સોનાની દ્વારિકા/ઓગણત્રીસ

From Ekatra Wiki
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઓગણત્રીસ

સખપરથી વઢવાણના રસ્તે આવેલા મહિલા વિકાસ વિદ્યામંદિરમાં સોપો પડી ગયો. પટાવાળાથી માંડીને શિક્ષકો, કાર્યકરો બધાં જ વિચારે ચડી ગયાં કે હવે શું કરવું? થોડી વારમાં વાત ફેલાઈ ગઈ કે અમદાવાદથી બદલી થઈને આવેલા નવા શાળાધિકારી પાન્ડોરાસાહેબ અચાનક જ સંસ્થાની વિઝિટે આવ્યા છે! પાન્ડોરાસાહેબ વિશે એવું સાંભળેલું કે બહુ કડક છે. ભલભલા આચાર્યો પણ એમનાથી ફફડે છે. તકલીફ બીજી તો કંઈ નહીં, પણ મંડળનાં નિયામક વીરબાળાબહેન આજે અમદાવાદ ગયાં છે અને આ સાહેબ આવ્યા છે! આચાર્યા ચારુબહેન આમ તો બધું સંભાળી જ લે. પણ, આ સાહેબનો કડપ જ એવો છે કે ન હોય ત્યાંથી પ્રશ્નો ઊભા કરે! ચારુબહેન સામે ચાલીને એમનું સ્વાગત કરવા ગયાં તો પાન્ડોરાસાહેબે સીધું જ છાંછિયું કર્યું. ‘કેમ કંઈ ભણાવવા-કરવાનું નથી તે આમ સીધાં દોડ્યાં આવો છો?’ ‘સાહેબ! વર્ગો તો ચાલે જ છે. પણ આપનું આગમન થયું છે તો સ્વાગત કરવા તો આવવું પડે ને?’ ચારુબહેને સહેજ હસીને વાતાવરણ હળવું કરવાનો પ્રયત્ન કર્યો. પાન્ડોરાસાહેબ તો સીધા જ વીરબાળાબહેનના રૂમમાં ધસી ગયા અને જઈને બહેનની ખુરશીમાં બેસી ગયા. ચારુબહેનને એમનું આ રીતનું વર્તન સહેજ અજુગતું લાગ્યું, પણ કરે શું? શાળાધિકારી સામે જીભાજોડી કરવાનું યોગ્ય ન લાગ્યું. સેવિકા બહેન આવીને પાણી આપી ગયાં. સામેની ખુરશીમાં ચારુબહેન બેસવા ગયાં તો સાહેબનો મિજાજ છટક્યો! ‘મેં તમને બેસવાનું કહ્યું? તમને કોઈએ વિવેક શિખવાડ્યો લાગતો નથી!’ એક સંસ્થાનાં આચાર્યા સાથે આવી રીતે વાત થઈ શકે? ચારુબહેન પૂતળાની જેમ ઊભાં થઈ રહ્યાં એટલે સાહેબે વિજયસ્મિત ફરકાવ્યું! પછી કહે કે— ‘નિયામક કેમ હાજર નથી?’ ‘સાહેબ એ તો સંસ્થાના કામે અમદાવાદ ગયાં છે!’ ‘સંસ્થા અહીં ને કામ અમદાવાદ? એવું કેવું કામ?’ ‘ટ્રસ્ટીઓની સાથે કંઈ ડોનેશન માટે ગયાં છે..!’ ‘એ તો બધાં બહાનાં! અસલ કામ તો બીજું કંઈ હશે! એ કંઈ બધું તમને કહીને થોડાં જાય? એમ બધું ડોનેશન મળી જતું હોય તો સરકારી ગ્રાન્ટ લેવાની શી જરૂર?’ એમ કહીને ખંધુ હાસ્ય ફેલાવ્યું. હવે ચારુબહેનથી ન રહેવાયું. એમનો અવાજ સહેજ મક્કમતા તરફ ગયો.. ‘સાહેબ! આપ વિઝિટે આવ્યા એનો આનંદ છે. હું આ સંસ્થાની આચાર્યા છું. આપ જે ચાહો તે દફતર જોઈ શકો છો. એ બાબતમાં બહેન ન હોય તોય કોઈ ફેર પડવાનો નથી.’ ‘કેટલી સંખ્યા છે?’ ‘કોની? વિદ્યાર્થિનીઓની કે શિક્ષકોની?’ સાહેબના મનમાં તો આવી ગયું કે ‘વિદ્યાર્થિનીઓની’ પણ પછી એ ઠીક ન લાગ્યું એટલે કહે કે, ‘બંનેની! સરકારી ચોપડે ન હોય એવી કેટલી શિક્ષિકાઓ?’ ‘વિદ્યાર્થિનીઓ બસો સાઈઠ. શિક્ષિકાઓ બાર.’ સાહેબે પોતાના શર્ટનું ઉપલું બટન ઉઘાડીને ચાર આંગળા અંદર નાંખીને છાતી ખજવાળી. પછી કહે, ‘ત્રીજો જવાબ આપ્યો નહીં!’ ચારુબહેન જરા રુક્ષ થઈને બોલ્યાં, ‘રજિસ્ટર પર ન હોય એવા કોઈ શિક્ષકો નથી.’ ‘એ તો તમારો ઓફિસિયલ જવાબ થયો. અનઓફિસિયલ શું છે?’ ‘અહીં જે કંઈ છે, ઓફિસિયલ જ છે! સાહેબ!’ ‘પી. ટી. સી. ની માન્યતાનો કાગળ લાવો! કોણે તમને માન્યતા આપી?’ ચારુબહેને અવાજ ન થાય એમ લોખંડનો કબાટ ખોલ્યો, બધી ફાઈલો આમતેમ કરી. છેક નીચેની ફાઈલમાંથી કાગળ કાઢ્યો અને સાહેબને આપવા જતાં હતાં ત્યાં તો પાન્ડોરાસાહેબ બોલ્યા, ‘રહેવા દો! હવે એની જરૂર નથી.’ તો પછી શા માટે આટલી મહેનત કરાવી? એવું વિચારતાં ચારુબહેને કદાચ પ્રથમ વાર સાહેબ સામે ધારીને જોયું. સાહેબે આકાશી રંગનું શર્ટ અને કાળું પેન્ટ પહેર્યું હતું. આંગળીમાં ડગળા જેવી વીંટી અને સોનાના પટ્ટે ઘડિયાળ! આંટીએ વળેલા એમના બંને પગ હલતા હતા. ટેબલ પર પડેલા, ગોળ દડા જેવા બે પેપરવેટ ઉપર બંને હાથ ફેરવતા હતા. એમના હાથની મુદ્રા જોઈને ચારુબહેનને થયું કે આ માણસ અહીંથી જાય તો સારું! એમને યાદ આવી ગયા પદુદાદા! પરશુરામ દુર્ગાશંકર ભટ્ટ. થોડો વખત થયો નિવૃત્ત થયાને. આ પાન્ડોરાસાહેબ આવ્યા પહેલાં એ અહીંના શાળાધિકારી હતા. કોઈ એમને સાહેબ ન કહે. પદુદાદા જ કહે. સફેદ ઝભ્ભો-લેંઘો, કાળી બંડી, ગોળ કાચનાં ચશ્માં, તેલ નાંખીને વ્યવસ્થિત ઓળેલું માથું. ડાબા કાંડે અંદરની બાજુ કાળા પટ્ટાની સાદી ઘડિયાળ. કંઈ પણ વાત કરે તો એમ થાય કે દાદા બોલ્યા જ કરે ને આપણે એમને સાંભળ્યા જ કરીએ! એમની વાતચીતમાં વચ્ચે વચ્ચે અંગ્રેજી અને સંસ્કૃતના સંદર્ભો આવ્યા કરે. ખોટી દોડાદોડી કે ઉતાવળ નહીં. જ્યાં ઈન્સ્પેક્શન કરવા જાય ત્યાં પૂરતો સમય આપે. શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે. વાતાવરણમાં ભળી જાય. પછી કહેવા જેવું હોય