ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયસુંદર વાચક

From Ekatra Wiki
Revision as of 07:02, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નયસુંદર(વાચક) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-૧૭મી સદી પૂર્વાર્ધ] : વડતપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિની પરંપરામાં પંડિત ભાનુમેરુગણિના શિષ્ય. કવિની કૃતિઓ અધિકૃત રીતે ઈ.૧૫૮૧થી ઈ.૧૬૨૯નાં રચનાવર્ષો દર્શાવે છે. પરંતુ ‘યશોનૃપ-ચોપાઈ’ના રચનાવર્ષનો કોયડો છે. “વસુધાવસુમુનિ રસ એક” એ રચના-સંવતદર્શક પંક્તિના પહેલા ત્રણમાંથી ૧ શબ્દ વધારાનો ગણવો પડે અને તેથી સં. ૧૬૧૭થી સં. ૧૬૮૭ (પોષ વદ ૧, ગુરુવાર/ઈ.૧૫૬૧થી ઈ.૧૬૩૧) સુધીનાં પાંચેક અર્થઘટનો શક્ય બને છે અને તો કવિનો કવનકાળ થોડાંક વર્ષો આગળ કે થોડાંક વર્ષો પાછળ લઈ જઈ શકાય એમ છે. કવિની કૃતિઓ ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી ઉપરાંત ઉર્દૂ ભાષા અને સાહિત્યનો કવિનો અભ્યાસ વ્યક્ત કરે છે. કવિની સૌથી મહત્ત્વની કૃતિ ‘રૂપચંદકુંવર-રાસશ્રાવણ સુધારસ-રાસ’ (ર.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, માગશર સુદ ૫, રવિવાર; મુ.)છે. રૂપચંદકુંવર અને સોહાગસુંદરીનું કાલ્પનિક, રસિક કથાનક રજૂ કરતી મુખ્યત્વે દુહા-ચોપાઈબદ્ધ ૬ ખંડ અને ૨૫૦૦ ગ્રંથાગ્રની આ કૃતિ સમસ્યાકેન્દ્રી છે. દૃષ્ટાંતકથાઓને કારણે પ્રચુર કથારસ ધરાવે છે. તથા સમસ્યા, સુભાષિત, વર્ણન, ઉખાણાં-કહેવતોનો વિનિયોગ વગેરેમાં કવિના પાંડિત્ય અને કવિકસબનો પરિચય કરાવે છે. ૧૬ પ્રસ્તાવ અને દેશી ઢાળો ઉપરાંત ચોપાઈ, દુહા, સોરઠા આદિ અન્ય છંદોની લગભગ ૨૪૦૦ કડીનો ‘નળ દમયંતી-રાસનલાયન ઉદ્ધાર-રાસ’ (ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, પોષ સુદ ૮, મંગળવાર; મુ.) માણિક્યદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય ‘નલાયન’ પર આધારિત અને તેથી મહાભારતની જૈન પરંપરાની કથાનો સમન્વય બતાવતી કૃતિ છે અને અલંકારપ્રયોજન, કાવ્યસ્પર્શવાળાં કેટલાંક ભાવચિત્રો તથા વિવિધ ભાષાનાં સુભાષિતોને કારણે ધ્યાનપાત્ર બને છે. ૨૦ ઢાળ અને ૫૧૧ કડીનો દુહા-દેશીબદ્ધ ‘સુરસુંદરીરાસ/ચોપાઈ/ચરિત્ર’ (ર.ઈ.૧૫૯૦/સં.૧૬૪૬, જેઠ સુદ ૧૩; મુ.) વિનોદમાં કહેવાયેલી ૭ કોડીએ રાજ લેવાની વાતને કારણે ૭ કોડી સાથે ત્યજી દેવામાં આવેલી સુરસુંદરીના શીલમહિમાનું કૌતુકરસિક કથાનક વર્ણવે છે. ૩૪૯ કડીનો ‘પ્રભાવતીઉદાયી રાજર્ષિઆખ્યાન-રાસ’ (ર.ઈ.૧૫૮૪/સં. ૧૬૪૦, આસો સુદ ૫, બુધવાર), વિજયશેઠ-વિજયાશેઠાણીની કથા વર્ણવતો ૧૧૭ કડીનો ‘શીલશિક્ષા/શીલરક્ષા પ્રકાશ-રાસ’(ર. ઈ.૧૬૧૩/સં.