નવલકથાપરિચયકોશ/નાઈટમૅર
‘નાઈટમેર’ : સરોજ પાઠક
(‘નાઈટમેર’, પ્ર. આ. ૧૯૬૯, (પુનર્મુદ્રણ : ૧૯૮૧, ૧૯૮૪, ૧૯૮૯, ૧૯૯૭) સર્જક પરિચય : વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર સરોજ પાઠકનો જન્મ (જન્મ : ૦૧-૦૬-૧૯૨૯ મૃત્યુ : ૧૬-૦૪-૧૯૮૯) જખઉ, કચ્છમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં. ઈ. ૧૯૫૦માં સર્જક રમણલાલ પાઠક સાથે લગ્ન. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાંથી બી.એ. (ઈ. ૧૯૬૧) અને ગુજરાતી વિષય સાથે એમ.એ. (ઈ. ૧૯૬૪). ૧૯૫૬-૫૭માં આકાશવાણી સાથે અને ૧૯૫૭-૫૮માં સોવિયેટ ઇન્ફર્મેશન સર્વિસ સાથે સંલગ્ન. ઈ. ૧૯૬૪થી બારડોલી કૉલેજમાં અધ્યાપક. બારડોલીમાં અવસાન. ‘પ્રેમ ઘટા ઝૂક આઈ’, ‘પ્રીત બંધાણી’ (પતિ રમણલાલ પાઠક સાથે), ‘તથાસ્તુ’, ‘મારો અસબાબ મારો રાગ’, ‘વિરાટ ટપકું’, ‘હુકમનો એક્કો’, ‘હું જીવું છું’ (વાર્તાસંગ્રહો); ‘નાઈટમેર’, ‘ઉપનાયક’, ‘નિઃશેષ’, ‘પ્રિય પૂનમ’, ‘લિખિતંગ’, ‘ટાઈમબોમ્બ’, ‘વન્સમોર’ (નવલકથાઓ); ‘અહલ્યાથી એલિઝાબેથ’ (એકોક્તિસંચય), ‘કર્ટનકૉલ’ (વિવેચન), ‘સાંસારિકા’, ‘અર્વાચીના’ (નિબંધ સંગ્રહો) અને ‘પ્રતિપદા’ (અનુવાદ) તેમની પાસેથી મળે છે. ‘પ્રેમ ઘટા ઝૂક આઈ’ને મુંબઈ સરકાર દ્વારા પારિતોષિક. ‘નાઈટમેર’ ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત. કૃતિ પરિચય : ઈ. ૧૯૬૯માં પ્રગટ થયેલી ‘નાઈટમેર’માં ૨૨ પ્રકરણ છે. ૧૯૬ પૃષ્ઠ ધરાવતી આ કૃતિ સર્જકે ઇન્દુભાઈ અને રમાબેનને અર્પણ કરી છે. સંજોગવશાત્ નિયતિનાં લગ્ન પ્રેમી સાર્થના મોટાભાઈ અનન્ય સાથે થાય છે. માતા-પિતાના અવસાન બાદ માસા-માસીના આશ્રયે મોટી થયેલી નિયતિ આ નિર્ણયનો વિરોધ કરી શકતી નથી. નિયતિના લગ્નના છ માસમાં જ અનન્યના પિતાનું અવસાન થાય છે અને વિધવા ફોઈ ગામ પાછાં જતાં રહે છે. નાનકડા ઘરમાં પાર્ટીશનની બીજી બાજુ સાર્થ અને આ બાજુ નિયતિ અને અનન્ય રહે છે. કૃતિનો આરંભ લગ્નનાં આરંભિક ત્રણ વર્ષ પછીની એક નાની ઘટનાથી થાય છે. સાર્થ જમ્યા વિના ઑફિસ જવા નીકળી જાય છે એ વાતે નિયતિ મનોમન અકળાય છે ત્યાંથી આરંભ થાય છે. કૃતિના અંતે સાર્થથી દૂર સગર્ભા નિયતિ અને અનન્ય સાથે રહેવાનો