બાળ કાવ્ય સંપદા/હું છું ખાખી બાવો

From Ekatra Foundation
Revision as of 15:33, 15 February 2025 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
હું છું ખાખી બાવો

લેખક : નરોત્તમ વાળંદ
(1931)

“બમ્ બમ્ ભોલે અલખ નિરંજન
હું છું ખાખી બાવો,
ભિક્ષા માટે આવ્યો મૈયા
ચપટી આટો લાવો...”

બા બેઠી’તી રસોઈ કરવા
લઈને પળનો લ્હાવો,
જટા બનાવી, ભભૂત લગાવી
બચુ બન્યો ત્યાં બાવો...

“રસોઈ એવી કશી ખપે ના
નહીં મીઠાઈ-માવો,
વૈરાગીને ભોજન સાદું
ખીચડી આટો ખાવો...

પૈસા કપડાં કંઈ ના જોઈએ
વળી ના જોઈએ સરપાવો,
મનમોજીલા બની અમારે
જગદીશનો જશ ગાવો...”

બા બોલી આજીજી કરતી
“ચીપિયો ના ખખડાવો,
ઘરમાં હમણાં કોઈ નથી ને
મુજને ના બિવડાવો..."

“અચ્છા મૈયા હમ ચલતે હૈં"
કહીને ચાલ્યો બાવો,
વેશ હટાવી, થઈને ડાહ્યો
બોલ્યો, “બા ! હું આવો !”