છે, તે માધવબાગની સભાથી તમે અજ્ઞ છો? અપશોચ ! અપશોચ !’
મોટે નાદે કહેલાં આ વાક્ય સાંભળી કેટલાક ઉતારુ ઊભા થઈ ગયા હતા, કેટલાક પાસે આવ્યા હતા, કેટલાક સામું જોઈ રહ્યા હતા, તેથી ભદ્રંભદ્રે પાટલી ઉપર ઊભા થઈ ભાષણ કરવા માંડ્યું.
શંકરના પુત્ર ગણપતિનું સ્મરણ કરી ભદ્રંભદ્ર બોલ્યા કે, ‘ભારતવાસી આર્યજનો ! શ્રવણ કરો ! આપણી આર્યભૂમિમાં કેટલો અધર્મ વ્યાપી રહ્યો છે, આપણી આર્યનીતિરીતિગીતિધીતિપીતિપ્રીતિભીતિ, અહા કેવી તે ઉત્તમ ! અહા શી તે ઉત્કૃષ્ટ ! અહા ! જય જય શ્રી રંગ રંગ ! ઉમંગ ! નંગ ! આવા દેશનું કેવું દુર્ભાગ્ય ! શિવ ! શિવ ! શિવ ! આપણો દેશ પૃથ્વીથી પણ શ્રેષ્ઠ હતો. દેવગણની કૃપા માત્ર આપણા દેશ પર જ હતી. બીજી ભૂમિઓના લોકોને ઈન્દ્રાદિ દેવોને તેમના વિશે માહિતી નહોતી; આજ લગી નહોતી, હાલ નથી અને હવે પછી નહિ થાય. એવી સર્વ કલા અને પ્રવીણતા, આ આપણા આર્યદેશમાં હતાં. આપણા મુનિઓ ત્રિકાળજ્ઞાની હતા એટલે કોઈ જાતની શોધ કરવાની તેમને જરૂર નહોતી. આપણા બાપદાદા આપણા જેવા જ સર્વ વાતે સંપૂર્ણ હતા. અહા ! હાલ કેવી ભ્રષ્ટતા થઈ ગઈ છે, લોકો ધર્મહીન થઈ ગયા છે. વેદધર્મ કોઈ પાળતા નથી. પણ નિરાશ થવાનું કારણ નથી. આપણો આર્યધર્મ તો સનાતન છે. આપણે હજી એવા ને એવા શ્રેષ્ઠ છીએ. વિપરીત દેખાય છે તે માયા છે. સંસાર સર્વમાયામય છે. માટે ઊઠો ! યત્ન કરો ! જય કરો ! અધર્મીનો નાશ કરો ! અહા ! આપણો ધર્મ કેવો નાશ પામ્યો છે ! શાસ્ત્રની આજ્ઞાને વહેમ કહેનાર આ મૂર્ખ આપણા ધર્મનું રક્ષણ કરવા મળનારી માધવબાગ સભા વિશે કેવળ અજ્ઞ છે. રે મૂર્ખ ! રે દુષ્ટ ! રે પાપી ! તારા જીવતરમાં ધૂળ પડી, તારાથી ગધેડા –’
હું ભદ્રંભદ્રના પ્રતાપી મુખ તરફ જોઈ રહ્યો હતો. તેથી તે એટલામાં એકાએક પડ્યા. શાથી તે ખબર પડી નહિ, પણ પેલો વહેમ વહેમ કરનાર રજપૂત કાં તો સ્નાનથી મોં પર બધે પસરી ગયેલા કંકુનો લેપ જોઈ ઉશ્કેરાયો હોય કે અધર્મ જોડે યુદ્ધ કરવાના આવેશમાં ભદ્રંભદ્ર જોડે યુદ્ધ કરવા મંડી પડ્યો હોય, પણ એકદમ તે નીચે પડ્યા કે તેમના પર ચડી બેસી તે મુક્કા પર મુક્કા લગાવવા લાગ્યો; ભદ્રંભદ્ર બૂમો પાડવા લાગ્યા; હું બારણું ઉઘાડું છું કે બંધ તે તપાસવા લાગ્યો; બે-ત્રણ જણ અમારો સામાન તપાસવા લાગ્યા; પણ યુદ્ધના નિ:સ્વાર્થ આવેશમાં હું દૂરથી જ કાંપવા લાગ્યો. કોઈ ‘મારો લ્યા મારો’ કોઈ ‘જવા દો, લ્યા’ એમ બૂમો પાડવા લાગ્યા.