નિર્ણય લે છે. સર્જકે નિયતિ અને અનન્યના મનોગતને માનસશાસ્ત્રીય રીતે આલેખ્યાં છે. કૃતિના કેન્દ્રમાં નિયતિ છે. ઘટનાઓની બહુલતાના સ્થાને સર્જક મધ્યમવર્ગીય નોકરિયાત ગૃહિણીના જીવનમાં બનતી સાવ સાધારણ ઘટનાઓને આધારે નિયતિના ચિત્તમાં ઊઠતા વમળોને આલેખે છે. પ્રસંગોની રીતે જોઈએ તો, માંડ બે-ત્રણ પ્રસંગો જ બને છે. એક, નિયતિના અનન્ય સાથે થતાં લગ્ન. જે મુખ્ય બનાવ કૃતિના આરંભનાં ત્રણ વર્ષ પહેલાં બની ગયો છે. જેનાં વમળો હજુ શમ્યાં નથી. બીજો બનાવ તે નિયતિના સહકર્મચારીઓનું ઘરે આવવું અને અનન્યની ગેરહાજરીમાં સાર્થને નિયતિનો પતિ માની લેવો. આ અંગે સાર્થ કે નિયતિ બંનેમાંથી કોઈ પણ કશો ખુલાસો કરતાં નથી. તેથી જ નિયતિને મેડિકલ સ્ટોર પાસે અનન્ય સાથે જોઈ સોહિણી કંઈક જુદું જ સમજે છે. સોહિણી સાર્થને સીમા સાથે ફરતાં જુએ છે. ત્રીજો પ્રસંગ લગ્નની પ્રથમ રાત્રે નિયતિએ કરેલી અવહેલનાથી સતત તેનાથી ડરતા અનન્યનો છે. ત્રણ વર્ષથી આ તંગ પરિસ્થિતિમાં જીવતો અનન્ય સામે ચાલીને નોકરીમાં (ત્રણ મહિના માટે) જુદા સ્થળે બદલી માંગે છે. નિયતિ સામે સહજ ન થઈ શકતો અનન્ય સહકર્મચારી બાદલની બીમાર બહેન સોના તરફ મનોમન આકર્ષાય છે. ચોથો પ્રસંગ નિયતિની સહકર્મચારી શ્વેતાના નાટકના રિહર્સલનો છે અને પાંચમો અગત્યનો પ્રસંગ પોતે સગર્ભા છે એ જાણી નિયતિ જે પ્રચંડ માનસિક તાણ (તેમાં ગર્ભપાત સુધીના વિચારો) અનુભવે છે અને સોહિણી સાથે વાત કરે છે તે છે. નિયતિનું પાત્ર સર્જકે માનસશાસ્ત્રીય રીતિએ આલેખ્યું છે. સાર્થ પ્રત્યેનો સ્નેહ અનન્ય સાથે લગ્ન બાદ રોષ, ક્રોધનું રૂપ ધારણ કરે છે. લગ્નના બીજા જ દિવસથી બની ગયેલ બનાવને સ્વીકારી લેવા નિયતિ મથે છે. આનંદનો અભિનય કરતી નિયતિ ઈડ અને અધિ-અહમ્ વચ્ચે ભીંસાતી નાયિકા છે. એટલે જ સાર્થની અવગણના કરતી નિયતિ મનોમન સાર્થને ધમકાવી નાંખે, તે દિયર છે એ વાતનો ખુલાસો જ ના કરે, સાર્થના લગ્નની વાતે અકળાઈ જાય. બીજી બાજુ અનન્ય ઓશિયાળો થઈ જીવે એ જીરવી ન શકે. પોતે તેની સાથે ખુશ છે એવી વાતો ઑફિસમાં કરે. તેણે મનોમન કંડારેલી પતિની પ્રતિમા સાથે અનન્યનો મેળ ન બેસતો જોઈ દુઃખી થાય. અનન્ય ત્રણ મહિના