ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગિરધરદાસ-ગિરધર

From Ekatra Wiki
Revision as of 10:52, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગિરધરદાસ/ગિરધર [જ.ઈ.૧૭૮૭ - અવ. ઈ.૧૮૫૨/સં. ૧૯૦૮, ભાદરવા વદ ૧૧] : આખ્યાનકાર અને પદકવિ. માસર (તા. પાદરા) ગામમાં જન્મ. જ્ઞાતિએ દશા લાડ વણિક. પિતા ગરબડદાસ. પિતાનાં ૪ સંતાનોમાં તેઓ સૌથી મોટા હતા. માતાપિતાનું નાનપણમાં અવસાન. આરંભમાં તલાટીની નોકરી તેમણે કરેલી. પછીથી તેમની બહેન સદા વિધવા થતાં બનેવીની વડોદરાની શરાફી પેઢી તેમણે સંભાળી લીધી. તીર્થયાત્રા દરમ્યાન શ્રીનાથદ્વારા પાસેના આમધરા ગામે અવસાન. કવિએ એ જમાનાની ગામઠી વ્યવહાર પૂરતી કેળવણી લીધા બાદ સત્સંગબળે પુરાણાદિ સંસ્કૃત ગ્રંથોનો પરિચય મેળવેલો. કહેવાય છે કે સંસ્કૃત-હિન્દીનો કેટલોક અભ્યાસ બાળસ્નેહી વલ્લભવિજયજી ગોરજી મહારાજ પાસે માસરમાં તો કાવ્યશાસ્ત્રનો અભ્યાસ વડોદરામાં વલ્લભસંપ્રદાયની તેમને દીક્ષા આપનાર કાશીવાળા ગોસ્વામી પુરુષોત્તમજી મહારાજ પાસે કરેલો. તેમના પિતા તથા ૨ ભાઈઓ પણ કવિતા કરતા એમ કહેવાય છે. આમ આવા સાહિત્યિક વાતાવરણ સાથે ધાર્મિક વાતાવરણનો લાભ પણ એમને મળેલો. મથુરાના રાધાવલ્લભ-સંપ્રદાયના વડોદરામાંના મંદિરનો કારભાર આચાર્ય રંગીલલાલજી મહારાજે તેમને સોંપેલો. કવિના પુત્ર લલ્લુનું બાલવયે અને તે પછી તરત પત્ની સૂરજનું અવસાન થતાં કવિનો મોટાભાગનો સમય ભગવત્સેવા, સંતસમાગમ તથા શાસ્ત્રપુરાણનાં વચન શ્રવણ-કીર્તનાદિમાં તથા કાવ્યરચનામાં વ્યતીત થતો રહ્યો. કવિ ભક્તની એક પ્રવૃત્તિ રૂપે, પરમાર્થ માટે જાતે જ કાવ્યગ્રંથો રચી-લખીને બ્રાહ્મણોને તે આજીવિકા માટે આપતા અને પ્રસંગોપાત્ત જાતે રાગતાલમાં ગાઈ સંભળાવતા. એમની ખ્યાતિથી પ્રેરાઈ વૈકુંઠરાય નામના ગૃહસ્થે તેમને ૨ વરસ પોતાને ત્યાં રાખી રૂ. ૪૦૦નો પુરસ્કાર પણ આપેલો. આ કવિની કૃતિઓમાં સૌથી વધુ મહત્ત્વની ‘રામાયણ’  છે. ગુજરાતી પ્રજામાં અસાધારણ પ્રચાર પામેલી, અધ્યાયને નામે ઓળખાવાયેલાં ૨૯૯ કડવાં અને ૯૫૫૧ કડીની આ કૃતિ (ર.ઈ.૧૮૩૭/સં. ૧૮૯૩, માગશર વદ ૯, રવિવાર; મુ.) વાલ્મીકિરામાયણ ઉપરાંત અન્ય પૌરાણિક સામગ્રીનો પણ આધાર લે છે અને કેટલાક ફેરફારો અને ઉમેરણો પણ દર્શાવે છે. સમકાલીનતાના રંગો ધરાવતું છતાં મૂળ વ્યક્તિત્વને જરાય ન જોખમાવતું, માનવસહજ લાગણીઓથી ધબકતું પાત્રાલેખન, કવિની સવિશેષ ક્ષમતા પ્રગટ કરતું શાંત અને કરુણનું આલેખન તથા મધ્યકાલીન પરંપરાની અલંકારસમૃદ્ધિ અને વર્ણનસિદ્ધિ આ કૃતિનાં આસ્વાદ્ય અંશો છે. ગોકુળલીલા, મથુરાલીલા અને દ્વારકાલીલા એમ ૩ ખંડમાં કૃષ્ણના સમગ્ર વૃત્તાંતને નિરૂપતી ૨૧૨ અધ્યાય અને ૯૫૦૦ કડીની ‘કૃષ્ણચરિત્ર’  (ર.ઈ.