કેટલાક ઉતારુ વચમાં પડ્યા તેથી પેલો રજપૂત ખસી ગયો. ‘એ બામણો મને કુણ ગાળો ભાંડનાર ! એ લાંબુ લાંબુ બોલ્યો તે તો હું ના હમજ્યો પણ મારા ભણી આંગળી કરી ‘હૌ માણહ દેખતાં મને મૂરખ ને ગધાડો કહે સે તે જીવતો ના મેલું.’ એમ બોલતાં ઘડી ઘડી તે અમારી તરફ વળતો હતો, પણ બીજા લોકો તેને સમજાવવા ગાડીના બીજા ભાગમાં લઈ ગયા. ભદ્રંભદ્ર વાયુદેવને યુદ્ધમાં ઊતરવાનું કહેણ મોકલતા હોય તેમ મુખ અને નાસિકા દ્વારા ધમણ માફક પ્રાણવાયુની પરંપરા કહાડવા લાગ્યા. મેં ભાષણ અગાડી ચલાવવા કહ્યું કે ‘આવતે અગ્નિરથસ્થાપન સ્થલે બીજી ગાડીમાં જઈ ત્યાં બોધ કરીશું. એના એ જ માણસોને વક્તૃત્વશક્તિનો બધો લાભ આપી દેવો બીજા પર અન્યાય કહેવાય.’
ભદ્રંભદ્રના નિષ્પક્ષપાતી સ્વભાવ પર મને સાનંદાશ્ચર્ય પ્રેમ ઉત્પન્ન થયો. જાણે કંઈ બન્યું જ ન હોય તેમ રામશંકર અને શિવશંકર જોડે વાતો કરવા મંડી ગયા. શી મોટા માણસોની ઉદારતા ! પેલા રાજપૂત ભણી ક્રોધમય દૃષ્ટિ કરવાને બદલે તેની નજર ન પડે તેમ એક માણસને ઓથે બેઠા. હું પણ તે તરફ પીઠ કરીને બેઠો.
રામશંકરને પૂછયું કે, ‘મોહમયીમાં ક્યાં જશો?’ રામશંકર કહે કે, ‘અમારું મુંબાઈમાં ઘર નથી, પણ આ ઘોરખોદીઆના ભાઈબંધ કુશલવપુશંકરના કાકા પ્રસન્નમનશંકરને ઘેર ઊતરવાના છીએ. તમે ક્યાં ઊતરશો ?’
ભદ્રંભદ્ર કહે, ‘અમારા પાડોશીના દીકરાના મામાનો સસરો ભરૂચમાં મહેતાજી છે. તેના ફુઆના સાવકા ભાઈનો સાળો શ્રી ભૂલેશ્વર સમીપ મોતી છગનના માળામાં રહે છે તેને ત્યાં ઊતરવાનો વિચાર છે.’
આ વાતો ચાલતી હતી તેવામાં અમારા સામાનનાં પોટલા પર મારી નજર પડી. બધું ફીંદાઈ ગયું હતું. તેથી મેં તપાસી જોયું તો માંહેથી એક ધોતિયું ને એક ચાદર ખોવાયેલા માલમ પડયાં. ભદ્રંભદ્ર કહે, ‘લાભ અને અલાભ પર ધીર પુરુષે સમદૃષ્ટિ રાખવી જોઈએ. આપણા વેદધર્મનું રક્ષણ કરવામાં તન ગુમાવ્યું છે. મન ગુમાવ્યું છે અને ધન ગુમાવવાને તૈયાર છું, હજી તો મહાભારત પ્રસંગ આવવાના છે. માટે અંબારામ, શોક કરવો નહિ, પણ મિત્રના શોકમાં ભાગ લઈ તે ઓછો કરવો એ કર્તવ્ય છે. તારી ચાદર માટે શોક મૂકી દઉં છું અને મારા ધોતિયા માટે તું શોક મૂકી દે !’
મને આ વહેંચણીમાં પૂરી સમજણ પડી નહિ, પણ ભદ્રંભદ્રના મુખની ગંભીરતા જોઈ મેં વધારે પૂછયું નહિ.
પેલો શાસ્ત્રની વાતો કરનાર અમારી પાસે આવી બેઠો. તે ભદ્રંભદ્રને કહે કે, ‘મહારાજ ! આપ શાસ્ત્ર ભણેલા છો તેથી એક ખુલાસો પૂછવાનો છે. શિંગોડાં ખવાય કે નહિ?’
ભદ્રંભદ્રે કહ્યું, ‘કેમ ન ખવાય? ફરાળમાં શિંગોડાનો લોટ વપરાય છે ને ?’