માટે બદલી લે એ વાતે હતાશ થવા છતાં જલદી નમતું ન મૂકે. નિયતિના પાત્રની આ સંકુલતા ઉજાગર કરવા દિવાસ્વપ્ન, સ્વગતોક્તિ જેવી પ્રયુક્તિઓ સર્જકે ખપમાં લીધી છે. સાથે જ અનન્યના વર્તન અને સાર્થના મૌન વડે નિયતિના મનોજગતમાં ઊઠતાં સંચલનો સર્જક દર્શાવે છે. અનન્ય કંઈક અંશે અપરાધબોધ અને સહિષ્ણુ, ઉદાર અને ભીરુ, વાસ્તવિકતાથી ભાગવા દિવાસ્વપ્ન, છળસ્વપ્નમાં સરી જતો નાયક છે. નિયતિની અક્કડતાથી દબાતો અનન્ય મનોમન સોનાનો સહવાસ ઝંખે છે. તે નિયતિના સહકર્મચારીઓને મળવાનું ટાળવા માટે એ દિવસે બાદલના ઘરે જતો રહે છે. સોનાના લગ્ન સાર્થ સાથે કરાવવા ઇચ્છે છે. પોતાની સાથે બાદલની પણ બદલી થાય અને બાદલ-સોના સાથે રહી શકાય એમ ઇચ્છે છે પરંતુ સોનાની માંદગી વધી જાય છે. અનન્ય દગાખોર કે લંપટ નથી. માત્ર પરિસ્થિતિથી ત્રસ્ત થઈ ભાગવા મથતો પુરુષ છે. ‘નિન્ની’ એ સંબોધનમાં તેનો નિયતિ માટેનો લગાવ જોઈ શકાય છે. સાર્થના પાત્રના આલેખનમાં સર્જકની સૂઝ અનુભવાય. આખી કૃતિમાં સાર્થનો એકપણ સંવાદ જોવા મળતો નથી. તેની ચેષ્ટાઓ જ આલેખી છે. સિગારેટ ફૂંકવી, નિયતિ સામે જોવાનું પણ ટાળવું, બને ત્યાં સુધી ઘરની બહાર રહેવું, સીમા જેવી યુવતીઓનો સહવાસ ઝંખવો-આદિ ક્રિયાઓમાં સાર્થનો અપરાધબોધ અનુભવી શકાય. સાર્થ અને સોના બંને પાત્રોનું વજનદાર મૌન અને તેની સમાંતરે પરેશના નિરર્થક વાર્તાલાપ, હાસ્ય પડખેની ઊંડી ઉદાસી, નિયતિ અને અનન્યની સ્વગતોક્તિઓ, દિવાસ્વપ્નો, સોહિણીની સમય પ્રમાણે બદલાતી ભાષા, શ્વેતાના ભોંઠપ છુપાવવાના પ્રયાસો - સર્જક મધ્યમવર્ગીય શહેરી સ્ત્રી-પુરુષોના માનસને તંતોતંત ભાષા અને પ્રયુક્તિઓ વડે ઉપસાવે છે. પરેશ, સોહિણી, શ્વેતા, સીમા, નાટકનો દિગ્દર્શક જેવાં ગૌણ પાત્રો પણ કાળજીપૂર્વક આલેખાયાં છે. કૃતિના આરંભે સરળ જણાતી સોહિણી જે કુશળતાથી પરેશને શ્વેતા બાજુ ધકેલી અંજુબેનના સહારે આફ્રિકા જવાની પેરવી કરે છે તે મધ્યમવર્ગીય મહત્ત્વાકાંક્ષી શહેરી યુવતીના માનસને દર્શાવે છે. નાટકના રિહર્સલનું દૃશ્ય કંઈક અંશે લાંબું હોવા છતાં નિયતિના આંતર જગતને ઉજાગર કરવામાં અગત્યનું બને છે. લગ્નના ત્રણ વર્ષના અનુભવે અનન્ય વિચારે છે, ‘લગ્ન પછીનાં સતત ત્રણ વર્ષ તેણે દોડ્યા કરવું પડ્યું છે. પાછળથી ચાબૂકના ફટકા પડ્યા જ કરે છે. તોફાની ઘોડો ભડકી ન ઊઠે તે માટે જાણે તેના પગમાં વજન છે ને આંખ પર દાબડા છે.’ નાટકના રિહર્સલ પછી નિયતિના મનોજગતને આલેખતાં સર્જક લખે છે, ‘તે એટલું જ જબરજસ્તી કરીને યાદ રાખવા માંગતી હતી કે જીવન એ કંઈ નાટક નથી. પોતે એક સાવ સામાન્ય સ્ત્રી છે.’ ત્રણેય પાત્રો એક જ ઘરમાં જે યાંત્રિકતાથી જીવતાં તેનું વર્ણન સર્જક આ શબ્દોમાં કરે છે, ‘જાણે એક મધ્યમવર્ગની વ્યવસ્થિત હોટલમાં આવીને બધાં પોતપોતાને સમયે જમતાં-ન જમતાં, વાત કરતાં-ન કરતાં, ઔપચારિક બેસતાં-ન બેસતાં ને સૂઈ જતાં.’ સર્જકની ભાષા વિશે સુમન શાહ ‘નિયતિનું નાઈટમેર’ નામના લેખમાં લખે છે, “સ્પષ્ટરેખ વ્યક્તિત્વ ધરાવતાં પાત્રોની મનોસૃષ્ટિઓને નિરૂપતી આ રચનામાં લેખિકા ભાષા અંગે ખૂબ સરળ રહ્યાં છે. ભાષાનો ધોધ વહે છે છતાં શબ્દાળુતા આ રચનામાં એમની મર્યાદા નથી બની. સીધા વેધક અર્થો આપનારી ભાષા વ્યંજનાપૂર્ણ નથી છતાં, એ સીધાપણું ગૂંચોથી ગૂંચવાતી રહેતી એક સંકુલ સૃષ્ટિનું છે.” ચંદ્રકાંત મહેતા ‘ત્રણ પાત્રોનું દુઃસ્વપ્ન’ લેખમાં લખે છે, “ચેતનાપ્રવાહની શૈલીમાં કથાયેલી આ કથા માત્ર ‘નાઈટમેર’નું ચિત્રણ કરતી નથી, પણ મનઃસૃષ્ટિનું યથાર્થ ચિત્રણ કરીને મનોવૈજ્ઞાનિક કથા પણ રસપ્રદ બની શકે છે તે દર્શાવે છે.” પાત્રોના આંતરજગતમાં ચાલતી ઊથલ-પાથલનું માનસશાસ્ત્રીય રીતિએ થયેલું નિરૂપણ, મધ્યમવર્ગીય શહેરી નોકરિયાત યુવતીનાં સ્વપ્નો અને મહત્ત્વાકાંક્ષાઓ, સ્ત્રી-પુરુષ સંબંધનું મનોવૈજ્ઞાનિક ઢબે થયેલું ચિત્રણ, નાટક, સ્વગતોક્તિઓ, દિવાસ્વપ્ન જેવી વિષયને અનુરૂપ પ્રયુક્તિઓનો સુરેખ વિનિયોગ, પ્રસંગોના લીધે ઊઠતાં વમળો – ખાસ તો, પ્રસંગોનું રૈખિક નહીં પણ સાઈકોલોજીકલ ક્રમે થયેલું નિરૂપણ અને અંતે નિયતિ અને અનન્યની આકરી તાવણી પછી થતું મિલન – આ બધી વિશેષતાઓને લીધે ‘નાઈટમેર’ નિઃશંકપણે ગુજરાતીની મહત્ત્વની નવલકથા બની રહે છે.
હીરેન્દ્ર પંડ્યા
નવલકથાકાર, વિવેચક
આસિસ્ટન્ટ પ્રોફેસર
આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, વડનગર
Email: hirendrapandya@gmail.com