ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/સર્જક-પરિચય
અત્યારે લખતા ગુજરાતી ભાષાના સજ્જ અને સભાન કવિ ઉદયન ઠક્કરનો જન્મ ૨૮-૧૦-૧૯૫૫ના રોજ મુંબઈમાં થયો. મુંબઈમાં જ ઉછેર, અભ્યાસ અને વ્યવસાય. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કોસ્ટ એકાઉન્ટન્ટ છે. એમણે પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે થોડાં કાવ્યો લખેલાં. એમના કાવ્યસંગ્રહોમાં ‘એકાવન’ (૧૯૮૭), ‘સેલ્લારા’ (૨૦૦૩) અને ‘રાવણહથ્થો’ (૨૦૨૨) મુખ્ય છે.
નિજ મુદ્રાથી અંકિત એમની કવિતા એમની સર્જકતાનો સાચો પરિચય છે. ગીત, ગઝલ, મુક્ત પદ્ય, છંદોબદ્ધ, અછાંદસ ઉપરાંત દુહા-સોરઠામાં પણ કાવ્યસર્જન કરતા આ કવિની રચનારીતિ, વિષયની તાજગી, અનુભૂતિની અભિવ્યક્તિ અને કાવ્યપ્રયુક્તિઓનો યથોચિત વિનિયોગ તેમને ‘ખરા’ અને ‘જુદા’ કવિની ઓળખ અપાવે છે. સહજતા, સજ્જતા અને સભાનતા એમની સર્જકતાના આગવા ગુણ છે.
કાવ્ય/સાહિત્યની સમીક્ષાનાં પણ એમણે સાતેક પુસ્તકો આપ્યાં છે. સમીક્ષાની એમની મુક્ત શૈલી મુખ્યત્વે આસ્વાદલક્ષી અને થોડી હળવાશભરી હોવા છતાં ભારતીય અને વૈશ્વિક સંદર્ભોથી રસિત છે. સમીક્ષામાં જોવા મળતાં નિજ નિરીક્ષણો એમને પરંપરિત મૂલ્યાંકનકારોથી જુદા આલેખે છે. નોખી અને નવી શૈલીના આ સમીક્ષક વર્તમાનપત્રમાં ‘વિન્ડો સીટ’ નામે કટાર પણ લખે છે.
દેશ વિદેશમાં અનેક કાવ્યપાઠ કરનારા આ કવિની સર્જકતા વિવિધ સન્માનોથી પુરસ્કૃત થઈ છે. જયંત પાઠક, ઉશનસ્, રમેશ પારેખ, કલાપી, હરીન્દ્ર દવે, નરસિંહ મહેતા જેવા સમર્થ સર્જકોનાં નામ સાથે જોડાયેલાં પુરસ્કારો, સન્માનો, પારિતોષિકો આ સર્જકને પ્રાપ્ત થયાં છે. NCERT રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર આ સર્જકને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમીએ પણ પોંખ્યા છે. એમની કવિતાનાં અંગ્રેજી અને જાપાનીઝ અનુવાદનાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેઓ Poetryindia.comના તંત્રી છે.
–ગુણવંત વ્યાસ