તે ઉતારુએ કહ્યું, ‘તે તો ખરું, પણ, અમારા ગામમાં એક શાસ્ત્રી આવ્યા હતા, તે કહેતા હતા કે શાસ્ત્રમાં શિંગોડાં ખાવાની ના લખી છે. કેમ કે તેનો આકાર શંકુ જેવો છે અને તેથી તેમાં બ્રહ્માજીનો વાસ છે, કારણ કે અસલ બ્રહ્માંડરૂપી ઈંડુ શિંગોડાં જેવું શંકુ આકારનું હતું.’
શાસ્ત્રનું આ મહોટું અને ઉપયોગી તત્ત્વ સાંભળી ભદ્રંભદ્રના મુખ પર ગંભીરતા પ્રસરી રહી. તેમની આંખોના ચળકાટથી તેમને કોઈ ચમત્કારી નવું જ્ઞાન પ્રાપ્ત થયાનું ભાન થતું હોય એમ જણાયું. તેમણે ઉત્સુકતાથી પૂછયું, ‘પછી તે શાસ્ત્રીએ શું કર્યું ?’ તે ઉતારુ કહે કે, ‘શાસ્ત્રી મહારાજે આખા ગામને દેહશુદ્ધ પ્રાયશ્ચિત્ત કરાવી ગોદાનના સંકલ્પ કરાવી તેના નિષ્ક્રય દીઠ દરેક પાસેથી રૂપિયો રૂપિયો લઈ સર્વને પાપમાંથી મુક્ત કર્યાં.’
ભદ્રંભદ્રના મુખ પર સ્વદેશહિતેચ્છુ હર્ષ જણાઈ આવ્યો. તેમની પરોપકારવૃત્તિ તત્પર થઈ રહી. કપાળે આંગળી મૂકી એક સ્થિર દૃષ્ટિએ વિચાર કરી તેમણે પોટલીમાંથી એક નોટબુક કહાડી. તેમાં “શ” નામના મથાળાવાળા પાના પર લખી લીધું કે “શિંગોડાં – અભક્ષ્ય – આખા હિંદુસ્તાનને અને શિંગોડાં ખાનાર મૃત્યુ પામેલા પૂર્વજોને પ્રાયશ્ચિત્તની આવશ્યકતા – શંકા – પ્રશ્ન – સિદ્ધાંત – શાસ્ત્રાર્થ.” પેલા ઉતારુને કહ્યું કે, ‘આ વિશે વધારે વિચાર કરી પંડિતોના મત પુછાવી અને બનશે તો વિદ્વાનોની સભા ભરી નિર્ણય પ્રસિદ્ધ કરાવીશું એટલે તમારા ગામમાં ખબર પડશે.’
સ્ટેશન આવ્યું એટલે બીજી ગાડીમાં જઈને બેઠા. પછી મને ભદ્રંભદ્ર કહે, ‘આ શિંગોડાનો પ્રશ્ન બહુ અગત્યનો છે; આખા દેશના કલ્યાણનો આધાર આ પ્રશ્નના નિર્ણય પર છે. જે માણસના મનમાં સ્વદેશાભિમાનનો અંશ પણ હોય તેનાથી આની અવગણના થાય તેમ નથી. જો આ વાત ખરી ઠરશે તો શિંગોડાનિષેધક સભાઓ સ્થાપવી પડશે. શ્રીકાશી સુધી એ વાત લઈ જવી પડશે. વારુ અંબારામ ! શિંગોડા શબ્દની વ્યુત્પત્તિ શી છે?’
‘મને ખબર નથી.’
‘એ પણ શોધી કહાડવું પડશે. કદાચ કાલની સભામાં આ વાત મૂકવી પડશે. મારે વિચાર કરી રાખવો જોઈએ. મારાથી હમણાં ભાષણ નહિ આપી શકાય.’
એમને ગંભીર વિચારમાં પડેલા જોઈ હું બારી બહાર જોવા લાગ્યો. તારના થાંભલા બહુ રસથી ગણતો હતો એવામાં ભદ્રંભદ્રની પાઘડી એકાએક મારા પગ પર પડી. જોઉં છું તો તેમની આંખો બંધ હતી, નાકમાંથી ધ્વનિ નીકળતો હતો અને ઘીના ઘાડવાવાળું ત્રાજવું સામે કાટલાં મૂકતાં ઊંચુંનીચું થાય તેમ તેમનું ડોકું હાલતું હતું. મને એમણે એક વખત કહ્યું હતું કે, ‘હું નેત્ર બંધ કરી ધૂણતો હોઉં ત્યારે મને ઊંઘતો ન સમજવો. એ તો એક જાતની સમાધિ છે, એક બાવા પાસેથી હું શીખ્યો છું.’ તેથી તેમાં ભંગાણ પાડવું મને ઠીક ન લાગ્યું. વખતે શિંગોડાના પ્રશ્ન માટે આ જરૂરનું હોય તેથી મેં પાઘડી મૂકી છાંડી.