૧૬૬૯ ભાદરવા-), ૭૫૦ ગ્રંથાગ્રની ‘યશોેધરનૃપ-ચોપાઈ’ તથા ૨૨૫ કડીનો ‘થાવચ્ચા-પુત્ર-રાસ’ એ કવિની અન્ય રાસકૃતિઓ છે. નયસુંદરે ૨ ઐતિહાસિક તીર્થરાસ પણ રચેલા છે. તેમાંથી ૧૨ ઢાળ અને આશરે ૧૨૫ કડીનો શત્રુંજ્યતીર્થના કુલ ૧૬ ઉદ્ધારની અને અંતિમ ભાવિ ઉદ્ધારની કથા કહેતો ‘વિમલગિરિ/શત્રુંજ્ય/સિદ્ધાચલ ઉદ્ધાર-રાસ/ઢાલ/સ્તવન’ (ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮, આસો સુદ ૧૩, મંગળવાર; મુ.) બહુધા માહિતીપૂર્ણ અને કવચિત્ વર્ણનાત્મક છે. ૧૩ ઢાળનો, ૧૮૪ કડીનો ગિરનારતીર્થોદ્ધારમ-હિમાપ્રબંધ-રાસ’ (મુ.) ગિરનારતીર્થોદ્ધારની માહિતીને અન્વયે કસોટીમાંથી પાર ઊતરીને નેમિનાથના દર્શનની ટેક પાળનાર રામ શેઠની કથા વણી લે છે. ૧૩૨ કડીનો ‘શંખેશ્વર પાર્શ્વનાથ-છંદ/સ્તવન’ (ર.ઈ.૧૬૦૦/સં.૧૬૫૬, આસો વદ ૯, મંગળવાર; મુ.), અનેક પાર્શ્વનાથ તીર્થોનાં નામોની યાદી કરીને એમનું મહિમાવર્ણન કરે છે, અને પાર્શ્વનાથને આર્દ્ર ભાવે વિનંતિ કરે છે. પૂર્વછાયા ઉપરાંત અડયલ, પ્રમાણિકા, મુક્તિદામ વગેરે છંદો તથા ઝડઝમકભરી ચારણી શૈલીને કારણે કાવ્ય પ્રભાવક બનેલું છે. કવિની અન્ય કૃતિઓમાં ૮ ઢાળ અને ૮૩ કડીની ‘આત્મપ્રબોધ/આત્મપ્રતિબોધ-કુલક-સઝાય/જુહારમિત્ર-સઝાય’(મુ.) સંકટ સમયે આત્માને નિત્ય મિત્રસમો દેહ અને પર્વમિત્ર સમાં સ્વજનો કામ ન આવતાં જુહારમિત્ર જેવો ધર્મ કામ આવે છે તે બતાવતી રૂપકાત્મક કથા આલેખે છે. ૧૯ કડીની ‘કોશાની ચંદ્ર પ્રત્યે વિનતિ’(મુ.) સ્થૂલિભદ્રને સંદેશા રૂપે કોશાની વિરહવેદના વર્ણવે છે. આ ઉપરાંત કવિએ ૩૫ કડીનું ‘સીમંધર જિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯), ૬૪ કડીનું ‘શાંતિનાથ-સ્તવન’, ૧૭ કડીનું ‘સીમંધરવિનતિ-સ્તવન’, ૧૬ કડીનું ‘નવસિદ્ધ-સ્તવન’, સ્થૂલિભદ્ર-એકવીસો/સઝાય’, ‘પ્રભાવતી-સઝાય’, ‘નેમિનાથ-ધવલ’, ‘નાટારંભપ્રબંધબદ્ધગીતકાવ્ય’, ચૈત્યવંદન વગેરે કૃતિઓ રચેલી છે. આ કવિએ સંસ્કૃતમાં ‘સારસ્વતવ્યાકરણ’ ઉપર ‘રૂપરત્નમાલા’ નામે સંસ્કૃત ટીકા રચેલી હોવાની માહિતી મળે છે. કૃતિ : ૧. ગિરનાર ઉદ્ધારરાસ, સં. મોહનલાલ દ. દેશાઈ ઈ.૧૯૨૦; ૨. આકામહોદધિ : ૩, ૬; ૩. જિસ્તકાસંદોહ : ૧; ૪. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ, સં. શાર્લોટે ક્રાઉઝે, ઈ.૧૯૫૧; ૫. શત્રુંજ્યઉદ્ધાર, પ્ર. લાલચંદ છ. શાહ, ઈ.૧૯૧૨; ૬. શત્રુંજ્યતીર્થમાલારાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણક, ઈ.૧૯૨૩; ૭. શત્રુંજ્યનો ઉદ્ધારાદિક સંગ્રહ, પ્ર. મોતીલાલ ન. કાપડિયા, ઈ.૧૯૩૫;  ૮. જૈનયુગ, જેઠ ૧૯૮૨-‘કોશ્યાની ચંદ્ર પ્રત્યે વિનતિ’. સંદર્ભ : ૧. કવિ નયસુંદર, વાડીલાલ જી. ચોક્સી, ઈ.૧૯૮૧;  ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. નળ દમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકારૂપરંપરા;  ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૯. જૈહાપ્રોસ્ટા; ૧૦. ડિકેટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. રાહસૂચી : ૧, ૧૩. લીંહસૂચી; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]