૧૮૫૨/સં. ૧૯૦૮, મહા/વૈશાખ સુદ ૧૩, રવિવાર; મુ.) કવિની બીજી નોંધપાત્ર કૃતિ છે અને તે રામાયણનાં જેવાં જ શૈલીલક્ષણો ધરાવે છે. ૫૨ કડવાં અને ૧૮૪૫ કડીની ‘રાજસૂયયજ્ઞ’ (ર.ઈ.૧૮૩૧/સં. ૧૮૮૭, જેઠ સુદ ૧, શનિવાર; મુ.), ૩૨ કડવાં અને ૮૪૫ કડીની ‘પ્રહ્લાદ-આખ્યાન’ (ર.ઈ.૧૮૨૦/સં. ૧૮૭૬, ચૈત્ર સુદ ૯, ગુરુવાર; મુ.) તથા ‘પદ’નામક ૨૬ કડવાં અને ૩૭૦ કડીની ‘તુલસી-વિવાહ’ (ર.ઈ.૧૮૧૫ કે ૧૮૨૨/સં. ૧૮૭૧ કે ૧૮૭૮ અસાડ સુદ ૭, બુધવાર; મુ.) એવાં જ શૈલીલક્ષણો ધરાવતી અન્ય આખ્યાનકૃતિઓ છે. તેમાં ‘રાજસૂયયજ્ઞ’માં કવિના ઊંડા અધ્યાત્મજ્ઞાનને પ્રગટ કરતું કૃષ્ણનું વ્યક્તિચિત્રણ, ‘પ્રહ્લાદ-આખ્યાન’માં નિશાળિયા પ્રહ્લાદને મુખે ભક્તિબોધના કક્કાની ગૂંથણી અને ‘તુલસીવિવાહ’માં લગ્નોત્સવના ગુજરાતી વાતાવરણનું વીગતપ્રચુર વર્ણન ધ્યાનાર્હ બને છે. આ ઉપરાંત ગિરધરદાસની ૨૬ કડીની ‘રાધિકાવિરહના દ્વાદશમાસ’ (મુ.), સંક્ષેપમાં સમગ્ર હનુમાનચરિત્રને સમાવી લેતી ૧૬ કડીની ‘પંદરતિથિ હનુમાનની’ (મુ.), ૧૪ કડીની રાધાના રૂપની શોભા વર્ણવતી ‘ધોળ હીંચનું’, ‘અંબિકાઅષ્ટક’, ‘કાલિઅષ્ટક/મહાકાળીની સ્તુતિ’ (મુ.), ૧૮ કડીની ‘પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ’ (મુ.) તેમ જ ગરબી, ધોળ વગેરે નામોથી ઓળખાવાયેલાં પ્રેમલક્ષણા ભક્તિનાં તથા ઉપદેશાત્મક પદો ને કુંડાળિયા, ઝૂલણા, સવૈયા જેવી પ્રકીર્ણ પ્રકારની રચનાઓ મળે છે. પદો તેમ જ પ્રકીર્ણ રચનાઓનો ઘણો ભાગ હિંદીમાં છે ને એમાં વસંતનાં, હિંડોળાનાં, હોળીનાં, રામજન્મસમયનાં એમ વિવિધ વિષયનાં પદો પણ મળે છે. કવિએ હિંદી ભાષામાં ‘દાણલીલા’ (ર.ઈ.૧૮૧૮), ‘જન્માષ્ટમીનાં પદ/શ્રીકૃષ્ણજન્મવર્ણન’ (ર.ઈ.૧૮૧૮), ‘રાધાકૃષ્ણનો રાસ’ (ર.ઈ.૧૮૧૯), ‘ગ્રીષ્મઋતુની લીલા’ (ર.ઈ.૧૮૨૧) ‘નામમંત્રમુક્તાવલિ’ (ર.ઈ.૧૮૨૮), ‘જન્માષ્ટમીનો સોહેલો’, ‘નરસિંહચતુર્દશીની વધાઈ’ વગેરે કેટલીક દીર્ઘ કૃતિઓ પણ રચેલી છે. કૃતિ : ૧. (શ્રી)કૃષ્ણચરિત્ર, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ, ઈ.૧૮૯૫; ૨. કૃષ્ણચરિત્ર, પ્ર. બાજીભાઈ અમીચંદ, ઈ.૧૮૭૮; ૩. *તુલસી-વિવાહ, પ્ર. બાજીભાઈ અમીચંદ, ઈ.૧૮૮૫; ૪. પ્રહ્લાદ આખ્યાન, સં. જગજીવનદાસ દ. મોદી, સં. ૨૦૧૬; ૫. રામાયણ, પ્ર. શેઠ જમનાદાસ રૂઘનાથજી, ઈ.૧૮૭૧; ૬. એજન, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૧૯૮૧;  ૭. કાદોહન:૧; ૮. પ્રેમરસમાળા, પ્ર. બાજીભાઈ અમીચંદ ઈ.૧૮૬૬; ૯. પ્રાકામાળા : ૩, ૧૧; ૧૦ બૃકાદોહન:૪, ૬;  ૧૧. અનુગ્રહ, જાન્યુ. ૧૯૫૮ - ‘પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ’; ૧૨. હિન્દુ મિલન મંદિર, નવે. ૧૯૮૧, મે તથા જૂન ૧૯૮૨ - ‘કવિ ગિરધરકૃત ‘રાધાકૃષ્ણનો રાસ’, ‘વિનોદચંદ્ર ઓ. પુરાણી (+સં.). સંદર્ભ : ૧. કવિ ગિરધર - જીવન અને કવન, દેવદત્ત જોશી, ઈ.૧૯૮૨; ૨. ગિરધર, જગજીવનદાસ દ. મોદી, ઈ.૧૯૧૯;  ૩. ગૂહાયાદી. [દે.જો.]