તે માર્મિક રીતે કહી દે. લખાપટ્ટી ઓછી. પદુદાદા નિવૃત્ત થયા પછી ઘણો સમય આ જગ્યા ખાલી રહેલી. એક ક્ષણ તો ચારુબહેનને થઈ આવ્યું કે ‘વીરબાળાબહેન આવે ત્યારે પધારજો’ એવું સ્પષ્ટ કહી દે! પણ એમની જીભ ઊપડી નહીં. થોડી વાર મૌન છવાયું જે ધીરે ધીરે કરતાં એટલું બધું વજનદાર થઈ ગયું કે પાન્ડોરાસાહેબ પોતે જ સહન ન કરી શક્યા અને ઊભા થઈ ગયા. કહે કે- ‘એમ કરીએ... નિયામક હાજર હોય ત્યારે આવીશું. પોતે બહાર નીકળ્યા કે તરત જ એમની સાથેના માણસે ડ્રાયવરને ઈશારો કર્યો. ડ્રાયવર લીમડા નીચેના ઓટલે બેઠો હતો ત્યાંથી એકદમ ઊભો થયો. સાહેબ ગોઠવાયા અને જીપ ઝાંપાની બહાર નીકળી. ચારુબહેને ‘હાશ’નો અનુભવ કર્યો. મોડી રાત્રે વીરબાળાબહેન આવ્યાં ત્યારે સંસ્થામાં એક માત્ર ચોકીદાર જાગતો હતો. વીરબાળાબહેન ક્વાર્ટરમાં ગયાં. થોડી વાર થઈ હશે ત્યાં એમના બારણે ટકોરા પડ્યા. બારણું ખોલ્યું તો સામે ચારુબહેન! ‘ચારુ, કેમ અત્યારે?’ ચારુબહેન થોડી વાર કંઈ બોલી શક્યાં જ નહીં. પછી હળવે હળવે વાત માંડી ને જે બન્યું હતું તે બધું જ અક્ષરેઅક્ષર કહી સંભળાવ્યું. કહેતાં કહેતાં બેએક વખત તો એમની આંખો ચૂઈ પડી. વાત સાંભળીને વીરબાળાબહેને ખાદીની સાડીનો છેડો કમરમાં ખોસતાં ચારુબહેનને ધમકાવ્યાં, ‘હજી તો હું છું તોય તમે આવાં પલપલિયાં પાડો છો? તો ભવિષ્યમાં આ બધી ગાય જેવી દીકરીઓની શું સંભાળ રાખશો? એક વાત સમજી લો, જો આપણે સાચા હોઈએ તો કોઈથી ક્યારેય ડરવાનું નહીં! એકલું પ્રાર્થનામાં જ ગાયા કરીએ “અભય સ્વદેશી સ્વાદત્યાગ....” એનો શું અર્થ? જાવ જઈને નિરાંતે સૂઈ જાવ! સવારની વાત સવારે...’ સવારે કોયલના ટહુકારે વીરબાળાબહેન જાગ્યાં ત્યારે હોસ્ટેલની બધી બહેનોએ સફાઈકામ પૂર્ણ કરી દીધું હતું. બધાં નાસ્તાની દિશામાં જઈ રહ્યાં હતાં. સમયપત્રક મુજબ પ્રાર્થના પૂરી થઈ અને સહુ સહુના વર્ગમાં ગયાં. બે- ત્રણ દિવસ બધું રાબેતા મુજબ ચાલ્યું. એક દિવસ સેવિકા બહેને આવીને બપોરની ટપાલનો થોકડો ટેબલ પર મૂક્યો. વીરબાળાબહેન એક પછી એક ટપાલ જોતાં હતાં ત્યાં એમની નજર એક ખાખી કવર ઉપર પડી. સિક્કા પરથી ખબર પડી કે શાળાધિકારીની કચેરીમાંથી આવ્યું હતું. જોયું તો એમાં શાળાધિકારીની વિઝિટનો અહેવાલ હતો અને ૧૫મીએ સાહેબ ફરી પાછા સઘનસમીક્ષા માટે આવી રહ્યા છે તેની જાણ સાથે નિયામકને હાજર રહેવા ખાસ જણાવ્યું હતું. સાંજે ટાઉનહોલમાં, શહેરની બધી શાળાઓમાંથી વિજેતા બનેલાં વિદ્યાર્થીઓની આખરી વક્તૃત્વસ્પર્ધા હતી, જેમાં પાન્ડોરાસાહેબ પ્રમુખસ્થાને હતા અને વીરબાળાબહેન અતિથિવિશેષ હતાં એટલે બહેનના મનમાં હતું કે ચાલો આ બહાને એમનો પરિચય પણ થઈ જશે. વીરબાળાબહેન ટાઉનહોલ પહોંચ્યાં ત્યારે કેટલાક શિક્ષકો સ્વાગત કરવા દરવાજે ઊભા હતા. વીરબાળાબહેન પણ ત્યાં ઊભાં રહ્યાં. થોડી વારે પાન્ડોરાસાહેબની જીપ આવી. વીરબાળાબહેને સામેથી પરિચય કેળવ્યો. કહ્યું કે— ‘સાહેબ! આપ સંસ્થાની વિઝીટે આવ્યા ત્યારે હું અમદાવાદ ગયેલી એટલે મળવાનું થયું નહોતું. પણ હવે એકાદ વખત સમય મેળવીને આપ જરૂર પધારો!’ કાર્યક્રમ પતી ગયા પછી, બહાર નીકળતી વખતે પાન્ડોરાસાહેબ ઉત્સાહથી વીરબાળાબહેન પાસે આવીને કહે, ‘બેસી જાવ મારી મોટરમાં! મૂકી જાઉં તમને!’ ‘ના રે ના! આ ક્યાં આઘું છે? હું તો મારે ચાલી જઈશ! એ બહાને એટલું ચાલવાનું થશે! આભાર આપનો સાહેબ!’ પાન્ડોરાસાહેબે વીરબાળાબહેનને ફરી આગ્રહ કર્યો, એમનું ચાલ્યું હોત તો કદાચ બાવડું ઝાલીને જ બેસાડી દીધાં હોત...! ‘અરે! કહું છું આવી જાવ.... આવી જાવ... આપણી મોટરમાં!’ ‘ના સાહેબ ના. આપ જાવ! એમ મારાથી સરકારી વાહનનો ઉપયોગ ન થાય....’ જરા ભોંઠા પડ્યા હોય એમ પાન્ડોરાસાહેબ હેં હેં હેં કરતા જીપમાં બેઠા. પંદરમી તારીખે પ્રાર્થના ચાલુ હતી અને સેવિકા બહેન એક ચિઠ્ઠી લઈને આવ્યાં. ચુપચાપ વીરબાળાબહેનના હાથમાં મૂકી. બહેને ચિઠ્ઠી વાંચી અને પાછળ જ લખી આપ્યું: ‘સાહેબને પ્રાર્થનામાં જ લઈ આવો!’ પાન્ડોરાસાહેબ માટે બહેનની બાજુમાં જ જગ્યા કરી. સાહેબ ગોળ તકિયાને અઢેલીને બેસવા ગયા પણ બધાંને આંખો બંધ કરીને ટટ્ટાર બેઠેલાં જોયાં એટલે એમને પણ એમની જેમ બેસવું પડ્યું. સમૂહસ્વરોમાં ગવાતું હતું: ‘એક જ દે ચિનગારી, મહાનલ! એક જ દે ચિનગારી... ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી વાત વિપતની ભારી; મહાનલ! એક જ દે ચિનગારી...!’ સરસ્વતીની તસવીર આગળ કરેલી અગરબત્તીની સુગંધે વાતાવરણને ભરી દીધું. આજના મુખ્ય સમાચારોનું વાચન પૂરું થયું અને પ્રતિજ્ઞાપત્ર બોલાય ત્યાર પહેલાં વીરબાળાબહેને આવેલા મહેમાનનો પરિચય કરાવ્યો અને કહ્યું કે, ‘આ સાહેબ આપણી સંસ્થાના વિકાસમાં ઘણી બધી રીતે મદદ કરી રહ્યા છે.’ રાષ્ટ્રગીત પછી સહુ વિખરાયાં પોતપોતાના વર્ગોમાં ગયા. વીરબાળાબહેન, ચારુબહેન અને સાહેબ ઑફિસમાં આવ્યાં. થોડી વારમાં ચા આવી. ચા પીતાં પીતાં જ ચારુબહેનને એવું લાગ્યું, ‘આ સાહેબ તો જાણે તે દિવસવાળા સાહેબ જ નહીં! આ તો એકદમ સંસ્કારમૂર્તિ જ જોઈ લ્યો!’ શિક્ષકો-વિદ્યાર્થિનીઓનાં હાજરીપત્રક, કન્ટીજન્સી, ગ્રાન્ટ વગેરેનાં રજિસ્ટર, શિક્ષકોની નિમણૂકની મંજૂરીના પત્રો, ખરીદી અને ડેડસ્ટોક રજિસ્ટરો, હોસ્ટેલનાં અને રસોડાનાં ખર્ચપત્રકો વગેરે જોવા પછી પાન્ડોરાસાહેબને ખાસ કંઈ બોલવા જેવું રહ્યું નહોતું એટલે કહે કે, ‘ચાલો હોસ્ટેલની મુલાકાત લઈએ!’ વીરબાળાબહેન એકદમ ચમક્યાં. છંછેડાયાં હોય એવો ચહેરો કરીને બોલ્યાં, ‘સાહેબ! લેડિઝ હોસ્ટેલમાં જઈને આપને વિશેષ શું જોવું છે? અહીં રસોડું અને ભોજનાલય સંયુક્ત છે. મેટ્રિક સુધીની બાળાઓની અને પી. ટી. સી. ની બહેનોની હોસ્ટેલ અલગ અલગ છે. ખરીદી, ખર્ચ અને વપરાશનો વહીવટ-હિસાબ બધું વિદ્યાર્થિનીઓ હસ્તક રહે છે.’ ‘કાગળ ઉપર જોયું એનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીએ તો જરા વધુ ખ્યાલ આવે!’ બહેનની સામે જોવાને બદલે એમણે આ વખતે ચારુબહેન સામે જોયું. ‘હાઈસ્કૂલની બધી બાળાઓ તો અહીં સ્કૂલમાં જ છે અને પી. ટી. સી. વાળી બધી બહેનોને હોસ્ટેલમાં મોકલી છે, કેમકે આવતી કાલે આજુબાજુના ગામોની સ્કૂલોમાં એમણે પાઠ આપવા જવાનું છે એટલે એની બધી તૈયારીઓ ચાલતી હશે!’ ‘તો આપણે ત્યાં જઈએ!’ કમને એક ઝટકા સાથે, સાડીનો છેડો અને બ્લાઉઝની બાંયનો ફુગ્ગો સરખો કરતાં બહેન ઊભાં થયાં. એમની સાથે જ ચારુબહેન પણ ઊઠ્યાં. સાહેબ તો એ બંનેની પહેલાં જ ઊભા થઈ રહ્યા હતા. વીરબાળાબહેને ચારુબહેનની સામે જોયું અને હેતુપૂર્વક બોલતાં હોય એમ જરા ભાર દઈને બોલ્યાં, ‘ચારુબહેન! તમે શૈક્ષણિકકાર્ય સંભાળો. હું સાહેબને બધું બરાબર બતાવીને આવું!’ પાન્ડોરાસાહેબને તો જાણે એટલું જ જોઈતું હતું! એકદમ ખુશ થઈને આગળ ડગ માંડ્યાં! બંને જણે લાંબી લોબી પસાર કરી અને ખુલ્લા મેદાનમાં આવ્યાં. ચાલતાં ચાલતાં જ પાન્ડોરાસાહેબ કહે, ‘મેં સાંભળ્યું છે કે અહીંની રસોઈ બહુ વખણાય છે! એકાદ વખત જમવા આવવું પડશે!’ ‘ફરિયાદ ન આવે એનો અર્થ એમ કે વખણાય છે. બાકી અમારી બહેનો માટેનું ભોજન એકદમ સાદું હોય છે. હા, પૌષ્ટિક ખરું!’ ‘તમે જમવા આવવા વિશે કંઈ ન કહ્યું!’ ‘જરૂર પધારો! બને તો પરિવાર સાથે જ આવો! અમારાં બહેન અને બાળકો રહી જાય તે ન ચાલે! જો કે એના માટે અગાઉથી રસોડે જાણ કરવી પડે!’ પાન્ડોરાને થયું કે આ વીરબાળા એકેય વાતે હાથ મૂકવા દે એવી નથી. એટલે વિચાર કરીને થોડી વારે બોલ્યા, ‘પણ હું તો અહીં એકલો રહું છું. ફેમિલી તો અમદાવાદ...’ ‘પણ ક્યારેક તો આવશે ને? ત્યારે...’ ‘એ તો કોઈ અહીં ન આવે… અમારી તો બદલીઓ થયા કરે... એ બધે બાળકો લઈને ક્યાં ભટક્યા કરે?’ ‘હા. એ ખરું!’ એટલી વારમાં તો હોસ્ટેલ આવી ગઈ. એમને પગથિયાં ચડતાં જોઈને લોબીમાં રહેલી બહેનો રૂમમાં દોડી ગઈ. પહેલી રૂમમાં, સહુ પ્રથમ બહેન ગયાં, સાહેબને બહાર ઊભા રાખ્યા. પછી થોડી વાર રહીને કહે કે- ‘આવો અંદર!’ સાહેબે જોયું તો ચાર ખૂણે ચાર પલંગ, બાજુમાં દરેકનો નાનો પણ અલગ કબાટ. વચ્ચોવચ્ચ બહુ મોટું ટેબલ. એની ફરતે ચાર ખુરશીઓ. બધાં સાથે જ ભણે. પોતે જે જોવા ધારતા હતા એમાંનું કંઈ જોવા ન મળ્યું એટલે સાહેબ માંડ માંડ આટલું બોલ્યા, ‘વ્યવસ્થા તો સરસ છે!’ બહેને હોસ્ટેલની મોનિટર સંધ્યાને બોલાવી. સાહેબની ઓળખાણ કરાવી. કહ્યું કે, ‘અમારા બધા જ કાર્યક્રમોનું આયોજન સંધ્યા કરે. એનું ભરતનાટ્યમ તો બહુ જ સરસ!’ એકદમ ઊંચી, હાડેતી અને બધી રીતે સુંદર, સંધ્યાને જોઈને સાહેબની આંખોમાં સાપોલિયાં રમવા માંડ્યાં. વીરબાળાબહેને તરત કહ્યું, ‘ચાલો હવે રસોડા તરફ. આ બધી રૂમો તો એકસરખી જ છે. ‘રસોડે જવા માટે પાછળની બાજુએ જવું પડશે’ એમ કહીને પગ ઉપાડ્યા. વગર બોલ્યે જ સંધ્યાને આંખના ઈશારે સમજાવી દીધું, ‘સાથે આવવાની જરૂર નથી...’ સાહેબને એવી અપેક્ષા હતી કે સંધ્યા સાથે જ આવશે, પણ એમની સાથે તો માત્ર બહેન જ હતાં, એટલે એક વાર પાછું વળીને જોઈ લીધું. કોઈ દેખાયું નહીં એટલે ન છૂટકે પગ ઉપાડતા હોય એમ આગળ વધ્યા. રસોડામાં જતાં પહેલાં બૂટ કાઢવા પડે એવી કદાચ સાહેબને ટેવ નહીં હોય, પણ વીરબાળાબહેને ચંપલ કાઢ્યાં એટલે એમને અનુસરવાને બદલે કહે કે, ‘ચાલશે... ચાલશે અહીં બહારથી જ જોઈ લઈએ!’ સામે બારણા પાસે જ બ્લેકબોર્ડમાં લખ્યું હતું :

તનનો જમણવાર મનનો જમણવાર
(૧) કઢી (૧) શ્લોકગાન
(૨) ભાત (૨) ભજન: હરિકીર્તનની હેલી રે મનવા...
(૩) ચણા (૩) ધૂન : શ્રી રામ જયરામ...
(૪) કારેલાનું શાક
(૫) રોટલી
(૬) કચુંબર

યાદી જોયા પછી પણ સાહેબને ખાસ કશું કહેવા જેવું રહ્યું નહોતું. એટલે પોતે જ કહે કે, ‘ચાલો હવે પાછાં ઑફિસ બાજુ જઈએ.’ બહેન પણ મૂંગાં મૂંગાં ચાલવા માંડ્યાં. સાહેબના મનમાંથી સંધ્યાનો ચહેરો ખસતો નહોતો. ઇરાદાપૂર્વક પોતે ધીમા પડ્યા અને ચારેબાજુ નજર ફેરવી. સહેજ આગળ ચાલી ગયેલાં વીરબાળાબહેનને પણ ઊભાં રહેવું પડ્યું. પછી એમની પાસે જઈને કહે, ‘એવી સરસ તમારી સંસ્થા છે. જવાનું મન ન થાય! સાંજે એકાદ સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવો!’ ‘પી. ટી. સી. ને તો કાલે પાઠ છે. એટલે એ તો કોઈ નહીં જોડાય! પણ, આઠમા-નવમાની બહેનોને કહીએ તો પ્રાર્થના પછી નૃત્યનો કાર્યક્રમ રાખી શકાય.’ ‘હા. એવું જ ગોઠવો. પી. ટી. સી. વાળું પછી… ફરી ક્યારેક.... ‘ વીરબાળાબહેનને લાગ્યું કે આ માણસ ગુંદાના ઠળિયા જેવો છે. એક આંગળીએથી ખંખેરો તો બીજી આંગળીએ ચોંટે છે. આમ તો એમના સ્વભાવ મુજબ ‘સાહેબ હોય તોય શું થઈ ગયું?’ એમ કહીને બીજી મિનિટે કાઢી જ મૂકે. પણ ચારુબહેને કહેલી બધી વાત એમને યાદ હતી, એટલે એ પણ જોવા માંગતાં હતાં કે આ માણસ કઈ હદે અને કેવી રીતે જાય છે! ‘તો પછી આપ સાંજે સાતેક વાગ્યે આવી જજો. સામાન્ય રીતે અમે વિદ્યાર્થિનીઓના પૈસે કોઈને જમાડતાં નથી. પણ જો આપને ખીચડી-શાક- ભાખરીનું સાદું ભોજન ફાવે તો મારા ગેસ્ટ તરીકે આપનું નામ નોંધતાં મને આનંદ થશે.’ ‘ના... ના... હું તો મારી વ્યવસ્થા છે ત્યાં જ જમીશ. પણ, સાંજે આવું છું એ નક્કી!’ હવે સાહેબે ઉતાવળાં પગલાં લીધાં. પાછા ઑફિસમાં પણ ન ગયા અને સીધા જ જીપ તરફ ગયા. વીરબાળાબહેન છેક જીપ સુધી વળાવવા ગયા. ‘આવજો... પધારજો. .…’ થયું. જીપ ઊપડી અને વીરબાળાબહેને ઊંડો શ્વાસ લીધો. ચારુબહેન રાહ જોઈને જ ઊભાં હતાં. ‘સાહેબ ગયા?’ ‘હા. સિધાવ્યા...! સાંજે પાછા આવવાના છે. છોકરીઓનું નૃત્યગીત જોવા!’ ‘ઓ... હો!’ ‘માણસ ઊંડો અને ખંધો છે. પણ કંઈ વાંધો નહીં, આપણેય આટલાં વર્ષો પાણીમાં થોડાં નાંખ્યાં છે?’ સાંજે આખું આકાશ કેસરિયું થઈ ગયું હતું. હજી તો બાળાઓ જમતી હતી, ત્યાં જાહેરાત થઈ કે સાંજનો કાર્યક્રમ મોકૂફ રહ્યો છે. હમણાં જ સમાચાર આવ્યા છે કે સાહેબને અન્યત્ર જવાનું હોવાથી આજે કાર્યક્રમમાં નહીં આવી શકે...

***